સંભવામિ યુગે યુગે ભાગ ૨૯ Jyotindra Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંભવામિ યુગે યુગે ભાગ ૨૯

ભાગ ૨૯

સોમ જટાશંકર તરફ વિચિત્ર નજરે જોઈ રહ્યો હતો. જટાશંકરે એક ચપટી વગાડી અને તે બંગલો ખંડેરમાં ફેરવાઈ ગયો. હવે સોમ એક ખાટલામાં બાંધયેલો પડ્યો હતો. જટાશંકરે કહ્યું, “આ મારુ ઇંદ્રજાલ છે અને મેં પુસ્તક વાંચીને નહિ પણ અનુભવથી વિકસાવ્યું છે, તેં બધી સફળતા તારા જન્મગ્રહોને લીધે મેળવી છે અને મેં સખત પરિશ્રમથી મેળવી છે એટલે જો તું મારુ સ્થાન ગ્રહણ કરવા જઈશ અથવા તો મારી સફળતામાં ભાગ પડાવવા જઈશ, તો હું તને એટલો બેબસ કરી દઈશ કે નહિ તો તું મરી શકે અને નહિ તો જીવી શકે.”

આજે જટાશંકરની જીભ જાણે આગ વરસાવી રહી હતી, તે બોલતો રહ્યો અને સોમ સાંભળતો રહ્યો. સોમના ચેહરા પર ગભરાટનો એક પણ ભાવ ન હતો, તે તેની બધી વાત શાંતિથી સાંભળી રહ્યો, જાણે બે જુના મિત્રો આમને સામને વાત કરી રહ્યા હોય. જટાશંકરની વાતને અંતે સોમે કહ્યું, “હું તારી મહેનત અને શક્તિની કદર કરું છું, પણ મને તારી વાતમાં ઈર્ષ્યાની ગંધ આવે છે, તને મારાથી ઈર્ષ્યા થાય છે?”

 તેની આવી વાત સાંભળીને જટાશંકરની આંખો પહોળી થઇ ગઈ, તેને આશા ન હતી કે સોમ આવો કોઈ જવાબ આપશે. સોમે આગળ ચલાવ્યું, “તને લાગતું હશે કે તેં મને ફસાવ્યો પણ એવું નથી, મને પહેલાંથી જ  ખબર હતી કે આ તારું ઇંદ્રજાલ છે અને તું મને ફસાવી રહ્યો છે. જે રાત્રે તેં ભુરીયા પર હુમલો કર્યો તે રાત્રે જ મારી અને રામેશ્વરની ઓળખાણ થઇ ગઈ હતી. તેને અંદાજો આવી ગયો હતો કે આગળ તું આવી કોઈ ચાલબાજી કરી શકે, તેથી હું તૈયારી સાથે જ આવ્યો હતો.” એમ કહીને પોતાના હાથને દોરીમાંથી છોડાવ્યા અને પગમાંથી બંધન એવી રીતે દૂર કર્યા જાણે તે બંધાયેલો નહિ, પણ ખાટલામાં આડો પડ્યો હતો અને ઉછળીને જટાશંકરની સામે ઉભો રહ્યો અને એક મંત્ર બોલીને ધમાકો કર્યો. આવા અચાનક પ્રતિવારથી જટાશંકર અવાચક બની ગયો અને ધુમાડો ઓછો થયો, ત્યાં સુધીમાં તેની સામેથી સોમ ગાયબ થઇ ગયો હતો. આટલી મહેનત પછી હાથમાંથી આવેલો શિકાર છટકી ગયો, તેથી જટાશંકરની આંખો ક્રોધથી લાલઘૂમ થઇ ગઈ.

તે મનોમન બબડ્યો, “ હવે તને નહિ છોડું.”

