મારી કેટલીક માઈક્રોફિક્શન અને લઘુવાર્તાઓ - 6 Valibhai Musa દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારી કેટલીક માઈક્રોફિક્શન અને લઘુવાર્તાઓ - 6

મારી કેટલીક માઈક્રોફિક્શન અને લઘુવાર્તાઓ

(ભાગ – ૬)

(૨૧) હાહાહા… હાહા..હા.

અધકચરું અંગ્રેજી જાણતો એક માણસ ડોક્ટરના ક્લિનિકે ગયો અને જેવો એ ઓફિસમાં ઘુસવા ગયો કે તરત જ દરવાજા પાસે ઊભેલી પરિચારિકાએ તેનો હાથ આડો રાખીને એમ કહીને તેને રોક્યો કે ‘Wait Please.’ (મહેરબાની કરીને રાહ જુઓ.). પેલો માણસ પરિચારિકાના હાથને ઝાટકો મારતાં ૮૦ એવો જવાબ આપીને અંદર ઘુસી થઈ ગયો! હાહાહા… હાહા..હા.

-વલીભાઈ મુસા

***

(૨૨) બીજું તો શું વળી ?

(એક સમયે આ જ મતલબનો કોઈક રમુજી ટુચકો અંગ્રેજી વર્ઝનમાં પ્રચલિત હતો. તેથી જ આ રચના મૌલિક હોવાનો હું કોઈ દાવો નથી કરતો. મારી સ્મૃતિમાં સચવાઈ રહેલી આ રચનાની અભિવ્યક્તિ મારી આગવી શૈલીમાં છે.)

***

એક દિવસે એક મનોચિકિત્સાલયની OPD ની શરૂઆતમાં જ એક માત્ર દર્દીને ડોક્ટરોની પેનલ આગળ લાવવામાં આવ્યો. ડોક્ટરોએ તેનો ઇન્ટરવ્યુ લેતાં એક વિશિષ્ટ પ્રશ્ન પૂછ્યો, ‘તને સારો થઈ ગયા પછી અહીંથી રજા આપવામાં આવે, તો તું પહેલું કામ શું કરે?’ દર્દીએ તરત જ જવાબ આપી દીધો, ‘હું થોડાક પથ્થરના ટુકડા ભેગા કરું અને તમારા દવાખાનાના કાચના બનેલા બધા જ દરવાજા અને બારીઓના કાચ ફોડી નાખું!’ પ્રશ્ન અને તેના જવાબને દર્દીના કેસ ઉપર નોંધી દઈને તેને સારવાર માટે Indoor દર્દી તરીકે દાખલ કરી દેવામાં આવ્યો.

ત્રણ મહિના પછી એ જ દર્દીને એ જ પ્રશ્ન પૂછવામાં આવ્યો અને ડોક્ટરોને સંતોષ થાય તેવો તેણે જવાબ આપ્યો, ‘સાહેબો, હું કમાવા માટે કોઈક નોકરીની શોધ કરીશ!’

‘બહુ જ સરસ! પછી?’

‘હું પૈસા બચાવીશ અને કોઈક સુંદર સ્ત્રીને પરણીશ.’

ડોક્ટરો મૂળ પ્રશ્નના જુદા જ જવાબો મળતા જતા હોઈ તેની સારો થઈ ગયો હોવાની નિશાનીઓ સમજીને ઉશ્કેરાટમાં આવી ગયા અને વળી આગળ પૂછ્યું, ‘પછી?’

‘હું મારી પત્નીને મારા માટે એક કપ કોફી બનાવવાનું કહીશ!’

‘અદભુત! ત્યાર પછી?’

‘પછી તેને સાણસી અને અમારા છોકરાનો જૂનો લેંઘો લાવી દેવાનું કહીશ.’

ડોક્ટરો થોડાક મૂંઝાયા, તેમ છતાંય આગળ પૂછવાનું ચાલુ રાખ્યું, ‘ત્યાર પછી શું, વ્હાલા દોસ્ત?’

‘હું લેંઘાની ઈલાસ્ટીકની પટ્ટી કાપીશ, તેને સાણસીનાં બંને પાંખિયાં સાથે બાંધીને એક નાની ગિલોલ બનાવીશ!’

‘અરે ઓ ઈશ્વર, પણ શા માટે?’

‘તેના વડે પથ્થરના ટુકડાઓ ફેંકીને તમારા દવાખાનાનાં બધાં જ બારીબારણાંના કાચના દરવાજા ફોડી નાખીશ! બીજું તો શું વળી?

બધા જ ડોક્ટરો પોતપોતાની ખુરશીઓમાં ફસડાઈ પડ્યા.

***

(૨૩) બિચારા બધિરજન!

(જગતની વિવિધ ભાષાઓનાં સાહિત્યોમાં કર્તાઓ દ્વારા અદભુત અને પડકારજનક પ્રયોગો થતા રહે છે. આવા પ્રયોગોમાં ‘છ શબ્દીય આત્મકથા’, ‘બે લીટીની વાર્તા’ વગેરેને ગણાવી શકાય. અહીં મેં એક ત્રિસંવાદીય નાટક લખ્યું છે, જેને રૂપાંતરે નાટ્યવાર્તા ગણી લઈને તેને અહીં માઈક્રોફિક્ષન વાર્તા તરીકેનું સ્થાન આપવામાં આવ્યું છે. અનામી બે પાત્રો અને ત્રણ લઘુ સંવાદ એટલી જ આ રચનાની વિષયસામગ્રી છે.)

***

“એય! મુવી (Movie) જોવા જાય છે કે શું?”

“ના રે ના! હું તો મુવી જોવા જાઉં છું!”

“ઓહ! હું તો સમજ્યો હતો કે તું પિક્ચર જોવા જાય છે!”

***

(૨૪) ઓલી સંતુડીએ શિખવાડ્યું હતું!

(નીચેની વાત ગળે ન ઊતરે તો પાણીનો લોટો લઈને વાંચશો, પણ આ સાચી હકીકત છે અને તેનો તમારે સ્વીકાર કરવો જ પડશે, હા!!!)

***

દૂર સુદૂર સાવ પછાત એવા અંતરિયાળ ગામના પાદરે જૂના સાડલા અને ધોતિયાં વડે ઘેઘુર લીમડા નીચે મતદાનમથક ઊભું કરવામાં આવ્યું હતું. મતદાનપ્રક્રિયા ચાલી રહી હતી. પ્રિસાઈડીંગ ઓફિસર તેના પેપરવર્કમાં રચ્યોપચ્યો હતો. ત્યાં તો એક વૃદ્ધા તેમના ટેબલ પાસે આવીને પેટ ઉપરના સાડીના પાલવને સહેજ ઊંચો કરીને પોતાના પેટ ઉપરનું જાંબુડિયા રંગનું ચોકડીનું નિશાન બતાવતાં કહ્યું, ‘ શાબ, બરોબર હે કે?’

‘અરે માડી! તારું ભલું થાય! પણ ચોકડી તો કાગળિયા માથે કરવાની હતી! કાગળિયું ચ્યોં મૂક્યું?’

‘એ તો શાબ પેટીમાં પધરાવી દીધું. હવં શાબ હું જવ?’

‘પધારો, મારી મા! પણ મને જરા સમજાવશો કે મતના કાગળિયાને અને તમારા પેટ ઉપરના નિશાનને શું લાગે વળગે?’

‘એ તો શાબ, ઓલી સંતુડીએ શિખવાડ્યું હતું કે પેટ માથે સિકો મારવાનો!’

પેલો પ્રિસાઈડીંગ ઓફિસર માથું ખંજવાળતો વાતનો તાગ મેળવવા મથતો હતો, ત્યાં તો એ પક્ષના ઉમેદવારનો એજન્ટ સાહેબની મૂંઝવણને સમજી ગયો અને બોલી ઊઠ્યો,‘શાબ, એ નખોદિયાઓએ ગાયના પેટ માથે સિકો મારવાનું શિખવાડ્યું હતું. આ બાપડી ડોશીના કાન સુધી એ વાત આવતાં ખાલી ‘પેટ માથે’ થઈ ગયું અને ઈંના મને ગાય અને વાછરડું ચરવા જતાં રિયાં હશે અને ઈં પોતાના પેટ માથે સિકો દબાવી દીધો.’ આમ કહેતાં તે ખીં ખીં હસી પડ્યો.

મતદાન મથકમાંનાં હાજર સૌ કોઈ હસી પડ્યાં, પણ પ્રિસાઈડીંગ ઓફિસર તો ન હસી શક્યો કે ન રડી શક્યો. એ તો મતદાન મથકની બહાર જતી એ વૃદ્ધાને પહોળા મોંઢે જોઈ જ રહ્યો!

***