THE HAUNTED PAINTING - 4 books and stories free download online pdf in Gujarati

THE HAUNTED PAINTING 4

The haunted painting

ભાગ:-4

શેખરે આપેલી પેઈન્ટિંગ ને કમલેશ એ પોતાનાં રૂમમાં સજાવે છે..રાતે કમલેશ સાથે ડરાવણી ઘટનાઓ બને છે જે વિશે એ શેખર અને મોહન ને જણાવે છે પણ એ બંને એ વાત ને મજાકમાં લે છે.કમલેશ નો સ્ટ્રેસ દૂર કરવા મોહન રાત માટે એક છોકરીની વ્યવસ્થા કરી આપે છે. તમન્ના નામની એ યુવતી ને પોતાનાં બેડરૂમમાં લઈ જઈને કમલેશ મોહન ને કોલ કરે છે..મોહન ને સોનિયા કોલ કરી જણાવે છે કે તમન્ના પોલીસ રેડ માં પકડાઈ ગઈ છે જે સાંભળી મોહન કમલેશ નાં ઘરે જવા નીકળે છે..કમલેશ નાં દેખતાં તમન્ના પુરુષ દેહમાં પલટાઈ જાય છે..જે જોઈ કમલેશ બોલે છે શંભુ..? હવે વાંચો આગળ

તમન્ના ની જગ્યાએ એનો ચહેરો અત્યારે એક યુવતીમાંથી પુરુષમાં બદલાઈ જતાં કમલેશનાં હોશ ઉડી ગયાં હતાં..ભય નાં ઓથર નીચે એ પુરુષ નો ચહેરો એને જાણીતો લાગ્યો હોય એમ કમલેશ બોલી ઉઠ્યો..

"શંભુ.?"

"હા શંભુ..તારો મિત્ર..તારો યાર..શંભુનાથ ઉર્ફ શંભુ"કમલેશ નાં સવાલ નાં જવાબમાં એ રહસ્યમયી માણસ બોલ્યો.

"પણ એવું બની જ કઈ રીતે શકે..?"કમલેશ આશ્ચર્ય સાથે બોલી ઉઠ્યો.

"કેમ ના બની શકે..મારી વર્ષોથી ઈચ્છા હતી કે તને મળું..મારાં પરમમિત્ર ને મળવાની મારી ઝંખના આજે પુરી થઈ અને આજે હું આવી ગયો તારી જોડે.."ચહેરા પર ક્રૂર હાસ્ય સાથે શંભુ બોલ્યો.

"પણ આવું શક્ય જ નથી..કેમકે તું તો.."આટલું કહેતાં કહેતાં કમલેશ ડરનાં માર્યો પાછો પડવા લાગ્યો.

"કેમ અટકી ગયો કમા.તું એવું તો નથી કહેવા માંગતો ને કે જ્યારે આપણે છેલ્લી વખત મળ્યાં હતાં ત્યારે હું મરી ગયો હતો..પણ જો હું તારો શંભુ જ છું અને તારી સામે હયાત છું..આવ આવ મારાં યાર ગળે લાગી જા"શંભુ પોતાનાં હાથ પહોળા કરી ને બોલ્યો.

"ભુત..ભુત.."આટલું કહી કમલેશે પોતાની પાછળ રહેલ ટેબલ પરથી નાઈટ લેમ્પ ઉઠાવી એનો છૂટો ઘા શંભુ પર કરી દીધો..કમલેશ નાં આશ્ચર્ય વચ્ચે જેવો એ લેમ્પ શંભુ નાં શરીરને થયો એ લેમ્પ સળગી ગયો..અને રાખ થઈને ત્યાં નીચે જમીન પર પડ્યો.

કમલેશ ની આ હરકતથી ગુસ્સે થવાનાં બદલે શંભુ હસવા લાગ્યો..શંભુ નું હસવું અત્યારે કમલેશ ને ગભરાવી મુકવા કાફી હતો..કમલેશ દોડીને રૂમનાં દરવાજા જોડે ગયો અને દરવાજો ખોલીને દાદરા તરફ ભાગ્યો.

કમલેશ હાંફતો હાંફતો દાદરો ઉતરીને હોલની તરફ ભાગ્યો..કમલેશ નો જીવ અત્યારે તાળવે ચોંટી ગયો હતો.પોતાનો જીવ બચાવવા ત્યાંથી નીકળવું પડશે એમ વિચારી કમલેશ પોતાનાં બંગલાનાં મેઇનડોર ની તરફ ભાગ્યો.

કમલેશ મેઈન ડોર ની છેક નજીક પહોંચ્યો ત્યાં એની સામે શંભુ પાછો પ્રગટ થઈ ગયો.કમલેશ વધુ કંઈ સમજે એ પહેલાં પોતાની દોડવાની ગતિ નાં લીધે શંભુ નાં પ્રસરાયેલા હાથ નાં ઘેરાવામાં કમલેશ આવી ગયો.શંભુ એ એનાં બંને હાથ કમલેશ ની ફરતે વીંટાળી દીધાં..આમ કરતાં ની સાથે શંભુ નો આખો દેહ કોઈ જ્વાળામુખી ની જેમ ભભૂકી ઉઠ્યો..એ કોઈ માણસ દેહમાંથી અગ્નિપુરુષ માં પરિવર્તિત થઈ ગયો.

શંભુ નાં શરીરની ગરમી એ હદે વધી ગઈ છે એ ગરમીની અસરનાં લીધે કમલેશનો દેહ દાઝવા લાગ્યો.. પીડાની અપાર અનુભૂતિ સાથે કમલેશની ચીસો હોલમાં ગુંજી ઉઠી.દર્દ ની અસહ્ય વેદના સાથે કમલેશ 'બચાવો..બચાવો' ની ચીસો પાડી રહ્યો હતો પણ અફસોસ એની ચીસો સાંભળવા વાળું ત્યાં કોઈ નહોતું.

કમલેશે પોતાની જાતને શંભુનાં હાથોમાંથી છોડાવવાની ઘણી કોશિશો કરી જોઈ પણ બધું વ્યર્થ..શંભુ નાં શરીરની દાહ વધી રહી હતી..આખરે કમલેશ ની ચીસો શાંત થઈ ગઈ અને એ ત્યાં જમીન પર ઢળી ઉઠ્યો.કમલેશનું પીડા ની અસીમ અનુભૂતિ બાદ પ્રાણ પંખેરું ઉડી ગયું હતું.કમલેશ નાં મરતાં ની સાથે જ શંભુ હસવા લાગ્યો અને એનો દેહ પાછો હતો એવો ને એવો થઈ ગયો.

ત્યારબાદ શંભુ એ મૃત કમલેશ ની લાશ ને પગથી પકડી એને ઢસડીને દાદરા ઉપરથી ખેંચીને પાછો એનાં બેડરૂમમાં લઈ ગયો.ત્યાં લઈ જઈને શંભુ એ પોતાનાં બંને હાથ ની મુઠ્ઠીઓ બંધ કરી અને પછી એમાંથી આખા રૂમમાં અગનગોળા છોડયાં.. શંભુ નો આખો બેડરૂમ પળભર માં સળગી ઉઠ્યો જેથી જ્વાળાઓ રૂમની બહાર પણ લપકારા મારવા લાગી.

***

મોહન કમલેશ ને ગાડી ચલાવતાં પણ વારંવાર ફોન કરી રહ્યો હતો પણ દર વખતે એનો ફોન સ્વીચ ઓફ હોવાની ટેપ મોહન ને સંભળાઈ રહી હતી..પુરપાટ વેગે ગાડી ભગાવી મોહન કમલેશનાં રિંગ રોડ સ્થિત બંગલા પર પહોંચી ગયો.

બંગલે પહોંચી મોહન કમલેશનાં બંગલા ની ડોરબેલ વારંવાર વગાડતો રહ્યો પણ કોઈએ દરવાજો ના ખોલ્યો..મોહન જોરજોરથી કમલેશનાં નામની બુમો પાડી રહ્યો હતો પણ એનાં પ્રતિભાવમાં કોઈ જવાબ નહોતો મળી રહ્યો.કમલેશનાં બેડરૂમ ની બારી બંગલા ની પાછળની તરફ પડતી હતી..પાછળ જઈને કમલેશ ને સાદ આપશે એમ વિચારી મોહન બંગલા ની પાછળની તરફ દોડતો ગયો.

કમલેશ નાં બેડરૂમમાંથી જ્વાળાઓ હવે બહાર સુધી લપકારા મારી રહી હતી..જે જોતાં જ મોહન કંઈક અજુગતું બની ગયું હોવાનું વિચારી ફાયર સ્ટેશમાં કોલ લગાવી કમલેશનાં ઘરનું એડ્રેસ આપી ત્યાં આગ લાગી હોવાની માહિતી આપે છે.

ફાયરસ્ટેશન માં કોલ કર્યા બાદ મોહન શેખરને કોલ કરીને સઘળો વૃતાંત કહી સંભળાવ્યો..મોહન ની વાત સાંભળી શેખર પણ પોતે અડધા કલાકમાં ત્યાં પહોંચી જશે એમ મોહન ને જણાવ્યું.થોડીવારમાં તો ફાયરબ્રિગેડ ની ગાડી ત્યાં આવી પહોંચી..એ લોકો ભારે મહેનત બાદ આગ પર કાબુ પ્રાપ્ત કરવામાં સફળ થયાં.ફાયરબ્રિગેડ ટીમ નાં કુનેહના લીધે આગ આગળ વધી નહીં.

એ દરમિયાન શેખર પણ ત્યાં આવી પહોંચ્યો.શેખર અને મોહન બંને અત્યારે ચિંતિત ચહેરે ફાયરબ્રિગેડ ની ટીમની કામગીરી જોતાં જોતાં પોતાનાં દોસ્ત કમલેશ નો જીવ બચવાની પણ ભગવાન ને પ્રાર્થના કરી રહ્યાં હતાં..ફાયરબ્રિગેડ ની ટીમ આગ પર કાબુ મેળવીને કમલેશનાં બેડરૂમ ની તપાસ કરવા ત્યાં પહોંચી ત્યારે એમને કમલેશ ની વિકૃત હાલતમાં સળગી ગયેલી લાશ જોઈ.

શેખર અને મોહન ને જ્યારે એ વિશે જણાવાયું તો બંને એકબીજાને ગળે વળગીને રડવા લાગ્યાં.પોતાનાં ખાસ દોસ્ત ની આવી મોત જોઈ એ બંને ની આંખો ઉભરાઈ આવી હતી..બંને નો ચહેરો જ એમનાં હૃદય પર છવાયેલી ગ્લાની ની સાબિતી આપી રહ્યો હતો.

હજુપણ શેખર અને મોહન એ માનવા તૈયાર નહોતાં કે એ કમલેશ ની જ લાશ હતી..લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી ત્યારે પોસ્ટમોર્ટમ કરનાર ડોકટર પણ લાશની દશા જોઈ હેબતાઈ ગયાં હતાં..કમલેશ નો મૃતદેહ પૂર્ણપણે સળગી ગયો હતો અને શરીરનાં નામે ફક્ત માંસ નાં લોચા જ વધ્યાં હતાં.. અમુક અમુક જગ્યાએ તો હાડકું પણ સાફ સાફ નજરે પડી રહ્યું હતું.

હાથમાં પહેરેલી વીંટીઓ પરથી એ મૃતદેહ કમલેશ નો જ હોવાનું પુરવાર થઈ ગયું..કમલેશ નાં આગળ પાછળ કોઈ હતું નહીં એટલે શેખર અને મોહને ભારે હૈયે કમલેશનાં સળગી ગયેલા મૃતદેહનો અગ્નિ સંસ્કાર કર્યો.

કમલેશે પોતાની વસિયતમાં શેખર અને મોહન નું નામ લખ્યું હતું કેમકે એનાં માટે એ બંને જ એનો પરિવાર હતાં.. સામે પક્ષે મોહને પણ પોતાની વસિયતમાં કમલેશ અને શેખર નું તથા શેખરે કમલેશ અને મોહન નું નામ લખ્યું હતું.. છતાંપણ પોલીસે શક નાં આધારે મોહન અને શેખરની પૂછપરછ કરી..પણ જ્યારે એ બંને એ કમલેશ ની બધી પ્રોપર્ટી ચેરીટીમાં આપી દેવાની વાત કરી ત્યારે એ બંનેમાંથી કોઈએ કમલેશ ને એની દોલત માટે મારી નાંખ્યો હોવાની પોલીસ તંત્ર ની ગણતરી ખોટી પડી.

પોલીસ તપાસ પૂર્ણ થયાં પછી શેખરે એકલો બોલાવી મોહનને પૂછ્યું.

