અજવાળું થશે...હજારોવાર થશે.
નવી પ્રભાત સંગ એક આશ સાથે થશે...
પંખીઓનો કલરવ કાયમ રહેશે
ભલે શિકારી એકાદ તીર મારશે..
ભારતભૂમિ છે વીર સપૂતોની
એક થી એક ચડિયાતા પાકશે.
બપોરનો સમય હતો. બસમાંથી વીરેન્દ્ર કૂણું કૂણું નાનું ઘાસ જે ધરતીની કાયા પર ચુંદડી બની પથરાઈ ગયું હતું એને જોય રહ્યો. ખેતરો પાકથી લહેરાય રહ્યા હતા. બસ આ છેલ્લું સ્ટોપ... પોતાનું ગામ.. એ ઉતર્યો. ભીની માટી ની મ્હેક એણે હાથમાં થોડી માટી લઈ તેની સુગંધ અંગે અંગમાં ભરી લીધી. કેટલા વર્ષે... પોતાના ઘરે જઈ રહ્યો હતો. ગામની ભાગળે...પહોંચ્યો. કેટલીય યાદો ત્યાં સમાયેલી હતી. કલાકો ના કલાકો અહી વિતાવ્યા હતા. અહી બેસીને ગરમાગરમ ભજીયા... મિત્રો સાથે કેટલાય તોફાનો,મોજ અહી કર્યા હતા. આ આંબો, કેરી પાડવા ઉપર ચડીને કેરીઓ ખાવાની મોજ અહી લુંટી હતી.. ને વાંદરાઓ આવતા તો તેમની પાછળ પાછળ દોડી દોડી ગામ ના પરા પૂરા થાય ત્યાં સુધી જવાનું જ. અને ત્યાં લીમડા વાળો કૂવો ....ને શેતુરી ના ઝાડે બેસી શેતૂરો ખાવાના...એ ખટમધુરા શેતૂરો...કેટલા મસ્ત લાગતાં. આજેય ત્યાં લાગતા હશે?? તળાવની પાળે પાણી ભરવા આવતી મારી રંગલી....અરે નામ તો એનું રસીલા ...પણ પ્રેમથી હું એને રંગલી કહેતો. એને અહી લીમડા વાળે કૂવે બોલાવી દુનિયાથી સંતાકૂકડી રમતા રમતા કેવા વાતો કરતા.રંગલી ની યાદ શરીરમાં જોમ પ્રસરાવી ગઈ. શું કરતી હશે? એ? મને યાદ કરીને જીવ બાળતી હશે કે પછી? એના કાળા લાંબા ભરાવદાર કેશ, એ અણિયાળી આંખો, કમનીય વળાંકો વાળો દેહ...મને હમેંશા આકર્ષિત કરતો.હાશ આજે મળાશે.મને જોઈને તો એ રઘવાયી બની જશે. હું ફટાફટ ચાલવા લાગ્યો.. ખભા પર વજનદાર બેગ હોવા છતાં મોટા પગલાં ભરી હું ગામ માં પ્રવેશ્યો.
રસ્તામાં મગનકાકા મળ્યા. " અલા.....એ.... વિનિયા...તું? ઓહો...કેટલો તાજો લાગી રહ્યો છે? બહુ વખતે રજા મળી નઈ? હજૂ ઉતર્યો જ છું?
હા, કાકા. ટ્રેનિંગ પછી તો કેમ્પ માં બે વર્ષ ફરજિયાત જવાનું હોય એટલે. માંડ રજા મળી છે. મગનકાકા ગામ ના ટપાલી હતા. પાંચ વર્ષમાં તો ઉંમરનો તકાજો એમની પર ઉતર્યો હતો. વાળ ઘણાં ખરા સફેદ થઈ ગયા હતા.ને સાઈકલ ને બદલે હવે મોપેડ જેવું સાધન લઈ પોસ્ટ ઓફિસ તરફ જઈ રહ્યા હતા.
અરે મગનકાકા તમે જાણો છો ને અમે સૈનિકો તો ખડેપગે દેશસેવા માં તૈનાત જ હોઈએ. સેવા માં રજા ના હોય.
હારું ,ત્યારે આ બપોરનું જમવા ટાણે આયો છ તાપમાં તે ઘેર જાણ તો કરવી હતી ને.. ટેશને સાધન મોકલતા કે નઈ?
અરે કાકા, ' સરપ્રાઈઝ.....' વિઝિટ છે.
હોવે હોવે અંગ્રેજી માં આપડે ના પૂગ્યે.. જાવ તારે...ઘર ભણી.હું તો ઓફિસે ટપાલ લેવા હાલ્યો. ઘર બાજુ આંટો મારી જાજે હો.નિરાંતે ચા પીતા બેહાસે
મગનકાકાને જતા હું જોઈ રહ્યો.અને મારી પરિચિત ભૂમિ પર ઘર તરફ જવા પ્રયાણ કર્યું.રસ્તામાં નાના ટાબરિયા ને રમતા જોયા.મને જોતાં જ દોડીને મારા ઘર તરફ ગયા. હું પણ એમની પાછળ તેમની દોડમાં જોતરાયો.
' વિરુભાઈ આવ્યા....
..વિરુભાઇ આવ્યા...' ની બૂમો સંભળાઈ રહી. ઘરે પહોંચતા જ માં અને બાપુ દેખાયા. બાપુ બહાર ખાટલે બેઠા હતા. ને માં દોડતી અંદરથી આવી. મને જોતાજ વળગી રહી. દીકરા મારા...તેની આંખમાં ખુશીના આંસુ છલકાયા. બાપુએ નજીક આવી ભેટી પડ્યા. બન્ને ને સાજા, સ્વસ્થ જોઈને દિલમાં ઠંડક પ્રસરી.ત્યાં કેમ્પ માં કેટલીયે સુવિધા વિના જ રહેવાનું થતું.માના હાથનું પ્રેમથી ભર્યું મસાલેદાર ભોજન કાયમ યાદ આવતું ને ખાસ માલપૂડા... અત્યારે પણ મોમાં પાણી આવી ગયું.
બેટા, જાણ તો કરવી તી. કરસનયા ને ટેસને મોકલત. નવુ બાઈક આણ્યું સ.
ઓહ... કરસનયાએ બાઈક લીધું.શું વાત છે? મારો પાક્કો ભાઈબંધ. મારા દરેક ગુનાનો ભાગીદાર. તેના ઘર તરફ નજર નાખી પણ ઘર તરફ કોઈ દેખાયું નહીં.
એ સંધાયે ખેતર જ્યાં સ. માએ કહ્યું.
આવ બેટા...બેસ.. ખાટલા પર. ને વિનીયા ની માં જા પાણી તો પિવડાય વિનું ને.. આયીને હરખ માં વાતો એ વળગી સ...પણ .......બાપુ બોલ્યા.
એ....હા... કહેતીક અંદર ગઈ.
બાપુ, તબિયત તો સારી છે ને,?.
બેટા...તને જોયો તો પાશેર લોહી વધી જાશે આજ તો.
રીમાડી ક્યાં છે? દેખાતી નથી. એટલામાં જ રીમા દૂરથી દોડતી આવતી નજરે પડી.હાથમાં નાની બેગ જેવું હતું.
એ આવી આફત....;માં પાણી નો લોટો લાવતા બોલી.
આવતાની સાથેજ એક ચીમટા કરતી ભયું આવી ગયો ... કહી ઝૂલતા વૃક્ષોને બાથ ભીડવા હવા દોડે એમ આવીને ભેટી પડી.
તું તો મોટી થઇ ગઈ.નાની હતી ત્યારે સારી લાગતી.નહિ મા? ત્યારે જ ગમતી હવે તો ...કોઈને ગમે એવી થઈ ગઈ છે.હું હસતા હસતા બોલ્યો.
ભાઈ...હું તો કોલેજ ગઇ તી.
ઓહો કોલેજ...શું વાત છે. પાંચ જ વર્ષોમાં કોલેજ....ગામ માં ખુલી ગઈ?
અરે ભાઈ..ગામ માં તો બહુ બધું નવું થયું છે. સાંજે બતાવીશ નિરાંતે. હું હસી મજાક કરતો બાપુ ને રીમા સાથે ખાટલે બેઠો ને માં રસોઈ બનાવવા લાગી.
થોડી જ વારમાં તો માં એ ઝટપટ ભોજન તૈયાર કરી દીધું. ભાણું પીરસાયું. હાથ પગ ધોઈ અને સૌ જમવા બેઠા. કેટલા વર્ષે.... સપરિવાર બેસી જમતાં. તે પણ માના હાથનું ભોજન. અદકેરો સ્વાદ.... જલસો પડી ગયો.
