આક્રંદ એક અભિશાપ 6 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આક્રંદ એક અભિશાપ 6

"આક્રંદ:-એક અભિશાપ"

ભાગ:-6

પોતાનાં મામા ની દીકરી રેશમા ની સારવાર અને સાથે પોતાનો પ્રોજેકટ એ બંને કામ સાથે કરવા નૂર આદિલ ની મદદથી ઈન્ડિયા પહોંચે છે. સોનગઢ ની સફરમાં આગળ જતાં એની સાથે જોડાય છે હસન નામનો એક ઓઝા અને હસનની સ્ટુડન્ટ નતાશા. એ લોકો ને સફરમાં ઘણી અડચણો નડે છે. એ જ્યાં આગળ નો રસ્તો પુછવા રોકાય છે એ લોજ નાં મુલાજીમ પર કોઈ અજાણી શક્તિ હુમલો કરે છે.. આગળ જતાં એક બકરવાલ ને એ લોકો સોનગઢ નો રસ્તો પૂછે છે, આ બકરવાલ નૂર ને વિચિત્ર લાગે છે. હવે વાંચો આગળ ની કહાની.

હસન, નૂર અને નતાશા એક એવી જગ્યાએ જવા માટે નીકળી પડ્યાં હતાં જ્યાં મોત થી પણ વધુ બદતર વસ્તુ એમની રાહ જોઈને ઉભી હતી..પોતાનાં મામા ની દીકરી રેશમા ની સારવાર પોતાનાં તબીબી જ્ઞાન થી કરી નૂર પોતાની જાત ને ચડિયાતી સાબિત કરવા માંગતો હતો જ્યારે સામા પક્ષે એનાંથી વિપરીત હસન ઓમર રેશમા ને ઠીક કરી પોતે ઝાડફૂંક માં કેટલો પારંગત છે એ પુરવાર કરવા માંગતો હતો.

એક રીતે જોઈએ તો એ બંને ને અત્યારે પોતાનો અહમ હતો જે એમનાં જ્ઞાન ની સાથે બુદ્ધિશક્તિ ને પણ હણી રહ્યો હતો..આમ પણ મનુષ્ય જન્મ થી જ શૈતાન નાં અમુક ગુણો લઈને જ જન્મે છે..આ સિવાય સોનગઢ માં કંઈક તો એવું હતું જે હસન ને ત્યાં જવા રોમાંચિત કરી રહ્યું હતું. આ સિવાય સોનગઢ ની જોડે રહેલાં રહમત ગામ વિશે પણ કંઈક એવી વાત હતી જેનું રહસ્ય દસ્તક હતી આવનારાં તોફાન ની આગાહી ની.

હવે સોનગઢ ફક્ત પાંચેક કિલોમીટર દૂર હતું ત્યાં હસને પોતાની ઘડિયાળ તરફ નજર કરી અને એ સાથે જ એને કાર ને રોડ ની સાઈડમાં લાવીને ઉભી કરી દીધી. નતાશા અને નૂર કંઈ પૂછે એ પહેલાં જ હસને એમની તરફ જોઈને કહ્યું.

"સૂરજ ની પહેલી કિરણ પડવાનાં પહેલાં નમાઝ કરવી એ મારો વર્ષો જૂનો સંબંધ છે..અને હવે પાંચ વાગવા આવ્યાં હોવાથી હું ખુદાની ઈબાદત કરીશ પછી જ આપણે આગળ વધીશું."

હસન ની વાત સાંભળી નૂર કંઈ બોલી નહીં અને એ બધાં કારમાંથી નીચે ઉતર્યાં..હસને કારમાં રહેલી પોતાની બેગમાંથી એક પાઠરણું કાઢ્યું અને એને જમીન પર મૂકી દીધું..ત્યારબાદ એ નમાઝ અતા કરવા માટે એની ઉપર સ્થાન ગ્રહણ કરે છે.

નૂર અને નતાશા હસન ને નમાઝ પઢતો જોવાનાં બદલે ત્યાં આજુબાજુ થોડું હરીફરીને હાથ પગ છુટા કરવા માટે ત્યાંથી થોડે દુર ગયાં..એ લોકો જ્યાં ઉતર્યા હતાં એ જગ્યા સુમસાન હતી. ચારેતરફ માત્ર ને માત્ર સન્નાટો હતો જે ક્યારેક નિશાચર પક્ષીઓનાં અવાજથી તો ક્યારેક તમરાઓના અવાજ થી તૂટી જતો હતો.

