હવસ :-IT CAUSE DEATH ભાગ-9 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હવસ :-IT CAUSE DEATH ભાગ-9

હવસ :-IT CAUSE DEATH-ભાગ 9

અનિકેત નાં ખાસમખાસ દોસ્ત પ્રભાત પંચાલની એનાંજ નિવાસસ્થાને હત્યા થઈ હોવાનો કોલ રાધાનગર પોલીસ સ્ટેશનમાં પ્રભાતનાં ડ્રાઈવર દ્વારા કરવામાં આવતાં અર્જુન એનાં અન્ય કર્મચારીઓ સાથે પ્રભાતનાં ઘરે તપાસ માટે પહોંચી જાય છે.ત્યાં પ્રભાતનો ડ્રાઈવર અર્જુનને પહેલાં માળે લઈ જાય છે જ્યાં પ્રભાત ની ખુરશીમાં લાશ પડી હોય છે.

પ્રભાતની લાશને વ્યવસ્થિત જોતાં અર્જુન એ તારણ પર આવે છે કે કોઈએ બાલ્કની ની સામે આવેલી બહુમાળી ઇમારતની ટેરેસ પરથી સ્નાયપર ગન વડે ફાયર કરી પ્રભાતને મોત ને ઘાટ ઉતાર્યો હોઈ શકે છે..આ સિવાય ઘરમાં ચોરી થઈ હોવાનું પણ પ્રાથમિક તપાસમાં દેખાઈ છે..પણ શું ખરેખર ચોરી થઈ હતી કે કેમ એની ખબર તો પ્રભાતની પત્ની અનિતા જ આપી શકે એમ વિચારી અર્જુન અને નાયક અનિતાની રાહ જોઈ રહ્યાં હોય છે.

નાયકે કોલ કરી ક્રાઈમ ફોટોગ્રાફર અને ફોરેન્સિક એક્સપર્ટ ની ટીમ ને ઘટનાસ્થળે બોલાવી લીધાં હતાં.પ્રભાતનાં બેડરૂમને કોર્ડન કરી ફોરેન્સીક એક્સપર્ટ ની ટીમ એમનાં કામકાજમાં લાગી ગઈ.ફોટોગ્રાફરે પણ અર્જુન ની દેખરેખ નીચે ક્રાઈમ સીનનાં જરૂરી ફોટોગ્રાફ લેવાનાં શરૂ કરી દીધાં. એમની તપાસ હજુ મોડે સુધી ચાલવાની હતી કેમકે ત્યાં મોજુદ નાનામાં નાની કોઈપણ કડી હાથમાંથી છૂટી જાય એવું અર્જુન બનવા દેવા ઈચ્છતો નહોતો.

રાત નાં આઠ વાગવા આવ્યાં હતાં ત્યાં બંગલા ની નીચેની તરફ થી કોઈ સ્ત્રીનાં હીબકાં નો અવાજ સંભળાયો અને હીબકાંને અનુસરતાં પગરવનો અવાજ ઉપરની તરફ આવતો જણાયો.અવાજની દિશામાં અર્જુન અને નાયકે નજર કરી તો એક પાંત્રીસેક વર્ષની મહિલા લગભગ દોડતી હોય એમ ઉતાવળું ચાલીને પ્રભાતની બેડરૂમની અંદર પ્રવેશી.બેડરૂમની દીવાલ પર લગાવેલાં ફોટોમાં પ્રભાત જોડે જે મહિલા હતી એનો ચહેરો એ સ્ત્રી સાથે મેળ ખાતો હતો જેનો મતલબ હતો કે એ અનિતા હતી.

અનિતા દોડતી આવીને પ્રભાત ની લાશને ભેટવા જતી હતી પણ અર્જુને સમયસૂચકતા વાપરી એનો રસ્તો રોકતાં કહ્યું.

