એજન્ટ આઝાદ - 10 Sachin Sagathiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એજન્ટ આઝાદ - 10

ઘણો સમય થયો. આઝાદ જુગનુના ટોર્ચરને લીધે આવેલ ઝખમોથી પીડાતો હતો. ચાર પાંચ કલાક પછી જુગનુ ત્યાં આવ્યો. તે કહેવા લાગ્યો, “દર્દ સહન કરવાની મજા આવે છે ને? પણ માનવુ પડે તારી સહનશક્તિ ગજબ છે. હવે હું એવુ પગલુ ભરવાનો છુ જેનાથી તુ પોતે જ મને મારા ડ્રગ્સ આપી દઈશ.” આઝાદ કહે, “મારી શરત પુરી કર્યા સિવાય તારી પાસે કોઈ વિકલ્પ નથી જુગનુ. તુ તારો સમય બગાડી રહ્યો છે.” જુગનુ હસતા બોલ્યો, “તુ મને ઓળખતો નથી. તુ શુ મને શેરીનો ગુંડો સમજશ કે બસ મારી પાવર નાના નાના વિસ્તાર સુધી જ મર્યાદિત છે? આઈ એમ જુગનુ. ઇન્ટરનેશનલ ટેરેરીસ્ટ! હવે તને મારી સાચી તાકાત બતાવવી જ પડશે.” આઝાદ કહે, “તુ ગમે તે કર પણ હુ ડ્રગ્સ તને નહિ આપુ. વિશ્વાસ ન આવતો હોય તો ખાતરી કરી લે.”


જુગનુ કહેવા લાગ્યો, “ખાતરી કરવા માટે તો તારી પાસે આવ્યો છું. પહેલા તપાસ તો કર તારા ખિસ્સામાં તારુ વોલેટ છે કે નહીં?” આઝાદ તપાસ કરવા લાગ્યો. તેને ભાન થયું કે તેના ખિસ્સામાં વોલેટ ન હતું. તે બોલ્યો, “ક્યાં છે મારું વોલેટ? મને આપી દે નહિતર..” જુગનુ બોલ્યો, “કેમ ફિયાન્સીની યાદ આવે છે? તારુ વોલેટ તો મારા માણસોએ તને ટોર્ચર કરતી વખતે જ લઈ લીધું હતું. પણ અત્યારે તારા વોલેટથી મને ઘણો ફાયદો થવાનો છે. કઈ રીતે ખબર છે? ચાલ હું જ જણાવી દઉં. તારી ફિયાન્સીનો ફોટો મેં અમદાવાદમાં રહેતા મારા બધા માણસોને મોકલી દીધો છે. જો તારી ફિયાન્સી ક્યાંય નજરે ચડશે તો મારા માણસો તેને કિડનેપ કરી લેશે પછી તો તુ ડ્રગ્સનું ઠેકાણું બકીશને?”


આઝાદ હસવા લાગ્યો. તેને હસતો જોઈને જુગનુ બોલ્યો, “અરે મૂર્ખા હું તારી પત્નીની વાત કરી રહ્યો છું. તને તારી જીવનસાથીની કઈ પણ પડી નથી લાગતી.” આઝાદ બોલ્યો, “મને હસુ તારા લીધેલા પગલા પર આવે છે. અરે તુ ક્યારનો આ પગલા લેવાની મને ધમકી આપતો હતો? પહેલા કહેવાયને તો થોડી વધારે મજા આવત.” જુગનુ બોલ્યો, “ખરેખર તને કાઈ ચિંતા નથી. લોકો તેના પ્રેમને બચાવવા શુ નથી કરતા અને તુ આવી અર્થ વગરની દેશભક્તિ માટે તારી જીવનસાથીની કુરબાની આપવા તૈયાર થઈ ગયો? આઝાદ યાદ રાખ. મારા માણસો કાઈ તારી ફોટવાળીના ભાઈ કે કાકા નથી. બસ આટલી વાતમાં સમજી જા.” આઝાદ કહેવા લાગ્યો, “એ હું સારી રીતે જાણુ છું તુ તારુ કામ ચાલુ રાખ. જો કિડનેપ થઈ જાય તો મને જરૂર જણાવજે પણ અત્યારે થોડો સમય મને એકલો છોડી દે. થોડી હવા આવવા દે. ક્યારનો મારી સામે ઉભો રહી હવાને આવતી અટકાવશ.” જુગનુ બોલ્યો, “પરીણામ તો હુ તને થોડી જ વારમાં આપીશ પણ તારી હવા તો હવે અટકવાની છે. માટે છેલ્લી વખત સારી રીતે શ્વાસ લઈ લે. પછી હું તને એટલો દોડાવીશ કે તને શ્વાસ લેવાની પણ તક નહિ મળે.”એમ કહી તે ત્યાંથી નીકળી ગયો.


