વડવાઈ Reena Raja દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વડવાઈ

                ક્ષિતિજ તરફ જવા ઉતાવળો થયેલ સુરજ આથમવાની તૈયારીમાં હતો."વાનપ્રસ્થાશ્રમ" ના દરવાજે એક ટેક્સી આવી ઊભી રહી.શ્વેત વસ્ત્રધારી મનસુખભાઈ સરનામાની ખરાઇ ચકાસતા ઉતર્યા.
            વિશાળ ખુલ્લા મેદાનમાં બધા વૃદ્ધો સાંજની પ્રાર્થના માટે ભેગા થવા લાગ્યા હતા.મનસુખભાઈ પણ આ મેદનીમાં ભળી ગયા.જોકે પ્રાર્થના કોના માટે કરવી એ સવાલે તેમને મૂંઝવણમાં મૂકી દીધા.છતાંય બધા વૃદ્ધો સાથે શૂન્યમનસ્ક રીતે એ ચેષ્ટા કરી.
             પ્રાર્થના પૂરી થતા "વાનપ્રસ્થાશ્રમ"ના રૂપાળા નામધારી વૃદ્ધાશ્રમના મેનેજરે મનસુખભાઈ ને ભીડ થી આગળ બોલાવ્યા.બધા વૃદ્ધોને તેનો પરિચય આપતા કહ્યું,"આ મનસુખભાઈ છે આપણા આશ્રમ ના નવા સભ્ય."
              બધા વૃદ્ધોએ જવાબમાં જયશ્રીકૃષ્ણ કર્યા.આ જગ્યા નવા આગંતુકને તાળીઓના ગડગડાટ કે હારતોરાથી સ્વાગત કરવા માટે ક્યાં હતી??આ પરિવારનો દરેક સભ્ય ઈચ્છતો કે અહીં કોઈ નવા સભ્ય ન આવે.
               ધીમે ધીમે બધા સભ્યો વિખરાવા લાગ્યા.દરેકની નજર મનસુખભાઈ તરફ સહાનુભૂતિ થી ફરી રહી.મનસુખભાઈ થોડા અક્કડ બની ને ચહેરા પર ઉપસી આવતી વેદનાની લકીરોને છુપાવવા પ્રયત્ન કરવા લાગ્યા.
               મનસુખભાઈ ની ઉંમરના એક વૃદ્ધે તેમની પાસે આવીને કહ્યું," ચાલો રૂમ તરફ જઈશું?મારુ નામ ગીરધરલાલ.તમારો અને મારો રૂમ પાસે પાસે જ છે."
               મનસુખભાઈ વિચારશુન્ય બનીને રૂમ તરફ ચાલવા લાગ્યા.પટાવાળો રૂમમાં સામાન મૂકી ગયો.રૂમ પર પહોંચતા જ તે પલંગ પર ફસડાઇ પડ્યા.ક્યારે આંખ મીચાઈ ગઈ તેની ખબર જ ન પડી.
              ધરતીને અંધકારની કેદમાંથી છોડાવવા સૂરજ કિરણો ના લશ્કર સાથે આવી પહોંચ્યો.પંખીઓના કલરવથી મનસુખભાઈ જાગી ગયા.સવારની તાજી હવાના સ્પર્શ થી માનસિક શાંતિ મેળવવા તે બાલ્કનીમાં આવીને ઊભા.કમ્પાઉન્ડમાં રહેલ વડના ઝાડની ડાળી પર બે પંખી માળો બનાવવા મથી રહ્યા હતા.મનસુખભાઈ ક્યાંય સુધી એ દ્રશ્ય તલ્લીનતાથી નિહાળી રહ્યા.
       "અંદર આવું કે?"કહેતા ગિરધરલાલના અવાજથી મનસુખભાઈ ધ્યાન ભંગ થયા.
        "આવોને." કહેતા મનસુખભાઈ પલંગ પાસે આવ્યા.
