સત્ય અસત્ય - પ્રકરણ - 32 Kajal Oza Vaidya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સત્ય અસત્ય - પ્રકરણ - 32

સત્ય-અસત્ય

કાજલ ઓઝા વૈદ્ય


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


પ્રકરણ - ૩૨

પ્રિયંકાની દવાઓ બરાબર ચાલતી હતી. અમેરિકાના ઉત્તમ ડૉક્ટર્સની દેખરેખ એને માટે ઉપલબ્ધ કરાવાઈ હતી. મોટો થઈ રહેલો મેઘ હવે હસતો, હાથપગ ઉછાળતો, પ્રિયંકા અને આદિત્યને ઓળખતો થઈ ગયો હતો. પ્રિયંકાએ જૉબ છોડી દીધી હતી.

આ બધા છતાં એની તબિયતમાં ખાસ ફેર પડતો નહોતો. મહિને મહિને કરાવવામાં આવતા ટેસ્ટના રિપોટ્‌ર્સ એવું સ્પષ્ટ દેખાડતા હતા કે કૅન્સર ફેલાઈ રહ્યું હતું. કોઈપણ એક કારણસર ધારેલું પરિણામ મળતું નહોતું. ડૉક્ટર્સે બે વાર બોલાવીને આદિત્યને આ વાત કહી હતી. આદિત્ય આ વિશે ચિંતામાં હતો, પણ પ્રિયંકાને કહેતો નહોતો.

ભણેલીગણેલી અને સમજદાર પ્રિયંકાને પોતાની વધુ ને વધુ બગડતી તબિયત સમજાતી હતી. એ પણ બને ત્યાં સુધી તબિયત વિશે ફરિયાદ કરવાનું ટાળતી. બંને જણા સામસામે એકબીજાથી હકીકતો છુપાવીને ખુશ દેખાવાનો પ્રયત્ન કરતા જીવી રહ્યા હતા.

છેલ્લા કેટલાય દિવસથી પ્રિયંકાને રોજ વિચાર આવતો કે એ સત્યજીત સાથે વાત કરે, પરંતુ એણે છેલ્લે જે રીતે વાત કરી હતી એ યાદ કરીને એનું મન પાછું પડી જતું હતું. આખો દિવસ એ આમતેમ ફરતી રહેતી. ફોન પાસે જઈ જઈને પછી પાછી આવતી રહેતી. એનું મન દિવસ આખો એક જ વાત વિચારતું રહેતું, પણ કોઈક કારણસર ફોન ઉપાડીને સત્યજીત સાથે વાત કરવાની એની હિંમત નહોતી.

આદિત્ય આ જોઈ શકતો હતો, પણ એણે મનોમન નક્કી કર્યું હતું કે એ પ્રિયંકાને આ વિશે કશું જ નહીં કહે. રોજેરોજ ઊતરતું વજન, ખરતા વાળ અને બગડતી જતી તબિયત બંનેને ડરાવતી હતી. માથું ઓળતી વખતે આખી ને આખી લટ હાથમાં આવે ત્યારે પ્રિયંકા ગભરાઈ જતી. આદિત્ય એને આશ્વાસન આપતો, ‘‘ઇટ્‌સ ઓ.કે... દવાઓને કારણે થાય ક્યારેક.. ચિંતા કરવા જેવું કાંઈ નથી.’’ પણ એે મનોમન જાણતોેે હતો કે જે કંઈ બની રહ્યું હતું કે પરિસ્થિતિ જે દિશામાઠ ધસી રહી હતી ત્યાં ચિંતા કરવા સિવાય બીજું કંઈ થઈ શકે એમ નહોતું.

એક દિવસ સાંજે આદિત્ય ઘરે આવ્યો ત્યારે પ્રિયંકાની આંખો રડીને લાલચોળ થઈ ગઈ હતી. એનો ચહેરો એકદમ ફિક્કો, પીળો દેખાતો હતો. આદિત્યને ફાળ પડી. એણે નજીક જઈને ખૂબ જ વહાલથી, છતાં સાવધાનીપૂર્વક પ્રિયંકાને પૂછવાનો પ્રયાસ કર્યો, ‘‘કંઈ થયું છે ?’’

