Vara farti varo... mara pachhi taro books and stories free download online pdf in Gujarati

વારા ફરતી વારો.. મારા પછી તારો...!!!

ધારાના લગન અલ્પેશ સાથે આજથી સાત વર્ષ પહેલાં એક અતિસંપન પરિવારમા થયા હતા. ધારા, મહેશભાઈ અને સુનીતીબેનની લાડકવાયી દીકરી અને શરદની વહાલી બહેન. ધારાના ઘરે આમ તો ફક્ત એના સાસુ સસરા જ હતા બાકી જેઠ જેઠાણી મુંબઈ રહેતા. ધારાનો ઘર સંસાર ખૂબ સારો ચાલી રહ્યો હતો, ફરિયાદ હતી તો બસ એટલી જ કે એના ઘરે કોઈ સંતાન નહોતું!  સમય સાથે ધારા ના સાસુ સસરાના સ્વભાવમા ફેર આવવા લાગ્યો કદાચ તેમનું મન પૌત્ર-પૌત્રી માટે ઝંખી રહ્યું હતું. એટલે જ કદાચ ઘણી વખત વગર વાંકે પણ ધારાને સાંભળવું પડતું. પહેલા તો આ વાતની જાણ મહેશભાઈ અને સુનીતિબેનને ના થઈ પણ દીકરીનું દુઃખ એમની નજરે ચડતા ના રહ્યું. તેઓ ધારાને સામી દલીલો કરવા અને ઉલ્ટા જવાબ આપવાની સલાહ આપતા. જેમાં વાત વખોળાઈ ગઈ અને હવે ધારાનું એની સાસરામાં જે માન સમ્માન હતું તે ઓછું થવા લાગ્યું. ધારાના મનમાં તે વાત ઘર કરી ગઈ કે, દરેક વાતમા તેના સાસુ સસરા જ ખોટા છે. એ દરેક વાતમા મહેશભાઈ અને સુનિતીબેનની સલાહ લેતી અને તેઓ દીકરીને સાચો માર્ગ બતાવવાને બદલે એના પૂર્વગ્રહોને પાણી ચાડતા જેના પરિણામે ધારા અને અલ્પેશના લગન જીવનમાં પણ ખટરાગ થવા લાગ્યો. અલ્પેશ ખૂબ જ સમજદાર વ્યક્તિ હતો અને ધારાને ખૂબ પ્રેમ કરતો કદાચ એટલે જ એમનું લગ્નજીવન હજુ સુધી ટકી રહ્યું હતું.

                      ★

સમય જતાં શરદના લગન  પૂનમ સાથે થયા. એક વર્ષ દરમિયાન શરદ અને પૂનમના ઘરે પારણું બંધાયું. ઘરે લક્ષ્મીજી પધાર્યા અને નામ રાખ્યું ચાંદની. ધારાના ઘરે થતાં ઝગડા અને ધારાની સૂની ગોદ જોઈ સુનિતીબેનને પૂનમ ની ઈર્ષ્યા થતી. તેઓ જાણી જોઈ પૂનમને પજવતા અને તેને નીચા જોવાનું થાય એની તાકમાં રહેતા. પૂનમે ઘણી વખત આ બધું અનુભવ્યું અને સાસુને સમજાવવાના દરેક પ્રયત્નો પણ કર્યાં પણ સુનિતીબેન એમની કૂટનીતિ અપનાવવાનું ચાલુ જ રાખયુ.   તેઓ શરદ સામે એવું પ્રદર્શિત કરતા જાણે બધો વાંક-ગુન્હો પૂનમનો જ હોય! મહેશભાઈ પણ પોતાની પત્નીની હા મા હા મળાવતા અને ફક્ત  સુનિતીબેનના પક્ષથી જ જોતા અને પૂનમ ને થતો અન્યાય મૂંગા મોઢે ચાલવા દેતા. જ્યારે પૂનમ મહેશભાઈને સુનિતીબેનના વ્યવહાર માટે જણાવે ત્યારે તેઓ પૂનમ જ આ કજીયાંઓ નું કારણ છે તેમ કહી ઘરમાં શાંતિ રાખવાનું કહેતા. શરદ પોતાના માતા પિતાના આવા રૂપથી અજાણ હતો અને તેથી જ તે એમની વાતોમાં આવી જતો અને ઘણી વખત પૂનમની વાત સાંભળી ના સાંભળી કરતો. આખરે એક દિવસ પૂનમે તે બાબતે શરદને કહી તેનો ઉકેલ લાવવા કહ્યું કારણ કે ઘણી વખત સાસુનો ત્રાસ અને ઘરમાં થતો કકળાટ પૂનમથી શરદ પર ગુસ્સા રૂપે ઠલવાઈ જતો અને શરદ અને પૂનમ વચ્ચે અંતર વધવા લાગ્યું. શરદે બનતા પ્રયત્નો કર્યા પણ કંઈ ફેર ન પડ્યો. અંતે કંટાળીને પૂનમ ચાંદનીને લઇ એના પિયર જતી રહી એમ વિચારીને કે જે દિવસે શરદ વાસ્તવિકતાથી અવગત થશે તે દિવસે તે એમને પોતાની સાથે લઈ જશે. પણ આ બાજુ સુનિતીબેન શરદના મનમાં પૂનમ પ્રત્યે વિષ ઘોળવાનું ચાલુ રાખ્યું.

