પબ-જી Dr Vishnu Prajapati દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પબ-જી

સવારના અગિયારનો સમય... શહેરના ગાર્ડનમાં અનેક છોકરા છોકરીઓ મોબાઇલમાં મશગૂલ હતા.. 
ત્યાં દૂર બેસેલા એક એકલવાયા છોકરાની નજીક બે આધેડ વ્યક્તિઓ પહોંચ્યા... અને તેને સંભળાય તે રીતે વાતચીત શરુ કરી.
 ‘આ મોબાઇલે તો દેશનો દાટ વાળી દીધો છે.... અને એમાંય આજના યંગસ્ટર તો બે મિનિટે’ય મોબાઇલને પોતાનાથી અળગો નથી કરતા...’ 
‘હા સાચી વાત... આ નકામું ચેટીંગ અને ટાઇમ વેસ્ટ કરતી ગેમમાં તો તે ટાઇમ વેડફે છે અને પછી તો એ જ ફરીયાદો કરશે કે અમને સારી નોકરી મળતી નથી, કંપનીઓ અમારુ શોષણ કરે છે અને પેપર ફોડવા કે લાંચ આપવા જેવા શોર્ટકટ શોધે છે.’  જયંતિએ પણ તેમાં સૂર પુરાવ્યો.
અને ત્યાં તેમની વાત સાંભળી રહેલા એક યુવાને મોબાઇલમાંથી માથું ઉંચુ કરીને કહી દિધું, ‘તમને ઘરડાં લોકોને આજના યુવાનોને બદનામ કરતા સિવાય કશું આવડે છે ખરું...?’
પેલા યુવાનનો સણસણતો સવાલ સાંભળી બન્નેને લાગ્યું કે તેમની વાતોની અસર તો થઇ ખરી...!
‘ના નથી આવડતું...’ જયંતિએ સામે તરત જવાબ વાળી દીધો.
પેલા યુવાને ફરી કહ્યુ, ‘તમે તમારું કરો તો’ય બસ છે.... અમને સલાહો આપવાની કોઇ જ જરુર નથી...’
‘જો ભઇ,આ તો અમને જે દેખાય છે તે કીધું... માનવું ન માનવું તારી મરજીની વાત...’ મણીકાકા કંઇક સમજાવવા જતા હતા ત્યાં તે યુવાન વધુ ભડક્યો.
‘તમે પણ મારા મમ્મી-પપ્પા જેવા જ છો... વાતવાતમાં સલાહ આપવાની અને અમને ટોકવાના, અમારી સ્વતંત્રતા અને અમારી ઇચ્છાઓ પણ હોયને....!’ પેલો યુવાન પોતાના અંદરની વેદના કહી રહ્યો હતો. જો કે તેની આંગળીઓ તો મોબાઇલ સ્ક્રિન પર જ ફરી રહી હતી.. તે પબ-જી ગેમ રમી રહ્યો હતો.
‘જો બેટા, મારે પણ એક દિકરો હતો અને અમે જમાનો જોયો છે એટલે....!’ મણિકાકા હવે ઉઠીને તેની પાસે આવ્યાં.
‘પણ તમે આ પબ-જી ગેમ રમ્યાં છો... કોઇ સાથે ચેટીંગ કર્યુ છે...?’ પેલાએ કહ્યું.
‘શું નામ તારું ?’
‘અંકલ તે જાણીને શું કરશો...? મારા ઘરે જઇને મારી ફરીયાદ કરશો ?’  પેલો યુવાન ભડકેલો અને ચિડચિડિયો હતો.
‘સારું... તો હું અને તું પબ-જી કરતાં’ય વધુ ઇન્ટરેસ્ટીંગ અને ચેલેન્જીંગ ગેમ રમીયે તો...?’ મણિકાકાએ ગેમનું કહ્યું તો પેલા યુવાનની આંખમાં ચમક આવી ગઇ.
‘હા.. કઇ છે..?’ પેલો યુવાન ગેમનો એડિક્ટ જ લાગ્યો.
‘આપણે બન્ને પબ- જી જેવી જ સબ-જી ગેમ રમીશું અને જોઇએ કે કોણ જીતે છે ?’ મણિકાકાએ ચેલેન્જ ફેંકી.
પેલો યુવાન તો જાણે તૈયાર જ હતો. તેને તો મોબાઇલ તૈયાર જ કરી લીધો. ‘ઉભા રહો હું પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરી લઉં..’ 
