Kaapli - 6 books and stories free download online pdf in Gujarati

પ્રેમની શરૂઆત ૬ - કાપલી

પ્રેમકથાઓ તો આપણે ઘણી વાંચી, લખી અને સાંભળી છે અને કેટલીક પ્રેમકથાઓ અમર પણ થઇ ગઈ છે, પરંતુ ક્યારેય આપણે પ્રેમની શરૂઆત કેવી રીતે થતી હોય છે એના વિષે ઊંડાણપૂર્વક વિચાર કર્યો છે ખરો? જો પ્રેમ આટલો સુંદર હોય તો તેની શરૂઆત એટલેકે એનો સ્વીકાર પણ કેટલો સુંદર હશે? બસ પ્રેમનો સ્વીકાર અથવાતો ઈઝહાર એટલેજ આપણી આ પ્રેમની શરૂઆત લઘુકથા શ્રેણી.

પ્રેમની શરૂઆત શ્રેણીમાં એવી લઘુકથાઓ હશે જે “હું તને પ્રેમ કરું છું” કે “આઈ લવ યુ” પર શરુ નહીં પરંતુ પૂર્ણ થશે. આશા છે મારો આ નવતર પ્રયાસ તમને ગમશે. તમારા વિચારો અને મંતવ્યો કમેન્ટ્સ સેક્શનમાં જરૂર આપશો... અને હા તમારી ધ્યાનમાં પણ કોઈ રસપ્રદ કે કાલ્પનિક પ્રેમની શરૂઆત હોય તો એ પણ શેર જરૂર કરશો, હું તેના પર આ શ્રેણીમાં વિચારબીજ આપનાર વાચકને ક્રેડીટ આપીને જરૂર લખવાનો પ્રયાસ કરીશ.

આપનો,

સિદ્ધાર્થ છાયા.

કાપલી

સુંદરી... નામ એવા જ ગુણ. ખબર નહીં પણ સુંદરીના જન્મ્યા પછીના બાર-તેર દિવસે જ એના ફઇને કેવી રીતે ખબર પડી ગઈ હશે કે આ છોકરી એનું સોળમું વર્ષ વટાવ્યા પહેલાંજ પોતાના નાક-નકશા અને ઈશ્વરે આરામના સમયમાં ઘડેલા એના શરીરના ઘાટથી આકર્ષાઈને દરેક ઉંમરના પુરુષોના હ્રદયને વટલાવી દેવા સમર્થ બની જશે?

સુંદરીને આમ તો સર્વાંગ સુંદરી કહી શકીએ પણ એનામાં એક તકલીફ હતી. સુંદરી કોઈ જોડે ખાસ બોલતી ન હતી. એમ ન હતું કે એને પોતાના રૂપનું ગુમાન હતું, પણ કારણ એ હતું કે બહુ નાની ઉંમરમાં સુંદરીના પિતાનું અવસાન થઇ ગયું હતું અને એની માતા અને સુંદરીએ લોકોના ઘરના કામકાજ કરી કરીને ગરીબીમાં ગુજરાન ચલાવવું પડતું હતું. સુંદરીને એક નાનો ભાઈ નામે રતન પણ હતો એને પણ સુંદરી એના માતા સાથે મળીને ભણાવવાનો ખર્ચ ઉપાડતી હતી. આમ કુટુંબની જવાબદારીએ સુંદરીને મૂંગી કરી દીધી હતી.

રહી વાત સુંદરી ખુદના ભણવાની તો પિતા જ્યારે અવસાન પામ્યા ત્યારે તે માત્ર આઠમાં ધોરણમાં અભ્યાસ કરતી હતી. નાની ઉંમરે સમજણ આવી જતા એણે માતા સમક્ષ પોતે ન આગળ ન ભણવાનો અને તેને કામમાં મદદ કરીને રતનને ભણાવવામાં ધ્યાન આપવાનો પ્રસ્તાવ મુક્યો હતો, પરંતુ સમજુ માતાએ એક ઝાટકે એ પ્રસ્તાવ રદ્દ કરી દીધો અને સુંદરીને કહ્યું કે તે પોતાની ક્ષમતા કરતા એક ઘરમાં વધુ કામ કરશે અને એમાંથી જે આવક થશે તે માત્ર અને માત્ર સુંદરીના અભ્યાસ અને ભવિષ્યમાં તેના થનારા લગ્નમાં જ ખર્ચ કરશે.

દિવસો, મહિનાઓ અને વર્ષો વિતતા ચાલ્યા, સુંદરી હવે કોલેજમાં આવી ગઈ હતી અને બીએના છેલ્લા વર્ષ સુધી પહોંચી ગઈ હતી. સુંદરીની સુંદરતાના કાયલ અને ઘાયલ એની કોલેજમાં “ગણ્યા ગણાય નહીં અને વીણ્યા વિણાય નહીં તોય મારી કોલેજમાં સમાય!” ના ન્યાયે અસંખ્ય હતા. પણ આ તમામમાં કિશન પટેલ ખાસ હતો.

કિશન આમ તો કોલેજનો ઉતાર હતો. એક રાજકીય પક્ષની વિદ્યાર્થી પાંખનો નેતા હતો અને કોલેજમાં એની જ દાદાગીરી ચાલતી હતી. વળી હતો પાછો સુંદરીના ક્લાસમાં જ. શિક્ષકો અને સ્ટાફ તો શું છેક પ્રિન્સીપાલ સુધીના તમામનું કાચી સેકન્ડમાં અપમાન કરી દેવું કિશનનો સ્વભાવ હતો. કોલેજના વિદ્યાર્થીઓ કિશનથી રીતસર ફફડતા પણ સુંદરીને જોઇને કિશનના હાથપગ ઢીલા થઇ જતા.

જી કે આર્ટ્સ કોલેજ જેમાં સુંદરી અને કિશન ભણતા હતા એની છાપ એવી હતી કે બારમા ધોરણના સામાન્ય પ્રવાહના પરિણામ આવ્યા બાદ આખા અમદાવાદની બધી કોલેજ ની બધીજ બેઠકો ભરાઈ જાય અને પછી પણ જે વિદ્યાથીઓને એડ્મિશન ન મળે એમને જી કે આર્ટ્સ કોલેજમાં આસાનીથી એડ્મિશન મળી જાય. ટૂંકમાં કહીએ તો થર્ડક્લાસથી પણ કોઈ ખરાબ ક્લાસ હોય તો એની વ્યાખ્યા આ કોલેજ કેવી છે એના માટે ઉપયોગમાં લઇ શકાય એમ હતું.

હા, તો પાછા વળીએ સુંદરી અને કિશનની વાર્તા પર.

કોલેજના પ્રથમ વર્ષની શરૂઆતમાં લગભગ દિવાળીના વેકેશન સુધી કિશને પોતાની વિદ્યાર્થી વિંગના હોદ્દાનો દુરુપયોગ કરીને એક પણ લેક્ચર ભર્યું ન હતું પણ દિવાળી વેકેશન બાદના સત્રમાં ચૂંટણીઓ પહેલા જ્યારે પોતાની ઉમેદવારી માટે કિશન પોતાના ક્લાસમાં પ્રચાર કરવા આવ્યો ત્યારે પહેલીજ બેંચમાં બેઠેલી સુંદરીને જોઇને ઘાયલ થઇ ગયો.

જમાનાભરની હિંમત ધરાવતો કિશન ત્રણ-ત્રણ વર્ષ થઇ જવા છતાં સુંદરીને પોતાના પ્રેમનો ઈઝહાર કરી શકતો ન હતો. હવે એ પ્રેમ જ હતો કે બીજું કાંઈ એ તો કિશન જ કહી શકે. પણ એક વાત હતી સુંદરીને વધુને વધુ સમય જોવા માટે કિશન રેગ્યુલર લેક્ચર્સ જરૂર ભરવા લાગ્યો. ફર્સ્ટ અને સેકન્ડ યર્સમાં કિશન ચોરી કરીને જ પાસ થયો હતો એ સુંદરી સહીત આખી કોલેજ જાણતી હતી.