મનમાં હજુ બે ખાસ મુલાકાત બાકી હતી. કરસન અને મારી રંગલી. એને જોવી હતી પણ ઘરમાંથી નીકળવાનો સમય જ ન મળ્યો. જમ્યા બાદ આજુબાજુ વાળા બ્ધ સાથે બેઠા. થોડી વારમાં તો મુસાફરીના થાક ને લીધે નિ દ્રાદેવીને આધીન થઈ ઊંઘી પણ ગયો. સાંજે છેક પાંચ વાગ્યે ઊઠ્યો. રીમાને રંગલી વિશે પૂછવું હતું પણ પાછી એ ચીડવવા બેસી જશે એમ માની કરસન ના ઘર બાજુ જવા ધાર્યું.
કરસન ના માં બહાર આંગણે વાળતા હતા. ઘર હજુ એવું ને એવું હતું. કરસન યો હજુ કંઈ કામ નથી કરતો લાગતો..
કાઈકી... પ્રણામ...કમ છો? હું જોરથી બોલ્યો. કરસન ક્યાં?
અરે, વિનીયા.....આઇ ભાઈ..ઘરમાં તો આઈ. આટલા દાડે આયો સે તો... અન રજા લ્યને આયો સ કે?
હા... કાઈકી...હમણાં તો મહિનો રજા છે.
કરસન ઓ કરસન...જો તો કોણ આયું બોલતા એ અંદર ગયા.
અલા વિર્યા....મારા વિરયા..તું આય ગયો. બહુ સંભારતો હતો તન. આંખો મસળતા મસળતા કરસન આવીને મને ભેટ્યો.
એ બધું મુક. ચાલ ગામમાં ફરવા જવું છે.મે કહ્યુ. એ મારો ઈશારો સમજી ગયો.
જો હુકુમ મેરે કાકા..... હસતા હસતા કરસન અંદર ઘરમાં ગયો.
એ બાઈકની ચાવી લઇ આવ્યો.
ચાલ..વીરુ... આજે તને મારી પાંખે ગામ માં ઉડાઉ. મિત્રને મળવાનો ટેમ નથી ને જાવું છે ગામમાં... ચાલ પાછો...બેસી જા.
બાઈક સવારી મોંઘી પડે નહિ ને? મે પણ હસતા જ જવાબ વાળ્યો.
અમે વાતો કરતા કરતા ગામના મંદિર તરફ,મારી રંગલીના ઘર તરફ ગયા. કરસન ને પૂછ્યું પણ તે બહાર બહુ નીકળતી નહિ તેથી સારી છે પણ વાતો નથી થઈ એવું કહ્યું. વીરુ...હમણાં જ બે દાડા ઉપર જોયેલા ભાભી ને..મસ્ત થયા છે હો.. હવે તો કહી જ દેજે લગ્નનું નહિતર પાછી વર્ષો રાહ જોયા કરશે.
રસિલાના ઘર તરફ બાઈક ઉભી રાખી કરસને બાઈક ના બે હોર્ન માર્યા. ત્યાજ કુણ સ..... એમ બોલતી બોલતી પ્રવેશદ્વારે જ સાક્ષાત્ દેવી દર્શન થઈ ગયા. રસીલા એકીટશે જોઈ રહી મને. ઇંતેજારી ની એ ક્ષણો .... અધીરાઈથી ભરાઈ. ચૂપકીદી ની કેટલીક પળ ઉપસ્થિત થઈ. ઘરમાં કોઈ દેખાયું નહિ. તરત જ અરે તમે..........આ.... આવો ઘરમાં,, એટલું બોલી એ અંદર જતી રહી. એની પાછળ એનો લટકતો ચોટલો ને લહેરાતો દુપટ્ટો હું જોઈ રહ્યો. મારી રંગલી....એવી જ હતી નાજૂક નમણી....ભલભલાને મોહમાં સરકાવી દે તેવી. હું તેના પ્રેમ મા પાગલ હતો પણ આર્મી ની ટ્રેનિંગ માં જવાનું થયું ને પછી તરત કેમ્પ માં પોસ્ટિંગ મળતાં બે વર્ષની જુદાઈ પાંચ વર્ષમાં ક્યાં પલટાઈ ગયા ખબર જ ના પડી.
અલા... હેંડ ને અંદર.. કરસન ને મને વિચારતા રોક્યો.
હા..
