Creation of Universe - 1 books and stories free download online pdf in Gujarati

શ્રુષ્ટિ સર્જન પરની પ્રશ્નોત્તરી (ભાગ ૧)

પ્રશ્ન: આ જગત પરમેશ્વરથી ઉત્પન્ન થયું છે કે અન્યથી?

આ જગતની ઉત્પત્તિ પરમાત્માએ કરી છે. જેમ ઈજનેર યંત્રનું નિર્માણ કરે છે તેમ ઈશ્વરે પણ આ જગતનું નિર્માણ કર્યું છે. આથી ઈશ્વર આ જગતનો ઇજનેર છે. પણ જેમ ઇજનેરને યંત્ર નિર્માણ માટે પહેલેથી ઉપલબ્ધ એવા “કાચા માલસામાન” ની જરૂર પડે છે, તેમ ઈશ્વર પણ જગતની ઉત્પત્તિ માટે પ્રકૃતિનો (દ્રવ્ય/ઊર્જા) નો ઉપયોગ કરે છે. આમ પરમાત્મા જગતનું નિમિત્ત કારણ છે, પણ તેનું ઉપાદાન કારણ પ્રકૃતિ છે.

પ્રશ્ન: બીગ બેંગ શું છે? એવું કહેવાય છે કે બીગ બેંગથી જ બધી શરૂઆત થઇ અને બીગ બેંગ થયા પછી બ્રહ્માંડ વિસ્તાર પામી રહ્યું છે.

બીગ બેંગ બીજું કંઈ નહીં પણ શ્રુષ્ટિસર્જન સમજાવતી વિવિધ ધારણાઓમાંની એક ધારણા છે.

હવે જો આપણે આ બીગ બેંગની ધારણા સાચી માની પણ લઈએ તો પણ વૈજ્ઞાનિકો એ વાતનો તો સ્વીકાર કરે જ છે કે ગુરુત્વાકર્ષણને કારણે છેવટે સંકોચનની પ્રક્રિયા શરું થશે અને પૂર્ણ સંકોચન થઇ ગયા પછી ફરીથી બીગ બેંગ થઇ વિસ્તારની પ્રક્રિયા શરું થશે. આમ જો બીગ બેંગની ધારણાને સાચી માની લેવામાં આવે તો પણ બીગ બેંગની આ ધારણા વેદોમાં વર્ણવેલ શ્રુષ્ટિસર્જન અને વિનાશના નિરંતર ચાલતા ચક્રથી વિરુદ્ધ નથી.

પ્રશ્ન: શ્રુષ્ટિ સર્જનનો હેતુ શો છે?

અવલોકન અને વિશ્લેષણ દ્વારા આપણને શ્રુષ્ટિ સર્જનનો હેતુ પણ સમજાય જશે. આ સંસાર ઉપર દ્રષ્ટિપાત કરવાથી આપણને ખ્યાલ આવે છે કે આપણી પાસે એક અદભૂત શરીર છે. અને આપણાં જીવન નિર્ભાવ માટે આપણને અદભૂત પારિસ્થિતિક તંત્ર (ઇકો સિસ્ટમ) અને વાતાવરણ પૂરું પાડવામાં આવ્યું છે. જ્ઞાનપૂર્વક કરવામાં આવેલ આ અદભૂત શારીરિક રચનાની પ્રયોગશાળામાં નકલ કરવી સંભવ નથી! આપણે જાણીએ છીએ કે આપણે આ સંસારની કે પછી આપણાં શરીરની રચના કરી નથી. હવે સામાન્ય બુદ્ધિથી વિચારીએ તો આપણે એ જ નિષ્કર્ષ પર આવીશું કે આ બધું જ આપમેળે થઇ શકે નહીં.

આથી આ બધાંની પાછળ એક સર્વવ્યાપક, સર્વશક્તિમાન અને સર્વજ્ઞ સત્તા હોવી જ જોઈએ! આ સત્તાએ (ઇશ્વરે) સંસારના બધાં પદાર્થોની રચના મનુષ્યોના કલ્યાણ માટે કરી છે. પર્યાવરણ, ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાનનો ઊંડો અભ્યાસ કરવાથી તમને આ સત્યનો વધુ ખ્યાલ આવી જશે. આમ સમગ્ર શ્રુષ્ટિ સર્જન કોઈને કોઈ રીતે આપણને પરમ આનંદ પ્રાપ્ત કરવામાં સહાયભૂત થઇ રહ્યું છે.

ઊંડું અંતઃ:અવલોકન કરવાથી આપણે એ જ નિષ્કર્ષ પર આવીશું કે:

· જીવાત્માનો (જીવન) ઉદેશ્ય પરમ આનંદ (મુક્તિ) પ્રાપ્ત કરવાનો છે.

· આનંદ પ્રાપ્તિ માટે જીવાત્મા કર્મ કરવા માટે સ્વતંત્ર છે.

· પણ શરીર અને મન જેવી જડ વસ્તુઓ વગર જીવાત્મા કર્મ કરવા સક્ષમ નથી.

· આથી કર્મના સિદ્ધાંત પ્રમાણે ઈશ્વરે દરેક જીવાત્માને કર્મ કરવા માટે યોગ્ય શરીર આપ્યું.

· પછી શ્રુષ્ટિ સર્જન કરી જીવાત્મા કર્મ કરી શકે તે માટે યોગ્ય વાતાવરણ પૂરું પાડ્યું.

· શ્રુષ્ટિ સર્જન વગર બધી જ જીવાત્માઓ નિષ્ક્રિય બની રહે.

પ્રશ્ન: તો શું ઈશ્વરે પ્રકૃતિને પણ ઉત્પન્ન કરી છે?

ના. ઈશ્વરે પ્રકૃતિને ઉત્પન્ન કરી નથી. ઈશ્વરની જેમ પ્રકૃતિ પણ અનાદિ છે. ઈશ્વર અને પ્રકૃતિ બંને અનાદિ હોવાથી તેમની ઉત્પત્તિ કે વિનાશનું કોઈ કારણ નથી.

પ્રશ્ન: ઈશ્વર અને પ્રકૃતિ સિવાય બીજી કંઈ સત્તા અનાદિ છે?

ઈશ્વર અને પ્રકૃતિ સિવાય જીવ (જીવાત્મા) એ ત્રીજી અનાદિ સત્તા છે.

પ્રશ્ન: ઈશ્વર, જીવ અને પ્રકૃતિ આ ત્રણ અનાદિ છે તેનું વેદોમાં શું પ્રમાણ છે?

ઈશ્વર, જીવ અને પ્રકૃતિ આ ત્રણ અનાદિ છે તેનું પ્રમાણ આપણાં સહજ જ્ઞાનનો એક ભાગ છે. તર્કપૂર્ણ વિચાર કરવાથી પણ આપણે એ જ નિષ્કર્ષ પર આવીશું કે ઈશ્વર, જીવ અને પ્રકૃતિ ત્રણ અનાદિ સત્તા છે.

કારણ કે આપણે જાણીએ છીએ કે “આપણી” (જીવાત્માની) સત્તા છે.

આપણને એ પણ જ્ઞાન છે કે આપણી આસપાસ આપણાંથી ભિન્ન સ્થીતિશીલ અચેત “જગતની” સત્તા છે. અ સ્થીતિશીલ અચેત જગતમાં દ્રવ્ય અને ઉર્જાનો શમાવેશ થાય છે જે હંમેશા સચવાયેલી રહે છે, માત્ર તેનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થતું રહે છે.

આપણને એ પણ જ્ઞાન છે કે આખું જગત અને જગતના બધા પદાર્થોનું નિયંત્રણ ત્રીજી મહાન અનાદિ સત્તા “ઈશ્વર” દ્વારા થઇ રહ્યું છે.

