સુંદરતા વધારવાની ટિપ્સ
- રાકેશ ઠક્કર
* મહેંદી લગાવાની હોય એ પહેલાં હાથને સાબુ વડે બરાબર સાફ કરી લો અને સાફ કર્યા બાદ હાથ પર કોઈ જ પ્રકારની મોઈશ્ચરાઈઝિંગ ક્રીમ લગાવવી નહીં. હાથ સુકાય ગયા બાદ મહેંદી મૂકવી. મહેંદી મૂક્યા બાદ તે સુકાય પછી તેની પર લીંબુ અને ખાંડનું મિશ્રણ મિક્સ કરી લગાવો. જેથી મહેંદી ઉખડશો નહીં અને કલર આવશે. બીજું તમે સરસિયાના તેલનો પણ ઉપયોગ કરી શકો છો. સરસિયાનું તેલ બંને હાથ પર લગાવી એક કોરા કપડાં વડે તેને સાફ કર્યાના અડધા કલાક પછી મહેંદી લગાવી. જેનાથી કલર ડાર્ક થશે.
* માથામાં ખોડો હોય તો માથાની ખોપરીની ત્વચા પર મેથી અને રાઈની પેસ્ટ લગાડો. તેને અડધો કલાક રહેવા દો અને પછી એન્ટિડેન્ટ્રફ શેમ્પૂથી ધોઈ નાંખો, સંવેદનશીલ સ્કાલ્પ માટે તેલમાં થોડું કપૂર નાખી ગરમ કરો. સ્કાલ્પમાં આ તેલ નાંખી ૧૦ મિનિટ માલીશ કરો. ૩૦ મિનિટ પછી હર્બલ શેમ્પૂથી વાળ ધોઈ નાંખો ૧૫ મિનિટ ગરમ પાણીમાં બોળેલો રૂમાલ (સહી શકાય તેવું ગરમ પાણી) માથા પર વીંટો અને શેમ્પૂ કરો.
* બ્રોડ-સ્પેક્ટ્રમ સન સ્ક્રીન વાપરો, જે આપને યૂવીએ અને યૂવીબી બંનેથી સુરક્ષા પ્રદાન કરે. જેમાં સન પ્રોટેક્શન ફેક્ટર (એસપીએફ) ઓછામાં ઓછું ૩૦ હોવું જરૂરી છે. બહાર નીકળતાં ૨૦-૩૦ મિનિટ પૂર્વે ચહેરા અને ત્વચાના ખુલ્લા હિસ્સા પર પૂરતી માત્રામાં સન સ્ક્રીન લગાવો. દરેક બે કલાકે કે સ્વિમિંગ કે વર્કઆઉટ પછી બીજી વાર સન સ્ક્રીન લગાવવું ન ભૂલશો, કેમ કે પાણી અને પસીનાને કારણે સન સ્ક્રીન ત્વચા પરથી નીકળી જાય છે.
* ત્વચા ઉપર લાગેલી ધૂળ, પ્રદૂષણ અને સૂર્ય પ્રકાશને કારણે જે ડલનેસ આવી ગઇ હોય, ત્વચાના છિદ્રોમાં કચરો જમા થયો હોય તેને સાફ કરવા માટે તમે પપૈયા અને કાકડીને ક્રશ કરીને દહીંમાં નાંખી મિક્સ કરીને આ પેસ્ટને રોજ ફેસ પર લગાવી વીસ મિનિટ બાદ ઠંડા પાણી વડે ધોઇ લેવું આમ કરવાથી ત્વચા તરોતાજા રહેશે અને તેની અંદરનો કચરો દૂર થઇને તે ગ્લો કરશે.
* દિવસના અંત થતાં સુધીમાં તો ચહેરાની સૌમ્યતા અને આવશ્યક ભીનાશ પૂરી થઈ જાય છે. એના માટે પ્રાકૃતિક ટોનરથી ત્વચાને ટોન કરો. કાકડીનો જ્યૂસ કે ગુલાબજળને ટોનર તરીકે ઉપયોગમાં લો. એના પ્રાકૃતિક ગુણ ત્વચાને સ્વસ્થ બનાવી રાખશે.
*તમે ઉતાવળમાં છો અને તમારી પાસે આઈલાઈનર નથી અથવા ખલાસ થઈ ગયું છે. તો મસ્કરાનો ઉપયોગ કરો. મસ્કરાને આઈ-લાઈનર બ્રશથી લાઈનરની જેમ લગાવો.
