સંભવામિ યુગે યુગે ભાગ ૧૭ Jyotindra Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંભવામિ યુગે યુગે ભાગ ૧૭

ભાગ ૧૭

સોમ માતાપિતાની રજા લઈને અમદાવાદ આવવા નીકળ્યો.તેના મનના ઉદભવેલા પ્રશ્નોનું સમાધાન થવાને બદલે બીજા પ્રશ્નોએ જન્મ લીધો હતો. તેના મનમાં અપરાધની ભાવનાએ ઘર કરી લીધું હતું. તેના કાનમાં હજી પણ સુમાલીએ કહેલા શબ્દો ગુંજી રહ્યા હતા, વૈશ્રવણ પૌલત્સ્ય , રક્ષરાજ રાવણ, રક્ષ સંસ્કૃતિનો જન્મદાતા. શું પોતે રાવણનો અવતાર છે? પોતાના કાળી શક્તિના પ્રત્યેના અનુરાગ વિશેનો પ્રશ્ન હવે માથું ઉચકવા લાગ્યો હતો. શિવ પ્રત્યેનો અનુરાગ, સંગીતપ્રેમ, કાળી શક્તિઓનું આકર્ષણ, જ્ઞાન અને શક્તિની લાલસા તેને એવો નિર્દેશ આપતી હતી કે તે રાવણનો અવતાર હતો, પણ તેનું એક મન કહેતું હતું કે શક્ય છે કુંડળીની સામ્યતાને લીધે તેનામાં આ બધા ગુણો હોય.

કોઈ શક્તિ તેનું રક્ષણ કરી રહી છે શું કોઈ દૈવી શક્તિ રક્ષણ કરી રહી છે? કે કોઈ અઘોર શક્તિ તેનું રક્ષણ કરી રહી છે? તે અમદાવાદ આવ્યા પછી પણ આ વિચારોમાં ગુમ હતો કે તેને પાયલને મળવાનું કે કોલેજ જવાનું ન સુઝયું, અંતે જયારે ભુરીયાએ તેને ટોક્યો ત્યારે તેને ભાન થયું કે આવ્યા પછી તે ૧૮ કલાકથી પથારીમાં પડ્યો છે, તે ન જમ્યો હતો કે ન તો ઊંઘ્યો હતો. ભુરાના મનની શંકા મજબૂત થતી જતી હતી કે આ ડ્રગ્સને રવાડે ચડી ગયો છે, તેણે કહ્યું, “સોમ, આજે તો કોલેજ આવવું પડશે હજી વધારે રજા પાડીશ તો તને કોલેજમાંથી રેસ્ટિકેટ કરી નાખવામાં આવશે. કઈ નહિ તો એક બે લેક્ચરમાં હાજરી આપજે અને પછી લાયબ્રેરીમાં બેસજે, ત્યાંના પુસ્તકો પણ તારા વગર સૂના પડ્યા છે.” લાયબ્રેરીનું નામ પડ્યા પછી સોમના મનમાં ઝબકારો થયો કે રાવણ વિશેનું સાહિત્ય કોલેજની લાયબ્રેરીમાં કે સીટી લાયબ્રેરીમાં મળી જશે.સોમે ભુરીયાને કહ્યું, “તું ફક્ત દસ મિનિટ રાહ જો હું તૈયાર થઇ જાઉં છું.” દસ મિનિટમાં તો સોમ તૈયાર થઈને કોલેજ જવા નીકળી ગયો.

            બાબા કહી રહ્યા હતા, “ચાલો, એક રીતે સારું થયું રામેશ્વર, ઘણીવાર આદેશની અવહેલના કરવાથી પણ ફાયદો થાય છે તેનું ઉત્તમ ઉદાહરણ તું છે.” રામેશ્વરના ચેહરા પર પ્રશ્નાર્થ ચિન્હ હતું. સોમને મારવા આવેલા હત્યારાને પાછળથી ખંજર મારીને રામેશ્વર ત્યાંથી ઝડપથી નીકળી ગયો હતો અને પછી અંડરગ્રાઉન્ડ થઇ ગયો હતો. તેણે સોમને કાળી શક્તિની સાધના કરતા જોયો હતો, પણ તે રાવણનો અવતાર છે એવું સુમાલીના મોઢે સાંભળીને તેને આઘાત લાગ્યો હતો અને તેને પોતાની જાત સાથે નફરત થઇ ગઈ હતી કે પોતે એવી વ્યક્તિનું રક્ષણ કર્યું હતું જે રાવણનો અવતાર છે અને તે તેને પોતાના પુત્રની જેમ જોતો હતો. આખું જીવન મેં પ્રદ્યુમનસિંહનો આદેશ માનીને રાવણની રક્ષામાં વિતાવી દીધું.