આમ, મૂળ ત્રણ અનાદિ સત્તાનું જ્ઞાન આપણાં અંત:કારણમાં સહજરીતે સ્થિર છે, જ્યારે અન્ય સિદ્ધાંતોની સમજ જ્ઞાનક્ષેત્રમાંના અને જ્ઞાનક્ષેત્રની બહારના વિષયો વિષે સતર્ક અનુમાન લગાવવાની માંગણી કરે છે.

વેદોમાં ઘણાં મંત્રોમાં ઈશ્વર, જીવ અને પ્રકૃતિ એ ત્રણ અનાદિ સત્તાનું વર્ણન છે. વેદોમાંના લગભગ બધાં જ મંત્રો આ ત્રણ અનાદિ સત્તાને નિર્વિવાદ સત્ય માની ઈશ્વરની ઉપાસના કરે છે, જીવાત્માના ગુણોનું વર્ણન કરે છે અથવા તો જીવાત્માને જગતમાં ત્યાગપૂર્ણ ભોગ કરવાનો ઉપદેશ કરે છે.

પણ અહીં ઈશ્વર, જીવ અને પ્રકૃતિ એ ત્રણ અનાદિ સત્તાનું પ્રમાણ આપતા મુખ્ય બે મંત્રો જોઈએ:

ઋગ્વેદ ૧.૧૬૪.૨૦

ઈશ્વર અને જીવ બંને ચેતન, વ્યાપ્ય-વ્યાપક ભાવથી સંયુક્ત અને પરરસ્પર મિત્રતાયુક્ત અનાદિ છે. તેવી જ રીતે વૃક્ષ્રરૂપ સંસારનું મૂળ કારણ પ્રકૃતિ ત્રીજો અનાદિ પદાર્થ છે. આ ત્રણેના ગુણ, કર્મ અને સ્વાભવ પણ અનાદિ છે. જીવ અને પરમેશ્વર આ બંને અનાદિ પદાર્થોમાંથી જીવ આ વૃક્ષ્રરૂપ સંસારમાં તેના પાપ અને પુણ્યોના ફળને ભોગવે છે, જ્યારે પરમેશ્વર તે કર્મોના ફળોને ન ભોગવતો ચારે તરફ અર્થાત અંદર બહાર સર્વત્ર પ્રકાશમાન છે. જીવથી ઈશ્વર, ઈશ્વરથી જીવ અને એ બંનેથી પ્રકૃતિ ભિન્ન સ્વરૂપ છે.

આ મંત્રથી જ્ઞાન થાય છે કે ઈશ્વર, જીવ અને પ્રકૃતિ, આ ત્રણેય અનાદિ છે. એ પણ જ્ઞાન થાય છે કે ઈશ્વર ક્યારેય અવતાર લેતો નથી કે શરીર ધારણ કરતો નથી. જો આમ થાય તો ઈશ્વર સંસારના બંધનમાં આવી જાય.

યજુર્વેદ ૪૦.૮

અનાદિ સનાતન જીવરૂપ પ્રજા માટે વેદ દ્વારા પરમાત્માએ સર્વ વિદ્યાઓનો બોધ કર્યો છે.

શ્વેતાશ્વતરોપનિષદ ૪.૫

પ્રકૃતિ, જીવ અને પરમાત્મા એ ત્રણેય “અજ” છે. એટલે કે આ ત્રણેયનો કદિ જન્મ થતો નથી. આ ત્રણેય સર્વ જગતના કારણ છે, પણ તેમનું કોઈ કારણ નથી. અનાદિ જીવ અનાદિ પ્રકૃતિનો ભોગ કરતો કરતો તેમાં ફસાય છે, પણ અનાદિ ઈશ્વર ક્યારેય અનાદિ પ્રકૃતિનો ભોગ કરતો નથી અને તેમાં ફસાતો નથી.

