haasy books and stories free download online pdf in Gujarati

હાસ્ય ...

શીર્ષક : હાસ્ય…
શબ્દો : ૭૧૦
કિરણ પિયુષ શાહ

હોસ્પિટલમાંના બિછાને સુતેલી ધારા બાજુમાં હાથ ફેરવી મલકાતી હતી. આજ લગ્નના પંદર વર્ષે તેણે દીકરીનું મો જોયું હતું. ધારાની મલકાટનો સાક્ષી બની જય મા દીકરીની ખુશી જોઈ રહ્યો. ખુશીતો જયને પણ અનહદ હતી પિતા બનવાની પણ તે હ્રદયમાં છુપાવી બેઠો. દીકરીનું નામ પરી રાખી બંને પોરસાતા હતાં.

પરી દેખાવે પરી જેવી જ હતી ..રૂપ રૂપનો અંબાર અને સદા ખિલખિલાટ હસતી રહેતી. ધારા અને જય સાથે તે આસપાસના લોકોની પણ ખૂબ વ્હાલી હતી. કાયમ હસતી પરી તેના લાંબા કાળા વાળ અને ગાલ પર પડતા ખંજન અને તેના હોઠ પર જમણી બાજુ આવેલ કાળો તલ તેને ખૂબ સુંદર બનાવતા હતાં. કાલીઘેલી વાતો કરતી પરી મોટી થવા લાગી. તેને શાળાએ બેસાડી ત્યાં પણ તેની બુદ્ધિ પ્રતિભાના ચમકારા જોવા મળતા હતાં.
પરી ભણવામાં હંમેશા પ્રથમ આવતી...ઈતર પ્રવૃત્તિમાં પણ આગળ પડતી. શાળા સાથે પાઠશાળા જતી પરી ધર્મનું શિક્ષણ પણ સફળતા પૂર્વક મેળવવા લાગી. ઉપાશ્રય પધારતા સાધુ -સાધવી.ભગવંતો પણ પરીના વખાણ કરી કોઈ ઉચ્ચ આત્મા છે, પૃથ્વી પર ભૂલો પડી ગયો છે કહી તેની અનુમોદના કરતાં. પરીના હાસ્ય સાથે સ્વર પણ કોકિલ જેવો મીઠો ધરાવતી. સવારના પૂજા કરી સ્તુતિ અને સ્તવન બોલતી ત્યારે લોકો તેને સાંભળવા થંભી જતાં.

જય ધારા દીકરી પરી સાથે સુખના સાગરમાં હિલોળા લેતા હતાં જોત જોતાંમાં પરીની દસમી વર્ષગાંઠ આવી. પરીની ઈચ્છા મુજબ સવારે સ્નાત્રમહોત્સવ કરી બપોરે તેના મિત્રો સાથે ઉજવણી કરી. ઉજવણી પૂરી થતાં સૌ એક પછી એક વિદાય થયા થાકેલ પરી પણ આવેલ ભેટ સોગાદ વચ્ચે થાકીને સુઈ ગઈ. ધારાએ તેને સુવડાવવા ગોદમાં લીધી તો તેનું શરીર તાવથી ધખતું હતું. ધારા થોડી ચિંતિત થઈ ડોકટરને બોલાવવાનું જયને કહ્યું. પણ જય થાકને કારણે હશે કહીં પરીને સુવડાવી તાવની દવા આપી દીધી. ઊંઘમાં પણ પરીના મુખ પર તેનું ટ્રેડમાર્ક સમું હાસ્ય અણનમ હતું. આ જોઈને જય, “ધારા,ચિંતા કરમાં થાકનો તાવ ચડયો હશે.. સવાર થતાં દવાને કારણે ઉતરી જશે. જો કેવી ઉંઘમાં પણ તેના ચહેરા પર હાસ્ય કેવું મીઠું લાગે છે. કયાંક પરીને આપણી જ નજર ના લાગી જાય.”

“જય તમે પણ શું ...મા બાપની નજર મીઠી નજર કહેવાય એ કાંઈ એમના લાગે હો..તમે તો પરીને કેટલો પ્રેમ કરો છો તેની દરેક ઈચ્છા કીધા પહેલાં પૂરી કરો ...આમાં તમારી નજર કયાંથી લાગવાની.. ચાલો હવે તમેય આરામ કરો કે આજ આમજ રાત પૂરી કરશો?”

“ધારા પરી કેટલી જલ્દી મોટી થઈ ગઈ બહુ જલ્દી આ વર્ષો પસાર થઈ ગયાં  હવે થોડા વર્ષોમાં  એના લગ્ન થશે પછી આ પરી વગર કેમ જીવાશે?”