         "તમે ફ્રેશ થઈ જાઓ એટલે નીચે ચા નાસ્તો કરવા જઈએ." કહીને ગીરધરલાલ ગયા.
          ચા નાસ્તો પતાવી ગીરધરલાલે કહ્યું,"ચાલો તમને આ જગ્યા થી પરિચિત કરાવી દઉં."અને મનસુખલાલ આનાકાની કરે તે પહેલાં તો તેમણે ચાલવા પણ માંડ્યું.અનિચ્છાએ મનસુખભાઈ પણ દોરાયા.
            "અહીં વૃદ્ધાશ્રમમાં નીચલા માળે અશક્ત વૃદ્ધો માટે અનામત રૂમ્સ છે.અને   આપણા જેવા માટે ઉપરના   રૂમ્સ છે.આ બાજુ નું બિલ્ડીંગ સ્ત્રીઓ માટેનું છે.આ બાજુ કપલ્સ માટે રૂમ્સ છે."ગીરધરલાલે માહિતી આપવા માંડી.
           "આ સામે અનાથાશ્રમ છે.તમારા રૂમ ની બાલ્કની માંથી એ સીધો જ દેખાય છે."વડલા નીચે ના ઓટલા પર બેસતા ગિરધરલાલ બોલ્યા.
            મનસુખભાઈ એ પણ તેનું અનુકરણ કર્યું.
            ગ્રાઉન્ડમાં કેટલાક બાળકો ક્રિકેટ રમી રહ્યા હતા.મનસુખભાઈ ની નજર એ તરફ સ્થિર થઈ ગઈ.ચાર પાંચ વર્ષનું એક બાળક રમતાં રમતાં પડી ગયું.
            મનસુખભાઈ ના મોં માંથી અનાયાસે શબ્દો સરી પડ્યા," ધીમે,કવન બેટા!!"ગીરધરલાલ સમજી ગયા કે મનસુખલાલ ની નજર એ તરફ સ્થિર જરૂર હતી.પણ તેના માનસ પટ માં બીજું જ દ્રશ્ય રમી રહ્યું હતું.
           "ચાલો,રૂમ તરફ જઈશું? એમનો રમવાનો ટાઇમ પૂરો થઈ ગયો."ગિરધરલાલના શબ્દોથી મનસુખભાઈ ની ભાવ સમાધિ તૂટી.
            વર્તમાન પરિસ્થિતિનો ખ્યાલ આવતા જ તેની આંખો ભીની બની ગઈ. પણ એ આંસુઓને ખાળવામાં કામયાબ નીવડ્યા.
             ગીરધરલાલ પણ પરિસ્થિતિ પામી ગયા.પણ એમણે અત્યારે કંઈ પૂછવું યોગ્ય ન માન્યું.મનસુખભાઈ બીજા દિવસની સવાર પડવાની રાહ જોવા લાગ્યા. બાળકોની રમત જોવા મળવાની હતી ને!
              ધીમે ધીમે મનસુખભાઈ નવા વાતાવરણમાં ટેવાવા લાગ્યા.રોજની દિનચર્યા ગોઠવાઈ ગઈ હતી.અડધો દિવસ વડલા નીચે એકલા બેસી પરિવાર ને યાદ કરવા માં જતો હતો અને અડધો દિવસ ગીરધરલાલ સાથે વાતો કરી એ યાદ ને ભૂલવા માં....
              એક દિવસ રોજના ક્રમ મુજબ મનસુખભાઈ વડલા નીચે બેઠા બેઠા અનાથાશ્રમના બાળકોની રમત જોવામાં મશગુલ હતા.પાસે બેઠેલા ગિરધરલાલ છાપું વાંચીને ટાઇમપાસ કરતા હતા.એવામાં ક્રિકેટ રમતા બાળકો નો બોલ વડલાની ડાળ પર રહેલા પંખીના માળા સાથે અથડાયો. માળો તૂટી ગયો.
               મનસુખભાઈ એ બોલ લેવા આવેલ બાળક ને ઠપકો આપવા માંડ્યો "માળો તૂટવાની વેદના શું છે તને ક્યાંથી ખબર હોય?" કહેતા મનસુખભાઈના ગળે ડૂમો ભરાઈ આવ્યો.
               સામે ઊભેલ ચાર પાંચ વર્ષના બાળકને મનસુખભાઈ ના શબ્દો સમજાયા નહીં.પણ પોતાનાથી જરૂર કોઈ ભૂલ થઈ હશે એમ લાગતા દીદી એ શીખવાડેલું "સોરી,દાદા"કહેતા કાન પકડ્યા.
              "દાદા"શબ્દ કાને પડતા જ મનસુખભાઈના મનોભાવોમાં પલટો આવી ગયો.ગુસ્સાથી લાલ બનેલી એમની આંખોની લાલાશ એમના આંસુ પાછળ સંતાઈ ગઈ.મનસુખભાઈ બાળકને વ્હાલ થી ચૂમીઓ ભરતા રડવા લાગ્યા.આજે કેટલા વખતે કોઇએ તેમને "દાદા"કહ્યા હતા.
              એમને રડતા જોઈ બાળક ગળગળો થઈ તેમના ખોળામાં બેસી વહાલથી આંસુ લુછવા લાગ્યો.
               "તારું નામ શું છે બેટા?"મનસુખભાઈ એ પૂછ્યું.
             "46 નંબર." બાળક બોલ્યો.
              મનસુખભાઈ કંઈ સમજ્યા નહિ.
              પાસે બેઠેલા ગીરધરલાલે કહ્યું," અહીં આ અનાથ-આશ્રમમાં બાળકો નંબરથી ઓળખાય છે.એમનું પોતાનું વજૂદ શું છે એ એમને  ખબર નથી હોતી અને નામ શું હોય છે એ અનાથાશ્રમના સંચાલકોને ખબર નથી હોતી."
             "બેટા,આજથી તારું નામ કવન.હું તને એ જ નામે બોલાવીશ.મારી સાથે દોસ્તી કરીશ?"મનસુખભાઈ એ કહ્યું.
             જવાબમાં બાળક એ હકાર માં માથું ધુણાવ્યું.થોડીવારમાં બેલ વાગ્યો અને બાળક ચાલ્યો ગયો.
            આટલા દિવસમાં ઠીકઠીક દોસ્ત બનેલા ગીરધરલાલે હિંમત કરી મનસુખભાઈ ને પૂછ્યું," કવન કોણ છે?"
            "મારો પૌત્ર.આ 46 નંબર ની જેમ ક્રિકેટ એની પણ ફેવરિટ ગેમ હતી."મનસુખભાઈ એ કહ્યું.
       "એ બહુ યાદ આવતો હોય તો ફોન કરી લેતા હોય તો?"ગીરધરલાલે સજેશન આપ્યું.
           "એ એવી જગ્યા એ છે જ્યાં કોઈ કનેક્શન કામ નથી આવતું."મનસુખભાઈ બોલ્યા.
           "એટલે?કોઈ ગામડે? તમે રીતભાત પરથી તો શહેરી લાગો છો." ગિરધરલાલે પૂછ્યું.
             "એ મરી ચૂક્યો છે." મનસુખલાલ બોલીને રૂમ તરફ જવા લાગ્યા.પોતાના જખ્મો એ ગીરધરલાલ થી છુપાવવા માગતા હતા.
             હવે મનસુખભાઈ  થોડા ઉત્સાહ માં રહેવા લાગ્યા રોજ સવારે કવન સાથે અલકમલકની વાતો કરતા.આખા દિવસ દરમ્યાન કાલે કરવાની વાતો વિચારતા.
             એક દિવસ મનસુખ ભાઈ ની તબિયત ઠીક ન હોવાથી ગીરધરલાલ એમના રૂમમાં ખબર પૂછવા ગયા.અગરબત્તીનો ધુમાડો અને બામ ની વાસ ભેગા થઈને  અલગ જ ગંધ આવી રહી હતી.મનસુખલાલ શારીરિક   કરતાં માનસિક રીતે વધુ વ્યગ્ર જણાયા.
            "મનસુખભાઈ, કોઈ પ્રોબ્લેમ છે? આમ મૂંઝાયેલા કેમ લાગો છો?"ગિરધરલાલે પૂછ્યું.
            "આજે એના એકસીડન્ટ ને એક વર્ષ થયું." મનસુખભાઈ બબડતા હોય તેમ બોલ્યા.
            ગીરધરલાલે કહ્યું," મનસુખભાઈ મનની વાત મનમાં દબાવી દેવાથી વધુ વેદના થાય છે.કોઈ સાથે વાત કરીએ તો મન હળવું થઈ જાય છે.તમારી વાત વાંધો ન હોય તો મને કહો."
            "હું રિટાયર્ડ આર્મી મેન છુ વર્ષોથી સરહદ પર ડ્યુટી હોવાથી પરિવાર સાથે બહુ ઓછો સમય રહી શકતો.ઘરની બધી જવાબદારી મારી પત્ની શાંતિ જ સંભાળતી.દીકરા પથિક સાથે પણ ક્યારેય વધુ સમય પસાર ન થઈ શકતો.એટલે જ તો જ્યારે રિટાયર્ડ થયો ત્યારે વિચાર્યું કે આટલા વર્ષોનો પરિવારનો વિયોગ હવે પૂરો થઈ ગયો.પરિવાર સાથે ગાળવાની એક ક્ષણ પણ નહીં ચુકું.પથિકની પત્ની રાહી ઘરમાં આવી તો લાગ્યુ જાણે અમે બંને જણ જવાબદારી મુક્ત બની ગયાછીએ. રાહી એ પણ ઘરને નંદનવન બનાવવામાં કોઈ કસર ન છોડી.
                રાહી એ જ્યારે કવન ને જન્મ આપ્યો ત્યારે તો મને લાગ્યું કે હું આ દુનિયા ની સૌથી સુખી વ્યક્તિ છું.ડ્યુટીને કારણે પથિકને મોટો થતો જોવાયો નહોતો એ બધી જ કસર કવન સાથે રહીને પૂરી કરવા લાગ્યો.કવન પણ મને તેનો બેસ્ટ ફ્રેન્ડ માનતો.એની સાથે રમવું,તેને સ્કૂલે લેવા મૂકવા જવો,એને હોમવર્ક કરાવવું,એની કાલીઘેલી વાતો સાંભળવી, એના અગણિત સવાલો ના જવાબ આપવા,એ બધામાં મારો અને શાંતિનો ટાઈમ ક્યાં પસાર થઈ જતો ખબર જ ન પડતી.
              આજથી બરાબર એક વર્ષ પહેલા આખો પરિવાર પિકનિક પર જતો હતો.એટલામાં જ એક ટ્રક સાથે અમારી ગાડી નું એક્સિડન્ટ થયું.ખુશખુશાલ ચહેરે બેઠેલા સૌ પીડાથી     કણસવા લાગ્યા.આંખ ખુલી ત્યારે હું હોસ્પિટલમાં હતો .આર્મીમાં કસાયેલું  મારુ શરીર જખ્મોને પચાવી શકયું હતું.જ્યારે મારો આખો પરિવાર મારાથી છીનવાઈ ગયો હતો.
            પથિક અને રાહી અનંતની મુસાફરીએ ચાલી નીકળ્યા.શાંતિની સાથે મારા પરિવારની શાંતિ ચાલી ગઈ.અને કવન... એનું તો અસ્તિત્વ પૂરું થાય એ પહેલાં જ ભગવાને ભૂંસી નાખ્યું.મારો માળો પીંખાઈ ગયો..."વાત કરતા કરતા આટલા દિવસમાં ક્યારેય રડતા ન દેખાયેલા મનસુખભાઈ ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડ્યા.મન પર રહેલા વાદળો આંખો વાટે વરસી રહ્યા. મનોઆકાશ પરથી હતાશાના વાદળો દૂર થતાં જ થોડીવારમાં મનસુખભાઈએ સ્વસ્થતા ધારણ કરી લીધી.આખરે આર્મીમેન ખરાને!!
