રામપુરા ગામના ત્રીજા ફળિયામાં તળિયે લિપણવાળું ખૂણાનું એક કાચું ઘર. જેની દીવાલ આજ પડું કાલ પડું થઇ રહી હતી. એની ઓસરીમાં કાથીથી ભરેલા ખાટલા પર ફાટેલી ગોદડીમાં કરસનકાકી જીવનના છેલ્લા શ્વાસ ગણી રહ્યા હતા. કરસનકાકી.... એકસમયે ફળિયામાં જેમનો વટ હતો. ખાધે પીધે સુખી પરિવારની દીકરી. સાસરે આવ્યા ત્યારે અગિયાર ગાયો કન્યાદાનમાં લાવ્યા હતા. આખા ફળિયામાં તો બધાની આંખો પહોળી થઈ ગઈ હતી. શરીરે ભરાવદાર , ઊંચા અને અવાજમાં રુઆબ છલકે. એવોતો ભારે વટ કે એમનું કહેલું સહુ કોઈ માને. સંયુક્ત કુટુંબમાં પરણીને આવ્યા હતા અને સૌ કોઈ સાથે દુધમાં સાકરની જેમ ભળી ગયેલા. ફળિયાના બધા છોકરા કરસનકાકી કહીને બોલાવે. એમને ભગવાને બે દીકરા દીધેલા. બંનેને ભણાવ્યા-ગણાવ્યા અને પરણાવી દીધા. બંને શહેરમાં રહે. આ સમયગાળા દરમિયાન કાકીના સાસુ-સસરા સ્વર્ગે સિધાવ્યા જેથી કાકા-કાકી એકલા જ રહે. એકવાર કાકાને એક કૂતરું કરડી ગયેલું. કાકાએ ગણકાર્યું નહિ અને સાથે બીજી પણ બીમારી લાગુ પડી આથી શરીરે ધીરે-ધીરે સાથ છોડી દીધો અને અંતે કાકા મૃત્યુ પામ્યા. કાકી એકલા રહી ગયા. ત્યારથી કાકીને કુતરાઓ પ્રત્યે ભારે રોષ. જેવા જુએ કે તરત જ ભગાડે.
એકવાર બન્યું એવું કે ચોમાસાની એક રાતે એક કૂતરીએ એમના વાડામાં લીમડાના ઝાડ નીચે બચ્ચાંને જન્મ આપ્યો. હવે વરસાદ ચાલુ હતો તેથી કુતરી ખાવાનું ક્યાંથી મેળવે...??? તેને ભૂખી જોઈ કરસનકાકીનું હૃદય પીગળી ગયું અને કાકીએ શિરો બનાવી એને ખવડાવ્યો. કુતરી તો વચ્ચે શ્વાસ લીધા વગર બધો જ શિરો ખાઈ ગઈ. કાકીએ એની ઉપર રહે એ રીતે ઝાડ પર એક કોથળો બાંધી દીધો જેથી એના બચ્ચાંને રક્ષણ મળે.કાકી રોજ એને ખાવાનું ખવડાવતા.ધીરે-ધીરે કાકીને આ કુતરી સાથે એવી તો માયા બંધાઈ ગઈ કે જાણે એ એમના જ પરિવારની એક સભ્ય હોય. કાકી એને લાલી કહી બોલાવતા. કાકી રોજ એને ઘી વાળી રોટલી , દૂધ બિસ્કિટ એવું સારું સારું ખવડાવે. કુતરી પણ કાકીના વાડામાં જ રહે અને જયારે કાકી સુઈ જાય તો ખાટલાની બાજુમાં પાથરેલ ગોદડી પર એ પણ સુઈ જતી. ધીરે ધીરે લાલીના બચ્ચાં મોટા થયા અને પછી બીજે જતા રહ્યા.કાકીને લાગ્યું કે આ જ નિયમ હશે. મનુષ્ય હોય કે પશુ સંતાન મોટા થઈને એકલા છોડી એમની વાટે ચાલ્યા જાય. કાકી લાલીનું ખુબ ધ્યાન રાખતા. લાલી પણ કાકીને જોઈ ખુબ રાજી થતી. એક દિવસ કાકી બીમાર પડ્યા. દેશી દવા કરે રાખી પણ સારું થયું નહિ.આખરે કાકી દવાખાને ગયા. ડોક્ટરે રિપોર્ટ કઢાવ્યા. રિપોર્ટમાં ટી.બી. નો રોગ નીકળ્યો.
