હવસ-It Cause Death Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હવસ-It Cause Death

હવસ :-IT CAUSE DEATH

:-પ્રસ્તાવના-:

નમસ્કાર વાંચક મિત્રો,બેકફૂટ પંચ,ડેવિલ એક શૈતાન,અધૂરી મુલાકાત,ચેક એન્ડ મેટ તથા આક્રંદ એક અભિશાપ ને આપ લોકો નો જે અપ્રિતમ પ્રેમ અને પ્રતિસાદ મળ્યો એ બદલ આપ સર્વે વાંચકો નો અંતઃકરણ થી ખુબ ખુબ આભાર માનું છું.

આપ સૌ નાં આશીર્વાદ સાથે એક નવી નોવેલ લખવા જઈ રહ્યો છું..જેનું નામ હશે હવસ.મારી દરેક નોવેલની માફક આ નોવેલ પણ સમાજ ની એક એવી વરવી વાસ્તવિકતાથી રૂબરૂ કરાવશે જે શાયદ હવે સ્વીકારવી જ રહી.

સ્ત્રી હોય કે પુરુષ જ્યારે પોતાની મર્યાદા ભૂલી લગ્નેતર સંબંધ બાંધે અથવા તો શારીરિક સુખ ની પૂર્ણતા માટે કોઈકની લાગણીઓ જોડે રમે ત્યારે એનું વરવું પરિણામ એક સાથે ઘણાં બધાં લોકોએ ભોગવવું પડતું હોય છે.આ નોવેલ એજ સામાજિક મુદા પર આછો પાતળો પ્રકાશ પાડવાનો પરિચય કરતી જોવાં મળશે.

વાંચકોની ઈચ્છા ને માન આપી સૌ નાં લાડકવાયા અર્જુન અને નાયક આ નોવેલ માં પુનઃ આવી રહ્યાં છે..તો આપ સૌ માટે રજૂ કરું છું શારીરિક સંબંધો અને એમાંથી સર્જાતી પ્રોબ્લેમ ની ઘટમાળ ની મર્ડર મિસ્ટ્રી દાસ્તાન હવસ.મારાં બધાં વાંચકો ની સાથે મારી નાની બેન દિશા પટેલ અને કેરલ ભાભી નો પણ આભાર માનું છું.જેમનાં સપોર્ટ થી હું વધુ સારું લખી શક્યો.

-જતીન.આર.પટેલ (શિવાય)

ભાગ-1

ડોકટર આર્યાનો ખાત્મો કર્યા બાદ રાધાનગર માં પુનઃ પહેલાં જેવી શાંતિ હતી..ના કોઈ ગુનો થતો ના કોઈ અઘટિત ઘટના બનતી.ડોકટર આર્યા ની ઘટનાને બે વર્ષ જેટલો સમય વીતી ગયો હતો.બાજુમાંથી નેશનલ હાઈવે મંજુર થયો હોવાનાં લીધે રાધાનગર હવે પહેલાંથી પણ વધુ વિકસિત નગર બની ગયું હતું.

રાધાનગર માં હવે ઔધોગિક એકમો પણ હરણફાળ ભરી રહ્યાં હતાં.એમાંપણ સરકાર દ્વારા મળતી સબસીડી અને નિકાસ દર માં થયેલાં ફેરફારો નાં લીધે ઈન્સ્ટ્રીયલ ગ્રોથમાં ખુબજ વધારો થયો હતો જેનો સીધેસીધો લાભ રાધાનગરમાં નવા વિકસતા ઔધોગિક એકમોને મળ્યો હતો.

રાધાનગરમાં ઉધોગપતિઓમાં અનિકેત ઠક્કરનું નામ ખુબજ માનપૂર્વક લેવાતું હતું.જુદી-જુદી ચાર મોટી કંપનીઓ અનિકેત ઠક્કરનાં નામે રજીસ્ટર હતી.જેમાં કેમિકલ,ફૂડ,ટેક્સ ટાઈલ્સ અને મેટલ ઈન્સ્ટ્રીયલ કંપનીઓનો સમાવેશ થતો.પોતાની બુદ્ધિક્ષમતા નાં જોરે અનિકેતે પોતાનાં બધાં હરીફોને પાછળ મુકી બધાંથી એક હાથ ઉંચેરું સ્થાન મેળવ્યું હતું.

"હું કોઈ રુલ્સ ફોલો નથી કરતો પણ હું જે ફોલો કરું એને લોકો રુલ્સ માની લે છે.."આવો જીવન મંત્ર ધરાવતાં અનિકેત નાં ઘરે લક્ષ્મીજી સ્વંય બિરાજમાન હતાં એમ કહેવું ખોટું તો નહોતું જ.દિવસે અને દિવસે અનિકેત ની નેટ ગ્રોથ વધે જ જતી હતી.જેની સાક્ષી હતાં એની જોડે રહેલ એકથી એક ચડિયાતી કારનાં મોડેલ અને પંદર એકર જેટલાં વિસ્તારમાં ફેલાયેલ એનો મહેલ જેવો બંગલો ઠક્કર વિલા.અનિકેત નાં પિતાજી શ્યામજી ઠક્કર પણ એમનાં સમયમાં ખૂબ ધનિક ઉધોગપતિઓમાં એક હતાં.અનિકેત પણ પિતાનાં રસ્તે ચાલી એમનાંથી પણ સવાયો સાબિત થયો હતો.

અનિકેત માટે એનું કામ એની first priority હતું.સવારે સમયસર ઓફિસે પહોંચી જવું અને જ્યાં સુધી પોતે નક્કી કરેલું કામ ના કરી લે ત્યાં સુધી ઘરે ના આવવું એ અનિકેત ઠક્કરનો નિયમ હતો.

સાંજ નાં સાડા સાત નો સમય થવા આવ્યો હતો અને અનિકેત પોતાની રોલ્સ રોય કાર લઈને ઠક્કર વિલામાં પ્રવેશ્યો. આમ તો અનિકેત આટલો વહેલો નહોતો આવતો.એનો રોજનો આવવાનો સમય હતો નવ વાગ્યાં નો.પણ આજે એનાં વહેલાં આવવાનું કારણ હતી એની ખુબસુરત અને પ્રેમાળ પત્ની જાનકી ઠક્કર.આડત્રીસ વર્ષની ઉંમરે પણ જાનકી નો શારીરિક ઢાંચો અને યૌવન કોઈ યુવતી ને પણ એની આગળ ફિક્કી પાડી મુકે એવું હતું.

આજે અનિકેત અને જાનકી ની મેરેજ એનિવર્સરી હતી.આજ થી સોળ વર્ષ પહેલાં અનિકેતે આજનાં જ દિવસે જાનકી આગળ પ્રેમ નો પ્રસ્તાવ મુક્યો હતો અને એનાં એક વર્ષ પછી આજ ના દિવસે જ એ બંને પ્રભુતામાં પગલાં પાડી લગ્નગ્રંથિથી જોડાયાં.અનિકેત અને જાનકી નાં સુખી લગ્નજીવન ની નિશાની હતાં એમનાં સંતાનો રીંકુ અને આરવ.મોટી રીંકુ ચૌદ વર્ષની થવાં આવી હતી જ્યારે આરવ હજુ નવ વર્ષનો હતો.રીંકુ પણ એની મમ્મી ની માફક દેખાવમાં અપ્સરા ને પણ ટક્કર આપે એવી હતી.

અનિકેત અને જાનકી એક જ કોલેજમાં સાથે અભ્યાસ કરતાં હતાં.પિતાની પુષ્કળ ધન-દોલત નાં લીધે અનિકેત કોલેજમાં પોતાની આલીશાન કાર લઈને જ આવતો.અનિકેત દેખાવે પણ ખૂબ handsome હોવાંથી કોલેજની મોટાંભાગની યુવતીઓ એની ઉપર મરતી હતી.ઘણી તો અનિકેત ને સામે ચાલીને પ્રપોઝ પણ કરી ચુકી હતી પણ અનિકેત નાં મનમાં હજુ સુધી કોઈ પ્રત્યે પ્રેમ જેવી લાગણી ઉભરાઈ જ નહોતી એટલે એ કોઈનો પ્રપોઝ સ્વીકારવા તૈયાર નહોતો.

