a new beginning (એક નવી શરૂઆત)- પ્રકરણ ૧ Sachin Sagathiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

a new beginning (એક નવી શરૂઆત)- પ્રકરણ ૧

એક શિયાળાની બપોર થઈ હતી. લગભગ સવા બે થયા હતા. સતિષ તેના ઘરના બીજા માળ પર આવી ગયો. તેના હાથમાં ફીનાઇલની બોટલ હતી. તે થોડીવાર માટે ફીનાઇલની બોટલ સામે જોઈ રહ્યો. તેના ચહેરા પરથી લાગતુ હતુ કે તે ખૂબ ચિંતામાં છે. તેની આંખમાંથી નીકળતા આંસુ જાણે ફીનાઇલની બોટલને પોતાની વેદના સંભળાવી રહ્યા હોય એવુ લાગતુ હતુ.
ઘણુ વિચાર્યા બાદ સતિષે બોટલનુ ઢાંકણુ ખોલી નાખ્યું. વળી તેને કઈક વિચાર આવ્યો. તેણે તેના ખિસ્સામાંથી ફોન કાઢ્યો અને કોઈકને ફોન લગાવ્યો,
“ભાઈ, મમ્મી અને પપ્પાનું ધ્યાન રાખજે. હું જાવ છું.”
“પણ ક્યાં? તુ ક્યાં જવાની વાત કરે છે?” ફોનમાં સતિષનો ભાઈ બોલ્યો.
કોલ કટ કરી તેણે વધારે વિચાર્યા વગર ફીનાઇલની બોટલ મોઢે લગાવી લીધી. રણમાં તરસ્યો વ્યક્તિ જેમ પાણીની બોટલમાં પાણી છે કે બીજું કંઈક? એ વિચાર્યા વગર બોટલને ખાલી કરી નાખે તેવી જ રીતે સતિષે બોટલમાંની અડધી ફીનાઇલ પોતાના ઉદરમાં ઉતારી લીધી. થોડીવારમાં તેના ચહેરાની રેખાઓ ફરવા લાગી. તેને જાણે પેટમાં અસહ્ય પીડા થતી હોય તેમ તે પેટને હાથથી દબાવી ઉલટી કરવા લાગ્યો.
થોડીવારમાં ત્યાં પડોશમાંથી એક વૃદ્ધ સ્ત્રી આવ્યા સાથે એક બીજા સ્ત્રી પણ હતા.
“સસલા તે શું કર્યું? તારે એવુ કયું દુઃખ ઉભુ થયુ છે કે તુ મોતને ભેટવા ઉતાવળો થયો છો?” વૃદ્ધ સ્ત્રી બોલ્યા.
“તે હવે તોફાનની બધી હદ પાર કરી નાખી છે. તે શું ધારી છે? તારુ મગજ ક્યાં પ્રકારનું છે એ જ મને સમજાતુ નથી.” વૃદ્ધ સ્ત્રી સાથે આવેલ બીજી સ્ત્રી સતિષને મારતા મારતા બોલી.
સતિષ બસ રડતો રડતો ઊલટીઓ કરતો રહ્યો. તેણે કારણ ન આપ્યુ તે ન જ આપ્યુ. તે સીડીમાં બેઠો બેઠો ઉલટી કરતો રહ્યો. બંને સ્ત્રીઓ નીચે ચાલી ગઈ. થોડી વાર પછી સતિષનો મિત્ર ત્યાં આવ્યો.
“શું થયુ સતિષ? આ માનદાદી અને નિશિતાભાભી કહેતા હતા કે તે આત્મહત્યા કરવાની કોશિશ કરવા ફીનાઇલ પી લીઘી છે. યાર કઈક બોલ તો ખરી.” તેનો મિત્ર બોલ્યો.
“શુ બોલુ નરેશ? હવે જીવનમાં બોલવા જેવું કંઈ નથી. શુ બોલુ?”
“એક કામ કર તારે જે બોલવુ હોય એ પછી બોલજે પહેલા તુ મારી સાથે ડૉ. જાડેજા પાસે ચાલ. તને કઈ થઈ જશે તો હું એક મિત્રને ગુમાવી બેસીશ.”
