સાવરકર - પ્રકરણ - 1 Vedant Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સાવરકર - પ્રકરણ - 1

એ વ્યાયામ કરવા માટે નીચે ઉતર્યા,મુંબઈની ડોંગરી સ્થિત જેલના વિશાળ ચોગાનમાં એમને નજર ફેરવી.એમની નજર સમક્ષ થોડીવાર પહેલાંનો જેલર સાથેનો સંવાદ તરવરી ઉઠયો:


"તમને ૫૦ વર્ષની કાળા પાણીની સખત કેદની સજા ફરમાવવામાં આવી છે." જેલરનો ચિંતાજનક અવાજ એમના કાને અથડાયો.


"ઠીક છે." તેમણે કહ્યું.


મનોબળ ભાંગી નાખે એવા સમાચાર સાંભળ્યા પછી પણ અડગ,અવિચળ ઉભેલા આ ભારતમાતાના સપૂતને જેલર અહોભાવથી જોઈ રહ્યા.


"તમને જરા પણ ડર નથી લાગતો? ૫૦ વર્ષની કાળા પાણીની સખત કેદની સજા કેવી કષ્ટદાયક અને જીવભક્ષક હોય છે એનો તમને જરા સરખો પણ અણસાર છે ખરો?" જેલરે સહેજ ઉગ્રતાથી કહ્યું,ખરેખર તો એ આવા નીડર કેદીથી ડરી ગયો હતો.


"એવું નથી કે આ સમાચાર સાંભળીને હું વિચલિત નથી થયો પરંતુ સમજી વિચારીને મેં આ સંકલ્પનો સામનો કરવાનો વિચાર કરી લીધો છે.દેશને આઝાદી અપાવવાના જે સોગંદ લીધા છે એના માટે આવી એક તો શું ૧૦૦ સજા પણ મંજુર છે.મારા દેશની આઝાદી એટલી બધી સસ્તી નથી કે વિના પ્રયત્ને જ મળી જશે,એના માટે તો કેટલાય વીરોનું બલિદાન અનિવાર્ય છે.આઝાદીની એ પહેલી સવાર સ્વતંત્ર સેનાનીઓના રક્તથી રંગાયેલી હશે." એમણે જુસ્સાપૂર્વક કહ્યું.


અત્યારે પણ આ સંવાદ યાદ આવતા એમનામાં આઝાદીનો, નવી આશાનો સંચાર થયો.એમનો વ્યાયામનો સમય પૂરો થતા હવાલદાર એમને એમની ઓરડીમાં મૂકી ગયા. ત્યાંજ કોકના બૂટનો લયબદ્ધ અવાજ ગુંજી ઉઠયો. મુખ્ય અધિકારીએ આવીને એમની સમક્ષ જમવાની થાળી રાખી. એમની થાળીમાં અમુક પકવાનો હતા.એમને નજર કરી અને થાળીમાંથી એ માત્ર સાદી વસ્તુઓ જ જમ્યા.


"અરે! તમે સ્વાદિષ્ટ પકવાનો તો ચાખ્યા જ નહીં." અધિકારીએ કહ્યું.


“મેં માત્ર એટલુંજ ગ્રહણ કર્યું જે અહીંના કેદીને જમવામાં આપવામાં આવે છે. કાલ સવારે હું પણ એ લોકોની હરોળમાં જ ઉભો હોઈશ ત્યારે થાળીમાં જે પીરસવામાં આવશે એ જ ભોજન ગ્રહણ કરવાનું છે." એમણે હસતાં હસતાં કહ્યું.


થોડીવારમાં સુપરિટેન્ડેન્ટ સાહેબે આવીને સહાનુભુતિ સાથે કહ્યું, "હવેથી તમને કેદીના કપડાં અને જમવાનું આપવામાં આવશે."


"જી" ટૂંકો ઉત્તર આપી એમને પહેરેલા કપડાં હવાલદારને સુપરત કર્યા અને કેદીના ક્રમાંક નંબર લખેલા કપડાં પહેર્યા.


"હવે આજીવન આજ કપડાં રહેશે મારા શરીર પર,મારી અરથી હવે આમાં જ નીકળશે."તેમનું મન પોકારી ઉઠયું,થોડીવાર માટે એ અસ્વસ્થ થઇ ગયા.તેમની નજર કપડાં પર લગાડેલા ક્રમાંકના બિલ્લા પર પડી, એમાં કેદીની સજા તથા મુક્તિની સાલ લખેલી હતી,એમના લોખંડના બિલ્લા પર લખ્યું હતું "૧૯૧૦-૧૯૬૦", પુરા ૫૦ વર્ષ!


"ચિંતા નહીં કરો,૧૯૬૦ માં તો તમે છૂટી જ જશો,એમ તો અંગ્રજો દયાળુ છે." અધિકારી એ વ્યંગ કરતાં કહ્યું.


"મૃત્યુ એનાથી પણ વધુ દયાળુ છે,એ મને પહેલાં મુક્તિ અપાવશે તો?" તેઓ બોલ્યા અને બંને હસી પડયા.


