હવસ :-IT CAUSE DEATH ભાગ-11 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હવસ :-IT CAUSE DEATH ભાગ-11

હવસ :-IT CAUSE DEATH-ભાગ 11

પ્રભાત પંચાલની હત્યાની તપાસ અર્થે સ્કાયલવ બિલ્ડીંગ પહોંચેલા અર્જુન અને નાયક ને એજ બિલ્ડિંગની ટેરેસ પરથી ગોળી ચલાવાનાં સબુત તો મળે છે પણ બિલ્ડિંગમાં લગાવેલાં CCTV કેમેરા હજુ સુધી કાર્યરત નથી એવું બિલ્ડીંગનાં સેક્રેટરી તન્મય ગાંધી આવીને કહે છે ત્યારે અર્જુન અને નાયકનાં મનમાં હવે કઈ રીતે કાતિલ સુધી પહોંચવું એવી ગડમથલ ઉભી થાય છે.

જોડે આવેલાં બંને કોન્સ્ટેબલો ને સિક્યુરિટી ગાર્ડની પૂછપરછ કરવા મોકલીને અર્જુન ટેરેસ પર કંઈક સબુત મળવાનાં આશયથી નજર ઘુમાવતો હોય છે ત્યાં એની નજરે કંઈક એવી વસ્તુ ચડે છે જેનાં થકી પ્રભાતનાં હત્યારા સુધી પહોંચવાનો માર્ગ મોકળો થઈ જવાની આશા અર્જુન સેવી રહ્યો હોય છે

અર્જુને નાયક ની તરફ જોતાં કહ્યું.

"નાયક,ઈન્વેસ્ટિગેશન બેગ લાવ.."

અર્જુનની વાત સાંભળી નાયક અર્જુનની નજીક આવ્યો અને પોતાનાં ખિસ્સામાંથી એક પોલીથીન ની નાની ઝીપર બેગ કાઢી અર્જુનને આપી..અર્જુને હાથમાં ગ્લોવ્ઝ પહેરી ખૂબ કાળજીપૂર્વક નીચે પડેલ એ વસ્તુને બેગમાં રાખીને એની ઝીપ બંધ કરી દીધી.

"સર,આતો ચેવિંગમ છે..?આનો વળી હત્યારા જોડે શું સંબંધ..?"અર્જુને બેગમાં મુકેલી વસ્તુ કોઈએ ચાવીને ફેંકેલી ચેવિંગમ હોવાનું ખબર પડતાં આશ્ચર્ય સાથે નાયકે સવાલ કર્યો.

"મને ખબર હતી કે તું આ સવાલ કરીશ..નાયક આ ટેરેસ નો ઘણાં સમયથી ઉપયોગ નથી હોવાનું એની સ્થિતિ જોતાં જ માલુમ પડે છે..તો પછી આ ચેવિંગમ અહીં કઈ રીતે..?અને હજુ એ સંપૂર્ણ સુકાઈને કડક નથી થઈ મતલબ કે આ વધુ સમયથી તો અહીં નથી જ પડી."ચેવિંગમ ની હાલની સ્થિતિ પરથી પોતાનો તાર્કિક મત રજુ કરતાં અર્જુન બોલ્યો.

"ચલો માની લીધું કે આ ચેવિંગમ કાતિલ દ્વારા ચાવીને અહીં ફેંકવામાં આવી છે પણ એની ઉપરથી કાતિલ સુધી પહોંચી શકવાની તમારી વાત મને હવામાં તીર મારવા જેવી લાગે છે.."નાયક અર્જુન તરફ જોઈને બોલ્યો.

"નાયક,એતો તને ત્યારે ખબર પડી જશે જ્યારે આ ચેવિંગમ પર લાગેલાં કાતિલનાં DNA ની ઓળખ ફોરેન્સિક લેબમાં થશે.."અર્જુને કહ્યું.

"કાતિલનાં DNA અને આ ચેવિંગમ પર..કઈ રીતે શક્ય છે..?"નાયક વિસ્મય પૂર્વક બોલી પડ્યો.

"જો નાયક ચેવિંગમ ચાવતી વખતે એની પણ ચાવવાવાળી વ્યક્તિનું થૂંક પણ ભળે જેમાં એની લાળ હોય..અને આ લાળમાં શું હોય..?"અર્જુને આંખોનાં ભવાં સંકોચતાં નાયકની સામે જોઈને સવાલ કર્યો.