"મેડમ..હું તમારી લાગણી અને દુઃખની કદર કરું છું..તમારાં પર શું વીતી રહી છે એની ખબર તો ભગવાન જ લગાવી છે..પણ તમારાં પતિની નિર્મમ હત્યા થઈ છે એટલે હાલ પુરતો તો તમે એનાં મૃતદેહને સ્પર્શ નહીં કરી શકો કેમકે એમ કરતાં ક્યાંક કાતિલ વિરુદ્ધ નું કોઈ સબુત નાશ પામે તો એ અમારી પકડમાંથી છૂટી જાય જે તમે નહીં ઈચ્છો..sorry પણ હું મારી ફરજ આગળ મજબુર છું."

અર્જુન ની વાત સાંભળી અનિતા એ પોતાની જાતને રોકી તો લીધી પણ પછી બેડ ઉપર બેસી એને આક્રંદ શરૂ કરી દીધું..અનિતાને આ રીતે રૂદન કરતી જોઈને પથ્થર હૃદયનાં અર્જુનનું હૈયું પણ દ્રવી ઉઠ્યું.એક પુરુષ હોવાથી એ વધુ કંઈ તો કરી શકે એમ નહોતો પણ અનિતા ને શબ્દો થકી હૈયાં ધારણા આપવાની કોશિશ જરુર કરી રહ્યો હતો..પણ અર્જુન જેમ-જેમ અનિતા તરફ સાંત્વના બતાવતો એમ એમ એ વધુ પોક મૂકીને રડી રહી હતી.

હજુ તો ઉંમર નાં મધ્યાહને પહોંચી પોતાનાં પતિને ગુમાવવાની વ્યથા અનિતાનાં ચહેરા પરથી સાફ-સાફ નજરે પડી રહી હતી..અનિતાનું રોકકળ ચાલુ હતું ત્યાં એક મહિલા અને એક પુરુષ પ્રભાતનાં બેડરૂમ તરફ આવતાં જણાયા.એ આગંતુક પુરુષને અર્જુન ઓળખતો હતો..એને આવતાં ની સાથે અર્જુનને ઉદ્દેશીને કહ્યું.

"ઇન્સ્પેક્ટર શું થયું છે પ્રભાત ની સાથે..વાત મળી છે કે એની હત્યા થઈ છે.?"

"હા mr.અનિકેત કોઈએ ગોળી મારી અનિકેત ની હત્યા કરી છે અને એ પણ સ્નાયપર ગનનો ઉપયોગ કરી.."અર્જુને એ આગંતુક પુરુષને ઓળખતો હતો..એ બીજું કોઈ નહીં પણ અનિકેત હતો.અર્જુન ઘણી વાર અનિકેત ને શહેરનાં જાહેર પ્રસંગોમાં મળી ચુક્યો હતો.

"What.. સ્નાયપર ગન..?"અનિકેત નાં મોંઢે બોલાઈ ગયું.

"હા..સ્નાયપર ગન.ત્યાં પડ્યો છે મરહુમ પ્રભાતનો મૃતદેહ.પણ તમે એને સ્પર્શ કર્યાં વિના દૂરથી જોવો એવી વિનંતી."અર્જુને વિનયપૂર્વક કહ્યું.

અર્જુન અને અનિકેત એકબીજાથી પરિચિત હોવાં થી પ્રભાતની હત્યા કોણે અને કેવી રીતે કરી હોવી જોઈએ એ અંગેની ચર્ચા કરી રહ્યાં હતાં એ દરમિયાન અનિકેત ની જોડે આવેલી મહિલા અનિતાને સાંત્વના આપી રહી હતી..એ મહિલા શક્યવત અનિકેત ની પત્ની હોવી જોઈએ એવું અર્જુનને લાગ્યું.

ધીરે-ધીરે અનિતા થોડી સ્વસ્થ જણાતાં અનિકેત અને અર્જુન એની જોડે આવ્યાં અને અર્જુને ઈશારો કરતાં અનિકેતે અનિતાને કહ્યું.

