આકાશ (ભાગ - ૨)
ખાસ નોંધ :-
આ વાર્તા ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ ના રોજ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને લખવામાં આવેલી એક કાલ્પનિક વાર્તા છે. એમાં પાત્રો, સ્થળ અને મિશન બધું જ કાલ્પનિક છે. આ વાર્તા દ્વારા અમે દેશના વીર જવાનોને કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે એનો થોડો ચિતાર આપીને એક નાનકડી શ્રદ્ધાંજલિ આપવાનો પ્રયત્ન કર્યો છે. અમારાથી કોઈ ભૂલ થાય તો અમારું ધ્યાન દોરીને અમારા આ પ્રયાસને યોગ્ય માર્ગે વાળવા વિનંતી.
*****
આપણે પહેલા ભાગમાં જોયું કે આર્યન રાજપૂત કેવી સ્થિતિમાં ઘડાયો અને એની જીવન સફર કેવી રહી. સાથે કઈ સ્થિતીમાં એને જમ્મુ જવા રવાના થવું પડ્યું. એ જમ્મુ પહોંચી જાય છે.
*****
જમ્મુ પહોંચીને આર્યન તરતજ પોતાના કેમ્પમાં જતો રહ્યો. ત્યાં પહોંચ્યો એના સાથી જોડે આ ઘટના વિશે માહિતી મેળવી. કેમ્પના HOD એ સૂચના આપી કે આપણી ટીમ સાંજે ૩ વાગે ઘટના સ્થળની મુલાકાત લેવા જવાની છે. આર્યન ત્યાં જવાની તૈયારીઓમાં ટીમ સાથે લાગી ગયો.
આર્યન અને એની ટીમ સ્થળ ઉપર પહોંચી ત્યારે ત્યાં NSA તરફથી બીજી એક ટીમ પણ સ્થળ ઉપર સ્થિતિ જાણવા આવી હતી.
આ ટીમમાં બે જણ મુખ્ય હતા. એક હતા, આસપાસના સ્થળોના અને લોકલ ભાષાના જાણકાર અહેમદ ખાન, જે કાશ્મીરના ડોડા જિલ્લાના એક ગામના વતની હતા. બાળપણથી જ આ ખોફનો માહોલ જોઈને મોટા થયેલા અહેમદ ખાનને આતંકવાદી ઉપર સખત ધૃણા હતી અને એમનામાં આ દેશદાઝ સિંચવાનું કામ કર્યું હતું એમના પિતાએ કે જેમને એક વાર આતંકી હુમલામાં થયેલા ગોળીબારથી એક આર્મી ઓફિસરે પોતાના જીવના જોખમે બચાવ્યા હતા.
અને બીજા હતા હનુમંત ગુર્જર જે હરિયાણાના વતની હતા. તે બાળપણથી જ પરાક્રમી હતા. નવા નવા જોખમ ખેડવા એ તેમની મનગમતી પ્રવૃત્તિ હતી અને એમના આજ સ્વભાવે એમને બોમ્બ ડિસ્પોઝલ એક્સપર્ટ અને જાણકાર બનાવ્યા હતા. કોઈપણ સ્થિતી કે સંજોગોમાં એમનું મજબૂત, અડગ મન અને સાહસિક વિચારો એમને બેસ્ટ બનાવી રહ્યા હતા.