મણિકાકાએ ત્યાં જ તેને રોક્યો અને કહ્યું, ‘ જો બેટા આ ગેમ આપણે જુદી રીતે રમવાની છે..એમાં આપણે એકબીજાને આ ગાર્ડનના ત્રણ લોકેશન અથવા કોઇ અજાણ્યા પાત્રનું નામ આપવાનું, આપણે તેની પાસે જવાનું અને તેમની કોઇ એક જરુરિયાત પુરી કરીને પોતે કામ પુર્ણ કર્યાનો સંતોષ થાય એટલે પાછુ આવવાનું... જોઇએ કોણ જીતે છે...!! આ છે નવી લાઇવ ‘સબ કે લીયો જીયો’ ગેમ....અમે ટુંકમાં તેને સબ-જી ગેમ કહીએ છીએ... ’ 
પેલા યુવાનના ચહેરા પર હાસ્ય આવી ગયું અને બોલ્યો, ‘ આવી તો કોઇ ગેમ હોય...?? સબ-જી...!!’
‘જો બેટા... આ ચેલેન્જ છે... મોબાઇલના વર્ચ્યુલ કેરેક્ટરને મારવા કરતા લાઇવ કેરેક્ટરની ખ્વાહિશ પુરી કરવાનો આનંદ મળશે.. અને જો તુ મારી ચેલેન્જ ન લઇ શકતો હોય તો તને અમારી પેઢી માત્ર સલાહો આપે છે તેવું કહેવાનો કોઇ હક નથી. ’ મણિકાકાએ ખૂબ વિશ્વાસથી કહ્યું અને લાગ્યું કે પેલો યુવાન હવે ચેલેન્જ લેવા તૈયાર થયો.
‘સારુ અંકલ આ ગેમ કેવી રીતે રમવાની...?’
‘એના રુલ્સ આ મારા સાથી મિત્ર જયંતિ કહેશે...!’ મણિકાકાએ તેના મિત્ર તરફ ઇશારો કર્યો.
‘ઇટ્સ સો સિમ્પલ.. તમારે બન્નેએ તમારી બધી વસ્તુઓ અહીં મુકી દેવાની અને તમે જે એકબીજાને ત્રણ લોકેશન આપો ત્યાં જઇ જે વ્યક્તિ મળે તે ઇચ્છે તેની એક ખ્વાહિશ જાણવી અને પુરી કરવી... અને ત્રણ લોકેશન પર રહેલા વ્યક્તિની ઇચ્છા પુરી કરીને જે પહેલો આવશે તે વિજેતા...અને હા... આ ગેમમાં કોઇ વ્યક્તિ સામે ગુસ્સો કે અસભ્યતાનું વર્તન ન કરવું... કોઇ આપણને તુચ્છકારે કે લડે તો પણ તેનો હસતા મોંએ સ્વીકાર કરવો..એવુ પણ બને કે દરેકની ઇચ્છા આપણે પુરી ન પણ કરી શકીએ...’ 
પેલા યુવાને તો તરત જ તેની બેગ, મોબાઇલ, વોલેટ, બેલ્ટ બધુ ઉતારી તે અંકલને આપી દીધું અને સબ-જી ગેમ માટે તૈયાર થઇ ગયો.. મણિકાકાએ પણ તેમ જ કર્યુ. પછી બન્નેએ એકમેકને ગાર્ડનના ત્રણ લોકેશન આપ્યાં...
અને યુવાન દોડ્યો નવી સબ-જી ગેમ જીતવા...!
તેને પહેલી ચીઠ્ઠી ખોલી, તેમાં લોકેશન હતું.. ગાર્ડનમાં ભીખ માંગતો કોઇ ભીખારી... 
અને તે યુવાન ભીખારીની શોધમાં નીકળી પડ્યો... આખરે તેને એક અપંગ ભીખારી મળ્યો.... ગેમના નિયમ પ્રમાણે તે યુવાને તેની પાસે એકદમ સૌજન્યપૂર્વકનો વ્યવહાર કર્યો...’ સર... મને આપને મળીને આનંદ થયો... હું અહીં તમારી કોઇ એક ઇચ્છા જાણવા આવ્યો છું... અને શક્ય બનશે તો હું તે પુરી કરીશ...’
પેલા ભીખારીને કોઇએ પહેલીવાર સર કહ્યું અને તે આભો જ બની ગયો... અને તે તેને જોઇ જ રહ્યો... પેલા યુવાને તેની વાત ફરી કહી અને પેલા ભીખારીને જાણે વિશ્વાસ આવ્યો...!
તેને પોતાની ખ્વાહિશ કહી, ‘આજે મારે પેલી હોટલમાં એક્વાર પેટભરીને જમવું છે...’
‘બસ... આટલું જ....!’ પેલા યુવાને તો તરત જ તે ભિખારીને સાથે લઇ હોટલમાં ગયો અને જમવાનું મંગાવ્યું... જો કે તેને પછી ખ્યાલ આવ્યો કે તેની પાસે પૈસા તો નથી.
અને તે ઉભો થયો અને તે ભિખારીને કહ્યું, ‘તમે શાંતિથી જમો હું થોડી મિનિટમાં આવ્યો...!’
ગેમ હવે શરુ થઇ... પૈસા વગર તેના ભરોસે હોટલમાં જમી રહેલા ભિખારીનું બિલ કેવી રીતે ચુકવવું...? હું ગમે તેમ કરીને પૈસા લાવીશ... અને તે આખરે ગાર્ડનની આજુબાજુ જોવા લાગ્યો...
તેને જોયું કે એક મોચી પાસે બૂટ પોલિશ કરાવવા માટે લાઇન હતી, તે ત્યાં ગયો અને બોલ્યો, ‘ હું બૂટપોલિશ કરાવવામાં તમને મદદ કરું ? મારે કામ અને પૈસા જોઈએ છે.’
અને પેલા મોચીએ તો તરત જ કહ્યું, ‘હા… આવને આજે મારો દિકરો માંદો છે એટલે સાથે કામ પર નથી આવ્યો...તું હોઇશ તો મારે કામમાં ઉતાવળ થશે.. અને જે મળે તેમાંથી અડધો ભાગ તારો... તું’યે મોચી જ છે’ને...?’ 
પેલા યુવાને હા કહી અને તરત બેસી ગયો કામ પર... થોડી જ મિનિટમાં તો તેના ભાગના એક સોને વીસ રુપિયા ભેગા થઇ ગયા... અને પેલા મોચીનું કામ પણ થઇ ગયું...અને છેલ્લે તે પોતાની પહેલી કમાણીના પૈસા બગડેલા હાથે લીધાં... 
તે મોચીએ કહ્યું કે ટાઇમ હોય તો પાછો આવજે આ બૂટની સિલાઇ અને બીજુ ઘણું કામ છે.... 
પણ તે યુવાનનું ધ્યાન તે હોટલ તરફ હતું... તે સામે ગ્લાસમાં પેલા ભીખારીને જમતા જોઇ રહ્યો હતો....તે  દોડ્યો... અને હોટલ પર તેનું બિલ ચુકવ્યું તો તેનો એક અલગ જ આનંદ થયો...જો કે તેની પાસે વીસ રુપીયા પણ બચ્યાં.. તે તેની પહેલી કમાઇ હતી..
પેલા ભીખારીએ તે યુવાનનો આભાર માન્યો અને તે યુવાનના હાથ પોતાના હાથમાં લઇ રડતાં રડતાં કહ્યું, ‘મેં દૂર ગ્લાસમાંથી તને બૂટપોલિશ કરતા જોયો છે... તેં મને આજે જિંદગીની સમજણ આપી છે.... મારી એક ઇચ્છા પુરી કરવા તેં મજૂરી કરી અને તે પણ મારા જેવા ભીખારી માટે...!આજથી હું સંકલ્પ કરું છું કે હું હવે આજથી ભીખ નહી માંગુ... મહેનત કરીશ અને મારા પરસેવાનું ખાઇશ...!’
અને પેલા ભીખારીનું આ રીતનું હૃદય પરિવર્તન જોઇ તે યુવાન અવાચક બની ગયો...
જો કે તેને ઝડપથી ગેમ પુરી કરવાની હતી અને બીજુ લોકેશન પણ શોધવાનું હતું એટલે તેને બીજી ચીઠ્ઠી ખોલી.... 
એક નાના રમતા છોકરાની ફરમાઇશ.... તે યુવાનને લાગ્યું કે આ તો સાવ સહેલું છે... 
આખરે તેને એક નાની છોકરી મળી... તે પણ કોઇ ગરીબ ઘરની હોય તેવું લાગ્યું... તે યુવાને તેની ઇચ્છા પુછી...
તે છોકરીએ સામે ઉભી કેન્ડીવાળા તરફ ઇશારો કરીને લાવવા કહ્યું... તેની પાસે વીસ રુપીયા હતા... તે ઝડપથી દોડ્યો અને તેને વીસ રુપીયાવાળી કેન્ડી લાવી આપી.... પણ.... તે છોકરીએ એક બટકું ભર્યુ અને પછી ફેંકી દીધી... 
