હવસ :-IT CAUSE DEATH ભાગ-26 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હવસ :-IT CAUSE DEATH ભાગ-26

હવસ :-IT CAUSE DEATH-ભાગ 26

પ્રભાત પંચાલનાં મોત નું રહસ્ય હજુપણ અકબંધ હોય છે..અર્જુન બુખારીને અનિકેત ઠક્કરનાં જીવન સાથે જોડાયેલી નાનામાં નાની માહિતી મેળવવાનું કહે છે.આ સિવાય બિયર ની બોટલનું ઢાંકણું ને ફોરેન્સિક લેબમાં નાયક જોડે મોકલાવ્યાં બાદ અર્જુનને મનોમન એવો અંદાજો હોય છે કે પોતે અનિકેત ઠક્કરને પ્રભાતની હત્યામાં કસુરવાર ઠેરવી અનિકેતની ધરપકડ માટે જરૂરી પ્રુફ એકઠાં કરી શકશે.

બીજાં દિવસે અર્જુન પોલીસ સ્ટેશન જવાનાં બદલે સીધો ફોરેન્સિક લેબ જઈ પહોંચે છે..અર્જુનને ત્યાં અચાનક આવી પહોંચેલો જોઈ ફોરેન્સિક ડિપાર્ટમેન્ટનાં હેડ યાસીર શેખ આશ્ચર્ય પામે છે.

"એસીપી અર્જુન કંઈપણ કહ્યાં વીનાં સીધાં અમારાં ડિપાર્ટમેન્ટ ની મુલાકાતે.."અર્જુનને ગળે લગાવીને શેખ બોલ્યો.

"અરે શેખ ભાઈ દોસ્તો ને મળવા માટે થોડી કંઈ ચોઘડિયાં ની જરૂર પડે."હસીને અર્જુન બોલ્યો.

"વાતો તો ઈન્સ્પેકટર અર્જુનને પહોંચી વળવાની અમારી હિંમત જ નથી..ચાલો ભાઈ મારી કેબિનમાં જઈને બીસીએ.."પોતાનાં કેબીન ભણી ઈશારો કરી યાસીર શેખ બોલ્યો.

"હા ચાલો ચાલો.."અર્જુન સસ્મિત બોલ્યો.

ત્યારબાદ અર્જુન અને યાસીર શેખ જઈને એમની કેબિનમાં બેઠાં.. અને બેસતાં જ યાસીર શાહ બોલ્યો.

"ઈન્સ્પેકટર બોલો શું લેશો..ચા કે કોફી..?"

"ચા મંગાવો અને સાથે સામે જલારામ ખમણ નાં ખમણ પણ."જીભનાં ટેસ્ટ નો આગ્રહી અર્જુન બોલ્યો.

અર્જુનનાં આમ કહેતા જ યાસીર શેખે બહાર બેસેલાં પ્યુન ને કોલ કરી ચા અને ખમણ નો ઓર્ડર આપી દીધો.ઓર્ડર અપાઈ ગયાં બાદ શેખે અર્જુન ભણી જોયું અને કહ્યું.

"બોલો મોટાભાઈ અહીં આવવાનું સાચું કારણ જણાવશો..?"

"અહીં આવવાનું કારણ છે પ્રભાત પંચાલની હત્યાનું ઘેરું થતું રહસ્ય..કેમેય કરી એનાં મૂળ સુધી પહોંચી જ નથી શકાતું.અત્યાર સુધી ચાર લોકોની ધરપકડ અને એક શકમંદ ની પુછપરછ પછી પણ તપાસ ઠેર ની ઠેર છે."અર્જુન નિરાશામાં બોલ્યો.

"હા મને ખબર પડી કે એ કેસ તમને બહુ પરેશાન કરી રહ્યો છે..એ વિષયમાં નાયકે કાલે જણાવ્યું હતું."શેખ અર્જુનની વાત સાંભળી બોલ્યો.

"હા તો નાયક કાલે જે બિયરની બોટલ નો બુચ આપી ગયો હતો એની પરથી કોઈ જાતનું પ્રુફ મળ્યું..?"અર્જુને સવાલ કર્યો.

"અરે બોસ..તારી બુદ્ધિ ગજબની છે..તને કઈ રીતે ખબર પડી કે એ બુચ પર જ ઝેર લાગેલું હશે અને એ ઝેર પ્રભાતનાં શરીરમાં જવાથી જ એનું અપમૃત્યુ થયું હતું."અર્જુનનો સવાલ સાંભળી શેખ વિસ્મય પુર્વક બોલ્યો.

અર્જુન શેખની વાત નો જવાબ આપે એ પહેલાં તો ગરમાગરમ આદુવાળી ચા અને સાથે જલારામ નાં વાટીદાળનાં ખમણ લઈને પ્યુન આવી ગયો..ટેબલ પર એ બધું ડીશમાં મુકી પ્યુન ગયો એટલે અર્જુને ખમણનો ટુકડો મોંઢામાં મુકી એની ઉપર ચા ની ચુસકી ભરતાં અર્જુન બોલ્યો.

"શેખ ભાઈ..આ બુચ પર મેં શરુવાતમાં ધ્યાન નહોતું આપ્યું કારણકે એ વખતે તો પ્રભાતની હત્યા સ્નાયપર ગનથી જ થઈ હોવાની ગણતરી હતી કેમકે એ વખતે પોસ્ટમોર્ટમ રિપોર્ટ જ નહોતો આવ્યો..પણ કાલે મેં ફરીવાર પ્રભાતની લાશની આસપાસથી એકત્રિત કરેલાં બધાં સબુત ચેક કરી જોયાં તો માલુમ પડ્યું કે આ બિયર બોટલ નાં બુચ પર અમુક નિશાન હતાં,ધ્યાનથી જોતાં સમજાયું કે આ નિશાન દાંત નાં દબાણથી બન્યાં હોય એવું લાગી રહ્યું હતું.."અર્જુન બોલ્યો.

"અને દાંત નાં નિશાન જોઈ તમને લાગ્યું કે પ્રભાતે દાંત વડે જ્યારે બિયરની બોટલનો બુચ તોડ્યો ત્યારે એનાં દાંત પર એ ઘાતક ઝેર લાગ્યું અને થોડી જ ક્ષણોમાં એનાં રામ રમી ગયાં.."અર્જુનની વાત ને અડધેથી કાપી પોતાની વાત જોડતાં શેખ બોલ્યો.

"હા એમજ.."અર્જુન શેખે જે વિચાર્યું એની સાથે સહમતી આપતાં કહ્યું.

"તો આગળ તમારે એ શોધવાનું છે કે એ બિયરની બોટલ પર એ ઝેર કોને લગાવ્યું.."શેખ બોલ્યો.

"હા હવે એ વાત ની ખબર પડે એટલે મારુ નિશાન ટાર્ગેટ પર લાગી જશે..અને મને ખબર છે એ ઝેર કોને લગાવ્યું.."અર્જુન બોલ્યો.

"તો પછી જઈને એ વ્યક્તિની ધરપકડ કરી લો.."શેખ ઉત્સાહમાં આવીને બોલ્યો.

"શેખભાઈ એ વ્યક્તિનાં કોલર સુધી પહોંચવાં મારે હજુ કોઈ બીજાં કારણની જરૂર છે જે કોર્ટ માં એક મજબુત સબુત બની શકે.."અર્જુન બંને હોઠ ભીડાવીને બોલ્યો.

"એ પણ છે..નહીં તો પછી નકામુ પોલીસ ની ટીમ પર અદાલતમાં બચાવ પક્ષનો વકીલ માછલાં ધોવે.."અર્જુનને તાળી આપતાં શેખ બોલ્યો.

"સારું ચાલો ત્યારે હું નીકળું.."આટલું કહી અર્જુન પોતાની જગ્યાએથી ઉભો થયો.

"Ok.. ઓફિસર..બીજુ કોઈ કામ હોય તો જણાવજો.."શેખ બોલ્યો.

અર્જુન ઉભો થઈ શેખની કેબિનની બહાર નિકળવાનાં દરવાજા તરફ આગળ વધ્યો..અર્જુન દરવાજો ખોલી હજુ બહાર નીકળે એ પહેલાં કંઈક યાદ આપતાં પુનઃ શેખ ની તરફ ગયો અને બોલ્યો.

"અરે શેખ પ્રભાતની હત્યા જે ઝેર વડે થઈ છે એ ઝેર કયું છે એ વિષયમાં કંઈ ખબર પડી..?"

"અરે હા,આજે સવારે જ બેંગ્લોરથી રંગનાથાન નો કોલ હતો..એ આજે રાત સુધી માં પ્રભાતની હત્યા જે ઝેરથી કરવામાં આવી છે એ વિશેની સંપૂર્ણ માહિતી મેઈલ કરી દેશે..એનો જેવો મેઈલ આવે એટલે હું તમને ફોરવર્ડ કરી દઈશ."અર્જુનનાં સવાલનાં જવાબમાં શેખે જણાવ્યું.

"Ok ત્યારે હું નીકળું.."અર્જુન આટલું બોલી કેબિનની બહાર નીકળી ગયો.

અર્જુનનાં બહાર જતાં જ યાસીર શેખ પોતાનું દિમાગ અર્જુન કયાં મોટાં માણસની વાત કરી રહ્યો હતો એ તરફ દોડાવી રહ્યો હતો..યાસીર શેખ ભલે ફોરેન્સિક એક્સપર્ટ હતો પણ એને પોલીસ ની કામગીરીમાં પણ પોતાનાં મગજ દોડાવવાની આદત હતી.પોતાની બુદ્ધિ થી શેખ પોલીસની ટીમ ને ઘણી ખરી મદદ કરતો હતો એમની તપાસમાં.

*************

ફોરેન્સિક ડિપાર્ટમેન્ટમાંથી નીકળી હવે અર્જુનની આગળની મંજીલ હતી પોલીસ સ્ટેશન.આમ પણ કહેવત છે ને કે ભુત નું ઘર આંબલી.

અર્જુન આવીને સીધો પોતાની કેબિનમાં જઈને ખુરશીમાં ગોઠવાઈ ગયો..હવે રાહ જોવાની હતી બુખરીનાં કોલ ની..અર્જુન પોતે એટલો સમય શું કરશે એ વિચારતો હતો ત્યાં પીનલ એની માટે ટિફિન લઈને ત્યાં આવી પહોંચી.

"અરે પીનલ તું..?હું હમણાં જ કોઈકને ઘરે મોકલવાનો જ હતો.."પીનલ ને પોતાની કેબિનમાં પ્રવેશેલી જોઈ સુખદ આશ્ચર્ય સાથે અર્જુન બોલ્યો.

"એતો આ તરફ આવતી હતી તો થયું કે આજે તો જાતે જ મારાં હબી માટે જમવાનું લઈને જાઉં.."અર્જુન ની જોડે જઈ એનું નાક ખેંચી પીનલ બોલી.

"એ શું કરે છે..આ ઘર નથી પોલીસ સ્ટેશન છે.."અર્જુન નાક પર હાથ ફેરવતાં મીઠાં ગુસ્સાથી બોલ્યો.

"હા હો,ખબર છે મને.."પીનલ ટિફિન ખોલીને એનાં ડબ્બા અર્જુનની સામે રાખતાં બોલી.

"તું અહીં આવી છે તો અભિમન્યુ ક્યાં છે..?એને કોની જોડે મુકીને આવી..?"અચાનક સ્મરણ થતાં અર્જુને કહ્યું.

"એ મારી જોડે જ આવ્યો છે..પણ નાયક ભાઈ અને અશોક ભાઈ ની જોડે બહાર રમવામાં મશગુલ છે.."હસીને પીનલ બોલી.

ત્યારબાદ અર્જુને ટીફીનમાં લાવેલ પાલક પનીર,ચપાતી, કોબીનું કચુંબર,કઢી અને ભાત નો આસ્વાદ માણ્યા બાદ ઓડકાર ખાતાં કહ્યું.

"વાહ મારી વ્હાલી,આજે તો જમવામાં મજા મજા આવી ગઈ.."

"ખાલી આજે જ આવી..રોજ નથી આવતી એમ ને..?"મોઢું ફુલાવીને રિસાઈ જવાની એક્ટિંગ કરતાં પીનલ બોલી.

"મારો કહેવાનો મતલબ એવો હતો કે રોજ સારું જ હોય છે જમવાનું પણ આજે વધુ સારું હતું."પોતાનો બચાવ કરતો હોય એમ અર્જુન બોલ્યો.

અર્જુનની વાત સાંભળી પીનલ હસવા લાગી..અર્જુન સમજી ગયો કે પીનલ એની ફીરકી લઈ રહી હતી એટલે એ પણ પીનલની સાથે હસવા લાગ્યો.અર્જુન સાથે થોડી-ઘણી અહીં તહીં ની વાતો કર્યા બાદ પીનલે અભિમન્યુ સાથે પોલીસ સ્ટેશનમાંથી વિદાય લીધી.

પીનલ અને અભિમન્યુ નાં જતાં જ અર્જુન થોડો સમય માટે આરામ કરવાનાં ઉદ્દેશથી આંખો બંધ કરી ટેબલ પર માથું રાખીને સુઈ ગયો.