 પ્રદ્યુમનસિંહ જે બાબાની વાત કરી તે કદાચ રાક્ષસવંશ અથવા અઘોરપંથી હશે. પાંચ દિવસ તે એક જગ્યાએ લપાયેલો રહ્યો પણ ન જાણે કેવી રીતે પ્રદ્યુમનસિંહે તેને પકડી લીધો અને અત્યારે જંગલમાં એક કુટિરમાં  સાધુની સામે બેસેલો હતો. રામેશ્વરે કહ્યું, “ભૂલ થઇ ગઈ કે મેં આદેશની અવહેલના કરી અને સોમની રક્ષા કરી, પણ હવે જો તમે આદેશ આપશો તો પણ તેની રક્ષા હું નહિ કરું.” બાબા ધીમેથી હસ્યા અને કહ્યું, “હું જાણું છું તારા મનમાં શું ચાલી રહ્યું છે? પણ તું એક વાત યાદ રાખજે કે માણસ જે જુએ છે અને સાંભળે છે એટલું જ સત્ય નથી હોતું. અમુક વાતો સામાન્ય વ્યક્તિની સમજથી પરે હોય છે અને આમેય હવે સોમ ને કોઈના રક્ષણની જરૂર રહી નથી એટલે તું તારું કાર્ય પૂર્ણ થયું એમ સમજ.” બાબાની વેધક આંખો અને પ્રભાવશાળી અવાજ ને લીધે રામેશ્વરનો ક્રોધ શાંત થઇ ગયો હતો.

બાબાએ કહ્યું, “હું ન તો રાક્ષસવંશનો છું અને ન તો અઘોરપંથી અને તને શું લાગે છે ,પ્રદ્યુમનસિંહ અઘોરીઓના ઈશારે કામ કરશે? તારી જાણકારી માટે કહી દઉં કે પ્રદ્યુમનસિંહ કુશના વંશજ છે અને તેમના  પૂર્વજો પણ મારે જો કોઈ કાર્ય કરવું હોય ત્યારે મારો આદેશ માથે ચડાવતા હતા.” રામેશ્વર વિચારવા લાગ્યો કે કેટલી ઉમર હશે આ બાબા ની? બાબાએ કહ્યું, “મારી ઉમર વિષે ન વિચાર જયારે કઈ ન હતું, ત્યારે પણ હું હતો અને જયારે કોઈ નહિ હોય ત્યારે પણ હું હોઈશ. તું ફક્ત મારો આદેશ માન અને પ્રદ્યુમનસિંહ જે આદેશ આપે તે મારો માનીને કામ કર, આ જગતકલ્યાણનું કામ છે અને તેમાં તારો ફાળો મોટો હશે.” રામેશ્વરે કહ્યું, “બાબા એક વાત મને કહો કે શું સોમ એ રાવણનો અવતાર છે?” 

બાબાએ કહ્યું તમે બંને મારી નજીક આવો હું તમને પૂર્ણ વાત કરું, એમ કહીને તેમને આખી વાત કહેવા લાગ્યા. આખી વાત સાંભળ્યા પછી રામેશ્વરના મનનો અપરાધબોધ દૂર થયો. તેણે કહ્યું, “ઠીક છે, બાબા આપ જેમ કહો તેમ કરીશ.” બાબાએ કહ્યું, “તારું મુખ્ય કામ છે જટાશંકરને શોધવાનું અને તેની નિશાનદેહી પ્રદ્યુમનસિંહને આપવાની. તે મળ્યા પછી આગળનો આદેશ હું આપીશ.”

ક્રમશ: