Pankharni ek dhadhti sandhyaae books and stories free download online pdf in Gujarati

પાનખરની એક ઢળતી સંધ્યાએ...

"મારી વાત તો સંભાળ પલ્લવ તને ખબર નથી આ જે દેખાય છે એવી નથી તારી માં.. અરે એવું તો કેટલુંય મનન મા દાબી બેઠી હશે જેની તને ને મને ગંધ સુધ્ધાં નહિં આવવા દીધી હોય.."

"બસ પપ્પા હવે એક શબ્દ આગળ ના બોલતા ગમે તે હોય પણ મમ્મી એ ક્યારેય કોઈ પણ પરિસ્થિતિ મા તમારો સાથ નથી છોડ્યો" આટલું બોલી પલ્લવ એની માં સલોનીબેન નો હાથ પકડી રૂમ બહાર નીકળી જાય છે.

* * *

વાત ત્યારની છે જયારે જગદીશભાઈ એટલે કે પલ્લવ ના પિતા,સલોની ના પતિ પાસે કઈ જ બાકી નહોતું રહ્યું. વર્ષો ની  ભાગીદારી માંથી એમના વિશ્વાસુ ગણાતા એમના જ ભાગીદારો એ એમને દગાખોરી થી કઢીમૂકી ભાગ પડાવી ગયા. વર્ષો ની મહેનત અને વિશ્વાસને શૂન્ય અને વિશ્વાસઘાત મા પરિણમતાં જોઈ તેઓ અંદરખાને સંપૂર્ણપણે તૂટી ગયા. એમની પાસે પોતાની કહેવાય એવી કોઈ મિલકત કે મૂડી નહોતી બચી.

એ વખતે સલોની એમની વ્હારે આવી. એણે પોતાનું સ્ત્રીધન કહેવાતા તમામ ઘરેણાં ને દાગીના વેચી જગદીશભાઈ ને નવો ધંધો ઊભો કરવામાં યથાશક્તિ મદદ કરી. પણ એ સમય દમિયાન જગદીશભાઈ ની કુસંગત અને કુટેવો ને કારણે એ ધંધો પણ ઠપ્પ પડી ગયો ઉલ્ટાનું સગાસંબંધીઓ આગળ હાથ ફેલાવી ભાડાનું મકાન લઈ રહવું પડ્યું. સલોનીને સિલાઇકામ કરી પલ્લવ ને શિક્ષણ અપાવ્યું અને ઘર ચલાવ્યું.

* * *

પલ્લવ સમય કરતાં બમણી ગતિએ પ્રગતિ કરવા લાગ્યો. ઉચ્ચ શિક્ષણ મેળવી સી.એ. ની ડીગ્રી મેળવી પ્રેક્ટિસ કરવા લાગ્યો. એક વખતની વાત છે જ્યારે એનો જૂનો મિત્ર રોનક એની ઓફિસ એ આવ્યો.

રોનક અને પલ્લવ એક સમયના પાક્કા મિત્રો. પલ્લવની ભણવાની ધગશ અને રોનકની ભણતર પ્રત્યેની અદેખાઈ અને બેફિકરાઈ ના લીધે બંને ની દિશાઓ અલગ અલગ થઈ. પલ્લવ પોતાના દમ પર આગળ વધવા માગતો યુવાન જ્યારે રોનક એના થી તદ્દન વિરુદ્ધ ખૂબ ધનવાન પરિવારનો લાડકવાયો છોકરો, એના પિતાની ટેકસટાઇલ ની ફેક્ટરી નો ભાવિ માલિક. ખૂબ લાડકોડ મા ઉછરેલ હોવાથી ભણતર તરફ એને હંમેશા થી અણગમો રહ્યો.

* * *

"શું વાત છે ભાઈ તું તો મોટો માણસ બની ગયો?" રોનકે પલ્લવ ની કેબિન મા આવતાવેંત જ મશ્કરી ચાલુ કરી.

"અરે આવ આવ રોનક. મારો ભાઈ ઘણા દિવસે અહીં ભૂલો પડ્યો. બેસ.. બેસ.." પલ્લવ રોનકની ભેંટી કહ્યું.

"લાલજીભાઈ કોફી અને નાસ્તો લેતા આવજો" ઓફિસ ના પટ્ટાવાળા ને ઉદ્દેશી પલ્લવ બોલ્યો.

"કેમ છે રોનક? શું કરે છે આજ કાલ?" 

"બસ ભાઈ મજા મા છું અને પપ્પાની જ ફેક્ટરી મા જ કામે લાગ્યો છું." 

"સરસ. તારા પપ્પા કેમ છે? અને દાદીમાં ને કેવું છે હવે?"

"પપ્પા તો સારા છે. પણ..."

"પણ શું?"

"પણ દાદીમાં હવે નથી રહ્યા... એમને પરાલિસિસ નો એટેક આવ્યો હતો. ઘણો ટાઈમ વેઠ્યું એમણે. અને અંતે..." રોનક ની આંખો ભરાઈ આવી.

"ચિંતા ના કર દોસ્ત. દુઃખી થવા કરતાં એમ વિચાર એમને પરાધીન જીવનમાંથી મુક્તિ મળી." 

"સાચું કહે છે તું પલ્લવ. પપ્પા અને હું તો સાવ નોધારા જ થઈ પડ્યા હતા."

"એટલું બધું થયું તો તે મને કીધું કેમ નહીં?"

"તું વિદેશ હતો. તારા નેકસ્ટ વેન્ચર માટે. અહીં તો જે થવું હતું એ થઈ ગયું એટલે તને ના જણાવ્યું."

બંને મિત્રો વાતો કરતા હતા એટલા માં લાલજીભાઈ નાસ્તો અને કોફી લઈ આવી પહોંચે છે. બંને મિત્રો જૂની યાદો વાગોળતા નાસ્તા ને ન્યાય આપે છે. રોનક જેવો જાવા નીકળે છે કે એનું ધ્યાન પલ્લવ ની ટેબલ પર મુકેલ ફોટોફ્રેમ પર પડે છે.

"પલ્લવ. આ કોણ છે?"

"મારા મમ્મી છે."

"શું? શું વાત કરે છે?" રોનક આંખો પહોળી કરી આશ્ચર્ય સાથે એ ફોટો જોવા લાગ્યો.

"શું થયું ભાઈ તને? કેમ આમ જોવે છે?" પલ્લવે નવાઈ પામી કીધું.



પલ્લવનો દિવસ એ જ વિચારોમાં નીકળી જાય છે કે આખરે એવી તે શું વાત હતી જેના લીધે રોનક કંઈ બોલી નથી શકતો એને આવતી કાલે એના પપ્પા ની હાજરી માં એ વાતનો ખુલાસો કરવાની વાત કરે છે.

આ બાજુ રોનક પણ એના પપ્પા સત્યજીત ને મળી પલ્લવનાં ઓફિસે જોયેલ સલોનીબેન ના ફોટા વિશે વાત કરવાનું મનોમન નક્કી કરી સત્યજીત ના રૂમ તરફ જાય છે.

રોનક :" પપ્પા, તમારી સાથે કંઇક વાત કરવી છે."

સત્યજીત :" બોલ બેટા. શું થયું? ચિંતા મા કેમ દેખાય છે? શું વાત છે?"

રોનક :" પપ્પા આજે હું પલ્લવ ના ઓફિસે ગયો હતો."

સત્યજીત :" હા દીકરા. તો ?"

રોનક : " પપ્પા ત્યાં મેં સલોનીમાસી નો ફોટો જોયો."

સત્યજીત આશ્ચર્ય સાથે રોનક ને જોઈ રહે છે. શું બોલવું એની સમાજ નથી પડતી. અંતે બોલે છે, "એમ કેમ બને બેટા? સલોની નો ફોટો પલ્લવ ની ઓફીસ માં ક્યાં થી હોય?"

રોનક :" પપ્પા પહેલા મને પણ ન સમજાયું. પલ્લવ ને પૂછતા ખબર પડી કે સાલોનીમાસી એના મમ્મી છે."

સત્યજીત: " તે પલ્લવ ને કંઈ કીધું તો નથી ને?"

રોનક :" ના પપ્પા. પણ કદાચ કહેવું પડશે. મને આમ માસી ના ફોટા ને જોતા પલ્લવ બધું અધીરાઈ થી પૂછવા લાગ્યો. મેં એને આવતીકાલે અહીં બોલાવ્યો છે.. તમારી સાથે વાત કરવા..."

સત્યજીત :" ઠીક છે બેટા. કાલે પલ્લવ આવે એટલે એને અમે બધું કહેશું? પણ તને શું લાગે છે? પલ્લવ સત્ય જાણી ને કેમ વર્તશે?"

રોનક: " ખબર નહીં પપ્પા. પણ.. એના સંવેદનશીલ સ્વભાવ થી તમે કે હું અજાણ તો નથી જ એટલે અત્યારે કંઇ કહેવું અઘરું છે."

સત્યજીત :" ચિંતા ના કર દીકરા. કાલ બધું સંભાળી લઈશું. હમણાં રાત ઘણી થઈ ગઈ છે. તું જઈને આરામ કર. જય શ્રી કૃષ્ણ."

રોનક :" ઠીક છે પપ્પા. જય શ્રી કૃષ્ણ."

આવતીકાલ ના વિચારો મા આબાજુ સત્યજીત અને રોનક ખોવાયેલા હોય છે અને પેલી બાજુ પલ્લવ નું મનન ચકડોળે ચડ્યું હોય છે.

***

પલ્લવ રોજ કરતા વહેલા ઊઠી તૈયાર થઈ જાય છે. રોનક ના ઘર માટે નીકળવાની તૈયારી જ હતી એટલામાં એના મમ્મી એને પૂછે છે, "શું વાત છે દીકરા? આજે એટલી વહેલી સવારે આમ ઉતાવળમાં ક્યાં જવા નીકળે છે?"

પલ્લવ પહેલા તો વિચારોમાં મુકાઈ જાય છે કે મમ્મીને શું જવાબ આપું.. પછી કંઇક વિચારીને કહે છે, " એક ક્લાયન્ટ સાથે મીટીંગ છે, બસ ત્યાં જ જાઉં છું."

"ઠીક છે દીકરા.. જય શ્રી કૃષ્ણ." સલોનીબેન બોલે છે.

શું વાત હશે એના વિચારોમાં ને વિચારોમાં પલ્લવ ઝડપથી કાર રસ્તા પર દોડાવી મૂકે છે.

***

"રોનક... ક્યાં છે ભાઈ?" પલ્લવ રોનકના ઘર માં પગ મૂકતાં ની સાથે બોલ્યો.

"આવ.. આવ.. દીકરા.. તું આવનો છે એમ વાત કરી હતી રોનકે." સત્યજીત એ દીવાનખંડમાં પ્રવેશતા કહ્યું.

"જય શ્રી કૃષ્ણ અંકલ...કેમ છો તમે? અને રોનક ક્યાં છે?" અધીરાઈ છુપાવવાના નિષ્ફળ પ્રયાસ સાથે પલ્લવ એ કીધું.

"જય શ્રી કૃષ્ણ બેટા.. બેસ તો ખરો. ઘણો અધીરો થાય છે પલ્લવ બેટા. રોનક આવે જ છે.. બેસ..બેસ.."

"અંકલ રોનક કાલ વાત જ એવી કરી ગયો એટલે રહેવાયું નહીં.."

" હા બેટા.. ખ્યાલ છે મને.. વાત કરી રોનકે મારી જોડે.. અમે તારી જ રાહ જોતા હતા... જો રોનક પણ આવી ગયો."

" હાઈ પલ્લવ.. ચા લઈશ કે કોફી?" રોનક આવતાની સાથે બોલ્યો.

"કંઈ નથી જોતું ભાઈ.. તું ગઈ કાલ જ વાત અધૂરી મૂકી ગયો હતો.. એ પુરી કર પહેલા.."

" હા ભાઈ હા.. જાણું છું.. અને એટલે જ વહેલી સવારે તું અહી દોડતો આવ્યો છે."

"બેટા.. જે વાત હું તને હમણાં કરવાનો છું એ જરાક ધીરજ રાખી સાંભળજે.." સત્યજીત જરા ગંભરતાપૂર્વક બોલી રહ્યા હતા.

"બેટા તારા મમ્મી..એટલે સલોની..સલોનીને અમે વર્ષો થી ઓળખીએ છીએ. પણ રોનક ને કે મને એ નહોતી ખબર કે સલોની તારા મમ્મી છે."

