Bandhan books and stories free download online pdf in Gujarati

બંધન...

ઉતરાયણ નો તહેવાર દર વર્ષે આવે ને બધા બહુ હર્ષોલ્લાશ થી આ તહેવાર ઉજવે અને ઉજવે પણ કેમ નહી! બધા નો પ્રિય તહેવાર છે.. પણ ક્યારેય વિચાર્યું કે આ તહેવાર આપણ ને શું બોધ આપી જાય છે? આ પતંગો ના તહેવાર માં, આ પતંગ આપણ ને કેટલું બધું શીખવી જાય છે. શું એના વિષે કદી વિચાર્યું છે?

પતંગ... પતંગ ને હવા માં ઉડ઼તી જોઈ ક્યારેક મને વિચાર આવે કે બિચારી પતંગ! કેવી દોરી ના તાલે નાચતી ફરે છે નહીં! ઉડે તો એકલી છે પણ હંમેશા દોરી થી બંધાયેલી રહે છે કેવા બંધન નો અહેસાસ થતો હશે એને! આમ દુનિયા ની નજર માં આઝાદ પરંતુ કાયમ દોરી જોડે જ બંધાયેલી આ પતંગ માટે ક્યારેક ખરેખર સહનાભૂતિ ની લાગણી થઈ આવે છે.મને તો ક્યારેક આ પતંગ ની લાચારી પ્રત્યે દયા આવે છે. અને થાય છે એના પર લાગેલા બધા બંધન સમાન આ દોરી ને કાપી ને પતંગ ને આઝાદ કરી દઉ.

પણ તમને ખબર છે? મારી આ ચિંતા ને પતંગ કેવી હસી કાઢે છે! અને મને કેટલો સરસ જવાબ આપી જીવન નો શ્રેષ્ઠ બોધ આપી જાય છે.

પતંગ મને કહે છે કે, “કોણ કહે છે કે હું દોરી થી બંધન અનુભવું છું ? આ બંધન માં મને જે આઝાદી નો અનુભવ થાય છે એ બંધન વગર ની આઝાદી માં નથી થતો.કોક ના હાથ ની દોરી થી બંધાયેલી છું એટલે જ તો બેફિકર બની ને હવા માં મુક્ત ઊંડું છું.. કેમ કે મને ખબર છે મને સાચવનાર, સંભાળનાર દોરી કોક ના હાથ માં છે. મારે મન આ દોરી નું બંધન કોઈ બંધન નથી, પણ આજ મને આઝાદી ના પરવાનગી જેવું લાગે છે. એવું પણ નથી કે મને ક્યારેય મારી ચિંતા નથી થતી, મને ચિંતા ત્યારે થાય છે જયારે હું કોઈનાય હાથ માં નથી રહેતી એટલે કે કપાઈ જવ છું. ત્યારે મને ચિંતા એ વાત ની થાય છે કે હવે મને કોણ ઝીલશે? કેમ કે કપાયેલી આ પતંગ ને ઝીલનાર કોઈ નથી પણ લુંટનાર ઘણા છે. આ બંધન વગર ના જીવન ની કલ્પના માત્ર થી હું કપાયા પછી તરત નીચે આવી જઉં છું.કેમ કે હવે જાણે મારા માં તાકાત જ નથી રહી ઉડવાની, જાણે છે કેમ? કેમ કે મને બાંધી ને રાખતી આ દોરી હવે કોઈનાય હાથ માં નથી.સાચું ક્વ તો મને બંધન વગર ડર લાગે છે, કોઈક ખોટી વ્યક્તિ ના હાથ લાગવાનો."

આમ, કહી પતંગ એની વાત પુરી કરે છે. વાહ! કેટલી સરસ વાત કહી દીધી ને આ પતંગે! જે આપણે ક્યારેય ના સમજી શક્યા એ વાત ને પતંગે પોતાની વાત દ્વારા કેવી સરળતાથી સમજાવી દીધી ને? કેટલો સરસ અને નવો અર્થ આપ્યો આ બંધન શબ્દ ને!

શું આપણું જીવન પણ આ પતંગ ના જીવન જેવું નથી? આપણ ને ચિંતા એ વાત ની ના હોવી જોઈએ કે આપણા પર કેટલા બંધનો છે. પણ ત્યારે થવી જોઈએ જયારે આપણે કોઈનાય બંધન માં નથી રહેતા. કેમ કે આ જ બંધન છે જે આપણ ને ઉડવાની, વિહરવાની તાકાત આપે છે. પછી એ બાળક પર લાગતા માં બાપ ના બંધન હોય કે આપણા ઉપર લગતા સમાજ ના અમુક બંધનો.

આપણે એક વાત બહુ સારી રીતે સમજી લેવી જોઈએ કે આ બંધન આપણા માટે, આપણી સુરક્ષા માટે, આપણા વિકાસ માટે જ લગાડેલા છે, આ બંધન ને તોડવાને બદલે તેમાં જ રહી ને જીવન જીવવાનો આનંદ લેવાનો છે.

અત્યાર ના સમય માં દરેક ને આઝાદ રેહવું છે, મન ફાવે તેમ કરવું છે. આજકાલ ના છોકરાવ ને માં બાપ નું બંધન કચકચ લાગે છે, સમાજ ના અમુક બંધનો ગળે ફાંસા જેવા લાગે છે. દરેક વ્યક્તિ ને આઝાદ બનવું છે, સ્વતંત્ર રેહવું છે, પણ હું એમ કહું છું કે, " કોઈ પણ બંધન , કોઈ પણ રોક ટોક વગર ની તમારી જાત ને કલ્પી તો જુઓ! શું લાગે છે તમને તમે ત્યારે ખરેખર આઝાદ હશો? ના, દરેક વખતે બંધન નો અર્થ ગુલામી નથી હોતો દોસ્તો. “ બંધન ના બીજા ઘણા અર્થ છે જેમ કે પ્રેમ નું બંધન, લાગણી નું બંધન, રક્ષા નું બંધન, ખબર નહીં આવા કેટલાય પ્રકાર ના બંધનો આપણા દરેક ઉપર લાગેલા છે અને એને લાગેલા જ રહેવા દો.તોડવાનો પ્રયત્ન ના કરશો. કેમ કે આ પ્રેમ લાગણી સમાજ કે રક્ષા ના બંધનો જ તમને જીવન ની સાચી દિશા બતાવશે. અને આ પ્રકાર ના બંધન વગર નું તમારું જીવન પેલી કપાયેલી પતંગ જેવું જ હશે, જ્યાં ડર ને લાચારી સિવાય બીજું કી નહીં હોય. તમે આજે જે કઈ પદ કે પ્રતિષ્ઠા મેળવી રહ્યા છો તે આ સમાજ ના બંધન ને લીધે જ છે. ચાર માણસ શું કેહશે? એનો ડર જ તમને કંઈક ખોટું કરતા રોકે છે.

પેલી કહેવત તો બધા ને યાદ જ હશે ને કે ," વાછરડું ખીલ ના જોરે કુદે છે", આ ખીલો એટલે જ બંધન. અને આ બંધન જેટલું મજબૂત એટલા તમે આઝાદ.

જેવી રીતે પતંગ ના પેચ લાગે ત્યારે કેવું આપણે આપણી પતંગ ને બચાવવા મથતા હોઈએ છીએ! પેહલા ઢીલ આપી ને જોઈએ પછીય મેળ ના આવે તો ખેંચ મારી ને જોઈએ. છેલ્લે કઈ ના થાય તો ઉતારી લઈએ પણ કપાવા તો ના જ દઈએ. બસ આજ કામ છે આપણા પર બંધન લગાડનાર નું. જે આપણી જોડે આપણી દરેક મુશ્કેલી ના પળ માં ઉભા રહે અને આપણી ચઢતી થી ગર્વ અનુભવે છે.

ઘર ના નાના બાળકો ને લાગે બધા બંધનો એમના પર જ છે પણ એવું નથી. તમારા થી મોટા પર એમના વડીલો ના બંધનો છે તો એમની ઉપર સમાજ નું બંધન. તો વળી કંઈક પતંગ જેવી જ વાત થી ને! કે પતંગ નાની હોય કે મોટો અડ્ડો, બંધાવું તો દોરી થી જ પડે ને?

એવું જ કંઈક છે, આપણે નાના હોઈએ કે મોટા, સમાજ ની દરેક વ્યક્તિ ક્યાક ને ક્યાક, કોઈ ના ને કોઈ ના છુપા બંધન માં જ પોતાની આઝાદ અને શ્રેષ્ઠ જિંદગી જીવે છે.

આપણે માત્ર આપણા લક્ષય ને ધ્યાન માં લઈ ને ચાલવાનું છે કેમ કે આપણ ને “છૂટ” આપનાર, “ઝીલનાર” ખેંચ મારી કોક ના સકંજા માંથી બચાવનાર, આપણા “ખોટા કિન્ના” જેવા નિર્ણયો ને ફરી સચા કરી ઉડાવનાર, આપણી “ફાટેલી પતંગ” જેવી જિંદગી ને સાંધી ને ફરી ઉડવાની હિંમત આપનાર આપણી જોડે છે. આ એજ છે જે આપણા જીવન ની દોરી ને પકડી ને આપણ ને મજબૂત રીતે બાંધી ને ઉભા છે.

તો ચાલો, પતંગ ના મર્મ ને આપણા જીવન માં ઉતારી, આપણા જીવન રૂપી દોરી ને કોઈ લાયક વ્યક્તિ ના હાથ માં સોંપીને, પતંગ ની જેમ ખુલ્લા આકાશ માં ઉડવાની મજા લઈએ અને સૌથી ઉપર આકાશ માં પોતાની જાત ને સ્થિર પતંગ ની જેમ બનાવી, પોતાની કળા થી સૌ કોઈ ને આંજી દઈએ.

બીજા રસપ્રદ વિકલ્પો