હવસ :-IT CAUSE DEATH ભાગ-19 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હવસ :-IT CAUSE DEATH ભાગ-19

હવસ :-IT CAUSE DEATH-ભાગ 19

પ્રભાતની હત્યા ઝેર આપીને કરાઈ હોવાની વાત જાણ્યાં બાદ અર્જુન અનિતા અને મેહુલની સુધી પહોંચી જાય છે..પણ એ બંનેમાંથી કોઈપણ પ્રભાતને પોતે ઝેર આપવાની વાત સાથે સહમત થતું નથી એટલે અર્જુન પોતાનાં ખબરીઓને એક્ટિવેટ કરે છે.આમ થતાં જ પ્રભાતનો ડ્રાઈવર મંગાજી એક જવેલરી શોપમાં પ્રભાતનાં ઘરેથી ચોરી થયેલું મંગળસૂત્ર વહેંચવા પહોંચે છે એની જાણ અર્જુનને થઈ જાય છે.

મંગાજીનાં ઘરથી થોડીક દૂર આવી અર્જુને પોતાનું બુલેટ બંધ કર્યું અને બુલેટ પરથી નીચે ઉતરી મંગાજીનાં ઘર તરફની વાટ પકડી..નાયક પણ અર્જુનનાં કદમની સાથે કદમ મિલાવતો અર્જુનની સાથે ચાલી રહ્યો હતો.

અર્જુને જઈને મંગાજીનાં જુનાં પુરાણા ઘરનું બારણું ખખડાવ્યું.

"કોણ છે..?"અંદરથી મંગાજીનું અવાજ આવ્યો.

"હું ઈન્સ્પેકટર અર્જુન."રુવાબદાર અવાજે અર્જુને જવાબ આપ્યો.

અર્જુનનો અવાજ સાંભળી મંગાજી એ બારણું ખોલતાં કહ્યું.

"સાહેબ..તમે.મારાં ગરીબખાનામાં તમારું સ્વાગત છે..બોલો હું આપની શું સેવા કરી શકું..?"મંગાજી વિનયપૂર્વક બોલ્યો.

અર્જુનને નોટિસ કર્યું કે મંગાજી ભલે અત્યારે શાંત ભાવે વર્તન કરી રહ્યો હતો પણ એનાં ચહેરા પરનાં ભાવ અને એનાં કપાળ પર વારંવાર ઉભરી આવતાં પ્રસ્વેદ બિંદુઓ એ વાતની સાબિતી આપી રહ્યાં હતાં કે એ અંદરથી ડરી ગયો છે.

"બસ કંઈ નહીં..આતો અહીંથી નીકળ્યાં તો થયું કે લાવ મંગાજીને મળીને પ્રભાતનાં હત્યારા વિશે એને જાણ કરીએ."મંગાજીએ ઘરમાં ગોઠવેલી ખુરશી પર બેસતાં અર્જુન બોલ્યો.

"શું વાત કરો છો સાહેબ..પ્રભાત સાહેબ નો હત્યારો પકડાઈ ગયો..?કોણ છે એ..?"મંગાજી ઉપરાઉપરી સવાલ પૂછતાં બોલ્યો.

"એ હત્યારો બીજું કોઈ નહીં પણ તું છે.."મંગાજી ને કોલરથી પકડી એની તરફ વેધક નજરે જોતાં અર્જુન બોલ્યો.

"શું કહ્યું, હું અને સાહેબનો હત્યારો..?ઈન્સ્પેકટર લાગે છે કે તમને કોઈ ભૂલ થઈ રહી હોય એવું લાગે છે.."વિનવણી નાં સુરમાં મંગાજી બોલ્યો.

"તો આ શું છે..આ મંગળસૂત્ર હમણાં જ તું સ્વસ્તિક જવેલરીમાં વહેંચવા ગયો હતો..અને પ્રભાતનાં ઘરે જે દાગીનાની ચોરી થઈ છે એમાં આ મંગળસૂત્ર પણ સામેલ હતું."સ્વસ્તિક જવેલરીમાંથી પોતાની સાથે લઈને આવેલ મંગળસૂત્ર અર્જુનને બતાવતાં નાયક ગુસ્સેથી બોલી ઉઠ્યો.

નાયક નાં હાથમાં રહેલ મંગળસૂત્ર જોઈને મંગાજીનાં મોતિયા મરી ગયાં.. એ ભાગવા જતો હતો પણ અર્જુનનાં જોડે રહેલી રિવોલ્વર એની હિંમત ને બ્રેક મારી રહી હતી.

"સાહેબ તમારી કોઈ ભૂલ થતી હોય એવું લાગે છે..હું ત્યાં ગયો જ નથી.તમને કોઈએ ખોટી માહિતી આપી લાગે છે."હવે બચવા માટેનું છેલ્લું શસ્ત્ર ઉગામતાં મંગાજી બોલ્યો.

"તો ભાઈ મંગાજી આ તારી બેગમાં જે કપડાં છે એની નીચે આ રોકડ રકમ પણ તારી નહીં જ હોય."અર્જુન અને નાયક જ્યાં બેઠાં હતાં ત્યાં પડેલી બેગની ચેન ખોલી એમાંથી મંગાજીનાં કપડાં બહાર ફેંકી એમાં વધેલી રોકડ રકમ મંગાજીને બતાવતાં અર્જુન ક્રોધમાં બોલ્યો.

અર્જુનની જોડે હવે બધું પ્રુફ હાજર હતું જે પોતાને ગુનેગાર સાબિત કરવા પૂરતું હતું એ સમજાતાં મંગાજી ધૂંટણીયે બેસી ગયો અને રડવા લાગ્યો.

"સાહેબ,મારી ભૂલ થઈ ગઈ..લાલચમાં ને લાલચમાં મારાં થી આ નાનકડી ભૂલ થઈ ગઈ..મને માફ કરો ઈન્સ્પેકટર સાહેબ."ડૂસકાં લેતાં લેતાં મંગાજી કરગરી રહ્યો હતો.

"એક મર્ડર કરવાની વાત ને તું નાનકડી ભૂલ કહે છે..?"મંગાજીની વાત સાંભળી ગુસ્સે થઈ જતાં અર્જુન ઊંચા અવાજે બોલ્યો.

"અરે સાહેબ હું સાચું કહું મેં પ્રભાતભાઈ ની હત્યા નથી કરી..એ દિવસે હું સવારે જ્યારે પ્રભાતભાઈ નીચે ના આવ્યાં તો એમને બોલાવવા ઉપર ગયો ત્યારે પ્રભાતભાઈ પોતાની ખુરશીમાંજ મૃત પડ્યાં હતાં.આટલું ભયાનક દ્રશ્ય જોઈ હું ડરી ગયો અને દોડીને નીચે ઉતરવા દાદરા તરફ આગળ વધ્યો..હજુ દાદરા નું પહેલું પગથિયું ઉતર્યું ત્યાં મારાં મનમાં આ તકનો લાભ ઉઠાવી લેવાનું મન થયું."

"ઘરમાં કોઈ નોકર-ચાકર હમણાંથી રખાયેલું જ નહોતું એટલે હું ઘરમાં એકલો હતો..મેં સમય ગુમાવ્યાં વિના પ્રભાતનાં બેડરૂમની અલમારી ખોલી એમાંથી જે કંઈપણ કિંમતી સામાન હાજર આવ્યો એ એક બેગમાં ભરી લીધો અને ત્યાંથી રફુચક્કર થઈ ગયો..એ સામાન હનુમાન મંદિરવાળા બગીચામાં છુપાવી પાછો હું પ્રભાતભાઈનાં ઘરે આવ્યો અને પોલીસ સ્ટેશનમાં કોલ કર્યો..આમ કરવાથી પોલીસ મારી ઉપર ક્યારેક શક નહીં કરે એવી મારી ધારણા હતી.રાતે પ્રભાતભાઈનાં ઘરેથી નીકળી હું હનુમાન મંદિર વાળાં બગીચામાં જઈને એ કિંમતી સામાન ભરેલી બેગ છુપાવી આવ્યો..જે મેં યોગ્ય સમય મળતાં ત્યાંથી કાઢી લીધી."