ટી.બી....ફળિયામાં તો લોકો વાતો કરવા લાગ્યા , 'ટી.બી. એટલે તો ચેપી કહેવાય રખેને આપણને થઇ જાય તો...???'એવું વિચારી કોઈ કાકીની નજીક આવતું નહિ.કાકીના દીકરા પણ સમાચાર સાંભળી આવ્યા નહિ. બસ એક લાલી જ હતી જે આ પરિસ્થિતિમાં એમની પડખે રહી. ઉમર હોવાના લીધે ક્યારેક કાકી દવા લેવાનું ભૂલી જતા તેથી સાજા થવાની જગ્યાએ તબિયત વધુ ખરાબ થવા માંડી. કાકીની લાલી તો કાકીને છોડીને ક્યાંય જતી નહિ. કાકીની બાજુમાં જ બેસી રહેતી. દવાના સમયે સાડીનો છેડો ખેંચીને દવા યાદ કરાવતી. કાકીને લાલીની ચિંતા થવા લાગી. જો મનુષ્યને ચેપ લાગી શકે તો આ મૂંગા પ્રાણીને પણ લાગેને...જો લાલીને બીમારી લાગી જાય તો એ બિચારી ક્યાં જાય...??? આમ વિચારી કાકીએ લાલીને કાઢી મૂકી પણ લાલી તો માને જ નહિ. બારણાની બહાર બે દિવસ સુધી એ બેસી રહી. ત્યાંથી ખસે જ નહિ છેવટે હારીને કાકીએ લાકડીથી એને ખુબ મારી છતાંય લાલી તો ગઈ જ નહિ. કાકી પણ રડી પડ્યા , 'જયારે પોતાના સાગા સંબંધી , પાડોશી , અરે પોતાના પેટના જણેલા દીકરાઓ નજીક આવવા તૈયાર નથી ત્યારે આ મૂંગું પ્રાણી એને કેટલી માયા કે એ માર ખાઈને પણ પોતાને છોડવા તૈયાર નથી.' લાકડી ફેંકી કાકીએ લાલીને ઘરમાં લઇ લીધી. એને દવા લગાવી હાથ પસવારતા પસવારતા એને ખવડાવ્યું. લાલી ખાવાનું ખાઈને ત્યાં જ સુઈ ગઈ. કાકી પણ ખાટલામાં પડ્યા પડ્યા એને જોઈ જોઈને આંસુ વહાવી અંતે સુઈ ગયા.
થોડા દિવસો બાદ કાકીની તબિયત વધારે ખરાબ થઇ. આજે તો સવારથી જ તબિયત ખુબ જ ખરાબ હતી. જાણે હવે દેહ છોડવાનો સમય નજીક આવી રહ્યો હતો. ફળિયામાંથી બાજુના ઘરના રામાકાકીને લાલી સાડીનો છેડો ખેંચીને લઇ આવી હતી. કરસનકાકીને જોઈને જ રામાકાકીને ખ્યાલ આવી ગયો કે એ છેલ્લા શ્વાસ ગણી રહ્યા છે આથી એમણે ફળિયામાં બધાને જણાવ્યું.ફાળિયામાંના સહુ કોઈ કરસનકાકીના ઘરમાં ઉભા હતા. કરસનકાકીએ પાણી માગ્યું આથી રામાકાકીએ ગ્લાસ ભરીને આપ્યો.પાણી પીતા પીતા પાણીનો ગ્લાસ હાથમાંથી છૂટી ગયો.કાકીએ લાલીને નજીક બોલાવી એના પર હાથ મૂક્યો અને સાથે જ પ્રાણપંખેરું ઉડી ગયું.કાકી મરણ પામ્યા અને લાલી એકલી રહી ગઈ. એની આંખમાં પણ આંસુ આવી ગયા. એ એમની નજીક જ રહી.એમની અંતિમયાત્રામાં પણ લાલી ઠાઠડીની પડખે જ ચાલી જાય.આ જોવા આખું ગામ ભેગું થયું. કાકીના અંતિમસંસ્કાર ફળિયાના લોકોએ જ કરી દીધા.
ત્યારબાદ લાલી ત્રણ દિવસ સુધી એમના ખાટલા નજીક જ બેસતી અને રડતી રહેતી. બધા ખાવાનું મૂકી જતા પણ લાલી ખાતી નહિ. ચોથા દિવસે કોઈ હલચલ ન જણાતા લોકોએ કાકીના ઘરમાં જઈને જોયું તો કાકીના ખાટલાની નજીક પાથરેલી ગોદડી પર એમની લાલીએ પણ પ્રાણ ત્યજી દીધા. કરસનકાકીની લાલી પણ એમની પાછળ એમની વાટે ગઈ. ગામલોકો પણ આવો અદ્ભુત મૂંગો પ્રેમ જોઈ સ્તબ્ધ બની ગયા.આ જોઈ દરેકની આંખમાં આંસુ આવી ગયા. ગામલોકોએ લાલીની અંતિમયાત્રા કાઢી અને એને કાકીના વાડામાં જ દફનાવવામાં આવી. એના પર ફૂલોનો વરસાદ કરી સહુ કોઈ બોલી ઉઠ્યા ખરેખર આ જ આત્માનો સાચો સંબંધ કહેવાય... *-*-*-*-*-*-*-*-*-*-*-*
-પલ્લવી ગોહિલ (Pal Rakesh)