જુગનુને તેમના માણસો દ્વારા કોલ આવ્યો. તેણે વાત કરી તો તેનો માણસ બોલતો હતો, “બોસ અવર પ્લેન વોઝ ફેલ્ડ. શી ઇઝ ડેન્જર ગર્લ. શી વોઝ કિલ્ડ અવર સેવન ગાર્ડસ બૃટલી!”(બોસ આપણી યુક્તિ નિષ્ફળ ગઈ. તે ખતરનાક છોકરી છે. તેણે આપણા સાત ગાર્ડ મારી નાખ્યા.) જુગનુના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે કહેવા લાગ્યો, “વોટ ડુ યુ સે? એક છોકરી સાત પુરુષોને કઈ રીતે મારી શકે? મને વિશ્વાસ નથી આવતો. બીજુ કોઈ તેની રક્ષા કરતુ હશે. તમે બીજા કોઈ પોલીસ વગેરેને જોયો હતો?” તેનો માણસ બોલ્યો, “સોરી બોસ શી ઇઝ ઓન્લી વન. વી કન્ટ કેચ હર. આઈ લિવ ધીસ મિશન નાવ. આઈ ડોન્ટ વોન્ટ ટુ ડાઈ. સોરી બોસ.”(માફ કરજો બોસ. તે માત્ર એક જ હતી.અમે તેને ન પકડી શક્યા. હું આ મિશન અહીં છોડુ છું. મારે મરવુ નથી. માફ કરજો.)એમ કહી તેણે કોલ કટ કરી નાખ્યો.


તેની વાત સાંભળી જુગનુ ગુસ્સે થયો અને તેણે ફોન તોડી નાખ્યો. તે સીધો આઝાદ પાસે ગયો અને તેનો કોલર પકડી કહેવા લાગ્યો, “સાલા કૂતરા તારી ફોટાવાળીની રક્ષા કરવા કોને મૂકીને આવ્યો છો? તેણે મારા સાત માણસોને ભયાનક મોતે માર્યા છે. તુ હવે મારી સાથે ગેમ રમવાનુ બંધ કર. બોલ કોણ છે તેની રક્ષા માટે?” આઝાદ બોલ્યો, “બસ એક છોકરીએ તારા સાત માણસોને મારી નાખ્યા? કેવી વિચિત્ર વાત છે ને?” જુગનુ બોલ્યો, “મને નથી લાગતુ તેણે માર્યા હોય. છોકરી તો નાજુક હોય છે તે ક્યાંથી આવુ કરી શકે? આ ઘટના પાછળ બીજું કોઈ છે.”


આઝાદ હસીને બોલ્યો, “બસ હવે સમજાયુ કે હું તારી ધમકીથી કેમ નહતો ડરતો? તુ શુ સમજશ ભારતીય નારી માત્ર ઘૂમટો રાખીને ખૂણામાં બેસી રહે છે? એક ભારતીય થઈને તને એટલી ખબર નથી ભારત દેવીઓનો દેશ છે. ત્યાં સ્ત્રીને પૂજવામાં આવે છે. ભારતીય નારી તારી જેવા પાપીઓને સહન પણ કરી લેશે પણ સમય આવતા તે દુર્ગા પણ બની શકે છે. હવેથી ભારતીય નારીને કમજોર સમજવાની ભૂલ ન કરતો. હું તારી સામે છાતી ઠોકીને ઉભો છુ તેનુ કારણ સ્વાતિ જ છે. તેણે જ મને ટ્રેનિંગ આપી તારી સાથે લડવા સક્ષમ બનાવ્યો છે. તુ જે સહનશક્તિના વખાણ કરતો હતો તે પણ તેને આભારી છે. તેનો પ્રેમ મને દેશભક્તિ કરવામાં મદદ કરે છે. તારી જેવા હજારો આવે તો પણ મને ડર નથી. હજુ પણ તારી પાસે સમય છે. આ બધા કામ કરવા કરતા મારી એક શરત પુરી કરી નાખ. તારે જીવવુ છે કે જોર્ડનને બચાવવો છે. હવે તો તુ જાણી ગયો જ હશે કે મારી પત્ની જોર્ડનને મારવા સક્ષમ છે જ અને તેને જોર્ડન સુધી પહોંચતા વાર નહિ લાગે પણ એના હાથમાં મારા નામની મહેંદી છે તે હું પાપીઓના લોહીથી રંગવા નથી માંગતો તેથી હુ તને ચાન્સ આપુ છુ. કોની જિંદગી તારા માટે મહત્વની છે? તારી કે જોર્ડનની?”


