સત્ય અસત્ય - પ્રકરણ - 34 Kajal Oza Vaidya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સત્ય અસત્ય - પ્રકરણ - 34

સત્ય-અસત્ય

કાજલ ઓઝા વૈદ્ય


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


પ્રકરણ - ૩૪

સત્યજીતના અમેરિકા નિવાસના દિવસો ખૂબ પીડા અને યાતનાદાયક દિવસો રહ્યા. જેને પોતાના પ્રાણથી પણ વધારે ચાહતો હતો એવી સ્ત્રીને ટુકડે ટુકડે મરતી જોવી એના માટે અસહ્ય હતી. કિમોથેરેપીથી ખરવા લાગેલા વાળા, ઊંડી ઊતરી ગયેલી આંખો, ખાવામાં પડતી તકલીફ, ભયાનક નબળાઈ અને બીજા અનેક પ્રશ્નો સાથે પણ પ્રિયંકા મેઘને ખૂબ વહાલ કરતી. એની નાની નાની વસ્તુઓનું ધ્યાન રાખતી. બને એટલે વધારે સમય મેઘ સાથે વિતાવવા પ્રયાસ કરતી. એની હાલત દિવસે દિવસે વધુ ને વધુ ખરાબ થતી જતી હતી.

એક દિવસ તો આદિત્ય એની પીડાથી એટલો બધો અકળાઈ ઊઠ્યો કે એની આંખમાં પાણી આવી ગયાં, “કયા ગુનાની સજા આપતો હશે ભગવાન આને... આણે તો કોઈનું કંઈ નથી બગાડ્યું.”

“મને પણ ક્યારેક એવો જ વિચાર આવે છે.” સતત એની સાથે રહેતો, એને સમય આપતો, એને ખુશ રાખવાનો પ્રયાસ કરતો સત્યજીત પણ પ્રિયંકાની પીડા સહી શકતો નહોતો. આદિત્યએ જાણીજોઈને એના માતાપિતાને નહોતા બોલાવ્યા. એ નહોતો ઇચ્છતો કે પ્રિયંકાના માતાપિતા એને આવી હાલતમાં જોઈને દુઃખી થાય. સાચું પૂછો તો મહિનાઓ નહીં, હવે દિવસો ગણાવા લાગ્યા હતા. કેટલીક વાર તો પ્રિયંકાની બાજુમાં સૂતેલો આદિત્ય જાગીને એના શ્વાસ ચકાસતો.

અમોલાના વિઝા થતાં જ એ પણ યુ.એસ. આવી પહોંચી હતી. બંને બાળકોની સંભાળ રાખતી, પ્રિયંકાને કંપની આપતી એ પણ ધીમે ધીમે બદલાઈ રહી હતી. આદિત્ય ને પ્રિયંકાના સંબંધો જોતાં એને એ પણ સમજાવા લાગ્યું કે જો માણસ ઇચ્છે તો નાનકડા જીવનમાં પણ કેટલું બધું આપી અને મેળવી શકે છે. એ સત્યજીતની નજીક રહેવાનો પ્રયાસ કરતી. નાની નાની બાબતોમાં એની કાળજી રાખતી. સત્યજીત પણ અમોલામાં આવી રહેલો આ બદલાવ નોંધી શકતો હતો. અમોલા વારંવાર સત્યજીતને એ અહેસાસ આપવાનો પ્રયત્ન કરતી કે એને પોતાના વર્તનનો અફસોસ થઈ રહ્યો છે. એક દિવસ તો એણે પ્રિયંકા અને આદિત્યની સામે જ એવું કબૂલી લીધું કે પોતે સત્યજીત સાથે સારી રીતે નથી વર્તી. એણે સૌની સામે સત્યજીતની માફી માગી. સત્યજીત ઝંખવાઈ ગયો. કશું બોલ્યો નહીં, પણ અમોલામાં આવી રહેલો આ બદલાવને કારણે એને એક આશા જન્મી હતી. એણે હજી સુધી આદિત્ય સાથે સ્પષ્ટ રીતે વાત નહોતી કરી, પરંતુ એણે મનોમન ગાંઠ વાળી હતી. પ્રિયંકાને કંઈક થઈ જાય તો- થવાનું જ હતું, તેમ છતાંય એ જ્યારે જ્યારે પોતાના મન સાથે વાત કરતો ત્યારે સચ્ચાઈથી ભાગતો અને વિચારતો કે ‘જો પ્રિયંકાને કંઈ થાય તો...’