સામે પક્ષે સુંદરી પોતાની મહેનતથી કોલેજની દરેક પરીક્ષામાં પહેલા પાંચ નંબરે આવતી હતી. સુંદરીની આ ક્વોલીટીથી પણ કિશન ખાસ્સોએવો ઈમ્પ્રેસ્ડ હતો.

કિશનના મિત્રો પણ કિશન જેવા જ હોય એ સ્વાભાવિક છે. બે વર્ષ સુધી સુંદરીને માત્ર ‘લાઈન મારવા’ બાદ હવે ત્રીજું વર્ષ એટલેકે છેલ્લું વર્ષ આવી ગયું હોવાથી પોતાના ‘કિશનભાઈએ’ આગળ વધવું જ જોઈએ એમ કહેતા કિશનના મિત્રો એને રોજ પાનો ચડાવતા. છેવટે એક દિવસ કિશનના દિમાગમાં એ ‘પાનો’ બરોબરનો ચડ્યો અને બસ સ્ટેન્ડ પર ઉભેલી સુંદરી પાસે જઈ ચડ્યો!

“હું એમ કહું છું કે હું એ બાજુ જ જાઉં છું. મારી પાછળ બેસી જાવ!” પોતાના બાઈકનો કાન ઘૂમ ઘૂમ કરતા કિશને બસ સ્ટેન્ડ પર ઉભેલી સુંદરીને કહ્યું.

પણ સુંદરી જેનું નામ! એણે કિશનને જવાબ આપવાને બદલે બીજી તરફ જોવાનું વધુ પસંદ કર્યું.

“તમને કહું છું, હું એ બાજુ જ જાઉં છું.” કિશને ફરીથી બાઈકનો કાન જોરથી મચેડ્યો અને સુંદરીએ ફરીથી જવાબ આપવાનું ટાળ્યું.

આવું બે ત્રણ વખત થયું અને સ્ટેન્ડ પર ઉભેલા અન્ય વિદ્યાર્થીઓ પણ આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. એક તરફ સુંદરીને કિશનને જવાબ આપવો ન હતો, તો બીજી તરફ કિશનને પોતાની જ કોલેજના વિદ્યાર્થીઓ સામે કોઈ છોકરી એના આમંત્રણનો જવાબ ન આપતા પોતાની પોઝિશનમાં પંક્ચર પડી રહ્યું હોય એવું લાગવા માંડ્યું.

“એ બાજુ? એટલે કઈ બાજુ?” છેવટે એમ લાગતા કે જો તે જવાબ નહીં આપે તો કિશન જે આમ પણ ગુંડા જેવો હતો એ ક્યાંક ગુસ્સે થઈને બીજું કોઈ પગલું ન લઈલે તેની બીકે સુંદરીએ જવાબ આપ્યો.

“તમારા ઘર બાજુ.” છેવટે સુંદરીનો જવાબ મળતાં જ હરખાયેલા કિશને હસીને જવાબ આપ્યો.

“મારું ઘર ક્યાં છે એની તમને કેવી રીતે ખબર પડી?” સુંદરીને આશ્ચર્ય થયું.

“મારું નામ કિશન છે, મને બધીજ ખબર હોય!” કિશને ફરીથી હસીને કહ્યું.

“ના, થેન્ક્સ, મારી બસ આવી ગઈ.” સુંદરીએ જમણી બાજુથી બસ સ્ટેન્ડ તરફ આવી રહેલી બસને જોઇને કહ્યું.

બસ સ્ટેન્ડ પર ઉભી રહેતાની સાથેજ સુંદરી લગભગ કુદકો મારીને એમાં બેસી ગઈ.

==::==

“મારી સાથે તને તકલીફ શું છે?” આજે તો કિશને સુંદરીને રસ્તામાં જ રોકી લીધી અને એનો હાથ પકડી લીધો.

આજે કિશનનો મિત્ર તેની બાઈક ચલાવી રહ્યો હતો અને કિશન એની પાછળ બેઠો હતો અને એન્યુઅલ એક્ઝામ નજીક હોવાથી સુંદરી કોલેજ પત્યા પછી રેફરન્સ બુક લેવા માટે દૂર છેક યુનિવર્સીટી લાઈબ્રેરી ગઈ હતી ત્યાં સુધી કિશન પહોંચી ગયો હતો અને લાઈબ્રેરીની બહાર જ એનો હાથ પકડી લીધો.

