THE HAUNTED PAINTING - 8 books and stories free download online pdf in Gujarati

THE HAUNTED PAINTING 8

The haunted painting

ભાગ:-8

કમલેશ પછી પણ મોહન નું શંભુ ની આત્મા દ્વારા ખૂન કરવામાં આવે છે..આ બંને ની મોત અકસ્માત જેવી લાગે છે. શેખર પેઈન્ટીંગ લઈને પોતાનાં ઘરે જઈને પોતાનાં ભુતકાળ વિશે વિચારે છે..કેવાં સંજોગોમાં શંભુ ને એ લોકો મરવા માટે તરછોડી મૂકે છે એ યાદ આવતાં શેખર દુઃખી થઈ જાય છે.. પોતાને થઈ રહેલાં પસ્તાવના નિવારણ અને મનની શાંતિ માટે શેખર ક્યાંક જવાનું નક્કી કરીને નીકળી પડે છે. હવે વાંચો આગળ

બે દિવસ પછી જ્યારે શેખર પાછો આવ્યો ત્યારે એનાં બદલાયેલાં હાવભાવ એ દર્શાવવા કાફી હતાં કે એ જે કામ માટે ગયો હતો એ પૂર્ણ થઈ ગયું હતું..એનાં ચહેરા પર જે ગ્લાની ની તંગ રેખાઓ હતી એ અત્યારે આનંદ ની રેખામાં પરિવર્તન પામી ચુકી હતી.

ઘરે આવતાં જ શેખર પોતાનાં રૂમમાં ગયો અને જઈને સોફામાં લંબાવતાં બોલ્યો.

"હાશ..હવે આ હૃદય પરનો ભાર ઉતરી ગયો..હવે હું ચેન થી મરી શકીશ.."

આટલું બોલતાં શેખરે નજર ઘુમાવી તો એને જોયું કે પેલી "the burning man" પેઈન્ટીંગ દીવાલ પર લટકી રહી હતી..શેખર જ્યારે બહાર ગયો ત્યારે પોતાનાં નોકર ને આદેશ આપીને ગયો હતો કે એ આવે ત્યારે પેઈન્ટીંગ ને દીવાલ પર યોગ્ય રીતે ટીંગાવી દેવી.

ત્રિપાઈ પર અમુક કવર પડ્યાં હતાં જે ખોલી શેખરે એમાં રહેલાં કાગળો માં શું લખ્યું છે એ વાંચી જોયું..જરૂરી કાગળ શેખરે સાચવીને અલમારીમાં મુકી દીધાં અને બાકીનાં ફાડીને ડસ્ટબીન માં ફેંકી દીધાં.ત્યારબાદ શેખર સુવા માટે લાઈટ બંધ કરી કપડાં ચેન્જ કરી પલંગમાં પડ્યો.

દિવસભરની મુસાફરીનાં લીધે શેખર ને બહુ જલ્દી ઊંઘ આવી ગઈ..રાત નાં બે વાગે શેખર ને તરફ લાગી એટલે એ ઉભો થયો અને ટેબલ પર રહેલી બોટલમાંથી પાણી પીધું..ત્યારબાદ વોશરૂમ જઈને આવ્યો અને પાછો પલંગ પર સુવા જતો હતો ત્યાં શેખરે નાઈટ લેમ્પનાં આછાં પ્રકાશમાં પેઈન્ટીંગ તરફ નજર કરી.

પેઈન્ટીંગ તરફ નજર પડતાં જ શેખર ઝબકીને ઉભો થયો ગયો..શેખરે એ દ્રશ્ય જોયું જે દ્રશ્ય મોહને આએની મોત નાં થોડાં સમય પહેલાં જોયું હતું..પેઈન્ટીંગ ની અંદર મોજુદ સળગતો માણસ અત્યારે ગાયબ હતો..શેખરે લાઈટ ઓન કરીને એ વાત ની ખાતરી પણ કરી જોઈ કે સાચેજ પેઈન્ટીંગ માં એ સળગતો માણસ નહોતો.. શેખર વિસ્મય સાથે ઉભો થઈને પેઈન્ટીંગ ને નજીકથી જોવા એની નજીક જઈને ઉભો રહ્યો.

શેખર ફાટી આંખે પેઈન્ટીંગ તરફ જોઈ રહ્યો હતો ત્યાં કોઈએ એનાં ખભે હાથ મુકવાનો અહેસાસ થતાં શેખર ઝબકી ગયો..શેખરે પાછાં ફરીને જોયું તો એનાં મોંઢેથી આશ્ચર્ય અને ખુશી નાં ભાવ સાથે નીકળી ગયું.

"શંભુ મારાં યાર તું.."

મોહન અને કમલેશ તો પોતાને જોતાં જ ડરી ગયાં હતાં પણ એનાંથી વિપરીત શેખર અત્યારે ડરવાને બદલે ખુશખુશાલ જણાતો હતો જે જોઈ શંભુ ને નવાઈ થતાં એ બોલ્યો.

"શેખર તને ડર નથી લાગતો..?તું જાણે છે કે હું મરી ચુક્યો છું..છતાંપણ તારી સામે હાજર છું તો એનો મતલબ કે તારી સામે શંભુ નહીં પણ એની આત્મા છે.."

"શંભુ હું જાણું છું કે મારી સામે તારી રૂહ હાજર છે પણ હું કેમ ડરું.. તું મારો યાર છે,મારો દોસ્ત,મારો શંભુ.તું જીવિત હોય કે મૃત પણ મારું અહિત તો ના જ ઈચ્છી શકે"શેખર હરખભેર બોલ્યો.

શેખર દ્વારા પોતાને એનો મિત્ર કહેવાયો અને પોતાને જોઈ ડર વગર એની સાથે વાત કરવામાં આવી એ જોઈ શંભુ ની આત્મા ને સારું લાગી રહ્યું હતું.

"શેખર તને ખબર છે કે મોહન અને કમલેશ ની મોત નું કારણ હું છું..મેં જ એ બંને ની હત્યા કરી છે.અને અહીં પણ હું તને મારીને મારી મોત નો બદલો લેવા આવ્યો છું.."આવેશમાં આવી શંભુ બોલ્યો.

"શંભુ..જો તું એવું કરવા આવ્યો હોય અને તારી આત્મા ને એથી શાંતિ મળતી હોય તો તું મને ચોક્કસ મારી શકે છે..લે આ હું તારી સામે ઉભો.પણ એ પહેલાં મારી એક વાત સાંભલીશ..?"શેખર પોતાનો હાથ ફેલાવીને બોલ્યો.

"હા બોલ તારે શું કહેવું છે..?"શંભુ એ પૂછ્યું.

"શંભુ એ રાતે જે કંઈપણ થયું એમાં અમારી ભૂલનાં લીધે તારું મૃત્યુ થયું..એ ચોરી નાં પૈસા થી હું સુખ માં જીવતો હતો પણ મને મારાં મનમાં રહેલો પસ્તાવો રાતભર સુવા નહોતો દેતો..તારી મોત નું ભાર સહન ના કરતાં હું બે દિવસ પહેલાં તારાં ગામ બહુનાર ગયો..ત્યાં પૂછપરછ કરી તારા ઘરે પહોંચ્યો..તારું ઘર બંધ મળતાં હું નિરાશ થઈ ગયો પણ હિંમત ના હાર્યો."

"ગામ લોકો ને તારાં પરિવાર વિશે પુછતાં જાણવા મળ્યું કે તારી માં તારી મોત નાં ચાર મહિના બાદ બીમારીમાં મરી ગઈ..તારી પત્ની ને ટી.બી ભરખી ગયો..એટલે તારાં દીકરાને લોકો અનાથાલય મૂકી આવ્યાં.."શેખરે પોતે બે દિવસ ક્યાં ગયો હતો એનો વૃતાંત આપતાં કહ્યું.

"શું મારો દીકરો..?"શંભુ ની આંખ માં આનંદ નાં આંસુ ઉભરાઈ આવ્યાં.

"હા મિત્ર..એ રાત ની ઘટના વખતે તારી પત્ની ગર્ભવતી હતી..તારી ગેરહાજરીમાં જ તારા પુત્ર નો જન્મ થયો અને એનાં કમનસીબે તારી પત્નીનું અવસાન થયું ત્યારે ત્રણ વર્ષ ની ઉંમરે એને ગામલોકો અનાથાલય મુકતાં આવ્યાં.પણ મેં તારાં દીકરા ને શોધી કાઢ્યો.."શેખર ખુશ થઈને બોલ્યો.

"ક્યાં છે મારો દીકરો..?કેવો છે એ..?"હરખભેર શંભુ એ પૂછ્યું.

"તારો દીકરો વડોદરા એક અનાથાલયમાં છે..હું બે દિવસ પછી જઈને એને ત્યાંથી એડોપ્ટ કરવાની પ્રોસેસ પતાવીને મારી સાથે લેતો આવવાનો છું..એનું નામ હિમેશ છે..અત્યારે એ બાર વર્ષનો થઈ ગયો અને આ રહ્યો એનો ફોટો.."આટલું કહી શેખરે પોતાનાં મોબાઈલમાં રહેલ શંભુ નાં દીકરા નો ફોટો એને બતાવ્યો.

"શેખર તારો આભાર માનું એટલું ઓછું છે..માફ કરજે મિત્ર હું તને પણ કમલેશ અને મોહન જેવો સમજી મારવા આવ્યો હતો.એ રાતે પણ તું તો મને બચાવવા જ માંગતો હતો અને નદીમાં પણ તે મને ફેંકવાનું એટલે કે કહ્યું કે મને થઈ રહેલી પીડામાંથી મુક્તિ મળે"શંભુ શેખર આગળ હાથ જોડીને બોલ્યો.

"શંભુ એમાં હાથ જોડીશ નહીં.આતો મારી ફરજ હતી.મોડાં તો મોડાં મને મારી ભૂલ સુધારવાનો મોકો મળ્યો હવે હું સુકુનથી મરી શકીશ.."શેખર બોલ્યો.

"યાર હવે તો મોત મરે પણ મારો યાર નહીં.."બધી જુની વાતો ભૂલી શંભુ પોતાનાં હાથ ફેલાવીને શેખર તરફ જોઈને બોલ્યો.

ક્ષણભર ની રાહ જોયાં વગર શેખર જઈને શંભુ ને ભેટી પડ્યો..બંને મિત્રો લાંબો સમય સુધી રામ-ભરત મિલન ની જેમ એકબીજાને વળગી રહ્યાં.. બંને ની આંખો માં અત્યારે હરખ નાં આંસુ હતાં.

***

"પણ શંભુ તારો આ એન. એફ. હુસૈન ની આ 'the burning man' નાં પેઈન્ટિંગ સાથે શું સંબંધ..?"થોડો સમય બાદ વાતાવરણ હળવું થતાં શેખરે શંભુ ને પૂછ્યું.

પોતાની આત્મા કઈરીતે એ પેઈન્ટીંગ સાથે કનેક્શન ધરાવતી હતી એ વિશેની માહિતી આપતાં શંભુ એ કહ્યું.

"શેખર યાદ છે એ દિવસે મને ચોકીદારે છોડેલી ગોળી વાગી ત્યારે આપણે મ્યુઝિયમ ની એક્ઝિબેશન ગેલેરીની લોબીમાં હતાં.. આ પેઈન્ટીંગ ત્યારે ત્યાં જ હતું..ગોળી વાગતાં મારું રક્ત ઉડીને એ વખતે પેઈન્ટીંગ પર પડ્યું હતું..ખૂબ કુનેહપૂર્વક એ લોહી નાં ડાઘ તો દૂર કરી દીધાં નિષ્ણાત ટીમે પણ મારી મૃત્યુ પછી મારી આત્મા આ burning man માં આવીને સમાઈ ગઈ..છેલ્લાં તેર વર્ષથી હું આ સળગતા માણસ ની તસવીર ની માફક સળગી રહ્યો હતો..એ દિવસે તે પેઈન્ટીંગ ની ખરીદી કરી અને હું એની સાથે કમલેશ અને મોહન ની મોત નું કારણ બની પેઈન્ટીંગ ની સાથે આવી પહોંચ્યો.."

"જેવી જેની કિસ્મત..તું હજુ પણ ઈચ્છે તો મને તારાં હાથે મારી શકે છે.."શંભુ ની વાત સાંભળી શેખર બોલ્યો.

"ના શેખર હવે નહીં.. એ દિવસે રાતે પણ તે મને બચાવવા શક્ય પ્રયત્નો તો કર્યા જ હતાં.. મારી કિસ્મત માં પણ એવીજ મોત લખી હશે.હવે તારે જીવવાનું છે અને મારાં દીકરાનું તારાં દીકરાની જેમ જતન કરવાનું છે.."શંભુ એ કહ્યું.

"ચોક્કસ હવે તો એવું જ થશે..આમ પણ મારી આગળ પાછળ કોઈ છે નહીં તો મારાં જીવવાનું કારણ પણ તારો દીકરો જ બનશે.."શેખરે જણાવ્યું.

"શેખર મારું એક બીજું કામ કરીશ..?"શંભુ એ શેખર ને પૂછ્યું.

"એક નહીં સો કામ બોલ..તારાં માટે તો આ જીવ પણ હાજર છે યાર.."શેખર બોલ્યો.

"શેખર મારી મોત નાં તેર વર્ષ પછી પણ મારી આત્મા ને શાંતિ મળી નથી..મારી આત્મા હજુપણ આ પેઈન્ટીંગ માં અટવાઈ રહી છે.મારી આત્મા ની મુક્તિ માટે એક ઉપાય છે.."શંભુ એ કહ્યું.

"બોલ શું કરવાનું છે..?તું કહીશ એ બધું હું કરીશ દોસ્ત.."શેખરે પૂછ્યું.

"તું જ્યારે હિમેશ ને અનાથાલય થી વિધિવત એડોપ્ટ કરીને લાવે ત્યારે એનાં હાથે મારો અગ્નિ સંસ્કાર કરાવજે..જેથી મારી આત્માને મુક્તિ મળી જશે.."શંભુ એ પોતાની મુક્તિ નું રહસ્ય ઉજાગર કર્યું.

"તારો અગ્નિ સંસ્કાર..પણ એ માટે તારાં બચેલાં અવશેષો..?"શંભુ ની વાત સાંભળી શેખરે સવાલ કર્યો.

"તમે મને જ્યારે નદીમાં નાંખ્યો ત્યારે હું થોડીવારમાં જ મરી ગયો હતો..પણ મારી લાશ નદીનાં પાણીમાં જ વેલાઓમાં વીંટળાઈ રહેવાના લીધે ફોગાઈ ગઈ..જળચરો એ મારાં આખા શરીરનું ભક્ષણ કરી લીધું પણ મારાં હાડકા હજુપણ નદી કિનારે પડ્યાં છે."શેખર નાં પ્રશ્ન નો તોડ આપતાં શંભુ એ કહ્યું.

"સારું તો હું એ અવશેષો એકઠાં કરવા કાલે જ દિલ્હી જતો આવું.. ત્યાંથી આવીને હું વડોદરા જતો આવીશ હિમેશ ને એડોપ્ટ કરવાની પ્રોસેસ નાં લીગલી ડોક્યુમેન્ટ કરવા.."શેખરે કહ્યું.

બીજાં દિવસે શેખર ફ્લાઈટ કરી દિલ્હી પહોંચી ગયો..એ લોકો જે રસ્તે એ રાતે ગયાં હતાં એ રસ્તે ગાડી ચલાવી શેખર નદીકિનારે આવી પહોંચ્યો..અમદાવાદમાં સ્થિત શંભુ ની આત્મા એ ટેલીપથી વિધિ દ્વારા ત્યાં બેઠાં બેઠાં જ શેખર ને પોતાનાં સમગ્ર અવશેષો ની શોધખોળમાં મદદ કરી.એ બધાં અવશેષો એકઠાં કરી શેખર દિલ્હી થી સીધો વડોદરા પહોંચી ગયો.

શેખર ની જોડે રહેલ પ્રોપર્ટી અને હજુ એની ઉંમર એક બાળક ની પરવરીશ કરી શકે એવી હોવા જેવી બાબતો ને ધ્યાનમાં લઈને અનાથાલય ની કમિટી એ હિમેશ નો હવાલો શેખર ને આપી દીધો..શેખર ની ગાડીમાં બેસી હિમેશ જ્યારે શેખર નાં મહેલ જેવાં ઘરે પહોંચ્યો ત્યારે એ ખૂબ ખુશ જણાતો હતો...એને ઘરનાં મુલાયમ સોફામાં બેસતાં ની સાથે જ શેખર ને કહ્યું..

"અંકલ તમારું ઘર તો મસ્ત છે.."

હિમેશ ની વાત સાંભળી શેખર એની નજીક આવી એનાં માથે હાથ ફેરવીને પ્રેમથી બોલ્યો.

"બેટા હવે આ ઘર મારુ એકલાનું નહીં પણ તારું પણ છે."

શેખરે ખરા દિલથી પોતાનાં પુત્ર ને અપનાવી લીધો હોવાની વાત જાણીને શંભુ ને ટાઢક વળી..બે-ત્રણ દિવસ પછી શેખરે હિમેશનાં હાથે શંભુ નાં વધેલાં અવશેષોનો અગ્નિ સંસ્કાર કરી દીધો..ત્યારબાદ ગંગા કિનારે જઈ હિમેશ નાં હાથે જ એની તર્પણ વિધિ પણ કરાવી.

શંભુ એ શેખર દ્વારા પોતાનાં ગુનાનો સ્વીકાર કરી એનાં પસ્તાવા સ્વરૂપ કરવામાં આવેલ દરેક પ્રક્રિયા પછી એને મનથી માફ કરી દીધો..પોતાનાં પુત્ર દ્વારા એનો અંતિમસંસ્કાર થતાં એની આત્મા ને મુક્તિ મળી ગઈ.

હવે શેખર જોડે શંભુ ની યાદરૂપે એક નહીં બે વસ્તુઓ મોજુદ હતી એક એનો દીકરો હિમેશ અને બીજી હુસૈન સાહેબ ની પેઈન્ટીંગ.

"The burning man"

સમાપ્ત

તો આ સાથે મારી આ નોવેલને અહીં પૂર્ણ જાહેર કરું છું..આશા રાખું કે રૂહ સાથે ઈશ્ક પછી મારી આ બીજી હોરર સસ્પેન્સ થ્રિલર નોવેલ પણ તમને ખૂબ ગમી હશે.આગળ પર આ રીતે તમારો પ્રેમ અને પ્રતિસાદ મળશે એ મુજબ વધુ સારું લખવા પ્રયત્નશીલ રહીશ.

આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ

દિલ કબૂતર, રૂહ સાથે ઈશ્ક અને ડણક

પણ વાંચી શકો છો.

-દિશા. આર. પટેલ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED