અધૂરી પ્રીત... Pallavi Gohil દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અધૂરી પ્રીત...

        સરદાર સરોવર નજીક મીની કાશ્મીર ગણાતું કેવડિયા કોલોની. હમણાં તો ત્યાં નજીક ભણવાની સારી એવી સ્કૂલ છે. પરંતુ આજથી ૧૬ વરસ પહેલાની વાત કરું તો ત્યાં દસમા ધોરણ પછી અભ્યાસ માટે એક જ સ્કૂલ તે પણ સરકારી.તેથી ઘણા વિદ્યાર્થીઓ સાયન્સ -કોમર્સ કરવા માટે વડોદરા , ભરૂચ કે સુરત જાય નહીંતર રાજપીપલા બસ માં અપ - ડાઉન કરે. સવારમાં છ વાગ્યે કેવડિયાના બસ સ્ટેન્ડ પર જુઓ તો જાણે મેળો લાગ્યો હોય. ઘણા સ્ટુડન્ટ્સ બસ ની રાહ જોતા ઉભા હોય.સાથે અપ- ડાઉન કરતા -કરતા કેટલાક પ્રેમી પંખીડાની જોડી પણ બની જાય.      
     
                           આમાં જ ૧૧ સાયન્સ માં અભ્યાસ કરતો અંશ. દસમા ધોરણમાં ૮૫% સાથે પાસ થયા પછી ડોક્ટર બનવાના સ્વપ્ન સાથે અગિયાર સાયન્સમાં રાજપીપળામાં એક બોય્ઝ સ્કૂલમાં એડમિશન લીધું. અંશના ઘરમાં માતા -પિતા અને એક નાની બહેન જે આઠમા ધોરણમાં અભ્યાસ કરતી હતી.અંશ ખુબજ પ્રેમાળ , ભણવામાં પણ હોશિયાર , દેખાવડો , ફેશનેબલ અને ડાન્સ નો તો ગાંડો શોખ .હંમેશા કહેતો કે હું તો જયારે દુનિયા છોડીશ ને ત્યારે પણ વરઘોડો કાઢી વાજતે ગાજતે જઈશ .અડોશ- પડોશ , સગા -વહાલા સૌમાં માનીતો. સૌને એવી આશા કે અંશ ચોક્કસ જીવનમાં કૈંક કરશે અને એના માતા પિતા નું નામ રોશન કરશે.                               
                          ડોક્ટર બનવાના સપના સાથે અંશે અગિયારમા ધોરણમાં પ્રવેશ કર્યો. જોતજોતામાં અપ-ડાઉન માં ઘણું મોટું મિત્રવર્તુળ બની ગયું. જોતજોતામાં ડિસેમ્બર મહિનો આવ્યો.સવારમાં સવા છ વાગ્યે બસનો ટાઈમ હોવાથી અને મિત્રો સાથે બસ સ્ટેશન પર બેસીને ગપ્પા મારવાની ઉત્સુકતાથી છ વાગ્યે તો સ્ટેશન ફુલ થઇ જતું.          

                           ડિસેમ્બર મહિનાની ગુલાબી ઠંડી ત્યાં સ્ટ્રીટ લાઈટ ના પ્રકાશ ની નીચેથી પસાર થતી પ્રિયાને જોઈ અંશ જોતો જ રહી ગયો.પ્રિયાનો માસુમ ચહેરો , મોટી મોટી કાળી આંખો , લાંબા વાળ , ગુલાબની પાંદડી જેવા હોઠ , સ્કૂલ ના યુનિફોર્મમાં એકદમ સરળ પહેરવેશ માં પણ ખુબજ સુંદર લગતી હતી એ.એમાં વળી સ્ટ્રીટ લાઈટનો પીળો પ્રકાશ અંશ એને જોતો જ રહી ગયો. તે દિવસે બસ મોડી આવી આથી સૂર્યોદય પણ થઇ ગયો હતો. સૂર્યનો આછો પ્રકાશ અને કેવડિયાનું એ શાંત કુદરતી વાતાવરણ આહ...!!! એવામાં બસ આવી ગઈ.બધા ચઢી ગયા પ્રિયા છેલ્લે ચઢી અંશ પણ એને જોતો જોતો એની પાછળ ચઢ્યો. પછી તો બસ આ રોજનો નિત્યક્રમ. ભલે બીજી બસ પકડવી પડે પણ અંશ તો પ્રિયા જે બસમાં જાય એમાં જ જતો.સાંજે વળતા પણ એનીજ બસમાં આવતો આખી રાત બસ સવારમાં સ્ટેશન જવાની રાહમાં જ વિતાવતો.      
                                                    