એ મેઘને પોતાની સાથે અમદાવાદ લઈ જવા માગતો હતો. આદિત્ય માટે અમેરિકા જેવા દેશમાં રહીને એકલા હાથે આટલું નાનું બાળક ઉછેરવું અઘરું બનવાનું હતું. એટલે એ યોગ્ય સમયની રાહ જોતો હતો...

એક દિવસ સાંજે આદિત્ય અને પ્રિયંકા બેઠા હતા ત્યારે માથા પર સ્કાર્ફ બાંધેલી, આંખ નીચે કાળા કાળા ચકામા પડી ગયેલા નિસ્તેજ ચહેરાવાળી પ્રિયંકાને જોઈને આદિત્યથી પુછાઈ ગયું, “બહુ તકલીફ થાય છે ?”

“હા આદિત્ય, હિંમત તો આપઘાત કરી લેત, કદાચ.”

“કેમ આવું બોલે છે ?”

“આદિ, સત્ય તો એ છે કે હું નથી જીવવાની. હવે આજે મરી જાઉં કે અઠવાડિયા પછી, શો ફેર પડે ?”

આદિત્ય નવાઈથી પ્રિયંકા સામે જોઈ રહ્યો, “આણે તો લગભગ જીવવાનું છોડી દીધું છે !” એણે વિચાર્યું.

“આદિત્ય, મારે હજુ કેટલું ખેંચવાનું છે ?” પ્રિયંકાની આંખો ભરાઈ આવી, “મારી પાછળ તું મેઘને પણ સમય નથી આપી શકતો. આ સત્યજીત પણ બિચારો મારા મરવાની રાહ જોઈને...” પ્રિયંકા આગળ બોલી શકી નહીં, પરંતુ એ અને આદિત્ય બંને જણા પરિસ્થિતિને બરાબર સમજી શક્યા.

એ રાત્રે આદિત્ય ઊંઘી શક્યો નહીં. એનું મગજ ભયાનક ઝડપથી ચાલતું રહ્યું. પ્રિયંકાની આંખોમાં જોયેલી પીડા અને એની શારીરિક વેદના એનાથી સહી શકતા નહોતા. દવાઓ લઈને ઘસઘસાટ ઊંઘતી પ્રિયંકાને એ થોડી ક્ષણો જોઈ રહ્યો. પ્રિયંકાના ગાલ પર હાથ ફેરવીને એને એક હળવી ચુમી ભરી. એની આંખો ભરાઈ આવી. હોઠ ભીસીને, શ્વાસ ઘૂંટીને એણે પ્રિયંકાની બાજુમાં પડેલું પોતાનું ઓશિકું ઉઠાવ્યું. ફૂલ પર ઝાકળનું બિંદુ હોય એમ એણે હળવેથી પોતાની આંખમાંથી પ્રિયંકાના ગાલ પર પડેલું આંસુ લૂછ્‌યું. ધીમેથી કોઈ પીંછુ મૂકતો હોય એમ એણે એ ઓશિકું પ્રિયંકાના ચહેરા પર મૂકી દીધું.

ખૂબ જ સ્વસ્થતાથી, પણ આંખોમાં આંસુ સાથે એણે એ ઓશિકું જોરથી દબાવ્યું. શારીરિક રીતે નબળી પડી ગયેલી, તૂટી ગયેલી પ્રિયંકા સ્વાભાવિક રીતે જ બહુ પ્રતિકાર ના કરી શકી. થોડીક ક્ષણોમાં જ એનો તરફડાટ શમી ગયો.

