વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરી
ભાગ-48
લેખક-મેઘા ગોકાણી & મેર મેહુલ
આખરે બાવજીની મુલાકાત વિહાન સાથે થાય છે.બાવાજી એક ભવિષ્યવાણી કરી ગાયબ થઈ જાય છે.વિહાન બાવજીની વાત મજાકમાં લઈ ઘર તરફ નીકળી જાય છે.
પછીના દિવસે અચાનક ખુશીનો કૉલ આવે છે.બંને સિંગાપોર જવા એરપોર્ટ પર મળે છે.હોવી આગળ….
પાંચને પાંત્રીસે વિહાનનો કૉલ રણક્યો.ડિસ્પ્લે પર 62 વાળો નંબર અને ઉપર ‘વિક્રમ’ નામ લખાયેલું આવ્યું.વિહાને કૉલ રિસીવ કર્યો.કોઈ છોકરીનો કણસતો-રડવાનો અવાજ સામે આવતો હતો.
“આકૃતિ….”વિહાને ધીમેથી કહ્યું.ખુશીએ આશ્ચર્ય સાથે વિહાન સામે જોયું.
‘આકૃતિ તારી ઈચ્છા પૂરી થઈ ગઈને હવે લાવ મોબાઈલ’વિહાનને વિક્રમનો અવાજ સંભળાયો.
“લૂક વિહાન,આકૃતિ હજી તારો ચહેરો જોવા નથી માંગતી.ખુશીએ મને કહ્યું કે તમે બંને અહીં આવો છો પણ આકૃતિ તને નથી મળવા માંગતી અને આ જ તેની છેલ્લી ઈચ્છા છે એ કહેવા તને પરાણે કૉલ કરાવ્યો હતો પણ બિચારી હવે બોલી બી નથી શકતી”
સિંગાપોરની ફ્લાઇટનું એનાઉન્સમેન્ટ થયું.શું કરવું અને શું કહેવું એ વિહાન વિચારી રહ્યો હતો એટલામાં “આકૃતિતિતિ..”નામની મોટી ચીખ વિક્રમે નાખી.વિક્રમના હાથમાંથી ફોન પડી ગયો.
“ડોકટર પ્લીઝ..ડોક્ટર આ શ્વાસ નથી લેતી”વિહાનને ચીખતા વિક્રમનો અવાજ ઝીણો ઝીણો સંભળાતો હતો. થોડીવારમાં એક સાથે ઘણા લોકોનાં દોડી આવતા પગની આહટ વિહાનને સંભળાય.
“સૉરી,શી ઇઝ નો મોર”ડોક્ટરે કહ્યું.વિક્રમ જોરજોરથી રડવા લાગ્યો.
અહીં વિહાન કોઈ નિર્જીવ પ્રતિમાની જેમ ઉભો રહી ત્યાં થયેલી ગતિવિધિ સાંભળી રહ્યો હતો. ડૉક્ટર જ્યારે ‘સૉરી, શી ઇઝ નૉ મોર’બોલ્યા ત્યારે વિહાનનું દિલ પણ જાણે થંભી ગયું હોય એમ એ બેન્ચ પર બેઠો.ખુશી તેને હલબલાવી રહી હતી પણ વિહાન સંવેદના મુક્ત થઈ ગયો હતો.કોણ તેને સ્પર્શ કરતું હતું એ પણ તેને ખબર નોહતી.એ મૂક બનીને આકૃતિને પી રહ્યો હતો,તેની આંખો પણ કોરી હતી.ખુશીએ બીજીવાર તેને હલબલાવ્યો,કોઈ પાતળા સૂકા ઝાડને ધક્કો મારો અને એ મૂળમાંથી આડું પડી જાય એમ જ વિહાન બેન્ચ પર આડો ઢળી ગયો અને ટૂંટિયું વળી ગયો.
ખુશીને પરિસ્થિતિ વણસતી લાગી એટલે તેણે એમ્બ્યુલન્સ બોલાવી વિહાનને હોસ્પિટલાઈઝ કર્યો.રસ્તામાં તેણે વિક્રમને કૉલ કર્યો.
“વિક્રમ જે વાતનો ડર હતો એ જ થયું”
“મેં તો પહેલા જ કહ્યું હતું”વિક્રમે નિસાસો નાંખતા કહ્યું.
“મને લાગ્યું એ સ્વીકારી લેશે”
“તને શું ખાખ લાગ્યું?”વિક્રમે ગુસ્સે થતાં કહ્યું.
“ગુસ્સે થવા કરતાં હવે શું કરવું એ વિચાર”
વિક્રમે ગુસ્સામાં જ કૉલ કટ કરી દીધો.ખુશીએ મોઢું મચકોડયું, “હું તો વિહાન આકૃતિને ભૂલી જાય એ જ ઇચ્છતી હતી”
વિહાનને ઇમરજન્સી વોર્ડમાં લઈ જવામાં આવ્યો. ખુશી બહાર આમ-તેમ આંટા મારતી હતી.થોડીવાર પછી ડોકટર બહાર આવ્યા.
“શું થયું ડૉક્ટર?”
“આઘાતને કારણે મગજ પર અસર થઈ છે,પેશન્ટ રિસ્પોન્સ નથી આપતું એટલે રિકવરી મુશ્કેલ છે”ડૉકટરે કહ્યું.
“કોઈ ઈલાજ?”
“હવે રિસ્પોન્સ ના મળે ત્યાં સુધી કઈ ના કહી શકાય”કહી ડોકટર નીકળી ગયા.
ખુશી રૂમમાં પ્રવેશી.સામે વિહાન વેન્ટિલેટર પર હતો.તેની આંખો બંધ હતી છતાં ‘આકૃતિ…’નામના હોઠ ફફડતા હતા.ખુશી તેની પાસે આવીને બેઠી.બે ઘડી વિહાનને નિહાળતી રહી.તેની આંખોમાંથી આંસુ વહી ગયા.થોડીવાર પછી તેણે દ્રષ્ટિને કૉલ કર્યો અને હોસ્પિટલ આવી જવા કહ્યું.
***
પછીના દિવસની સવાર પણ એવી જ થઈ હતી.વાદળોનો ઘેરાવ વધ્યો હતો.આછી બૂંદાબાંદી પણ થઈ હતી.કાલે સાંજે જ દ્રષ્ટિ પુરા સ્ટાફ સાથે હોસ્પિટલ પહોંચી ગઈ હતી.પ્રશાંત અને મગનભાઈ સ્ટાફના એક મેમ્બર સાથે રાત રોકાયા હતા.
દ્રષ્ટિ સવારે નાસ્તો લઈ આવી.વિહાનને વેન્ટિલેટર પરથી દૂર કરી સ્પેશયલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો.રાત્રે બે-ત્રણ વાર જોર જોરથી આકૃતિનું નામ લઈ વિહાન હાથ પગ પછાડતો હતો એટલે ડોક્ટરે તેના હાથપગ બાંધી દીધા હતા.તેની આંખોની કિકી પણ થોડી પહોળી પડી હતી.ડૉક્ટરે કોઈને વિહાન પાસે જવાની પણ ના પાડી હતી અને વિહાનને બેહોશીનું ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું.
સવારમાં ડોકટર બે વાર ચૅકઅપ કરી ગયા હતા પણ હજી રિપોર્ટ તૈયાર નોહતો કર્યો.સૌ રિપોર્ટની જ રાહ જોઈને બેઠાં હતાં પણ ડૉક્ટર કોઈ કારણસર રિપોર્ટ તૈયાર કરવામાં સમય લેતાં હતા.
થોડીવાર પછી ખુશી આવી.ડૉક્ટરે કોઈ ઘરના સભ્યને બોલાવ્યા એટલે ખુશી સીધી ડૉકટરને મળવા ચાલી ગઈ.ખુશી જ્યારે કેબિન પ્રવેશી ત્યારે ડૉક્ટર વિહાનનો એમઆરઆઈ રિપોર્ટ ચૅક કરી રહ્યા હતા. ખુશી તેની સામે જઈ બેઠી
“તમે જ વિહાનને લઈ આવ્યા હતાને?”ડૉકટરે ખુશી સામે જોઈ પૂછ્યું.ખુશીએ હકારમાં ડોક ધુણાવી.
“વિહાન બેહોશ થયો એ પહેલાં તેને શું થયું હતું? મતલબ કોઈ આઘાત પામે એવા કોઈ સમાચાર મળ્યા હતા?”
“હા એવું થયું હતું, અમે બંને સિંગાપોરની ફ્લાઈટની રાહ જોઈ રહ્યા હતા એટલામાં તેને કોઈનો કૉલ આવ્યો,કૉલ પૂરો થયો ના થયો વિહાન બેન્ચ પર બેસી ગયો.શું થયું એ પૂછવા મેં તેને હલબલાવ્યો પણ એ બેન્ચ પર જ ઢળી પડ્યો,પછી હું તેને અહીં લઈ આવી”
“કોનો કૉલ હતો એ જાણવાની કોશિશ કરી તમે?”
“ના ડૉક્ટર”ખુશીએ કહ્યું, “પણ થયું શું એ તો કહો”
ડૉક્ટર તેની ખુરશી પરથી ઉભા થયા.
“આમ તો અમારી પાસે આવા ઘણાબધા પેચીદા કેસ આવે છે જેમાં પેશન્ટ આવ્યા છે જેમાં પેશન્ટને કંઈ ના થયું હોય છતાં છૂપી બીમારી નીકળે છે અને સારવાર શક્ય બને પણ…”ડૉકટરે નિઃશ્વાસો ખાધો, “અહીંયા વિહાનને કોઈ બીમારી નથી,મેં બધા જ રીપોર્ટ કરી જોયા,મને રિઝલ્ટ ના મળ્યું એટલે બીજા નિષ્ણાંત ડૉક્ટરોને પણ રિપોર્ટ બતાવ્યા પણ બધેથી એક જ જવાબ મળે છે કે આ રિપોર્ટમાં કોઈ બીમારી સામે નથી આવતી.”
“તો ડૉક્ટર હવે શું કરશું?” ખુશીએ પૂછ્યું.
“મુંબઈના વિશ્વ વિખ્યાત મગજના નિષ્ણાત એવા ડૉ. મિશ્રા હાલ અમદાવાદમાં છે.મેં સવારે તેને કૉલ કરી રિપોર્ટ મોકલી દીધા છે,એ બપોર સુધીમાં આવી જશે.હવે બધું જ તેના પર છે”
ખુશી ઉભી થઇ, “હું પણ રાહ જોઉં છું”એમ કહી એ આંખોમાં આસું સાથે બારણું ખોલી સડસડાટ નીકળી ગઈ.
***
ખુશી અનિલને બેલ પર છોડાવી આવી હતી.ભલે તેણે ઇશાને ગોળી મારી હતી પણ એ એક પુત્ર કર્તવ્ય નિભાવતો હતો એમ વિચારી ખુશી છ મહિને એક વાર અનિલને અઠવાડિયા માટે બેલ પર છોડાવતી.તેને સમજાવતી,તેની સાથે સમય વિતાવતી પણ આ વખતે અનિલને બેલ પર છોડાવવાનું કારણ બીજું હતું.ખાસ હેતુ માટે એ અનિલને બહાર લઈ આવી હતી.
સાંજના છ વાગ્યા હતા.ખુશી અને અનિલ ખુશીના એન્જીઓના ગાર્ડનમાં ખુરશી નાખી બેઠાં હતાં.
“અનિલ તે એક પુત્રફરજ નિભાવવાની કોશિશ કરી હતી,પણ હકીકતથી તું વાકેફ છો.પપ્પાએ વિહાનને મારવાની કોશિશ કરી હતી અને વિહાનને બચાવવા ઇન્સ્પેક્ટરે પપ્પાને ગોળી મારી છે વિહાને નહિ”
“પણ એ પપ્પાને મારવા જ આવ્યો હતો”અનિલે કહ્યું.
“પણ એણે નથી માર્યાને? અને એ બધું ભૂતકાળ છે હવે અને વિહાન મારો વર્તમાન છે.તારે મારી મદદ કરવી પડશે”ખુશીએ કહ્યું.
“કેવી મદદ?”
ખુશી બે મિનિટ વિચારમાં પડી.બપોરે કહેલી ડૉ. મિશ્રાની વાત તેને યાદ આવી.
બપોરે ડૉ. મિશ્રા આવ્યા હતા. તેણે વિહાનના રિપોર્ટ વાંચ્યા.ફરીવાર વિહાનના રિપોર્ટ કર્યા.એક કલાકની મથામણ બાદ એ એક નિર્ણય પર આવ્યા.