પ્રિયંકાએ ડોકું ધુણાવીને ના પાડી, પણ આદિત્ય ચોક્કસ સમજી શક્યો કે શરીરની બગડતી જતી પરિસ્થિતિએ પ્રિયંકાને ડરાવી દીધી હતી. એ પોતાને કશું કહી શકતી નહોતી અને અહીં એના કોઈ મિત્રો નથી એટલે તદૃન એકલી પડી ગઈ છે. પ્રિયંકાના મિત્રનો વિચાર કરતા આદિત્યના મનમાં એક જ નામ આવ્યું, ‘સત્યજીત.’

‘‘સત્યજીતને ફોન કર ને.’’ આદિત્ય તદૃન સ્વાભાવિક હતો.

‘‘તે દિવસે અમે જે રીતે છૂટા પડ્યા એ પછી...’’

‘‘મિત્રોમાં તો ઝઘડા થયા જ કરે. પાંચ મિનિટમાં ઝઘડા થાય, ને પાંચ મિનિટમાં વાત ભૂલાઈ જાય. સત્યજીતને તો યાદ પણ નહીં હોય.

‘‘એ જ પ્રોબ્લેમ છે. એ બહુ આરામથી હઠ કરી નાખે, ને પછી પોતે ભૂલી જાય.’’

‘‘જો પ્રિયા, આટલા વર્ષો પછી એ આવો જ છે એવું તું નહીં સ્વીકારે તો પ્રોબ્લેમ તને થશે, એને નહીં.’’

‘‘કેમ ? એને મારી જરૂર નથી ?’’ પ્રિયંકાની આંખ ફરી ભીની થઈ ગઈ, ‘‘મને સમજાય છે, આદિત્ય કે મારી પાસે બહુ સમય નથી.’’

‘‘ખબરદાર જો ફરી આવું બોલી છે તો.’’ આદિત્યએ એના હોઠ પર આંગળી મૂકી.

‘‘નહીં બોલવાથી વાત બદલાઈ નહીં જાય.’’ એની આંખોમાં કોઈ અપાર્થિવ ખાલીપો ઊતરી આવ્યો. દૂર શૂન્યમાં જોતા પ્રિયંકાએ આદિત્યનો હાથ પોતાના હાથમાં પકડી લીધો. એ પકડ એટલી સખત અને તીવ્ર હતી કે આદિત્ય ડરી ગયો, ‘‘કેટલા દિવસ છે મારી પાસે ?’’ પ્રિયંકાએ આજે સીધું જ પૂછી નાખ્યું.

બંને વચ્ચે જે વાત ઘણા સમયથી થઈ જ નહોતી શકતી એ વાત આજે બે જણા વચ્ચે ખૂલ્લી તલવારની જેમ ઊભી હતી. કોનું માથું ક્યારે કપાશે એનો ભય તોળાવા લાગ્યો હતો.

‘‘તારી ટ્રિટમેન્ટ ચાલે છે. અમેરિકાના બેસ્ટ ડૉક્ટર્સ તારી ટ્રિટમેન્ટ કરી રહ્યા છે. મળી શકે એટલી બધી ઉત્તમ મેડિકલ સગવડો તને મળી રહી છે...’’

‘‘તેમ છતાં સત્ય બદલાતું નથી.’’ મારા બગડતા રિપોટ્‌ર્સ કદાચ તું મને ન બતાવતો હોય, પણ મારી બગડતી હાલત મારાથી અજાણી નથી, આદિત્ય ! ખરેખર તો ભલાઈ એમાં છે કે હવે આપણે બંને સ્વીકારી લઈએ કે મારી પાસે બહુ સમય નથી અને બચેલા સમયનો સદ્‌ઉપયોગ કરવા માંડીએ. જ્યાં સુધી તું મારાથી છુપાવતો રહીશ ત્યાં સુધી હું પણ તારાથી છુપાવતી રહીશ. એકબીજાથી છુપાવવામાં ખુશ દેખાવાનો દંભ કરતા કરતા ખૂલીને રડી પણ નથી શકતા આપણે...’’ એણે હાથ પહોળા કર્યા, ‘‘આદિ... આવ આજે ભેટીને રડી લઈએ. નિશ્ચિત થઈ ગયું છે એ મૃત્યુને સ્વીકારીને હવે એકબીજાની સાથે કમસેકમ સચ્ચાઈથી વર્તીએ...’’