આજ સુધી આર્યન રાજપૂતે આ બંને ઝાંબાજ સૈનિકોના નામ અને વીરતાની વાતો સાંભળી હતી. આ પહેલી તક હતી જ્યારે આર્યન રાજપૂત, અહેમદ ખાન, હનુમંત ગુર્જર આ ત્રણ વીર યોદ્ધાઓ એકજ સ્થળ ઉપર હતા. ત્રણે જણાંના મનમાં આક્રોશ ઉભરાઈ રહ્યો હતો. આ આતંકીઓએ જે બેરહેમ ખેલ ખેલ્યો હતો એ ઠેર ઠેર વિખેરાયેલા લોહીના સુકાયેલા ડાઘાથી જોઈ શકાતો હતો. આટલા બધા CRPF જવાન શહિદ થયા અને એ પણ એક યોજનાબદ્ધ રીતે! જે રીતે જવાનોની બસ જોડે વિસ્ફોટક ભરેલી કાર અથડાવીને આતંકવાદી હુમલો કર્યો એ વાતથી ત્રણેનું લોહી ઉકળતું હતું. અને આ સ્પષ્ટ રીતે એમના વર્તનમાં જણાઈ આવતું હતું. ત્રણેયના મનમાં એકજ ભાવ ઊભા થતા હતા કે આ હુમલાનો બદલો એવો હોવો જોઈએ કે આખી દુનિયા દેખે અને આતંકનો જડમૂળથી નાશ થાય.
આતંકવાદી હુમલાને પૂરા ૨૪ કલાક નીકળી ગયા હતા. દેશની બધીજ ન્યૂઝ ચેનલોમાં લોકો બસ શ્રદ્ધાંજલિ અને બદલો એ જ વાતો કરી રહ્યા હતા. પક્ષ વિપક્ષ એકબીજા ઉપર કીચડ ઉછાડી રહ્યા હતા. એક તરફ શહીદ સૈનિકોનો પરિવાર દુખમાં અને ગુસ્સામાં હતો ત્યાં ભારતનું જન માનસ પણ એમની સાથે હતું. અને હજુ સુધી હુમલાનું ષડયંત્ર કરનાર આતંકીઓ પહોંચની બહાર હતા.
આ તરફ NSA ચિફ મનજીત સિંહ પાસે ગુપ્તચર એજન્સી તરફથી સૂચના મળી કે ત્રણ આતંકીઓ કાશ્મીર ઘાટીના એક નાના ગામમાં છુપાએલા છે અને એમાં કદાચ પુલવામા હુમલાનો આતંકી સાથી યુનુસ ઝફર પણ છે. તરત જ એમણે સુરક્ષા એજન્સીઓ સતર્ક કરી અને આ આતંકીઓના ખાત્મા માટે સ્પેશિયલ અને અચૂક ટીમ બનાવવાનું નક્કી કર્યું.
એ ટીમ માટે સ્પેશિયલ ઑફિસર આર્યન રાજપૂત, અહેમદ ખાન, હનુમંત ગુર્જર અને બીજા ૭ સૈનિકોને હેડ કવાર્ટર બોલાવવામાં આવ્યા અને આ મિશન વિશે માહિતી આપવામાં આવી. આર્યન રાજપૂતને આ મિશનનો ઇન્ચાર્જ બનાવવામાં આવ્યો. અહેમદ ખાન ત્યાંનો હોવાથી ખુબજ ઉપયોગી બની શકે એ માટે એને લેવામાં આવ્યો. સાથે વિપરીત સ્થિતિમાં પણ કામ આવે એવા હનુમંત ગુર્જર ને પણ લેવામાં આવ્યો અને મિશન સમજાવી દેવામાં આવ્યું.
માત્ર બે કલાકની તૈયારીઓ, NSA ચિફ ની સૂચના અને PMO ના ગ્રીન સિગ્નલ સાથે આ મિશન આરંભ કરવામાં આવ્યું.
દસ જણની ટીમ પૂરી તૈયારી સાથે એ ગામમાં પહોચી જ્યાં આતંકીઓ છુપાયેલા હતા. ત્યાં જઈને જોયું તો માત્ર ખોબા જેવું ગામ હતું અને એમાં ઘરો પણ એક દમ નજીક નજીક અથવા કહોને કે એકબીજાને અડીને જ હતા. આ એક નકારાત્મક પોઇન્ટ હતો કારણકે આના લીધે એમના ઓપરેશનમાં ત્યાંના સ્થાનિક નાગરિકોના જાનમાલને નુકશાન થઇ શકે એવું હતું અને જો આમ થાય તો હમેશાંની જેમ બહુ બધાં સવાલોના જવાબ મીડિયા, વિપક્ષ અને માનવ અધિકાર પંચને આપવું ભારે પડે એમ હતું. પણ PMO અને NSA તરફથી આ વખતે ખાતરી આપવામાં આવી હતી કે એ બધું અમે જોઈ લઈશું તમે માત્ર ટાર્ગેટ ઉપર ધ્યાન આપો એ રાહતની વાત હતી.