અનિકેત જ્યારે સેકન્ડ યરમાં આવ્યો ત્યારે કોલેજમાં આગમન થયું જાનકી નાણાવટી નું..જાનકી નાં પિતા બાબુભાઈ એક બેંકમાં સામાન્ય ક્લાર્ક હોવાંથી એનું કુટુંબ મધ્યમ વર્ગ નું કહેવાય એવી આર્થિક સ્થિતિ ધરાવતું હતું.જાનકી મોટાંભાગે સિમ્પલ કપડામાં જ રહેતી.વધુ પડતો મેકઅપ કે લાલી લિપસ્ટિક કર્યાં વગર જ જાનકી કોલેજમાં આવતી.પણ કહ્યું છે ને સુંદરતા કંઈ શણગાર ની મોહતાજ નથી.

જાનકી ની આ જ સુંદરતા અને સરળતા અનિકેત નાં હૃદય નાં તારમાં ઝણઝણાટી કરતાં ગયાં. અનિકેતે જ્યારે સામે ચાલીને જાનકી તરફ મિત્રતા નો હાથ લંબાવ્યો ત્યારે જાનકી એ પણ અનિકેત જેવાં પૈસાદાર પણ મૃદુભાષી યુવક ની મિત્રતા ને સહજ સ્વીકારી લીધી.અનિકેત નો સ્વભાવ ધીરે-ધીરે જાનકી ને માફક આવી રહ્યો હતો..એ સિવાય જાનકી એ જે ભવ્ય જીંદગી નું સપનું સેવ્યું હતું એ અનિકેત પૂરું કરશે એ જાનકી ને ખબર હતી.

અનિકેત કોલેજ નાં ત્રીજા વર્ષમાં હતો ત્યારે એને પોતાની કોલેજનાં છેલ્લાં દિવસે જાનકીની સામે લવ પ્રપોઝલ મુકી દીધી..જેનું જાનકી દ્વારા અસ્વીકાર થવાનો કોઈ કારણ જ નહોતું.જાનકી એ પણ ખુલ્લાં મને અનિકેત ઠક્કર નો પ્રેમ સ્વીકારી લીધો હતો.

થોડો સમય એકબીજાનાં સાનિધ્યમાં પસાર કર્યાં બાદ બંને પ્રેમીપંખીડા એ આ પ્રેમ સંબંધને એક નામ આપવાનું નક્કી કર્યું.આ માટે બંને એ પોતપોતાનાં ઘરે વાત ચલાવી તો ઘરેથી પણ એમનાં સંબંધ પર મહોર લાગી ગઈ.જાનકી ની કોલેજ પૂર્ણ થતાં જ અનિકેત સાથે એનાં લગ્નનું નક્કી કરવામાં આવ્યું.જે મુજબ અનિકેતે જાનકી ને પ્રપોઝ કરી હતી એ દિવસે જ એ બંનેના ધામધૂમથી લગ્ન આયોજિત થયાં.

અનિકેત અને જાનકીનાં લગ્ન સમારંભમાં શહેરભરનાં લોકોની સાથે રાજ્યભરમાંથી જાણીતી હસ્તીઓ આશીર્વાદ આપવા પધારી હતી.જાનકી નાં પિતાજી બાબુભાઈ નાણાવટી તો પોતાની દીકરીને આવડાં મોટાં ઘરમાં વળાવતાં આનંદથી ફુલ્યા નહોતાં સમાઈ રહ્યાં.અને કેમ ના હોય પોતાની દીકરી રાધાનગરનાં સૌથી પૈસાદાર કુટુંબની પુત્રવધુ થવા જઈ રહી હતી.

જાનકી અને અનિકેત પણ લગ્નગ્રંથિથી જોડાયાં બાદ બેહદ ખુશ હતાં અને એનાં જ ફળસ્વરૂપ લગ્ન થયાંનાં ફક્ત એક વર્ષની અંદર એમનાં ઘરે એક ફૂલ જેવી દીકરી અવતરી.જેનું નામ એમને રીંકુ રાખ્યું.

દિવસ જતાં જાનકી પણ ઉચ્ચ વર્ગના લોકોની માફક જીવતાં શીખવા લાગી હતી..પ્રસંગોપાત ડ્રિન્ક કરવું,ખૂબ મોંઘી વસ્તુઓ ની ખરીદી કરવી,કિટી પાર્ટીમાં જવું જેવાં શોખ હવે જાનકી એ કેળવી લીધાં હતાં..લગ્નનાં છ વર્ષ પછી એમનાં ઘરે ફરીવાર પારણું બંધાયું અને એક પુત્ર-રત્ન નો જન્મ થયો જેનું નામ આરવ રાખવામાં આવ્યું.

આરવનાં જન્મતાં ની સાથે જ અનિકેત ની જીંદગી નો સૂર્ય એનાં મધ્યાહને ચમકવાં લાગ્યો. ટૂંક જ સમયમાં અનિકેત ની નેટ વર્થ કરોડોમાંથી અબજોને આંબી ગઈ.પોતાની પત્ની ને ખૂબ જ ચાહતાં અનિકેતે પત્ની નાં નામે જુદી-જુદી ચાર કંપનીઓ ખોલી હતી.જે બધી અત્યારે પોતપોતાનાં પ્રકારની ઇન્સ્ટ્રીમાં સારું એવું નામ અને કમાવવામાં સફળ રહી હતી.

આજે પોતાની મેરેજ એનેવર્સરી હોવાંથી અનિકેત જલ્દી જલ્દી બધું કામ આટોપી ઓફિસથી નીકળી ગયો હતો.ઓફિસથી નીકળી અનિકેત સીધો જવેલરી શોપમાં ગયો અને ત્યાંથી જાનકી ને સપ્રાઈઝ ગિફ્ટ આપવા એક ડાયમંડ નેકલેસ પણ ખરીદતો આવ્યો.જોડે એક બુકે શોપમાંથી એક બુકે પણ ખરીદ્યો.

ઠક્કર વિલામાં જેવી અનિકેત ની રોલ્સ રોય આવીને ઉભી રહી એવો જ અનિકેત નો નોકર કિશોરકાકા દોડીને પાર્કિંગમાં આવ્યો અને અનિકેતનાં કારમાંથી નીચે ઉતરતાં જ એની બેગ પોતાનાં હાથમાં લઈ લીધી અને અનિકેત ની પાછળ પાછળ અદબપૂર્વક ચાલવા લાગ્યાં.કિશોરકાકા અનિકેત નાં ત્યાં એનાં પિતાનાં સમયથી ત્રીસેક વર્ષ પહેલાંથી કામ કરતો ખૂબ વફાદાર નોકર હતાં.

બંગલો નાં મુખ્ય દ્વાર માં પ્રવેશતાં જ અનિકેત ની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ..બંગલાનો મુખ્ય હોલ અત્યારે ખૂબ સરળ પણ આકર્ષક રીતે શણગારવામાં આવ્યો હતો.હોલની અંદર અત્યારે જે રોશની હતી એ પણ પાર્ટી કે ક્લબમાં હોય એવી ઝાંખી ગુલાબી અને નીલા રંગની હતી.હોલ ની સજાવટ પર અપલક નજર ફેંકતા અનિકેત ની નજર ડાઈનિંગ ટેબલ પર આવીને અટકી ગઈ.

ડાઈનિંગ ટેબલ પર અત્યારે જાનકી બેઠી હતી..જે અનિકેત ને જોતાંજ પોતાનું સ્થાન છોડી અનિકેત ની તરફ એક કાતિલ મુસ્કાન સાથે આગળ વધી.જાનકી નો ઈશારો થતાં જ કિશોરકાકા અનિકેત ની બેગ ત્યાં જોડે ટેબલ પર મૂકી બંગલાની બહાર નીકળી ગયાં.

જાનકી ધીરે ધીરે મંદ મુસ્કાન સાથે અનિકેત તરફ આગળ વધી રહી હતી..અનિકેતે પગથી માંડીને માથા સુધી જાનકી ને જોઈ લીધી. ઊંચી એડીનાં સેન્ડલમાં ટક-ટક અવાજ સાથે આગળ વધતી જાનકી અત્યારે સાક્ષાત આરસમાંથી કંડારેલી વિનસ ની પ્રતિમા હોય એવું લાગી રહ્યું હતું.

કાળા રંગ નાં પેટીકોટ અને સ્લીવલેસ બ્લાઉઝ ની ઉપર લાલ રંગની સેફ્રોન સાડીમાં જાનકી અત્યારે સજ્જ હતી..જાનકી જાણતી હતી કે અનિકેતનું આ સૌથી વધુ ફેવરીટ કલર કોમ્બિનેશન છે.સાથે લાલ રંગની ઘેરી લિપસ્ટિક અને આઈલાઈનર વડે સુશોભિત કરેલી આંખો જાનકી ની સુંદરતાં માં ચાર ચાંદ લગાવી રહી હતી.સુંદર ઓળેલાં કેશ અને એમાંથી આવતી લટ જાણે જાનકી ને અલગ ઓપ આપી રહી હતી.ચાલતી વખતે જો કોઈ એની લચકદાર કમર ને જોઈ જાય તો એ વ્યક્તિ એવું કહી શકે એમ નહોતું કે જાનકી બે છોકરાંની માં પણ હતી.

"Happy merraige anniversary"

અનિકેતનાં ગાલ પર એક નાનકડું ચુંબન આપી પ્રેમપૂર્વક જાનકી એ કહ્યું.જાનકી નાં નાજુક સ્પર્શ ને હજુ પોતાનાં ગાલ પર મહેસુસ કરતો અનિકેત જાનકીનાં ચુંબનનાં પ્રતિભાવમાં એનાં કપાળ ને ચુમીને એને બુકે આપતાં બોલ્યો.

"Very Happy merraige anniversary to my beloved wife"

બુકે ને હાથમાં લઈ જાનકી એ આંખો પટપટાવીને અનિકેત ને thanks કહ્યું અને એનો હાથ પકડી એને ડાઈનિંગ ટેબલ તરફ દોર્યો.. જાનકી ની સુંદરતા માં અભિભૂત અનિકેત એની પાછળ પાછળ વગર કંઈપણ પ્રતિકાર કર્યા વગર દોરવાતો રહ્યો.

જાનકી એ આજે ખાસ અનિકેત ને ભાવતી વાનગીઓ પોતાનાં હાથે બનાવી હતી..ડાઈનિંગ ટેબલ પર કેન્ડલ સળગાવી જાનકીએ અનિકેત ને પોતાની જોડે બેસવા કહ્યું.જાનકી દ્વારા પોતાને જે સુંદર સપ્રાઈઝ અપાયું હતું એ શાયદ પોતાનાં એ કરોડ રૂપિયાનાં ડાયમંડ નેકલેસ ની આગળ કંઈપણ નથી એવું અનિકેત મહેસુસ કરી રહ્યો હતો.

અનિકેત ની ફેવરીટ ડિશ જેવી કે ભરેલાં કારેલાં, ગાજર નો સંભારો,દાલ મખની,જીરા રાઈસ,ગુલાબ જાંબુ,અને ઘી નીતરતી રોટલી જાનકી એ સર્વિંગ પ્લેટમાં પોતાનાં હાથે પીરસી એટલે અનિકેતે સવાલ કર્યો.

"કેમ તું જાતે પીરસે છે..કોઈ નોકર નથી કે શું..?"

"ના કોઈ નથી અત્યારે બંગલા માં..મેં બધાં ને રજા આપી દીધી.."છાસ નો ગ્લાસ ભરતાં જાનકી બોલી.

"રીંકુ અને આરવ પણ નજર નથી આવતાં.. ક્યાં છે એ બંને..?"પોતાનાં દીકરા-દીકરીને પણ ના જોતાં અનિકેતે બીજો સવાલ પૂછ્યો.

"એ બંને ને હું મારાં ભાઈ પરેશ ને ત્યાં મૂકી આવી..કાલે આમપણ રવિવાર છે તો સાંજ સુધી ત્યાં રોકાશે અને પછી પરેશ એ બંને ને મૂકી જશે અથવા તો હું જઈને એ બંનેને લેતી આવીશ."જાનકી અનિકેત ની બાજુમાં બેસતાં બોલી.

"મેડમ નું પ્લાનિંગ શું છે..?"આંખો ની ભ્રમર ઊંચી નીચી કરી અનિકેતે પૂછ્યું.

"એ બધું પછી પહેલાં જમી લઈએ..તમારી ખબર નહીં પણ મને તો બહુ ભૂખ લાગી છે.."જાનકી એ કહ્યું.

ત્યારબાદ વાતો કરતાં કરતાં જાનકી અને અનિકેતે લિજ્જતદાર જમવાની મજા માણી..જમવાનું પૂર્ણ કરી જાનકી બધાં વાસણો ને લઈ જઈને રસોડામાં મુકતી આવી અને પછી વાઈન ની એક બોટલ લઈને બહાર આવી.

"અનિકેત હવે મહેફિલ ને રંગીન કરવાં થોડી વાઈન થઈ જાય..?"હાથમાં રહેલ વાઈન ની બોટલ અને ગ્લાસને અનિકેતની તરફ દર્શાવતાં જાનકી બોલી.

"નેકી ઓર પૂછ પૂછ.."જાનકીનાં પ્રસ્તાવ ની સહમતિ આપતાં અનિકેત ખુશીથી બોલી ઉઠ્યો.

"અનિકેત અહીં નહીં.. આપણાં બેડરૂમમાં જઈએ..ત્યાં મેં તારાં માટે બીજી એક ખાસ સપ્રાઈઝ તૈયાર રાખી છે.."માદક સ્વરે જાનકી બોલી.

જાનકીનાં કહેવાનો અર્થ અનિકેત ના સમજે એવો બુધ્ધુ તો એ હતો નહીં..જાનકી નાં આવું કહેતાં જ અનિકેત થોડો હસ્યો અને એની જોડે ચાલવા તૈયાર થઈ ગયો..અનિકેત નાં ચહેરા પર જે હાસ્ય હતું એ અત્યારે થોડું ફિક્કું પડી ગયું હતું.કોઈ એવી વાત હતી જે યાદ આવતાં જ અનિકેત નાં ચહેરા પર ઉચાટ સાફ-સાફ જોવાં મળી રહ્યો હતો.

અનિકેત અને જાનકીનો બેડરૂમ પ્રથમ માળે હોવાંથી અનિકેત પણ જાનકીની પાછળ દાદરા ચડવા લાગ્યો..દાદરો ચડતાં અનિકેત નું ધ્યાન પોતાની પત્નીનાં નિતંબ પ્રદેશ અને ખુલ્લી પીઠ તરફ કેન્દ્રિત હતું..સાથે સાથે એ મનોમન પોતાની જાત ને કહી રહ્યો હતો.

"aniket you can do it..તું એ કરી શકીશ અનિકેત.."

★★★★★★

વધુ આવતાં અંકે.

આ નોવેલ અંગેના રિવ્યુ 8733097096 whatsup કરી પર આપી શકો છો.આ નોવેલ સમય જતાં તમારાં દિલ અને દિમાગ પર છવાઈ જશે એની ગેરંટી.

માતૃભારતી પર આ સિવાય વાંચો મારી અન્ય નોવેલ..

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ

~જતીન.આર.પટેલ (શિવાય)