“નરેશ તુ મારો સાચો મિત્ર છે. મને હવે આ દુનિયાથી નફરત થઈ ગઈ છે. વાહ! કેવો ભાગ્યશાળી છું કે તારા જેવો જીગરી મળ્યો.” સતિષ હસીને બોલ્યો.
“હવે તારી બકવાસ બહુ થઈ. યાદ રાખ તે ફીનાઇલ પીધી છે, શરાબ નહિ. માટે પીધેલાના ડાયલોગ મારવા કરતા ઉભો થા અને ચાલ મારી સાથે.” નરેશ બોલ્યો.
નરેશ સતિષને ડૉ. જાડેજાના ક્લિનિક પર લઈ ગયો. ડોક્ટરે તપાસ કરી જણાવ્યું,
“ચિંતા જેવુ કઈ નથી. ફીનાઇલ થોડી વધારે સ્ટ્રોંગ હોત તો ટીકીટ ફાટી જાત. પણ અત્યારે વાંધો આવે તેવું કઈ નથી. પણ તારે આ પગલુ શા માટે લેવુ જોઈએ?” ડૉ. જાડેજાએ પૂછ્યું.
“સર અત્યારે તે તમને જવાબ આપી શકે તેમ નથી. માટે તે અત્યારે કઈ નહિ બોલે.” નરેશ બોલ્યો.
“ઓકે ઓકે પણ તુ એનુ કારણ જાણી લે જે નહિતર આગળ ખરાબ પરિણામ પણ આવી શકે છે.” ડૉ. જાડેજાએ સલાહ આપતા કહ્યું.
નરેશ તેને ક્લિનિકથી તેમની રોજિંદી બેઠક પર લઈ આવ્યો. તેણે બે સોડા મંગાવી અને એક સતિષને આપી.
“હા તો ભગવાન પાસે શા માટે જવા માંગતો હતો?” નરેશે પૂછ્યું.
“કારણ બહુ મોટું નથી નરેશ.” સતિષ બોલ્યો.
“કારણ મોટું હોય કે નાનું હોય પણ એ જાણવાનો હું પૂરો હક ધરાવુ છુ. મારે પણ જાણવુ છે કે મારા મિત્રને એવુ કયુ દુઃખ ફાટી પડ્યુ છે કે તેને મોત વધુ વ્હાલી થઈ ગઈ? બોલ. મારે જાણવું છે.” નરેશ આતુરતાથી બોલ્યો.
“હવે તારી જાણવાની ઈચ્છા છે તો જણાવી દઉં. વાત ઘણી લાંબી છે. આ વાત આપણા બે સિવાય કોઈને જાણ ન થવી જોઈએ.” સતિષ બોલ્યો.
“વાત ગમે તેટલી લાંબી હોય પણ તારી આત્મહત્યાના પગલાના મૂળમાં મારે જવુ જ છે.” નરેશ બોલ્યો.
“ઑકે તો સાંભળ. પણ મારી આત્મહત્યાના કારણ માટે આપણે ફ્લેશ બેકમાં એટલે કે 2012માં જવુ પડશે.” સતિષ બોલ્યો.
“એય ફ્લેશબેકવાળી. તારી વાત ચાલુ કરને.” નરેશ મજાક કરતા બોલ્યો.
સતિષ જાણે પોતાનુ ભૂતકાળ યાદ કરતો હોય એમ તેની વાત શરૂ કરતાં બોલ્યો, “તો વાત એમ હતી કે.....
જુલાઈ, 2012
મારુ છઠું ધોરણ એટલે મારા જીવનનો સુવર્ણકાળ કે જે ગણો એ. આ વર્ષ મારો સુવર્ણકાળ એટલે છે કારણ કે આ વર્ષ દરમ્યાન ઇશ્વર મને બધુ આપ્યું હતુ જે હું ચાહતો હતો. મને વીડિયો ગેમનો બહુ શોખ હતો. તે પણ મળી. શાળામાં પહેલા નંબરે પાસ થવા માંગતો હતો. એ પણ થયું. આખી શાળા જ મારી મિત્ર બની જાય એવી ઈચ્છા હતી. એ પણ પુરી થઈ. મારા વિસ્તારમાં મારી સારી છાપ ઉભી કરવા માંગતો હતો એ પણ થયુ. પણ એક ઈચ્છા પૂરી પણ થઈ અને તેની ઝંખના આજ સુધી છે.”
“કઈ ઈચ્છા? આટલી બધી ઈચ્છા પૂરી થઈ ગઈ છતાં હજુ સુધી એક ઈચ્છા તારી બાકી છે? કઈ ઈચ્છા?” નરેશે સતિષને અટકાવ્યો.
“શુ કહું નરેશ? બસ જો એ ઈચ્છા પૂરી થઈ હોતને તો તેની સરખામણીએ પુરી થયેલી બધી જ ઈચ્છા શૂન્ય છે.” સતિષ બોલ્યો.
“ખરેખર ગજબ ઈચ્છા લાગે છે. એક મિનિટ, પહેલા મને એ જણાવ કે આ તારી ઈચ્છા છે કે ધ્યેય?” નરેશે પૂછ્યું.
“સરસ સવાલ! તારો પ્રશ્ન વ્યાજબી છે. એ મારી ઈચ્છા નથી પણ મારુ ઘ્યેય હતુ.” સતિષ બોલ્યો.
“એ તારી ઈચ્છા નથી પણ ધ્યેય છે? પણ એ એટલે કોણ?” નરેશે પૂછ્યું.
“એ એટલે મારો ચાઈલ્ડહુડ લવ! મારી ક્લાસમેટ શ્રી.” સતિષ ખુશ થઈને બોલ્યો.
“ઓહ ચાઈલ્ડહુડ લવ! તો તે એના માટે આત્મહત્યા કરવાની કોશિશ કરી?” નરેશે કહ્યું.
“હા કદાચ એ કારણ હોઈ શકે પણ તારે એમ પૂછવું જોઈએ કે શ્રી માટે આત્મહત્યા કરવાની કોશિશ કરી તો શા માટે કરી?” સતિષ બોલ્યો.
“સોરી સોરી હું તો ભૂલી જ ગયો કે મારે તો કારણ ડિટેઇલમાં જાણવાનું હતું. હા, તો શા માટે આમ કર્યું?” નરેશ બોલ્યો.
સતિષ ફરી પોતાનો ભૂતકાળ યાદ કરવા લાગ્યો અને જાણે શ્રીના ચહેરાને યાદ કરતો હોય તેમ બોલવાનું શરૂ કર્યું.
“શ્રી! બસ તેનુ નામ સાંભળતા જ અને બોલતા જ શુકન થઈ જાય છે. કેવું સરસ નામ! મેં જીવનમાં જો કોઈને સૌથી વધારે નફરત કરી હોય તો તે શ્રી છે.”
“સૌથી વધારે નફરત! અને એ પણ તારા ચાઈલ્ડહુડ લવ સાથે? યાર મને તો એ ન સમજાયું કે એ તારો લવ છે કે દુશ્મન?” નરેશ નવાઈ પામતા બોલી ઉઠ્યો.
“લવ તો પછી બની પણ પહેલા દુશ્મન નંબર વન હતી.” સતિષ હસીને બોલ્યો.
“એ કઈ રીતે?” નરેશે પૂછ્યું.
“ત્રીજા ધોરણમાં મારા મિત્રએ મને બીજો નંબર અપાવ્યો અને પહેલો નંબર પોતે લીધો. વિચાર્યું કે ચોથા ધોરણમાં નંબર હું લઈશ ત્યાં આ શ્રીએ તક છીનવી લીધી. નંબર તો લઈ ગઈ પણ શાળામાં મારી વેલ્યુ ઝીરો કરી નાખી. મિત્રો આગળ પણ મારું નાક કપાવ્યું. તો દુશ્મન જ થઈ ને? પાંચમા ધોરણમાં પણ તેણે મને તક ન આપી.” સતિષ પોતાની અંદર છુપેલી વર્ષો જૂની આગ અત્યારે કાઢી રહ્યો હોય તેમ તેની વાત પરથી લાગતુ હતુ.
“હમ્મ, એ તારી દુશ્મન તારા ઈગોને લીધે હતી. ખરેખર જોઈએ તો વાંક તારો જ હતો. તારે થોડી વધારે મહેનત કરવી હતી.” નરેશે કહ્યું.
“હા તારી વાત સો ટકા સાચી છે. મને પણ આ વાત સાચી ત્યારે લાગી જ્યારે છઠા ધોરણમાં હું આવ્યો. લગભગ સત્ર શરૂ થયાના પાંચેક મહિના થયા હશે. એ સમયે એક સુંદર ઘટના બની.” સતિષ ખુશી વ્યક્ત કરતા બોલ્યો.
“સુંદર ઘટના! શુ વાત છે! આગળ બોલ..આગળ બોલ.” નરેશ આતુરતા વ્યક્ત કરતા બોલ્યો.
“એ દિવસ તો મને ખાસ યાદ નથી પરંતુ એ દિવસનો અનુભવ મને હજુ યાદ છે. નરેશ આપણી નબળાઈ એ છે કે આપણે લોકોને દૂરથી તેના વ્યવહારને જોઈને જ તેમને પારખી લઈએ છીએ કે આ માણસ સારો છે કે ખરાબ? પણ હકીકત તો તેની સાથે બે ઘડી રૂબરૂ વાત કરીને જ સામે આવે છે. આ વાત હું શ્રીને મળીને શીખ્યો. એ દિવસે ટીચરે મને અને શ્રીને હાજરીની ગણતરીનું કામ સોંપ્યુ હતું. શ્રી સંખ્યા બોલે અને હું કેલ્ક્યુલેટરમાં તેનો ટૉટલ કરું એ માટે ટીચરે અમને બંનેને છેલ્લી બેન્ચ પર સાથે બેસાડ્યા હતા. એ દિવસે હું જીવનમાં પહેલી વખત કોઈ છોકરી પાસે અને ખૂબ નજીક બેઠો હતો.” સતિષે કહ્યું.
“હમ્મ સરસ. હવે તો લવ સ્ટોરી શરૂ થવાની જ હતી ને! બોલ બોલ આગળ.” નરેશ હસીને બોલ્યો.
“તે સંખ્યા બોલતી રહી અને હું તેનો ટોટલ કરતો રહ્યો. દોઢ કલાક પછી રીસેસ પડી. મારો નાસ્તો કરવાનો કોઈ મૂડ નહતો તેથી હું ક્લાસમાં જ બેસી રહ્યો. શ્રી નાસ્તો કરીને ક્લાસમાં આવી. હું તો મારું કામ કરી રહ્યો હતો. શ્રી મારી પાસે આવીને બેસી ગઈ. મને નવાઈ લાગી કે, ‘આ તેના ફ્રેન્ડ સર્કલને છોડીને મારી પાસે કેમ આવી હશે.’ મેં તેને કહ્યું, ‘અત્યારે રીસેસ છે તો તુ રિસેસમાં જઇ શકે છે હું તો મારું પોતાનુ કામ કરી રહ્યો છું. રીસેસ પછી આપણે ફરી કામમાં લાગીએ.’ આ સાંભળીને તેણે મને જે જવાબ આપ્યો એ સાંભળીને હું તો ચોંકી જ ગયો.”
“શુ જવાબ આપ્યો? કઈક આઈ લવ યુ જેવું તો નહતુ કીધુ ને? ઓહ સોરી કદાચ લગ્નનો પ્રસ્તાવ તો નહતો મુક્યો ને?” નરેશ હસીને બોલ્યો.
“ના ના એવા મારા નસીબ ક્યાં? તેણે મને કહ્યું, ‘કેમ સતિષ હું કામ સિવાય તારી પાસે ન આવી શકું? શુ મારુ આવવું તને ન ગમ્યું? જો ન ગમ્યુ હોય તો સોરી હુ જાવ છુ.’ મેં કહ્યું, ‘ ના ના એવુ કઈ નથી બસ..શ..’ તે બોલી, ‘શુ શરમ આવે છે?’ મેં હકારમાં માથુ હલાવ્યું.” સતિષ બોલ્યો.
“સાચુ જ કહ્યું હતુ તેણે. તુ તો જન્મજાત શરમાળ છો.” નરેશ મજાક કરતા બોલ્યો.
“તે મારી પાસે બેઠી અને મારી સાથે ઘણી વાતો કરી. આખો રીસેસ તે મારી સાથે વાતો કરતી રહી અને બસ હું તેની વાતને કાન માંડીને સાંભળતો રહ્યો. શુ તેનો કોયલ જેવો મધુર અવાજ! કેવી સુંદર તેની આંખો! બિંદી તો એવી રીતે લગાવી હતી કે જાણે બિંદી ફક્ત તેના કપાળમાં જ શોભતી હોય! ખરેખર! એ દ્રશ્યને હું અત્યારે પણ શોધી રહ્યો છું. તેને ખૂબ મિસ કરું છું યાર. મારી શ્રી.. શ્રી.” કહેતા સતિષ રડી પડ્યો.
તેને રડતો જોઈને નરેશ તેને ભેટી પડ્યો અને તેને આશ્વાસન આપવા લાગ્યો,
“તુ પણ યાર શુ નાના બાળકની જેમ રડવા લાગ્યો. હું તારી વેદનાને સમજી શકું છું. જીવનમાં ઘણી ક્ષણ એવી હોય છે જેને યાદ કરતા આનંદ થાય છે અને એજ ક્ષણ ક્યારેક માણસને રડાવી દે છે. છાનો રે મારા ભાઈ. થયા કરે જીવનમાં. આ તો ઝીંદગી છે. મેં તને તારી લવ સ્ટોરી જણાવવા કહીને ખોટુ કર્યું. ચાલ હવે ઘણો સમય થયો ઘરે જઈએ.”
“ના નરેશ તે કઈ કર્યું નથી કર્યું. મિત્ર તરીકે તુ મારી પર્શનલ લાઈફ તો જાણી જ શકે છે. આ તો બસ લાગણીવશ થઈ ગયો હતો. ચાલ વાત આગળ વધારું.” સતિષ બોલ્યો.
“ના ના. આ વર્ષો જુની ફીલિંગસ ફરી જાગી છે. માટે આજ રાતે તુ સપનામાં આ ફીલિંગને માણજે. કાલ ફરી આ જ જગ્યાએ આપણી વાત કન્ટીન્યુ કરશુ. ચાલો ઘરે જઈએ.” નરેશે કહ્યું.
“હા તારી વાત સાચી છે જે જીવનમાં નથી જ મળવાનુ એને સ્વપ્નમાં જોવાથી થોડી તો ખુશી મળશે. સારું કાલે વાત કરીએ. પણ આ વાતમાં આત્મહત્યાનું કારણ તો આવ્યું જ નહીં.” સતિષ બોલ્યો.
“એ ભાઈ મુક તારા આત્મહત્યાના કારણે થોડીવાર માટે સાઈડમાં હવે તો મને તારી લવ સ્ટોરી જ પૂરેપૂરી જાણવી છે. ડોબા આટલી ઇન્ટરેસ્ટિંગ વાત હજી સુધી મને કહી કેમ નહીં. આ વાતની તો તને સજા મળવી જ જોઈએ. તને સજા કરીને જ ઘરે જઈશું.” નરેશે સતિષને ટપલી મારતા કહ્યું.
“તો નરૂભા શુ સજા કરશો?” સતિષ હસીને બોલ્યો.
“વધારે નહિ પણ એક એક સોડા ગટકાવીએ. બોલ આ મંજુર છે?” નરેશે કહ્યું.
“હા કેમ નહિ. આપો ઓર્ડર. ગટકાવીએ.” સતિષે હસીને કહ્યું.
બંને મિત્રો સોડા માણીને ચાલતા થયા. રાતના નવ જેટલા વાગી ગયા હતા. સતિષના પેરેન્ટ્સ કામ પરથી ઘરે આવી ગયા હતા. સતિષ મૂંઝાયો કે તેના ભાભી ઘરે તેની આત્મહત્યાની વાત જણાવી ન દે. તે સીધો તેના ભાભી પાસે પહોંચ્યો. તેના ભાભી તેને જોઈને બોલ્યા,
“આવી ગયો. મને નથી ખબર કે તે શા માટે મરવાની કોશિશ કરી. પણ હું એટલું જરૂર જાણું છું કે આ પ્રકારની પ્રવૃત્તિ માત્ર એવા માણસો કરે છે જે પોતાના જીવનથી ખુશ નથી અર્થાત જિંદગીના દુઃખોને સહન કરવાની હિંમત નથી ધરાવતા. બીજા એ કે જે પ્રેમ પ્રકરણમાં નિષ્ફળ ગયા હોય. આમાંથી તે ક્યાં કારણ માટે મરવાનું વિચાર્યું એ હું નથી જાણતી. તું જિંદગીથી હારી જા એવો માણસ તો છો જ નહીં એ હું તારા ભાઈ કરતા સારી રીતે જાણું છું. તો આ સેકન્ડ પ્રકારનું કારણ હશે. મારા ખ્યાલથી આત્મહત્યાના મૂળમાં શ્રી તો નથી ને?” નિશિતાભાભી જાણે બધુ સમજી ગયા હોય એમ બોલ્યા.
“ના ભાભી એવું કંઈ નથી. જસ્ટ માઇન્ડ કન્ફ્યુઝ થઈ ગયું હતું. અને શ્રી માટે હું શા માટે આત્મહત્યા કરું? જો એવો વિચાર આવે તો શ્રીને જ ન મારી નાખુ?” સતિષ હસીને બોલ્યો.
“સતિષ. આ ખોટું સ્મિત તારા ચહેરા પર શોભતું નથી. તુ બોલ કે ન બોલ કારણ શ્રી જ છે. કારણ કે તારા વિકાસમાં શ્રી હોય તો તારા વિનાશનું કારણ પણ એ જ હોઈ શકે.” નિશિતાભાભી બોલ્યા.
“ના ના ભાભી. સાચે જ એવું કંઈ નથી. આ સ્ટડીના સ્ટ્રેસને કારણે આ પગલું લેવાઈ ગયું. પણ મને કંઈ નથી થયું. આઈ એમ નોર્મલ. પણ તમે અને ભાઈ પપ્પા અને મમ્મીને આ વિશે વાત ન કરતા. પ્લીઝ.” સતિષ બોલ્યો.
“હા. એમને આ વિશે ખબર નહિ પડે. બસ હવે તુ ફ્રિ માઇન્ડ થઈ જા. બધા ટેન્સન સાઈડમાં મૂકી દે. ખાસ તો એ કે જેમ બને એમ શ્રીને ભૂલવાની કોશિસ કર. હા હું જાણું છું કે શ્રી તારી બેસ્ટ ફ્રેન્ડ હતી. તારા માટે કદાચ તેને ભૂલવી મુશ્કેલ બને પણ એ કામ અશક્ય તો નથી જ. જા હવે જમીને સુઈ જા.” નિશિતાભાભીએ સલાહ આપતા કહ્યું.
સતિષ પણ તેમની સલાહને અનુસરતા જમીને સીધો તેના રૂમમાં જઇ સુઈ ગયો. પથારીમાં સુતા સુતા તેના મનમાં માત્રને માત્ર શ્રીના વિચારો ચાલતા હતા. ઘણો સમય થતા. તે ઈશ્વરને પ્રાર્થના કરી સુઈ ગયો. ધીમે ધીમે તે નિંદ્રાવસ્થા તરફ જવા લાગ્યો અને થોડા સમય પછી તે સંપૂર્ણ નિંદ્રાવસ્થામાં ચાલ્યો ગયો. એ અવસ્થામાં પહોંચતા તેના મનમાં રહેલી શ્રીની યાદોએ સ્વપ્નનું રૂપ લીધું.
તેના સ્વપ્નમાં એ ઘટના આવી જયારે તે શ્રીને ઈમ્પ્રેસ કરવા માટે ડાન્સ શીખવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. તેનુ શરીર ડાન્સ માટે બન્યું જ નહતું તેથી તે વારંવાર ભૂલ કરતો હતો. વાંરવાર ફ્લિપ મારતી વખતે તે જમીન પર પટકાતો હતો. તેના લીધે તેને ઘણી જગ્યાએ ઇજાઓ થઈ અને તેના વિદ્યાર્થી મિત્રો તેની હાંસી ઉડાવવા લાગ્યા. સતિષને જમીન પર ફરી પટકાતા જોઈ શ્રી ત્યાં આવી અને તેનો હાથ પકડી તેને હોલમાંથી બહાર લઈ આવી અને કહેવા લાગી,
“શુ આ વાંદરાવેળા શરૂ કર્યા છે? તને સમજાતુ કેમ નથી? બધા તારો મજાક બનાવી રહ્યા છે. તારે શા માટે પિરામિડ ડાન્સમાં ભાગ લેવો છે? સતિષ હવે હદ થાય છે. શા માટે હાંસીપાત્ર બનવા માંગે છે?” શ્રી ગુસ્સામાં બોલી.
“શ્રી હવે હું તારાથી નહિ છુપાવી શકું. તુ પૂજાને કહેતી હતી ને કે તને ડાન્સ સૌથી વધુ પ્રિય છે. બસ એટલા માટે હું પણ શીખી રહ્યો હતો.” સતિષ ચૂપ થઈ ગયો.
“હમ્મ. તો એમ વાત છે. મેં એમ કહ્યું હતુ કે ડાન્સ મને ખુબ ગમે છે. એમ થોડી કહ્યું હતુ કે ડાન્સ આવડતો હોય એજ છોકરો ગમે છે? સતિષ તારે બદલવાની કોઈ જરૂર નથી. તુ જેમ છો એમજ બરાબર છે.” શ્રી શરમાઈને બોલી.
“એટલે તારો કહેવાનો અર્થ હું તને..” સતિષ વાક્ય પૂરું કરે એ પહેલાં શ્રી ત્યાંથી દોડી ટીચર પાસે જતી રહી.
“શ્રી શ્રી...યાર સાંભળતો ખરી..જવાબ તો દે.. શ્રી..શ્રી..” સતિષ જાણે શ્રીની પાછળ દોડતો હોય અને તેને અવાજ આપતો હોય એમ પથારીમાં બોલવા લાગ્યો.
સતિષનો અવાજ સાંભળીને તેનો ભાઈ ત્યાં આવ્યો અને તેને જગાડી પાણી આપતા બોલ્યો, “શુ ભૂતનુ સપનુ તો નથી જોતો ને? લે આ પાણી પીને સુઈ જા.”
સતિષને પણ ભાન થઈ ગયુ કે તે શ્રીને સપનામાં અવાજ આપતા આપતા હકીકતમાં પણ અવાજ આપી રહ્યો છે. તે તેના ભાઈના કહ્યા પ્રમાણે પાણી પીને સુઈ ગયો.
સવારે ચા પીતી વખતે નિશિતાભાભીએ કહ્યું,
“શુ રાત્રે શ્રીનુ સપનુ આવ્યું હતુ? શ્રીનુ નામ ઊંઘમાં બબડતો હતો.”
“હા કદાચ આવ્યું હશે. મને બહુ ખાસ ખબર નથી.” સતિષ ધીમેથી બોલ્યો.
“મને નથી લાગતુ એ હવે તારા મનમાંથી નીકળશે. સારું ભૂલી શકે તો વધારે સારું. નહિતર તે આત્મહત્યા કરવાની કોશિશ તો કરી જ નાખી છે. ચા પીને બહાર જા. નરેશ બોલવતો હતો.” નિશિતાભાભીએ જણાવ્યું.
નિશિતાભાભીના કહ્યા પ્રમાણે તે નરેશને મળ્યો.
“શુ પછી રાતે શ્રીનુ સપનુ આવ્યું હતુ?” નરેશે પૂછ્યું.
“હા એ સપનુ જો વધારે ચાલ્યુ હોતને તો ખબર નહિ શુ થઈ જાત.” સતિષ હસીને બોલ્યો.
“હા તો કર કન્ટીન્યુ તારી લવ સ્ટોરી.” નરેશે કહ્યું.
“હા તો સાંભળ.”કહેતા સતિષે બોલવાનું શરૂ કર્યું.