ત્યાં જઈને હજી એ લોકો પોઝિશન લે એ પહેલાંજ ત્યાંના સ્થાનિકોને આ વાતની ક્યાંકથી ખબર પડી ગઈ ને એમની જીપ ઉપર પથ્થર મારો શરૂ કરી દિધો. પણ પૂર્વ તૈયારીના ભાગરૂપે આ વખતે તાબડતોબ મદદ માટે બીજા આર્મી જવાનને મોકલવામાં આવ્યા જે તે ગામની નજીક તૈયાર જ હતા. પરિસ્થિતિ થોડી થાળે પડી એટલે મુખ્ય ટીમે જ્યાં આતંકવાદી છૂપાયા હતા એ ઘરનો ઘેરો કરી લીધો. આતંકવાદીઓએ ફાયરિંગ ચાલુ કરી દીધું હતું. આથી એમાંથી ત્રણ ટીમ પાડી દેવામાં આવી. આર્યન અને એના બે સાથી એક બાજુના ઘરના ઉપરના ભાગેથી એ ઘરમાં પ્રવેશે છે અને હનુમંત ગુર્જર બીજી બાજુથી એના બે સાથી જોડે થી ઘરમાં ઘૂસવાનો પ્રયત્ન કરે છે. જ્યારે એહમદ ખાન અને બીજા ત્રણ સાથી નીચેથી કાઉન્ટર ફાયરિંગ કરી મોરચો સાંભળે છે.
થોડા પ્રયાસ પછી આર્યન અને હનુમંત ગુર્જર ની ટીમ અંદર જવામાં સફળ થાય છે. એ લોકો આખા ઘરનો એક એક ખૂણો તપાસે છે અને છેલ્લે એ રૂમ આગળ ભેગા થાય છે જ્યાં આતંકવાદીઓએ પોતાને અંદરથી પૂરી દીધા હોય છે. કોઈ પણ પગલું ભરતા પહેલા એ લોકો નીચેથી એ રૂમ ઉપર નજર રાખી રહેલા અહેમદ ખાનના મેસેજની રાહ જોવાનું નક્કી કરે છે.
આ તરફ આતંકવાદી બારીમાંથી આ જવાનોને જોઈ ગયા હોય છે એટલે એમની ઉપર ગોળીબાર ચાલુ કરી દે છે. એમના દ્વારા થતાં ફાયરિંગ ઉપરથી એહમદ ખાનને આશરે અંદાજો આવી જાય છે કે ત્યાં ત્રણ કે ચાર થી વધુ આતંકી નથી છૂપાયા અને એ તરત જ આ મેસેજ કોડવર્ડથી આર્યનને કરી દે છે.
ત્યાં સુધીમાં આતંકવાદીને અણસાર આવીજ ગયો હોય છે કે એમનું મૃત્યુ નજીક જ છે પણ એમને મળેલી તાલીમ મુજબ એ લોકો છેલ્લા સમય સુધી અને વધુમાં વધુ લોકોને મારી શકે એમ અંધાધૂંધ ગોળીબાર કરે છે. એહમદ ખાનની ટીમ ઉપર અંધાધૂંધ ગોળી બાર થતાંજ એ ટીમ પણ હરકતમાં આવે છે. સામસામા ગોળીબારીમાં આતંકીઓ ઘાયલ થાય છે સાથે બે જવાન ઘાયલ થાય છે.