                "ગીરધરલાલ,ચાલો નીચે જઈશું?કવન આપણી રાહ જોતો હશે."મનસુખભાઈએ કહેતા બન્ને નીચે ગયા. એટલામાં કવન દોડતો આ તરફ આવ્યો.
              "દાદા.માળો એટલે શું?"નાનકડા કવને દાદા ના ખોળા માં બેસતા બેસતા સવાલ કર્યો.
              "બેટા,એ પંખીઓ નું ઘર હોય છે. પંખીઓ બહુ મહેનત થી એ ઘર બનાવે છે." મનસુખભાઈ બોલ્યા.
             "બધાયને ઘર હોય?" કવન બોલ્યો.
              "હા,બેટા, કોઈને નાનું હોય તો કોઈકને મોટું.પણ બધાને ઘર હોય." મનસુખભાઈ એ કહ્યું.
              "તમારે પણ છે?" કવને પૂછ્યું.
               "હા,બેટા,આ શહેરમાં જ છે."મનસુખભાઈ એ જવાબ આપ્યો.
               "મારે તો ઘર જ નથી. ઘરમાં રહેવાની બહુ મજા આવે?" કવને પૂછ્યું.
                "હા,બેટા," મનસુખભાઈ એ કહ્યું.
                 "તો તમે ઘરે કેમ નથી રહેતા?"કવને ફરી પ્રશ્ન કર્યો.
                 "ત્યાં મારી સાથે રહેવા વાળું કોઈ નથી. એકલા એકલા થોડું ગમે?"મનસુખભાઈ એ કારણ આપતા કહ્યું.
                "તો મને લઇ જાવ ને તમારા ઘરે.હું તમારી સાથે રહીશ.તમને બામ પણ લગાડી આપીશ. મારે ઘરમાં રહેવું છે" કવને કહ્યું.
              નાનકડા કવનના છેલ્લા વાક્યે મનસુખભાઈ ને સ્તબ્ધ કરી દીધા.વિચાર આવ્યો કે પોતાને તો આટલો ટાઇમ ઘર પરિવારનું સુખ ભગવાને આપ્યું હતું પણ આ બાળકો?એમનો શું વાંક?ફરી એક વાર એમનું મન ભગવાન સામે બળવો કરવા લાગ્યું.
              "બોલોને દાદા મને ઘરે ક્યારે લઈ જશો?" કવને ફરીથી પૂછ્યું.
               કવનના પ્રશ્નોના જવાબ આપવાનું મનસુખભાઈ માટે મુશ્કેલ થઈ ગયું. સારું કર્યું એટલામાં બેલ વાગ્યો અને કવન ચાલ્યો ગયો.
               આખો દિવસ કવનના શબ્દો રહી રહીને મનસુખભાઈ ના મનમાં ઘૂમરાયા કરતા હતા.સવારે રોજના ક્રમ મુજબ બાલ્કનીમાં ઊભા ઊભા એમની નજર વડલાની ડાળી પર ગઈ.પેલા બંને પંખીઓ માળો તૂટી ગયા નો શોક  રાખ્યા વગર ફરીથી માળો ગૂંથવા લાગ્યા હતા.ડાળી ને ટેકો આપવા નવી વડવાઈ ફૂટી હતી.
               એક પળ માટે મનસુખભાઈ ને પણ પોતાનો માળો ફરી ગૂંથવાની ઈચ્છા થઈ.વિચાર આવ્યો કે કવનને લઈને એ પોતાના ઘરે ચાલ્યા જાય.પણ પાછો વિચાર આવ્યો કે જો તે કવનને પૂરતો પ્રેમ ન આપી શક્યા તો?ગમે એટલો વ્હાલો લાગે તોય અંતે તો પારકું લોહી....એને મારા પરિવારના સભ્યો~ મારા કવન જેટલો પ્રેમ ન કરી શકું તો અંતરાત્મા પર બોજ રહે.
              પણ વળી પાછો કાલે કવન ઘરે જવાનું કહેશે તો?એ નાનકડા બાળકની આશાઓ ભગવાને તો તોડી નાખી છે શું હું પણ ભગવાન જેટલો નિષ્ઠુર બની જઉં?માણસ થઇને માણસને હૂંફ ન આપી શકું?
              મનોમંથનમાં ક્યાં દિવસ પસાર થઈ ગયો એની ખબર જ ન પડી.બીજા દિવસે આદત મુજબ મનસુખભાઈ ગીરધરલાલ સાથે વડલા નીચે બેઠા.કવન આજે ન આવ્યો.તેણે ગીરધરલાલ આગળ મૂંઝવણ રજૂ કરી પોતાનું મનોમંથન કહ્યું
              "લાગે છે કે મારાથી રિસાઈ ગયો હશે. બિચારા ના નાનકડા હ્રદય માં કેટલા સવાલો થતા હશે?"મનસુખભાઈ એ અનુકંપાથી કહ્યું.
              "કદાચ આજે રમતમાં જીવ વધારે ચોંટ્યો હશે એટલે નહીં આવ્યો હોય." ગીરધરલાલે તેની ચિંતા હળવી કરવા કહ્યું.
              "ચાલો ને તેના દીદી ને પૂછીએ." મનસુખભાઈ થી રહેવાયું નહિ.
              બંનેને આવતા જોતાં જ અનાથાશ્રમના દીદી તેમની તરફ આવ્યા.
              "સારું થયું તમે આવ્યા, દાદા.ગઈકાલે 46 નંબર~તમારો કવન પગથિયેથી પડી ગયો છે. પગમાં ખાસ્સું લાગ્યું છે.આજે તેના પગનું ઓપરેશન કરવું પડશે. પણ હોસ્પિટલમાં સૂતો સૂતો એ તમને મળવાની જીદ કરે છે."
             મનસુખભાઈ ચિંતા થી બેબાકળા બની ગયા.ગીરધરલાલ ને સાથે લઈ એ દીદી સાથે હોસ્પિટલે ગયા.કવન પલંગ પર પડ્યો પીડાથી કણસતો હતો.એ પીડા વચ્ચે પણ દાદા ને જોઈને એની આંખોમાં એક ચમક આવી ગઈ. મનસુખભાઈ પલંગ પર બેસી પડ્યા.કવને પોતાનું માથું દાદા ના ખોળા માં મૂકી રડવા માંડ્યું.એને શાંત પાડી મનસુખભાઈ દીદી સાથે ડોક્ટર પાસે ગયા.
             "ઓપરેશન ક્યારે છે?"મનસુખભાઈએ ડોક્ટરને પૂછ્યું.
             "અમે તો તૈયાર જ છીએ.પણ બાળકને લોહી ચઢાવવું પડશે અને બ્લડ બેંકમાં ઓ નેગેટિવ ગ્રુપનું લોહી હાજરમાં નથી.અમે લોહી મેળવવા પ્રયત્નો કરીએ છીએ."ડોક્ટરે માહિતી આપતા કહ્યું.
            "ડોક્ટર મારુ બ્લડગ્રૂપ ઓ નેગેટિવ છે.હું લોહી આપીશ."મનસુખભાઈ બોલ્યા.
            "પણ તમને આટલી ઉંમરે અશક્તિ આવી જશે તો?"ડોક્ટરે કહ્યું.
             "નહીં આવે સાહેબ.આર્મી માં હતો ત્યારે દેશ માટે લોહીની નદીઓ વહેવડાવી છે. અને આજે એક નાનકડા છોકરાને ન આપી શકું? આમેય શરીરમાં હજી સુધી રોગો એ પગપેસારો નથી કર્યો એટલે હું રક્તદાતા બનવાને લાયક તો છું જ."મનસુખભાઈ એ દલીલ કરી.
