કોઝી કોર્નર ભાગ 1 bharat chaklashiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોઝી કોર્નર ભાગ 1

   કોઝી કોર્નર
              પ્રકરણ 1

કોઝી કોર્નર ! 
આંબાવાડી વિસ્તારમાં આવેલો બહુ મોટો લગભગ 25 થી વધુ ઓરડાઓ અને પેટા ઓરડાઓ ધરાવતો વિશાળ બંગલો હતો. આગળ અને પાછળ બહુ મોટું કમ્પાઉન્ડ. મુખ્ય રોડ પર એનો દરવાજો જે હંમેશા બંધ રહેતો અને કાટખૂણે એક નાની ઝાપલી જે હમેશા ખુલ્લી રહેતી. ગુજરાતના બહુ મોટા ઉધોગપતિ ક્યારેક આ બંગલામાં સપરિવાર રહેતા હશે, પણ પછીથી એમણે આ બંગલો પોતાના સમાજના બાળકો માટે હોસ્ટેલ તરીકે આપી દીધેલો. અમદાવાદ જેવા શહેરમાં ગામડેથી ભણવા આવતા કોલેજીયન અને બારમા ધોરણના વિધાર્થીઓને આ હોસ્ટેલમાં નજીવા ભાડામાં એડમિશન મળી જતું. હોસ્ટેલનો વહીવટ અને દેખરેખ રાખવા માટે સમાજના જ નિવૃત મામલતદાર ઘનશ્યામદાસ મુળજીભાઈ પટેલને નિયુક્ત કરેલા. જેઓ પોતાની નેઇમપ્લેટમાં પોતાનું નામ ગુજરાતીમાં " ઘ.મુ. પટેલ " એમ લખતા.
કોઝી કોર્નરના વિશાળ પ્રવેશદ્વાર આગળ લગભગ વીસ બાય વીસ નું ચોગાન હતું જેના ચારેય છેડે કોલમ ઉભા કરીને ઉપર ધાબુ ભરી લેવામાં આવ્યું હતું . જેની ઉપર સરસ નકશીકામવાળી કઠોડી મૂકીને ઝરૂખો બનાવ્યો હતો ભૂતકાળમાં કદાચ પેલા શેઠ અને શેઠાણી આ ટેરેસમાં પડેલા જર્જરિત હીંચકા પર બેસીને પોતાનો જાહોજલાલીનો આનંદ માણતા હશે !
પ્રવેશદ્વાર લગભગ પંદર ફૂટ પહોળું અને દસ પગથિયાં જેટલું ઊંચું હતું એ પગથિયાં ચડો એટલે નાની લોબી હતી જેની એક તરફ બનાવવામાં આવેલી ઓફિસના દરવાજે પેલી નેઇમ પ્લેટ "ઘ.મુ. પટેલ, રેક્ટર." એવા સફેદ કલરના અક્ષરો પોતાની છાતી પર ચિતરાવીને ઝૂલતી રહેતી. ઓફિસમાં ખાસ રાચ રચિલું નહોતું. એક ત્રણ બાય છ નો પલંગ પોતાની ઉપર ગાદલું અને ચોળાયેલી મેલી ચાદર લઈને બારી પાસે પડ્યો રહેતો. તેના બન્ને છેડે માંડ માંડ પોતાનો લંબગોળ આકાર જાળવી રાખવા મથતા બે તકિયા પડ્યા રહેતા. ખૂણામાં એક લાકડાનો કબાટ તેની અલમારીમાં જુના વિદ્યાર્થીઓનો રેકોર્ડ, હાલમાં રહેતા વિદ્યાર્થીઓના હાજરી પત્રક અને ફીની રસીદબુકો અને નવા વિદ્યાર્થીઓ માટેના ફોર્મ વગેરે સાહિત્ય લઈને ઉભો હતો. આગળના ભાગે પતરાની ચાર ચાર ખુરશીઓ સામસામે બેસીને વાતો કરતી રહેતી, જેમાની એક બે વચ્ચેથી તૂટી ગઈ હોવાથી ઘણા મુલાકાતીઓની બેઠકે બચકું ભરી ચુકી હતી. ઘ.મુ. પટેલ ક્યારેય આ ખુરશીઓ પર બેસતા નહિ.પરંતુ મુલાકાતીને રોકતા પણ નહીં.પોતે ખૂબ જ કરકસર કરીને આ હોસ્ટેલ ચલાવતા.કોઈ પણ વિદ્યાર્થી હોસ્ટેલમાં નિયમ વિરુદ્ધ વર્તન ન કરે અને ભણવામાં જ પોતાનું સમગ્ર ધ્યાન રાખે એ જોવાની તેમની ફરજ હતી. શેઠને આ જુના બંગલામાંથી કોઈ જ આવક ઉભી કરવાની જરૂર ન હોવા છતાં ઘમુ પટેલ વધુ ને વધુ એડમિશન આપીને નાણાં રળી આપીને શેઠની કૃપા મેળવવા તલપાપડ રહેતા.