* * *


હવાલદારે આવીને કહ્યું, "તમને મળવા માટે કોઈ આવ્યા છે."


થોડીવાર પછી કોઈનો પગરવ તેમના કાને પડયો,તેમને જોયું તો જેલના સળિયાની પેલે પાર એમના ધર્મ પત્ની એમના મોટા સાળા સાથે ઉભા હતા.


કેદીના પહેરવેશમાં, હાથ અને પગમાં રહેલી સખ્ત બેડીઓ વચ્ચે એ પહેલીવાર એમના સ્વજન સમક્ષ ઉભા હતા.ચાર વર્ષ પહેલાં જયારે એ વકીલાતના અભ્યાસાર્થે ઇંગ્લેન્ડ ગયા હતા ત્યારે એ બધાએ વિચાર્યું હતું કે જયારે એ પાછા આવશે ત્યારે બેરિસ્ટરના રુઆબદાર પહેરવેશમાં હશે,પરંતુ અત્યારે પરિસ્થિતિ વિપરીત હતી. આવી રીતે પોતાના પતિને નિઃસહાય, નિરાશાની બેડીઓમાં જકડાયેલા જોઈને એ ૧૯-૨૦ વર્ષની કન્યાના નાજુક મન અને કુણાં હૃદય પર કેટલી ઠેસ પહોંચી હશે?!


"તમે મને ઓળખી તો ગયા છો ને? માત્ર વસ્ત્ર પરિવર્તન થયું છે,હું તો એનો એ જ છું હોં." પોતાને આવી હાલતમાં જોઈને પોતાની પત્નીને દુઃખ ના થાય એટલા માટે તેમણે વિનોદવૃત્તિ કરતાં કહ્યું.


વાતાવરણ હવે હળવું થઇ ગયું હતું અને ત્રણેય વાતો કરવા લાગ્યા. એ વાત તેઓ ભૂલીજ ગયા કે અત્યારે તેઓ ઘરમાં નહી પરંતુ જેલમાં બેઠા છે. ત્યાંજ હવાલદારે આવીને મળવાનો સમય સમાપ્ત થયો છે એવો સંકેત કર્યો.


* * *


ડોંગરી જેલ બાદ તેઓને ભાયખલા કારાવાસ અને ત્યારબાદ થાણે જેલમાં પણ લઇ રાખવામાં આવ્યા હતા.


આજે સવારથી જ થાણે જેલમાં ચહલ-પહલ હતી,આજે 'અંદમાનનું ચાલાન' આવવાનું હતું.જેમાં કાળા પાણી માટે એવા લોકો કે જે અપરાધી,બદમાશ,નામી ચોર,ખતરનાક ડાકુ,નિર્દયી હત્યારા,આગ લગાડવા વાળા હોય તેવા તમામને સજાપાત્ર ગણવામાં આવતા. અંગ્રેજ સરકારના મતાનુસાર એવા લોકો કે જેમને સમાજમાં રહીને સામાન્ય જીવન જીવવાનો કોઈજ અધિકાર નથી, તે બધાંને અંદમાનની સેલ્યુલર જેલમાં રાખવામાં આવતા,એમાં ભારતના ક્રાંતિકારીઓનો પણ સમાવેશ થતો હતો.


તેમાથી આ એક ક્રાંતિકારી ઇંગ્લેન્ડમાં ફરમાવેલી જેલની સજા દરમ્યાન માર્સેલિસથી ભાગી છૂટ્યા હતા. બીજી બાજુ તેમને કાળાપાણીની સજા થતાં જ લોકોમાં આક્રોશ ફેલાઈ ગયો હતો. કાળા પાણીની સજા ફટકારવામાં આવેલા બધા કેદીઓને થાણે જેલથી પગપાળા જ રેલવે સ્ટેશન સુધી લઇ જવામાં આવતા હતા.

પણ માર્સેલિસનાં કડવા અનુભવને નજરઅંદાઝ ન કરી અંગ્રેજ સરકારે એમને રસ્તામાંથી કોઈ ભગાડીને લઇ ન જાઈ એટલા માટે એમને બીજા કેદીઓની જેમ પગપાળા લઇ જવાને બદલે બે પોલીસ સાથે સ્વતંત્ર ગાડીમાં બેસાડીને લઇ જવામાં ડાહપણ લાગ્યું.


રેલગાડીમાં પણ અંગ્રેજ અધિકારીના કડક બંદોબસ્ત વચ્ચે તેમને અલગ ડબ્બામાં બેસાડીને લઇ જવામાં આવ્યા. તેમની લોકપ્રિયતાના કારણે દરેક સ્ટેશન પર જનસમૂહની ભીડ તેમને જોવા માટે ઉમટી રહી હતી, જેમાં ગોરા લોકોનો પણ સમાવેશ થતો હતો. શરૂઆતમાં જયારે પણ કોઈ સ્ટેશન આવતું ત્યારે અધિકારીઓ તેમને બેસાડેલા ડબ્બાની બધી બારીઓ બંધ કરી દેતા હતા. પણ જોખમ ન લાગતા હવે પછી આવનારા સ્ટેશન પર બધી બારીઓ ખુલી રાખવામાં આવી હતી. કેટલાંક ગોરા લોકોએ તો એમને જોવા માટે ઉત્સુકતાવશ એમની મેમસાબોને ખભા પર બેસાડી લીધા હતા,એવો હતો એમનો માન મર્તબો!


એક અંગ્રેજ અધિકારીએ એમને દરવાજા પાસે ઉભા રાખ્યા,ત્યાં તો બહાર ઉભેલા એક ગોરાએ એમની તરફ સંકેત કરી જોરથી બોલ્યું, "There's he,that is Savarkar,Veer-Savarkar"


* * *


વીર સાવરકરને તેમની ક્રાંતિકારી ચળવળોને લીધે અંગ્રેજો દ્વારા બે વખત આજીવન કેદની સજા (કુલ ૫૦ વર્ષની સખત કેદ) આપવામાં આવી,જે એક ઐતિહાસિક ઘટના હતી.કારણકે આ પહેલાં કોઈપણ વ્યક્તિને આ પ્રકારની સજા આપવામાં આવી નહોતી.તેમને કાળા પાણીની સજા,અંદમાન-નિકોબારના ગાઢ જંગલમાં આવેલી કાળ-કોટડી સમાન સેલ્યુલર જેલમાં ભોગવવાની હતી. એક તો આગ વરસતી ગરમી,ઉપરથી કેદીઓને પહેરાવેલાં શણના કપડાંના લીધે ગરમી સહન ન થઇ શકે એટલી હદે તીવ્ર હતી.બીજા ડબ્બાનાં કેદીઓ ધમપછાડા કરી રહ્યા હતા એટલે બધાંને સાંકળથી બાંધીને રાખવામાં આવ્યા હતા.ટ્રેન મુગલ મેદાનથી આગળ વધતી મદ્રાસ તરફ જવા લાગી.


રેલગાડીની ઝડપની સાથે ચલચિત્રની જેમ બદલાતા શહેર , ગામડાં , નદી , પર્વતના અનેકવિધ દ્રશ્યો જેમ જેમ પાછળ છૂટતા જતા હતા તેમ તેમ સાવરકરનું આંતરમન પોકારી ઉઠયું કે ફરી પાછો આ બધા સાથે મારો નાટો જોડાશે કે કેમ.


મદ્રાસ પહોંચતાં જ કેદીઓને "મહારાજ" નામના જહાજમાં ચડાવવામાં આવ્યા,જહાજનો નીચલો હિસ્સો જે અંધારીઓ,હવાઉજાસ વગગરનો હતો એવા ભોંયતળિયાના એક પિંજરા માં જેમાં ૨૦-૨૫ લોકો જ આવી શકે એમાં ૫૦ લોકોને ઠૂંસી ઠૂંસીને પૂરી દેવામાં આવ્યા,જેમાં સાવરકર પણ હતા. સાવરકર દમના રોગી હોવાના કારણે આવી જગ્યામાં જતાં એમનો શ્વાસ રૂંધાવા લાગતો. એમણે અધિકારીને ભલામણ કરી કે એમને કોઈ બીજી જગ્યા આ રાખવામાં આવે તો સારું, અધિકારીએ એમ કહીને વાત ટાળી દીધી કે જયારે તબિયત બગડશે ત્યારે જહાજના ડોક્ટરને બોલાવવામાં આવશે, ત્યાં સુધી અહીં જ રહેવાનું છે. એક તો નાહ્યાં ધોયા વગરના કેટલાંક કેદીઓના શરીરમાંથી વછૂટતી દુર્ગંધ, ઉપરથી શૌચક્રિયા માટે પણ ત્યાં રહેલા એક પીપનો ઉપયોગ કરવાના લીધે ભોંયતળિયામાં ગંદકીનો પાર નહોતો.


સહનશીલતાનું ઉત્તમ દ્રષ્ટાંત આનાથી વધારે બીજું શું હોઈ શકે? મિત્રો,ભારતને આઝાદી અપાવનાર દરેક વીર સપૂત,ક્રાંતિકારી,સ્વાતંત્રસેનાનીના બલિદાનને આપણે જેટલું મૂલવીએ એટલું ઓછું જ છે.આ વીર સપુતોના જીવનચરિત્ર આજની યુવાપેઢી માટે પ્રેરણાના સ્ત્રોત સમાન છે. તેવા પ્રત્યેક ભારતના સપુતના ચરણોમાં શત શત વંદન.


ક્રમશ:


મિત્રો,આ પ્રકરણ અહીં સમાપ્ત થાય છે,કેવો લાગ્યો તમને સાવરકરની જીવનકથનીનો આ ભાગ એ જરૂરથી જણાવશો,તમારા દરેક સૂચનો આવકાર્ય છે.બીજો ભાગ ટૂંક સમયમાં પ્રકાશિત કરીશું અને હા મિત્રો,આ ભાગને રેટ અને રિવ્યૂ કરવાનું ભૂલશો નહીં..


(નોંધ : વીર સાવરકરના જીવન પર આધારિત પુસ્તકોમાંથી મળેલી માહિતીના અંશો અહીં પ્રસ્તુત કર્યા છે.)