“કિશન, પ્લીઝ મારો પીછો છોડ. મારે લાઈફમાં બીજા મહત્ત્વના કામો છે.” સુંદરીએ હાથ છોડાવવાનો પ્રયાસ કર્યો.

“તો એ કામમાં હું હેલ્પ કરવા તૈયાર છું ને સુંદરી?” સુંદરીએ જવાબ આપતાં જ કિશનની પકડ ઢીલી પડી.

“મારે કોઈની મદદની જરૂર નથી અને તારી તો બિલકુલ જ નહીં!” સુંદરીએ કિશનની ઢીલી પડેલી પકડનો લાભ લઈને પોતાનો હાથ છોડાવી લીધો.

“કેમ મારામાં કાંટા ઉગ્યા છે?” કિશનના ચહેરા પર ગુસ્સો સાફ દેખાઈ રહ્યો હતો.

કિશનના ગુસ્સાથી સુંદરી રીતસર ડરી ગઈ અને દોડીને યુનિવર્સીટી લાઈબ્રેરીના પગથિયાં ચડીને અંદર જતી રહી.

==::==

“ઓય? અઠવાડિયાથી તારી ફ્રેન્ડ કેમ નથી આવતી?” યુનિવર્સીટી લાયબ્રેરીની ઘટનાના એક અઠવાડિયા બાદ કિશને સુંદરીની ફ્રેન્ડ સ્નેહાને ઝડપી.

“એને ચિકનગુનિયા થયો હતો એટલે હવે કોલેજ નહીં આવે. સીધી જ એન્યુઅલ એક્ઝામ આપવા જ આવશે, જ્યાં એનો નંબર આવવાનો હશે.” સ્નેહાએ પણ ટૂંકમાં જ પતાવ્યું.

“બે હા બે! પરીક્ષા આવી પણ ગઈ અને આપણને ખબર પણ ના પડી! ચલ નંબર જોવા જઈએ.” આટલું કહેતાની સાથે જ કિશન અને એના મિત્રો કોલેજના નોટીસ બોર્ડ તરફ દોડ્યા.

કિશને નોટીસ બોર્ડ પર પોતાનો નંબર કયો છે અને કઈ કોલેજમાં છે એ તો જોયું જ પણ સાથે સાથે સુંદરીની ડીટેઈલ્સ પણ ચેક કરી લીધી. સુંદરી અને પોતાનો નંબર જી એમ એન્જીનીયરીંગ કોલેજમાં આવ્યો છે એ જોઇને એને ખુશી તો થઇ પણ જી એમ એન્જીનીયરીંગના પ્રોફેસરો પરીક્ષાના નિરીક્ષણ કાર્ય દરમ્યાન અત્યંત કડક હોય છે એ વાત પણ એના ધ્યાનમાં એના મિત્રોએ લાવી.

“આપણને શું ફરક પડે છે બે? આપણે ચોરી તો કરવાના જ નહીં તો બાપાને શું જવાબ આપીશ?” કિશને હસતાંહસતાં કહ્યું.

==::==

જી એમ એન્જીનીયરીંગ કોલેજમાં પરીક્ષાનો માહોલ હતો. સુંદરી અને કિશનની કોલેજના મોટાભાગના વિદ્યાર્થીઓના નંબર અહીં જ હતા અને સુંદરીના બદનસીબે કિશનનો નંબર એની પાછળ જ હતો!!