પ્રવેશદ્વારની અંદર જમનીબાજુ લાકડાનો સુંદર કોતરણીવાળી કઠેડીવાળો દાદર ઉપરના માળે જતો. અને આગળ ચોરસ ચોગાન હતુ. અને પાંચ ફૂટની લોબીમાં દરેક બાજુ બે બે મોટા મોટા રૂમના દરવાજા પડતા.જમણી બાજુ રૂમ નં 12 અને 13 તથા ડાબી બાજુ રૂમ નં 17 અને રૂમ નં 18 હતા.રૂમ નં 18 ની બાજુમાં એક છ ફૂટની લોબી પાછળ તરફ જતી હતી જ્યાં આ ગ્રાઉન્ડ ફ્લોર ના ટોયલેટ અને બાથરૂમ હતા. જે કદાચ પાછળથી મોટા સ્ટોરરૂમમાંથી બનાવવામાં આવ્યા હતા. કેટલાક રૂમ ની અંદર પેટા રૂમ હતા જે લગભગ દસ બાય દસની સાઈઝથી પણ વધુ મોટા હતા.જે શેઠના વખતમાં બાથરૂમ તરીકે વપરાતા જેમાં વેસ્ટર્ન ટોઇલેટની પણ સુવિધા હતી પણ આવા કમરાઓને લોક કરી દેવામાં આવેલા અને આ કમરાનું તાળું કોઈએ તોડવું નહિ એ નિયમ પણ હોસ્ટેલના એડમિશન ફોર્મ પાછળ છપાયેલા નિયમોની સૂચિમાં સ્થાન ધરાવતો હતો.
હવે આપણે વાતની શરૂઆત કરીએ કારણ કે કોઝી કોર્નરનું વર્ણન કરવું એ મારી ઓખાત બારની વાત છે, જેમ જેમ જરૂર પડશે તેમ તેમ આપણે આ બંગલાની સફર કરીશું.
1987માં મેં અમદાવાદ સાયન્સ કોલેજમાં B. Sc. કરવા માટે ફોર્મ ભરેલું.ત્યારે C.U. SHAH કોલેજમાં બોર્ડ મારેલું કે જે વિદ્યાર્થીઓ બાર સાયન્સની બે માર્કશીટવાળા હોશિયાર (!) હોય એમણે આ કોલેજના ગ્રાઉન્ડમાં મહેરબાની કરીને ગિરદી કરવી નહીં. સત્વરે અન્ય કોલેજ કે જ્યાં તેમની રાહ જોવાતી હોય ત્યાં ચાલ્યા જવું!
મને એ વાંચીને ખરેખર હસવું આવેલું. કારણ કે મારે આ સુચનનો અમલ કરવો જ પડે તેમ હતો. ખેતી કામ કરતા કરતા તાલુકાશાળામાં અપ ડાઉન કરીને માંડ માંડ બે વખત પરીક્ષા આપીને બાર સાયન્સ પાસ કરેલું.એટલે એ સમયે લાસ્ટથી સેકન્ડ નમ્બર પર આવતી કોલેજ અમદાવાદ સાયન્સ કોલેજ જ આપણી રાહ જોતી હશે એમ સમજીને ત્યાં ફોર્મ ભરીને ગામડે જતો રહેલો.
અઠવાડિયા પછી બસમાંથી ઉતરીને સીધા જ કોલેજમાં જઇ મેરીટ લિસ્ટ જોયું તો આપણું નામ લખવાની કોઈની હિંમત ચાલી હોય એવું લાગ્યું નહિ.એટલે ચહેરા પર નિરાશા લઈને કોલેજના દરવાજે ઉભો રહ્યો. સાહેબ માટે ચા લેવા ગયેલો પટ્ટાવાળો ત્યાંથી પસાર થયો એ બિચારો કદાચ મારી નિરાશા સમજી ગયો.
" કેમ, ભાઈ એડમિશન ન મળ્યું કે શું ? "
"હા, કદાચ એવું જ લાગે છે, મેરિટમાં નામ નથી, બીજી યાદી બહાર પડશે ને ?" મેં આશા સાથે પૂછ્યું.