“જય અત્યારથી આવું કહીં તમે મને રડાવશો ...મારું ચાલશે તો હું પરીને કાયમ મારી નજર સમક્ષ જ રાખીશ. પરીનો વાળ પણ વાંકો થાય કે તે મારાથી દૂર જશે એ કલ્પના નથી કરી શકતી.”

જય અને ધારા ભાવિના ભેદથી અજાણ દીકરીની માયામાં અવનવા વિચાર કરતાં હતાં ત્યારે દુર ઉભેલી વિધાતા જાણે પામર માનવી પર હસતી હોય તેમ પવન જોર જોરથી ફુંકાવા લાગ્યો. વાતાવરણનો પલટો ને બહારનું તોફાન જાણે જય ધારાના જીવનમાં આવનાર ઝંઝાવતની વાત લઈને આવ્યું હોય.

પરીને એ પછી વારંવાર તાવ આવવા લાગ્યો. જય - ધારા પરીના ઈલાજ માટે એક ડોકટરથી બીજા ડોકટર પાસે ફરવા લાગ્યાં. શરૂઆતમાં સામાન્ય લાગતો તાવ અને થાક સાથે વાળ અને વજન ઉતરવાની ફરિયાદ પછી સ્પેશિયાલીસ્ટ પાસે બતાવવા ગયાં. ત્યાં ડોકટરે બધાં  રીપોર્ટ કરાવ્યા અને ડોકટરે અચકાતા અચકાતા જય અને ધારાને આઘાત ના લાગે અને તે સમજી શકે તે રીતે  પરીના વ્હાઈટસેલ ઓછા હતાં અને નવા જલ્દી નથી બનતા કહીં બ્લડકેન્સરનું નિદાન કરી આગળની  સારવાર સુચવી. 

જય અને ધારા બંને કેન્સરનું નામ સાંભળીને પોતાની જાત સંભાળી નથી શકતા. ધારા પરીને કેન્સર બોલતાં જ બેભાન થઈ ગઈ. ધારાની તાત્કાલિક સારવાર કરી ડોકટર તેમને હિંમત રાખી ઈલાજ કરવાનું અને પરીની સંભાળ રાખવાની સલાહ આપી.

જય ને  ધારા પરી માટે બધું જ કરવા તૈયાર થઈ ગયાં મનને મજબુત કરી પરીની ખુશીમાં જ ખુશ થવાનું નક્કી કર્યુ.
સારવાર છતાં વધી ગયેલું કેન્સર વારંવાર બ્લડ ચડાવવા અને યોગ્ય ઈલાજ છતા વકરતું ગયું. 
ધીરે ધીરે પરીની તબિયત વધારે ને વધારે બગડવા લાગી વારંવાર બ્લડ ચડાવવું દવા અને કેન્સરની સારવારની આડ અસર રૂપે પરીના લાંબા વાળ ધીરે ધીરે ઉતરવા લાગ્યા અને તેના માથે ટાલ પડવા લાગી. પણ પરી દરેક પરિસ્થિતિમાં હાસ્ય વેરતી રહેતી. 

“મા એક વાત કહું ..?”
“હા બોલ બેટા ..”
“મા, આ વાળ સાવ ઉતરી જાય એ પહેલાં મુંડન કરાવી આ લાંબા વાળ જેટલા બચ્યાં છે તે કેન્સરના દર્દીની સારવાર માટે દાનમાં આપી દઈ એ?”
ધારા પરીની વાતથી આઘાત પામી ..

“પરી તું  શું બોલે છે..?”

“મા મને ખબર છે મને કેન્સર છે અને મારા વાળ તેને લીધે જ..તું ને પપ્પા મારી ખૂબ ચિંતા કરો છો પણ મા હું હિંમત નહીં હારું લડીશ વાળ તો પાછા આવશે જ ને.”

જય ને ધારા પરીની હિંમત જોઈ રડી પડયાં અને પરીના વાળ દાનમાં આપવાના નિર્ણયને  માની લીધો. 

વાળ વગરના ચહેરાને દર્પણમાં જોતા પરી એજ હાસ્ય સાથે આગળની લડાઈ લડવાને કેન્સરને હરાવવા તૈયાર થઈ ગઈ..

અસ્તું…
કાજલ 
કિરણ પિયુષ શાહ
૧૬/૧૧/૧૮

બીજા રસપ્રદ વિકલ્પો