કોઝી કોર્નર - 5 bharat chaklashiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોઝી કોર્નર - 5

       
રમલીની મમ્મી શાંતા એના નામ પ્રમાણે શાંત નહોતી. પહેલેથી જ ખૂબ ચંચળ અને નટખટ હતી.એના બાપની ઈચ્છા વિરુદ્ધ એણે વાલમસિંહ સાથે ભાગીને લગ્ન કરેલા. વાલમસિંહના વડવાઓ જુના રજવાડાઓમાં સિપાહી હતા. એટલે મારવા મરવાનો ગુણ એના લોહીમાં જ હતો.શાંતાના ઘરવાળા
માટે તો શિયાળીયાઓએ સિંહ પાસેથી શિકાર છોડાવવવા જેવું કામ હતું, વાલમસિંહ પાસેથી શાંતાને પાછી લાવવાનું.એટલે ના છૂટકે એ લોકોએ શાંતાના નામનું નાહી નાખેલું. વાલમસિંહ એને ભગાડીને ધરમપુર લઈ ગયેલો.ધરમપુરમાં એનો કોઈ ભાઈબંધ કેરીના બગીચા રાખતો હતો એણે આ લોકોને રહેવાની વ્યવસ્થા વાડીની એક ઓરડીમાં કરી આપેલી.ખેતરમાં કામ કરતા ખેતમજૂરોને રહેવા માટે ચાર ઓરડીઓ હતી.એમાંથી એક ઓરડીમાં વલમસિંહનો દોસ્ત ભીખો એના પરિવાર સાથે રહેતો હતો. ભીખાએ વાડીના માલિક ઘમુ સરની પરવાનગી લઈને વલમસિંહને વાડીમાં આશરો અને નોકરી બન્ને આપ્યા હતા. ઘમુસર એ વખતે ધરમપુર તાલુકામાં જ મામલતદાર હતાં. અને ભ્રષ્ટાચાર એમની આવકનું ખૂબ મોટું શસ્ત્ર હતું. વાલમસિંહ જે વાડીમાં રહેતો હતો એ પચાસ વીઘાનું આંબાવાડિયુ એમણે કાયદાકીય ગુંચો ઉભી કરીને સસ્તામાં પચાવી પાડ્યું હતું.અને ઉત્તમ અને આધુનિક સુખ સગવડોથી ભરપૂર ફાર્મહાઉસ પણ બનાવ્યું હતું. વાડીમાં કામ કરતા અને પેલી ચાર ઓરડીમાં રહેતા ખેતમજૂરોની સ્ત્રીઓ આ ફાર્મ હાઉસના બંગલાની સાફસફાઈનું કામ કરતી.એટલે એ સૌને કામ મળી રહેતું. વાડીની આવક પણ ખાસ્સી હતી અને ઘમુસરની પોતાની પગાર અને ઉપરની આવક બેસુમાર હતી.એટલે અવાર નવાર રાત્રે આ ફાર્મ બેફામ બનતું.
    રવિવારના દિવસે ઘમુસર અહીં પોતાના કુટુંબ સાથે આવતા. એ અરસામાં એમનો જૂનો ડ્રાઇવર ક્યાંક જતો રહ્યો હોઈ વાલમસિંહને આ નોકરી મળી હતી. અને ઘમુસરે શાંતાને  ફાર્મહાઉસમાં સાફસફાઈ કરતા જોઈ ત્યારે એને જોઈ જ રહ્યા હતા.ગધેડાના ગળે બંધાયેલી આ સોનાની ઘંટડી પછી એમણે વગાડવાનું ચાલુ કર્યું હતું.શાંતાને પણ રૂપાળા અને દમામદાર આ અધિકારી સાહેબ ભાવી ગયા હતા.
  ઘમુસરને તો આંકડે મધ અને એ પણ માખી વગરનું મળી ગયું હતું એટકે લાંબા લહરકે એ મધનો આસ્વાદ માણ્યા કરતા. 
 એ સમય ઘમુસરની યુવાની સત્તાના મદમાં છકીને ફાટ ફાટ થઈ હતી. પણ ઘણા વરસો પછી જ્યારે એ નિવૃત થયા બાદ અહીં છેક અમદાવાદમાં હોસ્ટેલના રેક્ટર તરીકેની નોકરી શુ કામ કરતા હશે એ મને ત્યારે સમજાયું નહોતું. ઘમુસરની લાઈફ જ એક રહસ્યમય નવલકથા હતી.એ પણ આપણે આ વાર્તામાં વાંચીશું.

* * ****     ******       ******   *******


 મારી અને પરેશની ગોસ્ટી પછીના રવિવારે રૂમ નં 17માં બપોરે અમે બધા સુઈ ગયા હતા ત્યારે ગુરખાએ આવીને મને જગાડ્યો, "ચલો, આપકો સા'બ બુલાતા હે " ગુરખાના અવાજથી પરેશ અને બીટી બન્ને જાગી ગયા. ઘમુસરે મને બોલાવ્યો એમાં બીટીને કોઈ નવાઈ નહોતી લાગી,એટલે એ સુઈ ગયો પણ પરેશ મારી સાથે આવવા ઉભો થયો.
" હું એકલો જ જાઉં છું, જો દસ મિનિટમાં પાછો ન આવું તો તું મને બોલાવવાના બહાને ત્યાં આવજે" કહીને હું ઘમુસરની ઓફિસમાં ગયો. ઘમુસરના પલંગ પાસેની પતરાની ખુરશીમાં બેઠેલા કદાવર માણસને જોઈને હું ડરી ગયો. એ 
હમીરસંગ હતો.
"મે આઈ કમ ઇન સર ?"
"યસ કમ ઇન" સાહેબે કહ્યું. મેં અંદર જઈને સાહેબને સહેજ નમીને પ્રણામ કર્યા. અને હમીરસંગને પણ નમસ્તે કરીને હું એની સામેની ખુરશીમાં બેઠો.
 "શુ ચાલે છે ભઈ ? " ઘમુસરે મને પૂછ્યું. હું કંઈ સમજ્યો નહી
"કંઈ નહીં સર, કેમ આવું પૂછો છો ?" મેં જવાબ આપ્યો.
"બસ એમ જ. ભણવાનું કેવું ચાલે છે એમ પૂછું છું." ઘમુસરે હસીને કહ્યું. મને ખુબ જ નવાઈ લાગતી હતી.બિલાડુ ઉંદરને રમાડે છે એવું હું અનુભવી રહ્યો હતો.કારણ કે સામે ડાઘીયા કૂતરા જેવો હમીરસંગ આંખો ફાડી ફાડીને મને એકધારો જોઈ રહ્યો હતો.
"હમણાં એક્ઝામ નથી, એટલે થોડા રિલેક્સ છીએ. બોલો ને સાહેબ, કંઈ કામ હતું ?"
" તારે મારું એક ખાસ કામ કરવાનું છે. તું પહેલેથી જ મારો વિશ્વાસુ છો,અને ખૂબ જ ડાહ્યો અને સંસ્કારી છો એટલે તારી ઉપર મને ભરોસો છે. યાદ છે ને, મેં તને જગ્યા નહોતી તો પણ અહીં એડમિશન આપ્યું છે ?"
"હા હા સર, એ માટે હું આપનો આભારી છું.મને આપ  વિશ્વાસુ ગણો છો એ જાણીને મને ખુબ આનંદ થયો સર.આપ જણાવો કે મારે શું સેવા કરવાની છે ?" મેં ઘણું સાહિત્ય વાંચેલું છે એટલે વાણીમાં મીઠાશ ભરીને સામેવાળાને પાણી પાણી કરી નાખવાની આવડત હું વિકસાવી શક્યો છું.
"હમણાં હમણાં હોસ્ટેલમાં બધા છોકરાઓ કંઇક વાતો કરે છે,એ જરા જાણી લાવને. મારા વિશે તમે લોકો શુ વાતો કરો છો ?"
"આપના વિશે ? આપના વિશે તો કોઈ ખાસ વાતો અમારી રૂમમાં કોઈ કરતું નથી. કારણ કે બધાને ખબર છે જે હું આપનો ખાસ વિદ્યાર્થી છું, એટલે મારી હાજરીમાં તો કોઈ કાંઈ બોલતું નથી.છતાં આપને ચિંતા થતી હોય તો હું કોશિશ કરીશ, મારા દોસ્તોને પૂછીને કહીશ. ઓકે સર, હું જાઉં ?" 
"ઓકે, પણ બે દિવસમાં તું મને રિપોર્ટ કરજે. અને હવે પેલા પરેશને મોકલ, એનું પણ મારે કામ છે" સાહેબ બોલી રહ્યા ત્યાં જ પરેશ પણ આવી ચડ્યો એણે ઓફીસ બહારથી જ મને બોલાવ્યો
"સમીર, સાહેબનું કામ પતેં પછી ફ્રી છો ?"
 હું જવાબ આપું એ પહેલાં જ સાહેબે એને બોલાવ્યો અને મને રજા આપી.થોડીવાર પછી પરેશ રૂમમાં આવ્યો ત્યારે એ પણ મારી જેમ થોડો ડરેલો હતો.રૂમમાં હજુ બધા સુતા હતા.એટલે અમે બન્ને બહાર જઈને ટૂંડિયા મૂંડિયાના ટી સ્ટોલ પર જઈને બેઠા.
"પેલો જોયો ? એ જ હમીરસંગ લાગે છે. સાલ્લો કેવો ખતરનાક છે, જોયો ને ? " પરેશે ચાની ચૂસકી લગાવતા કહ્યું.
" આપણે તો એને જોયો અને એણે આપણને પણ જોઈ લીધા. યાદ છે ? એ હમીરસંગે તે રાત્રે જાળીયા માંથી ટોર્ચનું અજવાળું આપણા રૂમમાં ફેંકેલું ? અને પછી સાહેબને કહેલું કે હું કહું એ બે જણને મને બતાવજો ?" મેં કહ્યું.
"અરે હા, યાર તારી વાત સાચી છે. નકર ટકલું વળી એની શુ વાતો થાય છે એ જાણવાનું મને શું કામ કહે ?  એ બહાને આપણને એણે હમીરસંગને બતાવી દીધા."
"તો તને પણ એવું જ કામ સોંપ્યું એમ ? પરિયા, હવે  ધ્યાન રાખવું પડશે.સાલ્લુ ભારે કરી"
"ના ના, જા ને પોલીસ સ્ટેશન, બહુ વાયડીનો થતો'તો ને. જોયો ને દિવસના અજવાળામાં ? અજગર જેવો છે એ. અને આપણે એની આગળ દેડકાં કહેવાય, ડોફા હવે કંઈ આડું અવળું કરતો નહી નકર મરી ગયા સમજજે" પરેશે કહ્યું.
 ચા ના પૈસા ચૂકવીને અમે હોસ્ટેલ માં ગયા ત્યારે ઘમુસરની ઓફિસનું બારણું બંધ હતું. પણ અંદરથી હમીરસંગનો ઘોઘરો અવાજ આવી રહ્યો હતો.એ ખૂબ જ ધીમેથી બોલતો હતો
"જો શાંતાબાઈ, તારા ઘરવાળાની અમને કાંઈ જ ખબર નથી સમજી. તું સાહેબની પત્તર ઠોકતી નહી. હું એને શોધી કાઢીશ.સાહેબ જોડે આ બધા છોકરા જુએ એ રીતે તું ભવાડા કરીશ તો તારે જુવાન દીકરી અને બે નાના બચોળીયા છે ઇ ખબર છે ને ?  મને તો તું ઓળખે જ છે ને ? સાહેબને તારી દીકરીની દયા કદાચ આવશે પણ મને નહિ આવે સમજી ? અમથી'ય મને કૂણી કાકડી બહુ ભાવે છે, મીઠું મરચું નાખીને ..હા...હા...હા...." એના અટહાસ્ય થી ડર્યા વગર શાંતા જરા જોરથી બોલી
 " મારી દીકરીને હાથ તો અડાડી જોજે. ભલે હું સાવ સુકલકડી દેખાવ સુ, પણ બકરી નો હમજતો, હું વાઘણ છું, ફાડી ખાશ તને. સાહેબે તો કેરીના ગોટલાંની જેમ મને સુશીને (ચૂસીને) ફેંકી દીધી.પણ મારા ઘણી વગર હું જીવી નઈ હકુ. મને ઇ લાવી દેજો. નકર હું કોઈની સગી નઈ થાવ, અને તું ભલે હમીરસંગ હોય, મારી વાંહે'ય તને ઉભો ને ઉભો ચીરી નાખે એવા ઠાકરડાં જીવે છે, કાંઈ મરી નથી ગીયા. સાંભળી લેજો તમે બે'ય"
  ધડામ લઈને શાંતા ઓફિસનું બારણું ખોલીને બહાર નીકળી.અમે બન્ને જો ઝડપથી અંદર ચાલ્યા ન ગયા હોત તો હમીરસંગ અમને જોઈ જાત. વાલમસિંહ બાબતે શાંતાને ઘમુસર ઉપર ડાઉટ હતો.અમે લોકોએ એ ઘટના નજરો નજર જોઈ હતી અને પરેશના કહેવા મુજબ એ લાશ વાલમસિંહની જ હતી. અને પરેશ વાલમસિંહનો જમાઈ (!) હોવાના નાતે એણે એની શાંતાસાસુ (?)ને જણાવી દેવું જોઈએ એમ મને લાગતું હતું.
 તે દિવસે લગભગ સાંજે 5 વાગ્યાની આસપાસ એક નાની કાંકરી બારીમાંથી આવીને પરેશને વાગી. મેં એ જોયું એટલે પરેશે મારી સામે આંખ મારી.પરેશને હવે મારાથી કંઈ જ છુપાવવાની જરૂર નહોતી. મેં તરત જ ઉભા થઈને બારી બહાર જોયું પણ ત્યાં કોઈ જ નહોતું. મેં પ્રશ્નાર્થભરી નજરે પરેશ સામે જોયું.
"દીકરા, મારો કોલ હતો. ચાલ હવે કાલે સવારે ટૂંડિયા ટી સ્ટોલ પર મળીશું." એમ કહી એણે શર્ટ ઇન કરી બુટ પહેર્યા.
"પણ તું ક્યાં જાય છે, અને કોણ તને બોલાવે છે,ચાલ હું પણ તારી સાથે આવું " મેં કહ્યું 
"અરે, દિકુ, કાકા હારે ન આવાય હો, ઘેર રમો હો.અને બહુ પૂછ પૂછ ન કરાય હો બેટા." મને ગાલ પર ટપલી મારીને એ હસી પડ્યો. એ ખૂબ જ મૂડમાં હતો.હું સમજી તો ગયો જ હતો કે કાંકરીચાળો કરનાર રમલી જ હોવી જોઈએ. અને પરેશ એને પિક્ચર જોવા લઈ જવાનો હશે અને ત્યાર બાદ કદાચ ગેસ્ટહાઉસ....મને એ કલ્પના કરતો મૂકીને ચાલ્યો ગયો. મને પણ કંટાળો આવતો હોઇ થોડીવાર પછી બહાર નીકળ્યો.ટૂંડિયાના ટી સ્ટોલથી સીધો રસ્તો કે જે પાલડી બાજુ જતો હતો ત્યાં થોડે દુર સી.એન.વિદ્યાલય સ્કૂલ હતી.એના દરવાજા પાસે રમલીને મેં ઉભેલી જોઈ. પણ પરેશ ક્યાંય દેખાતો નહોતો. સાલ્લો ઘડીકવારમાં ક્યાં અદ્રશ્ય થઈ ગયો એ મને ખ્યાલ જ ન આવ્યો.હું થોડીવાર કોઝીના ગેટ પાસે ઉભો રહ્યો. એક રિક્ષામાં રમલીને મેં બેસતાં જોઈ.પરેશ એ રિક્ષામાં જ હતો એ મને ખુબ મોડે થી ખબર પડી હતી. પરેશ રમલી જોડે જ ગયો હશે એમ મને લાગતું હતું.પણ મેં એની સાથે જતો જોયો નહોતો. પણ ત્યારે મને કોઈ ચિંતા નહોતી. રાત્રે મોડે સુધી પરેશ આવ્યો નહોતો. હું રાહ જોઇને ઊંઘી ગયો હતો. 
 સવારે હું જાગ્યો ત્યારે પણ પરેશ નો કોટ ખાલી હતો.
"આ પરિયો ક્યાં ગુડાણો છે લ્યા ?"
બીટીએ મને પૂછ્યું.
"કેમ ? નાવા બાવા ગ્યો હશે. કદાચ સંડાસમાં પણ હોય" મેં કહ્યું.
"ના યાર, કાલે રાત્રે એ આવ્યો જ નથી.હું પિક્ચર જોઈને રાત્રે બે વાગ્યે આવ્યો'તો. મને લાગ્યું કે એ પણ પિક્ચર જોવા ગયો હશે એટલે મેં અડધો કલાક એની રાહ જોઈ. પણ પછી હું પણ ઘોરી ગયેલો. વહેલા ચાર વાગ્યે હું એકી કરવા ઉઠેલો.ત્યારે પણ એ ન'તો.એટલે મને થયું કે કદાચ એ કોઈ દોસ્તારની હોસ્ટેલ પર ગયો હોય તો તને ખબર હોય"
"ના, મને ખબર નથી. કાલે એ ખૂબ મૂડમાં હતો. હું એની સાથે જવા માગતો હતો પણ એ મને લઈ ન ગયો, રાહ જોઈએ કદાચ તું કહે છે એમ કોઈ મિત્રની હોસ્ટેલ પર ગયો હોય તો આવી જશે"
 હું નાહી ધોઈને બીટી સાથે ટૂંડિયાની કીટલી પર ચા પીવા ગયો ત્યારે ઘમુસરની ઓફીસ બંધ હતી.
પરેશે મને સવારની ચા સાથે પીવાનો વાયદો પાળ્યો નહોતો. મને એની ચિંતા થવા લાગી હતી. પણ મને એ વખતે ખ્યાલ નહોતો કે પરેશ અને રમલી બન્ને ગાયબ હતા.

*** ****  **** ******   ***   *******

ધરમપુરના અંબાવડીયામાં વાલમસિંહ શાંતાને લઈને આવ્યો તે પહેલાં શાંતા અને વાલમસિંહ એક ભયાનક દોરમાંથી ગુજર્યા હતા. વાલમસિંહ અને શાંતા પ્રેમના  દરિયામાં તરતા તરતા ઘણા દૂર નીકળી ગયા હતા. એક વફાદાર પ્રેમીની જેમ વાલમસિંહ સાચો વાલમ સાબિત થયો હતો.શાંતાને જીવનભર સાથ આપવાનો વાયદો એણે નિભાવ્યો હતો.
  વાલમસિંહ છકડોરીક્ષા ચલાવતો. બોટાદ આજુબાજુના સાત આઠ ગામડાઓના લોકોની બોટાદ આવવા જવાની વ્યવસ્થાનો એ એક ભાગ હતો.વાલમસિંહ જેવા ઘણા બેકાર યુવાનો આવી છકડોરીક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતા. વાલમસિંહ પોતાની રિક્ષાને પોતાની પ્રેમીકાની જેમ જ સાચવતો. રીક્ષા ઉપર ભાત ભાતના ચિતરામણ એણે કર્યા હતા. રિક્ષાની હેડલાઈટથી માંડીને પાછળના પગા સુધી સ્વચ્છ અને સુંદર એની રીક્ષા પણ "વાલમની વાલી" રંગબેરંગી સ્ટીકરથી એણે લખાવ્યું હતું. રિક્ષામાં ટેપ રેકોર્ડર અને સ્ટીરિયા પણ એણે લગાવ્યા હતાં. રીક્ષા ચાલુ કરવા માટે એના એન્જીનના મુખ્ય વ્હીલ પર લાંબુ દોરડું વીંટાળીને જોરથી ઝાટકો મારીને ખેંચવામાં આવતું.એ દોરડું પણ રંગબેરંગી હતું. ટૂંકમાં વાલમસિંહ રંગીલો અને છેલછબીલો ગુજરાતી હતો.એટલે એની રિક્ષામાં પણ કંઇ જ ખામી નહોતી.
  એ છ  ફૂટ ઊંચો એને મજબૂત બાંધનો રજપૂત યુવાન હતો. એના ગામમાં એના વડવાઓની થોડી જમીન હતી ખરી પણ એને ખેતી કરવી ગમતી નહીં. એટલે એણે છકડો રિક્ષાના ફેરા મારવાનું ચાલુ કર્યું હતું. એને જીવથી પણ વધુ વ્હાલી એની રીક્ષા હતી. ગમે તેટલું વધુ ભાડું મળે એમ હોય તો પણ એ કોઈના સમાનની હેરાફેરી કરતો નહીં, પેસેન્જર રીક્ષા એટલે બસ પેસેન્જર રીક્ષા જ એવો એનો સિદ્ધાંત એ ક્યારેય તોડતો નહી. 40 ની સ્પીડે ચાલી જતી એની છકડોરીક્ષા, ટેપમાં વાગતા ગુજરાતી પિક્ચરના ગીતોમાં પોતાના એન્જીનના અવાજનું સંગીત ઉમેરતી જતી. વાલમસિંહ પણ ગીત લકારતો.ક્યારેય પૈસાના લોભે વધુ પેસેન્જર બેસાડતો નહી.
   ઘાંસનો ખૂબ મોટો ભારો લઈને રોડની સાઈડ પર કોઈ વાહનની વાટ જોતી શાંતાએ દૂરથી વાલમસિંહની સંગીતમય રીક્ષા આવતી જોઈ, ઉભા થઈને હાથ ઊંચો કર્યો. 
 કમનીય અને ઘાટીલા બદનવાળી શાંતાનો ઉંચો થયેલો હાથ જોઈને વાલમે રિક્ષાને જોરથી બ્રેક મારી, ઠેઠ શાંતાના પગ પાસે ઉભી રાખી. પીળા ગોગલ્સ નાક પરથી સહેજ નીચે લસરાવીને પુછયું , " બોલો, ગોરી,કીએ ગામ જાશો ?"
" મેર મુવા, આ ભારો લઈને મારે ઘેર જાવું છે"  શાંતાના યુવાન દિલના સરોવરમાં વાલમસિંહને જોઈને વમળ ઉતપન્ન થયા હતા એટલે વાક્યને અંતે એ સહેજ હસી પડી. વાલમસિંહને પણ એ ગમ્યું.
" વીર વાલમસિંહ કોઈનો સમાન આ વાલમની વાલીમાં ફેરવતો નથી. તારે બેહવું હોય તો બેહી જા, તારા ગામ પાંહેથી જ નીકળું સવ એટલે ગામને પાદર ઉતારી દેશ. બાકી કોઈના ઘરે બરે આ વાલમની વાલી નો જાય હમજી.."
"તો તું વે'તો પડય, તારી વાલીને લયને. આ તો રોડ સે, હમણે કોઈ અલ્લાનો બેલી મળી જાહે, તારી વાલી ઉપર કાંય ભૂંગળું નથ્થ ભાંયગુ, હમજ્યો ?" શાંતાએ નયન નચાવીને વાલમસિંહને કહ્યું.
 વાલમસિંહે રીક્ષાને લીવર આપીને આગળ ચલાવી.શાંતાને પગથી માથા સુધી નીરખીને એણે કહ્યું, "તો ઉભી રે ને, બાકી બેહવું હોય તો બોલ.."
"ભારો તો ભેગો જ રે'શે, બેહાડવી હોય તો બોલ " બન્ને જીદે ભરાયા. વાલમે રીક્ષા હાંકી મૂકી.થોડે દુર જઈને એણે પાછું વળીને જોયું તો શાંતા એને જ જોઈ રહી હતી. હતી.એણે રીક્ષા પાછી વાળી.
"હાલ્ય, હવે તારી જેવું કોણ થાય. આજ પેલી વાર મારી વાલીને ભારાનો ભાર વેવવો પડહે.."
"તે તારી વાલીને વહમું લાગતું હોય તો કોણે માસીના સમ દીધા સે ? તારી રીક્ષા ઉપર કાંઈ ભૂંગળુ નથી ભાંયગુ.."
 "હવે વેવલીની થ્યા વગર બેહની.."
વાલમસિંહે હસીને કહ્યું . એની નજરમાંથી ઢોળાતો સ્નેહ પારખીને શાંતાએ પણ નેનબાણ મારીને પેલાને ભેદી નાખ્યો. પછી દરરોજનો એ ક્રમ થઈ ગયો.અને બન્ને પ્રેમમાં પડ્યા. ખેતરોમાં લહેરાતા જુવાર બાજરીના મોલ એમના પ્રેમના સાક્ષી બન્યા.પણ એની ખુશી લાંબો સમય ટકી નહીં. શાંતાનો ભાઈ ઉકો ખૂબ માથાભારે હતો.ફરતા દસ બાર ગામમાં એની ફેં ફાટતી. ભલભલાના પાણી એણે ઉતારી નાખ્યા હતા. મોટી કડીયાળી ડાંગ લઈને એ ગામની બજારે નીકળતો.અને મૂછોના આંકડા ચડાવીને ફરતો. એના માણસોએ જ્યારે આ પ્રેમલીલા વિશે એને જણાવ્યું ત્યારે એના ગુસ્સાનો પાર રહ્યો નહીં. "રિક્ષાવાળો વાલમસિંહ તારી બેનને ફેરવે છે...."આ સાંભળતા જ એણે બોલનારના પેટમાં લાત મારી હતી.
"હરામખોર.. તારી બેનને..@#$.."
"તો જા રમણ લીંબાની વાડીએ. પડતર ઓરડીમાં જઈને જોઈ લે તારી સગી આંખ્યુંથી. નિસના પેટનાવને સાચું તો કે'વાતું નથી.." લાત ખાઈને બેવડ વળી ગયેલા ઉકાના સાથીદારે સામી ગાળ દઈને જવાબ આપ્યો હતો.
 ઉકાની ટોળીએ રમણ લીંબાની વાડીની ઓરડીમાં નિર્વસ્ત્ર થઈને પ્રેમલાપમાં ચકચૂર થયેલા વાલમસિંહ અને શાંતાને પકડ્યા હતા. શાંતાના શરીર ઉપર પોતાના માથે બાંધેલા ફળિયાનો ઘા કરીને ઉકાએ એને ઢાંકી હતી પણ વાલમસિંહને કપડાં પહેરવાનો સમય રહેવા દીધો નહોતો.ઉકો પોતાના સાગરીતો સાથે નગ્ન વાલમસિંહ પર તૂટી પડ્યો હતો.વાલમસિંહ પણ કમ નહોતો.શરીર ઉપર એક પણ કપડું ન હોવા છતાં એણે બહાદુરીથી આ ટોળીનો સામનો કર્યો હતો. ઉકાના એક સાગરીતના હાથમાંથી ડાંગ ઝુંટવીને એને ત્રણ જણાના માથા ફોડી નાખ્યા હતા. અને ઉકાને પણ ઘાયલ કર્યો હતો. પણ આખરે સંખ્યાબળ સામે એ હાર્યો હતો અને આ ટોળીએ એને ઝુડવામાં કંઇ જ બાકી રાખ્યું નહોતું. ઝાડ સાથે નગ્ન હાલતમાં બાંધીને ગડદા પાટું અને લાકડીઓના પ્રહારોથી બેહોશ થઈ ગયો ત્યાં સુધી એને માર્યો હતો. ઓરડીમાંથી કપડાં પહેરીને શાંતા વાલમને બચાવવા વચ્ચે પડી ત્યારે ઉકાએ એને તમાચા ઉપર તમાચા મારીને પોતાની દાઝ ઉતારી હતી.અને બે જણાએ એને કસોક્સ પકડી રાખી હતી.પોતાના પ્રેમીને નજરસામે લાચાર નજરે એ ભયાનક આક્રંદ કરતી કરતી જોઈ રહી હતી. એને બચાવવા માટે પેલા બે પડછંદ ઉકાના સાથીદારોના હાથમાંથી છૂટવા હવાતીયા મારતી હતી. ઉકાના એ બે સાથીદારો કે જેમાંથી એકને ઉકાએ પાટું મારીને ગાળ દીધી હતી,એ ગટોર ઓછો હરામી નહોતો. શાંતાને ભોગવવાની
એને ખૂબ ઈચ્છા હતી પણ ઉકાની બહેન હોવાથી એ ભૂખ્યા વરૂની દ્રષ્ટિએ શાંતાને તાકી રહેતો.એક બે વાર શાંતાએ એને ગાળો દઈને પોતાના ભાઈને કહી દેવાની ધમકી પણ આપી હતી.એટલે એ આજ મોકનો લાભ લીધા વગર રહે તેમ નહોતો. આજ,હજુ થોડીવાર પહેલા જ  એણે શાંતાનું ખુલ્લું બદન જોયું હતું. 
"ઉકા, અમે સાંતાડીને ઘરે મૂકી આવીએ, ત્યાં લગણ તું આ વાલમાં ને ઠેકાણે પાડ " એમ કહીને એ લોકો શાંતાને ખેંચીને ગામના રસ્તા તરફ ચાલતા થયા. ઉકાને પોતાના એ સાથીઓ ઉપર વિશ્વાસ હતો કે પોતાની બેનને આ લોકો પણ બેન જ માને છે. પણ ગટોર અને ભીમાએ ગામના રસ્તે જતી વખતે શાંતાને ઝાડીઓમાં ઘસડી જઈને બળાત્કાર કર્યો હતો. એ લોકો રમણ લીંબાની વાડીએ પહોંચ્યા ત્યારે સાંજ પડી ગઈ હતી.અને આ બધી ધમાલ થઈ ત્યાં સુધીમાં અંધારું પણ થવા લાગ્યું હતું.એ અંધારાનો લાભ લઈને ગટોર અને ભીમાએ ગામના પાદરે પહોંચ્યા ત્યારે ફરીવાર બળાત્કાર કરીને શાંતાને ઉકાના ઘેર મૂકી આવ્યા હતા. ઉકાના ઘરડા માં બાપ અને ઉકાની પત્નીને જે બનાવ બન્યો હતો એની હકીકત જણાવીને શાંતાનું ધ્યાન રાખવાનું કહીને એ લોકો પાછા આવ્યા ત્યારે વાલમસિંહને મરેલો માનીને એ લોકો બીડીઓ પીતા હતા. પણ ત્યારે આ ટોળીને ખબર નહોતી કે વાલમસિંહ કોણ છે. નહિતર એને આંગળી પણ અડાડવાની હિંમત ઉકો પણ કરત નહી.
  "અલ્યા, આને મારી નાખ્યો કે શુ ? " ગટોરે બેહોશ થઈ ગયેલા અને નગ્ન હાલતમાં ઝાડ સાથે બંધાયેલા વાલમસિંહને જોઈને કહ્યું.
"હા, પતાવી દીધો હાળાને. ઉકાની બેનને ભોળવનારો જીવતો નો જ રે'વો જોવે" બીજા એક સાગરીતે કહ્યું.વાલમનું ખુન કર્યું હોવાનું માનતી એ ટોળીના એક સાગરીતે ઓરડીની પાછળ ઉભેલી વાલમસિંહની છકડો રીક્ષા જોઈને વાલમસિંહને ઓળખ્યો હતો.અને વાલમસિંહ કોણ છે અને કેવી તાકાત ધરાવે છે એ જણાવ્યું હતું. જીવતાં રહેવું હોય તો હવે ભાગવું જરૂરી હતું.એટલે એ ટોળી વાળું પાણી કરવા ઉકાના ઘેર ગઈ.
 શાંતા આઘાતથી સાવ અવાચક થઈ ગઈ હતી.ઉકાના હરામી દોસ્તોએ બે વખત એની ઉપર બળાત્કાર કર્યો એના કરતાં પણ વાલમની એને ચિંતા થઈ રહી હતી. એની ભાભીને એણે ગટોર અને ભીમાએ રસ્તામાં પોતાની ઉપર બળાત્કાર કર્યો હોવાની વાત કરી હતી.પણ એ બન્ને નણંદ ભોજાઈને પહેલેથી જ કૂતરા બિલાડા જેવો સબંધ હતો એટલે "તું એ જ લાગની છો.બહારગામના પારકા મરદના પડખાં સેવવા કરતા આ ઘરના જ શુ ખોટા હતા.ગટોરભાઈને તો તારી હારે લગન જ કરવા'તા.પણ તું રાજા માં'રાજાની કુંવરી હોય ઇમ ઇની હામુ'ય જોતી નોતી" શાંતાની ભાભીએ શાંતાના ઘા ઉપર મીઠું ભભરાવ્યું હતું.એના આવા કડવા વેણ સાંભળીને એ સમસમીને બેસી રહી. થોડીવારે પેલી ટોળકી ઉકાના ઘેર પહોંચી. ગટોર અને ભીમાને પોતાના ઘેર આવેલા જોઈને એ ગટોર અને ભીમા પર તૂટી પડી. ગંદી ગળોનો વરસાદ વરસાવીને શાંતાએ બન્નેને તમાચા અને ગડદા માર્યા. ઉકાના હાથમાંથી ડાંગ આંચકીને એણે ગટોરના માથામાં પ્રહાર કર્યો. અચાનક આવા હુમલા થી ઉકો પણ ડઘાઈ ગયો.એણે દોડીને શાંતાના હાથમાંથી ડાંગ આંચકી લીધી. અને શાંતાને પાટું મારીને પાડી દીધી.
 "ભઈલા, આ બે'ય હરામીઓએ ઘરે મુકવા આવવાના બા'ને મારી ઈજ્જત બે બે વાર લૂંટી સે, ઈને હું જીવતા નઈ મુકું."
 "આપણને અંદરો અંદર બઝાડવા હાટુ સાંતાડી સાવ ખોટું કે'ય સે ઉકા, અમે એવા હલકા નથી.તારી બેને તારી આબરૂનો વચાર નો કર્યો પણ અમી તો તારા ભાઈબંધ સવી, માં મેલડી મને પોગે જો મેં કાંઈ આડું અવળું કર્યું હોય તો બસ ?" ગટોરે માથામાંથી નીકળતા લોહીને રોકવા માથા પર હાથ દબાવીને કહ્યું.
  ગટોરે મેલડી માંના સોગંધ ખાધા એટલે હવે એ સાચો જ હોય.એમ સમજીને હજી પણ એને મારવા દોડી રહેલી શાંતાને ઉકાએ દોરડાથી થાંભલી જોડે બાંધીને મોંમાં કપડાંનો ડૂચો મારી દીધો. ઉકાના ઘરડા માં બાપ નિઃસહાય બનીને આ બધો તમાશો જોઈ રહ્યા.
  કલાકેક પછી આ ટોળકી વાળું પાણી કરીને રાત્રીના અંધકારમાં ઓગળી ગઈ. ઉકાની વહુ એના બાળકોને લઈને એના ઓરડામાં જઈને સુઈ ગઈ. ઘરડા માં બાપને ગળે આજ કોળિયો ઉતર્યો નહોતો.પણ એમની દરકાર કોણ કરે ?  "ખબરદાર જો કોઈએ આને થાંભલેથી છોડી છે તો " એવી ઉકાની ધમકી ગણકાર્યા વગર શાંતાની માંએ એને છોડી હતી.
 શાંતા છૂટીને એક પળનો'ય વિલંબ કર્યા વગર હતી એટલી તાકાતથી ઘરમાંથી ભાગી હતી. રાત્રીના ઘોર અંધકારમાં આ પહેલા એ ક્યારેય નીકળી નહોતી.શિયાળાની ગાત્રો થીજવતી ઠંડીની પરવા કર્યા વગર એણે રમણ લીંબાની વાડીનો માર્ગ લીધો હતો.
  ઉકાની ટોળીએ મારી મારીને વાલમસિંહને બેહોશ કરી નાંખ્યો હતો.અને નગ્ન હાલતમાં જ એને ઝાડ સાથે બાંધેલો રાખીને, મરી ગયેલો સમજીને એ લોકો ચાલ્યા ગયા હતા. રાત્રીના ઠંડા અંધકારના ઓળા વગડાની આ સીમમાં ઉતરી આવ્યા હતા. સાથે જ નિશાચર જનાવરો પણ ખોરાકની શોધમાં નીકળી પડ્યા. વાડીઓમાં રખડતા જંગલી કુતરાઓનું ટોળું વલમસિંહના લોહીની ગંધથી ખેંચાઈ આવ્યુ. ઝાડ સાથે બંધાયેલા વલમસિંહના નગ્ન શરીરમાંથી વહીને જામી ગયેલા લોહીને ચાટવા માંડ્યા. અને એ લોહી ચાટવા માટે અંદરો અંદર ઝગડી પડ્યા.     કૂતરાઓના ભસવાથી અને ઠંડો પવન લાગવાથી વાલમસિંહ ભાનમાં આવ્યો હતો.એના પગ ગોઠણ પાસેથી ઝાડ સાથે બંધાયેલા હતા. અને બન્ને હાથને પાછળ ખેંચીને શરીર ઝાડ સાથે ચોંટેલું રહે એ રીતે કસોક્સ બાંધવામાં આવ્યો હતો. જ્યારે વાલમસિંહને મારતાં મારતાં બાંધવામાં આવ્યો ત્યારે એ ભાનમાં હતો અને આ લોકો શુ કરી રહ્યા છે એ જાણતો હતો. પોતાની સાથે દુશમની બહુ મોંઘી પડવાની તેની ધમકી અને ગાળોના પ્રત્યુતર રૂપે બમણી ગાળો અને ઢીકા પાટુંનો માર એને  પડયો હતો અને પછી લાકડીઓ લઈને પેલા લોકો તૂટી પડ્યા હતા.આખરે એ બેહોશ થઈ ગયો હતો. અને ભાનમાં આવ્યા પછીની ભયાનક પરિસ્થિતિ જોઈ એ ધ્રુજી ઉઠ્યો.
 કૂતરાઓને તગડવા એણે હાકલા પડકારા કર્યા.અસહ્ય પીડાથી એનું આખું શરીર દુઃખી રહ્યું હતું.શાંતા સાથે માણેલી રંગીન પળોની મજા એને ખતરનાક સજા રૂપે મળી હતી.અને કદાચ આ ઘનઘોર રાત્રે કૂતરાં ફાડી ખાશે એવી બીકથી એના શરીરમાંથી મોતના ભયનું લખલખું પસાર થઈ ગયું.
 પણ આખરે એ ખૂંખાર લડવૈયાઓનો વંશજ હતો. કૂતરાઓને તગેડવા ગળામાંથી ભયાનક અવાજ કાઢીને એમને ડરાવવા સિવાય બીજો કોઈ ઉપાય નહોતો. બહાદુરીથી એણે કૂતરાને ભગાડવા હાકોટા પાડ્યા.એના અવાજથી ઘડીભર કુતરાઓ ડર્યા.પણ કેટલાક એમાં પણ બહાદુર હતા ! ઝાડ સાથે બંધાયેલો માણસ કશું જ કરી ન શકે એવી સમજણ કદાચ એ કૂતરાઓને હતી. વાલમસિંહને જે માર પડ્યો હતો તેની  પારાવાર પીડા પણ થતી હતી. આખરે એ હાર્યો હતો અને કૂતરા ચોતરફથી એને ચાટવા લાગ્યા અને એની ચામડી ઉતરડવા લાગ્યા. 
  બરાબર એ જ વખતે શાંતા અંધારામાં અથડાતી કુટાતી આવી પહોંચી હતી. દૂરથી એણે કૂતરાં ભસવાનો અવાજ અને વાલમસિંહ ના હાકોટા સાંભળ્યા હતા. 
  શાંતાએ પણ કૂતરાઓને હાકોટા પાડીને ભગાડ્યા અને વાલમસિંહને ઝાડ સાથેથી છોડ્યો.
વલમસિંહના બન્ને પગ ભાંગી નાખેલા હોવાથી એ ઢળી પડ્યો. અને "ઓહ શાંતા....." એટલું બોલીને એ ફરી બેહોશ થઈ ગયો. શાંતાનું મગજ ખૂબ જ ઝડપથી કામ કરી રહ્યું હતું.એ દોડીને ઓરડીની પાછળ પડેલી વાલમની રીક્ષા ચાલુ કરીને લઈ આવી. વાલમ પાસે જીદ કરીને એ રીક્ષા ચલાવતા શીખી હતી.
  રીક્ષાની હેડલાઈટના પ્રકાશમાં ઓરડીમાંથી વાલમને કપડાં લાવીને એને મહામહેનતે પહેરાવ્યા.અને ઉપાડીને રિક્ષામાં સુવડાવ્યો.અને રીક્ષા બોટાદના માર્ગે હાંકી મૂકી.
  ઉકાની ટોળકીએ વાલમસિંહને મરી ગયેલો માનીને છોડી દીધો અને એની રીક્ષાને ત્યાં જ પડી રહેવા દીધી એ બન્ને ભૂલો આ ટોળીને ખૂબ ભારે પડી હતી. ગટોરે લાશને ઠેકાણે પડવાની વાત કરી હતી પણ ઉકાએ તેમ કરવાની ના પાડી હતી.
 બોટાદની સિવિલ હોસ્પિટલમાં વાલમસિંહને રાત્રે બે વાગ્યે ઇમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યો. એની સારવાર શરૂ કરાવીને શાંતા રીક્ષા લઈને વલમસિંહના ગામ પહોંચી. વલમસિંહના દોસ્તો અને ભાઈઓ શાંતાને ઓળખતા હતા.
  દિવસો સુધી એક બાજુ વાલમસિંહની સારવાર ચાલી અને બીજી તરફ ઉકાની ટોળીને વલમસિંહના માણસોએ શોધી હતી. પોલીસ પૂછપરછમાં પોતે કૂવામાં પડી ગયો હોવાથી વાગ્યું હોવાનું કહીને વાલમસિંહે પોતાનો બદલો પોતે જ લેવાનું નક્કી કર્યું હતું. અને સંપૂર્ણ સજા થઈને એક પછી એક તમામને એના દોસ્તો અને ભાયાતો સાથે મળીને પકડી પકડીને ઢીબ્યા હતા.
 ગટોર અને ભીમો જ્યારે પકડાયા ત્યારે શાંતાએ સાથે આવવાની જીદ કરી હતી.રમણ લીંબાની વાડીના એ જ ઝાડ સાથે આખી ઉકાની ટોળીને વારાફરતી પકડી લાવીને વાલમસિંહની ટોળીએ એ લોકો સાથે બદલો લીધો હતો. પોલીસ કેસ કરવા કોઈ જઈ શકે એમ નહોતું કારણ કે ઉકાની આ ટોળી ચોરી ચપાડી અને ગુંડાગીરી માટે પ્રખ્યાત હતી.
  ગટોર અને લીંબાને નગ્ન કરીને ઝાડ સાથે બાંધવામાં આવ્યા ત્યારે બે હાથ જોડીને એ લોકો પોતાને છોડી દેવા કાકલૂદી કરી રહ્યા હતા. 
 શાંતાએ દાતરડું લઈને એ બન્નેના ગુપ્તાંગ વાઢી લઈને પોતાની ઉપર બલાત્કાર કરવાના ગુન્હાનો બદલો લીધો હતો. ગટોર અને ભીમાની ચીસાચીસથી આખી સીમ જાણે કે સફાળી જાગી ઉઠી હતી.
  ઉકાના પણ હાથ પગ ભાંગી નાખવામાં આવ્યા હતા. રજપૂતો સામે લડવું કે એમની દુશમની એને પોસાય તેમ નહોતું. વાલમસિંહને માર્યા પછી એને ખ્યાલ આવ્યો હતો કે પોતે કોની સાથે બાથ ભીડી છે !
 વલમસિંહના વડવાઓ જુના રજવાડામાં સૈનિકો હતા. વારે ઘડીએ ખેલતા યુદ્ધો અને ધીંગાણા માં કોઈનું માથું વાઢી લેતા કે પોતાનું માથું વઢાવી નાખતા, એ લોકો પળનો'ય વિચાર કરતા નહિ. એ ખૂંખાર લડવૈયાનો વંશજ વાલમસિંહ હતો અને એ વાલમસિંહને નગ્ન અવસ્થામાં જ ઝાડ સાથે બાંધીને ભયંકર રીતે મારીને, મરી ગયેલો મૂકીને ભાગી આવ્યા પછી આવનારા પરિણામથી એ ટોળકી ડરીને નાસી ગઈ હતી.પણ વલમસિંહના ભાયાતો માટે આવી ચોર ટોળીઓ પકડવી એ રમતવાત હતી. ઉકો વાલમસિંહના પગમાં આળોટી પડ્યો હતો : "હું તો તમારો સાળો કહેવાઉં, મારી ઉપર દયા કરો"
  પણ એની દયા ખાવામાં નહોતી આવી.અને આ ટોળીને બરાબરનો પાઠ ભણાવવામાં આવ્યો હતો.
  ગટોર અને ભીમાની સારવાર થઈ હતી. પણ આ કેમ બન્યું એ કહેવા બે માંથી એકે'ય તૈયાર નહોતા. પણ મનોમન એ લોકોએ જીવતા રહ્યા તો વાલમસિંહને પણ ગુપ્તાંગ વગરનો કરવાનું નક્કી કર્યું હતું.
         આ ઘટના પછી જે બનવાનું હતું એનાથી બચવા વાલમ, શાંતાને લઈને ધરમપુર પોતાના દોસ્ત ભીખા પાસે આવી ગયો હતો.અને આખો મામલો વલમસિંહના દોસ્તો અને ભાયાતોએ સંભાળી લીધો હતો.
  વાલમસિંહ અને શાંતાએ ઘમુસરની વાડીમાં પોતાનો સંસાર શરૂ કર્યો હતો. વાલમસિંહે પોતાની 'વાલી' રીક્ષા વેચી નાખી હતી. એ આખો દિવસ ભીખા સાથે વાડીમાં કામ કરતો અને શાંતા એનું ઘર સાચવતી. ઉકા સાથે થયેલી અથડામણને કારણે વાલમસિંહના ગુપ્તાંગમાં નુકશાન થયું હતું. અને એ કારણે એ પૂરેપૂરો પુરુષ રહી શક્યો નહોતો. પણ શાંતા એને ખૂબ પ્રેમ કરતી.અને એની આ દુર્બળતાથી એને જરા પણ પીડાવા દેતી નહીં. 
"તમે જરાય મન ઓછું નો કરશો,મને શરીરસુખની જરીક પણ અબળખા નથી. મારી હાટુ થઈને જ આ બધું થિયું સે ને ! બસ, તમે રાજી રો એટલે હું રાજી " એમ કહીને એ વાલમસિંહને મનાવી લેતી. વાલમસિંહ પણ શાંતાને દિલોજાનથી ચાહતો.પોતાના મરદપણામાં આવેલી આ ખોટની સારવાર કરાવવાનું એણે શરૂ કર્યું હતું, પણ કોઈ જ પરિણામ આવ્યુ નહોતું. લાકડીઓના મારને કારણે એની નસો તૂટી ગઈ હતી.
  ઘમુસરના ફાર્મ હાઉસના બંગલા માં સાફસફાઈનું કામ છ મહિના પછી શાંતાને મળ્યું હતું. અને એક રવિવારે પોતાના કુટુંબ સાથે આવી ચડેલા ઘમુસરે શાંતાને જોઈ હતી.
 એ વખતે શાંતાએ પોતાને તાકી રહેલા એ સાહેબ તરફ કોઈ જ ધ્યાન આપ્યું નહોતું. ઘમુસર પણ પરાણે કોઈ પણ સ્ત્રીને પોતાની કરવામાં બિલકુલ માનતા નહીં. પણ કોઈ પણ સ્ત્રીના દિલમાં પોતાના માટે જગ્યા કેમ કરવી એ કળા એ સારી રીતે જાણતા હતા.
                                   (ક્રમશઃ)