"ભાઈ, આ કોલેજમાં તો આ પેલી ને છેલ્લી યાદી બહાર પડી ગઈ, આ યાદીમાં નામ નો હોય તો કદાચ તમને મણીનગર સાયન્સ કોલેજમાં મળે, ત્યાં ફોર્મ ભર્યું છે ? " પટ્ટાવાળાએ વિકલ્પ આપ્યો.
" ના, મેં તો ત્યાં નથી ભર્યું, મને એમ હતું કે અહીં મળી જ જશે "
"બે માર્કશીટ છે ?"
"હા, એટલે જ ને " મેં કહ્યું.
"તો તો નો મળે " એમ કહીને એ સાહેબની ચા લઈને ચાલ્યો ગયો.મેં વિચાર્યું કે ચાલને સાહેબને મળું, આમે'ય આપણને ક્યાં પ્રવેશ મળ્યો છે, લૂંટાયા પછી શાની બીક !!
"મે આઈ કમ ઇન સર ?" પ્રિન્સિપાલ સાહેબની ચેમ્બરના દરવાજાને હડસેલીને મેં મારું માથું ઓફિસમાં નાખીને સાહેબની રજા માગી.
પટ્ટાવાળાએ પીરસેલી ચા ની ચૂસકી લગાવીને સાહેબે પટ્ટાવાળા સામે જોયું.
"બિચારાને એડમિશન નથી મળ્યું" એ બોલ્યો.
"શુ કામ છે ?" સાહેબે બીજી ચૂસકી મારીને મને વડછકુ કર્યું
"આપને મળવું છે, સર ..."સાહેબ હા ના કરે એ પહેલાં જ હું અંદર ઘુસી ગયો. સાહેબના ટેબલ પાસે જઈને અદબ વાળીને ઉભો રહી ગયો.
"હવે અંદર પધાર્યા છો તો માંડો બોલવા "
"સર, બે માર્કશીટ વાળા વિદ્યાર્થીને ભણવાનો અધિકાર નથી ?"
"કેમ ? શાની બે માર્કશીટ ? તારે કામ શુ છે ? એડમિશન લેવું હોય તો મેરિટમાં નામ હોવું જોઈએ, તારું નામ મેરિટમાં છે ?"
"ના, સાહેબ, કમનસીબે મારું નામ નથી આવી શક્યું, પણ તો પછી મારે ભણવાનો હક નથી ? શુ હોશિયાર હોય એ જ ભણશે ? અમને હોશિયાર બનવાનો ચાન્સ જ નહીં મળે ? મેં બે ટ્રાય કરીને બારમું પાસ કર્યું એ મારો ગુન્હો છે ? ખેતી કરતા કરતા વગર ટ્યુશને બારમું કેમ પાસ કર્યું એ તો સાહેબ અમને ગામડાના છોકરાને જ ખબર હોય, હવે તમે એડમિશન નહિ આપો તો મારે ખેતી કરવી પડશે અથવા હીરા ઘસવા પડશે જે મને બિલકુલ પસંદ નથી, સાહેબ મને એક તક મળવી જોઈએ પ્લીઝ ..." મને પોતાને પણ નવાઈ લાગેલી કે હું આટલું બધું કેવી રીતે બોલી શક્યો.
પણ પ્રિન્સિપાલ સાહેબ મારાથી પ્રભાવિત થયા.
"એક શરતે તને એડમિશન મળે "તેઓને કદાચ મારી દયા આવી
"બધી જ શરત મંજુર છે સર"
"પહેલા સાંભળ તો ખરો, તું ફર્સ્ટક્લાસ લાવી શકીશ ફર્સ્ટ યર માં ?"
"ચોક્કસ હું મહેનત કરીશ સર" મેં કહ્યું.
"ફી લાવ્યો હોય તો ભરી દે, અને રેગ્યુલર કોલેજ આવીને ભણજે "
સાહેબે મુશ્કેરાઈને કહ્યું. હું તેમની બાજુ જઈ તેમને પગે લાગ્યો. પટ્ટાવાળો પણ ખુશ થઈ ગયો "ચા પીવાનો હોય તો બોલ " તેણે ચા ની ઓફર કરી. મેં સાહેબ સામું જોયું. સાહેબે મુક સંમતી આપી, મેં ચા પી ને કોલેજમાં એડમિશન લીધું. પણ રહેવાની વ્યવસ્થા કરવાની બાકી હતી.એટલે પાછો પેલા પટ્ટાવાળાભાઈ પાસે ગયો.