"મેં મારી પત્ની ની બીમારીનું બહાનું કરી શહેરમાં આવેલ અલગ અલગ જગ્યાએ બધી જવેલરી વહેંચી મારી..મારી જોડે સારી એવી રોકડ રકમ આવી ગઈ હતી એટલે હું આજે જ આ શહેરને સદાયને માટે છોડી ક્યાંક ભાગી જવાનો હતો..પણ સાહેબ મેં ફક્ત ચોરી કરી છે બાકી પ્રભાતભાઈ ની હત્યા કરવાનું તો હું વિચારી પણ ના શકું."રડમસ સુરે મંગાજી બોલી રહ્યો હતો.

"તને શું લાગે છે સાહેબ તારી આ કહાની પર વિશ્વાસ મુકી દેશે..?"નાયક મંગાજી તરફ જોતાં બોલ્યો.

"સાહેબ હું સાચું કહી રહ્યો છું..જોગણી માં ની કસમ.."પોતાનાં ગળે આંગળી મુકી મંગાજી બોલ્યો.

"નાયક આ સીધી રીતે એનો ગુનો નહીં કબુલ કરે..તું પોલીસ સ્ટેશનમાં કોલ કરી જલ્દીથી એક જીપ બોલાવ અને આને લઈને પોલીસ સ્ટેશન લઈ જા..રાતભર આની વ્યવસ્થિત ખાતીરદારી કરો.લાગે છે આ જાડી ચામડીનો માણસ સીધી રીતે પોતાની વાત કબુલે.."મંગાજીથી થોડે દુર નાયકને લઈ જઈ એનાં કાનમાં હળવેકથી ફૂસફૂસાતાં અર્જુન બોલ્યો.

"જી સર.."આટલું કહી નાયકે તાબડતોડ પોલીસસ્ટેશનમાં કોલ કરી ને એક જીપ ને ત્રણ-ચાર કોન્સ્ટેબલો સાથે મંગાજીનાં ઘરે આવવા હુકમ કરી દીધો.

આ દરમિયાન અર્જુને મંગાજીનાં ઘરની નાનામાં નાની વસ્તુ ચકાસી જોઈ પણ એમાંથી અર્જુનને કોઈપણ સબુત ના મળ્યો.કોલ કર્યાની ગણતરીની મિનિટોમાં અશોક બીજાં ત્રણ કોન્સ્ટેબલો સાથે મંગાજીનાં ઘરે આવી પહોંચ્યો.

"નાયક આ બધી રોકડ રકમ અને મંગાજીને પોલીસ સ્ટેશન લઈ જાઓ..બાકીનું મેં કહ્યું છે એવી મહેમાનગતિ કરી દેજો.જો સીધી રીતે ના માને તો વાઘેલા ને છૂટ આપી દેજો,વાઘેલા ગુનેગારનાં પેટમાંથી સાચું કઢાવવાવાની કળામાં માસ્ટર છે."જતાં જતાં નાયકને જોડે બોલાવીને અર્જુને કહ્યું.

નાયક અને અશોકનાં મંગાજીને લઈને પોલીસ સ્ટેશન તરફ જતાંની સાથે જ અર્જુન પણ પોતાની બુલેટ લઈને ઘરની તરફ નીકળી પડ્યો.

**********

બીજાં દિવસની સવાર અર્જુન માટે કઈ નવી ખબર લઈને આવવાનું હતું એ વાતથી અજાણ અર્જુન સવારે પીનલનાં હાથનો બનાવેલો ગરમાગરમ નાસ્તો આરોગી પોતાની બુલેટ પરથી સવાર થઈને પોલીસ સ્ટેશન તરફ રવાના થઈ ગયો.

