અંધકારથી ઉજાસ સુધી..... Ankit Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અંધકારથી ઉજાસ સુધી.....

એ અંધારી રાત કુંદન માટે ભારે હતી. ઉજાસના તમામ કિરણો અંધકારની બાહુપાશમાં ગરકાવ હતા તે જ રીતે કુંદનની મનોસ્થિતી પણ એ અંધકારમાં લપેટાયેલી હતી. એનું વર્તમાન અને ભવિષ્ય બંન્ને અંધકારમય ભાસતું હતું. ખુબ જ અસમંજસભર્યો સમય હતો કુંદન માટે. શું કરૂ ને શું ન કરૂ એવો સમય. જાણે અંત ખૂબ જ નજીક છે કે પછી આ જ અંત છે એવા વિચારો એને જકડી રહ્યા હતા.

છીછરો શ્વાસોચ્છવાસ, ચહેરોનો તાણ, કપાળની કરચલીઓ અને કચકચાવીને બાંધેલી મુઠ્ઠી એના મનનાં ભયંકર દબાણનો સંકેત આપતી હતી. એનું મન જેમ દરિયાઈ તોફાનમાં દરિયાનાં મોજા ઘુઘવાટ કરે એમ વર્તી રહ્યું હતું. 

અચાનક આવેલી આ આપત્તિએ કુંદનના જીવનના તમામ સંતુલનોને ખોરવી કાઢેલા. ધંધામાં થયેલા આ ભયંકર નુકશાનની આ બધી અસર હતી. ખુબ જ મહેનતથી ઉભી કરેલી એ સફળતાની ઈમારત જ્યારે અચાનક હાલકડોલક થવા લાગી ત્યારે કુંદન મનોમન એવો તે ડરી ગયો કે એને એવું લાગવા લાગ્યું કે જાણે હવે એક ડગલું પણ આગળ કંઈ રીતે વધી શકશે? જાણે હવે સમગ્ર ઈમારત હમણાં જ જમીનદોસ્ત થઈ જશે અને જેટલું પણ જમાવેલું છે તે બધુ જ હાથમાંથી સરકી જશે.

ઘરની અગાશીમાં બેઠા બેઠા એ આ ભયાવહ કલ્પનાઓની જીવંતતાને વાગોળી રહ્યો હતો. નુકશાનીમાંથી બહાર નીકળવું શક્ય હતું પણ સહેલું તો બિલકુલ નહતું અને કુંદનનું ધ્યાન એમાંથી નીકળવા કરતા વધારે એના વિકરાળ સ્વરૂપ પર હતું અને એ સ્વરૂપે એને બધી બાજુથી કેદ કરી લીધો હતો. આજે એ અડગ મનોબળનો સ્વામી ડરના ઓછાયા હેઠળ કેદ હતો. હાથ અને પગ થર-થર કાંપતા હતા. 

આખી રાત એ અગાશી પર જ બેઠો હતો એ કેદમાં જ. સવાર પડવાની તૈયારી થઈ રહી હતી. ધીરેધીરે સુરજનાં કિરણો આ અંઘકારનાં સામ્રાજ્યમાં ઘુસણખોરી કરી રહ્યા હતા પરંતુ કુંદન તો હજુ પણ એ અંધકારથી ઘેરાયેલો જ હતો. 

પરંતુ અચાનક એનું ધ્યાન સામેના ઘરે પડ્યું. સારી રીતે ઓળખતો હતો કુંદન સામે રહેતા બાબુકાકાને. પરંતુ આજે એ કંઈક અલગ દ્રષ્ટિકોણથી નિહાળી રહ્યો હતો. 

છ મહિના પહેલા બનેલા અકસ્માતમાં બાબુકાકા પોતાના બંન્ને પગ ગુમાવી ચુક્યા હતા. ઓશિયાળા બની ચુકેલા બાબુકાકા ઘરના આંગણામાં પોતાના પૌત્ર સાથે બેડમિન્ટન માણી રહ્યા હતા. કુંદનની નજર એ પળમાં ચોંટી ગયેલી. થોડીવાર બાદ છોડવાઓને પાણી પીવડાવીને બાબુકાકા પૌત્ર સાથે સોસાયટીના મેઈન રોડ પર ટહેલવા નીકળ્યા. કુંદનના ઘર આગળ પસાર થતા થતા બાબુકાકા એ કુંદનને સ્મિતસભર ગુડમોર્નિંગ કહ્યું પણ કુંદન અનિમેષ નજરે બાબુકાકાના ચહેરાની ચમકને માણી રહેલો.

" કેમ બેટા, કંઈ ટેન્શન છે કે શું, ક્યાં ખોવાઈ ગયો છે?" બાબુકાકા એ સહજતાથી પુછ્યું. કુંદનના ચહેરા પર રાહતની રેખાઓ પ્રસરી અને શાંતિથી પ્રત્યુત્તર આપ્યો કે , " ના અંકલ , કંઈ ખાસ નહી, આવા નાના ટેન્શન તો ચાલ્યા કરે ". અને બાબુકાકા કુંદન સાથે સ્મિત વહેંચતા આગળ નીકળી ગયા.

કુંદન મનોમન બબડ્યો કે અંકલ ટેન્શન અને તકલીફો તો બહુ મોટી છે પણ તમને જોઈને હવે મને એ નાની લાગવા લાગી છે. તમે જે ગુમાવ્યું છે એ તો જીંદગી તમને પરત કરી શકે તેમ નથી અને કદાચ તમારા હાથમાં પણ નથી છતાં પણ તમે કોઈપણ પ્રકારની ઉદાસી કે ફરિયાદ વગર જીવનમાં આગળ વધી રહ્યા છો પરંતુ મે જે ગુમાવ્યું છે એ તો મહેનત દ્વારા પાછુ મેળવી શકાય એવું છે અને એ પાછુ મેળવવા જેટલો હું સક્ષમ પણ છું.

અને સુરજના ઉજાસની ચમકને પોતાના ચહેરામાં સમાવી કુંદન તકલીફની સામે બાથ ભીડવા તૈયાર થઈ આગળ વધવા લાગ્યો.