* ઉનાળા દરમિયાન ખીલની સમસ્યાથી તંગ રહેતાં હોવ તો તેના માટેનો શ્રેષ્ઠ ઘરેલુ ઉપાય લીમડો છે. લીમડાના પાનને એક તપેલીમાં પાણી ભરીને સરખા ઉકાળો, આ પાણીને આખી રાત રાખી બીજે દિવસે સવારે તે પાણી વડે મોઠું ધોવો. આ ઉપાય આખો ઉનાળો અજમાવશો તો તમને ઉનાળામાં ખીલની સમસ્યા સહેજપણ નહીં સતાવે.
*કોઈ પણ ટ્રીટમેન્ટ પછી તે સ્કીન વ્હાઈટનિંગ, અંડર આઈ ક્રીમ કે સાદું મોઈશ્ચરાઈઝિંગ હોય એ માટે કોઈ પણ સમય યોગ્ય છે. એ ચહેરાની ત્વચાને તાજગી, યુવાની બક્ષે છે અને જાદુ જેવું કામ કરે છે દિવસભરના મેલ-કચરાને બહાર કાઢે છે. તેનો ઉપયોગ ડોક અને હાથ પર કરવો પણ ઉત્તમ છે ત્વચાની શુષ્કતાને દૂર કરવા આખા ચહેરા પર અને શરીર ક્રીમ લગાવી શકાય છે. પ્રમાણસર મોઈૃરાઈઝિંગની અસરથી ત્વચાની શુષ્કતા દૂર થાય છે પરંતુ દરેક વ્યક્તિને તેની જરૂર અલગ અલગ માત્રામાં પડે છે.
* કલર કરતાં પહેલાં માથામાં સારું તેલ નાખીને સરખી માલિશ કરો અને ત્યારબાદ સારા શેમ્પૂથી વાળ ધોઇને કલર કરાવવા જાવ. કલર કરાવીને આવો ત્યારે પણ વાળમાં ફરીથી તેલ નાખી દો, અને બીજે દિવસે સવારે તેને વોશ કરીને કાઢી નાખો. આમ કરવાથી વાળની માવજત થશે.
* તૈલીય અને મિશ્ર ત્વચા માટે ત્રણ ચમચી જવના લોટમાં દહીં, મધ અને ગુલાબજળ મેળવો. આ પેસ્ટને હોઠ અને આંખો સિવાયના આખા ચહેરા પર લગાવી દો, ૨૦ મિનિટ પછી સ્વચ્છ પાણીથી ચહેરો ધોઈ નાખો. ચહેરા પર ફેસમાસ્ક લગાવ્યા પછી બે કોટનવૂલ પેડને ગુલાબજળમાં બોળી લો તથા એને આઈપેડની માફક ઉપયોગમાં લો. એને આંખો પર રાખીને સૂતાં-સૂતાં આરામ કરો. એનાથી શરીરને ઘણી તાજગી અને આરામ મળે છે. ગુલાબજળની સારી અસર મળે છે, જેનાથી થાક દૂર થાય છે અને આંખોમાં ચમક આવે છે.
* સોડિયમ કાર્બોનેટ રસોડાના શબ્દોમાં બેકિંગ સોડાના નામે ઓળખાય છે. બેકિંગ સોડા પરસેવાના પીએચ લેવલને કંટ્રોલમાં રાખે છે અને તેમાંથી ઉત્પન્ન થતાં બેક્ટેરિયાને પણ નિયંત્રણમાં રાખે છે. જેના કારણે પગમાંથી વાસ નથી આવતી. બેકિંગ સોડાને હુંફાળા પાણીમાં નાખીને સરખું મિક્સ કરી તેની અંદર પંદરથી વીસ મિનિટ સુધી પગ બોળી રાખવા. આમ કરવાથી પગમાંથી આવતી દુર્ગંધ દૂર થઇ જશે.
*સૂકી ત્વચા માટે બે ટીપાં બદામનું તેલ લઇ ચહેરા પર તથા ગરદન પર ઉપરની તરફ મસાજ કરો. ગુલાબજળમાં પલાળેલા રૂથી લૂછો. ફક્ત દૂધથી પણ ત્વચા સારી રીતે સાફ થાય છે.