‘‘પ્રિયંકા...’’ આદિત્ય એને ભેટી પડ્યો. કેટલાય દિવસથી ગાડીમાં અને મોટેલની ઑફિસમાં વહેતું રહેલું છાનું રૂદન આજે ખૂલીને પ્રિયંકાની છાતી પર વહેવા માંડ્યું. પ્રિયંકાથી પણ જાતને રોકી શકાઈ નહીં. બંને જણાએ ઘણા સમયથી છાતીમાં ગૂંગળાતા રહેલા ડૂમાને બહાર કાઢીને વહેતો મૂકી દીધો. એકબીજાને વહાલ કરતા બંને જણા ત્યાં સુધી રડતા રહ્યા જ્યાં સુધી મેઘ જાગીને એમના રૂદનમાં પોતાનો સૂર પુરાવવા લાગ્યો.

આદિત્યએ ઊભા થઈને મેઘને હાથમાં લીધો. એનું ડાયપર બદલ્યું. પછી પ્રિયા તરફ જોયું, ‘‘દૂધ બનાવ, બેઠી છે શું ?’’

‘‘હવે મારી આશા છોડી દે... બધું જ તારે કરવાનું છે તો આજથી જ કરવા માંડ.’’ એના ચહેરા પર સ્મિત હતું, પણ આંખોમાં છલકાતી વેદના એ છુપાવી શકી નહીં.

‘‘પ્રિયંકા, આપણા બધાનું મૃત્યુ નક્કી છે, પણ મૃત્યુ આવતા પહેલા મરી જવું એ તારી પ્રકૃતિ પણ નથી અને હું એવું થવા પણ નહીં દઉં.’’

‘‘મૃત્યુ પહેલા મરવા નથી માગતી, આદિત્ય. મૃત્યુ પહેલા જીવી લેવા માગું છું...’’ એણે ભીની આંખે હસીને ઉમેર્યું, ‘‘મારા દીકરા સાથેની, તારી સાથેની એક એક ક્ષણ કિમતી છે મારા માટે. વીસ-પચ્ચીસ વર્ષ જીવી હોત તો કદાચ લડવા-ઝઘડવાનો, દીકરાને ધમકાવવાનો કે ભણાવવાનો સમય મળી શક્યો હોત, પણ એટલો સમય નથી રહ્યો એવું સમજાય છે મને અને એટલે જ જે છે તે સમયની ખૂબ કિંમત છે. પ્રત્યેક પળે મારે વર્ષો જીવી લેવાના છે...’’

‘‘પ્રિયંકા, હું ડરતો હતો કે તુંં વધતા કૅન્સરને કઈ રીતે સ્વીકારી શકે, પણ હવે મને લાગે છે કે મેં હજી સુધી તને પૂરી ઓળખી જ નથી.’’

‘‘આદિત્ય, મેં આખી જિંદગી સત્ય માટે કંઈ કેટલાય સંબંધોની, કંઈ કેટલીયે લાગણીઓની પરવાહ નથી કરી. સત્ય મારા માટે સૌથી અગત્યનું છે. જિંદગીના જે કંઈ થોડા દિવસો બચ્યા છે એ દિવસો જુઠાણાં કે દંભના મહોરાં હેઠળ નથી ગાળવા મારે. જેટલું ઝડપથી સત્યને સ્વીકારીશ એટલી ઝડપથી સુખી થઈશ અને સુખી કરી શકીશ એ વાત મને તો સમજાય છે. તું પણ સ્વીકારી જ લે. શાહમૃગની જેમ માથું રેતીમાં ખોસી દેવાથી આંધી ટાળી નથી શકાતી.’’

‘‘પ્રિયા...’’ આદિત્ય પાસે શબ્દો નહોતા. એ આ સ્ત્રીની હિંમત, આત્મવિશ્વાસ અને ભીતરની શ્રદ્ધા જોઈને ગદ્‌ગદ્‌ થઈ ગયો હતો. પોતાના મૃત્યુને આટલી સ્વાભાવિકતાથી સ્વીકારી એના વિશે આટલી સરળતાથી વાત કરી શકવાની હિંમત પ્રિયંકાની ઉંમરે ભાગ્યે જ કોઈનામાં હોઈ શકે.

‘‘કદાચ ઓછા દિવસો બચ્યા છે એટલે જ રહી રહીને એવો વિચાર આવે છે કે સત્યજીત સાથે વાત કરું. એના મનમાં મારા વિશે જે કોઈ પીડા છે, ફરિયાદ છે એને ઓછી કરું.’’

‘‘જો તું એના મનમાંથી કશું ઘટાડી કે વધારી નહીં શકે... પણ હા, તું તારા તરફથી તારી જાતને આ બોજમાંથી મુક્ત કરી શકે તો મને જરૂર આનંદ થશે.’’

‘‘બોજ નથી આ. મિત્રતાનું ઋણ છે.’’ એણે ધીરેથી આદિત્યના ગાલ પર હાથ મૂક્યો, ‘‘હું આજે પણ એને ચાહું છું. ખૂબ ચાહું છું, આદિત્ય. એક પુરુષ તરીકે નહીં, એક મિત્ર તરીકે. એક માણસ તરીકે. એક એવી વ્યક્તિ તરીકે જેની સાથે મેં મારી જિંદગીનો ઉત્તમ સમય ગાળ્યો.’’

‘‘હું સમજું છું, પ્રિયા અને એટલે જ ઇચ્છું છું કે તું એની સાથે વાત કરે. હું કાંઈ પણ કરું તારો મિત્ર નહીં બની શકું.’’ આદિત્યના અવાજમાં અફસોસ હતો કે ઈર્ષા પ્રિયંકાને સમજાયું નહીં. એણે આંખ મીંચીને ઊંડો શ્વાલ લીધો. આદિત્યની બાજુમાં રમી રહેલા મેઘને વહાલ કર્યું. થોડીક ક્ષણો મેઘના ચહેરા પર, ગાલ પર આંગળીઓ ફેરવતી રહી.

પછી એણે આદિત્ય સામે જોઈને ધીમેથી કહ્યું, ‘‘મારી ટ્રિટમેન્ટ ચાલે છે એટલે હું ભારત નહીં જઈ શકું. મારી ઇચ્છા સત્યજીતને થોડા દિવસ અહીં બોલાવવાની છે. તને કાંઈ વાંધો તો નથી ને ?’’

‘‘હું તને આ જ કહેવાનો હતો, પણ મને લાગ્યું કે...’’

પ્રિયંકા હસી પડી, ‘‘માણસે જલદી મરવું જોઈએ. બધા એની દયા ખાઈને એને જે કરવું હોય તે કરવા દે... જે જોઈતું હોય તે આપી દે...

જલદી માફ કરી દે... ધાર્યું થઈ શકે અને ધાર્યું કરાવી શકાય. ઇઝન્ટ ઇટ ?’’

‘‘ઓફકોર્સ.’’ આદિત્યએ કહ્યું અને હસી પડ્યો. પણ એના મને અંદરથી જવાબ આપ્યો, ‘‘મને તારી દયા નથી આવતી, પ્રિયંકા. મારી જાતની દયા આવે છે. તારા વિના એક દિવસ પણ નથી કાઢી શકતો હું તો બાકીની જિંદગી કેવી રીતે કાઢીશ એ વિચાર કરતા પણ ધ્રુજી ઊઠું છું.’’

(ક્રમશઃ)