પ્રિયંકાના હાલતા હાથ-પગ બંધ થયા કે આદિત્ય પોક મૂકીને રડવા લાગ્યો. બાજુના રૂમમાં સૂતેલાં સત્યજીત અને અમોલા ગભરાઈને અંદર દોડી આવ્યા. ‘ના’માં આડું માથું ધુણાવતો આદિત્ય જોરજોરથી રડી રહ્યો હતો.

“પ્રિયંકા... પ્રિયંકા...”ની બૂમોે પાડતો આદિત્ય ઊભો થઈને સત્યજીતને વળગી પડ્યો.

“ઇટ્‌સ ઓ.કે. આદિ, આ તો થવાનું જ હતું.”

“હા, પણ મારાથી સહન ના થઈ શક્યું. મારી પ્રિયંકાની પીડા ન જોવાઈ મારાથી એટલે મેં જ...” એણે ઓશિકા તરફ આંગળી બતાવી. અમોલા સ્તબ્ધ થઈ ગઈ. એણે દોડીને આદિત્યને કોલરમાંથી હચમચાવી નાખ્યો.

“યુ કિલ્ડ હર... તેં એને મારી નાખી...”

“હા, મેં મારી નાખી એને. મારી પ્રિયંકા આટલી બધી પીડા સહન કરે એવું હું નહોતો ઇચ્છતો. બહુ થઈ ગયું.”

“પણ આ તો ખૂન છે... મર્ડર...”

“ના, આ મુક્તિ છે. પ્રિયંકાને પીડામાંથી મુક્ત કરી દીધી મેં.”

“શટ અપ... મૂરખ જેવી વાત નહીં કર. તને ખબર છે, ફાંસી થશે તને. એના માબાપ ક્યારેય માફ નહીં કરે. મેઘ ધિક્કારશે તને. એની માના ખૂની તરીકે ઓળખશે. હાઉ કેન યુ... આવું તું કરી જ કેવી રીતે શકે ?ક્રૂર છે... ભયાનક માણસ છે તું... જેને પ્રેમ કરતો હતો એને આવી રીતે...” અમોલા જોરજોરથી બોલતી હતી. થોડા દિવસના સહવાસે એને પણ પ્રિયંકાની નજીક લાવીને મૂકી દીધી હતી. પ્રિયંકાનું મૃત્યુ એને માટે પણ ભયાનક આઘાત હતો.

“એ પ્રેમ કરતો હતો, માટે જ આવું કરી શક્યો.” શૂન્યમાં તાકી રહેલો સત્યજીત લગભગ સ્વગત બોલતો હોય એમ બોલ્યો. અમોલાની આંખો વધુ પહોળી થઈ. એણે સત્યજીતની નજીક જઈ તમાચો મારી દીધો.

“શટ અપ... જે પ્રેમ કરતું હોય એ સાચવે, સંભાળે... મારી ના નાખે.”

“જે પ્રેમ કરતું હોય એ જ આટલી હિંમતથી અને આટલી કોમળતાથી મુક્ત કરી શકે અમોલા. તને નહીં સમજાય, મને સમજાય છે. હું આદિત્યની જગ્યાએ હોત તો મેં પણ પ્રિયંકા માટે આમ જ કર્યું હોત.” એ ધીમેથી પ્રિયંકાની નજીક ગયો. કોઈની શેહશરમ રાખ્યા વિના એના ઠંડા-લિસ્સા ગાલ પર આંટળીનાં ટેરવાં ધીમેથી ઘુમાવ્યાં, “પ્રિયંકા હતી જ એવી. એને પીડા સહન કરતી જોઈ જ શકાય નહીં. સુકાયેલું પાંદડું ઝાડ પર લટકીને ફરફર્યા કરે એનાથી ઝાડ અને પાંદડું બંનેને પીડા થાય કદાચ. એને હળવેથી ખેરવી નાખવામાં સૌની ભલાઈ હોય છે...” સત્યજીતની આંખોમાંથી આંસુ સરવા લાગ્યાં હતાં.

“હું પોલીસને બોલાવીશ, કમ્પ્લેઇન કરીશ. હું તમને એટલી આસાનીથી છોડીશ નહીં.” કોણ જાણે કેમ અમોલા સમજવા જ તૈયાર નહોતી.

“બોલાવ પોલીસને. તારે જે કરવું હોય તે કર. હું આદિત્યની સાથે છું.” સત્યજીતે દૃઢતાથી કહ્યું અને ઊભા થઈને આદિત્યના ખભે હાથ મૂક્યો, “દોસ્ત, તેં જે કર્યું છે એ માટે ખૂબ હિંમત જોઈએ. છાતી ફાડીને પ્રેમ કરવો પડે આવો નિર્ણય લેવા માટે... તારા જેટલો પ્રેમ તો કદાચ હુંય નથી કરી શક્યો. નસીબદાર હતી પ્રિયંકા કે એને તું મળ્યો. થોડાં વર્ષોમાં એક જન્મ જીવી ગઈ તારી સાથે.”

આદિત્ય જાણે બેહોશીમાંથી જાગ્યો હોય એમ સત્યજીતની સામે તાકી રહ્યો, “મેં કંઈ ખોટું નથી કર્યું ને ?”

“આદિત્ય, સત્ય-અસત્ય તો આપણે પોતે જ નક્કી કરવાનું. સાચા-ખોટાનાં કોઈ નિશ્ચિત માપ કે પ્રમાણ નથી હોતાં. આપણો આત્મા જેને માટે સાક્ષી પૂરે એ જ સત્ય...”

“હું નથી ઇચ્છતો કે પ્રિયંકાનું શરીર પોસ્ટમોર્ટમમાં જાય. અમોલા ફરિયાદ કરશે તો પોલીસ પ્રિયંકાના શરીરને પોસ્ટમોર્ટમમાં લઈ જશે.” આદિત્યની આંખો ભરાઈ આવી. એણે અમોલાની નજીક જઈને હાથ જોડ્યા,“પ્લીઝ... કો-ઓપરેટ કર.”

“એટલે જુઠ્ઠું બોલું ? તારા ખૂનમાંથી તને સાફસાફ બચીને જવા દઉં, કેમ ? એક જીવતી-જાગતી શ્વાસ લેતી છોકરીને તેં...” અમોલા ફરી રડવા લાગી.

“એણે કંઈ નથી કર્યું.” સત્યજીતનો અવાજ પથ્થરની જેમ સપાટ અને વજનદાર થઈ ગયો, “હું હાજર હતો. પ્રિયંકાએ આપોઆપ શ્વાસ છોડ્યા છે.”

“પરંતુ આ જુઠ્ઠાણું છે.”

“હું પ્રેમ માટે આજે પણ સત્યને છોડી શકું છું... મારે માટે હંમેશાં પ્રેમ મહત્ત્વનો હતો અમેલા, જો સત્ય કહેવાથી દુઃખ જ પહોંચવાનું હોય, પીડા જ મળવાની હોય, પ્રશ્નો જ ઊભા થવાના હોય તો એના કરતા સુખ આપતું અસત્ય મારા માટે વધુ મહત્ત્વનું છે.”

“કાશ સત્ય અને અસત્યની તારી આ વ્યાખ્યાઓને પ્રિયંકા સમજી શકી હોત.” આદિત્યથી કહ્યા વિના રહેવાયું નહીં.

“આ મારી વ્યાખ્યા છે એ સાચું, પણ હુંય હજી હમણાં જ સમજ્યો છું, એક ક્ષણ પહેલાં ! પ્રિયંકાને ખોયા પછી.” સત્યજીતને ડૂમો ભરાઈ ગયો, પણ એ રડ્યો નહીં, “આવું જ થતું હોય છે આદિત્ય, તમારા હાથમાંથી ક્ષણ સરકી જાય, સંબંધ સરકી જાય, સર્વસ્વ ચાલ્યું જાય એ પછી તમે સત્ય-અસત્યનો હિસાબ કરવાને બદલે એક સમાધાન કરવા તૈયાર થઈ જાવ છો. હું અત્યારે હિસાબ કરવાને બદલે એક સમાધાન કરવા માગું છું. મન સાથે અને આત્મા સાથે...”