હસન એક પથ્થરોવાળી જગ્યાએ બેસીને નમાઝ પઢી રહ્યો હતો..અને નૂર અને નતાશા એનાંથી થોડે દુર આવ્યાં.. નૂરે જોયું તો ત્યાં એક જુનું ખંડેર જેવું હતું..હકીકતમાં ત્યાં સેંકડો વર્ષો પહેલાં કોઈ ઈમારત હોવી જોઈએ એવું નૂર ને મહેસુસ થયું..પણ એ ઈમારત નાં નામે અત્યારે ફક્ત બિસ્માર હાલતમાં દરવાજો જ વધ્યો હતો.

કુતૂહલાથી નૂર એ દરવાજામાં પ્રવેશી અને આગળ વધી..નતાશા પણ એની પાછળ પાછળ એનાં કદમ થી કદમ મિલાવીને ચાલી રહી હતી..રાત પોતાનું સામ્રાજ્ય ફેલાવીને બેઠી હોવાથી સર્વત્ર અંધકાર વ્યાપ્ત હતો..એટલે નૂરે પોતાનાં મોબાઈલની ફ્લેશ લાઈટ ને ચાલુ રાખી હતી.

એ ઈમારત કોઈ મકબરો હોવી જોઈએ એવો અંદાજ નૂર ને આવી ગયો હતો કેમકે એ વર્ષોથી આવી જગ્યાઓની મુલાકાત કોઈ ને કોઈ પ્રોજેકટ અંતર્ગત લેતી આવી હતી..મકબરો હોવાથી એનો બીજો દરવાજો પણ અંદર પ્રવેશતાં જ દ્રશ્યમાન થયો જે શાયદ બીજી તરફ જવાનો રસ્તો દર્શાવતો હતો.નૂર સાચવીને એ દરવાજો ખોલીને બીજી તરફ આવી..નતાશા પણ એની બિલકુલ પાછળ ચાલી રહી હતી.

દરવાજો ઓળંગતા જ એ લોકો એક બિહામણી જગ્યાએ આવી જવાનું એમને ભાન થયું.. એ જગ્યા પણ એકદમ વિરાન હતી પણ ત્યાં વ્યાપ્ત ભેંકાર નૂરે આજસુધી ક્યારેય જોયો કે અનુભવ્યો નહોતો. નૂર ની વાત તો દૂર રહી પણ નતાશા તો હસનની સાથે ઘણીવાર અગોચર જગ્યાઓએ જઈ આવી હતી છતાંપણ ત્યાં જે કંઈપણ ખામોશી અને ભેંકાર નું સામ્રાજ્ય હતું એવું એને પણ ક્યારેય જોયું નહોતું.

અચાનક એક કાગડો કાં.. કાં.. કરતો નૂર નાં ચહેરાની આગળથી પસાર થયો જેનાં લીધે નૂર બેહદ ડરી ગઈ..નતાશા ની પણ શ્વાસ અત્યારે ગળે અટકી ગઈ હોય એવું એનાં ચહેરા પરથી સમજી શકાતું હતું..નૂર નાં હાથ માં રહેલાં મોબાઈલ ની ફ્લેશલાઈટ નૂરે કાગડા ની દિશા તરફ કરી તો એને એ કાગડો બીજાં કાગડાથી બિલકુલ અલગ લાગ્યો..એનું કદ અને મુખાકૃતિ ભિન્ન હતી..સાથે એની આંખો ચમકી રહી હતી.

થોડીવારમાં પોતાનાં ડર પર કાબુ મેળવવામાં નૂર કામિયાબ થઈ અને ધીરા ડગલે આગળ વધી..નતાશા આગળ જવા નહોતી ઈચ્છતી હોવાં છતાં પણ ના છૂટકે નૂર ની પાછળ જઈ રહી હતી કેમકે હસન ની ગેરહાજરીમાં નૂર નું રક્ષણ કરવું અને એની સલામતી ની ચિંતા કરવી એ પોતાની ફરજ બની જાય એવું નતાશા સમજતી હતી.

નૂર જેવી આગળ વધી ત્યાં એને એવું લાગ્યું કે જાણે એ કોઈ મોટાં કબ્રસ્તાન માં આવી ગઈ છે અને એ પણ એવું કબ્રસ્તાન જ્યાં લાશો ને દાટવામાં નથી આવતી પણ ખુલ્લી રાખી દેવામાં આવતી હશે..આજુબાજુ બધે માનવ હાડપિંજર વિખરાયેલાં પડ્યાં હતાં..હાડકાં પણ અહીં તહીં બધે નજરે પડી રહ્યાં હતાં.

