અનોખી દુનિયા Tanvi Tandel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

અનોખી દુનિયા

 ૨૦૫૦ નું વર્ષ ચાલી રહ્યું છે.એક સાતમા ધોરણ માં ભણતી  દીકરી ગ્રીવા શાળાના પ્રોજેક્ટ માટે પોતાના લેપટોપ મા કઈક લખી રહી હતી.તેની મમ્મી પરિધિ રોબોટ યુગે બનાવેલ રસોઈ માઇક્રોવેવ માંથી કાઢી તેનો આસ્વાદ લઈ રહી હતી. તેના પપ્પા બેડરૂમ માં રહેલ ટચ સ્ક્રીન પર ઓફિસનું કામ પૂર્ણ કરી ઓકસીજન સપ્લાય નો ઘર માં કેટલો સ્ટોક છે તેની ગણતરી માંડી રહ્યા હતા.રોબોટ યુગ એક ખૂણામાં ચાર્જ થઈ રહ્યો હતો.હજુ ઘરનું કામ બાકી હતું ને તેનો એનર્જી સપ્લાય ઘટી ગયો હતો.
મોમ....પ્લીઝ અહી આવને. મારા સ્કૂલના પ્રેઝન્ટેશન માં થોડી હેલ્પ કર ને.
ગ્રીવા... તારા પપ્પા પાસે જા.હું જમવાનું પતાવી ઓનલાઇન બુકિંગ કરાવી દઉં નહીતો વેજિસ નો સ્ટોક કલિયર થઈ જશે તો નેકસ્ટ વિક તકલીફ થશે.
મોમ, તું હમેશ બિઝી જ હોય.મને કેટલો ટફ પ્રોજેક્ટ મળ્યો છે તને ખબર છે..
તારા ક્યાં પ્રોજેક્ટ સહેલા હોય છે ગ્રીવુ,...
ગ્રીવા ઓકસીજન બેગ ભેરવી પપ્પાના રૂમ તરફ જાય છે.
પપ્પા, હું અંદર આવું?
હા, ગ્રીવા,,, આવ બેટા. પપ્પાની સંમતિ મળતાં ખુશ થઈ ગ્રીવા રૂમમાં પ્રવેશે છે.
બોલો રાજકુમારી આજે પાપા યાદ કેમ આવ્યા?
પપ્પા મારે ગેમ્સ પર પ્રોજેક્ટ બનાવવાનો છે. હેલ્પ કરો.
તારું ગૂગલ ક્યાં??? 
કમ ઓન પોપ્સ.ગૂગલ પર જે પિકસ છે એ તો બધા કોપી કરી લાવશે...તો 
ગ્રીવા નો પ્રોજેક્ટ પ્રયાગ જુએ છે. ઇન્ડોર ગેમ્સ માં ગ્રીવાએ પબજી, સબવે સર્ફર્સ, બબલ વર્લ્ડ, કેન્ડી ક્રશ કેટકેટલી રમતો જે એ પોતે લેપટોપમાં રમતી એના વિશે માહિતી લખી હતી.
પ્રયાગ ના મો ઉપર હાસ્ય ફરકી ગયું.
ગ્રીવુ.... ચાલ તારા આ પ્રોજેક્ટ માં હું તને મારી ઉત્તમ મદદ કરીશ. ચાલ આ ઓકસીજન બેગ કાઢી તારી પીઠનો ભાર હળવો કરી દે.અને થઈ જા તૈયાર મારી સાથે...
બટ... પપ્પા, બેગ વગર....ક્યાં જવાનું છે અને શ્વાસ લેવા તો બેગ જાેયશે ને...?
બેટા,, હું તને એક એવી જગ્યા એ લઈ જઈશ જ્યાં જઈ તારા તમામ પ્રશ્નોનું નિરાકરણ આવી જશે.
પ્રયાગ તેની બેગમાંથી કી કાઢી એક રહસ્યભરી પેટી ખોલે છે જેમાં એક મશીન છે. મશીન બહાર કાઢી ગ્રીવાનો ને પોતાનો હાથ તેના ઉપલા ભાગે મૂકી કઈક ટાઈપ કરે છે.અચાનક એક મોટો ધડાકો થાય છે. લેસર લાઈટ ની બદલાતી રંગત સાથે બન્ને પહોંચે છે એક અલગ જ દુનિયામાં.
આકાશમાં વાદળો ની એક સુંદર દુનિયા હતી.ધરતી પર ચારે તરફ રંગબેરંગી ફૂલો સાથે હરિયાળી હતી.પ્રકૃતિનું આવું જાજરમાન સ્વરૂપ ને ફૂલોની ભવ્ય શોભા જોઈ ગ્રીવા દંગ રહી ગઈ.પોતાની દુનિયામાં તો તેણે વૃક્ષ કે ફૂલો જોયાં જ નહોતા.તેના પપ્પા તેનો હાથ ઝાલી તેને એક માનવ વસ્તી તરફ આગળ લઈ ગયા.
રસ્તામાં એક નદી આવી જ્યાં કેટલાક બાળકો ધીંગામસ્તી કરતા કરતા એક પછી એક કૂદકા લગાવી પાણીમાં તરવાની મજા લઈ રહ્યા હતા.કોઈ પાસે કોઈ પણ માસ્ક કે ઓકસીજન બેગ નહોતી. ગ્રીવા ને આશ્ચર્ય થયું.
આટલું બધું વોટર પાપા?.. આપણને તો પીવાનું પાણી પણ મહિને બોટલસ માં લિમિટેડ સ્ટોક માં મળે છે ને આ લોકો તો જો...
પ્રયાગ પોતાના મો ઉપર આંગળી મૂકી ઇશારાથી ગ્રીવા ને ચૂપ રહેવા જણાવી આગળ વધવા કહે છે.
 રસ્તાની આજુબાજુ કેસુડાના ફૂલો થકી જાણે કેસરિયા રંગની પથારી કરી હોય એવું દશ્ય હતું.રસ્તામાં એક આંબાનું વૃક્ષ આવતા પ્રયાગે એક પથ્થર લઈ કેરી પાડી ગ્રીવા ને આપી.
પપ્પા... રીયલ મેંગો????
બેટા... તારી મમ્મી જે ફ્રૂટ જ્યુસ ઓર્ડર કરે છે તે જ આ કેરી માંથી બને છે.
પણ..તે તો લિકવિડ હોય પાપા....
બેટા , કેરીઓ તો આપણી દુનિયામાં માત્ર ચિત્ર સ્વરૂપે જ રહી છે.ટેસ્ટ તો કરી જો.. બન્નેમાં કેવો ફર્ક છે એ જોજે.
વાઉ...પાપા ઇટ્સ અમેઝિંગ.
પછી બન્ને એક ગામમાં પ્રવેશે છે.જ્યાં એક પણ ઘર સિમેન્ટ ના નથી.માટીના નળિયા.. લીંપણ થી બનેલ ઘર જોઈ ગ્રીવા નવાઈ પામી.
તેના પ્રશ્નોની વણઝાર ઉછળે એ પહેલાં જ પ્રયાગે તેને એક દશ્ય બતાવ્યું. નાના બાળકો ઝાડની વડવાઈઓ પર ટાયર ને દોરડું વડે હીંચકો બનાવી ઝૂલી રહ્યા હતા.સામે એક ઘરે ઓટલી પર એક દાદા બેઠા હતા. ગ્રીવા ને પોતાના ગ્રાન્ડ ફાધર જેવા જ લાગ્યા.
પપ્પા....જુઓ પેલા... ગ્રાન્ડ પા જેવા જ...
બેટા...જેમની સાથે તું વિડિયો કોલ થી વાતો કરે છે એ જ તારા દાદા છે એ.
પણ...એમના વાળ....તો વાઇટ...
બેટું....જો જરા અંદર તારા દાદી શું કરે છે?
ગ્રીવા એ જોયું તો તેના દાદી લાકડાઓ સળગાવી કઈક બનાવતા હતા.સરસ સુગંધ ઘરમાં પ્રસરી રહી હતી.
પ્રયાગે ત્યાં જઈ કંઈ પણ બોલ્યા વિના વાસણમાંથી થોડું કાઢી ગ્રીવા ને ચખાડયું. લાપસી હતી પણ ગ્રીવાએ તો આવું સુંદર ભોજન ક્યારેય ખાધું જ નહોતું.
વોટ અ ટેસ્ટ ગ્રાન્ડ મોમ....આ શું છે? તમે કેમ બોલતા નથી?
દાદી કંઈ પણ બોલ્યા વિના ડિશમાં લાપસી કાઢી જતા રહ્યા.
બેટા,, આપણી વાત આ લોકો નહિ સાંભળી શકે. પ્રયાગે સમજાવ્યું કે તેઓ ટાઈમ મશીન દ્વારા આગળ ભૂતકાળમાં આવ્યા છે.
પપ્પા,,, દાદી મોમ કેટલું સરસ જમવાનું બનાવે છે તો તેઓને આપણા ઘરે કેમ નથી રાખતા એ લોકો ઓલ્ડ એજ હોમ માં કેમ રહે છે...
પ્રયાગ કઈ બોલી ના શક્યો.તેના આંખના ખૂણા માં શ્રાવણ વરસી રહ્યો.
એટલામાં એક છોકરો દોડતો આવ્યો.
તેને બતાવી પ્રયાગે ગ્રીવા ને પૂછ્યું ,એ કોણ છે જાણે છે?  તારા અંકલ... રોકી ઉર્ફે રાકેશ. બેટા એને જો એ શું કરે છે...
રોકી દોડતો દોડતો જે તરફ ગયો ત્યાં ગ્રીવા પણ દોરાઈ.આજુબાજુના છોકરાઓને ભેગા કરી તેઓ બધા ત્રણ લાકડીઓ ગોઠવી સ્ટંપ બનાવી ક્રિકેટની રમત રમવા લાગ્યા.
છોકરાઓની સાહજીક ઉછળકુદ, હાસ્યસભર ચહેરા ગ્રીવા જોઈ રહી હતી.તેને બધું નવું નવું લાગ્યું.છોકરાઓ કોઈ પણ જાતનાં બંધન વિના રમત રમતા હતા., ના કોઈ વાયરસ નો ડર કે ના કોઈ બેગ, પોતાની દુનિયામાં તો ઘરની બહાર માસ્ક વિના, બેગ વિના નીકળી શકાતું નહિ.ને મિત્રો બધા તો ઓનલાઈન જ મળતાં.લેપટોપ પર ગેમ્સ રમતા ને ચેટિંગ કરતા. આ બાળકો પાસે તો લેપટોપ કે સ્માર્ટ ફોન જેવું કશું હતું જ નહિ તો પણ તેઓ કેટલા ખુશ હતા.
  ગ્રીવા.. એ બધા ક્રિકેટ મેચ રમે છે.વર્ષો પહેલા આપણા દેશમાં ક્રિકેટ રાષ્ટ્રીય રમત હતી. દરેક ઘર, ગલી, શાળા બધે આ રમતની બોલબાલા હતી. બે ટીમ બનાવી આ રમત રમવાની મજા જ કંઇક વિશેષ હોઈ. જો તારા અંકલ સાથે કોણ રમે છે,?
પપ્પા....એ તો તમારા ...તમે છો???
હા, બેટા એ હું છું.
બન્ને બાપ દીકરી વાત કરે છે ત્યાં જ પેલા છોકરાઓ કઈક વાંકું પડતાં લડતા લડતા બેસી પડેલા જુએ છે.ને પાછા તરત જ બેટ, સ્ટંપ મૂકી નવી રમત રમવા માટે તૈયાર થાય છે. અલગ અલગ જગ્યાએ સંતાઈ ને પછી એક છોકરો એમને શોધે છે. ગ્રીવા ને આ રમત ખૂબ ગમી. પપ્પા આ ગેઇમ આપણે ઘરે રમીશું?
ચોક્કસ બેટા, એ સંતાકૂકડી ની રમત હતી. હાઇડ and સિક....બેટા, એક વાત કહું... તારી મમ્મી પણ આવી રમતો રમતી. ચાલ તારે જોવું છે?
હા...પાપા...  
બન્ને એક રિક્ષા જેવા વાહનમાં બેસી મમ્મી ના ઘર તરફ જાય છે.
પપ્પા...આ કેવું વાહન છે? જાણે કોઈ ટોરા ટોરા રાઇડ માં બેઠા હોઈએ એવું લાગે.
બેટા, એ છકડો રિક્ષા કહેવાય. આમાં દસ બાર જબા બેસી શકે. એ પેટ્રોલ થી ચાલે . આપણે તો પેટ્રોલ જ રહ્યું નથી એટલે આવા વાહન જોવા નથી મળતા.
બન્ને પરિધીના ઘર નજીક પહોંચે છે.બહાર જ એક નાની સાતેક વર્ષની છોકરી તેની ચાર સખીઓ સાથે હાથમાં કઈક લઈ રમત રમતી હતી.
ગ્રીવા તરત જ મમ્મી ને ઓળખી ગઈ.પપ્પા..મોમ જુઓને કેટલી સરસ લાગે છે ને બે રીબનવાળી હેરસ્ટાઇલ માં તો...મારા કરતાં પણ મસ્ત હો..એ લોકો શું કરે છે?
બેટા.. .જેવી રીતે સંતાકૂકડી, ક્રિકેટ, કબડ્ડી, ખો- ખો જેવી રમત આઉટડોર ગેઇમસ છે એવી રીતે કેરમ, પાંચીકા, ઘર - ઘર જેવી રમતો ઘરમાં રમાય.બહાર રમી રમી થાકી જાય ત્યારે ઘરમાં આવી રમતો રમતા બધા.
પપ્પા, જુઓને નાનુ નાની ક્યાં?
બેટા નાનુ તો ખેતરે ગયા હશે લાગે નાની જો ગ્રીન વેજીટેબલ સમારે છે.જા જો, એ તુવેર ખાઈ જો.ગ્રીવા ગભરાતા ગભરાતા થાળીમાંથી તુવેર લે છે.
પપ્પા... આપણે તો આવા વેજીસ સ્ટોક રેડી મંગાવીએ છીએ ને.
બેટા, તારા નાનુ ના ખેતરો છે જ્યાં બધા શાકભાજી થાય છે. આપણે તો જમીન જ ક્યાં છે તે આવા લીલા શાકભાજી તાજાં તાજા ખાવા મળે.
પપ્પા...વોટર બોટલ તો આપણે ભૂલી ગયા મારે પાણી પીવું છે..
બેટા, અહીંયા જો.એક માટલામાંથી પ્રયાગ લોટા વડે ગ્રીવાને પાણી આપે છે.
પપ્પા....કેટલા ડ્રોપ પીઈ શકાશે?
પ્રયાગ હસે છે... બેટુ... આ તો સુવર્ણ યુગ છે તું ધરાઈ ને પાણી પી...જેટલું પીવું હોય એટલું..તું જે જગ્યાએ છે ત્યાં પાણી માટે કોઈને પૂછવાનું ના હોય.
આ તરફ પરિધિ શોપિંગ ઓર્ડર આપીને ઘરમાં ગ્રીવા ને પ્રયાગને શોધે છે. રોબો યુગને પૂછે છે ત્યારે યુગ તેની મેમરી કાર્ડ દ્વારા ચેક કરી રૂમમાં રહેલ ટાઈમ મશીન વિશે જણાવે છે. પરિધિ ગભરાઈ જાય છે ને બન્ને ને પાછા લાવવા મશીન પર હાથ મૂકી ગ્રીવા પાસે પહોંચી જાય છે.
પરિધિ તું....?
મમ્મી....મમ્મી જો ને .... ગ્રીવા રડતી આંખે પોતે મમ્મી ને વળગી જાય છે.
પપ્પા,મમ્મી આ કેટલી સરસ મજાની દુનિયા છે.અહી બધું ફ્રી છે. અહી બાળકો જુઓને કેટલા ખુશ છે.નથી કોઈ પ્રોજેક્ટ્સ નું ટેન્શન ના વોટર બચાવવાનું ટેન્શન.વેજીટેબલ અને ફ્રૂટ પણ મળે અને ઓકસીજન બેગ પણ નહિ. બહાર ઈચ્છો ત્યારે જેટલું રમવું હોય એટલું રમી શકાય .મારે પણ રમવું છે આવું બધું. મારે ઓકસીજન નીબેગ વગર ફરવું છે.પેલા મેંગો ટ્રી પરથી મેંગો પાડવી છે અને નાનુ,નાની, દાદી દાદા ના ખોળામાં બેસી વાર્તાઓ સાંભળવી છે, એમના હાથનું ડેલીસિયસ જમવાનું જમવું છે ગરમ ગરમ. પેલા રોબોટ યુગ નું માઇક્રોવેવ વાળું જમવાનું નથી ખાવું. મમ્મી મારે અહીંયા. જ, આજ દુનિયામાં રહેવું છે.મારે નથી આવવું... રોબોટિક દુનિયામાં., જ્યાં મશીન સર્વસ્વ છે. પપ્પા...મમ્મી.... ચાલો ને અહીંયા જ રોકાઈ જઈએ..તે જોર જોર થી રડી પડે છે.
પરિધિ ને પ્રયાગ બંનેની આંખોમાં ભૂતકાળ માં જીવાયેલી સુંદર યાદોના મીઠા સંભારણા રૂપે અશ્રુઓ ડોકાય છે.
થોડી જ વારમાં  એલાર્મ વાગે છે.પ્રયાગ એકદમ ચિંતિત ચહેરે બેઠો થઈઆજુબાજુ જુએ છે....પોતે ઊંઘમાં હતો ને જોયેલા તમામ દ્રશ્યો.....
બહાર ગ્રીવા સોફા પર બેસી મોબાઈલ માં ગેઈમ્સ રમી રહી હતી..પ્રયાગ તરત તેના હાથમાંથી મોબાઈલ ઝુંટવી લે છે.

રેટ કરો અને રિવ્યુ આપો

Jayesh patel

Jayesh patel 5 માસ પહેલા

Bansi Acharya

Bansi Acharya 11 માસ પહેલા

Shefali

Shefali માતૃભારતી ચકાસાયેલ 3 વર્ષ પહેલા

એક દમ અનોખો વિષય

Ketan

Ketan 3 વર્ષ પહેલા

Gautambhai

Gautambhai 3 વર્ષ પહેલા