સફરમાં મળેલ હમસફર
ભાગ-28
“આ પુસ્તકમાં સાત પ્રકરણ છે.પરષોત્તમ કદાચ સાત જગ્યાએ પહોંચી શક્યો હશે.તેણે બધા જ પ્રકરણમાં જુદી જુદી રહસ્યમય જગ્યાઓનો ઉલ્લેખ કર્યો છે સાથે જ બધા પ્રકરણના અંતે એક કોયડો લખેલો છે.મને લાગે છે આપણે એ કોયડા ઉકેલશું તો ખજાના સુધી પહોંચી જશું”
“હું તારા કોઈપણ આવા સાહસમાં સાથ નથી આપવાનો”શુભમે કહ્યું,“તને ખબર છે એ ખજાના પાછળ કેટલા લોકો હશે?જો ખજાનો હોત તો કોઈને મળી ગયો હોત”
“જે લોકો એ ખજાના પાછળ હશે તેઓ પાસે આ બુક નહિ હોય.એ લોકો ભલે એક-બે કડી શોધી લે પણ જ્યાં સુધી દસ કડીઓ નહિ મળે ત્યાં સુધી ખજાનો નહિ મળે એ મને ખબર છે”
“તું આટલા વિશ્વાસ સાથે કેવી રીતે કહી શકે છે?”શુભમ રુદ્રની વાતોથી અચંબિત થઈ રહ્યો હતો.
“મેં આવી ખજાનાની કેટલીય સ્ટોરીઓ વાંચી છે.તેમાં આવી જ રીતે કોયડા હોય છે.આપણે એ કોયડા સમજીને તર્ક કાઢીશું”
“ચાર દિવસ પછી જે.ડી.ની બહેનના લગ્ન છે.તું લગ્નમાં રહીશ કે આ ખજાનો શોધીશ?”
“મેં તને શું કહ્યું હતું યાદ છે?”રુદ્રએ કહ્યું, “આપણે લગ્નથી કોઈ મતલબ નહિ,હું તો આ ગામમાં રહેલા રહસ્યો જાણવાની ઈચ્છાએ આવ્યો છું.એ લોકો લગ્નમાં વ્યસ્ત રહેશે આપણે આપણું કામ કરવાનું.જો હાથમાં આવ્યું તો આપણું નહીંતર ક્યાં આપણું હતું?હાહાહા,સાહસ કરવામાં શું પ્રોબ્લેમ છે?”
“હા યાર હું પણ હવે કંટાળ્યો છું,લાઈફ બોરિંગ થઈ ગઈ છે. ચાલ હું તારી સાથે છું.જે થશે એ મારા ભોળાનાથ જોઈ લેશે”શુભમે પણ ઉત્સાહમાં આવીને કહ્યું.
“ગ્રેટ,તારી પાસે આ જ અપેક્ષા હતી બકા.ચાલ કોઈક જગ્યા પર બેસીને પહેલો કોયડો સોલ્વ કરીએ”કહી બંને આગળ ચાલવા લાગ્યા.શુભમના ઘરથી ડાબા રસ્તે બે ગલી છોડીને જમણી તરફ ‘ભૂતપતિ ભોળાનાથ’નું મંદિર છે.બંને મંદિરના પરસાળમાં આવ્યા.ત્યાં એક પીળો બલ્બ સળગતો હતો. બલ્બનો આછો પીળો પ્રકાશ શિવલિંગ પર પડતો હતો.રુદ્રએ પ્રસ્તાવના વાંચવાની શરૂ કરી.
‘સિહોરની સમૃદ્ધ ભૂમિ પવિત્ર છે,અહીં રામ-રહીમ બધા જ છે.અહીં અસંખ્ય ભોળાનાથનાં મંદિર પણ છે,અહીં દરગાહ અને મસ્જિદ પણ છે.અહીં રાતોરાત બ્રહ્મકુંડ પણ બનેલો છે અને અહીં 1857ના સંગ્રામમાં પરાજિત થયેલા નાના સાહેબ પેશ્વાએ પનાહ પણ લીધેલી.