આ તરફ સોમ ઝડપથી ત્યાંથી નીકળ્યો અને ત્યાંથી હાઇવે પર પહોંચ્યો અને ખિસ્સામાથી ફોન કાઢીને એક નંબર જોડ્યો અને કહ્યું, “રામેશ્વરજી હું મારુ લોકેશન મોકલી રહ્યો છું, તમે ગાડી મોકલો અને ગાડી પોતે લઈને આવશો, તો સૌથી સરસ થશે અને સાથે મારું લોકેટ લઈને આવજો.” સામેથી ફોન મુકાઈ ગયો . ત્યાંથી નીકળ્યા પછી સોમે સુરક્ષામંત્ર બોલીને પોતાની ફરતે ચક્ર બનાવ્યું, જેથી જટાશંકર તેને શોધી ન શકે. થોડીવાર પછી ત્યાં એક ગાડી આવી, રામેશ્વર પોતે ડ્રાઈવ કરીને આવ્યો હતો. તેના આવ્યા પછી સોમે પૂછ્યું, “મારુ લોકેટ?” તો રામેશ્વરે કહ્યું, “તે તો પાયલ પાસે છે.” સોમ ગાડીમાં બેસી ગયો અને બંને ત્યાંથી નીકળ્યા.

રામેશ્વરે કહ્યું, “તે મોટું જોખમ ખેડ્યું છે, તને મેં ના પડી હતી.”

 સોમે કહ્યું, “જોખમ લેવું જરૂરી હતું, તેણે અજાણતામાં મને તેના વિનાશનો માર્ગ દેખાડ્યો છે. તેને હરાવવો હોય, તો મારે રાવણને પોતાનામાં આત્મસાત કરવો પડશે અને તેણે પોતે કરેલા કુકૃત્યો પણ કબુલ્યા છે. હવે તેને જીવિત છોડવો એ મૂર્ખતા છે. અત્યાર સુધી તે ૫૦૦૦૦ લોકોના બળી આપી ચુક્યો છે. રામેશ્વરની આંખો પહોળી થઇ ગઈ અને તે પણ ૬૦૦ વર્ષમાં.

રામેશ્વરે કહ્યું, “કોઈ ૬૦૦ વર્ષ જીવે એવું કઈ રીતે શક્ય બને.”

 સોમે કહ્યું, “કાળા જાદુમાં ઘણીબધી વિધિઓ છે પણ તેમાંની એક વિધિ છે જે બાકી વિધિઓ કરતાં સરળ છે, અગંતકની વિધિ. તેનાથી કોઈ વ્યક્તિ ૫૦૦૦ વર્ષ જીવી શકે. રામેશ્વરે માથું હલાવ્યું જાણે સમજી ગયો હોય તેમ, પણ ૫૦૦૦ વર્ષના જીવનની વાત તેના ગળે ઉતરી ન હતી. તેઓ પ્રદ્યુમનસિંહના બંગલે પહોંચ્યા.

રામેશ્વરે તેમને પહેલાંથી જ કહી રાખ્યું હતું કે તે સોમને લઈને આવી રહ્યો છે. સોમ તેમની પાસે પહોંચ્યો અને તેમના પગે લાગ્યો. પ્રદ્યુમનસિંહે તેને ગળે વળગાડ્યો. તેમણે કહ્યું, “પાયલને મેં સુરક્ષિત રીતે વડોદરાની હોસ્પિટલમાં મોકલી દીધી છે અને પાછળથી તેની માતાને ખબર આપીને તેમને પણ ત્યાં મોકલી દીધા છે. જીગ્નેશને એક સેનેટોરિયમમાં મોકલી દીધો છે. તે પણ ભયંકર રીતે દુષિત થઇ ગયો હતો તેથી તેનો ત્યાં ઉપચાર ચાલુ કરીદીધો છે, હવે ફક્ત ભુરીયાની સુરક્ષાનો પ્રશ્ન છે.”

 સોમે પૂછ્યું, “મારા માતાપિતા?” 

પ્રદ્યુમનસિંહે કહ્યું, “તેમને છોડાવી લીધા છે અને તેઓ અત્યારે સુરક્ષિત છે તો તું તેમની ચિંતા કરીશ નહિ. હવે તું મારા વડોદરાના બંગલે જા ત્યાં તારી તૈયારીઓ કર. મારો બંગલો શહેરની બહાર છે તેથી તને તૈયારી કરવામાં કોઈ અડચણ નહિ આવે.”

ક્રમશ: