પિતા નું વાત્સલ્ય

        સંજના ના મનમાં અઢળક સવાલો હતા પણ જવાબ એક પણ નહીં, બે દિવસ પછી તો તેના લગ્ન હતા પણ તેનો તેને જરાય ઉત્સાહ ન હતો, લગ્ન ને બેજ દિવસ બાકી હતા અને સંજનાના ચહેરા પર ખુશીની જગ્યાએ મુંઝવણ અને હતાશા ના ભાવો ફરતા હતા.મનોમંથનમા ક્યારે તે સુઇ ગઈ તેને ખ્યાલ પણ ન રહ્યો.
           સંજના એ ભણવાનું પૂરૂ કર્યું કે ઘરમાં તેના લગ્ન ની વાત ચાલી એમ પણ તે ભણવામાં હોશિયાર અને દેખાવ માં ખુબ સુંદર હતી ,સ્વભાવે પણ એકદમ સરળ બધા સાથે ઝડપથી હળીમળી જાય.
         અખિલ ના ઘરે થી સામે થી માંગુ આવ્યું હતું પોતાનું ઘર હતુ, અને સરકારી જોબ હતી દેખાવમા પણ પોતાની સાથે શોભે તેવો હતો એટલે મમ્મી પપ્પા ને અને પોતાને ગમતાં લગ્ન માટે હા પાડી હતી.
                 પણ સગાઇ થયા પછી ના સમયગાળામાં ચારેક વાર તેઓ મળ્યા અને સંજનાને તેના એક બીજા જ પાસાનો અનુભવ થયો ઘરમાં વડીલો ની સામે એકદમ સભ્ય અને સંસ્કારી એવો અખિલ જ્યારે સંજના ને એકલો મળતો ત્યારે સંજના ને જાણે કપડાં ની આરપાર જોતો હોય તેવી નજરથી જોતો,સંજના પ્રેમ ની જગ્યાએ જ્યારે વસનાભરી નજર જોતી તો છળીને સકુચાઇ  જતી.
        અણછાજતી રીતે કરાતા અડપલાં થી સંજના અકળામણ અનુભવતી, આડી રીતે કરાતા ભૂતકાળ વિશે ના સવાલો તેને મૂંઝવતા ,તેણે સહજતાથી અખિલ ને પોતાના કોલૅજ ફ્રેન્ડસ વિશે બધુ જણાવ્યું જ હતું પણ અખિલ ની શંકા ની સોય તેના તરફ મંડાયેલી જ રહેતી.
        તેની સામે તેના કોઈ મિત્રો સાથે મળવાની વાત તો દૂર મોબાઈલ પર પણ વાત ન કરી શકતી, એટલે સુધી કે બહાર હોટલમાં ગયા હોય તો સંજનાની પસંદગી ને મહત્વ આપ્યા વિના તે જાતે જ મેનુ પણ નક્કી કરતો, જો સંજના એ તેની પસંદગી ના કપડાં ન પહેર્યા હોય તો તેની સાથે ઝઘડો કરતો.તેના આ અધિકારભાવથી સંજના અકળાતી.
         તેણે સગાઇ ફોક કરવાનો વિચાર કર્યો અને મમ્મી ને વાત કરી પણ મમ્મી એ લગ્ન બાદ બધુ બરાબર થઇ જશે એમ કહી વાતને ટાળી દીધી ઉલટાની ભાવિ પતિ છે તો તેની ઇચ્છા ને માન આપવું એમ કહીને તેને જ ઠપકો આપ્યો.
        પ્રેમ ને સ્થાને વાસનાયુકત નજર તેને દઝાડતી આ વાત તે પોતાની મા ને ન સમજાવી શકી.
        જેમ જેમ લગ્ન નો દિવસ નજીક આવતો ગયો તે મુઝાંતી ગઈ, આજે તેની મહેંદી હતી અને બે દિવસ પછી લગ્ન, મનોમંથન માં તે સુઇ ગઈ, સવારે ઉઠીને જોયુ તો પપ્પા વહાલથી તેના માથે હાથ ફેરવતા હતા.
         પપ્પા નો સ્વભાવ ખૂબ કડક તેમની સામે કોઈનુ કશુ પણ ચાલતુ નહીં એટલે તેમને અખિલ વિશે જણાવવાનો કોઈ મતલબ ન હતો.
        તેમને જોતા જ તે ડરીને ઉભી થઇ ગઇ, પણ તેના આશ્ચયૅ વચ્ચે પપ્પા એ તેને પાસે બેસાડી અને માથે હાથ ફેરવવા લાગ્યા.
       તે રડી પડી ક્યાય સુધી રડી લીધા બાદ તે હળવી થઇ, પપ્પા એ શાંતિ થી તેને રડવાનું કારણ પૂછ્યું સંજનાએ ડરતા જઇ અખિલ વિશે બધી વાતો કરી.
       પપ્પા કઇ ન બોલ્યા બધુ સારૂ થઇ જશે એમ કહી ચાલ્યા ગયા.
         સંજના પણ સમજતી હતી કે આવતી કાલે તો લગ્ન છે બધી જ તૈયારી ઓ થઇ ગઇ છે હવે તો લગ્ન કર્યે જ છૂટકો હતો. મમ્મી પપ્પા એ કેટલા ઉત્સાહ થી બધી તૈયારીઓ કરી હતી અને મહેમાનો પણ આવી ગયા હતા.
       તે પરાણે મો પર સ્મિત લાવી નહાઇને તૈયાર થઇ બહાર આવી ,જોયું તો પપ્પા ના નામની બુમાબુમ ચાલતી હતી.લગ્નની તૈયારીઓના બધા કામો પપ્પા ની હાજરી વિના અટકી પડ્યા હતા.
         સવારથી જ કોઇને કશું જણાવ્યા વિના પપ્પા કશે ચાલ્યા ગયા હતા એમ સાંભળી તેને ધ્રાસકો પડ્યો,પપ્પાના કડક સ્વભાવ ને તે જાણતી હતી છતાં તમને બધી વાત કરવાની મૂર્ખામી તેણે કરી હતી
       પપ્પા હાઇ બ્લડપ્રેશર પ્રેસર અને સુગર ના દર્દી હતા પોતાની વાત સાંભળી તેમને કંઈ થયું તો નહીં હોય ને, તેને જાત જાતના વિચારો આવી ગયા, પોતાની જાત પર જ ગુસ્સો આવ્યો શું જરૂર હતી પપ્પા ને આ બધી વાતો કરવાની.
         મમ્મી એ તો રીતસરનો ઠુઠવો જ મૂક્યો હતો.
         લગભગ કલાકેક પછી પપ્પા હસતાં હસતાં હાથમાં મિઠાઇનુ બોક્સ લઇ ને આવતા દેખાયાં તે દોડી ને તેમને વળગી પડી, મમ્મી ના હાથમાં મિઠાઇનું બોક્સ આપતા તેમણે ધીરે રહી કહ્યું મારી લાડકી ની સ્વતંત્રતા લેવા ગયો હતો. સંજના આજે પિતા ના વાત્સલ્ય ને સાચી રીતે સમજી શકી.


***

રેટ કરો અને રિવ્યુ આપો

Nimish Salvi 5 માસ પહેલા

ankita vaidya 6 માસ પહેલા

Mital Shah 6 માસ પહેલા

Pratik Kapadiya 6 માસ પહેલા

Vankar Jyotika 6 માસ પહેલા