વાસનાની નિયતી, પ્રકરણ-13 Nimish Thakar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વાસનાની નિયતી, પ્રકરણ-13

વાસનાની નિયતી, પ્રકરણ-13

  • નિમીષ ઠાકર

જયદેવ તોરલને તેના ભાઇની બાઇક પર બેસાડી ભગાડી જાય છે. બંનેનો પ્લાન મંગલપુરથી વાયા તાલાલા થઇ જૂનાગઢ અને ત્યાંથી ટ્રેનમાં ભાવનગર પહોંચવાનો હોય છે. ભાવનગર પહોંચે એજ દિવસે કોર્ટ મેરેજ માટેની વ્યવસ્થા જયદેવ અગાઉથી ગોઠવીનેજ આવ્યો હતો. હવે આગળ…

******

જયદેવે બાઇક રામ મંદિરવાળી ગાળીમાં મારી મૂકી. તોરલે મોઢે દુપટ્ટો ઓઢી ચહેરો ઢાંકી દીધો હતો. જોકે, આ રસ્તે કોઇ ઓળખીતું મળી જાય તો મોઢું દેખાતું ન હોવા છત્તાં એ તોરલ હોય એવું આસાનીથી કળી શકાય એમ હતું. વળી જયદેવ પણ સાથે હતો. હવે જોકે, તોરલને પણ કોઇની પરવા નહોતી. હા, જ્યાં સુધી લગ્નનું રજીસ્ટ્રેશન ન થાય ત્યાં સુધી શું થશે ? એવો છૂપો ડર બંનેના મનમાં હતો. જયદેવ પોતાની ગણતરી પ્રમાણે બાઇક ભગાવતો હતો. ગાળીમાં અત્યારે કોઇ સામેથી નહોતું આવતું. આથી તોરલે બંને હાથ જયદેવને પાછળથી વીંટાળી દીધા અને તેના વાંસા પર માથું ટેકવી દીધું. પ્રેમિકાનાં સ્પર્શમાત્રથી કાયમ ઉત્તેજીત થઇ જતો જયદેવ થોડો વિચલીત થયો ખરો. પણ અત્યારે તેનું સંપૂર્ણ ધ્યાન હેમખેમ ભાવનગર પહોંચવાનું હતું. તોરલ સાથે લગ્ન કરવા એ તેનું સ્વપ્ન હતું. પરંતુ કોઇ ન જુએ એવા ડરથી તેઓ આ ગાળી તરફ આવ્યા એ દૃશ્ય એક વાડીમાં ઉભેલી વ્યક્તિએ જોઇ લીધું. જયદેવ અને તોરલનું સાથે હોવું, તોરલનું જયદેવને વળગીને બેસવું અને વળી નાનકડો થેલો તેના ઘર છોડીને નાસી રહ્યાની સાબિતી આપવા પૂરતો હતો.

એ વ્યક્તિ તોરલનાં ભાઇ દિપકનો મિત્ર રમેશ હતો. બધાં કામ પડતાં મૂકી રમેશે તેના મિત્ર અને તોરલનાં ભાઇ દિપકને આ વાતની જાણ કરવા ઉપડ્યો. તેને ખબર હતી કે એ બપોરે વાડીએજ હશે. કામ સમયે રમેશને વાડીએ આવેલો જોઇ દિપકને આશ્ચર્ય તો થયું. વળી તેના આવવાની ઝડપ પણ વધુ હતી. આથી તેના મનમાં ઉચાટ શરૂ થઇ ગયો.

“ઝટ ચાલ, તારે ઘેર” રમેશે દિપકની નજીક પહોંચતાંજ લગભગ હુકમ કર્યો.

“કેમ શું થયું ?” આડું અવળું પૂછ્યા વિનાજ દિપકે હાથમાંથી પાવડો મૂકી દીધો. અને રમેશની પાછળ બેસતાં બોલ્યો. દિપક બેસતાંજ રમેશે બાઇકવાળીને તેના ઘર તરફ લીધી.

“બોલ તો ખરો થયું છે શું ?” દિપકથી હવે રહી શકાય એમ નહોતું. નક્કી કંઇક ગંભીર વાત હોવાનો અંદાજ તેણે બાંધીજ લીધો હતો.

“વાત જાણે એમ છે કે, મેં તોરલ અને જયદેવને રામ મંદિરવાળી ગાળીમાં બાઇક પર જતા જોયા.” રમેશે તેને માહિતી આપી.

“તો ઘેર ક્યાં એ તરફજ ચાલ.”

“ના. ઘેર જવું પડશે. બંને પાસે એક નાનકડી થેલી હતી. તોબલે મોઢું ઢાંકેલું હતું.” રમેશે જે જોયું એ કહ્યું.

“તો શું થયું ?”

“એલા ડફોળ, આપણા બેથી નહીં થાય. તારા બાપાને જાણ કરવી પડશે. ત્યાંથી બધે ફોન કરવા પડશે. વાત સમજ”. રમેશે હવે શું કરવાનું થાય એ વિશે સ્પષ્ટતા કરી. એટલીવારમાં બંને ઘેર પહોંચી ગયા. બંનેને કસમયે એકસાથે ઘેર આવેલા જોઇ સમજુબાપાને પણ નવાઇ તો લાગી.

“તોરલ ક્યાં ?” દિપકે ઘરમાં પ્રવેશતાંજ માતા તરફ જોઇને સવાલ ફેંક્યો.

“ઇ તો બેનપણીને ત્યાં ગઇ.” માતાને જેટલી ખબર હતી એટલું કહ્યું.

“બેનપણી નહીં, બેનપણા હારે ગઇ.” દિપકે દાંત કચડતાં કહ્યું.

“કાંઇ હમજાય એવું બોલ” સમજુબાપાએ બાજી સંભાળી.

દિપકે તેને બધી વાત કહી. એ વખતે બંને ભાઇઓની પત્નીઓ પણ ત્યાં આવી ગઇ હતી. તો દિપકનો મોટોભાઇ અશોક પણ ઘરમાંજ હતો. જયદેવ અને તોરલનો પ્લાન તાલાલા જવાનો હોય અને ત્યાંથી બસ પકડીને સ્વાભાવિકપણેજ જૂનાગઢ જવાનો હોય એમ તેઓએ આસાનીથી ધારી લીધું. કારણકે, રામમંદિરની ગાળીમાંથી બંને ભાગ્યા હોય તો તેમને આગળ જવા ફરજીયાત તાલાલા થઇનેજ જૂનાગઢ જવું પડે. જુનાગઢથી પછી બીજે ક્યાંય પણ જઇ શકાય એમ હતું. આ માટે અશોક, દીપકની સાથે રમેશ પણ જાય એવું નક્કી થયું. ઇમરજન્સી માટે સમજુબાપાએ અશોકને 10 હજાર રૂપિયા આપ્યા. કદાચ લાંબી ભાગદોડ કરવાની થાય અથવા પોલીસને આ કામમાં રાજી કરવા પણ રૂપિયા ઢીલા કરવા પડે એ તેઓ જાણતા હતા. અશોક, દિપક અને રમેશ ત્રણેય જણા બે બાઇક પર ઉપડ્યા રામમંદિરની ગાળી તરફ. આ સમયગાળામાં જયદેવની બાઇક ક્યાંની ક્યાં નિકળી ગઇ હતી. તેને આંબવા ઝડપ રાખવી પડે એમ હતી. બાઇક સીધીજ તાલાલા બસ સ્ટેન્ડે લેવી એવું નક્કી થયું હતું.

*******

આ તરફ જયદેવ અને તોરલે તાલાલા આવી બાઇક દેવાયતની દુકાને મૂક્યું. ચાવી તેને સોંપી અને બસ સ્ટેન્ડ જવા રીક્ષામાં બેઠા. દેવાયતની દુકાન ગુંદરણ રોડ પર હતી. અને જો કોઇ પીછો કરતું આવે અને બંને પગપાળા જતા હોય તો આસાનીથી નજરે ચઢી જાય. આ પ્લાનીગ પણ જયદેવે અગાઉથીજ વિચારી રાખ્યું હતું. બંને તાલાલા બસ સ્ટેન્ડ પહોંચ્યા. બંને એક બાંકડે બેસી જૂનાગઢ માટે બસની વાટ જોતા હતા. અહીં બધું સમયસર ચાલતું હતું. એટલે બસને આવવાને હજુ 20 મિનીટની વાર હતી. એવામાં જયદેવ ઉઠ્યો.

“ક્યાં જાવ છો ?” તોરલે પૂછ્યું.

“પાણીની બોટલ અને થોડો નાસ્તો લઇ લઇએ. રસ્તામાં કોને ખબર ક્યારે મળે.”

“ભલે પણ ઝટ આવજો. મને બીક લાગે છે.” તોરલે ભિતી દર્શાવી.

“ઓકે, તું પણ ચાલ મારી સાથે.” કહી જયદેવે તેને પણ સાથે લીધી.

એ વખતે 3 ઘટના એકસાથે બની.


ઘટના-1

અશોક, દિપક અને રમેશ ત્રણેય પોતાની બે બાઇક પર એકસાથે તાલાલાનાં બસ સ્ટેન્ડમાં પ્રવેશ્યા.


ઘટના-2

જયદેવ અને તોરલ બસ સ્ટેન્ડના કન્ટ્રોલ રૂમની પુછપરછ બારી તરફના સ્ટોલ પાસે આવ્યા. આ એ ભાગ હતો જ્યાંથી વેરાવળ-ઉના-કોડીનર તરફ જતી બસો ઉપડતી હતી. જ્યારે તોરલનાં ભાઇઓ સીધાજ પહોંચ્યા એ તરફનાં પ્લેટફોર્મ પરથી જૂનાગઢ-રાજકોટ તરફ જતી બસો ઉપડતી હતી. જો તોરલ અને જયદેવને સ્ટોલ તરફ જવામાં બે મિનીટની પણ વાર લાગી હોત તો તેઓ ઝટ નજરે ચઢી જવાનાં હતા.


ઘટના-3

ત્રીજી ઘટના બનવાને લીધે જયદેવ અને તોરલ અણીનાં સમયે બચી ગયા. ધમધમાટ કરતા બાઇક સાથે બસ સ્ટેન્ડમાં પ્રવેશેલા અશોક, દિપક અને રમેશને જૂનાગઢથી ચેકીંગમાં આવેલી એસટી વિભાગની ટ્રાફિક શાખાની ટીમે રોક્યા. ત્રણેય તેમની સાથે રકઝક કરતા હતા. તેઓ અવાજ અાખા બસ સ્ટેન્ડમાં સંભળાયો. જયદેવ અને તોરલ બંનેના કાન ચમક્યા. બંનેને ટ્રાફિક કન્ટ્રોલર કેબિનની જાળીમાંથી એ દૃશ્ય નજરે ચઢી ગયું.

એકજ પળમાં જયદેવે નિર્ણય લઇ લીધો. તોરલનો હાથ પકડી બંને લગભગ દોડતા હોય એ રીતે બસ સ્ટેન્ડની બહાર નિકળી ગયા.

“રેલ્વે સ્ટેશન.” પહેલી દેખાઇ એજ રીક્ષામાં બંને બેસી ગયા. રીક્ષા ડ્રાઇવરે રીક્ષા તાલાલા રેલ્વે સ્ટેશન તરફ મારી મૂકી.

આ તરફ અશોકે ટ્રાફિક ટીમને બનાવની ગંભીરતા સમજાવી માફી માંગી અને દંડ ભરવા તૈયારી બતાવી. જોકે, તેને ટીમનાં અધિકારીએ તાકીદ કરીને મુક્ત કરી દીધા. ત્રણેય બસ સ્ટેન્ડનો ખૂણેખુણો ફરી વળ્યા. પણ હવે તેમને કાંઇ હાથ લાગે એમ નહોતું. ત્રણેયે બસ સ્ટેન્ડની બહાર જૂનાગઢ જતી ખાનગી ટ્રાવેલ્સ જોઇ. પણ નિરાશા જ સાંપડી.

તો જયદેવ અને તોરલ રેલ્વે સ્ટેશને પહોંચ્યા એ વખતે ટ્રેનની વ્હીસલ સંભળાઇ. દેલવાડાથી જૂનાગઢ જતી ટ્રેન પ્લેટફોર્મ પર આવી રહી હતી. હવે જોકે, બંનેએ એકબીજાને એકલા મૂકીને ક્યાંય દૂર ન જવાનું નક્કીજ કરી લીધું હતું. જયદેવે લાઇનમાં ઉભીને ટિકીટ લીધી. અહીં ટ્રેન 10 મિનીટ થોભવાની હતી એટલે વાંધો ન આવ્યો. ગણીને 4 કોચની ટ્રેનમાં સાવ ખાલી તો એકેય કમ્પાર્ટમેન્ટ નહોતું. આથી બંનેએ ઉપરની સીટ પર જગ્યા લીધી. વ્હેલું આવે જૂનાગઢ.

આ તરફ અશોક, દિપક અને રમેશ ઝટ કેડો મૂકે એમ નહોતા. ઘોડા છૂટી ગયાનું માની ત્રણેય બંનેને બાઇક પર જૂનાગઢ આવવા નિકળી ગયા. જયદેવનાં ભાઇની બાઇક તેમને ક્યાંય દેખાઇ નહીં. એટલે કદાચ તેઓ બાઇક પર જૂનાગઢ તરફ જઇ શકે એમ તેઓ માની રહ્યા હતા. રસ્તામાં સાસણ-મેંદરડામાં ક્યાંય નજરે ન ચઢ્યા. એટલે હવે જૂનાગઢ બસ સ્ટેન્ડે પહોંચવાનું તેઓએ નક્કી કર્યું.

*****

મંગલપુરથી જૂનાગઢ સુધી પકડદાવ રમ્યા બાદ જયદેવ અને તોરલ હેમખેમ ભાવનગર પહોંચી ગયા હતા. અને અગાઉની ગોઠવણ મુજબ સિવીલ મેરેજ પણ કરી લીધા. બીજા દિવસ છાપામાં જાહેરાત પણ આવી ગઇ હતી. જયદેવ નોકરીએ ચઢી ગયો. અને તોરલે ભાવનગર પોલીસ લાઇનમાંજ મળેલા કવાર્ટરને “ઘર” બનાવવાનું શરૂ કરી દીધું હતું. જયદેવના બાપુ અને બા ઘરવખરીનો સામાન વસાવી આપવા ભાવનગર આવી ગયા હતા. જયદેવના પરિવારે તો તોરલને આસાનીથી સ્વીકારી લીધી. કારણકે, તેના પ્રેમમાં પડ્યા બાદજ જયદેવ દારૂ-જુગારની લતમાંથી છૂટી 10 મા સુધી ભણી શક્યો. નોકરી નવી હતી એટલે 6 મહિના પછી જયદેવ અને તોરલે હનીમુનમાં જવાનો નિર્ણય કર્યો હતો. જોકે, પતિ-પત્ની વચ્ચેનાં સંબંધો બંનેને સ્વર્ગની અનુભૂતિ કરાવતા હતા. કારણકે, છૂપાઇને માણેલા શરીરસુખને બદલે પતિ-પત્નીના પવિત્ર બંધન અને તેમાં ભળેલો પ્રેમ આ બધાં પરિબળોએ બંનેની જીંદગીમાં સુખનો ગુણાકાર કરી નાંખ્યો. જોતજોતામાં હનીમૂનમાં જવાનો દિવસ પણ આવી ગયો. બંને કુલુ-મનાલી ફરવા ઉપડી ગયાં.

******

જયદેવ પોતાનાં લગ્નજીવનથી ખુબજ સંતુષ્ટ હતો. પણ લગ્નનાં એક મહિના પછીથી તોરલના મનમાં એક છૂપો ડર પ્રવેશી ગયો હતો. બહારથી હસતું મોઢું રાખતી તોરલના મનમાં ભારે ઉત્પાત હતો.

(ક્રમશ:)

****

તોરલનાં મનમાં શું ઉત્પાત હતો. કઇ વાત તેને રાતદિવસ ચેનથી સુવા નહોતી દેતી એ આપણે હવેના પ્રકરણમાં જોઇશું.

આપનાં પ્રતિભાવો મો. 9825612221 પર વોટ્સએપ અથવા nimishthakar.divyabhaskar@gmail.com પર આપી કરી શકો છો.

મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરશો તો ગમશે. મારું એકાઉન્ટ છે thakernimish..