                          પ્રિયા પણ આ બધું નોટિસ કરતી હતી.એ પણ મનોમન અંશને ચાહવા લાગી હતી.અંશ ના મિત્રો એને પ્રિયાના નામથી અને પ્રિયાની મિત્રો એને અંશ ના નામથી ચીડવતા થઇ ગયા. પણ બંનેમાંથી કોઈની પણ હિમ્મત નહતી ચાલતી એકબીજાને કહેવાની. પણ મિત્રોનો સહારો હોય તો જોવું જ શું...??? અંશના એક મિત્રએ એના નામથી પત્ર લખી પ્રિયાને પહોંચાડી દીધો જેના ઉત્તરમાં પ્રિયા એ સામો પત્ર લખી સંમતિ દર્શાવી. આથી હવે બંનેએ એકબીજાના મનની  વાત જાણી લીધી અને મિત્રો એ ભાગ ભજવી બંનેને મેળવ્યા.ધીરે ધીરે બંને મળવા લાગ્યા. અને અપ-ડાઉન માં સૌ કોઈ પ્રિયાંશ ના નામથી એમને ઓળખવા લાગ્યા.     
   
                         પ્રિયા શરમાળ હતી. તે પોતાનો પ્રેમ અભિવ્યક્ત કરવામાં ખચકાતી હતી પરંતુ અંશ તો પ્રિયાના પ્રેમમાં ગાંડો હતો.એની સાથે લગ્નના સપના જોતો એના ફોટા માં એની સેંથીમાં સિંદૂર પૂરતો. બસ એ તો ઝટપટ ભણવાનું પૂરું થાય અને સેટ થઇ પ્રિયા સાથે લગ્ન કરી એને પોતાની જીવનસંગીની બનાવવાની આતુરતાથી રાહ જોતો હતો.હવે એના પ્રેમની અસર એના ભણવા પર થવા માંડી હતી. સામું પ્રિયા પણ અંશને સાચા હૃદયથી પ્રેમ કરતી હતી લગ્ન કરવા માંગતી હતી પણ પહેલા પોતે બંને સેટ થઇ જાય એટલે ભણવા પર ધ્યાન આપે એવું ઇચ્છતી હતી.તેણે નોટિસ કર્યું હતું કે અંશનું મન હવે ભણવામાં લાગતું નથી તેથી તે હવે અંશને સમજાવતી.  