            "ઠીક છે."ડોક્ટરે સંમતિ દર્શાવી ફટાફટ બધી તૈયારી કરવા માંડી.
            થોડીવારમાં કવન નું ઓપરેશન થઇ ગયું.
             થોડાક દિવસમાં કવન સાજો થઈ ને પાછો અનાથાશ્રમમાં આવી ગયો.
              એક દિવસ કવન સાથે રમતા મનસુખભાઈ ને જોઈને ગીરધરલાલે કહ્યું," મનસુખ ભાઈ હવે તો કવન ના શરીરમાં તમારું લોહી...."
             "ના ગીરધરલાલ કદાચ મે દયાભાવથી પ્રેરાઇને પણ લોહી આપ્યું હોય." કહેતા મનસુખભાઈ પાછા કવન સાથે રમવામાં મશગુલ થઈ ગયા.
             એક રવિવારે કવન મનસુખભાઈ પાસે આવીને લપાઈ ગયો. એની આંખોમાં આજે ગજબ નો ભય હતો."દાદા,આજે કોઈક અંકલ આંટી આવ્યા હતા.દીદી કહેતા હતા કે મારે તેમના ઘરે રહેવા જવાનું છે.મારે એમનો દીકરો બનવાનું છે.મારે એમના ઘરે નથી જવું..."કહેતો કવન મનસુખભાઈ ના ખોળામાં વધુ જોરથી લપાઈ ગયો.એ નાનકડો જીવ મનસુખભાઈ ના ખોળામાં સુરક્ષા મેળવવા મથ્યો.
              "પણ બેટા, તું જ કહેતો હતો ને કે તારે ઘરમાં રહેવું છે?"મનસુખભાઈ એ તેનો ડર દૂર કરવા તેને વ્હાલથી પસવાર્યો. પણ હકીકતે તેઓ પોતે જ એક અજાણ્યો ડર મહેસુસ કરવા લાગ્યા.
              "ના દાદા. મને તમારા વગર ન ગમે. ચાલોને દાદા આપણે તમારા ઘરે રહેવા જતાં રહીએ. ત્યાંથી મને કોઈ લઈ નહીં જાય."કવન ના વાક્ય થી મનસુખભાઈ દિગ્મૂઢ બની ગયા.
               "ચાલો ને દાદા.. તમે દીદી ને કહી દો ને કે હું તમારા ઘરે જઈશ મારે એ અંકલ આંટી ના ઘરે નથી જવું.હું જતો રહીશ તો તમે વાર્તા કોને કહેશો?" કહેતો કવન રડતો રડતો મનસુખભાઈ ને અનાથાશ્રમ તરફ દોરી ગયો. મનસુખભાઈ અનાયાસે કવનની પાછળ ખેંચાયા.
              મનસુખભાઈ ને દીદી પાસે ઊભા રહેવા દઈને કવન રૂમ તરફ જવા લાગ્યો. જતા જતા અેણે મનસુખભાઇ ની સામે જોયું. એ આંખોમાં પોતાના પરનો ભરોસો જોઈને મનસુખભાઈ થથરી ગયા.એમની આંખો કવનની આંખોમાં રહેલી આશા ના ભારથી ઝુકી ગઈ.
               દીદી એ વાત શરૂ કરતા કહ્યું," આજે એક દંપતિ અનાથાશ્રમમાં બાળકો જોવા આવ્યું હતું. એમને 46 નંબર પસંદ પડ્યો છે.એમના વિશે પૂરતી તપાસ થઈ જાય પછી બધું બરાબર લાગે તો અનાથાશ્રમ એમને એ બાળક દત્તક આપશે.બધા બાળકો તો મમ્મી પપ્પા મળે એ માટે રાહ જોતા હોય છે. પણ આ તમારો કવન તો ત્યારનો રડે છે કહે છે મારે દાદા પાસે રહેવું છે. તમારા પ્રત્યે બહુ લાગણી થઈ ગઈ છે એને."
               મનસુખભાઈ કંઈ પણ બોલ્યા વિના ચિતભ્રમ અવસ્થામાં રૂમ પર ગયા.ટેબલ પર પડેલા ફેમિલી ફોટો ને તાકતાં તે સૂનમૂન બેસી રહ્યા. ફોટામાં રહેલા કવન ને જોઈને બોલવા લાગ્યા,"ના બેટા. હું તારું સ્થાન કોઈને નહિ આપું." પણ તરત જ ૪૬ નંબરની આંખો નજર સામે તરવરી ગઈ.મનસુખભાઈ ના મનમાં એકસાથે સેંકડો વિચારો ઉભરાઈ આવ્યા. તે બાલ્કનીમાં આવીને વડલાની સામે તાકતા ઊભા રહ્યા. વડલાની નવી ઊગેલી  વડવાઇ ને જોઈને વિચાર આવ્યો કે વડલાની દરેક વડવાઈને પોતાનું આગવું સ્થાન છે.વડલા માટે વડવાઈએ માત્ર વડવાઈ હતી.એમાં નવી જૂની નો તફાવત નહોતો. મનસુખભાઈ એ શાહમૃગવૃત્તિ ત્યાંથી નજર ફેરવી લીધી.
              એ આકાશ સામે તાકી રહ્યા. પણ આ શું? આકાશમાં પણ તેમને પોતાનો પરિવાર દેખાતો હતો.પથિક અને રાહી કહી રહ્યા હતા,"પપ્પા, અહીં કવન ને તમારા વગર નથી ગમતું.એ તમારી પાસે પાછો આવવા માગે છે. એ બાળકને અપનાવી લો.કવન નવા સ્વરૂપે તમારી સાથે રહેશે."
               શાંતિ કહી રહી હતી "એને રોકી લો. ક્યાં સુધી મનના ભાવોથી ભાગતા રહેશો?શું પથિક નું બીજું સંતાન હોત તો એ બન્નેને એક સરખો પ્રેમ ન આપત? હકીકત તો એ છે કે તમે એ બાળક સાથે લાગણી ની ગાંઠ બંધાઈ ગયા છો.પણ એ સ્વીકારતા ડરો છો.સચ્ચાઈથી ભાગવાથી સચ્ચાઈ બદલાઈ નથી જવાની અને સચ્ચાઈ એ જ છે કે એ બાળક આજે તમારી જીવાદોરી બની ચૂક્યું છે."
                કવન કહેતો હતો "દાદા,મારે તમારી પાસે આવવું છે."
                મનસુખભાઈ અજીબ કશ્મકશમાં અટવાઈ ગયા.બહુ વિચાર કર્યા પછી એ ગિરધરલાલના રૂમમાં ગયા.
                "ગીરધરલાલ,મેં નિર્ણય કરી લીધો છે.એક વખત હું મારા પરિવારને કોઇ ચૂક્યો છું. બીજીવાર હું એમ નહીં થવા દઉં.હું કવનને નહિ જવા દઉં."
                વાદળોથી ઘેરાયેલા આકાશમાં ઢંકાયેલા સૂરજ પર નું આવરણ હટી ગયું હતું. એ પાછો પોતાના અસલ સ્વરૂપે ચમકવા સજ્જ હતો~મનસુખભાઈ ની જેમ જ.આખરે તો એ મનસુખભાઈ હતા.ગમે તેટલી વિકટ પરિસ્થિતિમાંથી એમનું મન સુખ શોધવા સક્ષમ હતું.
              થોડા જ દિવસમાં કવનને દત્તક લેવાની વિધિ પતાવી મનસુખભાઈ કવનને લઈને ઘર તરફ જવા ઉપડ્યા.
             વડલા ની ડાળી માં પંખી એ પોતાનો માળો ફરીથી બનાવી લીધો હતો અને ડાળીમાંથી નીકળેલી નવી વડવાઈ ડાળીનો આધાર બનવા ઝડપથી વધી રહી હતી.....