"મોહનીયા તું ત્યાં કેવી રીતે એકજેક્ટ ટાઈમે પહોંચ્યો હતો..?શું તારી ઉપર કમા નો કોલ આવ્યો હતો..?"

શેખર નાં સવાલના જવાબમાં મોહને તમન્ના નાં આવવા પર મોહને કરેલો કોલ અને પછી તમન્ના પોલીસ ની રેડમાં પકડાઈ ગઈ હોવાથી કમલેશનાં ઘરે નથી જવાની એ જાણ કરતાં સોનિયાના કોલ વિશે માહિતી આપી..પોતે કમલેશ ને કોલ પણ કર્યો પણ કમલેશનો ફોન સ્વીચ ઓફ બતાવતાં પોતે ત્યાં આવ્યો હોવાની વાત મોહને શેખર ને જણાવી.

"તે તપાસ કરી કે તમન્ના સાચેમાં પોલીસ રેડમાં પકડાઈ ગઈ છે..?"મોહન ની વાત સાંભળી શેખરે પૂછ્યું.

"આમ તો સોનિયા મારી જોડે ખોટું બોલી જ ના શકે છતાંપણ મેં મારી રીતે તપાસ કરી જોઈ તો માલુમ પડ્યું કે તમન્ના તો આખી રાત પોલીસ કસ્ટડીમાં હતી.."મોહન બોલ્યો.

"તો પછી કમલેશ જે છોકરીની વાત કરી રહ્યો હતો એ કોણ હતી..?"શેખરે કંઈક વિચાર સાથે મોહન ને પૂછ્યું.

"શેખરીયા હું પણ એજ વસ્તુ વિચારું છું કે કમલેશે મને કોલ કરી એવું કેમ કહ્યું કે એની જોડે જે છોકરી હાજર છે એ બહુ મસ્ત છે..?"મોહનનાં શબ્દોમાં પણ પ્રશ્ન હતો.

"લાગે છે કોઈ આપણી સાથે મોટી ગેમ રમી રહ્યો છે..પહેલાં તો કમલેશ નું એની સાથે બનતી વિચિત્ર ઘટનાઓ વિશે કહેવું અને બીજાં દિવસે એનું ભેદી સંજોગોમાં મોત..મને લાગે છે કોઈક આપણી સાથે ગંદી રમત રમી રહ્યું છે.."શેખર નાં અવાજ માં આછો ડર સાફ વર્તાતો હતો.

"જો શેખરીયા એવું જ હશે તો કમલી ની કસમ એને હું નરકનાં દ્વાર સુધી ના મુકી આવું તો મારું નામ પણ મોહન મંગુસ નહીં.."આંખોમાં ખુન્નસ સાથે મોહન બોલ્યો.

મોહન અને કમલેશ એકપછી એક પોતાનાં દુશ્મનો કોણ કોણ હતાં એની યાદી બનાવવા લાગ્યાં.એમનાં ફેલાયેલાં કામને લીધે એમનાં બિઝનેસ રાઈવલ અને શત્રુઓ તો ઘણાં હતાં પણ એમની કોઈ જોડે એવી દુશ્મની ના દેખાય જે હત્યા સુધી પહોંચી શકે.

"ગમે તે કરી એ છોકરી સુધી પહોંચવું પડશે તો જ કમલેશ જોડે એ રાતે શું થયું એની ખબર પડે એવું લાગે છે.."શેખર બોલ્યો.

"શેખર મને એવું લાગે છે કે આ કમલેશનું મગજ થોડું ચસકી ગયું હતું હમણાંથી..એને નશામાં જ મને કોલ કર્યો હોય અને પછી એનાં રૂમમાં કોઈ કારણથી આગ લાગી જતાં એ સળગીને ભડથું થઈ ગયો હોય એવું પણ બની શકે ને.?"સવાલસૂચક નજરે શેખર ની તરફ જોતાં મોહન બોલ્યો.

"કમા ની રોજ દારૂ પીવાની લત અને એની હમણાંથી જે માનસિક સ્થિતિ હતી એ જોતાં તારી વાત ની શકયતા નકારી શકાય એવી નથી.."શેખર થોડું વિચારીને બોલ્યો.

"ભગવાન કમલી ની પ્રાર્થના ને શાંતિ આપે બીજું તો શું.."મોહને આકાશ તરફ જોઈને કહ્યું..ત્યારબાદ પોતાનાં વાર્તાલાપ નો અંત કરી મોહન અને કમલેશ પોતપોતાનાં ઘરે જવા રવાના થઈ ગયાં.

***

બે દિવસ પછી કમલેશનાં ઘરે એની શોકસભાનું મોહન અને શેખર દ્વારા આયોજન કરવામાં આવ્યું.. આખા શહેરમાંથી નામી-અનામી સૌ કોઈ કમલેશની શોકસભામાં ઉપસ્થિત થયાં.

મોહને અને શેખરે બધાં ની હાજરીમાં કમલેશ ની બધી સ્થાવર મિલકત, પ્રોપર્ટી,બેન્ક બેલેન્સ બધું જ દાન કરી દેવાની જાહેરાત કરી. કમલેશ ની બધી સંપત્તિ શહેરનાં અલગ અલગ વૃદ્ધાશ્રમ અને અનાથાલય માં દાન કરી દેવાની મોહન અને શેખરનાં નિર્ણયની સૌ કોઈએ સરાહના કરી.

મોડી સાંજ સુધી કમલેશનાં ઘરે લોકોનો જમાવડો થતો જ રહ્યો..લોકોની આગતાં સ્વાગતાં ની પણ મોહન અને શેખરે સારી તૈયારી કરી હતી..પોતાનાં મિત્ર કમલેશ માટે આટલું બધું કરતાં એ બંને ને જોઈ ત્યાં આવેલાં લોકો એમની મિત્રતાનાં વખાણ કરતાં થાકી નહોતાં રહ્યાં.

આખરે શોકસભા પૂર્ણ થતાં શેખર અને મોહન પણ ઘરે જવાની તૈયારી કરી રહ્યાં હતાં ત્યાં મોહનની નજર દાદરા ની નીચેની તરફ પડેલ એક વસ્તુ પર પડી..મોહને નજીક જઈને જોયું તો એ તો પેલી જ પેઈન્ટીંગ હતી જે શેખરે કમલેશ ને ગિફ્ટ કરી હતી..પોતાનાં મિત્રનાં છેલ્લાં જન્મદિવસ ની આ નિશાની જોઈ મોહન ની આંખો ઉભરાઈ આવી..પેઈન્ટીંગ જોતાં જ મોહન મનોમન બોલી ઉઠ્યો.

"કમલી એ હજુ તો આ પેઈન્ટીંગ ને પોતાનાં રૂમમાં સજાવી પણ નહીં અને એ પહેલાં જ એ કાળ નો કોળિયો બની ગયો."

મોહને એ પેઈન્ટીંગ પોતાની સાથે પોતાનાં ઘરે લઈ જવાની શેખર જોડે અનુમતિ માંગી તો શેખરે કહ્યું.

"હા દોસ્ત.. હવે કમલેશ રહ્યો નથી તો તું એ પેઈન્ટીંગ લઈ જઈ શકે છે..મને ખુશી થશે કે જ્યારે તારાં ઘરે આવીને એ પેઈન્ટીંગ જોઈશ ત્યારે એ બહાને કમા ને યાદ તો કરી લઈશ.."

શેખર ની વાત સાંભળી મોહન એને ભેટી પડ્યો..ત્યારબાદ શેખર અને મોહન પોતાનાં ઘરે જવા માટે નીકળી પડ્યાં.. શેખર તો ત્યાંથી એકલો જઈ રહ્યો હતો પણ મોહન ની જોડે હતી કમલેશ ની યાદગીરી સમાન પેઈન્ટીંગ..!!

"The burning man"

વધુ આવતાં ભાગમાં..

કમલેશ, શેખર, મોહને ભૂતકાળમાં શું ગુનો કર્યો હતો..?? કોણ હતો શંભુ અને એનો એ લોકો સાથે શું સંબંધ હતો?? સાચેમાં એ પેઈન્ટીંગ નાં લીધે જ આ બધું થઈ રહ્યું હતું??..આ સવાલોના જવાબ આવતાં ભાગમાં. આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ દિલ કબૂતર, રૂહ સાથે ઈશ્ક અને ડણક પણ વાંચી શકો છો.

-દિશા. આર. પટેલ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED