પ્રેમની શરૂઆત - 4 Siddharth Chhaya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમની શરૂઆત - 4

“ઓહ ગોડ! આજે પણ નિલય લેટ છે. આ છોકરાને અક્કલ છે કે નહીં? રોજ કહેવાનું કે આઠ વાગ્યે આવી જવાનું એટલે આવી જવાનું? પણ ના મહારાજા નવ-સવાનવ પહેલા તો દેખા દે જ નહીં ને?”

કૃતિ રોજની જેમ પોતાનો ગુસ્સો ઠાલવી રહી હતી. સવારે આઠને દસ થયા નથી કે કૃતિનો નિલય પર ગુસ્સો ઉતર્યો નથી, આ દરરોજનો નિયમ બની ગયો હતો.

અમદાવાદ શહેરની એક પ્રખ્યાત ખાનગી નિયોનેટલ હોસ્પિટલ માતૃત્વ હોસ્પિટલના ICUમાં કૃતિ અને નિલય જેવા લગભગ આઠેક તાજા તાજા બનેલા બાળકોના ડોક્ટરો ટ્રેઈનીંગ લેતા હતા. હોસ્પિટલના ICU વિભાગમાં ચાર-ચાર આ પ્રકારના નવા ડોક્ટરોની ટીમ બનાવવામાં આવી હતી જે બાર-બાર કલાકની ડ્યુટી કરતા. કૃતિની સાથેના અન્ય ત્રણ ડોક્ટર્સ નાઈટ ડ્યુટી એટલેકે રાત્રે આઠ થી સવારે આઠ સુધી અને નિલય અને તેની સાથેના બીજા ત્રણ ડોક્ટર્સ સવારની ડ્યુટી એટલેકે સવારે આઠ થી રાત્રે આઠ કરતા હતા.

આ ટીમમાં વળી ડોક્ટરોની જોડીની પણ ટીમ બનાવાઈ હતી, એટલે ભલે બીજા ડોક્ટર્સ આવી ગયા હોય પરંતુ કૃતિ ન આવે ત્યાં સુધી નિલય રિલીવ ન થઇ શકે અને નિલય ન આવે ત્યાં સુધી કૃતિ. કૃતિ કાયમ સમયસર રાત્રે પોણાઆઠ વાગ્યે આવી જતી પરંતુ નિલયે અત્યારસુધીમાં ક્યારેય સવારે આઠ તો શું નવ-સવાનવ સુધીમાં પણ દેખા નહોતી દીધી, પણ હા કૃતિ એને પોણા આઠે આવીને રિલીવ કરે તો એ એક મિનીટ પણ ત્યાં ઉભો ન રહેતો.

કૃતિ લગભગ આખી રાત જાગી હોય એટલે એને સ્વાભાવિકપણે ઉંઘ પણ આવતી હોય અને ઘરે જઈને થોડો આરામ કરીને મમ્મી-પપ્પા માટે બપોરની અને વળી સાંજે હોસ્પિટલ આવતા પહેલા રસોઈ પણ બનાવવાની હોય. આવામાં નિલયની બેદરકારી એનો ખાસ્સો એવો કિંમતી સમય બગાડતી હતી.

“આવો જહાંપના, આજે તો સાડાઆઠમાં પધાર્યા? આ કનીઝ પર આજે આટલી મોટી મહેરબાની?” નિલયના આવવાની સાથેજ કૃતિએ એને પોંખ્યો.

“યાર, આજે જરા વહેલું ઉઠી જવાયું, યુ નો? કાલે ફ્રેન્ડ્સ સાથે મૂવી જોવાનો પ્લાન બનાવ્યો હતો પણ આર્યન્યો માંદો પડી ગયો, એને ઝાડા-ઉલ્ટી થઇ ગયા, એટલે મૂવી કેન્સલ કર્યું અને હું બાર વાગ્યે ઉંઘી ગયો એટલે સાડાસાતમાં ઉઠી ગયો.” નિલયે એની ટ્રેડમાર્ક બેફીકરાઇથી જવાબ આપ્યો.

