The Best Stories of Dr. Vishnu Prajapati books and stories free download online pdf in Gujarati

સાંતાક્લોઝ

‘હાશ....! હવે આ કોસ્ચ્યુમ તને બરાબર ફીટ થઇ ગયો. આ મૂછ અને દાઢી ચેક કરી લેવા દે એટલે તું બની ગયો મારો ક્યુટ ક્યુટ સાંતાક્લોઝ...!!’.’ મમ્મી તેના પાંચ વર્ષના નાનકડા કવચને સાંતાક્લોઝનો કોસ્ચ્યુમ પહેરાવી ચેક કરી રહી હતી.

‘મમ્મી મને આ મોટી મોટી મૂછો અને દાદા જેવી ધોળી ધોળીને લાંબી લાંબી દાઢી લગાવવી નથી ગમતી.’ કવચે તો તે દાઢી મૂછો લગાવવાનો ઇન્કાર કરી દીધો.

‘મારો ડાહ્યો દિકો.... લાલો.... જો તુ છે ને પેલો તારો ફેવરીટ હિરો.... તેના જેવો લાગે છે...!! તે પણ સાંતાક્લોઝ બનેલો કે નહી ?’ અને મમ્મીએ તેને લાડ લડાવવા શરુ કરી દીધા.

‘પણ મમ્મી રાત્રે બાર બાગે પાર્ટીમા મોડુ થશે... લેટ નાઇટ જાગવાનું અને ઠંડી પણ છે તો આપણે થર્ટી ફર્સ્ટની પાર્ટીમાં ન જઇએ તો ન ચાલે...?’ કવચ હજુ પણ તે પાર્ટીમાં જવા તૈયાર નહોતો.

મમ્મી તેને મહામહેનતે તૈયાર કરી રહી હતી અને કવચ મમ્મીથી દૂર ભાગતો હતો. મમ્મી ફરી કવચને સમજાવવા બોલી, ‘ કવચ તારે આ બેગમાં કેટલીયે ગિફ્ટ ભરવાની અને બધાને વહેંચવાની છે અને એવી એક્ટીંગ કરવાની કે બધાને લાગે કે તુ બેસ્ટ સાંતાક્લોઝ છે.. જો જે પાર્ટીની ટ્રેડીશનલ ડ્રેસ કોમ્પિટિશનમાં તુ જ ફર્સ્ટ આવીશ.’

‘પણ મમ્મી મારે ફર્સ્ટ નથી આવવું.... મારે સાંતાક્લોઝ નથી બનવું.’ કવચ હજુ તે કોસ્ચ્યુમ પહેરવા રાજી નહોતો અને મમ્મી તેને સાંતાક્લોઝ બનાવવા મહેનત કરી રહી હતી.

મમ્મી તેની વાતને ગણકારતી નહોતી તે ફરી કવચને મનાવવા લાગી, ‘ બેટા... પેલી પોમ તું બરાબર યાદ રાખજે... જિંગલ બેલ જિંગલ બેલ જિંગલ ઓલ ધ વે...’ અને મમ્મી તો તે ગીત ગાતા ગાતા પોતે પણ ગિફ્ટની બેગ ખભે કરીને એકશન કરવા લાગી.

‘મમ્મી.....! સાચુ કહુ....!!’ કવચે અચાનક તેને રોકીને જાણે ગંભીર બની ગયો.

‘હા.. બોલ...!!’ મમ્મી રોકાઇને બોલી.

‘મમ્મી રાત્રે પાર્ટીમાં ન જઇએ તો ન ચાલે...?’ કવચે ફરી એ જ જીદ કરી જે તે સવારથી કરી રહ્યો હતો.

હવે મમ્મી સહેજ ચિડાઇ અને બોલી, ‘હું તને ક્યારનીયે સમજાવું છું પણ કેમ સમજતો નથી.. તને ખબર છે તારા ફ્રેન્ડ ક્રિશની મમ્મી તો સ્કુલની બહાર ઉભી ઉભી બધાને કહેતી હતી કે મારો ક્રિશ જ આ પાર્ટીમાં ફર્સ્ટ આવશે અને ક્રિશે તો તેની સ્પીચ પણ તૈયાર કરી દીધી છે.. તને અંદરથી થવું જોઇએ કે મારે ફર્સ્ટ આવવું છે... તું જોજે ને હું છું એટલે તે પણ મોંમા આંગળા નાંખી જશે અને બધાને ખબર પડશે કે આ મારો કવચ જ બેસ્ટ સાંતાક્લોઝ છે. જો દિકરા હાઇફાઇ સોસયટીમાં આ પણ સ્ટેટસ ગણાય છે..’ અને મમ્મીનું કોમ્પિટિશન અને સ્ટેટસ પરનું લેક્ચર શરુ થઇ ગયું.

‘પણ મમ્મી લેટ નાઇટની પાર્ટી, ઉજાગરા અને આવો કોસ્ચ્યુમ મારી સ્કિનને સુટ ન થાય તો....!!’ કવચ ગમે તેમ કરી સાંતાક્લોઝ ન બનવાના બહાના કરી રહ્યો હતો જ્યારે બીજી બાજુ મમ્મી તેને સાંતાક્લોઝ બનાવવા મથી રહી હતી.

મમ્મીની જીદ સામે છેવટે કવચે હાર માની અને તેને શરત મુકી, ‘મમ્મી તું પેલુ સોંગ ગાઇને સંભળાવ તો હું આ કોસ્ચ્યુમ પહેરીશ..’

‘કયુ બેટા...?’ મમ્મીને પોતાની જીતનો અણસાર દેખાયો.

‘પેલું કિશન કન્હૈયાવાળું ..’ કવચે પોતાની ફરમાઇશ કહી દીધી.

મમ્મીને સમજાઇ ગયું અને કવચની ફરમાઇશ પુરી કરવા તરત જ તેને ગીત ગાવાનું શરુ કર્યુ, ‘બડા નટખટ હૈ કિશન કન્હૈયા ક્યા કરે જશોદા મૈયા.....!!’ કવચને આ ગીત પર ખૂબ મજા આવતી.

છેલ્લી કડી પુરી થઇ ત્યારે કવચે સાંતાક્લોઝની દાઢી તેના ચહેરા પર લગાવી અને બોલ્યો, ‘મમ્મી સાચુ કહુ તો તું પેલુ સાંતાક્લોઝવાળું ગીત ગાય છે તેના કરતા આ કિશન કન્હૈયાવાળું ગીત ગાય છે ત્યારે તું મને વધુ ગમે છે.’ કવચના શબ્દોથી મમ્મી બે ઘડી તેની આંખોમાં જોઇ રહી.

કવચ ફરી તેની સામે જોઇને બોલ્યો, ‘મમ્મી, તને યાદ છે, કૃષ્ણ ભગવાનની હેપ્પી બર્થ ડે હતી ત્યારે આ ગીત તેં મને શીખવાડ્યું હતું...’

‘યસ… અને તારે કન્હૈયો બનવું હતુ... પણ.....!!’ અને મમ્મીના શબ્દો રોકાઇ ગયા.

અને ત્યાંથી કવચના શબ્દો શરુ થયા, ‘મમ્મી... ત્યારે લેટ નાઇટ બાર વાગે મારે કાનુડો બનીને મંદિરમાં જવાનું હતુ અને તેં જ મને કહેલું કે લેટ નાઇટના ઉજાગરા ન કરાય તારી તબિયત બગડી જશે. મમ્મી, પેલી એશ (રાખ) શરીરે લગાવવાની હતી તો તે કહ્યુ હતુ કે તને સ્કિન એલર્જી થશે...અને તું તો કહેતી હતી કે હવે તો કાનુડા તો બધાય બને એમાં ડિફરન્ટ શું..? આજે તને સાંતાક્લોઝમાં તે રીતના જ ઉજાગરા, કોસ્ચ્યુમ, લેટ નાઇટ પાર્ટી બધુ લેટેસ્ટ લાગે છે. મને કાનુડો બનાવવામાં જે બધું તને કોમન લાગતું હતું તે આજે સાંતાક્લોઝ બનાવવામાં તને સ્ટેટસ લાગે છે. મમ્મી તું જસોદા બન અને હું કાનુડો બનું તેમાંજ મને મજા આવે છે...!!’ કવચે આખરે પોતાના દિલની અંદરની વાત કહી દીધી.

મમ્મી તો નાનકડા કવચની આવડી મોટી વાત સાંભળીને સૂનમૂન બની ગઇ. જો કે કવચને લાગ્યું કે મમ્મીને નથી ગમ્યું એટલે તેને મોટી દાઢી મૂછ પોતાના ચહેરા પર લગાવી બોલ્યો, ‘મમ્મી, જો તું કહેતી હોય તો સાંતાક્લોઝ બનીને ફર્સ્ટ નંબર લાવીશ પણ તું મને ક્રિશ્ન ભગવાનની હેપ્પી બર્થ ડે પર ક્રિશ્ના બનાવવાનું પ્રોમિસ આપ...!!’

મમ્મી એ તરત જ તેના હાથમાંથી તે દાઢીમૂછ લઇ લીધી અને બોલી, ‘સોરી, બેટા હું ભૂલી ગઇ હતી કે હું તો જશોદા માં છું અને તું મારો નટખટ કાનુડો...!!’ અને મમ્મી પેલુ કિશન કન્હૈયાનું ગીત ગાતા ગાતા તેને વળગી પડી.

લેખક : ડો વિષ્ણુ એમ. પ્રજાપતિ

મોબા. ૯૮૨૫૮૭૪૮૧૦

બીજા રસપ્રદ વિકલ્પો