થોડીવાર પછી સ્ટોર મેનજરે સતિષને પોતાની ઓફિસમાં બોલાવ્યો. સતિષ ત્યાં ગયો તો સ્ટોર મેનેજરની સામેની ખુરશી પર એક યુવતી બેઠી હતી. તેને જોઈને સતિષ દરવાજા પર જ ઉભો રહ્યો. તેને દરવાજા પર જોતા મેનેજરે કહ્યું,
“સતિષ ત્યાં કેમ ઉભો છો? અંદર આવી જા.”
સતિષ અંદર ગયો અને મેનેજરે તેને ખુરશી પર બેસવા આગ્રહ કર્યો અને પેલી યુવતીનો પરિચય આપતા કહ્યું,
“સતિષ આ કલ્પના છે. તારી ગેરહાજરીમાં તારું કામ આ કરશે. મેં તારી રજાની પરમિશન આપી દીધી છે પણ તમે એક વખત રૂબરૂ વાત કરી લો તો આગળ કોઈ પ્રોબ્લેમ ક્રિએટ ન થાય. એટલિસ્ટ તને એ તો ખબર હોવી જોઈએ ને કે તારી ગેરહાજરીમાં તારી જગ્યા પર કોણ છે. તો તમે બહાર જઇ વાત કરી લો અને ફરી પોતાના કામમાં લાગી જાવ.”
મેનેજરને થેંક્યું કહી સતિષ કલ્પના સાથે બહાર ગયો અને કલ્પના સામે જોઈ કહ્યું,
“સોરી મારા કારણે તમને તકલીફ પડી. તમને જ્યારે હેલ્પની જરૂર હોય તો મને કહેજો. હું તમારી હેલ્પ જરૂર કરીશ.”
“ના વાંધો નય. તમે તમારા મિત્રના લગ્નમાં આનંદ કરો. તમારા કામની ચિંતા ન કરતા. એ હું જોઈ લઈશ.” કલ્પનાએ કહ્યું.
“થેંક્યું. જો તમને કામના સમયમાં કોઈ પ્રોબ્લેમ થાય તો મને કોલ કરજો. ઓકે થેન્ક્સ બાય પછી મળીએ. એક્ચ્યુઅલી કસ્ટમર વધી ગયા છે.” સતિષે કહ્યું.
“હા સ્યોર. બાય.” કહી કલ્પના ત્યાંથી નીકળી ગઈ.
રાત્રિના સમયે સતિષ ઘરે પહોંચી તૈયાર થઈ પોતાનું બેગ પેક કરી ખેંગારના ગામ જવા નીકળી ગયો. ચાર કલાકનો રસ્તો કાપ્યા બાદ સતિષ ખેંગારના ઘરે પહોંચી ગયો. તેને ઘરે આવેલો જોઈ ખેંગાર તેના તરફ દોડ્યો અને તેને ભેટી પડ્યો. બંનેની આંખમાં આંસુ આવી ગયા. લગ્નમાં આવેલા મહેમાનો આ દ્રશ્ય જોતા જ રહી ગયા. સતિષ અને ખેંગાર ફ્રેશ થઈ નાસ્તો કરવા બેઠા. ખેંગારે સતિષને તેના સગા અને તેના મિત્રો સાથે પરિચય કરાવ્યો.
થોડીવાર પછી ખેંગારને મિત્રો સાથે લગ્ન માટેની ખરીદી કરવા જવાનું થયું. તેણે સતિષને કહ્યું,
“ચાલ સતિષ અમે ખરીદી કરવા નજીકના શહેરમાં જઈએ છીએ.”
“સોરી ખેંગાર પણ તને તો ખબર છે ને મને ટ્રાવેલિંગ પસંદ નથી. આ બસમાં ચાર કલાક કેમ કાઢ્યા છે એ મારું મન જાણે છે.” સતિષે કહ્યું.
“વાંધો નય તો તારે મન ફ્રેશ કરવું હોય તો ગામના તળાવ તરફ ફરીને આવ.”ખેંગારે કહ્યું.
“હા તુ આવ પછી જઈએ. એકલુ મજા ન આવે.” સતિષે કહ્યું.
“હું તને ક્યાં એકલો મોકલું છું? મારા મામાની છોકરી પ્રિયા તારી સાથે આવશે.” ખેંગારે કહ્યું.
“યાર તને અત્યારે મજાક સૂઝે છે. કોઈ મિત્રને મોકલને તો હું થોડો ઓપનલી વાત તો કરી શકું.” સતિષે કહ્યું.
“તુ ચિંતા ન કર. એ મિત્ર જ છે અને તારે એની આગળ જેટલી ઓપનલી વાત કરવી હોય એટલી કરજે. તેને કોઈ પ્રોબ્લેમ નથી.” ખેંગાર હસવા લાગ્યો.
“તુ તો એવી રીતે વાત કરશ જાણે તારા મામાની છોકરી પહેલેથી જ મને ઓળખતી હોય.” સતિષે કહ્યું.
“હા ઓળખે જ છે ને એટલે તો હું તને તેની સાથે મોકલું છું.” ખેંગારે કહ્યું.
“ઓળખે છે! પણ કઈ રીતે?” સતિષે પૂછ્યું.
“તારી શ્રી અને આરુ વાળી લવ સ્ટોરી મેં તેને કહી હતી. સોરી યાર દુઃખ ન લગાવતો મેં જે કાંઈ કર્યું છે એ તારા સારા માટે જ કર્યું છે.” ખેંગારે કહ્યું.
“મારા માટે? પણ તુ શું કહેવા માંગે છે? ભાઈ તે કોઈ મજાક નથી વિચારીને?” સતિષે કહ્યું.
“એ તુ પ્રિયાને જ પૂછી લે જે.” કહી ખેંગારે પ્રિયાને બોલાવી.
સતિષ વધુ કઈક બોલે એ પહેલાં પ્રિયા આવી ગઈ. તેણે ખેંગારને કહ્યું,
“બોલ ખેંગાર શુ કામ છે?”
“કામ મોટું નથી બસ આ સતિષને ગામમાં ફરવા લઈ જા. તેને થોડી વાર રિલેક્સ થવું છે.” ખેંગારે કહ્યું.
“પણ ખેંગાર તુ આવ પછી જઈએ તો મને ગમશે. એક કામ કર હું પણ તારી સાથે શહેર આવું છું.” સતિષે કહ્યું.
“પ્રિયા તારી સાથે આવે છે તેનાથી તને પ્રોબ્લેમ છે ને? તુ ચિંતા ન કર. જેને જે વિચારવું હોય એ વિચારે તુ તેની સાથે જા. તને ગેરન્ટી આપું છું તને જરા પણ કંટાળો નહિ આવે.” ખેંગારે કહ્યું.
“પણ ખેંગાર તુ આવ પછી જઈએ તો વાંધો છે?” સતિષ કહ્યું.
“પણ બણ કાંઈ નહિ. તુ જા. મારી વાત માન.” ખેંગારે કહ્યું.
“ખેંગાર તારો મિત્ર તો બહુ શરમાઈ છે.” પ્રિયા હસવા લાગી.
“એવું કંઈ પણ નથી. ચાલો જઈએ.” સતિષ બોલી ઉઠ્યો.
ખેંગાર તેના મિત્રો સાથે ખરીદી કરવા ચાલ્યો ગયો. તેના ગયા બાદ સતિષ પ્રિયા સાથે ગામની સુંદરતા જોવા નીકળી પડ્યો. પ્રિયાએ સતિષને ગામની જૂની ઇમારતો બતાવી તેના ઇતિહાસની વાત કરી. તેણે દેવમંદિરો, ચબૂતરો અને ખેતરો વગેરે દેખાડ્યા. છેવટે બંને તળાવ તરફ ગયા. તળાવે સર્જેલા કુદરતી દ્રશ્યને જોઈને સતિષ એકદમ ખુશ થઈ ગયો. તે થોડીવાર સુધી એ દ્રશ્યને એકીટશે જોઈ રહ્યો. તેને એવી મુદ્રામાં જોઈ પ્રિયા બોલી,
“તને આ બહુ ગમે છે?”
“અતિશય” સતિષ માત્ર એટલું જ બોલી શક્યો.
“પહેલા કદી કુદરતની આવી કળા જોઈ હતી?” પ્રિયાએ પૂછ્યું.
“જોઈ હતી પણ ફિલ્મોમાં. પણ આ તેના કરતાં ઘણું સુંદર છે. આજ મને સમજાયું કે મેં અત્યાર સુધીમાં શુ ગુમાવ્યું હતું. આ દ્રશ્ય જીવવાની નવી આશાઓ આપે છે. થેંક્યું પ્રિયા તારા લીધે હું આ દ્રશ્યને જોઈ શક્યો. તારા ગામ વિશે તુ ઘણું બધું જાણે છે. હું તો મારા ઘરનો પણ ઇતિહાસ નથી જાણતો” સતિષે હસીને કહ્યું.
“તને કોઈ પ્રોબ્લેમ ન હોય તો તારી સાથે થોડી વાત કરી શકું?” પ્રિયાએ કહ્યું.
“સ્યોર. મને કોઈ પ્રોબ્લેમ નથી.” સતિષે કહ્યું.
“ખેંગારે તારી શ્રી અને આરુની વાત કરી હતી. શ્રી વખતે તે આત્મહત્યા કરવાની પણ કોશિશ કરી હતી. શુ એ બધું સાચું છે? જો તને કોઈ પ્રૉબ્લેમ ન હોય તો મને જવાબ આપજે.” પ્રિયાએ કહ્યું.
“પ્રિયા એ બધું હતું. હવે એ યાદ કરવાથી કોઈ ફાયદો નથી. એ કોઈ લવ સ્ટોરી નહતી. શ્રી મને માત્ર મિત્ર માનતી હતી. ભૂલ મારી હતી કે હું જ તેને પ્રેમ માની બેઠો. જ્યારે મને મારી ભૂલ સમજાઈ ત્યારે બહુ સમય નીકળી ગયો હતો.” સતિષે કહ્યું.
“અને આરુ?” પ્રિયાએ પૂછ્યું.
“એ વખતે મગજ ખરાબ થઈ ગયું હતું. લવનો કીડો જપતો નહતો. એ વખતે આરુની પણ કોઈ ભૂલ નહતી. તેણે મને ન સ્વીકારીને કોઈ ભૂલ નથી કરી. જે વ્યક્તિ સાથે જીવવાનું હોય એટલિસ્ટ એ વ્યક્તિ ગમવો તો જોઈએ ને? બસ હું નહતો ગમતો. પછી હું સમજી ગયો કે આ લવ બવ આપણા કામની વસ્તુ નથી. જયારે તમને એક્ટિંગ ન આવડે ત્યારે ઓડિયન્સ બનીને ફિલ્મને માણવી જોઈએ ના કે એક્ટિંગ ન આવડવાનો શોક મનાવવો જોઈએ. એટલે મેં ઓડિયન્સ બનવાનું નક્કી કર્યું. અત્યારે પણ હું મારા કામમાં બીઝી હતો. પણ મારો ભાઈ શહીદ થવા જઈ રહ્યો છે તેથી તેના દુઃખમાં ભાગીદાર બનવા આવ્યો છું.” સતિષ હસવા લાગ્યો.
“ભૂલ તારી હતી કે નહીં એ તો ખબર નથી પણ તને સારી એક્ટિંગ આવડે છે. અંદરથી દુઃખી હોવા છતા બહાર ચહેરા પર ખુશીના ભાવ ધારણ કરવાની. એક એક્ટરની આ તો ખૂબી છે. સાચું ને?” કહી પ્રિયા સતિષ સામે જોઈ રહી.
“ના..એવું કંઈ જ નથી…હું ઘણો ખુશ છું. કોઈ વ્યક્તિના હોવા ન હોવાથી કોઈ ફરક નથી પડતો.” સતિષ પ્રિયાથી થોડે દુર જઇ તળાવ સામે જોતા બોલ્યો.
