છેલ્લી દસ મિનિટ... Pallavi Gohil દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

છેલ્લી દસ મિનિટ...


                 મોંઘાદાટ હોસ્પિટલના આ આઈ.સી.યુ.માં ત્રીજા બેડ પર હું આજે મારા જીવનના છેલ્લા શ્વાસ ગણી રહ્યો છું. પોતાનું આખું જીવન (જાણે પિક્ચર જોતા હોય અને ફોરવર્ડ કરીએ ત્યારે જે ઝડપથી ભાગે એમ )મારી આંખ સમક્ષ રિવાઇન્ડ (શરૂઆતથી લઈને અત્યાર સુધી) થઇ રહ્યું છે. ન જાણે કેટકેટલા સંઘર્ષ કર્યા છે મેં જીવનભર...અંતે આજે દરેક ઘટના આંખ સામે દ્રશ્ય થઇ રહી છે. એકદમ ગરીબ પરિવારમાં મારો જન્મ થયો હતો. બાપા મજૂરી કરતા જયારે માં ગૃહિણી. માંની માનસિક હાલત કોઈકવાર બગડી જતી.માં , બાપા , બા ,ચાર બહેનો અને ત્રણ ભાઈ એમ મારી સાથે કુલ અગિયાર જણનો પરિવાર. માંની તબિયત સારી-નરસી થયા કરતી પણ બા હતા તેથી ઘરની જવાબદારી એ સંભાળી લેતા. ચાર બહેન મોટા ત્યારપછી એક ભાઈ હતો પણ થોડોક મોટો થયા પછી એનું અકાળે મૃત્યુ થયું. ત્યારબાદ હું અને છેલ્લે બે ભાઈ. આમ તો સંતાનોમાં પાંચમા નંબરે પણ ઘરનો મોટો દીકરો હોવાથી પહેલેથી જ જાણે મારું બાળપણ છૂટી ગયું. જે હાથમાં ગિલ્લી દંડા હોવા જોઈએ તે હાથ પર પાવડો , કોદાળી જેવા ઓજારોએ કબ્જો જમાવી દીધો. 
સવારે નિશાળે જવાનુ ને પછી મજૂરી કરવાની. આખો દિવસ કામ કરતા ત્યારે સાંજે પેટનો ખાડો માંડ પૂરાતો. કેટલીકવાર તો આગલા દિવસના ખોરાકના અભાવે ચોકડી ખોદતાં-ખોદતાં ચક્કર આવી પડી પણ જતો છતાં ભવિષ્યના સુખની ઘેલછામાં બધું દુઃખ હરખે ને હરખે સહન કરે રાખ્યું. ચારેય બહેનોના લગ્ન મજૂરી કરીને જ કર્યા. હું ભણવામાં ખુબ જ હોશિયાર. બારમા ધોરણમાં ૬૫% સાથે પાસ થયો. એ જમાનામાં તો ૬૦% લાવવા એટલે ખુબ જ મહેનતની વાત. આગળ ભણવાની તીવ્ર ઈચ્છા પણ કહું કોને...??? ઘરમાં કોઈ પાંચ ધોરણથી આગળ ભણ્યું જ નહતું અને મા-બાપ અભણ. બાપાને પીવાની ટેવ હોવાથી સાંજે થાકીને આવીને દારૂ પીને સુઈ જતા. એક દિવસ હિમ્મત કરી મેં બધા સમક્ષ બાપાને આગળ ભણવા માટે શહેરમાં જવાની ઈચ્છા દર્શાવી. બાપા તો ગુસ્સે થઇ ગયા 'જે ભણવું હોય તે અહીં જ ભણ. એના માટે શહેર જવાની કોઈ જરૂર નથી' આમ સંભળાવી દીધું. માં ને મારી વાત સમજાઈ ગઈ પણ તે પોતાના પતિને જાણતી હતી કે તે પોતાનું કહ્યું જ કરશે આથી માંએ પોતાના ઘરેણાં આપી કહ્યું કે 'જા ભાગી જા અહીંથી આ ઘરેણાં વેચીને એના પૈસામાંથી તું ભણી લેજે તારો બાપ જાણશે તો તને નહિ જવા દે.' 
