પ્રેમની શરૂઆત - 2 Siddharth Chhaya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમની શરૂઆત - 2

પ્રેમની શરૂઆત – સિદ્ધાર્થ છાયા દ્વારા લિખિત લઘુ પ્રેમકથાઓની શ્રેણી

પ્રેમકથાઓ તો આપણે ઘણી વાંચી, લખી અને સાંભળી છે અને કેટલીક પ્રેમકથાઓ અમર પણ થઇ ગઈ છે, પરંતુ ક્યારેય આપણે પ્રેમની શરૂઆત કેવી રીતે થતી હોય છે એના વિષે ઊંડાણપૂર્વક વિચાર કર્યો છે ખરો? જો પ્રેમ આટલો સુંદર હોય તો તેની શરૂઆત એટલેકે એનો સ્વીકાર પણ કેટલો સુંદર હશે? બસ પ્રેમનો સ્વીકાર અથવાતો ઈઝહાર એટલેજ આપણી આ પ્રેમની શરૂઆત લઘુકથા શ્રેણી.

પ્રેમની શરૂઆત શ્રેણીમાં એવી લઘુકથાઓ હશે જે “હું તને પ્રેમ કરું છું” કે “આઈ લવ યુ” પર શરુ નહીં પરંતુ પૂર્ણ થશે. આશા છે મારો આ નવતર પ્રયાસ તમને ગમશે. તમારા વિચારો અને મંતવ્યો કમેન્ટ્સ સેક્શનમાં જરૂર આપશો... અને હા તમારી ધ્યાનમાં પણ કોઈ રસપ્રદ કે કાલ્પનિક પ્રેમની શરૂઆત હોય તો એ પણ શેર જરૂર કરશો, હું તેના પર આ શ્રેણીમાં વિચારબીજ આપનાર વાચકને ક્રેડીટ આપીને જરૂર લખવાનો પ્રયાસ કરીશ.

આપનો,

સિદ્ધાર્થ છાયા.

રામ મીલાઈ જોડી

શામજી રસોઈયો હતો અને એનાંજ શબ્દોમાં કહીએ તો એ ‘એકદમ ટોપનાં પેટનો’ રસોઈયો હતો. કરોડપતિ કૃષ્ણકાંત ઠક્કરને ત્યાં શામજી રસોઈ કરતો. કૃષ્ણકાંત ઠક્કરને માત્ર એકજ પુત્ર હતો પણ એને પિતાનો ધંધો નહોતો કરવો એટલે પોતે ઇન્ફોટેકનું ભણીને અમેરિકાની સીલીકોનવેલીમાં પત્ની સાથે સેટલ થઇ ગયો હતો. પાંસઠ વર્ષે કૃષ્ણકાંતભાઈએ ધંધો સમેટી લીધો અને જીવંતિકાબેન સાથે બે-ત્રણ મહિના અમેરિકા પુત્ર સાથે રહ્યાં પણ ખરા પણ જીવંતિકાબેનને ત્યાં ન ફાવ્યું એટલે પાછાં ભારત આવી ગયાં અને નિરાંતે રીટાયર્ડ લાઈફ જીવવા માંડ્યા.

અમુક વર્ષ તો જીવંતિકાબેને એકલાંજ રસોડું ચલાવ્યું પણ પછી તબિયતે સાથ છોડવા માંડ્યો એટલે એની વર્ષોજૂની કામવાળી રૂડીની દિકરી રાજી, જે લગભગ એમને ઘેરજ મોટી થઇ હતી એને કૃષ્ણકાંતભાઈએ કોઈક સારો રસોઈયો શોધવાનું કહ્યું. અલ્લડ અને કાયમ પોતાની મસ્તીમાં મસ્ત રહેતી રાજીએ રસોઈયો શોધવામાં ખુબ સમય લગાડ્યો અને ત્યાંજ રસોઈયાની નોકરી શોધતો શોધતો બગસરાનો શામજી, કોઈની ઓળખાણે કૃષ્ણકાંતભાઈના બંગલે પહોંચી ગયો અને એને નોકરી મળી ગઈ.

બસ તે દિવસથી જ રાજીને શામજી સાથે બારમો ચન્દ્રમા થઇ ગયો. બંને ઉંમરમાં વીસ પચ્ચીસનાં જ હતા અને નાનીનાની બાબતે કાયમ એકબીજા સાથે ઝઘડતાં રહેતા. કોઈકવારતો જીવંતિકાબેનને વચ્ચે પડવું પડતું અને છેલ્લાં ઉપાય તરીકે બન્નેને નોકરીમાંથી કાઢી નાખવાની ધમકી આપે ત્યારે જ બન્ને છુટા પડતા.

આજની જ વાત લ્યો ને? બપોરે જમીને શામજી પોતાનાં કવાર્ટરમાં રોજની જેમ સ્હેજ આડો પડ્યો હતો ત્યાંજ એની બાજુનાં જ ક્વાર્ટરમાં રહેતી રાજીએ જોરથી રેડિયો ચાલુ કર્યો અને વાતાવરણમાં અચાનક ગરમાટો આવી ગયો. શામજીએ થોડીવારતો ચલાવી લીધું પણ પછી એનાથી ન રહેવાયું અને પોતાનાં રૂમમાંથી જ રાજીને બે-ત્રણ બુમો પાડી પણ પહેલીવારમાં સાંભળે તો એ રાજી નહીં. એટલે શામજી ગુસ્સે થઈને પોતાનાં રૂમમાંથી બહાર નીકળ્યો અને રાજીના રૂમ પર જોરથી પોતાનાં હાથ માર્યા અને બસ રાજી માટે આટલુંજ પુરતું હતું.

‘એલી કવ સું કે તારો રેડિયો બંદ કઈર’ શામજીએ બુમ પાડી. રેડિયો તો બંધ થયો પણ રાજી શરુ થઇ ગઈ.

‘હું સે તને? છાનોમુનો હુઈ જા ને તારા રૂમમાં? હું કઈ તારી નોકર નથી.” રાજીએ અંદરથી જ જવાબ આપ્યો.

‘એ આમ હાવ હાલીમળમાં, મને ખબર્ય સે કે તને મારી હળી કર્યા વીના સાલતું નથ્ય, હવારનો કામે લાગેલો માંણા ઘડીક બપોરેતો આડો પડે કે નય?’ શામજી આટલું બોલ્યો ત્યાંતો વિફરેલી રાજી રૂમનું બારણું ખોલીને બહાર આવી.

‘હા તો? તો સું છ? તારે હુવું હોય તો હુઈ જા ને? હુય હવારની લાગેલી જ સું મનેય થોડો મજો જોઈએ કે નઈ?’ રાજી ગુસ્સામાં તરબોળ હતી.

‘એ મોજ કરવી હોય તો કર્યને આયાં કોને તારી પઈડી જ સે? પણ તારો રેડિયો જીરીક હળવા હાદે મુઈક. અને તું હું હવાર્યની વાતું કરસ? હેય ને દહ વાગે ઉઠી’તી મને ખબર્ય સે હોં!’ શામજીએ હવે વળતો ઘા માર્યો.

'એ એ એ એ....’ રાજીની ચોરી પકડાઈ ગઈ હતી એટલે એ આટલુંજ બોલી શકી એની પહેલી આંગળી શામજીના નાક સામે બરોબર તંકાયેલી હતી.

‘હાલ હાલ, હવે આ રેડિયો ધીમો કર્ય ને મને અડધી કલાક આડે પડખે થાવા દે, જે માંણા કામ કરતો હોયને એને આરામની કિંમતું હોય હમજી?’ શામજી પોતાનાં રૂમ તરફ પાછા વળતાં બોલ્યો.

‘લો, રોજ્જે પાંચસો ગરામ સાક અને અઢીસો ગરામ દાળ બનાવવાની એને આ કામ કે છે.” માંડમાંડ પથરાયેલી શાંતિ પર રાજીએ પાણી ફેરવ્યું.

‘એલી હું કીધું તે? ફરી બોલ્ય તો?’ શામજી તરતજ પાછો વળ્યો.

‘અલા મેં એમજ કીધું કે થોડું થોડું રાંધતાય તને ચાર કલ્લાક લાગે સે અને તોય તારી રસોઈ તો હમજ્યા હવ, કોઈ કારો કુતરોય ન ખાય આતો ઠીક છ કે સેઠ સેઠાણી મઝબુરીમાં બધું સલાવી લે સ.’ રાજીએ બરોબર ત્યાં ઘા માર્યો જ્યાં શામજીને સહુથી વધુ દર્દ થતું.

‘ઝો, મને જે કેવું વોય ઈ કે પણ મારી રસોઈ ને કાય નય કે’વાનું હમજી? બેય ટાઇમ ટોપનાં પેટની રસોઈ બનાવું સું.’ શામજીએ પણ હવે રાજી તરફ પોતાની પહેલી આંગળી તાંકી.

‘વળી તમે બન્નેએ શરુ કર્યું?’ નજીકમાં જ આરામ કરી રહેલાં જીવંતિકાબેનનાં રૂમમાંથી અવાજ આવતાંજ બેય મોઢું ફેરવીને પોતપોતાના રૂમોમાં ઘલાઈ ગયાં.

બસ આવીજ રીતે બંને નાની નાની વાતે ઝઘડતાં રહેતા. રાજીને અંદરખાને હજીપણ એવું લાગતું હતું કે શેઠે એને રસોઈયો શોધવાનું કીધું હતું અને શામજીને એમણે બરોબર પરખ્યા વગરજ ઉતાવળે નોકરીએ લઇ લીધો. સામે પક્ષે શામજી આમ સાવ ભોળો હતો અને એને શેઠે નોકરીએ રાખ્યો એમાં એનો તો કોઈજ વાંક ન હતો, પણ મગજ થોડુક તામસી એટલે રાજી જરાક સળી કરે એટલે ગુસ્સે થઇ જતો.

એક બપોરે શામજી રોજની જેમ આડે પડખે થયો હતો અને રાજી રોજની જેમજ પોતાની મસ્તીમાં ક્યાંક બહાર ઉપડી ગઈ હતી ત્યાંજ થોડીવાર પહેલાંજ વાસણ ઘસીને આવેલાં રૂડીબા ને અચાનક જ છાતીમાં દુઃખવા માંડ્યું અને અમુક મીનીટોમાં જ દુઃખાવો એટલો તો વધ્યો કે એમનાથી જોરથી બુમ પડાઈ ગઈ... “શામજીઈઈઈઈ..” શામજીની આંખો હજુ હમણાંજ ઘેરાઈ હતી પણ રુડીબાની આ બુમ સાંભળીને એ સફાળો જાગ્યો અને રુડીબાનાં રૂમ તરફ દોડ્યો. પરિસ્થિતિની ગંભીરતાનો ખ્યાલ આવતાંજ એણે તરતજ પોતાનાં મોબાઈલ પરથી ૧૦૮ ઉપર કોલ કર્યો અને ફક્ત ત્રણજ મીનીટમાં રાડો પાડતી ૧૦૮ની એમ્બ્યુલન્સ ‘ઠક્કર બંગલો’ નાં આંગણામાં આવી ગઈ.

આસપાસનાં લોકોને એમ લાગ્યું કે કૃષ્ણકાંતભાઇ કે જીવંતિકાબેનને કશું થયું હશે એટલે તરતજ બંગલાના દરવાજે સારીએવી ભીડ ઉભી થઇ ગઈ. રુડીબાને કીધા વીના પોતાની બેનપણીને મળીને ઘર તરફ પાછી આવી રહેલી રાજીને પણ બંગલાની બહાર ભેગી થયેલી ભીડને જોઇને એમજ લાગ્યું કે એના શેઠ અથવા શેઠાણીની તબિયત અચાનક બગડી હશે એટલે એણે પણ પોતાનાં પગલાં ઝડપી બનાવ્યા અને ભીડ તરફ આગળ વધી.

‘બાઆઆઆઆ’ ભીડ ચીરીને દરવાજે પહોંચતાજ રુડીબાને સ્ટ્રેચરમાં જોતાંજ રાજીની ચીસ નીકળી ગઈ.

‘હાલ્ય અટાણે ભીડ કર્ય માં... આઘી રે, માડીને છાતીમાં દખ થાય સે.’ સ્ટેચરની આગળ ચાલતાં શામજીએ રાજીનો ખભો પકડીને થોડીક આઘી કરી.

રાજી ત્યારેતો કાંઈજ ન બોલી અને મૂંગીમૂંગી રડતી રડતી શામજી જોડે એમ્બ્યુલન્સમાં બેસી ગઈ. સાંજે થયેલી એન્જીઓગ્રાફીમાં નિદાન થયું કે રુડીબાને હ્રદયમાં બે બ્લોક છે અને જો એમને સમયસર હોસ્પીટલ ન લવાયા હોત તો કશું અજુગતું જરૂર બની જવાનું હતું. કૃષ્ણકાંતભાઈએ વગર કોઈને પૂછે ડોકટરોને જે યોગ્ય લાગે એમ કરવાનું કહ્યું અને એન્જીયોગ્રાફીનો બધોજ ખર્ચો પોતે ઉપડશે એમ ઉમેર્યું.

ડોક્ટરની વાત સાંભળીને રાજીની શામજી તરફની આખી વર્તણુક જ બદલાઈ ગઈ. એમાં વળી ઓપરેશન પછી ભાનમાં આવીને તરતજ રુડીબાએ પણ પોતાનાં બેય હાથ જોડીને સામે ઉભેલા શામજીનો પાડ માન્યો ત્યારેતો રાજીને રીતસર એમ લાગ્યું કે અત્યારસુધી એણે શામજીને ખુબ અન્યાય કર્યો છે.

સામે પક્ષે શામજીએ આ બાબતે પોતે કશુંજ કર્યું નથી એવું રટણ કરે જ રાખ્યું. પછીનો આખો મહિનો ડોકટરે કહ્યા મુજબજ શામજી પોતેજ રુડીબા માટે ખાવાપીવાની વ્યવસ્થા અલગથી કરતો અને એને સમયસર એમનાં કવાર્ટરમાં પોતેજ આપી આવતો.

આ બાજુ રાજી એકદમ સ્તબ્ધ હતી. એની બા એની જિંદગી હતી કારણકે બાપને તો એણે કોઈવાર જોયો જ હતો. અને બા સાથે કઈક ખોટું બન્યું ત્યારે એ પોતે એની આસપાસ પણ ન હતી અને જેને એણે અત્યારસુધી એમનેમ હેરાન કર્યો અને ટોણા મારે રાખ્યા એ જ શામજીએ એની બા ની જિંદગી બચાવી લીધી. ખબર નહીં પણ કેમ પણ હવે રાજીને શામજી ગમવા માંડ્યો હતો. રાજી હવે કાયમ શામજીની આસપાસ જ ફરતી રહેતી.

‘મેં કું આજે વટાણા બટેકાનું સાક કરને? તું બહુ હારું બનાવે છ.” જે રાજી સવારે દસ પહેલાં ઉઠતી નહોતી એ આજે સવારે આઠ વાગ્યામાં રસોડામાં આવી ગઈ.

‘બાએ (જીવંતિકાબેન) તને કોન્ટેક આપ્યો સે કે રોઝ મારે આ ઘરનાં હાટુ હું બનવું?’ શામજીનો ટોન હજીય પહેલાં જેવોજ હતો.

‘ના પણ મારી માટે બનાવને?’ રાજી ફ્રીઝ તરફ જતાજતા બોલી.

‘હઅં ને? તારી હાટુ હું કામ બનવું? તું બા સો? હમણાં સા આપવા બારે ઝાવને ત્યારે બા મને કેસે ઈ જ સાક બનહે હમજી ગઈ?’ શામજી પોતાનાં શેઠ માટે બીજાં વખતની ચા બનાવી રહ્યો હતો.

‘હું વટાણા ફોલી દઉં?’ રાજીએ ફ્રીઝમાંથી શાકભાજીની ટ્રે ખેચી.

‘મેં એક વાર કય દીધુને કે જે બા કેસે ઈ જ બનસે.’ શામજી દોડીને ફ્રીઝ પાસે ગયો અને ટ્રેને મૂળ જગ્યાએ મૂકી અને ફ્રીઝ બંધ કરી દીધું અને રાજી સામે ગુસ્સાભરી નજરે જોયું.

રોજની જેમ એ બપોરે પણ શામજી પોતાનાં રૂમમાં સુતો હતો પણ આજે એને કઈક મજા નહોતી આવતી. જીણો તાવ હોય એવું લાગતું હતું. આમતો રોજ અડધોજ કલાક સુતો શામજી દોઢ કલાક સુધી ન ઉઠ્યો. બપોરની ચા નો ટાઈમ થયો અને શામજી ન દેખાયો એટલે જીવંતિકાબેને રાજીને શામજીને બોલાવી આવવાનું કીધું. શામજીએ રૂમનું બારણું જરાક આડુંજ કર્યું હતું અને જીવીએ જેવો સુઈ રહેલા શામજીને ઉઠાડવા એનો હાથ પકડ્યો કે તરતજ એને ઝાળ લાગી ગઈ. શામજીનું શરીર ખુબ જ ગરમ હતું અને કદાચ એને ભાન પણ નહોતું.

‘બાઆઆઆ...શામજીને ખુબ તાવ છે, હું ફ્રીજમાંથી બરફ લઉં છું.’ મુખ્ય રૂમમાં થી રસોડા તરફ ઝડપથી ચાલી રહેલી રાજી બોલી. જીવંતિકાબેને એને મંજુરી આપી અને પોતે ચા બનાવી લેશે એવું કીધું.

ઝડપથી મોટી તપેલીમાં બરફનું પાણી અને પોતાનાં બે રૂમાલ લઈને રાજી શામજીની પાસે બેઠી અને એના કપાળ પર વારાફરતી પોતા મુકવા લાગી અને વારેવારે એનું શરીર તપાસતી રહી. લગભગ પોણા કલાકે શામજીનું ટેમ્પરેચર ઓછું થયું અને એને બોલવાનું ભાન થયું.

‘તને મેં ખોટી તકલીફું આપી કાં?’ ભાનમાં આવતાંજ શામજી રાજીને પોતાની સેવા કરતાં જોઇને ઝીણા અવાજે બોલ્યો.

‘તે મારી બાનું ધ્યાન રાખ્યું તું જ ને? તું ન હોત તો આજે મારી બા મારી પાહે ના હોત.’ રાજી પોતું બદલતા બોલી.

‘ઈ તો મને મારી માડી જેવીજ લાગે હે અટલે પણ હું તો તારો દુસ્મન સું.’ શામજી ફરીથી ધીમા અવાજે બોલ્યો.

‘તને કૂણે કીધું કે તું મારો દુસ્મન છ?’ રાજી શામજીનાં કપાળે રૂમાલ સરખો કરતાં બોલી.

‘તે દુસ્મન નથી તો હું સું?’ શામજી એ સામો સવાલ કર્યો.

‘હાસું કવ ને તો જે દિવસથી તે મારી બાને બચાવીને? પછે તો તું મને મારાં વર જેવો લાગે છ.’ શરમથી લાલચોળ થયેલી રાજી ફક્ત આટલું જ બોલી શકી.

પોતાની આખીયે જીંદગીમાં રાજી કદાચ પહેલીવાર શરમાઈ રહી હતી અને વાતેવાતે એની સાથે ઝઘડી પડતો શામજી અત્યારે પહેલીવાર સતત રાજી સામે જોઇને મંદમંદ મુસ્કુરાઈ રહ્યો હતો.

== સમાપ્ત ==