હરિફાઈ Ankit Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હરિફાઈ

                  બે મિત્ર. એકદમ ગાઢ. પાક્કા મિત્ર. રમવાનુ સાથે, ભણવાનુ સાથે, જમવાનુ સાથે. સ્વભાવ બંન્નેનો જીદ્દી. જે પકડે એ મુકે નહી. જે નક્કી કર્યુ એ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી એની પાછળ પડ્યા રહે. બધા એમના માટે એક જ એવુ જ કહે કે બંન્નેના શરીર ભલે અલગ પણ તેઓ અંદરથી તો એક જ છે એટલી પાક્કી મિત્રતા. એકનું નામ અહંકાર અને બીજાનું આત્મવિશ્વાસ. એક જ રાશિવાળા. ભણવામાં પણ પાક્કા હરીફ અને રમવામાં પણ. આ બંન્ને દરેક જગ્યાએ હરિફાઈ તો કરે જ.

એક વખત આ બંન્ને ફરવા નીકળ્યા. એકદમ શાંત જગ્યા. લોકોની પાંખી હાજરી, ઢળતો સુરજ અને શાંત દરિયાકિનારો. ટહેલતા હતા બંન્ને જણા શાંતિથી. ત્યા સામે નાળિયેરીનું ઝાડ દેખાયું. આ જોઈને બંન્નેના મનમાં હરિફાઈ કરવાનો કીડો સળવળ્યો. શરત લગાવી કે જે પહેલા એ ઝાડ પર ચડીને નાળિયેર તોડે એ જીત્યો કહેવાશે.

જાતે જ ગેટ, સેટ અને ગો કહીને દોડ્યા. પવનવેગે જાય બંન્ને દોડતા. આત્મવિશ્વાસના મોઢા પર સ્મિત અને ચમક. ઘણુ દુર હતુ ઝાડ હજુ પણ એના હાવભાવમાં સ્થિરતા અને પગ જ્યાં પડે ત્યાં અડગતા રણકતી હતી. પોતાના લક્ષ્ય તરફ મીટ માંડીને આગળ વધતો જતો હતો. આંખો અને લક્ષ્ય વચ્ચે બીજુ કોઈ નહતું. શ્વાસ ફુલતો જતો હતો અને લક્ષ્ય નજીક આવતુ જતુ હતુ અને ચહેરાની ચમક પણ વધતી જતી હતી.

આ બાજુ અહંકાર પણ આગળ વધતો જતો હતો. દાંત ભીંસેલા, ચહેરા પર તાણની કરચલીઓ અને હાથની મુઠ્ઠીઓ ભયંકર રીતે ભીંસેલી હતી. એની નજર  આત્મ-વિશ્વાસ પર વધારે અને પોતાના લક્ષ્ય પર ઓછી હતી. સતત કરડી આંખે તે આત્મવિશ્વાસને જોતો રહેતો. શ્વાસ ફુલતો ગયો, થાક વધતો ગયો પણ ભીંસેલી મુઠ્ઠીને ઓર ભીંસી, ચહેરાની કરચલી ઓર વધી.

 બંન્ને લગભગ સાથે જ હતા. ન કોઈ આગળ કે ન કોઈ પાછળ. લક્ષ્ય નજીક આવતુ ગયું પણ બંન્ને તો એકસાથે જ હતા. ઝાડ જોડે તો બંન્ને એકસાથે પહોચ્યા. થડને બંન્ને જણાએ સાથે જ બાથ ભીડી. એક પડાવ તો બંન્ને જણાએ સાથે પાર કર્યો. આત્મવિશ્વાસના ચહેરા પર ચમક અને અહંકારના મો પરનું કડકાઈભર્યું હાસ્ય અંકિત હતું. શરૂ થયો બીજો પડાવ અને ઝાડ પરનું ચઢાણ. 

એકબીજાની આમને-સામને. આત્મવિશ્વાસ જેવો થડ ફર ચઢવા ગયો કે અહંકારે તેના પગના પંજાને પોતાના પગના પંજાથી દબાવ્યો. આત્મવિશ્વાસનું સંતુલન બગડતા તે ગબડી પડ્યો અને અહંકાર તરત જ ઝાડ પર ચઢવા લાગ્યો. 

"અહંકાર , દર વખતે તુ આમ જ કરે છે, બીજાને પાડીને તુ હંમેશા આગળ વધે છે, આ ખોટુ કહેવાય દોસ્ત", આત્મવિશ્વાસે બેઠા થતા અહંકારને સંભળાવ્યું. "દોસ્ત, જીતવા માટે આ બધા દાવપેચ રમવા પડે. તને ખબર છે ને મને હારવું પસંદ નથી. કોઈ જીતતો હોય તે હુ કંઈ રીતે સહન કરી શકુ. આપણને એ પસંદ જ નથી , દોસ્ત " અટ્ટહાસ્ય કરતા અહંકારે જવાબ આપ્યો.

આત્મવિશ્વાસ શરત હારવાની તૈયારીમાં હતો પરંતુ તેણે પ્રયત્ન ન છોડ્યો. તે પણ અહંકારની પાછળ પાછળ ઝાડ પર ચઢવા લાગ્યો. અહંકારને એમ હતુ કે તે પડ્યો એટલે હવે એ ઉભો નહી થાય અને હુ આસાનીથી આ શરત જીતી જઈશ પણ એણે જોયુ કે આત્મવિશ્વાસ પણ એની પાછળ ઝાડ પર ચઢી રહ્યો છે. આત્મવિશ્વાસની નજર પોતાના લક્ષ્ય પર હતી અને અહંકાર એક ક્ષણે આત્મવિશ્વાસને જોતો અને બીજી ક્ષણે નાળિયેરને. શરત જલદી પુરી કરવા તેણે ઝડપ વધારી, ઉતાવળ કરવા લાગ્યો. નાળિયેર હાથવેંતમાં હતા અને થેકડો મારીને નાળિયેરને પકડવા જતા તેનો પગ લપસ્યો અને સીધો નીચે ભોયભેંગો થઈ ગયો. આત્મવિશ્વાસ તો એની ગતિમાં આગળ વધતો જ જતો હતો. નાળિયેર લઈને ચમકતા સ્મિત સાથે નીચે આવ્યો.

પોતાના મિત્રને હાથ આપી ઉભો કર્યો અને ખભે હાથ રાખી સંવેદનાથી પુછ્યૂં, "દોસ્ત, વાગ્યું તો નથી ને?" અહંકાર તેનો હાથ હટાવતા બોલ્યો," એ તો મારો પગ લપસી ગયો નહીતર આ નાળિયેર મારા હાથમાં હોત" 

"તને ખબર છે તુ કેમ હાર્યો" , આત્મવિશ્વાસે અહંકારને સહજતાથી પૂછ્યું. અહંકારે કહ્યું, " એ તો થડ ચીકણુ હતુ એટલે" આત્મવિશ્વાસે ના ભણતા સમજાવ્યો કે," દોસ્ત, તારૂ ધ્યાન લક્ષ્ય પર હતુ જ નહી, તારૂ ધ્યાન હંમેશા મારી તરફ હતું. દરેક વખતની જેમ તે જે મેળવવા નું છે તેના પર ધ્યાન રાખ્યા કરતા મારી પહેલા કોઈ ન થઈ જાય તેના પર તે ધ્યાન કેન્દ્રીત કરેલું અને એટલા માટે જ તારો પગ લપસ્યો અને તુ હાર્યો અને તું હાર્યો એટલે જ હુ જીત્યો કેમ કે મે મારો પ્રયત્ન ચાલુ રાખેલો."

"બસ, હવે શિખામણો બહુ ન આપ, અંધારૂ થઈ ગયુ છે. જલ્દી ચાલ રૂમ પર પહોચવાનું છે." , અહંકાર બબડ્યો. 

આગળ દોડતા-દોડતા અહંકાર બુમો પાડવા લાગ્યો, "ચાલ ફરી શરત લગાવીએ, રૂમ પર પહેલા કોણ પહોચે?" 

" આ નહી સુધરે..." આત્મવિશ્વાસ પણ હરણફાળ ભરતા બબડ્યો.

~ ડૉ. અંકિત પટેલ.