“વાહ, શું રાજાશાહી છે આપની નહીં? બાર વાગ્યે સૂતા તો અમારા પર કૃપા થઇ શહેનશાહ-એ-હિન્દ નિલય શાહ બાદશાહ!”

“Cool babes, cool!” નિલયે જમણી દાઢમાં ચ્યુઇંગમ ચાવતા કૃતિને આંખ મારી.

==::==

“તને ખબર છે નિલય પર શાહ સાહેબને કેટલું માન છે? એ રોજ કહે છે કે નિલય જેવો ડેડીકેટેડ ટ્રેઈની ડોક્ટર મેં આજ સુધી જોયો નથી.” કૃતિની ખાસ બેનપણી અને સાથી ડોક્ટર ભાવનાએ હોસ્પિટલના પાર્કિંગમાં પોતાની સ્કૂટી સ્ટાર્ટ કરતા કહ્યું.

“ડ્યુટી પર ક્યારે આવવું એનું તો ભાન નથી અને ડેડીકેટેડ?? માય ફૂટ!!” કૃતિએ ભાવના સામે ગુસ્સાથી જોયું, પોતાનું હોન્ડા સ્ટાર્ટ કર્યું અને મારી મૂક્યું.

==::==

“કાલે સાડાઆઠે આવીને બાદશાહ સલામતે જાણેકે મારા પર ઉપકાર કર્યો હતો એમ આજે નવમાં દસ થઇ તો પણ પધાર્યા નથી. મેં એને કીધું હતું કે મારી કઝીનના મેરેજ છે એટલે મારે ટાઈમસર ગોતા પહોંચવું છે તો બને તો એક દિવસ સાડાસાતે આવ પણ ના એ ડેડીકેટેડ ડોક્ટરને તો કશી પડી જ નથી?”

“આવી જશે, તું ચિંતા ન કર કૃતિ.” ભાવના જે કાયમ ખાસ કૃતિ માટે રોકાતી અને એની સાથેજ ઘરે જવા હોસ્પિટલમાંથી નીકળતી તેણે ફરીથી કૃતિને શાંત કરવાની કોશિશ કરી.

“પણ ક્યારે આવશે ભાવના? મારા મામાની દિકરી જેને મારા વગર એક મિનિટેય ન ચાલે એણે આજે મારા વગર જ માંડવા મુરતમાં બેસવુ પડશે. આતો સારું છે કે કાલે લગ્ન માટે મેં રજા લીધી છે નહીં તો મારી કઝીન ત્યાં પરણી જાત અને આ ભાઈસાહેબ અહીં ડોકાત જ નહીં. પેલીને ટાઈમસર આવી જવાનું વચન તોડીને મને કેટલું દુઃખ થાય છે એની એને ખબર છે ખરી? અને એ પણ આજના સારા દિવસે મૂડલેસ થઇ ગઈ હશે.” કૃતિની આંખો ભીંજાઈ ગઈ.

“રિલેક્સ, હમણાં આવતો જ હશે, જો મારા વોટ્સએપનો રિપ્લાય આપ્યો, On the way જ છે.” ભાવનાએ પોતાનો મોબાઈલ કૃતિ સામે ધર્યો, પણ કૃતિએ એની સામે નજર પણ માંડી નહીં.

પણ આજે તો ખરેખર હદ થઇ ગઈ હતી. દરરોજ આઠની બદલે વધુમાં વધુ સવાનવે એન્ટ્રી કરી દેતા નિલયે આજે દસ વગાડ્યા. કૃતિ દરેક અડધી મિનિટે પોતાના મોબાઈલની ઘડિયાળ જોતી અને તરતજ ICUના એન્ટ્રન્સ તરફ જોતી કે ક્યાંક નિલય આવે અને એ આ ટેન્શનમાંથી છૂટે.

“એક કામ કર કૃતિ, પંડ્યા સરને કોલ કર જો એ હા પાડે તો આપણે જઈએ.” ભાવનાએ આઈડિયા આપ્યો.