"એમ.. એમ કેમ બને અંકલ?? રોનક અને હું જૂના મિત્રો જરૂર છીએ પણ એ કોઈ દિવસ મારી મમ્મી ને મળ્યો નથી તો પછી.. આવું કેમ બની શકે???" 

"દીકરા તું અને રોનક ભલે જૂના મિત્રો રહ્યા પણ સલોની ને અમે ત્યારથી ઓળખીએ છીએ જ્યારે તું કદાચ ઘણો નાનો હોઈશ..હા બેટા હું જે કંઈ કહી રહ્યો છું એ તદ્દન સાચું કહું છું."

"કેવી રીતે બને આમ? હું કઈ સમજી નથી શકતો અંકલ. તમે પ્લીઝ મને બધું વિસ્તાર થી સમજવો" પલ્લવ ની અધીરાઈ વધતી જ જતી હતી અને આશ્ચર્ય પણ.

"જો દીકરા.. ભૂતકાળમાં તારા પપ્પા જગદીશભાઈ ને એના ભાગીદારો એ દગો કરી ભાગ પડાવી લીધો હતો એ વાત નો ખ્યાલ હશે જ તને એમ માનું છું.."

" હા અંકલ પણ આને અને એ વાતને શું લાગે વળગે?"

"દીકરા એ વખતે તારી મમ્મી સલોનીને કામની શોધ હતી અને સાથે સાથે તારા પપ્પાને નવો બિનેસ સેટ કરવા પૈસાની ખૂબ જરૂર હતી."

"હા..પણ.."

"બેટા ત્યારે સલોની, મારી પત્ની કોમલ પાસે આવી હતી કામની મદદ માટે કે જે સલોનીની બાળપણની ખાસ મિત્ર હતી.. કોમલ એ મને સલોનીની મદદ માટે કહ્યું અને એટલે જ જગદીશ ના નવા બિનેસ માટે અને સલોની ને સિલાઈ કામ માટે જે રીત ની મદદની જરૂર હતી તે મેં અને કોમલ એ કરી. પણ એમાં સલોની નો ખાસ આગ્રહ હતો કે અમે એ મદદ બદલ તેના ઘરેણાં અને દાગીના પોતાની પાસે રાખીએ. કોમલ એ સલોની ને ઘણું સમજાવ્યું પણ સલોની એક ની બે ના થઈ. અંતે સલોની નું સિલાઈકામ સારું ચાલવા લાગ્યું અને અમે એને ઘરેણાં અને દાગીના પાછા લઈ જવા કીધું પણ જગદીશ એ સમયે ખોટે રવાડે ચડી ગયો હતો તેથી સલોની એ એમને અમાનત તરીકે એમને મારી પાસે જ રાખવા કહ્યું.. કોમલ ત્યારે હયાત નહોતી.. એનું કાર અકસ્માત માં મૃત્યું થયું હતું.. અને એટલે જ કોમલની મદદનો ઉપકાર ચૂકવવા સલોની અવાર - નવાર અમારી ખબર કાઢવા આવતી અને રોનકના દાદીમાં નું પણ ખૂબ ધ્યાન રાખતી..અમારા બધા વચ્ચે એક પરિવાર જેવો સુમેળ હતો. પણ આ બધું જગદિશ્થી છાનું રાખવાની તાકીદ કરી હતી સલોની એ કારણ કે જગદીશ કૂસંગત ના કારણે સલોની ની કમાઈ બળજબરી થી લઇ જતો અને એના પર ખોટા આક્ષેપો કરી એને મ્હેણાં મારતો... તું ત્યારે ખૂબ નાનો હતો અને જગદીશ તારી સમક્ષ સલોની ની ખોટી છાપ ઉભી કરી તને પણ એના વિરુદ્ધ ન કરી દે તેથી જ કદાચ તારી મમ્મી એ તને કશું જ કીધું નહીં હોય..બેટા, એમાં કોઈનો પણ વાંક નથી.. સમય અને પરિસ્થિતિ જ એમ હતા કે સલોની ને એવું પગલું લેવું પડ્યું."



પલ્લવ સાવ નિશબ્દ બની સત્યજીતની વાત સાંભળતો રહ્યો... આગળ શું બોલવું કે કરવું તે તેને સમજાતુ જ ન હતું...રોનક પલ્લવની આવી દશા જોઈ ગભરાઇ ગયો.

" પલ્લવ...પલ્લવ... કંઇક તો બોલ યાર...!!" રોનક સાવ નંખાઈ ગયેલ આવાજમાં પલ્લવને કહે છે.

"બેટા... પલ્લવ.. જો મારી વાત માને તો.. સલોનીને ખોટી ના સમજતો દીકરા, એણે તો તારી અને જગદીશ માટે થઈ કેટ-કેટલા દુઃખો વેઠયા છે." સત્યજીત પલ્લવ ના ખભે હાથ મૂકી કહે છે.

" અંક્લ... મમ્મી તો ક્યારેય ખોટી હતી જ નહીં. એ તો પપ્પા જ એને વાતે વાતે સંભળાવતા.. એને ખોટી ગણતા અને કદાચ હું પણ.. મમ્મી ને ના સમજી શક્યો.  અને હવે બધું જાણીને હું મમ્મીને શું કહું કેવી રીતે કહું એ નથી સમજાતું." પલ્લવ રડતાં રડતાં બોલે છે.

"જો બેટા... એ તારી માં છે. તું એની જોડે શાંતીથી વાત કરજે પણ એક વાત નું ધ્યાન રાખજે કે જો જગદીશ આ બધું જાણી જશે તો કદાચ આ સત્ય પચાવી નહીં જ શકે." સત્યજીત પલ્લવ ને ચેતવતા કહે છે.

" હા અંકલ... હું ધ્યાન રાખીશ. હવે હું જાઉં... જય શ્રી કૃષ્ણ. ચાલ બાય રોનક..." પલ્લવ ઉતાવડો ત્યાં થી ઘરે જવા નીકળે છે.

* * * * * * * * * * * * 

પલ્લવ ધરે પહોંચી પહેલા ખાતરી કરી લે છે કે એના પિતા ઘરે છે કે નહીં પછી એની મમ્મી ના રૂમ તરફ જાય છે.

" આવું મમ્મી...?" પલ્લવ સલોની ના રૂમનું બારણું ખખડાવે છે.

" આવ દીકરા... કેવી રહી મીટીંગ ??" સલોનીએ કીધું.

"મમ્મી.. હું રોનક ના ઘરે હતો. અને ત્યાં મને એવી અમુક વાતો જાણવા મળી છે જે કદાચ તમે નહોતા ઇચ્છતા કે મને અથવા પપ્પાને ખબર પડે.."

" રોનક ? તારો જૂનો મિત્ર? એના ઘરેથી તને શું  ખબર પડી? હું કંઈ સમજી નહીં...."


સલોનીનો હાથ પોતાના હાથમાં લઈ પલ્લવ ગઈ કાલ સાંજે ઓફિસમાં રોનક ના આવવાથી લઈને હમણાં રોનક અને સત્યજીત સાથે થયેલ તમામ વાતો સલોનીને કહે છે. બંન્ને એ વાત થી સાવ અજાણ હોય છે કે પાછળ જગદીશ બધું સાંભળી લે છે.

"વાહ સલોની... વાહ... માની ગયો તને... તારા પર વિશ્વાસ કરી મોટી ભૂલ કરી નાંખી મેં. શું જરૂર હતી તને સત્યજીતની મદદ લેવાની ? કેટલી રાત ના સહવાસ બદલ આ સોદો નક્કી કર્યો તે હેં? દૂનિયા સામે સતી સાવિત્રી હોવાનો ઢોંગ કરે છે અને ધોળે દહાળે તારા યાર સાથે મોઢું કાળું કરતાં શરમ નહોતી આવતી તને?" જગદીશ આવેશ માં આવી બોલે છે.

" બસ કરો હવે તમે. એવું કંઈ જ નથી અને તમારે જે પણ કહેવું હોય એ એકલામાં કહી લેજો પણ આમ જુવાન છોકરા આગળ આવું શું બોલો છો?" સલોની રડતા રડતા કહે છે.

" કેમ મમ્મી? એકલા માં પણ કેમ? જ્યારે તમે એવું કંઈ કર્યું જ નથી તો તમે એકલા મા પણ કેમ કઈ સંભાળશો? અને પપ્પા તમે કંઇક વિચારીને બોલો આ શું ગમે એમ બોલો છો તમે મમ્મી માટે?" પલ્લવ જગદીશભાઈ ના સલોની પર ના ખોટા આક્ષેપો સાંભળી ગુસ્સે થઈ જાય છે.

" મારી વાત તો સંભાળ પલ્લવ તને ખબર નથી આ જે દેખાય છે એવી નથી તારી માં... અરે એવું તો કેટલીય મન માં દાબી બેઠી હશે જેની તને ને મને ગંધ સુધ્ધાં નહીં આવવા દીધી હોય..."

"બસ પપ્પા હવે એક શબ્દ આગળ ના બોલતા ગમે તે હોય પણ મમ્મી એ ક્યારેય કોઈ પણ પરિ્થિતિમાં તમારો સાથ નથી છોડ્યો." આટલું બોલી પલ્લવ એની માં સલોનીબેન નો હાથ પકડી રૂમ બહાર નીકળી જાય છે.

"અરે જા જા... પછી તો અહીં જ આવીશને દર વખત ની જમે. તને મારી સિવાય કોઈ નહિ સંગ્રહે સલોની એટલું યાદ રાખજે. અને આ વખતે તે પલ્લવ ને મારી વિરુદ્ધ કરી બહુ મોટી ભૂલ કરી છે. એની માટે તને હાથ જોડી માફી ના મગાવું તો મારું નામ જગદીશ નહીં..." જગદીશ બને એટલું જોર થી બૂમો પાડે છે.

* * * * * * * * * *

નદી કિનારે કેટલાય સમય સુધી પલ્લવ અને સલોનીબેન કંઈ પણ બોલ્યા વિના બેસી રહે છે. આથમતા સૂર્ય ની લાલિમા થી નદીનું પાણી પણ રક્તવર્ણો થતો જતો હતો. અંતે સલોની પલ્લવ ના માથે હાથ ફેરવીને કહે છે, "બેટા.. આખરે એ પપ્પા છે તારા. તારે એટલું રુક્ષ રીતે નહોતું વર્તવું એમની જોડે." 

"અને તારી જોડેનો એમનો વ્યવહાર? શું એ યોગ્ય હતો?" પલ્લવ ની આંખો માં એવા તો કેટલાય પ્રશ્નો હતા જે હજી કેટલાય વમળો સર્જે એમ હતા.

" એ તો એવા જ છે દીકરા... પતિ છે મારા.. એમની વાત નું શું ખોટું લગાડવાનું? હવે તો આદત પડી ગઈ છે." સલોની શબ્દો ભલે આ હતા પણ એની આંખો માં કંઇક બીજું જ સત્ય જોઈ શકાતું હતું..


વર્ષો નો તિરસ્કાર અને આક્ષેપો.. જે કદાચ આજે પલ્લવ પણ જોઈ ગયો હતો. સમજી ચૂક્યો હતો કે આપણો સમાજ ભલે મોર્ડન હોવાનો દંભ કરતો હોય પણ ભારતીય સ્ત્રી કદાચ આજે પણ પતિ ને પરમેશ્વર મને છે..અને જો ના પણ માનતી હોય તો પણ પરિસ્થિતિ પ્રમાણે નાછૂટકે પતિ ને પરમેશ્વર સ્વીકારવું જ પડે નહીતો એવી તરછોડાયેલી સ્ત્રીનું સમાજ પણ અસ્વીકાર કરશે અને પોતાનુ ચારિત્ર્ય શુદ્ધ છે એ માટે આજે પણ લોકો અગ્નિપરીક્ષા લેતા નહીં અચકાય.



મિત્રો, આ વાર્તા નો શરૂઆત નો છેડો તો મેં લખ્યો પરંતુ અંત વિશે તમારો શું અભિપ્રાય છે? તમને શું લાગે છે, સલોની ને હવે પોતાના આત્મસમ્માન ખાતર લડવું જોઈએ કે જેમ અત્યાર સુધી જગદીશ ના આક્ષેપો સહન કર્યાં એમ જીવનની આ પાનખરની સંધ્યા માં પણ આવો આકરો તાપ સહન કરી પલ્લવ સાથે ઘરે પાછા ફરવું જોઈએ???

કમેન્ટ માં તમારો અભિપ્રાય ચોક્કસ આપજો મિત્રો.



બીજા રસપ્રદ વિકલ્પો