સિહોરને ઘણી ધરોહર મળેલી છે.તેમાં એક ધરોહર હતી સોનગઢના સિપાહીઓને મળેલો ખજાનો.કહેવાય છે પ્રાચીન કાળમાં સોનગઢના પહેલા રાજાએ વલભીપુર પર આક્રમણ કર્યું હતું.તેના રાજાને ધરાશાહી કરી મેળવેલો ખજાનો સોનગઢ લઈ જવામાં આવતો હતો.ત્યારે સિહોરના રાજાએ આક્રમણ કર્યું અને ખજાનો લૂંટવાની કોશિશ કરી.એ સમયે લોહીની નદીઓ વહી હતી.બંને રાજાઓના ઘણાબધા સિપાહીઓ મૃત્યુ પામ્યા હતા.અંતે સોનગઢના સિપાહીઓ હારની કગાર પર આવ્યા ત્યારે તેઓએ ખજાનો જમીનમાં ભંડારી દેવાનો નિર્ણય કર્યો.રોતોરાત એ સાત વાર ઊંડો ખાડો કરી એ ખજાનાને ભંડારી દેવામાં આવ્યો.ત્યારબાદ સિપાહીઓ નાસી છૂટ્યા હતા.સિહોરના રાજાને જ્યારે એ વાતની ખબર પડી ત્યારે તેઓએ એ જગ્યા પર ખોદકામ કરાવી ખજાનો પ્રાપ્ત કરવાની કોશિશ.મજૂરોએ દસ વાર ખાડો ખોદયો પણ ત્યાં કંઈ ના મળ્યું અંતે નિરાશ થઈને રાજાએ ખોદકામ અટકાવી દીધું હતું અને રહસ્યમય રીતે આ ઘટના પર પડદો પાડી દેવામાં આવ્યો હતો.
સોનગઢના છેલ્લા રાજાને ત્યાં ખજાનો હોવાના અણસાર મળ્યા હતા,ત્યારે તેઓએ ત્યાં રાહદારીઓની સેવાઓ માટે કૂવો ખોદાવવાનું બહાનું બનાવી એ ખજાનો મેળવી લીધો અને સોનગઢના ભંડારોમાં લઈ ગયા.સિહોરના રાજાના ડરથી તેઓએ એ ખજાનો રાતોરાત બીજી જગ્યા પર સ્થળાંતર કરી દીધો અને ખજાનો અદ્રશ્ય થઈ ગયો તેવી અફવા ઉડાવી.
એ ખજાનો જે જગ્યા પર લઈ જવામાં આવ્યો હતો એ જગ્યાની જાણકારી માત્ર સોનગઢના રાજા અને તેના પ્રધાન નરેન્દ્રસિંહને ખબર હતી.ખજાનો પહોંચાડનાર મજૂરોને કેદ કરી લેવામાં આવ્યા હતા જેથી ખજાનાની જાણકારી કોઈને ના મળે.
એક રાત પ્રધાને રાજાની જાણ બહાર એ ખજાનો ઉઠાવી કોઈ બીજી જગ્યાએ છુપાવી દીધો અને ભવિષ્યમાં માત્ર તેની પેઢી આ ખજાના સુધી પહોંચી શકે એ પ્રધાન નરેન્દ્રસિંહે ખજાના સુધી પહોંચવાનો એક તાંમ્રપાત્રમાં નકશો બનાવ્યો..રાજાને આ વાતની જાણ થઈ એટલે તેણે પોતાના સિપાહીઓને મોકલ્યા.પ્રધાનને પહેલેથી આ વાતની ખબર પડી ગઈ હતી એટલે તેણે એ નકશાના દસ ભાગ કરી જુદી જુદી જગ્યાઓએ છુપાવી દીધા અને આત્મહત્યા કરી લીધી.
હું સાહસમાં રસ ધરાવું છું એટલે મેં મારી આ સફર શરૂ કરી છે.હું ક્યાં સુધી પહોંચીશ એ મને ખબર નથી. હું કેટલી કડી જોડી શકીશ એ પણ ખબર નથી.મને જેટલી કડી મળશે એની એક પહેલી બનાવી હું લખતો જઈશ.જો કોઈ સાહસિક આ કામમાં જોડાવવા ઈચ્છે તો મારું આ પુસ્તક તેને મદદરૂપ થશે. -પરષોત્તમ.’
★પહેલી કડી★
“નવ જોડના સંગમ જ્યાં થયા,
સિહોરમાં એવા દિવસ વહ્યા.
એક માસ રહ્યા આ દિવસ,
પછી એ જાતે જ લુપ્ત થયા.
જ્યાં રહ્યો આ માસ ત્યાં દીવો થયો,
આવશું આવતા વર્ષે એવું કહેતો ગયો.”
રુદ્રએ બે-ત્રણ વખત પંક્તિ વાંચી પણ કંઈ સમજાયું નહીં.
“નવ જોડ!!”રુદ્રએ ઉદગાર સાથે શુભમને પૂછ્યું, “ક્યાં માસમાં નવનું જોડકું આવે?
બંને હજી વિચારતાં હતાં ત્યાં મંદિરની પાછળ રહેલી દીવાલે ખડખડાટ થયો.બંને સચેત થઈ ગયા.રુદ્ર દબેપાવ દીવાલ પાસે ગયો.ત્યાં કોઈ નોહતું.
“કૂતરું હશે”શુભમ તરફ પરત આવતાં રુદ્રએ કહ્યું.
“આ કોયડાનો જવાબ આપણે કાલે શોધીશું.અહીંયા વધુ ના રહેવાય.રાતના સમયે કચોટીયા ભૂતાવળ જેવું બની જાય છે”
“સાચી વાત કહી તે,આમ પણ રાત્રે મારે હજી એક કામ છે એટલે આપણે નીકળીએ”
“સેજુ પસંદ આવી ગઈ?”શુભમ હસી પડ્યો.રુદ્ર આંખો ફાડીને શુભમ સામે જોવા લાગ્યો.શુભમ હજી મૂછમાં હસતો હતો.
“શું વિચારે છે?મને તો ખબર જ હતી એક દિવસ આ થવાનું છે.હાહાહા”શુભમ મોટેથી હસવા લાગ્યો, “એ છે જ એવી છોકરી,તું શું કોઈ પણ તેના પર ફિદા થઈ જાય”
“તું કહે એમ પણ આ વાત યાદ રાખી લે નવ જોડના દિવસ જે માસમાં આવે ત્યાં આપણી કડી અટકેલી છે,પુરી રાત વિચારીને કહેજે બરોબર?”રુદ્રએ શુભમને સૂચન આપતાં વાત બદલી.
“એમાં શું વિચારવાનું હોય?નવ દિવસની નવ રાત્રી આવે.આટલું તો પાંચ વર્ષના બાળકને પણ ખબર પડે”શુભમે હસીને કહ્યું.
“હા,નવરાત્રી.નવરાત્રીમાં જ નવ માસ અખંડ દીવો હોય બરાબર?હવે પહેલાંના સમયમાં સૌથી શ્રેષ્ઠ નવરાત્રી ક્યાં થતી એ જગ્યા જાણવાની રહી”રુદ્રએ તર્ક લગાવતાં કહ્યું.
“સિહોરમાં શ્રેષ્ઠ નવરાત્રી પ્રગટનાથના ઢાળમાં થતી અને થાય છે.ત્યાં જેવી નવરાત્રી થાય છે ને,આજ સુધી સિહોરમાં બીજે ક્યાંય એવી નવરાત્રી નથી થતી”
“ગ્રેટ તો ચાલો કાલે સવારે ત્યાં પડાવ નાખીએ”રુદ્રએ કહ્યું.ત્યાંથી બંને ઘર તરફ નીકળી ગયા.
*
જનકે મોકલેલા બે માણસમાં એક બટુક હતો અને બીજો સામત હતો.બંને ઉંચાઈએ પુરા છ ફુટ ઊંચા અને શરીરે પહાડી માંસલ ધરાવતા હતા.બટુક છુરો ચલાવવામાં મહારત હતો જ્યારે સામત પોતાની સાથે હંમેશા એક નાની કુલ્હાડી રાખતો.એક સાથે ત્રણ-ચાર માણસને આસાનીથી ફંગોળી શકે એટલી તાકાત ધરાવતા બે ઓળા કચોટીયામાં પ્રવેશી ચૂક્યા હતા.
અહીં લોકો વહેલાં સુઈ જતાં હોવાથી બંને આસ્વસ્થ થઈને હવેલી તરફ આગળ વધતાં હતા.ભૂતપતિ ભોળાનાથના મંદિર પાસે પહોંચતા બે વ્યક્તિઓનો અવાજ તેની તેઓના કાને પડ્યો.
“આટલી રાતે મંદિરે કોણ હશે?”બટુકે મોંમાં રહેલી સળગતી બીડીને નીચે ફેંકી પગેથી દબાવતાં કહ્યું.સામતે મંદિર તરફ નજર કરી.રુદ્ર અને શુભમ ત્યારે પરોષોત્તમે લખેલા પુસ્તક વિશે ચર્ચા કરતાં હતાં.
“જે હોય એ આપણે સરપંચની જાણકારી મેળવવાથી મતલબ છે”વાતને ટાળવાના ઈરાદાથી સામત બોલ્યો.
એ જ સમયે રુદ્ર મોટા અવાજે શુભમને સમજાવતો હતો,‘મને લાગે છે આપણે એ કોયડા ઉકેલશું તો ખજાના સુધી પહોંચી જશું’
બટુકે કાન પહોળા કર્યા.
“તે સાંભળ્યું આ છોકરો શું બોલ્યો?”બટુકે ધીમા અવાજે પૂછ્યું.
“ખજાનાની વાત કરે છે આ લોકો”સામતે પણ કાન માંડતા કહ્યું.
“તને એવું નથી લાગતું આપણે બધી વાતો સાંભળવી જોઈએ?”ફરી ધીમા અવાજે બટુકે પૂછ્યું.
સામતે બટુકની વાતમાં સહમતી દર્શવતા કહ્યું, “કેટલા દાડા સુધી આમ બીજાની મહેરબાની એ જીવશું?જો એ ખજાનો આપણાં હાથમાં આવી ગયો તો બધું મેલીને ક્યાંય ભાગી જશું”
બંનેના વિચારો મળી ગયા એટલે બંને દબેપાવ મંદિરની પાછળ રહેલી ભીંતને ઓથરે આવીને લપાઈ ગયા અને બંનેએ રુદ્ર-શુભમ વચ્ચે થયેલી બધી જ વાતો સાંભળી લીધી.બંને પહેલા કોયડા વિશે વિચારતાં હતા ત્યાં બટુકના પગે મકોડાએ ચટકો ભર્યો.બટુકે ઉતાવળથી પગ ઉંચો કર્યો જેના કારણે દીવાલ પાસે રહેલા સૂકા પાંદડાનો અવાજ થયો.
સામતે જોયું તો રુદ્ર અને શુભમ સચેત થઈ ગયાં હતાં અને દીવાલ તરફ નજર કરતાં હતાં.પોતે કારણ વિના મુશ્કેલીમાં મુકાઈ જશે એમ વિચારીને સામતે ભાગવાનો વિચાર કર્યો.દબેપાવ થોડું ચાલી સામત દોડવા મંડયો.તેની પાછળ બટુકે પણ સામતનું અનુકરણ કર્યું.