કૃતિએ તરતજ ઇન્ટરકોમ પર હોસ્પિટલના જનરલ મેનેજર પંડ્યાને કોલ કર્યો. પણ સવારની શિફ્ટમાં બીજો એક ડોક્ટર આજે રજા પર હોવાથી અને આવતીકાલે કૃતિએ રજા લીધી હોવાથી પંડ્યાએ તેને નિલય ન આવે ત્યાં સુધી ન જવાની તાકીદ કરી.

કૃતિ એની ખુરશીમાં ફસડાઈ પડી. એને એની ખાસ કઝીનના મંડપ મુહુર્તમાં નવ વાગ્યે પહોંચવાનું હતું અને અત્યારે એના મોબાઈલની ઘડિયાળ દસને પાંચ દેખાતી હતી. કૃતિ આંખો બંધ કરીને બેસી ગઈ. એની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. ત્યાં અચાનક જ કૃતિએ ICUનું સ્લાઈડીંગ ડોર ખુલવાનો અવાજ સાંભળ્યો અને એની આંખ ખૂલી ગઈ અને સામે નિલય હતો.

કૃતિએ તરતજ ટેબલ પરથી પોતાનું પર્સ લીધું અને નિલય તરફ ગુસ્સાભરી નજરે જોઇને કશું પણ બોલ્યા વગર એન્ટ્રન્સ તરફ કદમ માંડ્યા. ભાવના પણ કૃતિની પાછળ દોરાઈ.

“I am sorry, I am sorry Kruti. I know I am late, in fact very late, પણ મારાથી આવી જ ન શકાયું. Belive me, હું ખરેખર તકલીફમાં હતો.” નિલય કૃતિની સામે આવીને ઉભો રહી ગયો.

કૃતિએ પોતાનો રસ્તો બદલ્યો અને ICUની બહાર નીકળી ગઈ. ક્યાંક નિલય તેની પાછળ પાછળ ન આવે એમ વિચારીને આજે તે લિફ્ટ માટે પણ રાહ જોવા માંગતી ન હતી એટલે તરતજ સામેની સીડીઓ ઉતરી ગઈ.

==::==

“આ શું કરે છે?” પાર્કિંગમાં પહોંચતા જ ભાવનાએ સવાલ કર્યો.

“એના બાઈકની હવા કાઢું છું. ખબર તો પડે કે જ્યારે બાર કલાકની નોકરી કરીને ઘરે જવાની ઉતાવળ હોય અને કોઇપણ વાંક વિના ઘરે જવાનું ન મળે તો કેવું લાગે.” નિલયના બાઈકની હવા પોતાની સેફ્ટી પીનથી કાઢતા કૃતિ બોલી.

“અરે, પણ આપણી હોસ્પિટલ મેઈન રોડથી દૂર છે અને એને હવા ભરાવવા માટે સાંજે દોઢેક કિલોમીટર પેટ્રોલ પંપ સુધી બાઈક ખેંચીને જવું પડશે.” ભાવના બોલી.

“તો ભલેને જાય? હું ક્યાં કાલે આવવાની છું કે મારે એ બધું જોવું પડે?” કૃતિએ મોઢા પર દુપટ્ટો બાંધ્યો અને સેલ્ફસ્ટાર્ટથી પોતાનું હોન્ડા ચાલુ કરી દીધું.

ભાવના પાસે કૃતિની પાછળ પોતાની સ્કૂટી દોડાવવા સિવાય બીજો કોઈજ ઓપ્શન ન હતો.

==::==

“Oh! My God! પછી?”

“પછી એ તરતજ દોડીને સીડીઓ ઉતરી ગયો અને પાર્કિંગમાં ગયો. બાઈક તો સ્ટાર્ટ કર્યું પણ પછી ખ્યાલ આવ્યો કે પાછલા ટાયરમાં તો બિલકુલ હવા નથી. એટલે એણે તરતજ પોતાના મોબાઈલમાંથી કેબ બોલાવવાની ટ્રાય કરી. પણ તું તો જાણે જ છે કે આપણી હોસ્પિટલ મેઈન રોડથી ત્રણેક કિલોમીટર અંદર છે એટલે બે કેબ ડ્રાઈવરોએ ટ્રીપ કેન્સલ કરી દીધી અને પછી કોઈજ કેબ અવેલેબલ ન મળી. પછી બિચારો દોઢ કિલોમીટર સુધી બાઈક ખેંચીને પેટ્રોલ પંપ ગયો અને ત્યાં હવા ભરાવીને પછી ઘરે ગયો.” ભાવનાએ બાકીના ડોક્ટર્સ સામે પોતે કશું જાણતી જ ન હોય એમ કૃતિને પરમદિવસનો આખો વૃતાંત કહ્યો.

“તો એના પપ્પા?”

“એમને સારું છે. નિલયે અહીંથી બાઈક ખેંચીને જતા પહેલાજ 108માં કોલ કરીને એમ્બ્યુલન્સ ઘરે મોકલી આપી નહીં તો શું નું શું થઇ જાત.” ભાવનાએ સહેજ ગુસ્સાથી કૃતિ સામે જોયું.

“પણ એને સ્ટાફમાંથી કોઈ ઘરે મૂકી ગયું હોત.” કૃતિ ભાવનાની આંખમાં જોયા વગર બોલી, એને એના કૃત્ય પર પસ્તાવો થઇ રહ્યો હતો.

“તું તો પંડ્યા સરને જાણે જ છે ને? પરમદિવસે એમણે તને પણ જરૂરી કામ હતું અને મોડું થતું હતું તો પણ ના પાડી હતીને?” ભાવનાએ જવાબ આપ્યો.

“પણ આ તો ઈમરજન્સી કહેવાય.” કૃતિએ પૂછ્યું.

“કોઈક ઈમરજન્સીનું ઈમ્પોર્ટન્સ એ આવે ત્યારે પણ ન સમજી શકે તો કોઈક ઈમરજન્સી આવી શકે છે એવું વિચાર્યા વગર કશુંક કરી બેસે. આવું તો થયે રાખે કૃતિ.” ભાવનાએ ટોણો માર્યો.

ખાસ બેનપણી ભાવનાનો ટોન્ટ સમજી ચૂકેલી કૃતિનો ચહેરો હમણાં રડું કે રડશે જેવો થઇ ગયો.

==::==

“કેવું છે હવે પપ્પાને?” હોસ્પિટલની કેન્ટીનમાં છોકરાએ ચ્હાના બે કપ સર્વ કરતાની સાથેજ કૃતિએ નિલયને પૂછ્યું.

“સારું છે, out of danger. પણ પેરાલીસીસ છે એટલે હવે લાઈફલોંગ એમનું ધ્યાન રાખવું પડશે.” નિલય કપ સામે જોતાંજોતાં બોલ્યો.

“મમ્મી...” કૃતિ હજી બોલીજ રહી હતી.

“એ તો હું ચાર વર્ષનો હતો ત્યારેજ... ત્યારથી પપ્પાએ મારું ધ્યાન રાખ્યું છે. પોતાનો આટલો વિશાળ બિઝનેસ પ્લસ હું એમ બેય જવાબદારી એમણે નિભાવી. પણ કદાચ હું એમને સમજી શક્યો નહીં. સાવ બેદરકાર બની ગયો. Money was not a question, ક્યારેય, એટલે જે માંગતો એ બધું મળતું. હા, ભણવું ગમતું અને ડોક્ટર બનવું છે એ ટાર્ગેટ હતો એટલે ડોક્ટર તો બની ગયો પણ મારો નેચર હું બદલી ન શક્યો. ડોક્ટર બન્યા પછી પણ એ જ પાર્ટીઓ, એજ ફ્રેન્ડસ, એજ રખડપટ્ટી બધુંજ ચાલુ રાખ્યું. પપ્પા શું કરે છે એનું કોઈ ભાન જ નહીં. એમની પણ ઉંમર થઇ ગઈ છે એટલે મારે વધુ નહીં તો એટલીસ્ટ થોડો સમય એમની સાથે...” બેફીકર નિલયની આંખોમાં કૃતિ પહેલીવાર આંસુ જોઈ રહી હતી.

“It’s Ok નિલય. આપણે બધા ક્યાંકને ક્યાંક ભૂલ ખાતા હોઈએ છીએ. તે કોઈ મોટો ગુનો નથી કર્યો.” કૃતિએ નિલયને સાંત્વના આપવાની કોશિશ કરી.

“ગુનો તો મેં તારો પણ કર્યો છે. જાણીજોઈને તને હેરાન કરવાની મને મજા આવતી અને એટલેજ હું કલાક મોડો આવતો જેથી તારા ગુસ્સા પર હું તારા ગયા પછી હસી શકું. તે દિવસે તારી ખાસ કઝીનના લગ્નની કોઈ વિધિ હતી અને તે મને કેટલીવાર કહ્યું હતું કે નિલય કાલે મોડું ન કરતો, પણ મેં એ દિવસે ખાસ મોડું કર્યું અને એ પણ લગભગ બે કલાક. ભગવાને મને એજ દિવસે એનો બદલો આપ્યો. પપ્પા તો બચી ગયા પણ એટલીસ્ટ એણે મને સમજાવી દીધું કે કોઈનું દિલ દુભાવીએ તો આપણને પણ તકલીફ પડવાનીજ. I am sorry! દિલથી કહું છું કૃતિ, આજથી હું એકદમ ટાઈમસર આવીશ.” નિલયની આંખો લાલ થઇ રહી હતી કારણકે એ દિલ ખોલીને રડી નહોતો શકતો.

“પ્લીઝ નિલય, તું આટલું બધું દિલ પર ન લે. મને કોઈજ ગુસ્સો નથી.” કૃતિએ ટેબલ પર નિલયે મુકેલા હાથ પર પોતાની આંગળીઓ મૂકી દીધી.

નિલયના ચહેરા પર સ્મિત આવ્યું અને કૃતિએ એના તમામ ગુનાઓ માફ કરી દીધા છે એમ સમજીને એ હળવું ફિલ કરવા લાગ્યો. તો કૃતિને તે દિવસે નિલયના બાઈકની હવા કાઢવા બદલ ભરપૂર પસ્તાવો થઇ રહ્યો હતો. નિલયને તેના એક અપકૃત્યને લીધે કેટલી તકલીફ પડી એનો કૃતિને ખ્યાલ આવી ગયો હતો.પણ તે ખુલીને નિલયને કહી પણ શકતી ન હતી.

==::==

“પ્લીઝ સર, મને ગોલુને એટેન્ડ કરવા દો. હું હેન્ડલ કરી લઈશ.” કૃતિ રડતારડતા ડૉ. શાહને વિનંતી કરી રહી હતી.

“નો કૃતિ, નિલય is the best choice. એપીલેપ્સીમાં એના જેવી માસ્ટરી કોઈની નથી. He will do well with your nephew, just dont worry. અને તમે તમારા ગોલુ સાથે ઈમોશનલી અટેચ્ડ છો એટલે પણ I can’t allow you. મેં ગોલુને જોઈ લીધો છે, ચિંતા કરવાની કોઈજ જરૂર નથી. નિલય હવે બાકીની ટ્રીટમેન્ટ જોઈ લેશે, and that’s an order.” ડૉ. અરુણ શાહ જે અમદાવાદ શહેરમાં બાળરોગોના સહુથી સિનીયર નિષ્ણાત હતા અને જેમની આ મલ્ટી સ્પેશિયાલીટી નિયોનેટલ હોસ્પિટલ હતી તેમણે કૃપાને કડક શબ્દોમાં પરંતુ નિર્મળ સૂરમાં રીતસર હુકમ જ આપ્યો.

==::==

“થેન્ક્સ, ગોલુ માટે.” ગોલુને વાઈનો હુમલો આવ્યાના લગભગ વીસેક દિવસ બાદ કૃપા અને નિલય ડિનર લેવા એક રવિવારે સાંજે રેસ્ટોરન્ટમાં બેઠા હતા ત્યારે કૃપાએ નિલયનો આભાર માન્યો.

“પણ તને તો વિશ્વાસ ન હતો ને?” નિલય હસી રહ્યો હતો.

“શું કરું? ગોલુ મારી જાન છે. એનો જન્મ જ મારા હાથમાં થયો હતો, એની ખાસ ફઇ છું. એને એક ઘસરકો પણ પડેને તો પણ...એટલે મારે જ એની ટ્રીટમેન્ટ કરવી હતી કારણકે મને કોઈના પર પણ ભરોસો ન હતો. સાચું કહું તો શાહ સર પર પણ નહીં.” કૃપાએ સ્પષ્ટતા કરી.

“તું બહુ ઈમોશનલ છે. મારા પપ્પાના ન્યૂઝ તને મળ્યા ત્યારે પણ તું રડવા જેવી થઇ ગઈ હતી એવું ભાવના મને કહેતી હતી.” નિલયે બાઉન્સર ફેંક્યો.

“એ...એ..એ.. ભાવનાએ એવું કહ્યું? બીજું શું કહ્યું એણે?” કૃપા હવે ગભરાઈ એને લાગ્યું કે ક્યાંક ભાવનાએ તે દિવસે નિલયના બાઈકની હવા એણે જ કાઢી હતી એ સત્ય તો નિલયને નહીં કહી દીધું હોયને?

“એ શું કહેવાની? તે દિવસે કેન્ટીનમાં આપણે મળ્યા ત્યારે પણ તારા ચહેરા પર પપ્પા માટે ચિંતા હતી. પછી રોજ તું પપ્પાના ખબર પૂછે છે, એમને મળવા માંગે છે, એટલે હું સમજી ગયો કે તું ખૂબ ઈમોશનલ છે.” નિલયે સ્મિત કર્યું.

“ઓહ... પણ તે પણ મારા ગોલુને બચાવી લીધો પછી એના ડિસ્ચાર્જ થવા બાદ તું પણ દરરોજ ગોલુ સાથે મારા મોબાઈલ પર વાત કરતો હોય છે. તું પણ ઈમોશનલ તો છે જ ને?”

“એ તો ગોલુડા સાથે વાત કરવાની મજા પડે છે એટલે, બહુ ક્યુટ છે.” નિલય હસવા લાગ્યો.

“બસ એટલેજ?” કૃપાએ સવાલ કર્યો.

“હા બીજું શું હોય?” નિલય કૃપાના ચહેરા પરથી નજર હટાવીને આમતેમ જોવા લાગ્યો.

“બીજું કશુંજ ન હોય?” કૃપા નિલય પાસેથી કોઈ વાત કઢાવવા માંગતી હતી.

“શ..શ.. શું હોય, તું જ કે’ને?” નિલય હજી પણ કૃપા સામે નહોતો જોઈ રહ્યો.

“કદાચ ગોલુની જગ્યાએ તને હું ગમવા લાગી હોઉં, જેમ મને તું ગમવા લાગ્યો છે...એટલે ગોલુ સાથે વાત કરવાના બહાને તું મને મસ્કા મારતો હોય?” કૃપા હસવા લાગી.

“એટલે તું પણ પપ્પાની ખબર એટલેજ રોજરોજ પૂછે છે... મસ્કા મારવા, અને એમને એકવાર મળવાની જીદ એટલે કરી રહી છે કારણકે તું પપ્પાને ઈમ્પ્રેસ કરવા માંગે છે, મતલબ તને પણ હું એટલો જ ગમું છું જેટલી તું મને ગમે છે?”

“કદાચ એવું જ. પણ હું તને કેમ ગમું છું?” કૃપાનું હાસ્ય હવે તોફાની બની રહ્યું હતું.

“કારણકે મારા જેવા emotional fool ને તારા જેવી emotionally wise જ સમજી શકે એટલે.” હવે નિલયે સીધુંજ કૃપાની આંખોમાં જોયું.

“Do you love me?” કૃપા હવે સીધા મુદ્દા પર જ આવી ગઈ.

“Yes, I love you.” નિલયે કૃપાએ ટેબલ પર મુકેલા હાથમાં પોતાની આંગળીઓ ભેરવી દીધી.

=== સમાપ્ત===