હું ઘરેણાં વેચી શહેરમાં ગયો. ત્યાં જમવાનું પૈસામાંથી થઇ જતું પણ રહેવા માટે પણ જો ખર્ચો કરું તો આગળ શું...??? એમ વિચારી મેં ગામના જ એક કાકાને ત્યાં રહેવાની વ્યવસ્થા કરી દીધી. રહેવાનું ભાડું તો નહતું પણ ભાડાના બદલે મારે ઘરનું બધું કામ કરવાનું , તેમના નાના બાળકને સાચવવાનું કામ કરવાનું હતું. હું સવારમાં વહેલો ઉઠી ઘરનું કામ કરતો , નાના બાળકને સાચવતો ત્યારબાદ કોલેજ જતો. દિવસે તો મને વાંચવાનો સમય મળતો નહિ આથી રાત્રે સ્ટ્રીટ લાઈટની નીચે હું વાંચતો અને અડધી રાત્રે આવી સુઈ જતો. કોલેજના બીજા વર્ષમાં નળફિટિંગનું કામ શોધી હોસ્ટેલમાં શિફ્ટ થઇ ગયો. ક્યારેક હોટલમાં વાસણ પણ ધોયા. આમ આવી રીતે પોતે બી.ઈ. નો અભ્યાસ પૂર્ણ કર્યો. ઇંજિનિયર બન્યા બાદ નોકરી શોધી રહ્યો હતો. સરકારી નોકરીની રાહ જોતો પ્રાઈવેટ નોકરી કરી રહ્યો હતો. હજુ તો સેટ થવાનું વિચારતો હતો એવામાં બાપાએ બૉમ્બ ફોડ્યો કે 'આવતા મહિને તારા લગ્ન છે મેં કન્યા જોઈ છે અને નક્કી કરી દીધું છે'. મારા લગ્નનો પ્રસંગ પણ મેં ખુદ કર્યો. સદનસીબે પત્ની ખુબ જ સમજુ અને પ્રેમાળ મળી. ખુબ જ નમ્રતાથી સહુ સાથે વર્તતી. લગ્ન પછી તરત જ પત્નીના સારા પગલે સરકારી નોકરી મળી ગઈ. 
વિચાર્યું કે હવે દુઃખના દિવસો પુરા થયા જે વેઠવાનું હતું એ વેઠી લીધું હવે શાંતિ...પણ પછી...હું , મારી પત્ની , માં , બાપ અને નાના બે ભાઈ બધાનો ખર્ચો કાઢવાનો. આ બધામાં પગાર પૂરો થઈ જતો. સમય જતા એક પુત્ર અને એક પુત્રી જનમ્યા. નાના બંને ભાઈઓને ભણાવી સેટ કરી લગ્ન કરાવ્યા. મારી પત્ની બહુ સમજુ હતી એની દરેક ઈચ્છાને દબાવી દેતી. હું પારખી જતો પણ શું કરી શકાય...??? જેવો પોતાના માટે વિચારુ કે આંખ સમક્ષ ઘણીબધી જવાબદારી તરી આવતી. ભાઈઓએ લગ્ન પછી એમની અલગ દુનિયા વસાવી. બહેનોને આગળ લાવવા ખિસ્સા કરતાંય વધુ મદદ કરી. અંતે બધા સેટ થઇ ગયા. વિચાર્યું કે હવે પોતાના માટે જીવી લઈએ ત્યાં તો બહેનોને ત્યાં મોસાળાના ખર્ચા આવી ગયા. એ પુરા કર્યા કે એવામાં છોકરાં કોલેજમાં આવી ગયા. કોલેજની ફી અને છોકરાંઓની ખુશી જોઈ ફરી એકવાર મનને માનવી લીધું. પુત્રે ઈન્જીનીયરીંગ કર્યું અને પુત્રી ડોક્ટર બની. છોકરાંઓ ભણી રહ્યા એટલે વારાફરથી બંનેને પરણાવી દીધા. છોકરી સાસરે સુખી હતી.છોકરો પણ સુખી હતો. બંનેને ત્યાં બાળકો થયા. ફરી અમે વ્યસ્ત થઇ ગયા. વિચાર્યુંતું કે છોકરાંઓ સેટ થાય , લગ્ન થાય એટલે અમે જવાબદારીમાંથી મુક્ત. પછી અમે એય ને મઝાથી ફરીશું. જીવનમાં જે ઈચ્છાઓ અધૂરી રહી ગઈ એને ફરી ઉજાગર કરીશું. હું રિટાયર્ડ થઇ ગયો. હવે ફક્ત પેનશન આવતું. પુત્ર અને પુત્રવધુ સારા પણ સ્વમાન ખાતર હું ક્યારેય હાથ લંબાવતો નહીં. આથી ઈચ્છાઓની હવે કાયમ માટે મનમાં દફનવીધી મેં કરી દીધી. 