*ચાલ્લો લગાડતાં પહેલાં અમુક વાતોનું ધ્યાન રાખવું ખૂબ જરૃરી છે. ચાલ્લો તમારી ખૂબસૂરતીમાં ચાર ચાંદ લગાવે છે, એ જ રીતે બેદરકારીથી ઉપયોગમાં લેવાયેલો ચાલ્લો તમારી ખૂબસુરતીમાં ડાઘ પણ લગાડી શકે છે. મતલબ કે આડેધડ રીતે લગાવવામાં આવેલો ચાંલ્લો ચહેરાને ખૂબસુરત દેખાડવાને બદલે ચહેરાની આખી સુંદરતા મારી નાખે છે. એટલે જ ચાંલ્લાની પસંદગી કપડાં, સમય, અવસર વગેરેને ધ્યાનમાં રાખીને કરવી જોઇએ. મતલબ અમુક કપડાં પર અમુક જ જાતનો ચાંદલો શોભે છે, તો અમુક અવસર પર અમુક જ જાતનો ચાંલ્લો સારો લાગે છે. એ જ રીતે કપાળના આકાર પ્રમાણે જુદી જુદી જાતના ચાલ્લાં લગાડવાથી ચાલ્લાની શોભા એકદમ વધી જાય છે.
* બ્લેક સ્પોટ દૂર કરવા માટે ઘરે પેક બનાવી શકો છો. જેથી કોઈ બીજી એલર્જી કે આડ અસર થવાનો ડર રહેતો નથી. બહારની ક્રીમ તમારી સ્કિનને અનુકૂળ ન પણ આવે તેથી સૌથી સારો ઉપચાર એ છે કે ઘરે બનાવેલા પેકનો જ ઉપયોગ કરો. તેના માટે તમે એક ચમચી સંતરાનો રસ, એક ચમચી હળદર પાઉડર લો. હવે હળદર પાઉડરમાં સંતરાનો રસ મિક્સ કરી લો. હવે જે જગ્યા પર બ્લેક સ્પોટ હોય ત્યાં આ પેક લગાવવું, અને ૧૫ મિનિટ બાદ તેને ઠંડા પાણી વડે ધોઈ નાખવું. આ પ્રયોગ રોજ કરવો. ધીમેધીમે ડાઘ દૂર થતાં જણાશે. એ ઉપરાંત ગળા પર અને ચહેરા પર ડાઘ દૂર કરવા તમે એલોવેરા પલ્પ અને લીંબુનો રસ મિક્સ કરી લગાવો. આ સિવાય બટાકાને છીણી તેમાં મધ મિક્સ કરીને પણ લગાવી શકો છો. આ પ્રયોગ અઠવાડિયામાં બે-ત્રણ વખત કરવો.
* સામાન્ય ત્વચા માટે પેક જાણી લો. ગાજરને ખમણી નિચોવી તેનો રસ લેવો. આ જ્યૂસ ચહેરા પર લગાડવું. સુકાઇ જાય બાદ ચહેરાને ઠંડા પાણીથી ધોવો. ત્વચા સ્વચ્છ થશે.
અથવા લેમન ગ્રાસને થોડા પાણીમાં ઉકાળી ઠંડું કરી બરફની ટ્રે માં ભરી ફ્રિજરમાં બરફની માફક મૂકવું. આ ક્યૂબને ચહેરા પર લગાડવા.
* ઉંમરની સૌથી વધારે અસર આંખની આજુબાજુમાં તેમજ ગળા ઉપર દેખાતી હોય છે, તેથી તમારે આ જગ્યાની ખાસ માવજત કરવી પડે છે. આ માટે એક ચમચી સનફ્લાવર ઓઇલમાં ખાંડનો ભૂક્કો નાખીને તેને આંખની આજુબાજુના એરિયામાં લગાવો. આ લેપ લગાવ્યા બાદ થોડા સમય માટે તેને રાખીને ઠંડા પાણીથી તેને ધોઇ લો. આ ઉપચાર અઠવાડિયામાં બે વાર કરો. આમ કરવાથી આંખની આસપાસની કરચલી નહીં દેખાય.
* મોટા રોમ છિદ્રોને નાના દેખાડવા માટે ચહેરો સાફ કરીને ટોનર લગાડશો.ત્યાર બાદ ઓઇલ ફ્રી ફાઉન્ડેશન લેવું અને બ્લેન્ડ કરતાં એકસાર લગાડવું. અને છેલ્લે તેની ઉપર પફથી પાવડર લગાડવો.
* હેર સ્ટાઇલિસ્ટ અને ડરમેટોલોજિસ્ટ માને છે, કે રોજ શેમ્પૂ કરવાના ઘણા ગેરફાયદા છે. વાળ એક પ્રકારનું વૂલ ફાયબર છે. તમે જેટલા વાળ ધોશો તેટલા વાળ ખરાબ દેખાશે. વાળને રોજ ધોવાની જરૂર નથી. વાળને ધોવાની વચ્ચે ઓછામાં ઓછા બે દિવસનો સમય રાખો.
* રાત્રે ચહેરાને ધોયા બાદ સૌથી પહેલાં તમે હાઈડ્રોકસી એસિડ, વિટામિન એ કે સી યુક્ત કોઈ પણ પ્રકારની સ્કિન ટ્રીટમેન્ટ લઈ શકો છો. આમ કરવાથી ત્વચામાં કસાવ આવે છે. એ પછી તમે મોઈૃરાઈઝરનો ઉપયોગ કરી શકો છો અને સવારે તમે એ જ પ્રક્રિયાને ફરી કરો.
* દૂધમાં પણ પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. જો તમારે વાળને સિલ્કી કરવાની સાથે સાથે તેનો ગ્રોથ પણ વધારવો હોય તો શેમ્પૂ બાદ વાળની ઉપર કાચં દૂધ લગાવો. કાચું દૂધ લગાવીને પાંચ મિનિટ બાદ વાળને ધોઇ નાખો. આનાથી વાળનો ગ્રોથ તો વધશે જ સાથે સાથે ડેમેજ્ડ વાળ પણ રીપેર થશે.
* ત્વચા પરના તેલને દૂર કરવા ચહેરાને ગરમ, સાબુવાળા પાણીથી તેમજ ઓઈલ-ફ્રી ફેસ-વોશથી ધુઓ. ગરમ પાણી વધારાના તેલને ઓગાળવાનું કામ કરે છે અને ફેસવોશ છિદ્રોમાંના કચરાને દૂર કરે છે. ઓઈલ-ફ્રી મેકઅપ અને સ્કીન કેર પ્રોડક્ટ્સ વાપરો. કસરત કરવાથી પરસેવા દ્વારા છિદ્રોમાંનો કચરો બહાર નીકળી જાય છે તેથી નિયમિતપણે કસરત કરો. થોડી વાટેલી બદામ અને મધને મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ મિશ્રણને હુંફાળા કપડાથી ઘસીને ત્વચામાં ઉતારો પછી ઠંડા પાણીથી ધોઈ લો. તત્કાલ ફાયદો દેખાશે.
* દહીં લગાવવાથી પણ ખોડાની સમસ્યા દૂર થાય છે. આ માટે લીંબુની જેમ જ દહીંને સ્કાલ્પમાં લગાવી લેવું. સ્કાલ્પમાં લગાવ્યા બાદ પાણી વડે ધોવાથી પણ ખોડાની સમસ્યા દૂર થાય છે.
* નખને પણ સુંદર બનાવવા હોય તો તમારે યોગ્ય સમય પર મેનીક્યોર-પેડીક્યોર કરાવવું જોઈએ. તમે ઘરે પણ મેનીક્યોર-પેડીક્યોર કરી શકો છો. તમે નેચરલ ક્રીમ યુઝ કરતાં હોવ તો હાથ-પગ પર સ્ક્રબ કરો, ત્યારબાદ તમે હૂંફાળા પાણીમાં હાથ-પગ ડુબાડો. ૧૫ મિનિટ બાદ તેને ઠંડા પાણી વડે સાફ કરો. આ પ્રયોગ અઠવાડિયામાં એકવાર કરવો.
* કોણીની ચામડી કાળી, જાડી અને ખરબચડી થઈ જાય છે. આવા હાથ રાખીને જો સ્લીવલેસ બ્લાઉઝ પહેરશો તો તમારું ફૂવડપણું અને બેકાળજી તરત દેખાઈ આવશે. ચામડી બહુ કાળી, જાડી અને ખરબચડી હોય તો સૌપ્રથમ નવશેકા પાણી સાથે ત્યાં સાબુ લગાવી પાંચ મિનિટ સુધી રહેવા દો. થોડી થોડી વારે સાબુ લગાવી એ ભાગને ભીના કરો. હવે કોણી પર નહાવાના કોઈ સારા બ્રશ અથવા સ્પંજી વાદળીથી રગડો, બરાબર ઘસ્યા બાદ સાફ પાણીથી ધોઈ નાખો. સુકાઈ જાય પછી દસેક દાણા બદામનો જીણો ભૂકો, એક ઈંડુ, અને એક લીબુનો રસ ભેગાં કરી તેનો લેપ લગાવો. લેપ ૧૫-૨૦ મિનિટ સુધી રહેવા દો. પછી નવશેકા પાણીથી સહેજ ભીના હાથે ખૂબ ઘસો. આનાથી તમારી કોણી અને હાથ બંનેની ત્વચામાં ચમક આવશે. દર બે દિવસના અંતરે આ રીતે નિયમિત સાફ કરતાં રહેશો તો તમારા હાથ અને કોણી જોઈને તમે પોતે જ તેના પર મોહી પડશો. આખા હાથને કોમળ અને ડાઘ વગરનો બનાવવા માટે એક એક ચમચી મોટી દાણાદાર ખાંડ, તાજી મલાઈ લગાડી તેના પર લીંબુની ફાડથી ઘસો. દાણાદાર ખાંડ ઓગળી જાય ત્યાં સુધી ઘસતાં રહો. પછી ૫-૭ મિનિટ સુધી એમ જ રહેવા દઈને નવશેકા પાણીથી ધોઈ નાખો. આ પ્રયોગ તમારા હાથની ત્વચાને મુલાયમ બનાવશે.
* કોફી બીનમાં કેફીન એસિડ સમાયેલ હોય છે. કે જે કોલેજનના ઉત્પાદનમાં વધારો કરે છે. ફેશયલ પેકમાં થોડી કોફી ઉમેરવાથી તે ત્વચાને ચુસ્ત અને નરમ રાખવામાં મદદરૂપ રહે છે અને જો સવારનાં ફેસપેકમાં ઉમેરવામાં આવે તો તે ત્વચામાં શક્તિનો સંચાર કરી તેને દિવસભર ચમકતી રાખે છે.
* આપના ચહેરાને હંમેશાં હળવા હાથે જ સાફ કરો. ચહેરાની ત્વચાને ક્યારેય જોર જોરથી ન ઘસો. બેસનમાં કાચું દૂધ અને હળદર મેળવીને તેનાથી ચહેરાની ત્વચા સાફ કરો.
* જાણકારો માને છે કે રોજિંદા શેમ્પૂની જરૂર ત્યારે જ પડે છે. જ્યારે સ્કાલ્પમાંથી વધારે માત્રામાં તેલ નીકળતું હોય એટલે કે સ્કાલ્પ ઓઇલી રહ્યા કરતું હોય. જો રોજિંદા તમે શેમ્પૂ કરવા ઇચ્છતાં હોય તો તમે હળવું શેમ્પૂ યુઝ કરી શકો છો. હળવા શેમ્પૂમાં અન્ય શેમ્પૂ કરતાં ડિટર્જન્ટનું પ્રમાણ ઓછું હોય છે.
* વાળ ધોતાં પહેલાં તેમાં હૂંફાળું તેલ નાંખો થોડો સમય તેને રહેવા દો. ત્યાર બાદ માઈલ્ડ શેમ્પૂથી વાળ ધુઓ. જો વાળ ડ્રાય ને ડેમેજ હોય તો વાળનું વિભાજન કરી કન્ડીશનર લગાવો અને પાંચ મિનિટ પછી ધોઈ નાંખો. વાળ સુકાય ત્યારે હળવે હળવે થપથપાવો. વાળમાં જેલ કે સ્ટાઈલિંગ કરવાના બહુ કેમિકલ લગાવવા નહીં અને આપ જો તેનો ઉપયોગ કરતા હો તો વાળ ધોઈ નાંખવા
* હોઠની માવજતના અભાવે હોઠ કાળા તેમજ રફ થઇ જતા હોય તો તમે તેને પહેલાં જેવા જ સોફ્ટ બનાવી શકો છો. આ માટે દાડમના પંદર દાણા લઇ તેના રસને થોડી મલાઇમાં મિક્સ કરીને રોજ હોઠ ઉપર લગાવવાનું રાખો. આ મિશ્રણ લગાવતાં પહેલાં સોફ્ટ ટૂથબ્રશને ગોળાકારમાં હોઠ ઉપર ઘસો. ટૂથબ્રશ ઘસ્યા બાદ તેની ઉપર દાડમ અને મલાઇને મિક્સ કરી લગાવો. આ ઉપાય રોજ અજમાવવાથી તમારા હોઠ પહેલાં જેવા જ ગુલાબી થઇ જશે. તેમજ રફ પણ નહીં રહે. હોઠની માવજત ખાસ જરૂરી છે. હોઠ ઉપર કરચલી ન પડે કે તે રફ ન થઇ જાય તેના માટે રોજ હોઠ ઉપર સારું લીપબામ અથવા મલાઇ લગાવી શકો છો. બસ આટલી નાની કાળજી પણ તમારા હોઠને કાયમ માટે ગુલાબની પાંદડી જેવા બનાવી રાખશે.