Featured Books
શ્રેણી
શેયર કરો

સાહસિકો ઝંખતા ખોવાયેલા ખજાના : ભાગ - ૨

સાહસિકો ઝંખતા ખોવાયેલા સાચુકલા ખજાનાઓ (ભાગ-૨)

ગતાંકથી શરુ થયેલી આપણી ‘વિશ્વના અમૂલ્ય ખજાનાઓ’ની ગોષ્ઠી કેવી લાગી ? મજા આવી ને ? તો પછી હવે ફરીથી તૈયાર થઈ જાઓ એવા જ બીજા કેટલાક ખજાનાઓ વિશે જાણવા માટે.

કિંગ જ્હોનનું, ત્રણ થિયરી ધરાવતું વર્ષો જૂનું ખોવાયેલું ઝવેરાત, ફોરેસ્ટ ફેન્ન ભાઈનો ‘આંખ આડા કાન’ જેવો છૂપો ખજાનો અને રશિયન બોલ્શેવિક ક્રાંતિ દરમિયાન ગૂમ થયેલાં સુશોભિત ઈંડાંરૂપી ખજાના વિશે રૂબરૂ થયા પછી હવે જાણીએ બીજા કેટલાક ખજાનાઓ વિશે, જે હજુ પણ વણશોધ્યા રહ્યા છે.

૪. ફ્લોર-ડે-લા-માર વહાણનો ખજાનો :

પોર્તુગાલના પાટનગર અને મોટા શહેરોમાંના એક એવા લિસ્બન શહેરમાં ૧૫૦૨માં તૈયાર થયેલું ૪૦૦ ટનનું વહાણ ‘ફ્લોર-ડે-લા-માર/Flor De La Mar’ એના ભવ્ય ભૂતકાળમાં મસમોટા ખજાનાની કથા ધરબીને આજે સમુદ્રને તળિયે બેઠું છે. કેવો હતો ફ્લોર-ડે-લા-મારનો ભૂતકાળ અને શું છે એના ખજાના પાછળની વાયકારૂપ કથા, ચાલો જાણીએ.

૧૫મી સદીમાં પોર્તુગાલ અને ભારત વચ્ચેના વેપારર્થે લિસ્બન શિપયાર્ડ દ્વારા બનાવવામાં આવેલું ફ્લોર-ડે-લા-માર એ જમાનામાં શ્રેષ્ઠ જહાજોમાંનું એક ગણાતું હતું. પોર્તુગીઝ ભાષામાં ફ્લોર-ડે-લા-મારનો અર્થ ‘સમુદ્રનું ફૂલ’ એટલે કે Flower of the Sea થાય છે. અને હકીકતે એ સમુદ્ર પર તરતા ફૂલ જેવું જ સુંદર ને નમણું હતું.

૧૫૦૨માં તૈયાર થયા પછી તરત જ તેણે તેનો પહેલો પ્રવાસ પોર્તુગાલથી ભારતનો ખેડ્યો. વાસ્કો-દા-ગામાના પિત્રાઈ ભાઈ એસ્તેવાઓ-દા-ગામાની સરદારી હેઠળ ફ્લોર-ડે-લા-માર ભારત પહોચ્યું હતું. ભારતના તેજાના અને મરીમસાલા ભરીને ૧૫૦૩માં પોર્તુગાલ પરત ફર્યું.

માત્ર આવી રીતે માલસામાનની ફેરીઓ કરવા ઉપરાંત તે પોર્તુગીઝો દ્વારા કરવામાં આવેલી ઘણીખરી ચઢાઈઓમાં પણ સહભાગી બન્યું હતું. જેમ,કે ૧૫૦૭માં પોર્તુગીઝોના પર્શિયા ગલ્ફનાં રાજ્ય ‘ઓર્મઝ’ પરનાં વિજય વખતે, એ જ વર્ષે થયેલા ગુજરાતના દીઉ/Diu ખાતેના યુદ્ધમાં, ૧૫૧૦માં ગોવા પરના વિજય વખતે... આ દરેક વખતે ફ્લોર-ડે-લા-માર ઓછા-વત્તા રીતે સહભાગી બન્યું હતું.