રસિલાના બાપુ ને માં બીજા ગામ લગ્ન પ્રસંગ માં ગયા હતા. ઘરે એકલી હતી. અમારા બન્ને માટે ચા બનાવી લાવી. મને તબિયત પૂછી. મારી નજર તેના પરથી હઠતી નહોતી. ફરી મળીશું ના વાયદા સાથે થોડી વાતો કરી અને ત્યાંથી નીકળી ગયા. કારણ ગામમાં અમુક વાતોનું ધ્યાન રાખવું જરૂરી હતું. મનમાં બસ રંગલી ને જોઈ તેથી હાશ હતી.
ઘરે ગયા પછી તો એની યાદો માં જ રાત વિતાવી.બીજા જ દિવસથી ...માં અને બાપુ એ તો મારા લગ્નની વાતો શરુ કરી દીધી. મારા મનમાં ફાડ પડી. હજુ રસીલા ને મળી લગ્નનો પ્રસ્તાવ મૂકવા નો હતો. પણ તે પહેલાં જ આ બધું... મને મનમાં ગુસ્સો આવ્યો મારા પર જ. આ તો સારું થયું કે ગામ ના મહારાજે રસીલા ની કુંડળી બાપુને બતાવી સઘળું નક્કી કરી દીધું. મને તો ભાવતું હતું ને વૈદે કહ્યું ...જેવો ઘાટ થયો. રીમા મારી ને રસિલાની વાત જાણતી હતી એટલે આ સગપણ થયું હતું એ તો મને પાછળ થી ખબર પડી. પણ મારી હા સાથે જ અમારા બન્ને પ્રેમી પંખીડા ના વિવાહ નક્કી થઈ ગયા. ગામમાં તો લગ્ન પહેલા એકલા મળી શકાય નહિ તેથી કરસન અને રીમા ની મદદ થી હું રસિલાને બાજુના ગામમાં સાડી ખરીદી ના બહાના હેઠળ મળી શક્યો હતો. અમે બન્ને એ તે દિવસે ધરાઈને વાતો કરી. પાંચ જ દિવસમાં અમારા ઘડિયા લગ્ન લેવાઈ ગયા.
રસીલા હવે મારી ધર્મપત્ની હતી. મનભરીને અમે વાતો કરી શકતા. અમે બન્ને ખૂબ ખુશ હતા. મહિના માં તો અમે અમારા દાંપત્ય જીવનને અનેરી મીઠાશ અર્પી દીધી હતી. મારી રજાઓ પૂર્ણ થવાની હતી. રસીલાને છોડવાનું ગમતું નહોતું.પણ મારો ધ્યેય,મારું કર્મ ભુલાઈ એવું ન્હોતું.જવાની આગલી રાત્રે રસીલા મને પકડી ખૂબ રડી પણ એણે જ મને મારી ફરજ નું ભાન પણ કરાવ્યું. રસીલા અને પરિવાર કરતા મોટી ફરજ માતૃભૂમિ ની રક્ષા હતી..અમે ફરી વહેલા મળવાનું વચન આપી છૂટા પડયા. મારા માટે આ ક્ષણ ખૂબ નાજુક રહી. બીજે દિવસે હું જવા નીકળ્યો. માં એ મને ભાવતા માલપૂડાં તૈયાર કર્યા હતા. રીમા તો ખાસ શહેરથી જેકેટ લાવી હતી. ને રસીલા એ તેના પ્રેમથી ભિંજવેલ યાદો સંભારણા રૂપે આપી. માં બાપુ ને પગે લાગી , રસીલા આંખો ના ઇશારાથી ને રીમા ને આવજો કહી હું નીકળ્યો. કરસન મૂકવા આવ્યો હતો બસ સ્ટેન્ડ સુધી. અમે બન્ને મિત્રો ગળે વળગી છૂટાં પડ્યાં.
બીજા જ દિવસથી હું આર્મી કેમ્પમાં મારી ફરજ પર જોડાઈ ગયો.અમારા કેપ્ટન અમે સૌ સમયસર આવી ગયા હોવાથી રાજી હતા.થોડા દિવસો સખત ટ્રેનીંગ આપવામાં આવી. દિવસ તો નીકળી જતો પણ રાતો રસિલાની યાદ માં ઊંઘ ની વેરણ બની જતી. નેટ વર્ક આવતું તો ઘરે વાત થતી.દુશ્મન દેશની છાવણી નજીક જ હતી અમારા કેમ્પ થી . ત્યાં ગમે ત્યારે ગોળીબાર શરૂ થઈ જતો. તેથી હમેશા સાવધ રહેવું પડતું. છતાં સમય મુજબ અમારું કાર્ય ચાલતું રહેતું. ત્રણેક મહિના થઈ ગયા હતા.એક દિવસ રસીલા સાથે વાત માં ખુશખબર મળી. હા..હું વિરેન્દ્ર બાપ બનવાનો હતો.બસ માત્ર થોડા સહવાસ ના સમય માં મને રસીલા સાથે જે અપ્રતિમ સુખ મળ્યું હતું તેની પ્રતિતિરૂપે ખુશી એ મારા ઘરે દસ્તક આપી હતી. મારામાં અનેકગણા જોમનો સંચાર થઈ ગયો હતો. હું રસિલાને કહેતો મારો પુત્ર અદ્દલ મારા જેવો જ ....દેશપ્રેમી થશે. મારો રાજકુમાર...ખંતીલો...ને એવી અઢળક વાતો કરતો. રસિલાની ડિલિવરી નો સમય જાણી એ સમયે ઘરે જવાની પરમિશન પણ મે કેપ્ટન પાસે માંગી લીધી. તેથી અમે બન્ને ખૂબ ખુશ હતા.
સમયનું વ્હેણ થંભી ને રહેતું નથી..
દુશ્મન દેશની એક બટાલિયન શસ્ત્ર સજજ થઈ નજીકના તાબા હેઠળ પ્રવેશી ચૂકી હતી.એ સમાચાર મળતાં જ અમે સૌ રાત દિવસ જાગીને સીમાની ચોંકી કરતા.બે એક વાત તો અથડામણ મા એકાદ બટાલિયન ના ત્રાસવાદીને અમારી ટુકડીએ ઠાર કર્યા હતા.પણ ચોક્કસ કેટલા જણ સીમા વટાવીને પ્રવેશ્યા હતા તેની માહિતી નહોતી.એક રાતે લગભગ ત્રણ વાગ્યે અમને સૌને કઈક હલચલ મહેસૂસ થઇ.અને સૌ સાવધ થઈ ગયા. વોકી ટોકી થી સૌને જાણ કરી ચેતવી દીધા. અચાનક ત્રાસવાદીઓ ત્રાટક્યા.આઠેક જણ ની ટુકડી એમની સામે રાયફલ લઈ આગળ વધ્યા. તેમાંના બે વિરેન્દ્ર ની બંદૂક વડે ઠાર થઈ ગયા.વિરેન્દ્ર અને બીજા ચારેક આર્મી આગળ વધતા રહ્યા. અચાનક વિરેન્દ્ર ની રાયફલ માં ગોળીઓ ખલાસ થઈ ગઈ.છતાં વિરેન્દ્ર એ સામેની બટાલિયન નો સામનો પૂરા જોમ અને પૂરી તાકાત થી કર્યો. ત્રુટિ જેટલા સમયમાં જ એક આર્મી ને પગમાં ગોળી વાગી.તેને ઉંચકી વિરેન્દ્ર એક તરફ કર્યો. સાથેના બીજા સાથીને ઘાયલ થયેલા ને છાવણી માં સારવાર માટે લઇ જવાનું અહી તેની બંદૂક ને ઉપાડી બીજા સાથીઓ સાથે હુમલાખોર તરફ આગળ વધ્યા.સામેથી અચાનક છુપો એક પ્રહાર થયો ને સીધી ગોળી વીરેન્દ્ર ના છાતી આરપાર નીકળી ગઈ. સામેથી રાયફલ ની બધી ગોળી તેને ત્રાસવાદીઓ પર મારી. બન્ને ત્રાસવાદી મારી ગયા. વિરેન્દ્ર.....મનમાં રાજકુમાર ,રસીલા, માં - બાપુ ને ભારતભૂમિ સૌને યાદ કરી માં ભોમ પર પછડાયો. થોડા જ સમયમાં વિરેન્દ્રસિંહ મોત સામે ઝઝૂમતા વીરગતિ પામ્યો.બીજી બાજુ વતનમાં રસિલા ને હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં લગભગ એ જ સમયે ... વીરેન્દ્ર સિંહ નવુ રૂપ , નવુ જોમ લઈ જનમ્યો. ભારતભૂમિ ને અર્પણ થવા....ફરી વતનની રક્ષા કાજ...
- તન્વી કે ટંડેલ.