થોડે દુર એક મોટા લિમડાના થડની પાછળ જઈ બંને છુપાઈ ગયા.સામતે ડોકિયું કરી રુદ્ર અને શુભમની ગતિવિધિ પર ધ્યાન આપ્યું.રુદ્રએ દીવાલ પાસે આજુબાજુ નજર કરી અને પછી શુભમ પાસે જઈ ઉભો રહી ગયો.થોડીવાર બંનેના વચ્ચે વાતો થઈ પછી બંને ચાલવા લાગ્યા.બંને ગયા એટલે સામતે રાહતનો શ્વાસ લીધો,કમીજના ખિસ્સામાંથી બીડી કાઢી સળગાવી.
“શું લાગે બટુક આ છોકરાઓનો પીછો કરવા જેવો છે?” બીડીનું પડીકું બટુકને આપતાં સામતે પુછ્યું.બટુકે પણ એક બીડી કાઢી સળગાવી.
“પીછો તો કરવા જેવો છે પણ અત્યારે આપણે તળશી પર નજર રાખવાની છે.રોજ રાતે એ વાવ પાસે શું કામ છે એ જાણી લેવી પછી આ છોકરાઓ પર નજર રાખશું”બટુકે પોતાનો સુજાવ આપતાં કહ્યું.
“તો હાલ.પેલા એ કામ પતાવીએ અને પછી આ”કહેતાં સામત હવેલી તરફ અગ્રેસર થયો.
રાતના દસ થયા હતા.હવેલીમાં નીરવ શાંતિ હતી.ફળિયામાં તાપણામાંથી ધુમાડાની સેર હજી નીકળતી હતી.બટુક અને સામત ચોરીચુપે હવેલીની દીવાલ પાસે પહોચ્યા.હવેલીની દીવાલ દસ ફૂટ ઊચી હતી.
“જા બટુક તું દરવાજા પાસે આંટો મારી આવ,કોઈ ના દેખાય એટલે મને ઈશારો કર.આપણે વડલા માથે ચડીને તળશી નીકળે ત્યાં સુધી વાટ જોવાની છે”સામતે બટુકને આદેશ આપ્યો.બટુક કોઈ ગામના માણસની જેમ ટહેલતો હોય તેવી રીતે રસ્તા પર ચાલવા લાગ્યો.દરવાજા પાસે આવી તેણે હાથમાંથી બીડીનું પડીકું નીચે પાડી દીધું.પડીકું લેવાના બહાને તેણે દરવાજા તરફ નજર કરી.અંદર સ્મશાનવત શાંતિ જોઈ બટુકે સામતને ઈશારો કર્યો.સામતે નીચે એક મોટો પથ્થર હતો તેના પગ રાખ્યો અને દીવાલ પકડી ડોકિયું કર્યું.હવેલીમાં કોઈ ચહલપહલનથી થતી તેની ખાતરી કરી સામત દીવાલ કુદી ગયો.તેની પાછળ બટુક દીવાલ દીવાલ કુદી ગયો.
“તું અહિયાં જ ઉભો રહેજે.હું ઈશારો કરું એટલે આવજે અને જો કોઈ જોઈ જાય તો દીવાલ કુદી ભાગી જજે,હું મારી રીતે છટકી જઈશ”કહી સામત વડ તરફ આગળ વધ્યો.વડની નીચે પહોંચી તેણે બટુકે આવી જવા ઈશારો કર્યો અને વડવાઈ પકડી ઉપર ચડવા લાગ્યો.બટુક પણ વડ નીચે પહોંચ્યો અને વડવાઈ પકડી ચડવા લાગ્યો.
“કોણ છે ત્યાં?”વડથી થોડે દુર ઉભેલી એક વૃદ્ધ સ્ત્રીએ પૂછ્યું.
(ક્રમશઃ)