આ તરફ અહેમદ ખાનની જબરજસ્ત કાઉન્ટર ફાયરિંગથી આતંકીઓ હચમચી જાય છે અને એમનું ધ્યાન આ તરફ જ હોય છે. આર્યન રાજપૂત, હનુમંત ગુર્જર અને એમની ટીમ રૂમનો દરવાજો તોડીને અંદર ઘુસી જાય છે અને સામસામા ગોળીબારમાં ત્રણેય આતંકીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે. એ આતંકીઓના મર્યા પછી પણ કેટલીએ ગોળીઓ એમના ઉપર ચલાવવામાં આવે છે. આક્રોશ... હા માત્ર ને માત્ર આક્રોશ હાવી થઈ જાય છે.
આ મિશનમાં દેશમાં જ છુપાઈને દેશ સાથે ગદ્દારી કરતા યુનુસ ઝફર અને એના સાથીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે. પુલવામા હુમલાના માત્ર ૪૮ કલાકની અંદર ભારતમાં છુપાયેલા ગુનેગારોને મોતને હવાલે ઉતારવામાં આવે છે. NSA તરફથી PC કરી આ જાણકારી દેશને આપવામાં આવે છે.
આ જાણકારી દેશના લોકોને મળતાજ લોકો ભારત માતા કી જય અને વંદે માતરમ્ ના નારા લગાવતા રસ્તાઓ ઉપર જોવા મળે છે. સાથે સાથે નાપાક પાક ને સબક શીખવાડવો જ જોઈએ એ પણ લોકોના માનસમાં બેઠેલું હોય છે.
આ તરફ PMO અને NSA ની મીટીંગ થાય છે અને જવાનોની આ શૂરવીરતા માટે એમને અભિનંદન આપવામાં આવે છે. અને નાપાક વિરુદ્ધ શું કાર્યવાહી કરવી એ પણ ચર્ચા કરવામાં આવે છે. દુનિયાનું પ્રેશર અને સામે દેશના લોકોનું પણ પ્રેશર બધીજ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એટલું તો નક્કીજ હોય છે કે આટલાથી નહીં ચાલે કાંઈક નક્કર કરવું પડશે અને એ પણ પૂર્ણ યુદ્ધ ના થાય એ રીતે.
" દેશ માટેની ખુમારી ધગધગી રહી છે આજ,
વિરોની શૂરવીરતા જોવા મન થનગની રહ્યું આજ.
ભારતીના સપૂતો કાજે ભલે થતું મહાભારત આજ,
સુવર્ણ અક્ષરે લખવો છે હવે નવો અધ્યાય આજ. "
*****
જો પુર્ણ યુદ્ધ નહીં તો આતંકનો સફાયો કરવા NSA ચીફ શું નિર્ણય લેશે?
AKASH શું છે..!?, કોણ છે..!? એનું મહત્વ આ વાર્તામાં શું છે?
આ બધાજ સવાલોના જવાબ મેળવવા વાંચતા રહો AKASH. ફરી એકવાર જલ્દી મળશું આ AKASH ની સફરમાં ત્યાં સુધી પ્રતિભાવો આપતા રહો.
*****
આ વાર્તા અમારો સહિયારો લખવાનો પ્રથમ પ્રયાસ છે. આ પહેલાં પ્રતિલિપિ ઉપર અમારી સફળ વાર્તાઓ "અનંત દિશા" ભાગ ૧ -૨૧ (રોહિત પ્રજાપતિ) અને "પ્રેમની પેલે પાર..." (શેફાલી શાહ અને સખી) એને વાંચી અને પ્રતિભાવો જરૂરથી આપશો.
જય જિનેન્દ્ર
શેફાલી શાહ
આ વાર્તા AKASH ની PDF કોપી ફ્રીમાં મેળવવા કોન્ટેક્ટ કરી શકો છો.
Whatsapp (Rohit Prajapati) :- 8320610092
Face book :- #sweetbeatfrdzzzzz (Sweet Beat Frdzzzzz)
Insta :- rohit_jsrk
સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
સદા સંબંધો મહેકાવતા રહો...
જય શ્રી કૃષ્ણ...
રોહિત પ્રજાપતિ
©Rohit Prajapati & Shefali Shah
જય શ્રી કૃષ્ણ..... જય જીનેન્દ્ર.....