"નૂર ચાલ હવે પાછા નીકળી જઈએ..મને આ જગ્યા ઠીક નથી લાગતી.."નતાશા એ હળવેકથી નૂર ની નજીક જઈને એનાં કાનમાં કહ્યું.

નતાશા ની વાત સાંભળી નૂરે પણ જવાનું મન બનાવી લીધું અને એ દરવાજા તરફ પાછી વળી.નૂર જેવી દરવાજા ની સમીપ પહોંચી એવું જ એનાં કાને કોઈ પીડાતું હોય અને કણસી રહ્યું હોય એવો અવાજ કાને પડ્યો..અવાજ ની સાથે એક ધીમું રુદન પણ નૂર ને સંભળાઈ રહ્યું હતું.

"નતાશા તે કંઈ સાંભળ્યું..મને લાગે છે કોઈને આપણી મદદની જરૂર છે.."નતાશા નો હાથ પકડી નૂર બોલી.

"નૂર આ બધો તારાં મન નો વહેમ છે.. મેં કીધું ને અહીં રહેવું યોગ્ય નથી.. ચાલ જલ્દી અહીંથી નીકળીએ.."નતાશા એ પણ નૂરે જે રુદન સાંભળ્યું હતું એ સાંભળ્યું હતું પણ એને ખબર હતી કે આગળ કોઈ evil spirit છે એટલે એ ત્યાંથી નીકળી જવું મુનાસીબ સમજી રહી હતી.

"નતાશા તારે ના આવવું હોય તો કંઈ નહીં પણ હું તો ત્યાં જઉં છું એ જોવા કે કોણ રડી રહ્યું છે અને કોને મારી મદદની જરૂર છે.."નૂર આટલું કહી ત્યાંથી નીકળી આગળ વધી.

નૂર પોતાની વાત નહીં માને અને પોતાની સાથે બધાં ને સંકટમાં નાંખશે એવું વિચારી એ હસન ની મદદ લેવા માટે બહાર ની તરફ ઉતાવળાં પગલે નીકળી ગઈ.

રુદન અને કણસવાનો અવાજ જે તરફથી આવી રહ્યો હતો એ દિશામાં નૂર પોતાનાં મોબાઈલની ફ્લેશલાઈટ નાં અજવાળાંમાં આગળ વધી રહી હતી..એ જેમ-જેમ આગળ જતી હતી એમ-એમ રડવાનો અવાજ વધુ તીવ્ર બનીને આવી રહ્યો હતો.એ રુદન આખરે એક આક્રંદ નું રૂપ લઈ ચૂક્યું હતું.

નૂરે આગળ જતાં જોયું તો ત્યાં એક મોટું આંબલી નું વૃક્ષ હતું જેની પર હજારોની સંખ્યામાં કપડાંના ટુકડા બાંધવામાં આવ્યાં હતાં અને રડવાનો અવાજ પણ એ વૃક્ષ ની આજુબાજુમાંથી જ આવી રહ્યો હોવાનું એને લાગ્યું.

***

આ તરફ પોતાની નમાઝ પૂર્ણ કર્યાં પછી હસને ખુદાની બંદગી માં પોતાની અને પોતાનાં સાથીદારો ની હિફાઝત ની દુવા માંગી.. ત્યારબાદ પોતાનાં પાથરણા નું કપડું ઉઠાવી ગાડીમાં રાખ્યું અને નૂર અને નતાશા ની તપાસ માટે આજુબાજુ નજર દોડાવી પણ એની નજરે કોઈ ના પડ્યું.

"આ બંને ક્યાં ગયાં હશે..?"હસન મનોમન બોલ્યો.

થોડીવારમાં નૂર અને નતાશા પાછા આવી જશે એમ વિચારી હસન ગાડી ને ટેકે ઉભો હતો ત્યાં એને દૂરથી નતાશા ને એની તરફ આવતી જોઈ..નતાશા ને એકલી જોઈને એને થોડું આશ્ચર્ય થયું.

"નૂર ક્યાં છે..?"નતાશા નાં નજીક આવતાં ની સાથે હસને સવાલ કર્યો.

"નૂર ત્યાં અંદર ની તરફ છે..એ નક્કી કોઈ મુસીબતમાં ફસાઈ જશે એવું મને લાગી રહ્યું છે.."પોતે જે જગ્યાએ હતાં એ તરફ આંગળી કરી નતાશા બોલી.

"ચાલ જલ્દી..તારે એને એકલી મૂકીને નહોતું આવવું જોઈતું.."હસન નાં અવાજમાં રોષ હતો જે નતાશા સમજી ગઈ હતી.