જુગનુ એટલો મૂંઝવણમાં આવી ગયો કે તેના ચહેરા પરથી આઝાદ સમજી ગયો હતો કે હવે જુગનુ શરત પુરી કરવા તૈયાર થઈ જશે. જુગનુએ ત્યાંથી નીકળી બહાર આવી જોર્ડનને કોલ કર્યો. જોર્ડન જેવો કોલ પર આવ્યો કે જુગનુએ તેની વાત શરૂ કરી દીધી, “બોસ પ્લીઝ હેલ્પ મી. માફિયા ગેંગ વિલ કિલ મી. પ્લીઝ બોસ પ્લીઝ. વાઈ આર યુ ડુઇંગ ધીસ વિથ મી? આઈ એમ યોર સ્લેવ. પ્લીઝ બોસ હેલ્પ મી.”(બોસ મારી મદદ કરો. માફિયા ગેંગ મને મારી નાખશે. તમે શા માટે મારી સાથે આમ કરી રહ્યા છો? હું તમારો ગુલામ છુ. પ્લીઝ મારી મદદ કરો.)


જોર્ડન બોલ્યો, “આઈ ટેલિંગ યુ અગેન. ઇટ્સ યોર પ્રોબ્લેમ નોટ માઇન. આઈ હેવ નોટ મની ફોર યુ. ડુ વોટએવર વોટ યુ કેન. પ્લીઝ ડોન્ટ કોલ મી ફોર ધીસ અધરવાઇઝ આઈ વિલ કિલ યુ બીફોર માફિયા ગેંગ.”(હું તને ફરી વખત કહી રહ્યો છું આ તારો પ્રશ્ન છે નહીં કે મારો. મારી પાસે તારા માટે પૈસા નથી.તું ગમે તે કર જે તું કરી શકે. મહેરબાની કરીને આ માટે મને કોલ ન કરતો નહિતર માફિયા ગેંગ પહેલા હું તને મારી નાખીશ.) એમ ગુસ્સે થઈ તેણે કોલ કટ કરી નાખ્યો.


જુગનુ પાસે હવે એક પણ વિકલ્પ રહ્યો ન હતો. તેને માફિયા બોસના વાંરવાર કોલ આવવા લાગ્યા. તે જુગનુ પાસે પોતાના ડ્રગ્સના કરોડો રૂપિયાની માંગણી કરવા લાગ્યા. જુગનુએ તેના માણસો અને તેના અન્ય સાથીદારો પાસે રૂપિયાની માંગણી કરી પણ તેઓએ જુગનને સહકાર ન આપ્યો. તેના એક મિત્રએ તો તેની હસી ઉડાવતા કહ્યું, “જે જુગનુ આખી દુનિયાનો રાજા થઈ પોતાની હૂકુમત કરવા માંગતો હતો તે આજ ભિખારીની જેમ બધા પાસે હાથ ફેલાવી પૈસા માંગી રહ્યો છે.” જુગનુ તેના શબ્દો સહી ન શક્યો તેણે તેના મિત્રનુ કતલ કરી નાખ્યું. તેણે મદદ આવવાની બધી આશાઓ છોડી દીધી. તેને ફક્ત એક જ વિકલ્પ નજરે આવતો હતો કે તેને પોતાનો જીવ બચાવવા જોર્ડન સાથે વિશ્વાસઘાત કરવો જ પડશે. તેણે પોતાનો જીવ બચાવવાનો નિર્ણય લીધો અને આઝાદ પાસે ગયો.


