હદવિસ્તારણ Hiral Thakar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હદવિસ્તારણ

મને નવા ઘરમાં રહેવા જવાને બહુ સમય નહોતો થયો. ઘર બનતું હતું ત્યારથી જ લાલીયા અને ધોળકીને સાથે મારા બંધાતા ઘરમાં જોતી. ઘરમાં રહેવા ગઈ પછી રોજ સવારે ઝાંપાનું તાળું ખોલવા જાઉં અને લાલિયો-ધોળકી પૂંછડી હલાવતા આશાભરી નજરે ઉભા જ હોય. એક વાત બંનેની અજબ હતી. સવારે સાડા છ સુધી એ બંને ઉત્તર બાજુના ઝાંપા એ હોય અને ત્યાર પછી દક્ષિણ બાજુના ઝાંપા અને ટી.પી.રોડ બાજુ આવી જાય. આખી રાત મારા ઘરની સરખી ચોકી કરે. હું દરરોજ સવારે એ લોકોને રોટલી, બિસ્કિટ કે ખીચડી જે કાંઈ ઉપલબ્ધ હોય તે આપું. ક્યારેક નાના દીકરાને કહું તો એ પણ ખવડાવી આવતો. નાના દીકરાને એટલે મોકલતી કે એને કુતરાઓથી બહુ બીક લાગતી... એટલે એની બીક ભગાડવા એને મોકલતી.
     જો કોઈ વખત માંંરે લાંબા સમય માટે બહારગામ
જવાનું થાય તો લાલિયો અચૂક ઘરના ઝાંપા પાસે જ બેસી 
રહે એવું કામવાળી બેન પાસેથી મેં જાણેલું. સવારે કાઈ 
ખાવાનું આપું ત્યારે  ધોળકી ઝડપથી પોતાનો ભાગ ખાઈ 
જાય અને પછી લાલિયાના ભાગ પર તરાપ મારવા જાય. આ બાબતે લાલિયો ક્યારેક ઘુુરકીયુ પણ કરી લે તેમ છતાં ધોળકી માં કોઈ સુધારો મેં આજ સુુધી જોયો નથી. 
            એક વખતે સવારમાં દક્ષિણ બાજુના દરવાજે ખાવા બાબતે બંને વચ્ચે જોરદાર ઘુરકિયાબાજી થઈ અને બંને પછી અલગ રહેવા લાગ્યા. સવારે દરવાજો ખોલું ત્યારે બંને અલગ અલગ દરવાજે મળે. આવું લગભગ ત્રણ દિવસ ચાલેલું. બંને જુદા રહેવા લાગેલા. પણ ચોથા દિવસે પરિસ્થિતિ રાબેતા મુજબ થઈ ગઈ. આ વાત ને અઠવાડિયું વીત્યું હશે ત્યાં તો રસ્તા પરથી એક માયકાંગલું ડુગલ કૂતરું ત્યાંથી નીકળ્યું અને આ બંને એ ભેગા થઈને એને પોતાની હદ બહાર કાઢી મૂક્યું.  બીજા બે ડાઘીયા કૂતરા પણ આવેલા તોય આ બંને એ એ લોકોને તગેડી મૂક્યા હતા. એ બાબતે એમની એકતા જોઉં અને ખાવાનું વહેંચવામાં એમના ઝગડા જોઉં ત્યારે દેખાતો વ્યસ્ત સબંધ મારા મનમાં સવાલ ઉભો કરી દેતો.  પોતાની હદમાં કોઈને પ્રવેશવા ન દે તે પ્રકૃતિ તો આપણે સહુ સમજીએ જ છીએ. પણ હવે જે વાત કહું છું તે ઘણી જ આશ્ચર્ય જનક છે. 
            કોબા ટી.પી.1 નો એક રોડ નવેસરથી પ્લોટોની સ્કીમ વચ્ચેથી પડ્યો. આવતા જતા હું ત્યાં દીવાલ તોડવાનું કામ અને જે.સી.બી થી થતું ખોદકામ જોયા કરતી. એક પ્લોટિંગ સ્કીમના વચ્ચોવચ નવો ટી.પી રોડ સીધો જી.એન.એલ.યુ. નીકળે તેવી રીતે પડેલો. જો એ રોડ ના પડે તો અમારે અડધો કિલોમીટર ફરીને જી.એન.એલ.યુ. જવું પડતું. દક્ષિણ બાજુનો ટી.પી.રોડ પૂર્વ તરફ વધ્યો હતો.જે સીધો જી.એન.એલ.યુ અને પી.ડી.પી.યુ તરફ નીકળતો હતો. આ કામ ચાલતું હતું અને લાલિયો-ધોળકી દેખાતા ના હતા. હું સવારે તાળું ખોલવા નીકળું તો કોઈ દેખાય નહીં. ચારેક દિવસ આવું ચાલ્યું અને પછી મને કુતુહલ થયું કે આ બંને ક્યાં ગૂમ થઈ ગયા છે! આખરે ચોકીદારે કહ્યું કે પેલી પા આજકાલ એ  બેઉ રહેવા જતા રહ્યા છે. મેં કહ્યુ પેલી પા એટલે કઈ બાજુ? ચોકીદારે કહ્યું કે આ નવો રોડ પ્લોટિંગ સ્કીમ વચ્ચેથી પડ્યો એ સ્કીમમાં રહેવા જતા રહ્યા છે. માત્ર માણસને જ લોભ હોય છે , વધુ મેળવવાની ઈચ્છા હોય છે એવું નથી... લાલિયો અને ધોળકી આ નવા ટી.પી. રોડ માં પોતાની હદવિસ્તારણ માટે રહેવા જતા રહ્યા હતા. અને આ વાતને સાતેક દિવસ થયા હતા પછી મેં એક સવારે બંનેના નામની બૂમ પાડી તો ખરેખર તેઓ તેમની નવી હદ તરફથી દોડતા આવી રહ્યા હતા.