છેવટે ૧૫૧૧નું વર્ષ ફ્લોર-ડે-લા-માર માટે આખરી બની રહેવાનું હતું. ૧૫૧૧માં આ જંગી જહાજે મલાક્કા – મલેશિયાના એક રાજ્ય પરની પોર્તુગીઝોની ચઢાઈમાં ભાગ લીધો. ચઢાઈનું નેતૃત્વ કપ્તાન અલફોન્સો-ડે-એલ્બ્યુક્વેરક્યુએ લીધું અને એ સંઘર્ષમાં પોર્તુગીઝો વિજયી બન્યા. મલાક્કાની સલ્તનત ભાંગી પડી અને એ રાજ્યમાં પણ પોર્તુગાલ વસાહત સ્થપાઈ. આથી હવે મલાક્કા પણ તેમનાં આવન-જાવનનું એક કેન્દ્ર બની ગયું હતું. ચઢાઈ પૂરી થયા બાદ અલફોન્સોના હુકમ તળે મલાક્કામાંનો કેટલોક લૂંટનો માલ ફ્લોર-ડે-લા-માર પર લાદવામાં આવ્યો. અહીં સુધી તો ખરું, પરંતુ એવી પણ વાયકા છે કે મલાક્કાના લૂંટના માલની સાથે સિઆમ (થાઇલેન્ડ)ના રાજા તરફથી પોર્તુગાલના રાજાને મળેલી ‘પ્રભાવશાળી’ ભેટ તરીકેનો મોટો ખજાનો જહાજમાં જઈ રહ્યો હતો.

નવેમ્બર, ૧૫૧૧માં તેણે મલાક્કા છોડ્યું ત્યાર પછી એ ક્યારેય પાછું લિસ્બન ન પહોંચી શક્યું. વર્તમાન રીપોર્ટ પ્રમાણે તે સુમાત્રાનાં કિનારાની સમાંતર સફર કરી રહ્યું હતું ત્યારે તેને ભયંકર વાવાઝોડાનો સામનો કરવો પડ્યો હતો. તે સુમાત્રાથી એકદમ નજીકના એક ટાપુના ખડક પાસે અથડાયું અને બે પડમાં વિભાજિત થઈને તૂટી ગયું. એનો પાછળનો અડધો ભાગ રેતીમાં ખૂંપી ગયો અને દરિયાઈ મોજાંને કારણે ધોવાણ પામ્યો. એ ધોવાણની સાથે તેમાં રહેલો એ અમૂલ્ય ખજાનો પણ જાણે ખોવાયો. જહાજ પરનાં લગભગ ૪૦૦ જેટલાં ખલાસીઓએ પણ જીવ ગુમાવ્યા. અલબત્ત, એલ્બ્યુક્વેરક્યુ પોતાના અમુક ઓફિસરો સાથે લાઈફ બોટમાં ભાગી છૂટ્યો. રત્ન ભરેલી પેટીઓ, હીરા, માણેક અને નીલમણિથી ભરપૂર પેટીઓ ધરાવતો ખજાનો આજે ૨.૬ બિલિયન ડોલરની અંદાજિત કિંમતનો છે !

તાજા રીપોર્ટ મુજબ ઘણાં લોકોએ ફ્લોર-ડે-લા-મારનો એ ખજાનો શોધ્યો હોવાના દાવાઓ કર્યા છે. તો ઘણાંએ એવું પણ જણાવ્યું છે કે અડધો ખજાનો હાથ લાગી શક્યો છે. જો કે સાચું શું છે એ તો કોઈ જાણતું નથી. જો કે આ કથની માત્ર એક કથા ન રહેતાં એની સાબિતીનાં પુરાવાઓ પણ મળ્યાં છે, પરંતુ જહાજ પરના એ મૂલ્યવાન ખજાનાનો પત્તો ખરેખર મળ્યો જ છે, કે અડધો મળ્યો છે, કે પછી મળ્યો જ નથી ને નર્યું જુઠાણું છે એ નક્કી નથી થઈ શક્યું.

૫. લિઅન ત્રેબ્યુકોનું સોનું

મેક્સિકન મિલિયોનેર લિઅન ત્રેબ્યુકોએ ૧૯૩૩માં મેક્સિકોના ફાર્મિંગટન પાસે, રણમાં ધરબી દીધેલા સોનાની આ કથા જાણવા જેવી છે. સોનાની પાટ રૂપે લગભગ ૧૬ ટન જેટલું સોનું એણે એના ચાર સાથીદારો મળીને મેક્સિકોના રણમાં દફન કરી દીધું હતું જે આજે હજુ પણ અકબંધ છે. ૧૬ ટન સોનાની અંદાજિત કિંમત જાણવા માંગતા હોવ તો તે છે – લગભગ ૧ હજાર મિલિયન ડોલર !!

વાત એમ હતી, કે ૧૯૩૦માં અમેરિકામાં મંદીનું પ્રમાણ આસમાને પહોચ્યું હતું એટલે ૧૯૩૦ના દશકનાની શરૂઆતના એ સમયને ઈતિહાસમાં ‘ધ ગ્રેટ ડિપ્રેશન’ તરીકે ઓળખવામાં આવે છે. આવા ઘોર મંદીના સમયમાં લિયન ત્રેબ્યુકો નામના, મેક્સિકોમાં વસતા એક મિલિયોનેરને કુબુદ્ધિ સુઝી. સોનાના ભાવ આસમાને હતાં અને અમેરિકન સરકારને સોનાની તાતી જરૂરિયાત પણ હતી. ત્રેબ્યુકોને પાક્કો વિશ્વાસ હતો કે સોનાના ભાવ હજુ પણ વધશે એટલે મંદીનો આવી રીતે લાભ ઉઠાવવા માટે એણે અને એના ચાર મિત્રોએ મેક્સિકોનું ઘણું ખરું ‘રિઝર્વ્ડ’ સોનું ખરીદી લીધું. તેમનો ઈરાદો જ્યારે કિંમત વધે ત્યારે એને યુ.એસ./અમેરિકામાં વેંચી કાઢવાનો હતો.

મેક્સિકોની એક કામચલાઉ ભઠ્ઠીમાં સિક્કા અને જ્વેલરી તરીકે રહેલું સોનું પીગળીને પાટો તૈયાર કરવામાં આવી. કુલ ૧૬ ટન સોનાની પાટો ત્રેબ્યુકો અને એના ચાર સાથીદારોએ ખરીદી લીધી હતી. એણે મેક્સિકોથી યુ.એસ. સોનું લઈ જવું હોય તો એ ગેરકાયદેસર ગણાતું. એટલે એણે સોનાની પાટોને મેક્સિકોમાં જ ક્યાંક દાટી દેવા માટે રેડ મોઇસર નામના એક પાઇલટને ખાનગી રીતે ન્યૂ મેક્સિકોના રણમાં કોઈક સુરક્ષિત જગ્યા ખોળી કાઢવા કામે રાખ્યો. મોઇસરે ૧૬ વખત ઉડાન ભરીને હરેક વખતે એક-એક ટન સોનું પીક અપ ટ્રકો સુધી પહોચાડ્યું અને ટ્રકોએ દફનના સ્થળ સુધી.