તે આઝાદની સામે બેસી કહેવા લાગ્યો, “તુ સાચુ જ કહેતો હતો જે માણસ પોતાના માબાપની હત્યા કરતા ક્ષણવાર પણ વિચારતો નથી તેની પાસે વફાદારીની આશા શુ રાખવી? તે મારી પાસે એકપણ વિકલ્પ નથી છોડ્યો. આઝાદ તારા આવવાથી મને એટલુ સમજાયુ કે આ ધંધામાં ફક્ત પૈસાની કિંમત છે વફાદારીની કોઈ કિંમત નથી. અહીં કોઈ કોઈનુ અંગત નથી. બધા સેલ્ફીશ છે. આટલા વર્ષોમાં મેં આ ક્ષેત્રના બધા રંગ જોઈ લીધા હતા ફક્ત આ રંગ જ ક્યારેય જોયો ન હતો. પણ તારી શરતે મને દેખાડી દીધો. મારી વાત સાંભળીને તુ એમ ન વિચારતો કે જુગનુને પસ્તાવો થાય છે. જુગનુને પસ્તાવો તેના માબાપને માર્યા પછી પણ નહતો અને આજે પણ નથી. આતંકવાદી માટે કોઈ સંબંધ મહત્વનો નથી. હું ફક્ત મારા માટે અને મારી ખુશી માટે આતંક ફેલાવું છું. હું કોઈ ધર્મના પ્રચાર કે રક્ષા માટે પણ નથી આ કામ કરતો. બસ વિશ્વમાં લોકો એવી રીતે તડપે જેવી રીતે મારો ભાઈ તડપીને મરી ગયો હતો. હું તારી શરત પુરી કરવા તૈયાર છુ.”


આઝાદ બોલ્યો, “એ તો મેં તને પહેલા પણ કહ્યું હતુ કે તુ તારો સમય બગાડી રહ્યો છે. ચાલ હવે તે સ્વીકારી લીધુ છે એટલે હું કવ એમ કરતો જા એટલે તારા ડ્રગ્સ તારી પાસે.” જુગનુ કહે, “હા બોલ હુ શુ કરુ?” આઝાદ બોલ્યો, “હુ તને ચાર દિવસનો સમય આપુ છું. તુ જોર્ડન સાથે એક મીટિંગ રાખી તેને તારા જ બેઝ પર બોલાવ. જો એ આવવાની ના પાડે તો તેને જણાવ કે ભારતને બરબાદ કરવા એક આતંકવાદી સંગઠન એક પ્રોજેકટ લઈને આવ્યું છે. તે ભારતની બરબાદીનું નામ સાંભળી તરત આવશે. બસ આ કર અને હું તે પ્રોજેકટ લઈને આવીશ. બસ તારા માણસોને સમજાવી નાખજે કે આ વાતની જાણ જોર્ડનને ન થાય. જો એક પણ પગલુ ખોટુ પડ્યું તો હું તો મરીશ જ પણ તારુ મૃત્યુ પણ નિશ્ચિત છે.” જુગનુ તે માટે સહમત થઈ ગયો.


આઝાદ બેઝમાંથી નીકળી ગયો. તેણે જુગનુ પાસેથી પોતાની બધી વસ્તુ લઈ લીધી. તેણે જીગરને કોલ કર્યો. જીગરે પૂછતાં કહ્યું, “આઝાદ. તું ઠીક તો છેને? આપણે આવ્યા તેના ઘણા દિવસો થઈ ગયા. એરપોર્ટથી તું અચાનક ક્યાં ગાયબ થઈ ગયો?” આઝાદ કહેવા લાગ્યો, “હું ઠીક છું જીગર. યાર મને જુગનુના માણસો એરપોર્ટથી ઉઠાવી ગયા હતા. મને ઘણો ટોર્ચર કર્યો પણ મેં આપણા નક્કી કર્યા પ્રમાણે જુગનુને મનાવી લીધો છે. તારી નજરમાં જોઈ કોઈ વિપન સપ્લાયર કે ડ્રગ્સ સપ્લાયર હોય તો તેને ગમે તેમ આ કામ માટે મનાવી લે. જેને જોઈને જોર્ડનને શંકા ન થવી જોઈએ કે મિટિંગ એક ષડયંત્ર છે. તારું એડ્રેસ આપ હું ત્યાં જ આવું છું.” જીગરે તેનું સરનામું આપ્યું. આઝાદ ત્યાં પહોંચી ગયો.


જીગરને મળી તે તેને ભેટ્યો. જીગરે તાત્કાલિક ડોકટર બોલાવી આઝાદને સારવાર આપી. બે દિવસ પછી આઝાદ સ્વસ્થ થતા જીગર તેને પોતાના વર્કશોપમાં લઇ ગયો. તેણે એક જેકેટ બતાવી કહ્યું, “આઝાદ તે કહ્યું એ પ્રમાણે પોઇઝન બોમ્બવાળું જેકેટ તૈયાર થઈ ગયું છે. આ જેકેટ જેણે પહેર્યું હશે તે વિસ્ફોટથી મરી જશે અને તેની ઝેરી ગેસથી તેની આજુબાજુના જીવો પણ મરી જશે. પણ મને પ્રશ્ન એ થાય છે કે જુગનુ આ જોર્ડન પાસે લઈ કેમ જશે?” આઝાદ બોલ્યો, “સોરી જીગર મેં પ્લેન થોડો ચેન્જ કર્યો છે. જુગનુ પાસે એક પણ એવો માણસ નથી જે આ કામ કરે.”


જીગર બોલ્યો, “પણ આ જેકેટનો પ્લેન મને સમજાતો નથી. તુ આ જેકેટથી હ્યુમનબોમ્બ બનાવવા તો નથી માંગતો ને?” આઝાદ બોલ્યો, “હા એ તો પ્લેન છે. જોર્ડનની મિટિંગમાં આપણો માણસ ત્યાં જેકેટ પહેરીને જશે અને તક મળતા ત્યાં બ્લાસ્ટ થઈ જશે. બસ જોર્ડનની કહાની પુરી! પણ.. આપણી પાસે એવો માણસ નથી. બધાને જીવવું હોય છે. કદાચ આપણે કોઈ માણસ રાખીએ અને એ કામ કરતી વખતે ગભરાઈ ગયો તો જોર્ડન બચી જશે. હું જોર્ડનને મારવાની એક પણ તક ગુમાવવા નથી માંગતો માટે મેં નક્કી કર્યુ છે કે...” જીગર બોલ્યો, “શુ નક્કી કર્યું છે આઝાદ. કઈક સમજાય એમ બોલ. ખરેખર તારો પ્લેન શુ છે?”


આઝાદ બોલ્યો, “મેં નક્કી કર્યું છે કે હું પોતે જ હ્યુમનબોમ્બ બનીને ત્યાં જઈ મારા મૃત્યુ દ્વારા જોર્ડનને ખતમ કરી નાખીશ. મારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી.” જીગર કહે, “આઝાદ આ બરાબર નથી. તને ખબર છે તું શું કરવા જઈ રહ્યો છો? તારા લગ્ન થયાના હજુ પંદર દિવસ પણ નથી થયા. યાર સ્વાતિનો તો ખ્યાલ કર. એ તારા વિના કેમ જીવશે?” આઝાદ બોલ્યો, “એ જીવી લેશે. હું તેને પરિણામ જણાવીને જ આવ્યો છું. મેં તેને વિધવા બનવા મનાવી લીધી છે. હવે આ છેલ્લી ઘડીએ મેં મારા અંગત સુખનું વિચાર્યું તો મારા જેવો દેશદ્રોહી કોઈ ન હોય શકે. જો જોર્ડન જીવશે તો ભારતમાં કદી શાંતિ નહિ થાય. જ્યાં ત્યાં બોંબબ્લાસ્ટ થશે. ધર્મના નામે હુલ્લડ થશે. આપણી એકતા તોડી નાખશે. મારે વિખરાયેલા નહિ પણ અખંડ ભારતમાં જીવવું છે અને મરવું છે. કારણ કે હું એટલું જાણું છું કે આતંકવાદી માત્ર બોંબબ્લાસ્ટ જ નથી કરતા પણ દેશની એકતા તોડવાનું પણ કાર્ય કરે છે. તને મારી વાત ખોટી લાગતી હોય તો કાશ્મીરના પ્રશ્નને જ જોઈ લે. આતંકવાદીઓ ભારતીય અને પાકિસ્તાની પ્રજાને એકબીજા સામે ભડકાવી આગ લગાવી રહ્યા છે. લોકો જે સમજે એ પણ પાકિસ્તાન આપણુ શત્રુ નથી. જેમ બે ભાઈઓના લગ્ન થઈ જતા. નાના નાના પારિવારિક ઝગડાઓથી બચવા બેમાંથી એક ભાઈ અલગ ઘર વસાવી અલગ થઈ જાય છે એમ પાકિસ્તાન પણ આપણાથી જુદું થઈ ગયું છે એનો અર્થ એવો નથી કે તે આપણુ શત્રુ છે. બસ આ નાની દુશ્મની મોટી ન થાય તે માટે મારે આ દેહ ત્યાગવો જરૂરી છે.”


જીગર બોલ્યો, “વાહ શુ તારી વિચારધારા છે! આઝાદ મને આપણી દોસ્તી પર ગર્વ છે કે હું તારો મિત્ર છું. મારે તો બસ જોવુ હતુ કે તને દેશ પ્રત્યે કેટલો પ્રેમ છે? આઝાદ જ્યારે હું દસ વર્ષનો હતો ત્યારે મારા દાદા મને ભગતસિંહજી અને બીજા ઘણા શહીદોની વાતો સંભળાવતા. તે હંમેશા મને કહેતા કે આ શહિદોએ ખૂબ નાની વયે ભારતમાતાની આઝાદ માટે પોતાનુ બલિદાન આપ્યું હતું. તેમણે મને એક વાત હમેશા કીધી છે કે જ્યારે દેશ માટે શહીદ થવાનો મોકો મળે ત્યારે વધારે વિચારવું નહિ. બસ મારે હવે વધારે વિચારવું નથી. આ બલિદાન હું આપીશ. હું હ્યુમનબોમ્બ બનીશ. મૃત્યુ ફક્તને ફક્ત મારુ થવું જોઈએ.”


આઝાદ કહે, “યાર જીગર તે મારી ઘણી મદદ કરી છે પણ હવે તું મરવાની વાત ન કર. તને ગુમાવીને હું કદી મને માફ નહિ કરી શકું. તારે હ્યુમનબોમ્બ નથી બનવુ.” જીગર કહે, “ના આઝાદ. તું મને હવે રોકતો નહિ. જ્યારે જેકેટ બની ગયું હતું ત્યારે મેં નક્કી કરી લીધું હતું કે આ કોણ પહેરશે. આઝાદ મારા જીવવા ન જીવવાથી કોઈ ફરક નહિ પડે. મારા મૃત્યુથી બસ મારા માબાપ બે દિવસ રડસે અને આખી જિંદગી દીકરાની કમી અનુભવશે. પણ જો તને મૃત્યુને હવાલે કરી દઉં તો સ્વાતિને વિધવા જોઈને હું કદી મને માફ નહિ કરી શકું. પ્લીઝ મારે મારા દાદાને ગર્વથી મળવું છે. મારે તેમની ઇચ્છા પૂરી કરવી છે. હવે મને રોકીશ નહિ.”


આઝાદ કહે, “જીગર જીદ ન કર. આ કામ તારે નથી કરવું. મેં તને પ્લેન કહીને ખોટું કર્યું.” જીગર કહે, “આઝાદ મને રોક નહિ. તને આપણી દોસ્તીના સોગંદ છે. શુ તુ મને મારા દાદાની ઈચ્છા પણ પુરી કરવા નહિ દે?” જીગરના છેલ્લા શબ્દો સાંભળી આઝાદ કંઈપણ બોલી ન શક્યો.


બીજા દિવસે બંને મિત્રો એક વિપન સપ્લાયરનું ગ્રૂપ લઈને જુગનુ પાસે ગયા. જુગનુએ જોર્ડને બેઝ પર બોલાવી લીધો હતો. આઝાદે જુગનુને કહ્યું, “પ્લેન બરાબર ચાલી રહ્યો છે. હું ઈશારો કરુ એટલે તુ કઈ બહાનુ કાઢી ત્યાંથી ઉભો થઇ બહાર નીકળી જજે.” જુગનુ કહે, “મને મારા ડ્રગ્સ મળી તો જશે ને?” આઝાદ કહે, “તુ એ ચિંતા ન કર. બસ આ પ્લેન નિષ્ફળ ન જાય એની કાળજી રાખજે.”


તેઓ મિટિંગ રૂમમાં દાખલ થયા. જોર્ડન કહેવા લાગ્યો, “નાવ સ્ટાર્ટ અવર મિટિંગ. હેય મેન વોટ ઇઝ યોર નેમ?” જીગર બોલ્યો, “સર માઇ નેમ ઇઝ બ્લાસ્ટ.” જોર્ડન નામ સાંભળી બોલ્યો, “બ્લાસ્ટ! ઓહ નાઇઝ નેમ. ઇટ સ્યુટ વિથ યોર વર્ક. સો બ્લાસ્ટ વોટ કેન યુ ડુ ફોર ડિસ્ટ્રોયઇંગ ઇન્ડિયા? આઇ મીન વોટ ઇઝ યોર પ્રોજેકટ?”(બ્લાસ્ટ! સરસ નામ છે. આ તારા કામ સાથે અનુકૂળ છે. તો બ્લાસ્ટ તું ભારતનો વિનાશ કરવા તુ શુ કરી શકે છે? અર્થાત તમારો પ્રોજેક્ટ શુ છે?)


જીગરે મોકો જોતા જ આઝાદને ઈશારો કરી કહ્યું, “ગાર્ડ. ગીવ મી અવર પ્રોજેકટ ફ્રોમ અવર કાર. ગો કવીકલી.” જુગનુ બોલ્યો, “હેય વેઈટ. આઈ એમ કમીંગ વિથ યુ.” જોર્ડન જુગનુના નિર્ણયને સાંભળી બોલ્યો, “ગુડ જુગનુ. નાવ યુ થિંક એઝ મી. ગો વિથ હિમ.” (સરસ જુગનુ. હવે તુ મારી જેમ વિચારશ. જા તેની સાથે.) જુગનુ અને આઝાદ રૂમની બહાર આવ્યા. જીગર પણ કંઈક બહાનુ કરી આઝાદ પાસે આવ્યો. તેને પાસે આવતો જોઈ આઝાદ તેને ભેટી પડ્યો. તે કહેવા લાગ્યો, “યાર તે મને છેલ્લે દગો તો આપ્યો. તે મારા બલિદાનથી મળતો યશ તે તારા માથે લઈ લીધો.” જીગર બોલ્યો, “મારે આ કરવુ જરૂરી હતુ. બસ મારી એક છેલ્લી ઈચ્છા છે. મારા માબાપની બધી ઈચ્છા પૂરી કરવાની જવાબદારી હું તને સોંપૂ છું. તેમને કદી મારી કમી અનુભવવા ન દેતો.”


આઝાદની આંખમાં આંસુ આવી ગયા. તે કહેવા લાગ્યો, “યાર આ તારે ક્યાં કહેવાની જરૂર હતી? એ તો મારી જ જવાબદારી છે.” જીગર બોલ્યો, “હવે તુ અહીંથી નીકળી જા. નહિતર આ લોકોને શંકા થશે.” આઝાદ અને જીગરે એકબીજાને સલામી આપી ‘જયહિંદ અને વંદે માતરમ’ કહી વિદાય લીધી.


આઝાદ અને જુગનુ બોમ્બની રેન્જમાં આવતા એરિયામાંથી બહાર નીકળી ગયા. આ બાજુ જોર્ડને કહ્યું, “હેય બ્લાસ્ટ વોટ ઇઝ યોર પ્રોજેક્ટ. ટેલ મી ફાસ્ટ.” જીગર બોલ્યો, “માય પ્રોજેક્ટ ઇઝ યોર ડેથ.” જોર્ડન એ સાંભળી બોલ્યો, “વોટ ડુ યુ સે?” જીગર બોલ્યો, “યોર ટાઈમ ઇઝ અપ.” તેણે જેકેટનું સ્વિટચ દબાવી બ્લાસ્ટ કરી નાખ્યું. જેકેટના બ્લાસ્ટ થવાથી આખુ બેઝ વિનાશ પામ્યું. જુગનુ તે જોઈ બોલ્યો, “તારો માણસ ખૂબ વફાદાર છે.” આઝાદે કહ્યું, “તો હવે મારે પણ મારા મિત્રને વફાદાર રહેવું જોઈએ ને?” જુગનુ કહે, “હા રહેવું જોઈએ. પણ મારા ડ્રગ્સ હવે તો આપી દે. જો હવે કોઈ ગેમ ન રમતો મારી સાથે.”


આઝાદ બોલ્યો, “તને શું લાગે છે જે ડ્રગ્સ તે મારા દેશને બરબાદ કરવા મને આપ્યા હતા એ હું સાચવીને રાખીશ? મેં ભારત આવ્યાના બીજા જ દિવસે તેનો નાશ કરી નાખ્યો હતો.” જુગનુ ગુસ્સેથી આઝાદને મારવા લાગ્યો અને કહેવા લાગ્યો, “ચીટર. તને હું જીવતો નહિ છોડું.” તે જેમતેમ આઝાદને મારતો હતો. આઝાદે તેની ડોક પકડી મરડી નાખી અને જુગનુ મૃત્યુ પામ્યો.


આઝાદ અમદાવાદ આવી ગયો. તે મેજર સાહેબના ઘરે ગયો. મેજર સાહેબ તેને જોઈને ભેટી પડ્યા. તે કહેવા લાગ્યા, “વાહ મારા સિંહ. હવે મારી સ્વાતિ સાચી. તે હંમેશા એક જ વાત કરતી હતી કે તુ જરૂર આવીશ. શાબાશ! મને તારા પર ગર્વ છે.” આઝાદ બોલ્યો, “મેજર સાહેબ તમારી પ્રતિજ્ઞા પુરી થઈ અને મારો બદલો. પણ સાચુ કહું તો મેં કઈ કર્યું નથી.” મેજર સાહેબ કહે, “શુ વાત કરે છે તુ? તારા થકી તો આ ભગીરથ કાર્ય પાર પડ્યુ છે.”


આઝાદ બોલ્યો, “જો મારો મિત્ર જીગર સાથે ન હોત તો હું કઈ પણ કરી ન શક્યો હોત. હું તો જુગનુની કેદમાં હતો. મારા મિત્રે પોતાના પ્રાણની આહુતિ આપીને આતંકવાદને દૂર કરવાનો આ મહાયજ્ઞ પૂર્ણ કર્યો છે. તેથી હું તમને વિનંતી કરું છું કે તેના પરિવારને બધુ જ આપવામાં આવે જે દરેક સૈનિકને શહીદી વખતે મળે. તેમને સન્માનિત કરવામાં આવે અને તે હવે મારી જવાબદારી છે.” મેજર સાહેબ બોલ્યા, “હા આઝાદ એમજ થશે. આપણે આટલી તાલીમ લઈને કંઈપણ કરી ન શક્યા. આઝાદ હું એટલુ સમજ્યો કે દેશની રક્ષા કરવા માટે કોઈ વિશિષ્ટ પ્રકારની તાલીમ જરૂરી નથી પણ દેશ માટે મરી છૂટવાની એક પ્રબળ ઈચ્છા જ કાફી છે. જે જીગરે સાબિત કર્યું છે.”


સ્વાતિ આઝાદના માતા પિતા સાથે ઘરમાં પ્રેવેશે છે અને આઝાદને હેમખેમ આવેલો જોઈ તેની તરફ દોડી જાય છે અને તેને ભેટી પડે છે. તે કહે છે, “સ્ત્રીના નસીબમાં જંગ પર ગયેલો પતિ પાછો આવે એવું ભાગ્યે જ બને છે. થેંક્યું સોલ્જર!”


The end.


‘એજન્ટ આઝાદ’ જો પૂર્ણ થઈ શકી હોય તો એનો યશ માત્રને માત્ર મારા પ્રિય વાંચકોને જ જાય છે. જેમણે મને ડગલે ને પગલે સહકાર આપી મને આ સ્ટોરી લખવા પ્રોત્સાહિત કર્યો. હું આપ સૌનો દિલથી આભારી છું. ખૂબ ખૂબ આભાર. જયહિંદ, વંદે માતરમ અને ઇન્ડિયન આર્મીને સલામ.