વિસ દિવસ પહેલા હું બેભાન થઇ ઢળી પડ્યો અને મને હોસ્પિટલમાં આઇ.સી.યુ. માં એડમિટ કરવામાં આવ્યો. ડોક્ટરે બ્રેઈન હેમરેજ કહ્યું. અને હવે બચવાની કોઈ જ શક્યતા નથી એમ જણાવ્યું. આજે સવારથી મારી તબિયત ખૂબ જ ખરાબ છે. ડોક્ટરનું કહેવું છે કે હવે ગમે ત્યારે કંઈ પણ થઇ શકે છે. હું મારા જીવનના છેલ્લા શ્વાસ ગણી રહ્યો છું. મારી પત્ની મારી સામે ઉભી છે એની આંખમાં એ આંસુ આવવા દેતી નથી પણ મને ખબર છે કે એ અંતરમાંથી તૂટી ગઈ છે. દીકરા , દીકરી બધા સેટ છે અને એમને પોતાના પરિવાર છે તો એમની તો મને ચિંતા નથી. મને ચિંતા છે ફક્ત એ સ્ત્રીની જે મારા માટે સર્વસ્વ છોડીને આવી અને નિસ્વાર્થ ભાવે મારા જીવનના સફરમાં ડગલે ને પગલે મારી સાથે રહી. પરંતુ હું એની કે મારી કોઈ જ ઈચ્છા પુરી ન કરી શક્યો. અમારે પણ અમારી ઈચ્છા મુજબ જીવવુંતું. એના માટે સોનાનો સેટ ખરીદવોતો ને સરપ્રાઈઝ ગિફ્ટમાં અમારી પચ્ચીસમી લગ્ન તિથિએ આપવોતો.એકવાર એની સાથે વિમાનમાં બેસી ઊંચે ગગનમાંથી આ ધરતી કેવી લાગે એ જોવુંતું. કાશ્મીરના પ્રવાસે જવુંતું ને કાશ્મીરી કપડામાં કપલ ફોટા પડાવવાતા. હોઉસબોટમાં રહેવુંતું ને 'હમકો તુમપે પ્યાર આયા... 'ગીત ગાવુંતું. મહાબળેશ્વર જઈ પંચગીની પર ઘોડેસવારી કરવીતી. પહાડોમાં મોટેથી આઈ લવ યુ બોલી એને પડઘા સંભળાવવાતા અને એવું તો કાંઈ કેટલુંય... પણ સમય હાથમાંથી સરી ગયો છે અને હવે આ છેલ્લીવાર એ આવી શણગારથી સજીને દેખાઈ રહી છે. હવે પછી એ ક્યારેય સાજ શણગાર નહિ કરે. અત્યારે મારે ઘણુંબધું કહેવું છે એને પણ હું મારી બોલવાની શક્તિ ખોઈ ચુક્યો છું બસ જોઈ શકું છું સમજી શકું છું અને હવે... અરે...મને આ શું થઇ રહ્યું છે...??? આંખ સામે અંધારા કેમ આવી રહ્યા છે...??? અરે.... બધા કેમ રડી રહ્યા છે...??? હું તો સાજો સામો થઇ ગયો બોલી શકું છું પણ આ લોકો મને કેમ સાંભળતા નથી...??? ચાલ હું એમની પાસે જાઉં...અરે હું અહીં છું ને બધા પલંગ તરફ કેમ જોઈ રહ્યા છે...??? પલંગ પર મારા જેવો જ દેખાતો આ કોણ છે...??? 
....................... હું આત્મા સ્વરૂપે જોઈ રહ્યો છું અને મારી લાશ પર બધા રડી રહ્યા છે...હવે બધું જ પૂરું થઇ ગયું હતું.દરેક જવાબદારી , દરેક સંબંધ. જે અધૂરું રહી ગયું હતું એ બસ... અમારા સપના અને અમારી ઈચ્છાઓ..... 
*-*-*-*-*-*-*-*-*-*-*-*-*
એવા લોકોને સમર્પિત જેઓ બીજાની જરૂરિયાતોને માટે પોતાના સપના , પોતાની ઈચ્છાઓની બલી ચઢાવી દે છે. વાચકમિત્રોને મારો એક પ્રશ્ન-આ સ્ટોરી જો તમારા પર લખવામાં આવી હોત તો તમારી જિંદગીની છેલ્લી દસ મિનિટ કેવી હોત...??? 
વિચારજો... ? 

-પલ્લવી ગોહિલ