સોનું મેક્સિકન રણમાં ઉટ અને નાવાજો નામની છૂટીછવાઈ વસ્તીવાળી જગ્યા તરફ દાટવાનું નક્કી કરવામાં આવ્યું. સોનું દફન થઈ ગયા બાદ, ૧૯૩૪માં યુ. એસ.નો ‘ગોલ્ડ રિઝર્વ્ડ એક્ટ’ પસાર કરવામાં આવ્યો ત્યારે સોનાના ભાવ ઓર વધ્યા, પણ ‘અતિબુદ્ધી’ ધરાવતા ત્રેબ્યુકોએ ત્યારે પણ સોનું વેંચ્યું નહીં એ એની મોટામાં મોટી ભૂલ હતી. પાંચેયના બદનસીબે ‘ગોલ્ડ રિઝર્વ્ડ એક્ટ’માં સોનાની ખાનગી માલિકીના હક્કોને રદબાતલ કરતી કૉલમ પણ ઉમેરવામાં આવી. પત્યું ! ત્રેબ્યુકો (અને એના સાથીઓ) સોનાનું રોકડમાં રૂપાંતરણ ન કરી શક્યો. સમય જતાં મૃત્યુ પામ્યો ને આવડા મોટા સોનાના ખજાનાનો પત્તો એના મનમાં જ ધરબાઈ ગયો.

વખત જતાં ‘ગોલ્ડ રિઝર્વ્ડ એક્ટ’ દૂર કરાયું ત્યારે પાંચેય દુનિયા છોડી ગયા હતા. યુ.એસ. સરકારને ખજાનાની ખબર પડતાં તેને રાષ્ટ્રીય સંપત્તિ ઘોષિત કરવામાં આવ્યો. અલબત્ત, સરકાર આજ સુધી ખજાનાની જગ્યા વિશેની ભાળ નથી મેળવી શકી. કેટલાય લોકોએ અને લૂંટારાઓએ ખજાનો શોધવાના પ્રયાસો કર્યા છે, પરંતુ ૧૬ ટનની એ સોનાની પાટોરૂપી ખજાનો કોઈનાય હાથમાં આવ્યો નથી.

૬. ‘ઇન્કા’ વસાહતનો ખજાનો

વાત છે ૧૫મી સદીમાં પશ્ચિમ-દક્ષિણ અમેરિકામાં વસતા ‘ઇન્કા/Inca’ લોકોની. તેઓ સોના-ચાંદી અને કિંમતી વસ્તુઓના અતિ શોખીન હતા. લગભગ દરેક જણ સોના-ચાંદીનો માલિક હતો. ઘરોમાં, મંદિરોમાં, મહેલોમાં વગેરે જગ્યાઓની દીવાલો પર તેઓ સોના-ચાંદીને જડતા અને સુશોભિત બનાવતા. ઉપરાંત તેમનાં રોજબરોજનાં ઘરેણાં પણ શુદ્ધ સોનાના રહેતાં. હવે આટલી સમૃદ્ધ વસાહત હોય ને એની પર કોઈનો ડોળો ન પડે એવું બને ?

૧૫૩૨ના ઉત્તરાર્ધમાં સ્પેનિશ સાહસિક અને સેનાપતિ ફ્રાન્સિસ્કો પિઝારોએ ઇન્કા સામ્રાજ્ય પર ચઢાઈ કરીને તેના અધિપતિ, રાજા આતાહુઆલ્પાને બંદી બનાવ્યા અને ઇન્કા લોકો સમક્ષ ખંડણી પેટે અડધો રૂમ ભરાય એટલું સોનું અને બે-ગણા કરતાં વધારે જેટલી ચાંદીની માંગણી કરી. માંગણી સ્વીકાર્યા વગર છૂટકો નહોતો, એટલે દરરોજ થોડું થોડું સોનું પિઝારાના કબજામાં આવતું જતું હતું. ઉપરાંત નાની-મોટી લૂંટફાટ દ્વારા સ્પેનિશો ખૂણે ખૂણેથી સોના-ચાંદી પોતાના ખિસ્સામાં ભર્યે જતાં હતાં.