                      ★

અલ્પેશ, શરદ બને એકમેકના બીજા સારા મિત્રો બની ગયા હતા. તેથી અલ્પેશ  તેની સમજદારીથી  શરદ અને પૂનમના તૂટતાં પરિવાર માટે દુઃખી થાય છે. તે શરદ સાથે વાત કરવાનું નક્કી કરે છે.

શરદને સાચા સલાહકાર, એક સાચા સહારાની જરૂર હતી. તે પૂનમને સાચા દિલ થી પ્રેમ કરતો હતો, સાથે સાથે પોતાના માતા- પિતા પ્રત્યે પણ એટલું જ માન સમ્માન રાખતો. તે બે માથી એકેયને ગુમાવવા માંગતો નોહતો. પણ સમય અને પરિસ્થિતિ સામે વિવશ હતો. શરદ અલ્પેશને મળી કંઇક રસ્તો કાઢવા મળવા  જાય છે.

અલ્પેશ તેને પૂનમ પર વિશ્વાસ રાખવા અને સાથે સાથે ઘરની સંપૂર્ણ પરિસ્થિતિનો શાંતિથી તાગ મેળવવા કહે છે. અને સાથે સાથે સુનિતીબેન અને મહેશભાઈની સલાહથી પોતાના ઘર સંસાર પર શું અસર થઈ રહી છે. તે વાત થી પણ અવગત કરાવે છે. અલ્પેશ અને શરદ આગળ શું કરવું એ માટે વિચારે છે. અને અંતે અલ્પેશ, શરદ ને એક યુક્તિ વિચારી કહે છે. જેથી તેની પોતાની અને શરદ અને પૂનમની લાઇફ પાછી ટ્રેક પર આવી જાય, અને સાથો સાથ મહેશભાઈ અને સુનિતીબેનને તેમની ભૂલનો પણ ખ્યાલ આવે તથા પોતાના માતા પિતા પણ ધારા સાથે નિસંતાન હોવાના લીધે ઓરમાયો વર્તન ના કરે.

                      ★

બીજા દિવસે શરદ પોતાના માતા પિતાને પોતે પૂનમ સાથે અલગ રહેવા ચાલ્યો જશે એ વાત કરી ત્યાંથી પૂનમને લેવા નીકળી જાય છે. આબાજુ અલ્પેશ ધારાને એના પિયર મૂકવા આવે છે એમ કહીને કે એનું વર્તન પોતાના માતા પિતા સાથે યોગ્ય નથી. એ વાતથી ધારા ખૂબ દુઃખી થઈ રડે છે અને મહેશભાઈ અને સુનિતીબેનને પણ શરદ અને પૂનમના જુદા થવાનો અને દીકરી પિયર પછી આવી એનો બેવડો આઘાત લાગે છે. તેઓ અલ્પેશને બધી રીતે સમજાવવા કોશિશ કરે છે પણ બધું વ્યર્થ જાય છે. તેઓ અલ્પેશને સમાજનો વાસ્તો આપે છે અને એમ પણ કહે છે કે "આમ દીકરી પાછી આવશે તો પોતે સમાજ માં કોઈને શું મોઢું બતાવશે? અને ધારાના મન પર શું વિતશે?"