‘આઘાત લાગવાને કારણે પેશન્ટને મગજ પર અસર થઈ છે અને એ પોતાની યાદશક્તિ ગુમાવી બેઠો છે.માત્ર ‘આકૃતિ’ નામ સિવાય તેને કઈ યાદ નથી.હવે જ્યાં સુધી વિહાને યાદ શક્તિ ના આવે ત્યાં સુધી આગળની ટ્રીટમેન્ટ ના કરી શકાય અને યાદ શક્તિ લાવવા કોઈ ઇન્જેક્શન કે દવા નથી.હા ઇલેક્ટ્રિક શૉક આપી શકાય પણ આ કેસમાં ઇલેક્ટ્રિક શૉક પણ કંઈ કામ આપી શકે એમ નથી કારણ કે એક વ્યક્તિની યાદ હજી તેના મગજમાં છે,જો ઇલેક્ટ્રિક શૉક આપવામાં આવે તો જે વ્યક્તિ તેને યાદ છે એ પણ ભુલાય જાય અને પેશન્ટ કોમામાં પણ ચાલ્યો જાય.
યાદશક્તિ પાછી લાવવા બે જ રસ્તા છે.પહેલો,એ આકૃતિ નામનું રટણ કર્યા કરે છે તેને નજર સામે લાવો અને બીજો જો એ વ્યક્તિ તેની નજર સામે ન આવી શકતી હોય તો ભૂતકાળનો એવો કિસ્સો દોહરવો જે તેના માટે આઘાતજનક રહ્યો હોય.’
આકૃતિને વિહાન સામે લાવવી તો હવે શક્ય નોહતું.એટલે ખુશી વિચારમાં પડી હતી,એવું તો શું કરવું કે વિહાનની યાદશક્તિ પાછી આવી જાય.લાંબો વિચાર કર્યા બાદ ખુશીને અનિલ યાદ આવ્યો.જો કદાચ અનિલ તેની સામે આવી જાય તો જે ઘટના એ દિવસે બની હતી એ પણ યાદ આવી જાય.એ ઘટના પછી જ બધુ બદલાયું હતું એટલે કદાચ જો આકૃતિને કારણે નહિ તો ઇશાને કારણે વિહાનની યાદશક્તિ પાછી આવી જાય.
ખુશીના સબંધ પહેલેથી જ કાયદા સાથે સારા રહ્યા હતા એટલે અનિલને તાત્કાલિક બેલ મળવામાં ખુશીને વધુ પ્રયાસ નોહતા કરવા પડ્યા.
“કેવી મદદ?”અનિલે બીજીવાર પૂછ્યું.
ખુશી ઉભી થઇ.રૂમમાંથી એક બૅગ લઈ આવી અને અનિલના હાથમાં રાખી.
“શું છે આ?”અનિલે પૂછ્યું.ખુશીએ બૅગ ખોલવા ઈશારો કર્યો. અનિલે બૅગ ખોલી તો તેમાં એક રિવોલ્વર હતી.
“રિવોલ્વર?”અનિલે પૂછ્યું.
(ક્રમશઃ)
ખુશીના મગજમાં શું ચાલી રહ્યું હતું?શું વિહાનની યાદશક્તિ પાછી આવશે?જાણવા વાંચતા રહો,વિકૃતિ.
28 જાન્યુઆરીથી મેઘા ગોકાણીની કલમે ‘લવ,લાઈફ અને કન્ફ્યુઝન’ નામે નવી નૉવેલ રજૂ થઈ છે, અચૂક વાંચજો.
Megha Gokani & Mer Mehul
મારી અન્ય નૉવેલ,
-ભીંજાયેલો પ્રેમ (લવ સ્ટૉરી)
-સફરમાં મળેલ હમસફર ભાગ-1 & 2 (સસ્પેન્સ લવ સ્ટૉરી)
-સ્માઇલવાળી છોકરીની શોધમાં(હાસ્ય લઘુકથા)
-તું મુસ્કુરાયે વજાહ મેં બનું (ટૂંકીવાર્તા)
સાથે આ નોવેલને મંતવ્ય આપવાનું ચૂકતા નહિ.
Contact info :
Mehul – 9624755226
Megha – megha.g (instagram)