૧૫૩૩માં કોણ જાણે શું થયું કે પિઝારોએ આતાહુઆલ્પાનું ખૂન કરી નાખ્યું. ખંડણીનું થોડું સોનું મળવાને આડે હતું ત્યાં જ આ ઘટના બની. આટલે સુધીની કથા એકદમ સાચી છે એની ટકોરાબંધ ખાતરી આપતા પુરાવાઓ મોજુદ છે, પરંતુ લગભગ દરેક ખજાનાની કથામાં બન્યું છે તેમ, અહીં પણ કથા અને સત્યકથા વચ્ચે ઝૂરવાનું છે.

એક વાયકા મુજબ છેલ્લે આપવાનું થતું જે સોનું બચ્યું હતું એને ઇન્કા લોકોએ એક પર્વતની છૂપી ગુફામાં સંતાડી દીધું હતું. એ ગુફા જ્વાળામુખીની કોઈક તળેટીમાં આવેલી છે. અત્યાર સુધી સેંકડો લોકોએ એને મેળવવાનો પ્રયત્ન કર્યો છે અને ઘણાં-ખરા આ પ્રયાસોમાં માર્યા ગયા છે.

બીજી એક કથની એવી પણ છે, કે ઇન્કા સામ્રાજ્યના જનરલ રૂમીનાહુઈને સ્પેનિશો ઇન્કા સામ્રાજ્યમાં પોતાનું વર્ચસ્વ જમાવતા હોવાની અને ડબલ ક્રોસ કરતા હોવાની ગંધ આવતાં તેણે ઇન્કા સભ્યતાના ક્વિટો પ્રાંતનું લગભગ બધું સોનું નજીકના સરોવરમાં પધરાવી દીધું, જેથી સ્પેનિશો એને ક્યારેય શોધી ન શકે.

ખેર, આવી તો ઘણી માન્યતાઓ છે, પરંતુ એ દરેક પર સત્યની મહોર મારી શકાય એમ નથી. કારણ કે પુરાવાઓનો અભાવ છે. હાલના તબક્કે જો સૌથી મહત્વપૂર્ણ અને માની શકાય એવી કથા હોય તો એ પ્રથમ ઘટના છે કે જેમાં ઇન્કા લોકોએ સોનું જ્વાળામુખીના મુખવાળા પર્વતની તળેટીમાં છૂપાવ્યું છે. સંશોધનકારોના મતે એ પર્વત લેંગનેટ્સ માઉનટેઈન હોઈ શકે છે.

શક્યતા છે. ‘આશા અમર છે’ એ ઉક્તિ મુજબ સાહસિકો પોતાનાથી બનતા તમામ પ્રયત્નો કરી છૂટે છે, પરંતુ તેમને આ ટન બંધ સોનાના દર્શન થતાં નથી.

*

આ કરી આપણે વિશ્વના કેટલાંક વણશોધ્યા ખજાનાઓની વાત. આ લિસ્ટ સાવ નજીવું કહેવાય એવા બીજા મસમોટા ખજાનાઓ પોતાના વણઉકેલાયેલા રહસ્યોને ધરબીને બેઠા છે. આ બંને અંકોમાં ‘ખજાનો’ના વાચકોને અમુક તમુક ખજાનાઓથી ટૂંકમાં માહિતગાર કરવાની કોશિશ કરવામાં આવી છે. એટલે હજુ બીજા ઘણાં બધાં ખજાનાઓ વિશે ગોષ્ઠી થઈ શકે એમ છે, પરંતુ પરિવર્તન જરૂરી છે. એટલે આવતા અંકે વિષય બદલીશું. ત્યાં સુધી આવજો !

(જ્ઞાન-વિજ્ઞાન-મનોરંજન પીરસતા ‘ખજાનો’ મેગેઝિનના લેખો કલરફૂલ પેજ તથા સચિત્ર માણવા લોગ ઓન કરો : www.khajanogujratimagazine.wordpress.com)