સુંદરતા માટે સરળ ટિપ્સ
ભાગ-૧૦
સંકલન- મિતલ ઠક્કર
સુંદરતા માટે ઘરમાં જ એટલા બધા ઉપાય મળી રહેશે કે બહારના મોંઘા સૌંદર્ય પ્રસાધનો ખરીદવાની જરૂર રહેશે નહીં. ઘરમાં સરળતાથી મળતા બરફથી મેકઅપમાં મદદ મેળવી શકો છો. બરફમાં ચામડીને પકડી રાખવાનો ગુણ હોવાથી તેનો નિયમિત ઉપયોગ કરવાથી ત્વચા ટાઇટ થાય છે. જો મેકઅપ કરતાં પહેલાં ત્વચા પર આઇસ ક્યુબ લગાવવામાં આવે તો એ મેકઅપ લાંબા સમય સુધી રહી શકે છે. બહારથી આવીને ચહેરાની થાકેલી ત્વચા પર બરફનો ક્યુબ પાંચેક મિનિટ ઘસીને થોડીવાર રહેવા દીધા પછી સામાન્ય પાણીથી ધોવામાં આવે તો સારું લાગે છે. ખીલ થતા હોય એવી છોકરીઓ બરફના ક્યુબ હળવેથી ઘસે તો બળતરા થતી નથી. આવા બીજા અનેક ઘરેલૂ ઉપાય આપને જણાવી રહી છું.
* જો નિયમિત રીતે ચહેરાને પાણીની વરાળ આપવામાં આવે તો ત્વચાની અંદરનો કચરો નીકળતો રહે છે અને ત્વચા ચોખ્ખી રહેવા સાથે ચમકતી પણ રહે છે.
* નહાવા માટે સાબુ વાપરવામાં વાંધો નથી. ચહેરા માટે ફેસવોશ વાપરવાનો આગ્રહ રાખવો. કેમકે સાબુમાં રહેલા કેમિકલ ચહેરાની ત્વચાને સૂકી બનાવે છે. મુલતાની માટી ત્વચા માટે સારી હોવાથી તમે માત્ર મુલતાની માટીથી પણ તમારું મોં ધોઇ શકો. ખ્યાલ રહે કે મુલતાની માટી ચહેરાની ત્વચાને સૂકી રાખતી હોવાથી જો સૂકી ત્વચા હોય તો એનો ઉપયોગ ટાળવો.
* ગરમીમાં ત્વચાની સુરક્ષા માટે સનસ્ક્રીન દર ચાર કલાકે લગાવવું જરૂરી છે. કેમકે સનસ્ક્રીન ચાર કલાકથી વધારે સમય રહેતું નથી. કેટલાક સનસ્ક્રીન તો બે કલાક જ રહે છે. સ્વિમિંગ કરતા હોય એમણે તો દર કલાકે સનસ્ક્રીન લગાવી રક્ષણ મેળવવું જોઇએ. સનસ્ક્રીનથી ત્વચા કાળી થતી હોવાની વાત એક ભ્રમ છે. અસલમાં સનસ્ક્રીન લગાવ્યા પછી ચહેરા પર ધૂળ લાગવાથી આવું લાગે છે.
* મેકઅપ માટે ચહેરાની ત્વચાને તૈયાર કરવાનું ચૂકવાનું નહીં. જો તમારી ત્વચા તૈલીથી મધ્યમ હોય તો એલોવેરા જેલ લગાવવી અને સૂકી ત્વચા હોય તો ફેસ ક્રિમ લગાવ્યા પછી જ મેકઅપ લગાવવાનો.
* ઘરે બનાવીને સારું પરિણામ મેળવી શકાય એવું ફેસિયલ જાણી લો. બે ચમચી કોફીના પાઉડરમાં એક ચમચી ખાંડ અને અડધી ચમચી જેટલું નાળિયેરનું તેલ બરાબર ભેળવી દો. તેને ચહેરા પર લગાવી ૧૧ મિનિટ માટે રહેવા દો. એ પછી હાથથી જ સ્ક્રબ કરો. અને પાણીથી ચહેરો ધોઇ લો. આ રીતે તમે ફેસિયલ જેવી ચમક ચહેરા પર મેળવી શકશો.
* મેટ લિપ્સ્ટિક લગાવતા પહેલાં લિપબામ અથવા જેલી લગાવવી જરૂરી છે.
* દિવસ દરમ્યાન કામકાજી મહિલાએ એસીમાં બેસી રહેવાનું થાય તો ત્વચા ઉપરાંત વાળ પણ સૂકા થઇ જાય છે. આ પરિસ્થિતિમાં વાળની ગુણવત્તા જાળવવી હોય તો હેર સીરમ વાપરવું. તેનાથી વાળની ચમક જળવાય છે અને તંદુરસ્ત રહે છે.
* લિપસ્ટિક ઓનલાઇન ખરીદવાનું ટાળવું જોઇએ. ન્યુડ શેડસવાળી તો બિલકુલ ના ખરીદવી. કેમકે તેને ખરીદતા પહેલાં અજમાવવાની જરૂર હોય છે. તેનો શેડ તમારી ત્વચા સાથે મેળ ખાય છે કે નહીં તે ચકાસો.
* સપ્તાહમાં એક વખત પપૈયાનો ગર લઇ ચહેરા પર પંદર મિનિટ માટે લગાવવાથી ચહેરાની સુંદરતા વધે છે. ક્યારેક કાકડીનો રસ પણ લગાવી શકો છો.
* વાળની ચમક અને જથ્થો વધારવા સપ્તાહમાં એક વખત રાત્રે હર્બલ ઓઇલથી મસાજ કરવાનું રાખો. મહિનામાં એકવાર મહેંદી લગાવો. એ કન્ડિશનરનું કામ કરતી હોવાથી ચમક બની રહે છે.
* હોઠને કાયમ માટે મુલાયમ રાખવા હોય તો રાત્રે સૂઇ જતાં પહેલાં હોઠ પર ઘી કે થોડો લિપબામ લગાવો.
* લિપસ્ટિક લાંબા સમય સુધી હોઠ પર રહે એમ ઇચ્છતા હોય તો હોઠને આઉટલાઇન કરવા ઉપરાંત લિપ લાઇનરને અંદર પણ લગાવવું જરૂરી છે. એ પછી લિપસ્ટિક લગાવવી. આમ કરવાથી લિપસ્ટિકનો રંગ ઝાંખો થાય તો પણ હોઠ પર લિપ લાઇનરનો રંગ રહે છે.
* વાળ ભીના હોય ત્યારે તેમાં કાંસકો ફેરવવાનું ટાળવું. ચોમાસામાં રોજ મુસાફરી કરતા હોય એમણે વાળને ખુલ્લા રાખવા નહીં. હંમેશા બાંધીને જ રાખવા. વાળમાં હાઇડ્રોજન બોન્ડ હોવાથી ભીના થતાં તૂટી જાય છે. ચોમાસામાં વાળમાં તેલ લગાવવાનું પણ ટાળવું. પાણી લાગવાથી વાળ ભીના થતાં તે ચીકણા થશે. અને તેમાં ધૂળ-કચરો લાગી જશે.
* આંખ નીચે પડતા કાળા કુંડાળા દૂર કરવા મુલતાની માટી, બદામનો ભૂકો અને ગ્લિસરીન ભેગા કરી તેની પેસ્ટ બનાવી ચહેરા ઉપર મસાજ કરી પંદર મિનિટ રાખવું. અને પછી ધોઇ લેવું.
* ચહેરાનો રંગ નિખારવા માટે એક પ્રયોગ કરી જુઓ. એક ચમચી ચંદનનો પાઉડર અને થોડીક હળદરમાં નાળિયેરનું પાણી મિક્સ કરી પેસ્ટ બનાવો. તેને ચહેરા પર ફેસપેકની જેમ લગાવવાથી ચહેરાનો રંગ નિખરવા સાથે ત્વચાની ચમક પણ વધે છે.
* ત્વચાને સાફ કરવા માટે કેરીનો પલ્પ લો. તેમાં ઘઉંનો લોટ ભેળવો. આ પેસ્ટને લગાવવાથી તે ત્વચાની ઊંડે સુધી સફાઇ કરે છે.
* ગાજર અને એલોવેરાનો રસ ભેગો કરી ચહેરા પર લગાવવાથી વધતી ઉંમરની કરચલીઓને ઓછી કરે છે.
* લીંબુનો ઉપયોગ સીધો ચહેરા પર કરવાનું ટાળવું. તે ચહેરાને સૂકો બનાવી શકે છે. હંમેશા લીબુંનો રસ પાણી સાથે ભેળવીને જ ઉપયોગમાં લેવો. અને તેનો ઉપયોગ કર્યા પછી તડકામાં નીકળવું નહીં.