હસન ને દોરીને નતાશા પેલાં મકબરા ની ઈમારત જોડે લઈ ગઈ અને હસનને દરવાજા જોડે લાવીને બોલી.

"નૂર અંદર ગઈ છે..અને અંદર બીજો દરવાજો છે એમાં થઈને પાછળ આવેલી વેરાન જગ્યાએ અત્યારે એ હાજર છે.."

નતાશા ની વાત સાંભળી હસન દોડીને દરવાજા ની અંદર પ્રવેશ્યો અને બીજાં દરવાજાથી નીકળી પાછળની તરફ આવ્યો..હસને પણ ત્યાં રહેલાં માનવ હાડપિંજર નિહાળ્યા..ત્યાં અંધકાર વ્યાપ્ત હોવાથી દૂરથી જ એને નતાશાના મોબાઈલ ની ફ્લેશ લાઈટ દેખાઈ ગઈ અને હસન દોડીને નતાશા જ્યાં હતી એ તરફ આગળ વધ્યો.

હસને જોયું તો નૂર અત્યારે એક evil tree નીચે ઉભી હતી..આ એવું વૃક્ષ હોય છે જેનાં પર અતૃપ્ત આત્માઓ વાસ કરે છે..લોકો પોતાને પરેશાન કરતી આત્માઓને ગમતી વસ્તુ આવાં વૃક્ષ નીચે મૂકી એ આત્માને પોતાનો પીછો છોડી દેવાની અરજી કરે છે..સાથે સાથે ખુદા ની ઈબાદત કરી એક કપડું વૃક્ષ નીચે બાંધી દે છે.

હસને નૂર ની તરફ આગળ વધતાં એને અવાજ લગાવ્યો..

"નૂર..ચાલ ત્યાંથી..આ જગ્યાએ વધુ સમય રોકાવું યોગ્ય નથી.."

પણ નૂર જાણે જડવત બની ગઈ હોય એમ ત્યાં ઉભી હતી..હસન નાં અવાજ નો કોઈ પ્રતિભાવ એ નહોતી આપી રહી..નૂર ને અત્યારે કોઈ અજબની ગંધ આવી રહી હતી જેનાં લીધે એનું મગજ સુન્ન થઈ ગયું હતું..અચાનક હસનની નજર નૂર નાં પગ તરફ ગઈ તો એને જોયું કે નૂર અત્યારે હાડકાં નાં બનેલાં વર્તુળ ની અંદર મોજુદ હતી.

નૂર પોતાનું સાનભાન ભુલાવી લગભગ બેહોશ થવાની અણી પર હતી ત્યાં હસન એની નજીક આવી પહોંચ્યો અને એને પોતાનાં હાથનાં ટેકાથી પકડી લીધી.. હસને પોતાનાં પગ ને હાડકાં નાં એ વર્તુળની અંદર ના જાય એ રીતે નૂર ને પોતાનાં બંને હાથ વડે પકડી લીધી અને ફટાફટ દોડીને દરવાજા ની અંદર પ્રવેશીને બીજી તરફનાં દરવાજાથી બહાર નીકળી ગયો.

નતાશા પણ અત્યારે એની સાથે જ હતી એની નજર સતત હસન ની તરફ સ્થિર હતી.જે રીતે હસન નૂર ની ચિંતા કરી રહ્યો હતો અને નૂર નાં ગાંડપણ નાં લીધે પોતાને હસન ની દાંટ સાંભળવી પડી એ વાતનું નતાશા ને ખોટું લાગ્યું હતું.

હસને કાર નો વચ્ચેનો દરવાજો ખોલી નૂર ને ત્યાં લાવીને રાખી દીધી..ત્યારબાદ નૂર નાં ચહેરા પર પાણી છાંટી એને ભાનમાં લાવવાની કોશિશ કરી..થોડીવારમાં તો નૂર સંપૂર્ણ ભાનમાં આવી ગઈ..એનો ચહેરો અત્યારે એ કહી રહ્યો હતો કે એને પોતાની સાથે શું થયું એની બિલકુલ જાણ નહોતી..એનો ડર ઓછો કરવાનાં ઉદ્દેશથી હસને એને શાંત સુરે કહ્યું.

"નૂર અત્યારે બધું ઠીક છે..પણ તારે મને પૂછ્યા વગર આવી કોઈ સુમસાન જગ્યાએ એકલું ના જવું જોઈએ.."

નૂર ને અત્યારે પોતાની ભૂલ સમજાઈ રહી હતી..એને હસન ની વાતનાં જવાબમાં કહ્યું.

"હું આગળ જતાં ધ્યાન રાખીશ.."

થોડીવાર માં હસને ત્યાંથી કાર ને દોડાવી મૂકી સોનગઢ ની તરફ..હવે સવાર થઈ ગઈ હતી અને સૂરજ નાં કિરણો ધીરે ધીરે અંધકાર ને દૂર કરી અજવાસ પાથરી રહ્યાં હતાં..હવે એમની મંજીલ થોડીક મિનિટો જ દૂર હતી.

હસન કાર ને ડ્રાઈવ કરી રહ્યો હતો અને નૂર ની સાથે નતાશા કાર ની મધ્ય સીટ માં બેઠી હતી..કાર નાં પૈડાં ની જેમ હસન,નૂર, અને નતાશા નું મગજ પણ જુદાં જુદાં વિચારોમાં દોડી રહ્યું હતું.

નૂર હજુપણ એની સાથે એવું કેમ થયું એ વિશે વિચારી રહી હતી..એને જે આક્રંદ સંભળાયું હતું એ સાચેમાં હતું કે પછી એનાં મનનો કોઈ વહેમ હતો..?. સાથે-સાથે પેલાં રહસ્યમયી બકરવાલ નાં વિચારો પણ એનાં વિચારોમાં ઘુમી રહ્યાં હતાં..રહમત ગામ ની સાથે જોડાયેલું રહસ્ય પણ એને જાણવું હતું.. પણ અત્યારે એ ચૂપચાપ બેસી પોતાનાં મામા નાં ઘરે પહોંચવાની વાટ જોઈ રહી હતી.

નતાશા અત્યારે ગુસ્સા અને ઈર્ષા ની આગમાં સળગી રહી હતી..નૂર ની તરફ હસન નો વ્યવહાર જોઈ એનાં મનમાં આગ ભભૂકી હતી જે આગળ જતાં કયું સ્વરૂપ ધારણ કરવાની હતી એ કોઈને ખબર નહોતી.

નૂર અને નતાશા થી વિપરીત હસન ઓમર પોતાનાં વિચારો ને એક અલગ દિશામાં જ દોડાવી રહ્યો હતો..હસને એ મકબરા ની દીવાલો ની સાથે evil tree પર એક નંબર કોતરીને લખેલો જોયો હતો જેનો અર્થ એને ખબર નહોતી..એ નંબર હતો.

"7175"

આ નંબર વગર કારણે તો નહીં જ લખાયું હોય એવું હસન માની રહ્યો હતો..7175 નું લખવાનું કારણ કોઈ રહસ્ય ધરાવતું હતું જેને ઉકેલવું જરૂરી હતું એવું હસન નું માનવું હતું.

પોતપોતાનાં વિચારોમાં ખોવાયેલા નૂર,નતાશા અને હસન ઓમર આ સાથે જ સોનગઢ ની હદમાં પ્રવેશ કરી ચૂક્યાં હતાં.જ્યાં એકપછી એક રહસ્યો એમની રાહ જોઈને ઉભાં હતાં એ વાત થી બધાં અજાણ હતાં.જો પોતાની સાથે શું બનવાનું હતું એની ખબર હોત તો શાયદ એમનામાંથી કોઈ ત્યાં જવાની હિંમત ના કરી શક્યું હોત..!!

***

વધુ આવતાં અંકે.

રેશમા ને બીમારી હતી કે પછી એની પર કોઈ રુહાની શક્તિનો કબજો હતો..?? હસન કેમ સોનગઢ જવા માંગતો હતો..?? રહમત ગામ નું રહસ્ય શું હતું..?? નૂરે જોયેલાં એ બકરવાલ નું રહસ્ય શું હતું..?? 7175 નંબર નું રહસ્ય શું હતું..?? આ બધાં સવાલોના જવાબ આવતાં ભાગમાં.

આ નોવેલ નો વિષય ખૂબ અલગ છે..પણ સાથે સાથે એટલાં બધાં રહસ્યો અને અજાણી વાતો થી ભરેલો છે કે દરેક ભાગ તમને આવનારાં ભાગની પ્રતીક્ષા કરવા મજબૂર કરી મુકશે.. આ નોવેલ અંગેના રિવ્યુ 8733097096 whatsup કરી પર આપી શકો છો.

માતૃભારતી પર આ સિવાય વાંચો મારી અન્ય નોવેલ..

બેકફૂટ પંચ

ડેવિલ: એક શૈતાન

ચેક એન્ડ મેટ: ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:- the mystry

અધૂરી મુલાકાત

~જતીન. આર. પટેલ (શિવાય)