પોલીસ્ટેશનમાં આવતાંની સાથે અર્જુને સીધો પોતાની કેબિનમાં પ્રવેશ કર્યો.ત્યાં જઈને પોતાની રોલિંગ ચેરમાં બેસતાંની સાથે અર્જુને ધંટડી દબાવી જેનો અવાજ સાંભળી એક કોન્સ્ટેબલ અંદર આવ્યો.

"હા બોલો સાહેબ..?"અંદર પ્રવેશતાં ની સાથે એ કોન્સ્ટેબલ અદબભેર બોલ્યો.

"નાયક સાહેબ કે વાઘેલા જે કોઈપણ હાજર હોય એને અંદર મોકલ.."અર્જુને સિગરેટ સળગાવતાં એ કોન્સ્ટેબલને આદેશ આપ્યો.

"નાયક સાહેબ તો હમણાં જ ઘરે ગયાં.. હું વાઘેલાભાઈ ને મોકલું.."એ કોન્સ્ટેબલ આટલું કહી કેબિનની બહાર નીકળી ગયો.

બે મિનિટ બાદ વાઘેલા એ અર્જુનની કેબિનની અંદર પ્રવેશવાની અનુમતિ માંગી,જે મળતાં વાઘેલા કેબિનની અંદર આવ્યો..અર્જુને ઈશારાથી જ બેસવાનો ઈશારો કરતાં વાઘેલા એ અર્જુનની સામેની તરફની ખુરશીમાં સ્થાન લીધું.

"શું થયું ભાઈ..મંગાજી કંઈ બોલ્યો કે નહીં કે એને પ્રભાતનું ખૂન કઈ રીતે અને કેમ કર્યું..?"વાઘેલાનાં ખુરશીમાં બેસતાં ની સાથે અર્જુને સવાલ કર્યો.

અર્જુનનાં સવાલનો જવાબ આપતાં વાઘેલાએ રાતભરની કાર્યવાહી વિશે જાણ આપતાં કહ્યું.

"સાહેબ..મંગાજી ને અમે આખી રાત રિમાન્ડ પર લીધો પણ સાલો મગનું નામ મરી પાડવા તૈયાર જ નથી..પહેલાં તો નાયકે એને બરાબરનો દંડાથી ફટકાર્યો પણ એ કંઈપણ બોલવા તૈયાર નહીંતો..નાયકનાં બેલ્ટની પણ એને અસર ના થઈ એટલે નાયકે મને કહ્યું કે હું મારી રીતે એનું મોઢુ ખોલાવું."

"બસ હું તો ક્યારનોય આવી તકની રાહ જોઈને જ બેઠો હતો એટલે મેં મારી સ્ટાઈલમાં મંગાજીની આકરી પૂછપરછ કરી..એનાં જખ્મો પર નમક લગાવવાથી લઈને એકદમ ઠંડા પાણીથી એને નવડાવવા સુધીનાં પેંતરા અજમાવી જોયાં પણ એ એકજ વાત રિપીટ કરી રહ્યો હતો કે એને પ્રભાતને ઝેર નથી આપ્યું..રાતભરની પૂછપરછ બાદ એ બેહોશ થઈ ગયો પણ એનું એક જ રટણ ચાલુ હતું કે એનો પ્રભાતની હત્યામાં કોઈ હાથ નથી."

વાઘેલાની સંપૂર્ણ વાત ધ્યાનથી સાંભળ્યા બાદ અર્જુને વાઘેલાની તરફ જોઈને પુછ્યું.

"વાઘેલા તમે તો મારાંથી પણ વધુ અનુભવી છો..તમે તો અત્યાર સુધી સેંકડો ગુનેગારો જોડેથી ગુના ની કબુલાત કરાવી હશે તો આ મંગાજી જે કહી રહ્યો છે એ બાબતમાં તમારો અંગત અભિપ્રાય શું છે..?"

"સાહેબ,મારાં રિમાન્ડ બાદ તો રીઢામાં રીઢો ગુનેગાર પણ પોપટની જેમ બધું બોલી લે..અને મંગાજી રીઢો ગુનેગાર તો છે નહીં તો આટલો માર સહન કર્યાં બાદ જો એ પોતે પ્રભાતની હત્યા માં સામેલ નથી એ વાત દોહરાવી રહ્યો હોય તો મારાં મતે એ સાચું કહી રહ્યો છે."ચહેરા પર શૂન્ય ભાવ સાથે વાઘેલા એ કહ્યું.

"વાઘેલા મેં પણ ઘરે જઈને રાતે ઘણું વિચાર્યું કે મંગાજી પ્રભાતની હત્યા કરી શકે કે નહીં..એમાં મને એ વાત ખટકી કે મંગાજી જેવો સામાન્ય માણસ જેની બુદ્ધિક્ષમતા પણ ઠીક ઠાક છે એ આટલાં જટિલ બંધારણ વાળું ઝેર કઈ રીતે પ્રભાતને એ રીતે આપે જેથી એનાં કોઈ સબુત શોધવામાં પણ ફોરેન્સિક એક્સપર્ટ માટે નાકે દમ લાવી દે.અને તમારાં જેવો સિનિયર ઈન્સ્પેકટર જો મંગાજીને ખુન નાં આરોપમાંથી નિર્દોષ જાહેર કરતો હોય તો શક્યવત એવું જ હશે."અર્જુન ગહન વિચાર કર્યાં બાદ બોલ્યો.

"સાહેબ પ્રભાત પંચાલને ઝેર આપનારું હકીકતમાં બીજું કોઈક વ્યક્તિ છે..મંગાજી એ તો તકનો લાભ લઈને ખાલી લૂંટ જ ચલાવી છે બાકી એક ગરીબ સામાન્ય માણસ માટે આ રીતે હત્યા કરવી શક્ય નથી.."વાઘેલા એ કહ્યું.

"સારું તો પછી તમે જઈ શકો છો..મારે બીજી કંઈપણ જરૂર હશે તો તમને બોલાવી લઈશ..મને થોડો સમય એકલો મુકી દો,જેથી હું કાતીલ સુધી પહોંચવાનો બીજો કોઈ રસ્તો શોધવા માટે કંઈક વિચારું."અર્જુને પોતાની સિગરેટને એશટ્રે ની અંદર ઓલવતાં કહ્યું.

"જય હિંદ.."આટલું કહી વાઘેલા અર્જુનની કેબિનમાંથી બહાર નીકળી પોતાનાં ગંતવ્ય સ્થાને પાછો ગોઠવાઈ ગયો.

**********

વાઘેલાનાં ગયાં બાદ અર્જુન ઘણો સમય એકલો જ પોતાની કેબિનમાં બેઠો બેઠો હવે આગળ વધવાનો રસ્તો કઈ દિશામાં થઈને જાય છે એનો મનોમન ક્યાસ કાઢી રહ્યો હતો..ઘણી જગ્યાઓ તો ડેડ પોઇન્ટ પર આવીને અટકી ગઈ હતી એટલે એનો ઉપયોગ કરી આગળ વધવું અશક્ય હતું.

પ્રભાતની કોલ ડિટેઈલ,એનો મોબાઈલ કાર્ડ,સલીમ ની ગિરફ્તારી,અનિતા અને મેહુલની ધરપકડ,મંગાજી નાં રિમાન્ડ બાદ પણ હજુ પ્રભાતની મોતનું રહસ્ય હજુ ઠેર નું ઠેર જ હતું.

અચાનક અર્જુનનાં મોબાઈલમાં એક નોટિફેક્શન ટોન વાગી જેથી અર્જુનનું ધ્યાન તૂટ્યું..અર્જુનને જોયું તો એક ખાલી કોઈ કંપનીની જાહેરાત ને સંલગ્ન મેઈલ હતો જે એનાં ઈમેઈલ આઈડી પર આવ્યો હતો..મેઈલ ચેક કરી અર્જુને મોબાઈલ પાછો પોતાની જેબમાં સરકાવી દીધો.

"આટઆટલી ધરપકડ પછી પણ હજુ પ્રભાતનો હત્યારો પકડાયો નથી અને આ ફેશન બ્રાન્ડ ની કંપનીઓ મેઈલ ઉપર મેઈલ કરી નકામી લોભામણી જાહેરાતો આપે રાખે છે.."અર્જુન મનોમન મેઈલ પર આવતાં મેઈલ જોઈને અકળાઈને ગાળો ભાંડવા લાગ્યો.

અચાનક અર્જુનને એક વિચાર ઝબકયો..

"જય યુટ્યુબ મહારાજ.."આટલું કહી અર્જુનને પોતાનાં ખાસમખાસ સાથીદાર એવાં નાયકને કોલ કર્યો.

"હા સાહેબ હવે નીકળું જ છું પોલીસ સ્ટેશન આવવા..વાઘેલા ભાઈએ તમને બધું ડિટેઈલમાં જણાવી દીધું હશે ને.."ફોન ઉપાડતાં જ નાયકે કહ્યું.

"હા વાઘેલા એ બધું કહ્યું જે પુરવાર કરે છે કે મંગાજી ફક્ત ચોરીનાં ગુનાનો ગુનેગાર છે..પણ પ્રભાતને ઝેર એને આપ્યું નથી."અર્જુને કહ્યું.

"તો પછી..હવે કાતીલ સુધી પહોંચવાનો નવો રસ્તો શોધવો રહ્યો."નાયકનો ચિંતિત અવાજ અર્જુનને સંભળાયો.

"નાયક તું ચિંતા ના કર..હું બધું જોઈ લઈશ.પહેલાં તું એક કામ કર..અહીં આવવાને બદલે સીધો સાયબર ટીમને મળ. અને એમમાં જોડેથી પ્રભાતનાં ડેમેજ ફોનમાં રહેલું સિમ લેતો આવ."અર્જુને આદેશ આપતાં કહ્યું.

"સારું સાહેબ..ગુડ બાય.."આટલું કહી નાયકે કોલ ડિસ્કનેક્ટ કરી દીધો.

"નાયક આવે નહીં ત્યાં સુધી કોમ્પ્યુટરમાં plant vs. Zombie રમી લઉં.."આટલું કહી અર્જુન નાયકની વાટ જોતો કોમ્પ્યુટર ગેમ રમવા લાગે છે..!!

★★★★★★★

વધુ આવતાં અંકે.

જો મંગાજીએ પણ પ્રભાતને ઝેર નહોતું આપ્યું તો આખરે પ્રભાતને ઝેર આપનાર કોણ હતું ..??અર્જુન હવે પોતાની તપાસ ની શરૂવાત કઈ રીતે કરશે..??અર્જુને નાયક જોડે પ્રભાતનું સિમકાર્ડ કેમ મંગાવ્યું...??પ્રભાતની હત્યા અનિકેત અને જાનકી સાથે સંબંધ તો નહોતી ધરાવતી ને..??એ જાણવા વાંચતાં રહો આ નોવેલ હવસ નો નવો ભાગ. આ નોવેલ અંગેના રિવ્યુ 8733097096 whatsup કરી પર આપી શકો છો.

તમે પણ આગળ વધતી આ સસ્પેન્સ નોવેલ હવસ પર તમારાં પ્રતિભાવ આપી શકો છો..સાથે સાથે તમારાં મગજને કસીને કાતિલ કોણ છે એ પણ શોધવાનો પ્રયાસ કરો અને મને જણાવતાં રહો કે તમારાં મતે પ્રભાતનો હત્યારો કોણ છે..?

તમે માતૃભારતી પર મારી નાની બહેન દિશા પટેલની રચનાઓ જેવી કે રૂહ સાથે ઈશ્ક, અનામિકા,ડણક,દિલ કબુતર,હોન્ટિંગ પિક્ચર અને સેલ્ફી પણ વાંચી શકો છો.

માતૃભારતી પર આ સિવાય વાંચો મારી અન્ય નોવેલ..

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

~જતીન.આર.પટેલ (શિવાય)