“આ તો બચાવ છે એક જાતનો. પ્રેમના નામે જૂઠને પહેરાવવામાં આવેલાં વાઘાં. બાકી જુઠ્ઠાણું ક્યારેય સત્યની બરોબરી કરી શકતું નથી.”

એમની દલીલો ચાલતી હતી ત્યારે પણ આદિત્ય ભીની આંખે પ્રિયંકાના ચહેરા પર ખૂબ જ માર્દવ અને વ્હાલથી હાથ ફેરવતો અસ્ફુટ સ્વરે બબડી રહ્યો હતો, “આઇ એમ સૉરી... આઇ એમ રિઅલી સૉરી...” એણે તંદ્રામાંથી જાગ્યો હોય એમ સત્યજીતને પૂછ્‌યું, “સત્યજીત, હું મારી ભૂલ સ્વીકારવા તૈયાર છું. જેલમાં જવા પણ તૈયાર છું. પછી મેઘનું શું?”

“મેઘ તો આમ પણ મારી સાથે જ રહેશે.” સત્યજીતના અવાજમાં નિર્ણય હતો. “ઇચ્છે તો તું પણ ભારત પાછો ફરી શકે છે...”

“તું એક ખૂનીને, એક જુઠ્ઠા માણસને, એક રાક્ષસને આશ્રય આપી રહ્યો છે.” અમોલા ચીસો પાડતી હતી.

“એમ જ હશે. સત્ય અને અસત્યની બરાબરી મારે કરવી પણ નથી. હું પ્રત્યેક પળના સત્યમાં જીવું છું. વીતી ગયેલી પળ બીજી જ ક્ષણે અસત્ય બની જાય છે અને તદૃન અસત્ય લાગતી ભવિષ્યની પળ સામે આવે ત્યારે સત્ય બનીને આવતી હોય છે. મારે તારી સાથે દલીલો નથી કરવી. હું ડૉક્ટરને ફોન કરું છું.” એ ફોન તરફ જવા લાગ્યો, પછી એક ક્ષણ અટક્યો. એણે અમોલાની આંખમાં જોયું, સત્યજીતની આંખમાં તીક્ષ્ણ ચાકુ જેવી વેધકતા અને લોહીની તરસ અમોલા વાંચી શકી, “ડૉક્ટરની સામે તું ચૂપ રહી શકે છે, પણ જેને તું સત્ય કહે છે એ બોલવાનો પ્રયાસ કર્યો તો...” સત્યજીતે કદાચ વધુ કશું જ કહેવાની આવશ્યકતા નહોતી. એની વેધક આંખો એટલી તો ડરામણી હતી કે અમોલા હબક ખાઈ ગઈ. એમના આટલા બધા ઝઘડા દરમિયાન ક્યારેય એણે સત્યજીતની આંખમાં આવો જ્વાળામુખી નહોતો જોયો. એ ચૂપ થઈને કાઉચ પર બેસી ગઈ.

સત્યજીતે ફોન કર્યો, ડૉક્ટર આવ્યા. કોઈ તકલીફ વિના પ્રિયંકાનું ડેથ સર્ટિફિકેટ બની ગયું...

એની અંતિમવિધિ પણ અમેરિકામાં જ કરી નાખવામાં આવી.

તાંબાના કુંભમાં એનાં અસ્થિ સાથે પિન્ક અને બ્લૂ પ્રેમમાં બે બાળકોને લઈને ત્રણ જણા અમદાવાદ એરપોર્ટ પર ઊતર્યા ત્યારે સંબંધોનું સત્ય અને અસત્ય હજીયે પ્રશ્નાર્થ ચિહ્‌ન બનીને શહેરની ગરમ હવામાં સૂકા પાંદડાની જેમ અહીંથી તહીં ઊડતું પોતાનું સ્થાન શોધી રહ્યું હતું.

(સમાપ્ત)