પ્રશ્ન: શ્રુષ્ટિચક્ર સમજાવતા કેટલાંક વેદ મંત્રો જણાવશો?

ઋગ્વેદ ૧૦.૧૨૯.૭

જેથી આ શ્રુષ્ટિ પ્રકાશિત થઇ છે, જેણે આ શ્રુષ્ટિને ધારણ કરી છે, અને જે આ શ્રુષ્ટિનો પ્રયલકર્તા છે, જે આ જગતનો સ્વામી છે, જેના વ્યાપકત્વની અંદર આ સર્વ જગત ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રયાલને પ્રાપ્ત થાય છે, તે જ પરમાત્મા છે. હે મનુષ્ય! તેને તું જાણ અને તે પરમાત્માથી ભિન્ન કોઈને શ્રુષ્ટિકર્તા ન માન.

ઋગ્વેદ ૧૦.૧૨૯.૩

શ્રુષ્ટિની ઉત્પત્તિ પૂર્વે સર્વ જગત તેના કારણરૂપમાં, અંધકારથી આવૃત રાત્રીરૂપમાં, જાણવાન અયોગ્ય અને અનંત પરમેશ્વરની સન્મુખ એક્દેશી (તુચ્છ) હતું. પછી પરમેશ્વરે સ્વ:સામર્થે કારણરૂપમાંથી કાર્યરૂપ જગતનું નિર્માણ કર્યું.

ઋગ્વેદ ૧૦.૧૨૧.૧

હે મનુષ્યો! સર્વ સૂર્યાદિ જેવા તેજસ્વી ગ્રહોનો આધાર અને જે આ જગત છે, અને ભવિષ્યમાં થશે, તેનો એક અદ્વિતીય પતિ પરમપિતા પરમાત્મા જ છે. પરમાત્મા આ જગતની ઉત્પત્તિ પૂર્વે વિદ્યમાન હતો, જેણે પૃથ્વીથી લઈને સૂર્ય પર્યન્ત આ જગતને ઉત્પન્ન કર્યું છે, તે પરમાત્માની પ્રેમથી ઉપાસના કરો, અન્ય કોઈની નહીં.

યજુર્વેદ ૩૧.૨

હે મનુષ્યો! જે સર્વમાં પૂર્ણ પુરુષ છે, જે નાશરહિત કારણ અને જીવોનો સ્વામી છે, જે જડ પૃકૃતિ અને જીવથી પૃથક છે, તે જ પુરુષ ભૂત, વર્તમાન અને ભવિષ્ય જગતનો બનાવનાર છે.

પ્રશ્ન: પ્રકૃતિના ગુણ વિષે જણાવશો?

વ્યાપક દ્રષ્ટીએ સમજવાનો પ્રયત્ન કરીએ તો સત્વ, રજસ્ અને તમસ્ આ ત્રણ સૂક્ષ્મતમ ઘટકોનું સમ્મલિત નામ એટલે “મૂળ પ્રકૃતિ”. આ ત્રણ ઘટકોની “સામ્યાવાસ્થાને” પ્રકૃતિ કહે છે. આ ત્રણે ઘટકો જડ છે. એટલે કે “જ્ઞાન રહિત” છે. આ ત્રણે ઘટકો નિત્ય છે. એટલે કે ક્યારેય ઉત્પન્ન થતા નથી કે નષ્ટ થતા નથી.

શ્રુષ્ટિ સર્જન પહેલાં મૂળ પ્રકૃતિ એક અને એકસમાન હોય છે. શ્રુષ્ટિ સર્જન સમયે ઈશ્વર મૂળ પ્રકૃતિને નિમ્ન ત્રણ ઘટકોમાં વિભાજીત કરે છે.