“ખરેખર? કોઈ ફરક નથી પડતો? કદી આ સવાલ પોતાની જાતને કર્યો છે? પોતાની જાતને છોડને અત્યારે મારી આંખથી આંખ મિલાવીને બોલ કે તને કોઈ ફરક નથી પડતો. તુ ખરેખર ખુશ છે. છે હિંમત?” પ્રિયાએ કહ્યું.
“હા કેમ નહિ? લે ચાલ તારી આંખમાં આંખ મિલાવી કહું.” કહી સતિષે આગળ બોલવાની કોશિશ કરી પણ તે વધુ સમય પ્રિયાની આંખોમાં જોઈ ન શક્યો.
“સતિષ. એક દોડવીર લાઈફમાં ઘણી બધી રેસ હારી જાય છે પણ તે જિંદગી નથી હારી જતો. તે પ્રયત્ન કરતો રહે છે. તારે પણ શ્રી અને આરુ વખતે દોડવીર બનવાની જરૂર હતી. તો બંનેમાંથી એક તો તારી લાઈફમાં હોત જ.” પ્રિયાએ કહ્યું.
“સોરી પ્રિયા પણ આઈથીન્ક આપણે ઘરે જવું જોઈએ. હવે તો ખેંગાર પણ આવી ગયો હશે. જો હવે તો અંધારું થવા આવ્યું છે. આજ બહુ મજા આવી. થેન્ક્સ અગેન.” સતિષે કહ્યું.
“સતિષ મારી વાતથી તને ખોટું તો નથી લાગ્યું ને? તને થતું હશે કે આપણે મળ્યા તેની માત્ર થોડી જ કલાકો થઈ છે અને હું તારી પર્સનલ લાઈફ ડિસ્કસ કરું છું. પ્લીઝ મને માફ કરજે.” પ્રિયાએ કહ્યું.
“ના ના નો પ્રૉબ્લેમ. યુ આર વેરી ગુડ પર્શન. મારુ ભૂતકાળ જાણ્યા પછી તને હક છે પોતાની વાત રાખવાનો. મારો ભૂતકાળ મારા મિત્રો સિવાય કોઈ નથી જાણતું. એટલે આ જાણ્યા પછી તુ પણ મારી મિત્ર થઈને! ચાલો ઘર તરફ ડગલા માંડીએ.” સતિષ હસીને બોલ્યો.
સતિષ અને પ્રિયા બંને ઘરે આવી ગયા. ખેંગાર પણ આવી ગયો હતો. બંનેને આવેલા જોઈ ખેંગાર તેમની પાસે આવી બોલ્યો,
“તમે બંને તો ઘણું ફર્યા. પ્રિયાએ તો ગામનો પૂરો ઇતિહાસ કહી નાખ્યો હશે ને?”
“હા પૂરેપૂરો.” સતિષ હસવા લાગ્યો.
“મેં કીધું હતું ને કે તને જરા પણ કંટાળો નહિ આવે. તો એક કામ કર ફ્રેશ થઈ જમવા આવી જા.”
“હા જરૂર. હમણાં ફટાફટ આવું છું.” સતિષે કહ્યું.
જમ્યા બાદ ખેંગાર સતિષને બહાર લઈ ગયો. બંને એક શાંત સ્થળે બેઠા. ખેંગારે વાત શરૂ કરી,
“શુ સતિષ. કાકા કહેતા હતા કે ઘરમાં તુ ટાઈમ આપતો જ નથી. તને ખબર પણ છે તેમને કેટલું દુઃખ થતું હશે?”
“ખેંગાર પણ કામ જ એટલું હોય છે કે ટાઈમ જ નથી મળતો.” સતિષે કહ્યું.
“ટાઈમ મળતો નથી કે તારે કાઢવો જ નથી? ભાઈ અમે પણ કામ પર જતાં હતાં પણ પરિવારના ભોગે નહિ. હજી પણ આરુને લઈને દુઃખી છો ને?” ખેંગારે પૂછ્યું.
“ના એ સમય હવે નીકળી ગયો. હવે તો આરુનો ચહેરો પણ યાદ નથી રહ્યો.” સતિષે કહ્યું.
“તો ત્યાં મોલમાં કોઈ શોધી કે નહીં?” ખેંગારે પૂછ્યું.
“ના હવે આ બધુ મને નથી ગમતું. હું મારી જાત સાથે ખુશ છું. હવે કોઈ બીજી વ્યક્તિને મારી લાઈફમાં એન્ટ્રી નથી આપવી.” સતિષે કહ્યું.
“એન્ટ્રી આપવા નથી માંગતો કે હજી તને ડર છે કે તુ જેને પસંદ કરીશ એ તને રિજેક્ટ કરી નાખશે? પણ એવું જરૂરી નથી કે દર વખતે એવું જ થાય. ચાર દિવસમાં મારા લગ્ન થઈ જશે એટલે હું નથી ચાહતો કે મારો ભાઈ સિંગલ રહે.” ખેંગાર હસવા લાગ્યો.
“સિંગલ રહેવામાં કોઈ વાંધો નથી. આઝાદી કેટલી બધી! મરજી પડે એમ જ કરવાનું.” સતિષ હસવા લાગ્યો.
“એ બધું છોડને પ્રિયા કેવી લાગી?” ખેંગારે પૂછ્યું.
“કેવી એટલે. સારી છોકરી છે. સમજુ છે. તેની સાથે વાત કરવાથી સારું ફિલ થાય છે. એક વાત તો દિલથી કહીશ કે પ્રિયાના જીવનમાં જે આવશે તે કોઈ ભાગ્યશાળી જ હશે.” સતિષે કહ્યું.
“એમ! તો તુ જ એ ભાગ્યશાળી બની જા ને.” ખેંગારે કહ્યું.
“ખેંગાર હું કઈ સમજ્યો નહીં? તારા કહેવાનો અર્થ શું છે?” સતિષે પૂછ્યું.
“એ જ કે તુ પ્રિયા સાથે લગ્ન કરી લકી બની જા.” ખેંગારે કહ્યું.
“નો ખેંગાર એ શક્ય નથી. મારા માટે પ્રિયા એક મિત્રથી વધીને કાંઈ નથી. અમે બંને મિત્ર જ બરાબર છીએ. એ પ્રિયા માટે પણ સારું રહેશે.” સતિષે કહ્યું.
“કેમ પ્રિયામાં કોઈ ખામી છે? કે પછી એ તારા સમાજની નથી એટલે તુ ના પાડે છે?” ખેંગારે કહ્યું.
“ના એવું કંઈ નથી. હું આ જાતિવાદમાં નથી માનતો. બસ ફરી વખત મારા મિત્રને નિરાશ કરવા નથી માંગતો.” સતિષે કહ્યું.
“હવે હું સમજ્યો કે શા માટે તુ ના પાડે છે. જો નરેશ જ તને આ સલાહ આપે તો તુ પ્રિયાને તારી લાઈફમાં એન્ટ્રી આપીશ?” ખેંગારે પૂછ્યું.
“નરેશ કહેશે તો મારે માનવું જ પડશે ને? તુ કહેતો હતો કે નરેશ આવવાનો છે. તો ક્યાં છે નરેશ?” સતિષે પૂછ્યું.
“એ કાલ સવારે આવી જશે. તુ મારી સાથે તેને પિકપ કરવા આવજે. ધ્યાન રાખજે તને તો હું સિંગલ નહિ રહેવા દવ. ચાલ ઘરે. સુઈ જજે.” કહી ખેંગારે બાઇક સ્ટાર્ટ કરી બંને ઘરે આવી સુઈ ગયા.
સવાર પડી. સતિષ અને ખેંગાર રેડી થઈ નરેશને પિકપ કરવા બસ સ્ટેશન આવી ગયા. બંને તેની રાહ જોતા હતા એવામાં બસ આવી ઉભી રહી. તેમાંથી બે ત્રણ પેસેન્જર ઉતર્યા અને પછી નરેશ હાથમાં મોટું બેગ લઈ નીચે ઉતર્યો. તેને જોઈ ખેંગાર તેના તરફ દોડ્યો અને બંને મિત્રો ભેટી પડ્યા. સતિષ બાઇક પાસે ઉભો રહી નરેશ સામે જોઈ રહ્યો. નરેશનું ધ્યાન સતિષ પર પડતા તે બોલ્યો,
“અય ટોપા તને અલગથી કહેવું પડશે?”
નરેશના શબ્દો સાંભળતા જ સતિષ રડવા લાગ્યો અને દોડી તેને ભેટી પડ્યો. તેને રડતો જોઈ નરેશ તેની મજાક કરતા બોલ્યો,
“શુ યાર આ છોકરીની જેમ રડવા લાગ્યો. મને એમ હતું કે તુ હસતો હસતો મારી પાસે આવીશ.”
“આ ખુશીના આંસુ છે. જેટલા વધુ આવશે એટલું જ મને ગમશે. ક્યાં હતો અત્યાર સુધી? તે મારી સાથે વાત કરવાનું પણ જરૂરી ન ગણ્યું.” સતિષે કહ્યું.
“મને કાકા પાસેથી ખબર પડી કે તું તારા કામમાં ખૂબ બીઝી છો. કોઈની સાથે વાત નથી કરતો. તેથી મેં તને કોન્ટેક્ટ ન કર્યો. યાર તે મને નિરાશ કર્યો છે. મને એમ હતું કે તુ લાઈફમાં આગળ વધીશ પણ પરિવારથી દૂર રહીને? યાર આ માટે હું તને કદી માફ નહિ કરું. એ દિવસે મેં ગુસ્સામાં એ બધું તને કહ્યું હતું. પણ તે સિરિયસલી લઇ લીધું.” નરેશે કહ્યું.
“ભાઈ જવા દે વીતેલી વાતોને બસ તુ આવી ગયો એટલે મારે બધું આવી ગયું. હવે ખેંગાર પાસે આઝાદીના દિવસો બહુ ઓછા છે. તો તેની સાથે થોડો ટાઈમ સ્પેન્ડ કરીએ.” સતિષે કહ્યું.
ખેંગારે બાઇક સ્ટાર્ટ કરી અને બધા ઘરે આવી ગયા. ત્રણેય મિત્રો સાથે નાસ્તો કરવા બેઠા. નાસ્તો પતાવી ખેંગારે નરેશને કહ્યું,
“હમણાંથી સતિષને લઈને કાકા ચિંતામાં છે. કારણ કે સતિષ હવે મશીનની જેમ જીવે છે. ત્યાં મોલમાં પણ કોઈની સાથે વાત નથી કરતો.”
“કેમ સતિષ તું આવો કઠણ હૃદયનો ક્યારથી થઈ ગયો? ભાઈ કામ તો આખી જિંદગી રહેવાનું જ છે પણ કામ કરતા કરતા બે ઘડી વાતો કરી દિલનો બોઝ પણ હલકો કરવો જોઇએ.” નરેશે કહ્યું.
“નરેશ હવે બસ પોતાની જાત સાથે એટલો ટેવાઈ ગયો છું કે કોઈની સાથે વાત કરવામાં પણ રસ નથી રહ્યો. બસ હવે માબાપના સપના પુરા કરવા છે. બાકી કાઈ કરવાની ઈચ્છા નથી.” સતિષે કહ્યું.
“તને એમ લાગે છે ને કે મોટો બંગલો હોય ગાડી હોય અને તમે બધા સુખી હોય એવું સપનું તારા માબાપનું છે? પણ એવું કંઈ નથી. તારા માબાપ શુ કોઈના માબાપ એવું સપનું નથી જોતા. એમને જાહોજલાલી ભોગવવાનો કોઈ રસ નથી હોતો. એ બસ એટલું જ ચાહતા હોય છે કે તેમના જીવતા તેમનું સંતાન લાઈફમાં સેટ થઈ જાય. એમની તો માત્ર એટલી ઈચ્છા હોય છે કે જીવતા જીવ તેમના સંતાનના સંતાનને પોતાના હાથમાં રમાડે. આનાથી મોટી ખુશી તેમના માટે નથી હોતી. માટે તારે પણ હવે જીવનમાં કોઈ વ્યક્તિ સાથે પોતાનો સંસાર વસાવી લેવો જોઈએ. એવું મને લાગે છે. હવે તું ઘણો બદલાઈ ગયો છો. પહેલા જ્યારે પ્રેમ પ્રેમ કરતો ત્યારે મને ગમતું હતું. કારણ કે એ સમયે તારા જીવનમાં હું રંગો જોઈ શકતો હતો. કેટલા ઇમોશન હતા તારામાં! પણ અફસોસ એ બધી વાતો જ બની ગઈ.” નરેશ ચૂપ થઈ ગયો.
“આપણે પણ ક્યાં આવી ફાલતુ વાતુમાં ચડી ગયા! ખેંગારના લગ્ન પરમદિવસે છે અને આપણે વાતો કરીએ છીએ. ચાલો વરરાજાના લગ્નની તૈયારી પુરી કરી નાખીએ.” સતિષે કહ્યું.
સતિષ ત્યાંથી ચાલ્યો ગયો અને મંડપ વગેરે ચેક કરવા લાગ્યો. તેને જોઈ નરેશે કહ્યું,
“ભાઈને સેટ તો થવું છે પણ મારી વાત તેને ખટકે છે. હા મને ખબર છે કે મેં જ તેને પ્રેમના ચક્કરમાં પડવાની ના પાડી હતી કારણ કે એ સમયે તેની ઉંમર નાની હતી. અત્યારે એ સમય આવી ગયો ત્યાં તો ભાઈ બ્રહ્મચારી બનવામાં લાગેલા છે. સ્ત્રીની રિસ્પેક્ટ કરવાનો અર્થ એવો થોડો થયો કે કોઈને પોતાના દિલમાં જગ્યા જ ન આપવી. હું જે પણ સલાહ આપું છું તેને પાલન તો કરે છે પણ તેને બીજા અર્થમાં લઈને પાલન કરે છે.”
“નરેશ તને એ જ ડર છે ને કે આ આમને આમ આપણાથી દૂર ન થઈ જાય? તુ ચિંતા ન કર. પ્રિયા છે ને! તે સતિષના જીવનમાં ફરી રંગ ભરશે. સતિષ પ્રિયાથી કેટલા સમય સુધી દૂર રહેશે?” ખેંગારે કહ્યું.
“પણ ખેંગાર સતિષને જોઈને હવે મને નથી લાગતું કે તે પ્રિયાની લાગણીઓને સમજશે. એ બિચારીને ક્યાં આ મશીન સાથે પ્રેમ થઇ ગયો? હવે તેના નસીબ કરશે એવું થશે.” નરેશે કહ્યું.
“બધું જ સારું થઈ જશે. પ્રિયા સતિષને ફરી નૉર્મલ કરી નાખશે. એ ફરી પાછો પરિવારને ટાઈમ આપવા લાગશે. મને પ્રિયા પર વિશ્વાસ છે કે તે સતિષને ફરી પહેલા જેવો ખુશ વ્યક્તિ બનાવી દેશે. ખરેખર સતિષનો પણ વાંક નથી. તેણે આ બાબતમાં ઠોકરો જ ખાધી છે.” ખેંગારે કહ્યું.
“બસ ભગવાન પાસે એટલી જ પ્રાર્થના છે કે તું જે બોલી રહ્યો છે એમ જ થાય. મારે પણ સતિષને સાચી રીતે ખુશ જોવો છે. એ તો બસ આપણી સાથે ખુશ રહેવાનું નાટક કરે છે. અંદરથી કેટલો દુઃખી છે એ હું સારી રીતે જાણું છું.” નરેશે કહ્યું.
To be continued…..