"ભાભી,જોવો હવે જે થઈ ગયું એને સ્વીકારવું પડશે..આ દુઃખની ઘડીમાં તમારી ઉપર જે કંઈપણ વીતી રહી છે એ કળવું અમારાં માટે મુશ્કેલ છે.હું અને જાનકી આ વ્યથા ની પળોમાં તમારી સાથે છીએ."

"એ સિવાય જેને પણ પ્રભાતની હત્યા કરી છે એને કડકમાં કડક સજા મળે એ માટે એનું પકડાવું જરૂરી છે.પણ એ મારે ઇન્સ્પેક્ટર સાહેબ નાં અમુક સવાલો છે એનાં યોગ્ય જવાબ આપી તમે એમની સહાયતા કરો તો સારું."

અનિકેત અનિતા ને સમજાવી રહ્યો હતો એ વખતે અનિકેત ની પત્ની જાનકી અનિતાની પીઠ પર હાથ ફેરવી એને સાંત્વના આપી રહી હતી..અનિતા એ અનિકેત ની સામે જોયું અને કહ્યું.

"હા હું મારાંથી શક્ય હોય એટલી મદદ કરવા તૈયાર છું."

અનિતાની આંખો રડીરડીને લાલ થઈ ગઈ હતી..એનો ચહેરો પણ અત્યારે મુરઝાઈ ગયો હતો.

"તમને પ્રભાતની હત્યા કોને કરી એ ઉપર કોઈ શક છે..?"અર્જુને પ્રથમ સવાલ પૂછતાં કહ્યું.

અર્જુનનો પુછાયેલો સવાલ સાંભળી અનિતા નાં ચહેરા પર નાં ભાવમાં પરિવર્તન આવ્યું જાણે કે એ અર્જુનનાં સવાલનો જવાબ શોધવા માટે ગહન વિચારી રહી હતી..થોડો સમય વિચારમગ્ન રહ્યાં બાદ અનિતા એ કહ્યું.

"મારાં અંદાજે પ્રભાત ને એવી તે કોઈ દુશ્મની હતી નહીં કે કોઈ એની હત્યા કરવા સુધી પહોંચી જાય..બાકી બિઝનેસમેન હોવાથી કોઈને કોઈ સાથે પ્રતિસ્પર્ધાત્મક દુશ્મની તો હોય જ.."અનિતા બોલી..આટલું બોલતાં પણ એની આંખમાંથી આંસુ છલકાઈ રહ્યાં હતાં.

"એનો મતલબ કે અત્યારે અમારી તપાસ ને લૂંટ અને હત્યાનો ગુનો નોંધી કરવી પડશે..તમે જણાવી શકશો કે ઘરમાંથી કોઈ વસ્તુની ચોરી થઈ છે કે નહીં..?બેડરૂમની અને અલમારી ની હાલત જોઈ એવું તો લાગે છે કે અહીં લૂંટ પણ ચલાવવામાં આવી છે."અર્જુને ખુલ્લી અલમારી તરફ ઈશારો કરતાં કહ્યું.

અર્જુનની વાત સાંભળી અનિતા હળવેકથી ઉભી થઈ અલમારીની તરફ આગળ વધી અને ત્યાં જઈને એને બધું ચેક કરી જોયું..આ દરમિયાન ક્રાઈમ ફોટોગ્રાફર પણ ત્યાંથી વિદાય લઈ ચુક્યો હતો..અનિતા ની જોડે જાનકી અને અનિકેત હાજર હતાં જેનાં લીધે એકરીતે અર્જુનને પણ રાહત થઈ રહી હતી.

"સાહેબ ચોરી તો થઈ છે એ નક્કી છે..વીસેક લાખ રૂપિયાનાં દાગીના હતાં જે ગાયબ છે..આ સિવાય અમુક કેશ પણ હતી..કેશ લગભગ પાંચેક લાખ જેટલી હોવાનો અંદાજો છે..બાકી ચોક્કસ કેશ કેટલી હશે એ વિશે હું જણાવી શકું એમ નથી."અનિતા પાછી પલંગમાં બેસતાં બોલી.

"Ok..મેડમ.અમે હત્યા અને લૂંટનો ગુનો નોંધી તપાસને આગળ ધપાવવાનો પ્રયત્ન કરીએ."અર્જુન આટલું કહી નાયકને જોડે લઈને બેડરૂમની બહાર નીકળ્યો.

"સાહેબ શું લાગે છે..?"નાયકે દબાતાં અવાજે અર્જુનને સવાલ કર્યો.

"પ્રભાત ની ધર્મપત્ની ની જુબાની પછી એ તો સ્પષ્ટ થઈ ગયું કે અહીં રોબરી જરૂર થઈ છે..પણ મારાં મગજમાં એક સવાલ ઘુમરાય છે કે મર્ડર કરનાર અને રોબરી કરનાર એક જ વ્યક્તિ છે કે અલગ-અલગ..?"ચહેરા પર વિચારોની રેખાઓ સાથે અર્જુન બોલ્યો.

"સર હવે પ્રભાત નાં મૃતદેહને ફોરેન્સિક લેબમાં મોકલવાની વ્યવસ્થા કરું..ત્યાંથી પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી જાય પછી પ્રભાત પંચાલનો મૃતદેહ એમનાં પરિવાર ને સુપ્રત કરી દઈએ."નાયકે કહ્યું.

"હા એવું જ કરીએ."નાયકની વાત સાથે સહમત થતાં અર્જુન બોલ્યો.

અર્જુને અંદર આવી પોસ્ટમોર્ટમ માટે પ્રભાતનાં મૃતદેહ ને મોકલવા માટે અનિતાની મંજુરી મેળવી અને નાયકને આગળ કાર્યવાહી માટે પ્રભાતની ડેડબોડીને લેબમાં મોકલવા કહ્યું.થોડી જ વારમાં એમ્બ્યુલન્સ આવી પહોંચી જેમાં પ્રભાતનાં મૃતદેહ ને રાખી ફોરેન્સિક લેબ લઈ જવાયો.

એમ્બ્યુલન્સ જતાં જ અર્જુન અનિતા,જાનકી અને અનિકેત બેઠાં હતાં ત્યાં આવ્યો અને કહ્યું.

"જ્યાં સુધી પોલીસ ની તપાસ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી કોઈ આ બેડરૂમમાં નહીં આવી શકે..તમે કો-ઓપરેટ કરશો તો કાતિલ સુધી પહોંચવામાં સરળતા રહેશે."

અનિકેતે અર્જુનની વાત સાંભળી કહ્યું.

"સારું ઇન્સ્પેક્ટર સાહેબ.અમે અમારાંથી બનતી મદદ કરીશું.આજની રાત અનિતા ભાભી પણ અમારાં ઘરે જ રોકાશે."

"અનિકેત ભાઈ તમારી આ મદદ માટે ખૂબ ખૂબ આભાર."અર્જુન બોલ્યો.

"સાહેબ તમને વિનંતી છે કે જેને પણ મારાં મિત્રની હત્યા કરી છે એ કોઈપણ કાળે બચવો ના જોઈએ.."વિનંતી નાં સુરમાં અનિકેત બોલ્યો.પોતાનાં મિત્રની હત્યા પછી અનિકેતનાં ચહેરા પર વિષાદ અને આવેશનાં મિશ્રિત ભાવ ઉભરાઈ રહ્યાં હતાં.

"એવું જ બનશે..કાતિલ જે કોઈપણ હોય એનું મારાં સકાંજામાંથી બચવું શક્ય નથી."અર્જુન નો રુવાબદાર અવાજ પડઘાયો.

ત્યારબાદ અનિતાને સમજાવીને જાનકી અને અનિકેત પોતાનાં ઘરે લઈ ગયાં.. અર્જુને પ્રભાતનાં ડ્રાઈવર મંગાજીને પણ ઘરે જવા રજા આપી દીધી.અશોક અને બીજાં બે કોન્સ્ટેબલ ને રાતભર પ્રભાતનાં બંગલાનો ચોકી-પહેરો કરવાનું કહી નાયક અને જાનીની સાથે ત્યાંથી પોલીસ સ્ટેશનમાં જવા માટે પ્રયાણ કર્યું.

*************

પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યાં સુધી રાત નાં દસ વાગી ગયાં હતાં..જાનીને ઘરે જવાની રજા આપ્યાં બાદ અર્જુન અને નાયક પોલીસ સ્ટેશનમાં રોકાઈ ગયાં. અર્જુન હજુ નાયક જોડે પ્રભાતની હત્યા નાં અંતર્ગત ચર્ચા કરવા માંગતો હતો.

અર્જુનને અને નાયકને બંનેને કકડીને ભૂખ લાગી હોવાથી પોલીસ સ્ટેશનની સામે નવાં બનેલ વિક્ટોરિયા રેસ્ટોરેન્ટમાંથી નાયકે ઓર્ડર કરી સેન્ડવીચ અને કોફી મંગાવી.થોડો નાસ્તો કર્યાં બાદ અર્જુન અને નાયક અત્યારે અર્જુનની પર્સનલ કેબિનમાં બેઠાં હતાં..અર્જુનનાં હાથમાં અત્યારે મારબલો સિગરેટ હતી જેમાંથી નીકળતો ધુમાડો ઉપર જતો અને સિલિંગ ફેનના પવનમાં વિખેરાઈ જતો હતો.

"નાયક આ મર્ડર મને થોડું વિચિત્ર લાગી રહ્યું છે..આની પાછળ હું એકસાથે ઘણાં બધાં તર્ક લગાવી રહ્યો છું.કોઈ ત્રીસ ચાલીસ લાખની રોબરી માટે પ્લાન કરી સ્નાયપર વડે મર્ડર કરાવે એ વાત એકરીતે તો માનવી મુશ્કેલ છે."ગહન વિચાર સાથે અર્જુન બોલ્યો.

"એનો મતલબ કે તમે હજુપણ એ વિચારી રહ્યાં છો કે મર્ડર બીજાં કોઈએ કર્યું છે અને એને રોબરીનું રૂપ આપવા માટે કોઈએ ખાલી રોબરી કરી છે.?"પોતાની ખુરશીની અર્જુન ની તરફ સરકાતાં નાયકે પૂછ્યું.

"હા નાયક એવું જ હોવાની શક્યતા મને તો છે.."મક્કમ સુરે અર્જુન બોલ્યો.

"કાલે સવારે પ્રભાતનાં રૂમની બાલ્કની સામે પડતી ઈમારત ની ટેરેસ પર જઈને તપાસ કરીએ..નક્કી ત્યાંથી કંઈક તો મળશે જે કાતીલની નજીક પહોંચવામાં મદદ કરશે.."નાયકે કહ્યું.

"હા સવાર ની વાત સવારે..હવે હું ઘરે જાઉં છું.તું અહીં જ સુઈ જજે આજની રાત.."પોતાની ટોપી હાથમાં લઈ ઊભાં થતાં અર્જુન બોલ્યો.

"Ok સર.."પોતાની જગ્યાએ ઊભાં થઈ અદબભેર નાયક બોલ્યો.

નાયકને ત્યાં રોકાવાનું સુચન કરી અર્જુન પોતાનાં ઘરે જવા માટે રવાના થઈ ગયો.

*************

પોતાનાં ખાસમખાસ દોસ્ત પ્રભાતની હત્યા બાદ એની પત્ની અનિતાને આવાં કપરાં સમયમાં સાથ અને હિંમત આપવાનાં પ્રયાસ રૂપે અનિકેત અને એની પત્ની જાનકી અનિતાને પોતાનાં ઘરે લેતાં આવ્યાં.

અનિકેત અને જાનકીએ દબાણ કરી અનિતાને થોડું જમાડયું અને પછી જાનકી એને લઈને પોતાનાં રૂમમાં લઈ ગઈ..અનિતા મોડે સુધી પલંગમાં પડી પડી પ્રભાતને યાદ કરી હીબકાં ભરતી રહી..આખરે થાકીને એને ક્યારે ઊંઘ આવી ગઈ એની ખબર જ ના રહી.અનિતા નાં રડવાનો અવાજ બંધ થતાં જાનકીને પણ હાશ થઈ અને એ પણ શાંતિથી સુઈ ગઈ.અનિતા જાનકી સાથે સુઈ ગઈ હોવાથી અનિકેત પોતાનાં બાળકોનાં રૂમમાં જઈને એમની જોડે સુઈ ગયો.

આ તરફ પ્રભાતનો ડ્રાઈવર મંગાજી જે પ્રભાતની હત્યાનો સૌપ્રથમ સાક્ષી બન્યો હતો એ રાતનાં એક વાગે એક ધાબળો લપેટી પ્રભાતનાં ઘરથી ડાબી તરફ એક કિલોમીટર દૂર આવેલાં ગાર્ડન તરફ જઈ રહ્યો હતો..એનો ચહેરો અત્યારે એનાં મનમાં ચાલતાં ડરનાં અહેસાસની સાક્ષી પુરી રહ્યો હતો.

આટલાં ઠંડા વાતાવરણમાં પણ એનાં ચહેરા પર છવાતાં પરસેવાને રૂમાલ વડે લૂછતાં લૂછતાં આગળ વધતો મંગાજી થોડું થોડું ચાલી આગળ પાછળ નજર ફેરવી એ બાબતની ખાતરી જરૂર કરી લેતો કે કોઈ એને જોઈ તો નહોતું રહ્યું..કોઈ પગરવ કે કૂતરાં નો ભસવાનો સામાન્ય અવાજ પણ એને માથાની ચોટી સુધી ધ્રુજાવી મુકવા કાફી હતો.મંગાજી અત્યારે કંઈક એવું કરવા જઈ રહ્યો હતો જેમાં પકડાઈ જવાનો ડર એને સતાવી રહ્યો હતો એ એનાં વર્તન પરથી સમજાઈ રહ્યું હતું.!!

★★★★★★★

વધુ આવતાં અંકે.

મંગાજી પ્રભાતની હત્યામાં સામેલ હતો..?પ્રભાત ની હત્યા કોને કરાવી હતી.??રૂપિયા ભરેલાં પાર્સલની આપલે કરનારાં એ વ્યક્તિઓ કોણ હતાં અને એમનો પ્રભાતની હત્યા જોડે શું સંબંધ હતો...??શું અર્જુન હત્યારા સુધી પહોંચી શકશે કે નહીં..??એ જાણવા વાંચતાં રહો આ નોવેલ નો નવો ભાગ. આ નોવેલ અંગેના રિવ્યુ 8733097096 whatsup કરી પર આપી શકો છો.

શરૂઆતમાં મારાં લખાણની વિપરીત દિશામાં ચાલતી નોવેલ હવે ફરીવાર મારાં જોનર એટલે કે સસ્પેન્સ તરફ આગળ વધી ચુકી છે.ઘણાં બધાં ચડાવ-ઉતાર તથા ટર્ન એન્ડ ટ્વિસ્ટ સાથે સમય જતાં મારી આ મર્ડર-મિસ્ટ્રી નોવેલ "હવસ" તમારાં દિલ અને દિમાગ પર છવાઈ જશે એની ગેરંટી.

માતૃભારતી પર આ સિવાય વાંચો મારી અન્ય નોવેલ..

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

~જતીન.આર.પટેલ (શિવાય)