"DNA.. અને એ DNA ગુજરાત સરકારનાં ક્રાઈમ ડિપાર્ટમેન્ટ જોડે જે અત્યાર સુધી પોલીસ રેકોર્ડમાં નોંધાયેલ ક્રિમિનલનાં DNA નો રેકોર્ડ છે એનાં જોડે મેચ કરીને કાતિલ સુધી આસાનીથી પહોંચી શકાશે."ચપટી વગાડી નાયક બોલ્યો.

"વાહ મારાં બબ્બર શેર બહુ જલ્દી સમજી ગયો..તો ચાલ હવે નીચે જઈને તપાસ કરીએ કે સિક્યુરિટી ગાર્ડે રાતે કોઈ અજાણ્યાં વ્યક્તિને આ બિલ્ડિંગમાં પ્રવેશ આપ્યો હતો કે નહીં.."અર્જુને ટેરેસનાં ગેટ તરફ આગળ વધતાં કહ્યું.

અર્જુન અને નાયક ત્યારબાદ લિફ્ટમાં બેસી નીચે આવ્યાં જ્યાં અર્જુને મોકલેલાં કોન્સ્ટેબલ સિક્યુરિટી કેબિનમાંથી બહાર નીકળી રહ્યાં હતાં..અર્જુન અને નાયક ને જોતાં વેંત જ એ બંને એમની તરફ આગળ વધ્યાં.

"શું થયું..?શું કહ્યું સિક્યુરિટી ગાર્ડે..?"અર્જુને એમનાં નજીક આવતાં જ સવાલ કર્યો.

"સાહેબ..ગાર્ડ નું કહેવું છે કે આ બિલ્ડીંગ માં બહારથી કોઈપણ એવું વ્યક્તિ આવે જે આ બિલ્ડીંગનું રહેવાસી ના હોય તો એની એન્ટ્રી અહીં રાખેલ રજીસ્ટરમાં થાય છે..કાલે દિવસ દરમિયાન કુલ બાર લોકો આ બિલ્ડિંગમાં આવ્યાં હતાં જે મૂળ અહીંના રહેવાસી નથી.."એક કોન્સ્ટેબલે માહિતી આપતાં કહ્યું.

"તે એ લિસ્ટ લીધું..?"અર્જુને એ કોન્સ્ટેબલની વાત સાંભળી સામો સવાલ કર્યો.

"હા સાહેબ.."આટલું કહી એ કોન્સ્ટેબલે એક કાગળ અર્જુનને આપ્યો જેમાં એ બિલ્ડિંગમાં આવનાર વ્યક્તિનાં નામ,એ કયા કારણોસર ત્યાં આવ્યાં હતાં, એમનાં આગમન નો અને ત્યાંથી જવાનો સમય જેવી માહિતી હતી.

અર્જુને એ કાગળ હાથમાં લીધું અને એમાં રહેલાં વ્યક્તિઓનાં નામ અને ડિટેઈલ ચેક કરી જોઈ..અર્જુને જોયું કે અંદર આવનાર બધાં વ્યક્તિઓનાં આવવાનો અને જવાનો સમય ગઈકાલનો જ હતો..જેનો મતલબ કે એમાંથી કોઈ કાતિલ તો નહોતું કેમકે હત્યારો તો મોડી રાત સુધી બિલ્ડિંગમાં રોકાયો હતો.

"સાહેબ આમાંથી કોણ હોઈ શકે છે મર્ડરર?"નાયકે કોન્સ્ટેબલે આપેલું લિસ્ટ વાંચતા અર્જુન ભણી જોઈને કહ્યું.

"નાયક આમાં જે લોકો છે એમનાં જવાનો સમય પણ ગઈકાલનો જ છે..મતલબ કે હત્યારો દીવાલ કુદીને બિલ્ડિંગમાં આવ્યો અને દીવાલ કુદીને જ બહાર પણ નીકળી ગયો હોવો જોઈએ."અર્જુને પોતાનાં હાથમાં રહેલ લિસ્ટને વાળી ને ખિસ્સામાં મુકતા કહ્યું.

"તો હવે તો અહીંની તપાસ પૂર્ણ થઈ ગઈ હોય તો પોલીસ સ્ટેશન જવા રવાના થઈએ..?"નાયકે પૂછ્યું.

"હા પણ એ પહેલાં તું ફોરેન્સિક લેબમાં ફોન કરી પૂછી જો કે પ્રભાતની બોડીનું એક્ઝેમાઇન થઈ ગયું હોય અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ તૈયાર હોય તો પ્રભાતનાં મૃતદેહ ને એમનાં પરિવાર ને આપવાની વિધિ પૂર્ણ કરીએ.."પોલીસ જીપ તરફ આગળ વધતાં અર્જુને નાયક ને આદેશ આપતાં કહ્યું.