સુંદરી લગભગ પંદરથી વીસ દિવસ ચિકનગુનિયાનો સામનો કરીને પરીક્ષા આપવા આવી હતી. એનો ગોરો ચહેરો વધુ ગોરો લાગી રહ્યો હતો પરંતુ એણે તાજેતરમાં સામનો કરેલી માંદગીથી ઉભી થયેલી ફિકાશને લીધે. સુંદરીની માતાએ એને એક વર્ષ ડ્રોપ લઇ લેવાની સલાહ આપી પણ જો એ હજી એક વર્ષ ભણે તો નોકરી મેળવવામાં પણ એક વર્ષ વધુ લાગી જાય એમ હતું જે સુંદરીને પાલવે તેમ ન હતું કારણકે રતન ભણવામાં હોંશિયાર હતો અને આવતે વર્ષે એ બારમાં ધોરણમાં આવવાનો હતો અને સારા માર્કે પાસ થયા બાદ રતન જે કોઇપણ કોર્સ પસંદ કરે તેની ફી ખુબ ઉંચી રહેવાની હતી અને ઘરના કામકાજથી રતનની ફી ચુકવવા જેટલા નાણા એ ભેગી કરી શકવાની ન હતી. આથી જ સુંદરીને ગમેતે રીતે સારા પગારની નોકરી કરવી જરૂરી હતી.

પણ શરીરમાં આટલી મોટી માત્રામાં નબળાઈ અને શરીરનો એક એક સાંધો દર્દ કરી રહ્યો હોય એવામાં સુંદરીને એ પણ ખબર હતી કે છેલ્લા વર્ષમાં એના ટકા જો ઓછા આવશે તો તેને ધારી નોકરી પણ નથી મળવાની. બીમારીને લીધે તેના મતે જેમાં તેને જરાક વધુ મહેનત કરવાની જરૂર હતી એ અર્થશાસ્ત્રના અગિયારમાં પેપરની તૈયારી એ બિલકુલ કરી શકી ન હતી.

સુંદરીને એક જ સધિયારો હતો કે અગિયારમું પેપર છેક છેલ્લું હતું એટલે ત્યાં સુધીમાં તે રોજના પેપરોની સાથેસાથે એ પેપરની પણ તૈયારી કરી લેશે. પરંતુ નબળાઈ અને સાંધાના દુઃખાવાએ સુંદરીના એ પ્લાન પર પણ પાણી ફેરવી દીધું અને વારે વારે આરામ કરવાની ફરજ પડવાને લીધે એ અગિયારમાં પેપરની પણ તૈયારી કરી ન શકી.

ઉપરાંત કિશન રોજ પેપર પત્યા બાદ સુંદરીને તેની નબળાઈનું બહાનું બતાવીને ઘેર સુધી મૂકી જવાની ઓફરો મુકીને અને પેપર દરમ્યાન રોજ પાછળથી “કાપલી આપું? કાપલી આપું?” એમ કહીને એને ડીસ્ટર્બ કરતો હતો એનું ટેન્શન પણ એને સરખી રીતે પેપર લખવા દેતું ન હતું. આવામાં અગિયારમું પેપર એ કેવી રીતે પાર પાડી શકશે એ વિચાર કરીને સુંદરીનું ટેન્શન દરરોજ વધી રહ્યું હતું.

છેવટે એ દિવસ આવી ગયો. થર્ડ યર બીએ ની છેલ્લી પરીક્ષાનો છેલ્લો દિવસ એટલે કે છેલ્લું અને અગિયારમું પેપર.

સુંદરીએ આખી રાત વાંચીને બધા જ IMP તૈયાર કરી લીધા હતા. બાકીના પેપર્સ ટેન્શન સાથે પણ ઓકે રહ્યા હતા બસ હવે આ પેપરમાં કોઈ ચૂક ન રહી જાય એટલે સુંદરીએ રાત જાગીને મહેનત કરી હતી. સુંદરી કાયમની જેમ પરીક્ષા હોલમાં સમય કરતા પહેલા આવીને બેસી ગઈ હતી અને કિશન છેક પાંચ મિનીટ બાકી હતી ત્યારે આવ્યો.

“મદદની જરૂર હોય તો કે’જે પાછળ જ છું.” કિશને સુંદરી પાછળથી પસાર થતાં કહ્યું.

સુંદરીએ રોજની જેમ આ ઓફર અવોઇડ કરી.

છેવટે એન્સર શીટ અને પેપર્સ વહેંચાયા. સુંદરીએ તેના સુંદર અક્ષરોથી પોતાનું નામ અને રોલ નંબર ભર્યો. અર્થશાસ્ત્રનું અગિયારમું પેપર હાથમાં લીધું અને તરતજ સુંદરીની મોટી મોટી આંખો એ પેપરના પ્રશ્નો પર નજર ફેરવવા લાગી અને એનું હ્રદય ધીરે ધીરે બેસવા લાગ્યું.