**************

પીનલનાં હાથનું લિજ્જતદાર જમણ જમ્યાં બાદ અર્જુનને ઘસઘસાટ ઊંઘ આવી ગઈ હતી..અચાનક મોબાઈલની રિંગ વાગતાં અર્જુનની આંખ ખુલી ગઈ.અર્જુને મોબાઈલની ડિસ્પ્લે તરફ નજર કરી તો એમાં ડિસ્પ્લે પર લખેલું આવ્યું બુખારી.

બુખારીનું નામ વાંચતાં જ અર્જુનની ઊંઘ કપુરની ગોળી હવામાં ગાયબ થાય એમ ગાયબ થઈ ગઈ..અને ફોન ઉપાડતાં જ એ બોલ્યો.

"બોલ બુખારી..મેં આપેલું કામ થઈ ગયું..?"

"સાહેબ,બુખારીને કોઈ કામ આપવામાં આવે અને એ અધૂરું રહે એવું બને ખરું.."પોતાની રોજની આદતથી મજબુર બુખારી ડંફાશ હાંકતા બોલ્યો.

"હા ખબર છે..હવે જલ્દી બક કે અનિકેત ઠક્કર વિશે શું નવી ખબર લાવ્યો છે..દુનિયા જાણતી હોય એવી કોઈ માહિતીની મને જરૂર નથી પણ મારે એવી કોઈ વસ્તુ જોઈએ જે સાંભળીને એની પર વિશ્વાસ કરવો અઘરો પડે."અર્જુન બોલ્યો.

"તો સાંભળો સાહેબ..કાલે હું રાતે જમના બેન નાં દેશી દારૂનાં પીઠા પર ગયો હતો..કેમકે મને ખબર હતી ત્યાં અનિકેત ઠક્કર ની ઓફિસનો જૂનામાં જૂનો પ્યુન ઘનશ્યામ રોજ રાતે દારૂ પીવાં આવતો..મેં મારા પૈસે ઘનશ્યામને ચિક્કાર દારૂ પીવડાવ્યો અને એની જોડેથી અનિકેત સાથે સંકળાયેલી નાનામાં નાની માહિતી કઢાવી લીધી.."પોતે કઈ રીતે અનિકેત સાથે જોડાયેલી રજેરજની માહિતી લાવ્યો હતો એ વિશે જણાવતાં બુખારી બોલ્યો.

"ખૂબ સરસ..તો શું કીધું ઘનશ્યામે..?"અર્જુને અધિરાઈપૂર્વક પુછ્યું.

"ઘનશ્યામ તો એટલું બધું બોલી ગયો જેની અપેક્ષા પણ મેં નહોતી રાખી.."આટલું કહી બુખારીએ અર્જુનને ઘનશ્યામ દ્વારા કહેવામાં આવેલી વાત કહી.

"અનિકેત ઠક્કર નો પોતાનાં સ્ટાફનાં સભ્યો પ્રત્યેનો વ્યવહાર હંમેશા મૃદુ રહ્યો છે..એમનો બિઝનેસ દિવસે અને દિવસે આસમાન ને આંબી રહ્યો હતો એનું કારણ એમનો સ્વભાવ પણ હતો..એ હંમેશા પોતાનાં સ્ટાફનાં સભ્યોને મદદરૂપ થવાની કોશિશ કરતો રહેતો.અનિકેત ઠક્કર આટઆટલી સફળતા પછી પણ થોડો ચિંતિત અને ડિપ્રેશનમાં રહેતો..એકાદ બે વખત તો અનિકેત ની ઓફિસની ડસ્ટબિનમાંથી ઘનશ્યામને મર્દાના તાકાત વધારવાની દવાનાં ખાલી રેપર પણ મળ્યાં હતાં"

"ઘનશ્યામનાં કહેવા મુજબ છ મહિના પહેલાં અનિકેત ઠક્કરની નજદીકી પોતાની નવી આવેલી PA ઝેબા જોડે વધી ગઈ..એમાં પણ રશિયા ની ટુર પછી તો ઝેબા નો હોદ્દો પણ ઓફિસમાં વધી ગયો.એ હવે અનિકેત ઠક્કરની સેક્રેટરી કરતાં ઓફિસની બોસ હોય એવું વર્તન કરતી. મનફાવે ત્યાંસુધી અનિકેત ની કેબિનમાં ને કેબિનમાં જ પડી રહેતી.ઝેબા ની રહેવાની સ્ટાઈલ પણ બદલાઈ ગઈ હતી..મોંઘી મોંઘી જવેલરી થી લઈને મોબાઈલ ફોન બધું ઝેબા ની લાઈફ સ્ટાઈલ ને વૈભવી બનાવી રહ્યું હતું.અનિકેત દ્વારા એની સેલરી પણ વધારવામાં આવી હતી અને એને સેક્રેટરી ની સાથે મેનેજર પણ બનાવી દેવાઈ હતી."

"આ બધી વાત તો એ તરફ ઈશારો કરે છે કે અનિકેત નું પોતાની સેક્રેટરી ઝેબાની સાથે અફેયર હતું..આ સિવાય બીજું શું જણાવ્યું ઘનશ્યામે..?"બુખારીનાં આટલું બોલતાં જ અર્જુન બોલી પડ્યો.

"હા સાહેબ એતો સ્પષ્ટ થઈ ગયું કે અનિકેત ઠક્કર નું પોતાની સેક્રેટરી જોડે અફેયર પુરપાટ વેગે ચાલી રહ્યું હતું..પણ આજથી લગભગ એકાદ મહિના પહેલાં ઝેબા એ પોતાની નોકરી મુકી દીધી છે..હવે પ્રમોશન મળ્યાં બાદ અને સેલરી વધ્યાં બાદ ઝેબાનું નોકરી મુકવાનું કારણ મને વિચિત્ર લાગી રહ્યું હતું.."પોતાની વાત આગળ વધારતાં બુખારી બોલ્યો.

"તો પછી તને ઝેબાનું નોકરી મુકવાનું કોઈ કારણ મળ્યું ઘનશ્યામ જોડેથી..?"અર્જુને સવાલ કરતાં બુખારીને કહ્યું.

"મેં ઘનશ્યામ ને ઘણું પૂછ્યું પણ એને એ વિષયમાં કંઈપણ ખબર ન હોવાની વાતનું રટણ સતત એને ચાલુ રાખ્યું એટલે હું સમજી ગયો કે ઘનશ્યામ જોડેથી હવે કંઈપણ જાણવા નહીં મળે માટે મેં જાતે જ હવે ઝેબાની જન્મકુંડળી કાઢવાનું નક્કી કરી લીધું.."બુખારી બોલ્યો.

"Good.. તો ઝેબા ની જન્મકુંડળીમાં શું લખ્યું છે એ જણાવવાની તકલીફ લઈશ.."અર્જુન બોલ્યો.

"સાહેબ જ્યારે આજે મેં ઝેબાની રજેરજની માહિતી મેળવવાનું શરૂ કર્યું ત્યારે મનેપણ ખબર નહોતી કે આટલી મોટી ખબર મને મળવા જઈ રહી હતી.એક એવી વાત લાવ્યો છું જે તમને નક્કી ઝાટકો આપશે.."બુખારી પોતાનાં અંદાજમાં જ બોલ્યો.!!

બુખારી શું વાત લઈને આવ્યો હતો એ વિચારતાં અર્જુનનાં ભવાં સંકોચાઈ ગયાં હતાં..એનાં કામ બુખારી દ્વારા આપવામાં આવનાર નવી ખબર તરફ કેન્દ્રિત હતાં.

★★★★★★★

વધુ આવતાં અંકે.

બુખારી ઝેબા વિશે શું ગજબની માહિતી લાવ્યો હતો..??ઝેરનો પ્રકાર કયો હતો..??શું અનિકેતે જ પ્રભાતની હત્યા કરી હતી અને હા તો એનું કારણ શું હતું..??જો મંગાજીએ પણ પ્રભાતને ઝેર નહોતું આપ્યું તો આખરે પ્રભાતને ઝેર આપનાર કોણ હતું ..??પ્રભાતની હત્યાની તપાસ આખરે કેવો નવો વળાંક લેશે..??એ જાણવા વાંચતાં રહો આ નોવેલ હવસ નો નવો ભાગ. આ નોવેલ અંગેના રિવ્યુ 8733097096 whatsup કરી પર આપી શકો છો.

તમે પણ આગળ વધતી આ સસ્પેન્સ નોવેલ હવસ પર તમારાં પ્રતિભાવ આપી શકો છો..સાથે સાથે તમારાં મગજને કસીને કાતિલ કોણ છે એ પણ શોધવાનો પ્રયાસ કરો અને મને જણાવતાં રહો કે તમારાં મતે પ્રભાતનો હત્યારો કોણ છે..?

તમે માતૃભારતી પર મારી નાની બહેન દિશા પટેલની રચનાઓ જેવી કે રૂહ સાથે ઈશ્ક, અનામિકા,ડણક,દિલ કબુતર,હોન્ટિંગ પિક્ચર અને સેલ્ફી પણ વાંચી શકો છો.

માતૃભારતી પર આ સિવાય વાંચો મારી અન્ય નોવેલ..

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

~જતીન.આર.પટેલ (શિવાય)