અર્જુનનાં કહેવાથી નાયકે ફોરેન્સિક ડિપાર્ટમેન્ટમાં કોલ કરી અર્જુને જે કંઈપણ કહ્યું હતું એ પૂછી લીધું.નાયક જ્યારે ફોન પર વાતચીત કરી રહ્યો હતો એ દરમિયાન અર્જુને જીપને પોલીસ સ્ટેશન તરફ ભગાવી મુકી.

ત્રણ-ચાર મિનિટની વાત બાદ નાયકે જીપ ચલાવતાં અર્જુનને ઉદ્દેશીને કહ્યું.

"સાહેબ આજે બપોરે બે વાગતાં પ્રભાતનાં મૃતદેહ ને એનાં ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરી દેવામાં આવશે અને એટલાં વાગે જ પ્રભાતનાં પોસ્ટમોર્ટમનો રિપોર્ટ પોલીસ સ્ટેશન પહોંચી જશે."

"સારું."અર્જુન આટલું બોલ્યો અને પછી જીપનાં એક્સીલેટર પર મુકી જીપને પોલીસ સ્ટેશન તરફ ભગાવી મુકી.

પોલીસ સ્ટેશન પહોંચી અર્જુન જીપમાંથી ઉતરી ગયો અને નાયક ને ટેરેસ પરથી મળેલી ચેવિંગમ લઈને ફોરેન્સિક લેબ જવાનો હુકમ કરી દીધો.અર્જુનની વાત સાંભળી નાયક ફોરેન્સિક લેબ જવા માટે રવાના થઈ ગયો.

નાયકનાં જતાં જ અર્જુને પીનલ ને ફોન કરી ટિફિન લેવા પોતાનો એક કોન્સ્ટેબલ આવશે એવું કહી કોલ ડિસ્કનેક્ટ કરી દીધો.પીનલ જોડે વાત પૂર્ણ કર્યાં બાદ એક કોન્સ્ટેબલને પોતાનાં ઘરે ટિફિન લેવા જવાનું જણાવી અર્જુન પોલીસ સ્ટેશનમાં આવી પોતાની કેબિનમાં જઈને બેસી ગયો.

**********

આ તરફ અર્જુન પોતાની તપાસ ને વેગવંતી બનાવવાની કોશિશમાં હતો એ દરમિયાન સાંઈબાબા મંદિર જોડેનાં ગાર્ડનમાંથી જેકેટધારી વ્યક્તિએ રાખેલું પાર્સલ લઈ જનાર વ્યક્તિ રાધાનગરમાંથી નીકળી જવાની કોશિશમાં લાગેલો હતો.કેમકે એને ખબર હતી કે અર્જુન આજે પ્રભાતની હત્યાનાં સબુતો મેળવવા સ્કાયલવ બિલ્ડીંગ જઈ આવ્યો હતો.અને એસીપી અર્જુન જો કંઈપણ કરવાનું ધારી બેસે તો એને અંજામ સુધી પહોંચાડ્યા વગર રહેતો નથી એ વાતથી એ હત્યારો વાકેફ હતો.

"આફતાબ,હું આજે રાતે અહીંથી નીકળું છું.એસીપી અર્જુન મારાં સુધી પહોંચે એ પહેલાં અહીંથી નીકળી જવામાં ભલાઈ છે.તું મારાં રહેવાની સગવડ કરી રાખજે.."આફતાબ નામનાં પોતાનાં કોઈ દોસ્ત સાથે ફોન પર વાત કરતાં એ વ્યક્તિ બોલ્યો.

"ભાઈ થઈ જશે..તમે જલ્દીથી ત્યાંથી સહી-સલામત નીકળી જાઓ એટલે ઘણું છે."સામેથી આફતાબ નો અવાજ આવ્યો.

"મારી ચિંતા ના કર..કાલે સવારે મળું,ખુદાહાફીઝ."આટલું કહી એ વ્યક્તિએ કોલ ડિસ્કનેક્ટ કરી દીધો.

ફોન કટ કરતાં ની સાથે એ વ્યક્તિ પોતાનાં હાથ ફેલાવી અટ્ટહાસ્ય કરતાં બોલ્યો.

"મને ખબર છે કે એસીપી અર્જુન આજે તું સ્કાયલેબ બિલ્ડીંગ જઈ આવ્યો પણ અર્જુન હું કોઈકાળે તારાં હાથમાં નહીં આવું.."

એ વ્યક્તિ પોતે પ્રોફેશનલ સ્નાયપર હતો જેને પ્રભાતની હત્યા કરી હતી..પ્રભાતની હત્યા માટેની નક્કી કરેલી રકમ એને મળી ગઈ હતી એટલે એ રાધાનગર મૂકીને દૂર નાસી જવાની ફિરાકમાં હતો..અને ત્યાં સુધી એ રાધાનગર નહોતો આવવાનો જ્યાં સુધી આ કેસ ની તપાસ શાંત ના થાય.

એનાં પછી એ વ્યક્તિ પોતે જ્યાં હાજર હતો એ ઘરમાં એક રૂમની અંદર પ્રવેશ્યો જ્યાં એક રૂપલલના હાજર હતી..અર્જુન પર આવેલો ગુસ્સો એ વ્યક્તિ એ રૂપલલના પર ઉતારવાનો હતો એ એનાં હાવભાવ પરથી સ્પષ્ટ સમજાતું હતું.

એ વ્યક્તિની આંખો અત્યારે કોઈ જંગલી બિલાડીની માફક ચમકી રહી હતી..એને રૂમમાં પ્રવેશતાં ની સાથે જ એક દારૂનો ગ્લાસ ગટકાવી દીધો અને પછી બેડ પર બેસેલ એ રૂપલલના ની જોડે જઈને એનો ચહેરો બળપૂર્વક પોતાની તરફ ખેંચી એનાં ગાલ પર એક બચકું ભરી લીધું.

"અરે ઓ સાહેબ..દુખે છે..આમ નહીં કરવાનું.મારે નથી જોઈતાં તમારાં હજાર રૂપિયા.."એ વ્યક્તિની આ હરકતથી એ રૂપલલના ક્રોધિત થઈને બેડમાંથી ઉભી થતાં બોલી.

પ્રભાતની હત્યા કરનાર એ સનાયપરે રૂપલલના નો હાથ બળપૂર્વક પકડીને એને સો ની નોટોનું બંડલ બતાવતાં કહ્યું.

"એક હજાર માટે નહીં તો કંઈ નહીં પણ દસ હજાર માટે તો થોડી તકલીફ સહન થઈ શકે ને જાનેમન..?"

દસ હજાર રૂપિયા જોતાં જ દેહ વ્યાપાર કરતી એ મહિલાની આંખો ચકળવકળ થઈ ગઈ અને એને એ દસ હજારનું બંડલ પોતાનાં હાથમાં લેતાં કહ્યું.

"આનાં માટે તો હવે જાન પણ કુરબાન છે તારાં માટે.."

બસ પછીતો એ રૂમમાં લાંબો સમય ઉંહકારા અને સીસકારીઓ સાંભળવાની હતી એ નક્કી હતું.

**********

બપોરનું જમવાનું પૂર્ણ કરી અર્જુન મારબલો સિગરેટ નું પેકેટ કાઢી એક સિગરેટ સળગાવે છે.સિગરેટ નાં કશ અર્જુનને વધુ વિચારવાની શક્તિ આપી રહ્યાં હોય એમ એ વધુ ને વધુ ઝડપથી પોતાની મગજની વિચારશક્તિ ને દોડાવી રહ્યો હતો.

વિચારતાં વિચારતાં અર્જુનને ક્યારે ઊંઘ આવી એની પણ એને ખબર ના રહી..બપોરે અઢી વાગ્યાંનાં સુમારે નાયક નો અવાજ સાંભળી અર્જુનની આંખ ખુલી.

"આવ આવ નાયક.."આંખો ખોલી નાયક ને ખુરશીમાં બેસવા માટે કહેતાં અર્જુન બોલ્યો.

અર્જુનની વાત સાંભળી નાયક અર્જુને બતાવેલી ખુરશીમાં બેસી ગયો..નાયકને પોતે થોડી વારમાં આવે છે એવું કહી અર્જુન પોતાની જગ્યાએથી ઉભો થઈને પોતાની કેબિનમાંથી બહાર નીકળી ગયો.પાંચ મિનિટ બાદ ફ્રેશ થઈને અર્જુન કેબિનમાં આવ્યો અને પોતાની રોલિંગ ચેરમાં બેસતાં બોલ્યો.

"તો નાયક શું ખબર છે..પ્રભાતનાં પોસ્ટમોર્ટમનાં..?"

"સાહેબ..પ્રભાત પંચાલનું પોસ્ટમોર્ટમ પૂર્ણ થઈ ગયું છે..એટલે મેં એનાં મૃતદેહને એનાં પરિવાર ને સુપ્રત કરી દીધો..પ્રભાતનાં ઘરે જઈ એની ધર્મ પત્ની ને મળી બાકીની પ્રોસેસ પતાવીને સીધો અહીં આવ્યો.."નાયકે અર્જુનનાં સવાલનો જવાબ આપતાં કહ્યું.

"સારું..તો શું આવ્યું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં..?"અર્જુને ટેબલનાં ટેકે કોણી મૂકી શરીરનો ઉપરનો ભાગ નાયક બેઠો હતો એ તરફ ઝુકાવતાં પૂછ્યું.

"સાહેબ આ રહ્યો પોસ્ટમોર્ટમ રિપોર્ટ..મેં ઉતાવળમાં હજુ સુધી એ રિપોર્ટ વાંચ્યો નથી.."અર્જુન તરફ એક બંધ કવર લંબાવતાં કહ્યું.

અર્જુને નાયકનાં હાથમાંથી એ બંધ કવર લઈ લીધું..અર્જુન કવર ખોલવા જતો હતો ત્યાં કંઈક બીજી વાત યાદ આવતાં બોલ્યો.

"અરે નાયક મેં પેલી ચેવિંગમ ફોરેન્સિક લેબમાં આપવાનું કહ્યું હતું એનું શું કર્યું.?"

"સાહેબ મેં એ ચેવિંગમ યાસીર શેખ ને આપીને એની ઉપર રહેલ લાળમાં મોજુદ DNAની તપાસ કરી એને ક્રાઈમ ડિપાર્ટમેન્ટ જોડે જેટલાં અપરાધીઓનાં DNAનો ડેટા મોજુદ છે એની સાથે સરખાવવા જણાવી દીધું છે..આજે સાંજ સુધી શેખ બધી તપાસ કરી કોલ કરશે એવું એમને કહ્યું છે.."નાયકે કહ્યું.

નાયકની વાત સાંભળી પોતાનું કહેલું કામ સંતોષકારક રીતે કર્યો હોવાની રાહત થતાં અર્જુનને હાશ થઈ.ત્યારબાદ કવર ને ખોલી અર્જુને એની અંદર રહેલા પ્રભાતનાં પોસ્ટમોર્ટમ રિપોર્ટને પોતાનાં હાથમાં લઈ એને ધીરે ધીરે વાંચવાનું શરૂ કર્યું.

અર્જુન જેમ-જેમ પોસ્ટમોર્ટમ રિપોર્ટ વાંચી રહ્યો હતો એમ-એમ અર્જુનનાં ચહેરાની રેખાઓ તંગ થઈ રહી હતી..અર્જુનનાં મુખ પર બદલાયેલાં હાવભાવ જોઈ નાયકને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કંઈક એવી વસ્તુ હોવાની ગંધ આવી રહી હતી જેની અપેક્ષા ના અર્જુને કરી હતી ના નાયકે..!!

"સાહેબ અંદર એવું તે શું છે જેનાં લીધે તમારો ચહેરો ફિક્કો પડી ગયો..?"પોતાની ધીરજ ખૂટતાં નાયકે આખરે મનમાં ચાલતો સવાલ પુછી જ લીધો.

★★★★★★★

વધુ આવતાં અંકે.

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શું હતું જે વાંચી અર્જુન ચિંતિત થઈ ગયો હતો..??ચેવિંગમ પર મોજુદ DNA અર્જુનને સ્નાયપર સુધી પહોંચાડી શકશે..??કે પછી સ્નાયપર રાધાનગર છોડી પકડાયા વગર ભાગી શકશે..??મંગાજી પ્રભાતની હત્યામાં સામેલ હતો..?પ્રભાત ની હત્યા કોને કરાવી હતી.??એ જાણવા વાંચતાં રહો આ નોવેલ નો નવો ભાગ. આ નોવેલ અંગેના રિવ્યુ 8733097096 whatsup કરી પર આપી શકો છો.

તમે પણ આગળ વધતી આ સસ્પેન્સ નોવેલ હવસ પર તમારાં પ્રતિભાવ આપી શકો છો..સાથે સાથે તમારાં મગજને કસીને કાતિલ કોણ છે એ પણ શોધવાનો પ્રયાસ કરો અને મને જણાવતાં રહો કે તમારાં મતે પ્રભાતનો હત્યારો કોણ છે..?

માતૃભારતી પર આ સિવાય વાંચો મારી અન્ય નોવેલ..

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

~જતીન.આર.પટેલ (શિવાય)