આખા પેપરમાં નહીં નહીં તો ત્રણ પ્રશ્નો એવા હતા જે સુંદરીને કોર્સ બહારના લાગી રહ્યા હતા અથવાતો એવી રીતે પૂછવામાં આવ્યા હતા કે તેનો મતલબ એને સમજાઈ રહ્યો ન હતો. બાકીના પ્રશ્નો તો એને આવડતા હતા પણ જો આ ત્રણ પ્રશ્નો એ છોડી દે તો એને પાસિંગ માર્કસ પણ મળે એમ ન હતું.

સુંદરીનું ગળું નાપાસ થવાના વિચારે સુકાવા લાગ્યું પણ શરીર પરસેવે રેબઝેબ થવા લાગ્યું. એ ત્રણ પ્રશ્નોની ચિંતાએ એને આવડતા બીજા પ્રશ્નોના જવાબ લખવાનું પણ ભુલાવી દીધું. સુંદરી પોતાની આંગળીઓ વાળીને મસળવા લાગી, આમતેમ જોવા લાગી, સુકા ગળાને ભીનું કરવા મોઢામાં થૂંક શોધવાનો વ્યર્થ પ્રયાસ કરવા લાગી. આસપાસના વિદ્યાર્થીઓ સામે સુંદરીએ ડરતા ડરતા જોયું, એમની હાલત પણ સુંદરી જેવી જ હતી અને અમુકની તો સુંદરી કરતાં પણ બદતર!

આમને આમ પંદરથી વીસ મિનીટ વીતી ગઈ. એન્સર શીટમાં સુંદરીએ એક અક્ષર પણ નહોતો લખ્યો. એને વારંવાર એની માતાની ડ્રોપ લઇ લેવાની સલાહ યાદ આવવા લાગી. સુંદરી વિચારી રહી હતી કે ડ્રોપ લઇ લીધો હોત તો ભવિષ્યમાં નોકરીના ઇન્ટરવ્યુમાં એમ તો કહી શકત કે માંદી હોવાથી ડ્રોપ લીધો હતો, હવે તો બે ટ્રાયલે પાસ થવાનો ધબ્બો એના બાયોડેટામાં લાગી જશે! આવા વિચારો સુંદરીના પરસેવામાં વધારો કરી રહ્યા હતા.

“શું થયું? પેપર કેમ નથી લખતી?” પાછળથી કિશને ધીરા અવાજમાં પૂછ્યું.

સુંદરી પાસે શું જવાબ હોય?

“નથી આવડતું કે શું?” કિશને ફરીથી પૂછ્યું.

સુંદરીએ પાછળ જોયા વગર પોતાનું ડોકું નકારમાં ધુણાવ્યું.

“આ લે...આમાં આખું પેપર છે. કોપી કરી લે...” કિશને બેંચની નીચેથી સુંદરીની કમર પર કાગળોને ગોળ વાળેલું એક ભૂંગળું બે-ત્રણ વખત ભોંક્યું.

સુંદરીએ ફરીથી નકારમાં ડોકું હલાવ્યું. એને ચોરી નહોતી કરવી.

“રાજા હરિશ્ચંદ્ર થવાની જરૂર નથી. તારે નોકરીની જરૂર છે મારે નહીં.” નિરીક્ષક બારણાની બહાર જોઇને ઉભો રહ્યો હતો એનો લાભ લઈને કિશન બોલ્યો.

“ના..” કિશનની બેંચને ટેકો દઈને સુંદરીએ પણ ધીમા સાદે એને જવાબ આપ્યો.

“બહુ, હોંશિયાર ના થા, લઇ લે. મને બધી ખબર છે. તું લખી લે, મારી ચિંતા ન કર, તારું પતે એટલે બાકીના સમયમાં હું લખી લઈશ, મારે તો પાસિંગ માર્કસ પણ ચાલશે.” કિશને ભૂંગળું ભોંકવાનું ચાલુ રાખ્યું.