'' ભણવાનું તો થઈ ગયું પણ રહેવાના ઠેકાણાં નથી, કોઈ હોસ્ટેલ છે આટલામાં ?" મેં પૂછ્યું
"આટલામાં તો નથી પણ આંબાવડીમાં છે કોઝી કોર્નર, ત્યાં આમ તો મહેસાણા બાજુના પટેલ સમાજના છોકરાઓને આપે છે પણ હવે છોકરા બહુ મળતા નહિ હોય એટલે સૌરાષ્ટ્રવાળાને પણ આપે છે, ત્યાં તપાસ કર " એમ કહીને તેણે મને કોઝી કોર્નરનું એડ્રેસ લખી આપ્યું. અને મેં રીક્ષા પકડી.
પ્રવેશદ્વાર આગળ બેઠેલો ગુરખો મને જોઈને ઉભો થઇ ગયો. મને આ રીતે પહેલીવાર કોઈએ માન આપ્યું હોય તો આ ગુરખાએ જ ! મેં તેને બેસી જવાનો ઈશારો કરતા પૂછ્યું , " એડમિશન કે લિયે કિસકો મીલના પડેગા?"
એણે ઘમુ પટેલની નેઇમ પ્લેટ બતાવી.મેં ઓફિસના દરવાજાને ધક્કો મારીને માથું અંદર નાખ્યું  "મે આઈ કમ ઇન સર ? "
ઘમુસર શેટી પર તકીયાને ટેકે પલાંઠી મારીને બેઠા બેઠા એક જણ નું ફોર્મ ભરી રહ્યા હતા. મારી સામું જોઈને એમને એમનું કામ ચાલુ રાખતા માથું હકારમાં હલાવ્યું એટલે હું અંદર જઈને પેલી પતરાની ખુરશી પર બેઠો. 
"સંસ્થાના નિયમોનું બરાબર પાલન કરવું પડશે. આ ફોર્મની પાછળ લખેલા બધા જ નિયમ વાંચીને સહી કરી આપ.અને ત્રણસો રૂપિયા છ મહિનાની ફી થશે.લાવ્યો છો ? " ઘમુજીએ પેલા પ્રવેશવાછું વિદ્યાર્થીને કહ્યું. " હા સાહેબ લો આ પૈસા." પેલાએ સાહેબને પૈસા આપીને ફોર્મ લીધું. અને નિયમો વાંચવા લાગ્યો. 
" બોલ ભઈલા , તું પણ એડમિશન માટે આવ્યો છો ? " સાહેબે મને પૂછ્યું
" હા સાહેબ, જગ્યા છે ?" 
" જગ્યા તો હાલ નથી, પણ તને વાંધો ન હોય તો એકાદ રૂમમાં નીચે પથારી કરીને રહેવાની પરવાનગી આપીશ, પણ ફી તો પુરી જ ભરવી પડશે, પછી જગ્યા થાય તો તને કોટ ( પલંગ) મળી જાય ખરો, બોલ ઈચ્છા હોય તો ફોર્મ ભરું ! સૌરાષ્ટ્માંથી આવે છે ?"
"હા સાહેબ, સૌરાષ્ટ્રમાંથી આવું છું, મને વાંધો નથી પણ જલ્દી કોટ અપાવશો તો આપનો ઘણો ઉપકાર થશે " મેં હારતા ક્યાં ન કરતા એમ સમજીને પ્રવેશ મેળવી લેવાની તૈયારી બતાવી.
"સારું, તો સાડા ત્રણસો આપ, અને આ ફોર્મ ભરીને સહી કરી આપ " સાહેબ માત્ર મહેસાણાવાળા સ્ટુડન્ટનું જ ફોર્મ જાતે ભરતા.એ મને પછી જાણવા મળેલું. હોસ્ટેલમાં મહેસાણાવાળા છોકરાઓ "સમાજવાળા"નો વિશેષ દરજ્જો ભોગવતા. એમની ફી પણ અમારા કરતા પચાસ રૂપિયા ઓછી અને જે ટુ કે થ્રી બેડના રૂમ હતા એ એમને ફાળવવામાં આવતા.અને અમને સૌરાષ્ટ્ર વાળા વિદ્યાર્થીઓને મોટા હોલ જેવા રૂમ માં છ , સાત કે આઠ આઠ ઠાસવામાં આવતા. વળી મારા જેવો કોઈક લાચાર આવી ચડે તો એકાદ ખૂણા માં ગાદલું પાથરીને પડ્યા રહેવાની પરવાનગી પણ ઘમુ સાહેબ આપતા.અને મોટો ઉપકાર કરતા. પણ અમે લોકો આ બધી બાબતનો બદલો બરાબર વાળવાના હતા એ ત્યારે મને કે ઘમુસાહેબને ખબર નહોતી. નહિતર મને ખૂણામાં તો શું હોસ્ટેલની બહાર ગ્રાઉન્ડમાં પણ ગાદલું નાખવા ન દેત !!
મેં ફોર્મ ભરીને પાછળના નિયમો વાંચ્યા વગર સહી કરી આપી.અને ફોર્મ સાથે રોકડા રૂપિયા સાડા ત્રણસો ચૂકવી આપ્યા.
"આ નિયમો વાંચ્યા ? , જો કોઈ નિયમનો ભંગ થશે તો ગમે ત્યારે કાઢી મુકવામાં આવશે સમજ્યોબ?"
" સાહેબ, નિયમો એ વાંચે જેને એ તોડવા હોય, ગમે તેવા કડક નિયમો હશે તો પણ મને નહિ નડે, સર તમારી હોસ્ટેલમાં તમને મારા જેવો કોઈ વિધાર્થી હજુ નહિ મળ્યો હોય. " કહીને મેં સાહેબનો ચરણ સ્પર્શ કર્યો. 
"વાહ, તું તો બહુ જ વિવેકી લાગે છે ને ! અરે... ઓ ગુરખા.. "
સાહેબે ગુરખાને બોલાવવા હાક મારી.
"જી સાહેબજી " કહેતો ગુરખો હાજર થયો.
"સ્ટોર રૂમ મેં દેખો કોઈ ખાટ પડી હે ક્યાં, અગર હે તો ઇસ લડકે કો દે દો , બડા અચ્છા લડકા હે બેચારા.."
ખાલી ચરણસ્પર્શ કરવાથી આટલો ફાયદો થાય છે એ મને પ્રત્યક્ષ જોવા મળ્યું. વડીલોના ચરણો ખરેખર સ્પર્શવાલાયક હોય જ છે.
રૂમ નં 17માં ઓલરેડી સાત જણને સલવાડેલા હતા જ.ત્યાં મેં ગુરખા પાસે પલંગ ઉપડાવીને એમાં પ્રવેશ કર્યો. એટલે હાજર હતા એ બે ત્રણ જણના મોં બગડ્યા. એક જણ બોલ્યો'ય ખરો
" યાર આમાં જગ્યા જ નથી. અને બોસ તમે ક્યાં ....."
" મને તો આ રૂમમાં એડમિશન આપવામાં આવ્યું છે, ચાલો ગુરખાજી, આ પલંગ થોડા થોડા હટાવીને જગ્યા કરો " 
મેં અને ગુરખાએ બધા પલંગ ખસેડીને મારો પલંગ ઘુસાડ્યો. મને તો ખૂણામાં જ ગાદલું પથરવાનો પરવાનો મળેલો, પણ ચરણ સ્પર્શનો મહિમા અનેરો હોઈ હું હવે થોડો ફોર્મમાં આવેલો હતો. કારણ કે ઘમુસરના આશીર્વાદ મારી સાથે હતા.
કોલેજ શરૂ થઈ ગઈ હતી. એટલે મારે મારો સમાન લઈને તરત જ પાછું આવવાનું હતું. રૂમ નં 17 ખૂબ મોટો ઓરડો હતો. અને એમાં રૂમ ની વચ્ચોવચ માત્ર એક જ બાબા આદમ ના વખતનો વિશાલ પાંખિયા વાળો પંખો પોતાની રાજવી સ્પીડથી ધીમે ધીમે રૂમમાં હવાનો પ્રવાહ વ્હેવડાવવાની વ્યર્થ કોશિશ કરી રહ્યો હતો,એ મેં નોંધ્યું હતું. બીજું કે પેલા જે બે જણ મારા રૂમ પ્રવેશથી નારાજ જણાતા હતા, એ લોકો ના હાવભાવ પરથી સ્પષ્ટ થતું હતું કે જ્યારે હું સમાન સાથે પાછો આવીશ ત્યારે કદાચ એ લોકોએ મારો કોટ ખસેડીને ખુણામાં જ પહોંચાડી દીધો હશે. પણ અત્યારે એ ચિંતા કરવાની જરુર નહોતી. પડશે એવા દેવાશે એમ સમજી હું બસસ્ટેન્ડ જવા ઉપડી ગયો પણ જતી વખતે ઘમુ સરને પગે લાગવાનું તો ન જ ચુક્યો. સાહેબને ખરેખર લાગ્યું હશે કે વાહ આ છોકરો તો ખૂબ જ ડાહ્યો છે. પણ એ વખતે મને કે સાહેબને બેમાંથી એકેયને ખ્યાલ નહોતો કે ખરેખર મારી જેવો વિદ્યાર્થી સાહેબને એમની જિંદગીમાં ક્યારેય મળવાનો નહોતો !!