                         ૧૧ સાયન્સ નું રિઝલ્ટ આવ્યું અંશ ના ફક્ત પચાસ જ ટકા આવ્યા હતા. તેથી ઘરના બધા ખુબજ દુઃખી હતા.એવામાં એક દિવસ અંશ ક્લાસમાં બન્ક મારીને બસ -સ્ટેશન પર પ્રિયા સાથે વાતો કરતો હતો.પ્રિયાએ સ્ટ્રીક્ટલી જણાવી દીધું કે હવે તે ફક્ત અઠવાડિયામાં એક જ વાર મળશે બંને બોર્ડ માં હોવાથી પોતાના લક્ષ્ય પર ધ્યાન આપશે. તે દિવસે અંશ ખુબજ દુઃખી હતો.અંશ ઘરે ગયો તેના પપ્પા તેને તે  દિવસે સ્ટેશન પર જોઈ ગયા હતા. તે ક્લાસ ના ટાઈમમાં આ રીતે ફરતો હોવાથી તે અત્યંત ગુસ્સે થયા અને અંશને ખુબ લડ્યા. પપ્પાના ગયા પછી ઘરમાં કોઈ ના હતું આથી ગુસ્સામાં અંશે કંઇ જ વિચાર કર્યા વગર દવા પીને આત્મહત્યા કરી લીધી.સાંજે સ્કૂલેથી છૂટીને  સૌ કોઈને આની જાણ થઇ.પ્રિયાના કાને વાત આવી પ્રિયાની તો કાપો તો લોહી ના નીકળે એવી હાલત થઇ ગઈ. એના તો માનવામાં જ ના આવ્યું ના તો આંખ માં આંસુ જાણે પથ્થર બની ગઈ. તેની આવી હાલત જોઈને તેની મિત્રોએ તેને અંશની અંતિમ વિદાય માં લઇ જવાનું નક્કી કર્યું. અંશનો પરિવાર તો ભાંગી પડ્યો. કોઈના માનવામાંજ નહતું આવી રહ્યું કે અંશ જેવો છોકરો એવું પગલું ભરે.   
                                                                 
                          આખરે એની ઈચ્છા મુજબ એને વરરાજાની જેમ તૈયાર કરવામાં આવ્યો અને વાજતે ગાજતે એની અંતિમ વિદાય નો વરઘોડો કાઢવામાં આવ્યો. અંશના પપ્પાને તો અાઘાત લાગી ગ્યોતો કે જે તેમની ચિતાને અગ્નિ દેવાનો હતો આજે એની ચિતાને એમણે અગ્નિ દેવાનો વારો આવ્યો હતો. એનો વરઘોડો નદી કાંઠે પહોંચ્યો બીજી બાજુ પ્રીયાની બે સખીઓ એને અંશને છેલ્લી વાર જોવા માટે લાવી હતી. ભીડથી થોડે દૂર જ્યાં કોઈની નજર ના પડે ત્યાં ત્રણે સખીઓ ઉભી હતી. પ્રિયા તો પથ્થર જ બની ગઈ હતી આંખ માં એક આંસુ નહિ એની સખીઓ થી એની હાલત દેખાતી નહતી એમણે એને કહ્યું કે તારો અંશ હવે કાયમ માટે તને છોડીને જતો રહ્યો છે પેલી રહી એની લાશ જોઈલે છેલ્લી વાર અને મન ભરીને રડી લે. અંશને જેવો અગ્નિદાહ આપવામાં આવ્યો કે પ્રિયા જાણે તૂટી ગઈ તે તેની સખીઓને ભેટીને ખુબજ રડી. તે દિવસથી પ્રિયાને ક્યારેય હસતા નથી જોઈ.તેણે ભણીને સારી જોબ મેળવી લીધી.માં- બાપ ને  ખાતર તેણે લગ્ન તો કરી લીધા પરંતુ તેના હૃદયનો એ ખૂણો હંમેશને માટે ખાલી રહી ગયો.........   
                                                                                *-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*
પ્રેમ કરવો એ ખોટું નથી ફક્ત એને જ લક્ષ્ય બનાવવું એ ખોટું છે.આના બદલે જો ભણવા પર ફોકસ કરીને સેટ થઈને પછી લગ્ન કર્યા હોય તો બધા ખુશ હોત સાથે બંને પણ અને બીજી વાત આજના સંતાનો જે નાની નાની વાત પર જીવન ટૂંકાવી દે છે તે કેટલા અંશે યોગ્ય છે...???આપણી સાથે કેટલીયે  આશાઓ જોડાયેલી હોય છે પેરેન્ટ્સ એ જોયેલા કેટલાય સ્વપ્નાંઓ જે એક ઝાટકામાં તૂટી જાય છે.આપણે પોતે તો મરીને છૂટી જઈએ પરંતુ પાછળનાને જીવતા જ નર્ક બતાવી દઈએ છીએ........
                         
                         -પલ્લવી ગોહિલ(Pal Rakesh)