જીવનની હકીકત - 5 Tarulata Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

 જીવનની હકીકત - 5

જીવનની હકીકત 5 ' માછલીનો તડફડાટ '

મારા જીવનની હકીકતને વણતી વાર્તાઓ 1 મને કહોને શું છે' 2બેચેન રાત્રિ ' 3 'તોફાની ગતિ ' 4'તું ક્યાં જાય છે? 5' માછલીનો તડફડાટ 'હવેના ભાગ 'વાંચશો.વાચકો પ્રોત્સાહન આપવા બદલ ખૂબ આભાર. આ પ્રસંગોનો સમય 1960ની આસપાસનો છે.પ્રસઁગો બને છે ગુજરાતના નાનકડા નગર નડિયાદમાં જયારે આજની જેમ વાહનો ,ફોન કે ટેક્નોલોજી નહોતી. મધ્યમ વર્ગના કુટુંબની આ કથા છે,સાંકડી પોળના નાના ઘરમાં રહેતી છોકરીના મુક્તિ માટેના તડફડાટનું આલેખન વાંચો....

માછલીનો તડફડાટ

તું ક્યાં જાય છે? બાના પ્રશ્નનો જવાબ ખુદ કોમલ જાણતી નથી.જ્યાં થોડી મોકળાશ હોય ,પોતાની
ચીજોને કોઈ અડે નહિ ,કોલેજ જવા તૈયાર થઈ મોટા અરીસામાં પોતાના પ્રતિબિબને મનભરી જોયા કરે ત્યાં ...!

કોમલ ધડ ધડ દાદરો ઊતરી નીચે ભૂસકો મારવાની હોય તેમ ઓટલાની ધારે ઊભી રહી.પોળમાં છોકરાઓ આડેધડ બેટથી બોલને ફટકારતા અને બૂમાબૂમ કરતા હતા.અંદરના ભાગે ઓટલા પર નાની છોકરીઓ પગથિયાં રમતી હતી.બાબુ આવ્યો તે પહેલાં રમતી કોમલ તેને દેખાઈ.
બાજુના ઓટલે બેસી છીકણી ઘસતાં કાશીબા થુંકની પિચકારી મારી તાડૂક્યાં :'અલી છોડી ,હખણી માંહિલી(અંદર) કોર ઉભી રે ,ભુસ્કો મારવો હોય તો સન્તરામ તળાવે જા .' કોમલ કચવાતા મને મોં ફેરવીને ખસી ગઈ.
પોળમાં બધા તેમને ગાંડી કહેતા.આખો દિવસ ઓટલે બેસી જતા આવતા જોડે બૂમો પાડી લડ્યા કરે.પાંચ વર્ષ પહેલાં એમની જુવાનજોધ દીકરી કોઈ માસ્તર સાથે ભાગી ગયેલી,કાંતાના મોટાભઇઓએ બે દિવસ પછી શોધી ઘરના ભોંયરામાં પૂરી દીધેલી.કાંતાએ સાડીનો ગાળિયો કરી ત્યાંજ આપઘાત કર્યો,પોલીસ કેસ થયો તેમાં બે ભાઈઓ છટકી ગયેલા.ત્રીજો જેલમાં ચક્કી પીસે છે.તે દિવસના ડોશી બબડે 'મૂઈ તળાવે જઈને પડી હોત તો મારો નાનીયો ... કહી પોક મૂકતા.એમને પાણી આપનાર કે ઘરમાં લઈ જઈ સુવાડનાર કોઈ નહિ .બાને દયા આવે ,રોટલી શાક કે ચપટી ચવાણું ને ચા આપી આવે.પડોશીઓને કોઈને ડોશીનો કકળાટ ગમતો નહિ .કહેતા:'જીવતેજીવ નરક જેવું આવું દુઃખ ! બિચારી છોડીની હાય માને લાગી ,ભગવાન છોડે તો હારું '

બાપુને દુકાનની પાસે હોય તેવું ઘર મળી ગયેલું તેથી બીજે ક્યાંય પોતાનું ઘર ખરીદવા તેઓ રાજી નહોતા. ખારી પોળની વસ્તી દરજી,પટેલ,બામણ ,નાગર ,લુવાણા ,પચાલ એમ પચરંગી. પોળના કેટલાક છોકરાઓ રખડપટ્ટી અને વ્યસનમાં પડેલાં . પોળમાં ક્રિક્રેટ રમ્યા કરે ,આવતાંજતાંને બોલ વાગે કે ઘરના ઓટલે બેઠેલાંનું કપાળ ફૂટે ... બેશરમ રમયા કરે .પછી 'મૂઆ ફાટેલા 'ની ગાળો વરશે. સારા ઘરના છોકરાઓ એના ભાઈઓની જેમ બહાર ભણવા ઉપડી ગયેલા.
બાને બહાર સોસાયટીમાં પોતાનું ઘર કરવાનું મન હશે પણ બાપુ બાની વાત કાન પર લેતા નહિ .
બા ઘરની વાત કાઢે ત્યારે કહેતા,' આપણે ઘરડાં થઈશું પછી ગામ જશું.'

'આખી જિંદગી અમદાવાદ ,નડિયાદમાં રહ્યાં ,ગામ થોડું ગમવાનું છે?'બા બોલેલી.

'એ તો નોકરી,ધન્ધા માટે વતન છોડી આવેલાં'

16 વર્ષની કોમલનું બાળપણ બાપુના ચાર ભાડાના ઘરમાં કટકેબટકે વહેંચાતું વીતેલું.બિલાડીનાં બચ્ચાંની જેમ સ્તો. સાત ઘર કે પાંચ ઘર ,કોમલને કંઈ યાદ નથી.કે કોની સાથે બાળપણ વીતેલું। ઘરમાં મોટોભાઈ નાના ભાઈ,બહેનની પોકળો(સિક્રેટ)ખોલી હસાવે.કહે:
'આ બેબી તો સાવ પોચકી ,બીકણ બિલાડી ,દવે પોળમાં રાત્રે અગાશીમાં બેબી અને જીત ઉંધી ગયેલાં ત્યાં પડોશના તોફાની છોકરાએ જરાક મોટેથી બૂમ પાડી અને કૂદ્યો તેમાં બેબલીએ એવી રડારોળ કરી કે એના ભેગો જીત ચીસાચીસ કરવા લાગ્યો.પડોશનો છોકરો ગભરાઈને રડવા લાગ્યો.બે ય ઘરનાએ ભેગા થઈ હોબાળો (ધમાલ) કરી મુક્યો.'.આખી રાત બેબલી અને જીત મોટાને અડખેપડખે સૂઈ રહેલાં .
મોટો હસતા કહે,'એકવાર ઘરમાં ચોરી થયેલી ,દુકાનનો નોકર ઘરનું બધું જાણે તે બાપુની જનોઈથી ચાવી લઈ કબાટમાંથી બધું ચોરી ગયેલો ત્યારે બેબલી નાની તેના પગ પર ચોરનો પગ પડી ગયેલો ને એવીએ રડે પણ ઘરના એકેઍક ક્લોરોફોર્મ સુંઘાડયું હોય તેવા ઊઁધે.સવારે ડરના માર્યા બધાં ફફડી ગયેલાં તેમાં બેબલી પગ બતાવી રડે.તેનો પગ ચોરથી દબાઈ ગયેલો. તે દિવસની કેટલી વાર રાત્રે હજી યે રડારોળ કરે છે .
બાએ એનાં ઘરેણાં ગયાં તે દિવસથી હાથમાંની બે બંગડી અને ગળામાં પાતળી કીડીયાસેર ને કાનમાં મોતીના કાપ સિવાય બીજું કાંઈ પહેર્યું નથી.બેંકમાં સેઈફનું બોક્સ ક્યારેય ખોલાવ્યું નથી.
મોટોભાઈ પાંચે ભાઈ બહેનમાં સૌથી વધારે હેન્ડસમ.ઊંચો,ગોરો,માંજરી મોટી આકર્ષી લે તેવી હસતી આંખો. મોટો દાંત બતાવ્યા વગર રહસ્યમય,મર્માળુ આંખથી હસે.બધી વાતે પરફેક્ટ અને ઓર્ગેનાઈઝ . કોમલ અને જીત મોટાની છાયામાં ઊછરેલાં. મોટાભાઈ કંઈક કહે તે બ્રહ્મવાક્ય ! બા ,બાપુ એમના ધન્ધા અને કૌટુંબિક વ્યવહારોમાં ગુથાયેલાં રહેતા. પણ વચેટ અનુ બિન્દાસ ,કોઈને ગાંઠે નહિ .
એના ક્લાસની બહેનપણીઓના ઘરના ઘર દવે પોળ,દિવાળી પોળ,દેસાઈવગા એમ હતા.આ બધી પોળોમાં બા-બાપુ સાથે એ ભાડાના ઘરમાં થોડા વખત માટે રહેલી. એક ઘરમાં ગમે ત્યાં બીજે જવાનું થાય..છેવટે બાપુને દુકાન માટે અનુકૂળ આવે તેવા ખારીપોળના ઘરમાં ઠરીઠામ થયાં. ઘર બદલાયા કરે પણ ન્યુ ઈંગ્લીશ ફોર ગલ્સ એની એજ.એટલે એની બહેનપણીઓ જોડે મોજમસ્તીમાં રુકાવટ નહોતી.ઘણુંખરું વાંચવા કે લેશનના બહાને બહેનપણીને ત્યાં ભાગી જતી.ત્યારે ફોન નહોતા એટલે બા બબડતાં રહેતાં
'કોઈ કામમાં ઢેકો નમતો નથી.' કોઈ વાર અકળાઈને બાપુને ફરિયાદ કરે '. બાપુનું દિલ કોમલ માટે કૂણું.ઘરમાં ભાઈઓ 'બાપુની લાડકી 'તે જાણે.અનુ બાપુની ચમચી કહી ચીડવતો.બાપુને સારું ભણે તે છોકરાં વ્હાલાં.
ખારી પોળનું ઊંચા ઓટલાવાળું બે માળનું ઘર કોમલને અત્યારે કોઈ જાહેરસ્થળ જેવું લાગ્યું .નિરાંતે કપડાં બદલાય તેવો પોતાનો રૂમ હોય તેવું તો તેને સપનું ય નહોતું, પણ ટેબલનું એક ખાનું પણ અંગત નહિ .માળ પરના રૂમમાં ખૂણામાં
ડામચિયો (ગાદલાં મૂકવા માટે વપરાતો ) તેની નીચે એક જૂની સૂટકેશમાં બીજી ફાઈલોની નીચે કોમલ પોતાને ગમતા મેગેઝીન કે ચિત્રલેખા મૂકી રાખતી.
મોટાએ આપેલાં ડ્રેસ મૂકવા તેણે ઉપરના ઓરડાનું લાકડાનું કબાટ ખોલેલું પણ ઉપરના ખાનામાં એનાં રોજના કપડાં માંડ સમાયા હતાં.થોડી જગ્યા હતી તેમાં બાએ ધોયેલા ટુવાલોની થપ્પી કરેલી. એ બાને કહી દેવાની છે કે હવે તે કોલેજ જશે એને કબાટ જોઈએ. પછી થયું એ ય મોટાની જેમ બહાર જશે તો કબાટનું શું કામ?
કોમલ નીચે ઓટલા પર ઊભી હતી.ઓટલાના ખૂણે બે ભાડવાત વચ્ચેનું સહિયારું સંડાસ હતું .ઓટલા પર હોવાને કારણે ગમે તેવા અજાણ્યા સંડાસમાં ઘૂસી જતા.તાળું વાસી રાખવું પડતું. બા સવારે વહેલાં સંડાસ જાય ,ફિનાઈલથી ધોઈ ચોખ્ખું કરે .ત્યારે મેલું ઉપાડવા મ્યુનિસિપાલિટી તરફથી માણસો સવારમાં આવતા.

કોમલ સવારે બાની પાછળ સંડાસ જાય અને બાને બહાર ઊભા રહેવા કહે.કોમલને સંડાસમાં એવી મુંઝવણ અને ગભરાટ થતો કે કોઈ બારણું ઠોકશે ,ખોલી નાંખશે તો ? એના દાદી ગામથી આવેલાં હોય ત્યારે તેઓ સંડાસમાંથી નીકળી સીધા અંદરની ચોકડીમાં નાવા જાય.દાદીના રાજમાં બધાં છોકરાંને સ્કૂલેથી આવીને નાવું પડે તો જ ખાવાનું મળે.નળનું પાણી સવાર -સાંજ બે વખત આવે ,બા નીચે ચોકડીમાં કોઠી ભરી રાખે.

કોમલ નીચે ચોકડીમાં હાથ પગ ધોવા ગઈ.ઉપરના માળેથી બધા દાદરો ઊતરી રહયા હતા ,એણે ચોકડીનું પાણીથી બોદાય ગયેલું બારણું વાસી કોઠીમાંથી લોટાથી ડોલમાં પાણી ભર્યું. ટાઢા પાણીમાં પગ પલાળ્યા,હાથ મોં ધોયા --બસ પાણીમાં બેસી જ રહું એવી ટાઢક એના મનમાં થઈ .એને ચોકડીનું ખખડી ગયેલું બારણુ અંગત અંગત લાગ્યું . ઊપરથી બાનો અવાજ તેને બોલાવી રહ્યો હતો.કોમલ મનમાં ગોખતી હતી,'એકવાર પરીક્ષા પૂરી થવા દે પછી વાત....'


તરૂલતા મહેતા

વાચક મિત્રો તમારા રીવ્યુસ બદલ ખૂબ આભાર