ત્યારે અલ્પેશ તેમને કહે છે કે, "જ્યારે તમારા વ્યવહારથી કંટાળી પૂનમ  ચાલી ગઈ ત્યારે એના માતા પિતાએ સમાજમાં શું મોઢું બતાવ્યું હશે?  પૂનમના મન પર શું વીતી હશે જરા તેનો વિચાર કરો મમ્મી પપ્પા! "

ત્યારે સુનિતીબેન કહે છે કે," તે તો પૂનમના માતા પિતાએ પૂનમને સમજાવવું જોઈએ કે સાસરે કેમ રહેવાય અને કોઈક વખત સહેવાય."

"તમારી વાત સાચી છે મમ્મી. પૂનમને એના માતા પિતાએ સાસરે રહેતા ના શીખવાડવું અને પૂનમ પણ વગર વિચાર્યે જતી રહી. એણે તો અહી બિલકુલ એ જ રીતે રહેવું જોઈએ જે રીતે તમે ધારાને સાસરે રહેતા અને બોલતા શીખવાડ્યું છે. બરોબર ને મમ્મી?" અલ્પેશ વેધક દ્રષ્ટિએ મહેશભાઈ અને સુનિતીબેનને જોતા બોલ્યો.

મહેશભાઈ અને સુનિતીબેનને એમની ભૂલ સમજાય છે અને આંખો છલકાઈ આવે છે. ધારા પણ શરમથી નીચું જોઈ ગઈ.

" દીકરા અમને અમારી ભૂલ સમજાઈ ગઈ છે પણ હવે ઘણું મોડું થઈ ગયું છે. શરદ પૂનમને લઇ જુદા રહેવા જવાનું કહી નીકળ્યો છે. અમે પૂનમને કયા મોઢે મળશું એ નથી સમજાતું."

ત્યારે શરદ પૂનમ અને ચાંદનીને લઇ ઘરમાં આવે છે અને કહે છે કે," મમ્મી પપ્પા તમને તમારી ભૂલ સમજાઈ એ જ અમારી માટે ઘણું છે. મને અને પૂનમને પણ તમારા સાનિધ્યમા જ રહેવું છે અને ચાંદની પણ તમારી પાસે ઉછરે એવું અમે ઇચ્છીએ છે. અમે ક્યાંય નથી જવાના."

" હા મમ્મી પપ્પા આ બધું એક નાટક હતું તમને અને ધારાને સમજાવવા. ધારા મારી પત્ની છે અને એનો દરેક પરિસ્થિતિમા સાથ આપવો મારી ફરજ છે." અલ્પેશે કીધું જે સાંભળી મહેશભાઈ અને સુનિતીબેનને રાહત થાય છે અને ધારાના મોઢા પર સ્મિત આવી જાય છે.

"અલ્પેશ હવે આવી ભૂલ નહિ થઈ મારાથી. હું હવે કોઈ પણ પ્રકારનો ગેરવર્તન નહિ કરું." ધારાએ કીધું અને અલ્પેશને ભેટી પડી.

" હા દીકરા અને હવે અમે પણ ધારાને સાચા માર્ગથી નહિ ભટકવા દઈએ." મહેશભાઈ અને સુનિતીબેન બોલ્યા. અને પૂનમ અને ચાંદનીને આવકારવા આગળ વધ્યા.

                   ★

આ તરફ અલ્પેશના માતા પિતાને પણ એમની ભૂલ સમજાય છે, કે નિસંતાન હોવાના લીધે ધારા સાથેનો એમનો વર્તાવ તદ્દન અયોગ્ય હતો. તેઓ ધારાને પૂરા  દિલથી અપનાવી લે છે.

                    ★

મિત્રો, દરેક વખતે કોઈ પણ મુશ્કેલીમાંથી બહાર નીકળવા ધીરજ, યુક્તિ અને સાચા સલાહકારની જરૂર હોય છે. જો એટલું તમારી પાસે હોય તો કેટકેટલી તકલીફો પાછી વળી જાય અને કેટકેટલા પરિવાર તૂટતાં બચી જાય.


બીજા રસપ્રદ વિકલ્પો