સત્વ – પ્રકાશશીલ

રજસ્ – ક્રીયાશીલ

તમસ્ – સ્થિતિશીલ

સત્વ, રજસ્ અને તમસ્ જીવાત્મા પર પ્રભાવ પાડે છે. આથી આ ત્રણ, આ સંસારના અતિસૂક્ષ્મ ઘટકોનું નિર્માણ કરે છે. સંસારના દરેક જડ પદાર્થ, ભાવના, માહિતીઓ વગેરે બીજું કાઈ નહીં પણ આ ત્રણ ગુણોનું ઓછાવત્તા પ્રમાણમાં થયેલું મિશ્રણ છે. જેમ કે નિંદ્રા અવસ્થામાં તમસનું વર્ચસ્વ વધારે હોય છે. કોઈપણ કાર્ય કે ગુસ્સો કરતી વખતે રજસનું વર્ચસ્વ વધારે હોય છે. અને શાંતિ, આધ્યાત્મિક જ્ઞાનની પ્રાપ્તિ જેવી અવસ્થામાં સત્વનું વર્ચસ્વ વધારે હોય છે.

સત્વ, રજસ્ અને તમસ્ ગુણોમાંથી મહત્તત્ત્વ એટલે કે બુદ્ધિ તત્વ બને છે.

મહત્તત્વમાંથી અહંકારની, અહંકારમાંથી દસ ઇન્દ્રિયો, મન અને પાંચ તન્માત્રાઓની ઉત્પત્તિ થાય છે.

પાંચ તન્માત્રાઓમાંથી પૃથ્વી વગેરે પાંચ ભૂતો ઉત્પન્ન થાય છે.

એ પાંચ ભુતોમાંથી મનુષ્ય વગેરે શરીરની ઉત્પત્તિ થાય છે.

આ બધાં જ પદાર્થો સત્વ, રજસ્ અને તમસ્ ગુણોના કાર્ય છે. જે કાંઈ સંસારમાં ઉત્પન્ન થયેલા પદાર્થો છે, તે બધાં આ ત્રણ ગુણોના જ રૂપાંતર છે.

આ ત્રણ, બુદ્ધિ, અહં, મન, ઇન્દ્રીયો, કાર્યઅંગો અને મૂળભૂત પંચતત્વો - અગ્નિ, પૃથ્વી, પાણી, વાયુ અને આકાશ - બનાવે છે. પછી આ બધું જીવાત્માઓ સાથે સંપૂર્ણ રીતે એકીકૃત થઇ જેને આપણે સાંભળી, અનુભવી, વિચારી અને જેમાં કર્મ કરી શકીએ એવી આપણી દુનિયા બનાવે છે.

પણ ઈશ્વર એક ઇજનેરની જેમ પ્રકૃતિરૂપી કાચા માલસમાનથી અલગ રહે છે.

પ્રશ્ન: જગતના કારણ કેટલાં છે?

જગતના ત્રણ કારણ છે. એક નિમિત્ત કારણ, બીજું ઉપાદાન કારણ અને ત્રીજું સાધારણ કારણ.

નિમિત્ત કારણ – નિમિત્ત કારણ તેને કહે છે કે જેના બનાવવાથી કંઈ બને, ન બનાવવાથી ન બને. નિમિત્ત કારણ એ છે કે જેમાં રૂપાંતરણ ન થાય પણ તે બીજાને રૂપાંતર કરી દે.

ઉપાદાન કારણ – ઉપાદાન કારણ તેને કહે છે કે જેના વિના કંઈ બને નહીં. ઉપાદાન કારણ એ છે કે જેની અવસ્થામાં રૂપાંતર થાય.

સાધારણ કારણ – નિમિત્ત કારણ દ્વારા ઉપાદાન કારણની અવસ્થામાં રૂપાંતર કરવા માટે જે અન્ય સાધનોની જરૂર પડે છે તે.

નિમિત્ત કારણ બે પ્રકારના છે. મુખ્ય નિમિત્ત કારણ અને સામાન્ય નિમિત્ત કારણ.

સર્વ શ્રુષ્ટિને ઉપાદાન કારણથી બનાવવા, ધારણ કરવા અને તેનો પ્રલય કરવા, તથા તે સર્વેની વ્યવસ્થા રાખવાવાળો મુખ્ય નિમિત્ત કારણ છે પરમાત્મા.

પરમેશ્વરની બનાવેલ શ્રુષ્ટિમાંથી પદાર્થો લઈને પોતાના કર્યો સિદ્ધ કરનાર સામાન્ય નિમિત્ત કારણ છે જીવ. જીવ વિના શ્રુષ્ટિનું સર્જન પ્રયોજન સિદ્ધ થતું નથી.

ઉપાદાન કારણ પ્રકૃતિ છે. પ્રકૃતિને પરમાણું કે સર્વ સંસાર બનાવવાની સામગ્રી કહે છે. પ્રકૃતિ જડ હોવાથી તેમાંથી યોજનાબદ્ધ રીતે આપોઆપ શ્રુષ્ટિનું સર્જન થતું નથી. પ્રકૃતિમાંથી યોજનાબદ્ધ રીતે શ્રુષ્ટિ સર્જન કરવા માટે મુખ્ય નિમિત્ત કારણ પરમાત્માની જરૂર રહે છે.

સાધારણ કારણમાં જ્ઞાન, બળ, સમય અને આકાશ વગેરેનો સમાવેશ થાય છે.

ઈશ્વર દ્વારા થતા શ્રુષ્ટિ સર્જન માટે, કે પછી શ્રુષ્ટિમાં વસતા જીવો દ્વારા કરવામાં આવતા કોઈપણ સર્જન માટે આ ત્રણ પ્રકારના કારણોની જરૂર રહે છે.

પ્રશ્ન: જેમ કરોળિયો બહારથી કોઈ પદાર્થ ન લેતાં, પોતાનામાંથી જ તંતુઓ કાઢીને તેનું જાળું બનાવી તેમાં બેસે છે, તેમ ઈશ્વર પણ પોતાનામાંથી શ્રુષ્ટિનું સર્જન કેમ ન કરે?

તમે જે દ્રષ્ટાંત આપ્યું છે તે યોગ્ય છે પણ તેના પરથી તમે જે નિષ્કર્ષ પર આવવા ઈચ્છો છો તે યોગ્ય નથી.

કરોળિયાનું જડરૂપ શરીર એ તંતુઓનું ઉપાદાન કારણ છે અને કરોળિયાનો જીવ એ નિમિત્ત કારણ છે. તંતુઓ બનાવવા માટેની સામગ્રી કરોળિયાના શરીરમાં પહેલેથી જ હાજર છે. પણ જો કરોળિયાનું શરીર ક્ષતિગ્રસ્ત થઇ જાય તો કરોળિયો તેમાંથી તંતુઓ ન બનાવી શકે. આવી જ રીતે ઈશ્વર પણ પોતાની અંદર વ્યાપ્ત પ્રકૃતિમાંથી (ઉપાદાન કારણ) શ્રુષ્ટિનું સર્જન કરે છે.

પ્રશ્ન: ઈશ્વર સર્વશક્તિવાન છે. તો પછી તે કેમ પ્રકૃતિનો ઉપયોગ કર્યા વિના પોતાના માંથી જ શ્રુષ્ટિનું સર્જન નથી કરતો? આ શ્રુષ્ટિ પણ ઈશ્વરનું “ભ્રમિત” સ્વરૂપ હોય શકે.

સર્વશક્તિવાનનો અર્થ એ નથી કે ઈશ્વર કંઇપણ કરશે. સર્વશક્તિવાનનો અર્થ એ છે કે ઈશ્વર જે યોગ્ય હોય તે જ કરશે અને એ પણ સ્વતંત્ર રીતે અને કોઈની સહાય લીધા વગર. તમે પણ ઘણું બધું કરી શકો છો. તો શું તમે શક્તિશાળી છો એ વાતની સાબિતી તમે તમારા હાથે તમારા કપડાં ફાડીને કે પછી કાદવ ખાઈને આપશો? આવો માણસ તો ગાંડો કહેવાય.

આથી, બધાથી બુદ્ધિવાન એવો ઈશ્વર સર્વશક્તિવાન હોવાં છતાં “શ્રેષ્ઠત્તમ” કાર્ય જ કરશે.

ઈશ્વર બધા જ ભ્રમ દૂર કરી સત્યની શોધ કરવામાં આપણને મદદ કરે છે આથી તે ભ્રમ પેદા ન કરી શકે. ભ્રમ પેદા કરવો એ પરોપકારી ઈશ્વરનો ગુણ કે સ્વાભવ નથી.

જો આ શ્રુષ્ટિ ઈશ્વરમાંથી બની હોત તો શ્રુષ્ટિમાં ઈશ્વરના ગુણ દેખાત. ઉદાહરણ તરીકે, જો હું માટીમાંથી પૂતળું બનવું, તો પૂતળામાં માટીના ગુણ આવે. પણ આ શ્રુષ્ટિ જડ છે, જયારે ઈશ્વર ચેતન છે. શ્રુષ્ટિમાં અજ્ઞાનતા છે, જયારે ઈશ્વર જ્ઞાની છે. ઈશ્વર સર્વવ્યાપી છે, જયારે શ્રુષ્ટિમાં વસ્તુઓ અમુક સ્થાન પુરતી જ સીમિત છે. ઈશ્વર અપરિવર્તનશીલ છે, જયારે શ્રુષ્ટિ નિરંતર બાદલાતી રહે છે.

આથી ઈશ્વર જીવાત્માઓના કલ્યાણ માટે શાશ્વત પ્રકૃતિના ઉપયોગથી આ શ્રુષ્ટિનું સર્જન કરે છે.

પ્રશ્ન: જગતને બનાવવા પાછળ ઈશ્વરનું હેતુ શો છે?

જગત ન બનાવવા પાછળ ઈશ્વરનો હેતુ શો હોત?

પ્રશ્ન: જો ઈશ્વરે શ્રુષ્ટિનું સર્જન ન કર્યું હોત તો ઈશ્વર પોતે આનંદમાં રહેત અને જીવો પણ જન્મ-મરણના ચક્રમાંથી છુટી સુખ-દુઃખ પ્રાપ્ત ન કરત.

આળસુ અને દરિદ્ર લોકો આવી વાત છે. પોતાના કર્મ માટે પોતાને જવાબદાર ન ગણનાર લોકો જ આમ કહે છે. સાહસી અને પુરુષાર્થી લોકો આવી ખોટી દલીલમાં પડતા નથી. પોતાના કર્મ માટે પોતાને જવાબદાર ગણનાર બુદ્ધિમાન લોકો તો શ્રેષ્ઠ કર્મોના ફળ સ્વરૂપ જીવવાનો આનંદ માંણતા રહે છે.

આ સંસારમાં સુખદુ:ખની તુલના કરવામાં આવે, તો સુખ કેટલાય ગણું વધારે છે. જો આમ ન હોત તો મોટા ભાગના લોકો આત્મહત્યા કરવા માટે તત્પર હોત. પણ આમ થતું જોવા મળતું નથી. માત્ર થોડા બુદ્ધીશુન્ય લોકો આત્મહત્યા કરવા પ્રેરિત થાય છે. જ્યારે બાકીના બધા જ લોકો જીવ રક્ષા માટે બનતું બધું જ કરી છુટવા તત્પર રહે છે. આ એ વાતનું પ્રમાણ છે કે તેઓને જીવનપ્રત્યે અનહદ પ્રેમ છે અને તેઓ જીવનનો ભરપુર આનંદ માંણે છે.

ઈશ્વર આળસુ નથી પણ પુરુષાર્થી છે. જો ઈશ્વર શ્રુષ્ટિનું સર્જન ન કરે તો ઈશ્વરમાં શ્રુષ્ટિ સર્જન કરવાનું જે સામર્થ્ય, જ્ઞાન અને ક્રિયા છે તેનો કશો જ અર્થ ન રહે! આ ઉપરાંત, પરમાત્માના ન્યાય, દયા, શ્રુષ્ટિ સચાલન, પ્રલયનું સામર્થ્ય વગેરે ગુણો પણ ત્યારે જ સાર્થક થઇ શકે કે જ્યારે તે શ્રુષ્ટિનું સર્જન કરે. આપણે પણ મુક્તિ મેળવવા માટે શ્રેષ્ટત્તમ કર્મો કરતાં રહી આ સંસારમાં આપણાં અસ્તિત્વને સાર્થક કરવું જોઈએ.

જો કોઈ તમને એવું પૂછે કે આંખ હોવાનું કારણ શું? તમે કહેશો કે જોવાનું. પણ જો જોવા માટે કાંઈ હોય જ નહીં તો આંખનું હોવું નિરર્થક છે. આવી જ રીતે ઈશ્વર, જીવ અને પ્રકૃતિના બધા જ ગુણો ઈશ્વરના સામર્થ્યથી થતા શ્રુષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રયલચક્રની સુનિયોજિત વ્યાવસ્થા વગર નિરર્થક છે.

જેમ પરમેશ્વરનો સ્વાભાવિક ગુણ જગતની ઉત્પત્તિ કરીને બધી જીવાત્માઓને અસંખ્ય પદાર્થો આપીને પરોપકાર કરવાનો છે, તેમ આપણે પણ આપણાં સ્વાભાવિક ગુણ અનુસાર ઉત્તમ કર્મો કરી પરોપકારી બનવું જોઈએ.

પ્રશ્ન: તો, પોતાનું અસ્તિત્વ સિદ્ધ કરવા માટે ઈશ્વર શ્રુષ્ટિ સર્જન કરે છે. આનો અર્થ એ થયો કે ઈશ્વર સ્વાર્થી છે!

ઈશ્વર તેના ગુણ અને સ્વભાવ વિરુધ્ધ કશું જ કરતો નથી. સ્વાર્થીપણું ઈશ્વરનો ગુણ નથી. આથી ઈશ્વર સ્વાર્થી બની ન શકે. જીવાત્માના પણ કેટલાંક ગુણ છે. જીવાત્મા ચેતન છે પણ તેનામાં આનંદનો અભાવ હોય છે. આનંદ પ્રાપ્તિ માટે જીવાત્માને કર્મ કરવા પડે છે.

જો ઈશ્વર શ્રુષ્ટિનું સર્જન ન કરે તો, જીવાત્મા કર્મ કરવા સક્ષમ ન બની શકે અને તે આનંદ વિહીન જ રહે. એટલે કે જીવાત્મા મુક્તિ માટે પ્રયાસ ન કરી શકે. આથી ઈશ્વર જીવાત્મા અને શ્રુષ્ટિનું સંયોજન એવી રીતે કરે છે કે જેથી કરીને જીવાત્મા કર્મના સિધ્ધાંત અનુસાર કર્મ કરી શકે. જીવાત્મા કર્મ કરવા માટે સ્વતંત્ર હોવાથી તે પોતાના આનંદનું સ્તર વધારી કે ઘટાડી શકે છે.

આ એક માઈક્રોપ્રોસેસર જેવું છે કે તે ત્યારે જ કામ કરી શકે કે જ્યારે તેને પાવર સોર્સ અને મધરબોર્ડ સાથે જોડવામાં આવે. ઈશ્વર પણ શ્રુષ્ટિરૂપી કમ્પ્યુટર સિસ્ટમ બનાવે છે કે જેમાં માઈક્રોપ્રોસેસર (જીવાત્મા) કર્મ કરી મુક્તિ મેળવી શકે.

બીજા રસપ્રદ વિકલ્પો