અને તે ફરી પેલી કેન્ડીવાળા સામે ઇશારો કરીને બોલી... ‘ મારે ચોકલેટ  કેન્ડી જોઇએ....!’
અને તે જોઇ તે યુવાનની હાલત જોવા જેવી થઇ... તે બરાડ્યો, ‘ મારી મહેનતના પૈસાની કેન્ડી આમ ફેંકી દે છે....?’
જો કે તરત તેને પોતાનો ગુસ્સો કાબૂમાં લીધો અને તે નિર્દોષ છોકરી તરફ વ્હાલભરી નજર કરી તેની નજીક ગયો કારણ કે તેને ગેમનો કોઇ રુલ તોડવો નહોતો... અને ત્યાં તે છોકરી બોલી, ‘ અંકલ.. તમે તમારા પપ્પાના પૈસાની કેન્ડી આમ એકે’યવાર ફેંકી નથી ?’
અને તેના એક વાક્યથી તે હલબલી ગયો.. તેની આંખો ભરાઇ આવી અને તે એટલું જ બોલી શક્યો.. ‘એક મિનિટ બેટા... હું ચોકલેટ કેન્ડી લઇને આવું છું...’
અને રસ્તામાં તેને યાદ આવ્યું.... તેને તેના પપ્પા સામે ફેંકેલુ ટીશર્ટ... જુનો મોબાઇલ.... અને તેમના કેટલાય પૈસા બરબાદ કર્યા હોય તેવી યાદો એ બધુ આ કેન્ડી જેવું જ હતું. પપ્પા પણ બૂમ પાડતા કે મારી મહેનતના પૈસા છે... તું રીઝલ્ટ નથી લાવતો ત્યારે લાગે છે કે વેડફી રહ્યો છે...અમારા પૈસા ગટરમાં ફેંકી રહ્યો છે...!!'
તે ભીની આંખે પહોંચ્યો ફરી પેલા મોચી પાસે.... ફરી એક કેન્ડી માટે પૈસા ભેગા કર્યા અને તે છોકરીની ખ્વાહિશ પુરી કરી... અને આ વખતે તેને સમજાઇ ગયું કે મહેનતના પૈસાની કિંમત કેટલી હોય છે ?
હવે ત્રીજુ અને છેલ્લુ લોકેશન...
ગાર્ડનમાં રહેલા કોઇ દંપતી.... અને આ અંતિમ લોકેશનમાં તે  પચાસેક વર્ષના દંપતી પાસે  પહોંચ્યો અને તે યુવાને તેમની ઇચ્છા પુછી...
પેલા પણ નિરાશ થઇ ગયા હોય તેમ બોલ્યા, ‘દિકરા.. જો તારે અમારી એક ઇચ્છા પુરી કરવી હોય તો  મારા દિકરાને મોબાઇલની પબજી ગેમના વ્યસનથી છોડાવ....! તેની માનસિક હાલત ખૂબ ખરાબ બની ગઇ છે, સાઇકિયાટ્રીક ડોક્ટરે તેને ફરવા જવાનું... ગાર્ડનમાં તેના મિત્રો સાથે આઉટડોર ગેમ રમવાનુ અને  મોબાઇલથી દૂર રાખવાનું કહ્યું છે... પણ હવે તેના મિત્રો પણ એવા ક્યાં રહ્યા છે કે આઉટડોર ગેમ રમે...! એટલે અમે અહીં આવ્યાં અને જોયું તો તેના જેવા યુવાનો બધા મોબાઇલમાં જ વ્યસ્ત છે... અમને ખબર નથી પડતી કે તેનું વ્યસન કેવી રીતે છોડાવું...? બેટા તું સારો છે કે તને મોબાઇલ ગેમનું કોઇ વ્યસન નથી અને તું સેવાનું કામ કરે છે,  અને જો તારા જેવા બધા યુવાનો આ રીતે કામ કરશે તો આપણાં દેશના બધા યુવાનો દેશ માટે સાચી શક્તિ બનશે... અમને ગૌરવ છે તારા માતા પિતા માટે...!!’
આ સાંભળી પેલો યુવાન થીજી ગયો... અને તે પહોંચ્યો તેમનાથી થોડે દૂર બેસેલા તેમના દિકરા પાસે... તે એડિક્ટ હતો પબ-જી ગેમનો.... પેલા યુવાનને તો તેને સમજાવતા ખૂબ તકલીફ પડી... જો કે આખરે તેને સબ-જી ગેમની વાત કરી અને પેલા યુવાનને લાગ્યું કે નવી ગેમ મળશે એટલે તેને સમજાવી નવી ગેમ માટે તૈયાર કર્યો...   
તેને આ સાંભળી મજા આવી અને તે ગેમ રમવા તે તૈયાર થયો.. જો કે આ યુવાનને હવે ખ્યાલ આવી ગયો હતો કે મમ્મી-પપ્પા કેમ ચિંતા કરે છે? કેમ મોબાઇલથી દૂર રહેવા સલાહ આપે છે? કદાચ, આ સમસ્યા તો અનેક વાલીઓની હશે...!!
આખરે તે ત્રીજી ઇચ્છા પુરી કરી તેના મમ્મી-પપ્પાના આશીર્વાદ લઇ પાછો ફર્યો...અને આ ત્રણ લોકેશનમાં ત્રણ લોકોની ઇચ્છા પુરી કરતાં કરતાં જિંદગીનું સત્ય સમજાઇ ગયું કે 
પૈસા ખૂબ મહેનત પછી જ મળે છે...પોતાના પરસેવાની કમાણી વેડફાય તો ઘણું દુ:ખ લાગે છે...અને પોતાના સંતાનો મોબાઇલમાં ગેમ એડિક્ટ બને છે તો તેના માતા-પિતાની શું હાલત થાય છે...
અને તે પેલા અંકલ પાસે પહોંચ્યો ત્યારે પેલા અંકલ પણ નહોતા આવ્યા એટલે તેને ગેમ જીત્યાનો આનંદ થયો...
થોડીવાર પછી મણિકાકા આવ્યાં અને બન્નેએ પોતપોતાની વાત કહી...
જયંતિકાકાએ તો પેલા યુવાનને ‘વિનર’ કહ્યો... 
જો કે તે યુવાને એટલું જ કહ્યું, ‘ થેંક્યુ અંકલ... આજે હું આ ગેમથી સમજ્યો છું કે વર્ચ્યુલ જિંદગી અને ખરેખર જીવાતી જિંદગી વચ્ચે કેટલો ભેદ છે...?’ 
તેના મોબાઇલમાં કેટલાય મેસેજ ટોન સંભળાતા હતા પણ તેને પોતાના મોબાઇલ તરફ જોયું પણ નહી.
‘તો તને કઇ ગેમ વધારે ગમી... પબ-જી કે  સબ કે લીયે જીયો, સબ-જી...?’ મણિકાકાએ હસતા હસતા કહ્યું.
‘અફ કોર્સ... સબ-જી જ... અને હવે મારા મિત્રોને પણ આ ગેમ જ રમવાનું કહીશ... સર... મારું નામ છે...’ પેલો યુવાન પોતાનો પરીચય આપવા લાગ્યો..
પણ... મણિકાકાએ તરત જ કહ્યું, ‘ બેટા... તારા નામની કોઇ જરુર નથી... મારે મન તો તારા જેવા કેટલાય અનામી યુવાનો જે મોબાઈલ ગેમ એડિકટ છે તે આ ગેમ્સના વ્યસનોથી દૂર થાય તેવો જ આશય છે.’
અને તે યુવાન તેમનાથી દૂર ચાલ્યો...
ત્યાં જ જયંતિ બોલ્યો, ‘થોડા વર્ષો પહેલા કોઇ આવી રીતે તારા દિકરાને પણ કોઇ સમજાવી શક્યું હોત તો, તારા દિકરાનો જીવ મોબાઇલ ગેમમાં ન ગયો હોત... અને તે આજે જીવતો હોત અને આ યુવાન જેવડો જ હોત.....!!’
અને મણિકાકાની આંખમાંથી દડદડ આંસુ વહી ગયા..

લેખક : ડો વિષ્ણુ એમ. પ્રજાપતિ
મોબા. ૯૮૨૫૮૭૪૮૧૦

ડો. વિષ્ણુ પ્રજાપતિ લિખિત પુસ્તકો
વ્હોટસએપની વાર્તાઓ ભાગ – ૧ તથા ૨
ચાર રોમાંચ જિંદગીના – નવલકથા
ગુલમહોર  - નવલકથા
શક્તિનો સ્પર્શ અને સફળતાની સફર
હું – ખોવાયેલા ખુદની શોધ
ફફડાટ – હોરર સ્ટોરી બુક