સુંદરી અવઢવમાં હતી. એના માટે પાસ થવું તો જરૂરી હતું જ કારણકે તેના પાસ થવા પર એનું અને એના પરિવારનું ભવિષ્ય ટકેલું હતું, પણ આ રીતે ચોરી કરીને નહીં. એણે જીવનમાં કોઇપણ પરીક્ષામાં ક્યારેય ચોરી કરી ન હતી અને કાયમ પોતાની મહેનતથી સારે માર્કે પાસ થતી અને હવે છેક છેલ્લા પડાવ પર ચોરી કરીને આત્માને દુઃખ આપવાનું?

“લઇ લે, તને મમ્મી કસમ!” કિશને હવે છેલ્લું હથીયાર વાપર્યું.

સુંદરીની બધીજ અવઢવ આ ‘મમ્મી કસમે’ સાવ દૂર કરી દીધી. સુંદરીએ જમણો હાથ પાછળ કરીને કિશને આગળ ધરેલું ભૂંગળું લઇ લીધું અને પોતાની ચુન્ની નીચે મૂકી દીધું અને પછી ફટાફટ એમાં જોઈ જોઇને એને ન આવડતા ત્રણેય પ્રશ્નોના જવાબ એણે પહેલા લખી લીધા અને ફરીથી એ કાગળોનું ભૂંગળું વાળીને નિરીક્ષકની નજર ચૂકવીને હાથ પાછળ વાળીને કિશનને આપી દીધું.

==::==

“થેન્ક્સ!” પેપર પતવાની સાથેજ સુંદરીએ પહેલું કામ પોતાના મિત્રો વચ્ચે ઉભેલા કિશન પાસે જઈને એનો આભાર માનવાનું કર્યું.

સુંદરીના આવવાની સાથેજ જાણેકે કિશનના મિત્રો સમજી ગયા હોય એમ એક પછી એક રવાના થઇ ગયા.

“હું ખરાબ છોકરો નથી સુંદરી.” કિશને સુંદરીના થેન્ક્સનો જવાબ આપ્યો.

“મને આજે એની ખબર પડી ગઈ.” સુંદરીના મન પરથી જાણેકે ટનબંધ ભાર હળવો થઇ ગયો હોય એવું એના સ્મિત પરથી લાગ્યું,

“મારા મમ્મી નથી અને મારા પપ્પા બિઝનેસમાંથી ટાઈમ નથી કાઢતા, મને ઢંગથી કોઈએ ઉછેર્યો જ નથી એટલે હું જરા તોફાની બની ગયો. બાકી મને જો કોઈ પ્રેમથી સમજાવે ને તો હું આ બધું છોડી દેવા તૈયાર છું.”

“જો કિશન એ માટે મારા પાસે ટાઈમ નથી, તું પ્લીઝ સમજ. મારી ઉપર મારા કુટુંબની જવાબદારી છે.” સુંદરીએ કિશનનો સાવ અલગ જ ચહેરો જોઇને હિંમતથી કહી જ દીધું.

“તું મને પ્રેમ આપ સુંદરી, આ બધુંજ છોડી દઈશ, આ રાજકારણ, આ દાદાગીરી બધુંજ. પપ્પાનો ધંધો સંભાળીશ, તારી જવાબદારી હું શેર કરીશ. જો તું સુંદર તો છે જ પણ મને તારામાં એવી છોકરી દેખાય છે જે મને કન્ટ્રોલ કરી શકે. આપણે બંને કોઈક ને કોઈક ખોટ ધરાવીએ જ છીએ. તો એકબીજાના પૂરક બનીને એ ખોટને ભરપાઈ ન કરી શકીએ? હું તને ખૂબ પ્રેમ કરીશ ખરેખર! હું તારા સુંદર ચહેરા પર નહીં સુંદરી, પણ તારા સુંદર મન પર મોહી પડ્યો છું. I love you સુંદરી, ખરેખર!!” કિશને સુંદરીનો હાથ પકડ્યો, પણ કોમળતાથી.

કિશનની બેબાક વાત અને પ્રપોઝલથી સુંદરી અવાક થઈને એની સામે જોઈ રહી એના ચહેરા પર સ્મિત હતું...

==: સમાપ્ત :==

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED