અજીબોગરીબ મોડસ ઑપરેન્ડી Valibhai Musa દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અજીબોગરીબ મોડસ ઑપરેન્ડી

અજીબોગરીબ મોડસ ઑપરેન્ડી

વલીભાઈ મુસા

કૉમ્પ્યુટરાઈઝ્ડ ટિકિટબુકીંગ ન હોવાના એ સમયગાળામાં હું વિભાગીય રેલવે જંક્શનમાં રિલીવીંગ સ્ટેશન માસ્ટર હતો. નજીકના એક રેલવે જંક્શને મારે ત્રણ દિવસ માટે બદલી પામીને જવાનું થયું હતું, ત્યારે મારી પ્લેટફોર્મ ટિકિટની બારીએ ગામડિયા જેવા બે યુવાનોએ ચાલીસ પ્લેટફોર્મ ટિકિટ માગી હતી. મેં રૅકમાંથી ટિકિટો કાઢીને ટેબલ ઉપર ઢગલો કર્યા પછી પેલાઓ સાથે વાતચીત કરતાં કરતાં હેન્ડ ઓપરેટીંગ મશિન ઉપર તારીખનું સ્ટેમ્પીંગ શરૂ કરી દીધું હતું. તેમને પૂછતાં તેમણે જણાવ્યું કે અમારા ગામનો યાત્રાળુ સંઘ જાત્રાએથી આવી રહ્યો છે અને અમે ગામલોકો તેમનું સામૈયું કરવા આવ્યા છીએ. થોડીવારમાં ટ્રેઈન આવી પહોંચી, એટલે હું મારી બારી બંધ કરીને લટાર મારવા પ્લેટફોર્મ ઉપર આવ્યો હતો. એ ગાડીમાં ન કોઈ સંઘ આવ્યો હતો કે ન પેલા ચાલીસ જેટલા કોઈ માણસો દેખાયા હતા. થોડેક દૂરની ગરમાગરમ ભજિયાંની રેંકડી પાસે પેલા બેને મેં ભજિયાં ખાતા જોયા હતા. મેં તેમની પાસે જઈને સહજભાવે સંઘના માણસો વિષે પૂછ્યું તો એક જણાએ થોથવાતી જીભે જવાબ આપ્યો હતો, ‘એ લોકો ટ્રેઈન ચૂકી ગયા હશે!’ પછી મેં પેલા સામૈયાવાળાઓ વિષે પૂછ્યું તો બીજાએ ઝડપભેર જવાબ આપી દીધો હતો, ‘સાહેબ, એ લોકો ટ્રેક્ટરના ટ્રોલામાં આવવાના હતા, પણ રસ્તામાં કદાચ ટ્રેક્ટર ખોટવાયું હશે!’ આટલું કહીને એ બંને જણા તાબડતોબ રવાના થઈ ગયા હતા.

એકાદ મહિના પછી મારી ડ્યુટી બીજા એક જંક્શન સ્ટેશને લાગી, ત્યારે એ દિવસે હું ગેટ ઉપર પેસેન્જરની ટિકિટો કલેક્ટ કરતો હતો. ગાડીમાંથી ઊતરેલાં પેસેન્જરનો પ્રવાહ પૂરો થયા પછી હું મારી ઓફિસમાં જઈને એકત્ર કરેલી ટિકિટોની રજિસ્ટરમાં નોંધણી કરતો હતો, ત્યારે સફારી બુશશર્ટ-પેન્ટવાળા બે યુવકોએ મારી રજા લઈને અંદર આવતાં કહ્યું હતું, ‘સાહેબ, આ ટિકિટો હવે આપને કોઈ કામની નથી અને એમાંથી દસપંદર ટિકિટો અમને આપો તો અમારાં છોકરાં રેલવેની વપરાએલી અને જુદાંજુદાં રેલવે સ્ટેશનોવાળી ટિકિટોનો સંગ્રહ કરવાનો શોખ ધરાવે છે. જો કે મર્યાદિત ટ્રેઈનોની અવરજવરના એ સમયગાળામાં આ ટિકિટોનો દુરુપયોગ થવાની કોઈ શક્યતા મને લાગી ન હતી. વળી સાથેસાથે મને એ પણ વિચાર આવ્યો હતો કે સામાન્ય રીતે લોકો પોસ્ટની ટિકિટો કે ચલણી સિક્કાઓનો સંગ્રહ કરતા હોય તો આ તો કંઈક નવીન શોખ કહેવાય. એ લોકોએ ચાપાણીના પૈસા આપવાની ઑફર કરી તો મેં તેમને ધમકાવ્યા હતા અને કહ્યું હતું કે ‘છોકરાંનો શોખ પૂરો થતો હોય, તો લ્યો આ દસેક ટિકિટો લઈ જાઓ.’

પેલા લોકો ઝડપભેર સ્ટેશન છોડીને જતા રહ્યા પછી મને અચાનક મહિના પહેલાંના પેલા સ્ટેશન ઉપરનો પ્લેટફોર્મની ટિકિટોવાળો પ્રસંગ યાદ આવી ગયો હતો અને મને દાળમાં કંઈક કાળું હોવાની શંકા થવા માંડી હતી કે આ લોકો એક્બીજાના મળતિયાઓ તો નહિ હોય! વળી પાછો એ પણ વિચાર આવ્યો કે પેલા ગામડિયા હતા અને આ લોકો શહેરના શિક્ષિત જણ લાગે છે. મને થયું કે તેથી શું અને મેં હેડ સ્ટેશન માસ્ટરને વાત કરી. તેઓ રિટાયર્ડ થવા ઉપર હતા અને નોકરીનો બહોળો અનુભવ ધરાવતા હતા. તેમણે ક્ષણવારમાં જ મને કહી દીધું કે આ રેલવેનો મોટો ફ્રૉડ લાગે છે અને એ બધા મળતિયા જ હોવા જોઈએ. વળી એટલું જ નહિ એ લોકોની મોટી ગેંગ પણ હોવી જોઈએ!’

‘પણ સાહેબ,મને કંઈ સમજાયું નહિ!’

‘એ પછી સમજાવું છું’ એમ કહીને એમણે તો અમદાવાદથી દિલ્હી વચ્ચેનાં તમામ જંક્શન સ્ટેશનોએ તાબડતોબ ફોન કરીને જણાવી દીધું કે વધારે જથ્થામાં પ્લેટફોર્મ ટિકિટો લેનારા અને સફર થઈ ચૂકેલી ટિકિટોને એક યા બીજા બહાને માગવાવાળાઓની રેલવે પોલિસ દ્વારા ધરપકડો કરીને પૂછપરછ કરી લેવામાં આવે!’

હેડ સ્ટેશન માસ્ટર શર્મા સાહેબે અજીબોગરીબ મોડસ ઑપરેન્ડી સમજાવતાં મને કહ્યું હતું, ‘ મિ. કિરીટ શાહ, આપણા ટિકિટ બુકીંગ સ્ટેશન માસ્ટરો બેદરકારી કે સહજપણે ટિકિટોનું ડેટ સ્ટેમ્પીંગ સ્વચ્છંદ રીતે કરતા હોય છે. ટિકિટની વિગતવાર પ્રિન્ટેડ બાજુના એક છેડે ટિકિટ નંબર હોય છે અને એ જ બાજુએ બીજા છેડેના કોરા ભાગમાં તારીખ એમ્બ્રોસ કરવાના બદલે ઘણીવાર ટિકિટના વોટર કલરમાં લખેલા પાછળના ભાગે કે જ્યાં રેલવે ઝોન દર્શાવતા WR, CR કે SR હોય ત્યાં તારીખ છાપી નાખતા હોય છે. આમ ભેજેબાજ ફ્રોડ કરનારાઓના ધ્યાનમાં આવી ભૂલો આવી જતાં તેમણે બુદ્ધિ દોડાવીને એસોર્ટીંગ દ્વારા પડ ધરાવતી આપણી રેલવે ટિકિટોને અર્ધા ભાગે ઉખેડીને પ્લેટફોર્મ ટિકિટ ઉપરની પાછળના ભાગે પ્રેસ થએલી જે તે તાજી તારીખવાળા પડને ચીપકાવી દઈ શકે અને આમ દૂરદૂરનાં સ્ટેશનોની મોંઘી ટિકિટો પ્લેટફોર્મ ટિકિટના મામુલી ખર્ચે મુલ્યવાન બની શકે! આના નિવારણ માટે ટિકિટ ઈસ્યુ કરનારા સ્ટેશન માસ્ટરો ચોકસાઈ ધારણ કરે અથવા આપણા રેલવે ટિકિટ પ્રિન્ટીંગ પ્રેસે પડ ઉખડી ન શકે તેવો જાડો કાર્ડબોર્ડ કાગળ વાપરવો જોઈએ.’

બીજા દિવસનાં અગ્રણી સમાચારપત્રોમાં અજીબોગરીબ મોડસ ઓપરેન્ડીવાળા આ રેલવે ટિકિટ કૌભાંડમાં સંડોવાયેલાં કેટલાંય માથાંઓનાં કરતુતોનો પર્દાફાશ થયો હતો. તંત્રીલેખોમાં એવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી હતી કે કોણ જાણે કેટલાય કરોડ રૂપિયાનો રેલવેને આમ ચૂનો લાગી ચૂક્યો હશે!

-વલીભાઈ મુસા