હું રડી રહ્યો હતો, ત્યાં જ મારો ફોનની ઘંટડી ફરીથી વાગી અને જોયું તો મારા રૂમમેટ અખિલ ઉર્ફે લાલો અને રાજામાંથી રાજાનો ફોન હતો
મેં રડતા રડતા જ આંખો લુછી અને પોતાને સ્વસ્થ કરતા ફોન ઉપાડ્યો
"કેમ આટલીવાર લાગી લ્યા, કોના વિચારોમાં હતો..?" રાજા રાજાની જેમ જ બોલ્યો
"કોઈના નઈ, બોલ કેમ ફોન કર્યો..?" મેં ટૂંકમાં જ જવાબ આપીને સામે ફરી સવાલ કરતા કહ્યું
"પેટનો ખાડો પૂર્યો કે નઈ, એ પૂછવા જ ફોન કર્યો છે ભાઈ" રાજા બોલ્યો
"મને ઈચ્છા નથી, તમે ખાઈ લો." કઈને મેં ફોન કાપ્યો
પણ એ આમ મને એમ નહોતો એટલે મને લાગેલું એમ જ ફરીથી એનો ફોન આવી ગયો
"નથી ભાઈ ભૂખ મને, કેમ હેરાન કરે" હું ગુસ્સે થતા બોલ્યો
મારો આવો જવાબ સંભાળીને જ કદાચ એ પણ જમ્યા વગર જ ત્યાંથી પાછા શક્ય એટલી ઝડપે ઘરે આવી ગયા અને દરવાજો ખખડાવા લાગ્યા જાણે કે હું ના ખોલું તો દરવાજો તોડી જ દેત જાણે કે એમને પણ મારી પરીસ્થિતિનો અંદાજો આવી ગયો હતો
મારો દરવાજો ખોલતા જ એ મારા તરફ ધસી આવ્યો અને મને પકડીને બોલ્યો, "શું થયું ભાઈ..? ઘરે બધું બરાબર તો છે ને..!" રાજ અને લાલાના ચેહરા પર ચિંતા સાફ દેખાઈ રહી હતી
"મમ્મી..." બોલતા જ મારા ગળામાં ડૂમો બાઝી ગયો
"શું થયું કાકીને ભાઈ બોલ, કઈ સીરીયસ તો નથી ને" અખિલ એટલે કે લાલો બોલ્યો
"પેહલા સ્ટેજનું કેન્સર છે આજે જ ખબર પડી હમણાં પપ્પાનો ફોન આવેલો તો ખબર પડી મને" હું માંડમાંડ બોલી સક્યો અને ત્યાં રૂમમાં રાખેલ લોખંડના પલંગ પર બેસી ગયો
"લે ભાઈ, આ પાણી પી લે" રાજા પાણીનો ગ્લાસ મારી તરફ રાખીને બોલ્યો અને એના હાથમાંથી ગ્લાસ લઈને હું એક જ ઘૂંટડામાં હું પાણી ગટગટાવી ગયો
મારું મગજ તો અત્યારે બીજે જ ક્યાંક હતું કાલે શું થશે એના વિચારો મને ઝંપવા દેતા નહોતા, અને બસ પછી આખી રાત બસ આ જ વિચારોમાં પડખા ફેરવા કર્યા પણ આખી રાત ઊંઘ તો આવી જ નઈ અને ઉપરથી આખું બોક્ષ સિગારેટ પી ગયો એ વધારામાં
સવારનો સુરજ બાલ્કનીમાંથી રૂમમાં આવી ગયો હતો અને મને ઊંઘતો મુકીને જ રાજા અને લાલો પોતાનું કામ શોધવા નીકળી ગયા હતા મારી આંખ ખુલી અને આંખો ચોળતા જ મોબાઇલમાં જોયુ તો સવારના સાડા નવ વાગી ગયા હતા અને વસીમના ત્રણ મિસકોલ આવી ગયા હતા
"હા બોલ કેમ કોલ કરેલો" હજુ આળસમાં જ અને ગઈકાલના વિચારોમાં હું ઉભો થતા આંખો ખોલીને સિગારેટ સળગાવીને બાલ્કનીમાં જતા ફોન કરતા બોલ્યો
"સાડા નવ થયા નવ વાગ્યાનો ટાઈમ છે અહિયાં આ ઓફીસ નામના નર્કમાં આવાનો કેટલીવારમાં આવીશ..?" વસીમ મારા માટે ચિંતામાં લાગી રહ્યો હતો
"આજે થોડું અરજન્ટ કામ છે તો નઈ અવાય પેલા ખડુસને કઈને સાઈટ પર જવા નીકલજે, સારું ચલ સાંજે વાત કરું" ત્યારે મને વસીમને મારી મમ્મી વિશે કઈ ચિંતામાં નાખવાનું યોગ્ય ના લાગ્યું એટલે આટલી વાત કરીને ફોન મુકીને હું નાહવા ગયો
નાહીને બહાર નીકળ્યો ત્યાં જ પપ્પાનો જ ફોન હતો, સ્ક્રીન પર નામ જોઈને જ મારી આંખોના ખૂણા ફરીથી ભીના થઇ ગયા
"હા પપ્પા બોલો" હું મારી જાતને સંભાળીને બોલ્યો
"રતન હું અને તારી મમ્મી તે કહેલું એ બસસ્ટેન્ડ પર આવીને ઉભા છીએ, તું ક્યાં છે" પપ્પાનો અવાજ હમેશા કરતા ધીમો અને રડમસ હતો
"બસ તમે ત્યાં જ રાહ જુઓ હું થોડી જ વારમાં પહોચ્યો" કહેતા મારા પગ અને મારું દિમાગ ઝડપથી કામ કરવા લાગ્યું
પંદરેક મિનીટમાં તો હું મારા રૂમથી ગીતામંદિર બસસ્ટેન્ડ પર મારા મમ્મીપાપા સામે ઉભો હતો, મમ્મીની આંખોમાંથી આવતા આંસુ જોઇને હું પણ મારી જાત પર કંટ્રોલ ના કરી સક્યો અને મમ્મીના ગળે વળગીને રડી પડ્યો, જે મારા આંસુ કાલના આવ-જા કરી રહ્યા હતા, હવે એ ધ્રુસકે ધ્રુસકે બહાર આવી રહ્યા હતા કેમ કે ઉનાળામાં મારી માને મળેલો આજે એને નજર સામે જોઈ રહ્યો હતો અને એ પણ આવી હાલતમાં, પપ્પાની આંખોની પાળ પણ તૂટી ચુકી હતી અને વાતાવરણ લાગણીમય બની ચુક્યું હતું
ત્યાંથી હું પેહલા એમને ઘરે લઇ આવ્યો અને પછી ભલે ત્રણેમાંથી કોઈને પણ જમવાની ઈચ્છા નહોતો તો પણ જમીને જ હોસ્પિટલ જવાનો નિર્ણય કર્યો
"જલારામ પરોઠા હાઉસ" માં જમીને પછી ત્યાંથી અમે જોડે રીક્ષામાં શેલ્બી હોસ્પિટલ જવા નીકળી ગયા કારણ કે આજે બાઈકને રજા પર ઘરે જ રાખ્યું હતું કેમ કે ત્રણ જણા એમાં જઈ શકે એમ જ નહોતા
વિચારોમાં ને વિચારોમાં થોડીક જ વારમાં શેલ્બી હોસ્પિટલ પહોચી ગયા, હોસ્પિટલ આગળ ઉતરીને હું પૈસા ચૂકવીને મમ્મી અને પપ્પા પાછળ ચાલવા લાગ્યો
"મે આઈ કમ ઇન સર..?" કેસ કઢાવીને લાઈનમાં રાહ જોઈને નંબર આવતા જ હું ડોક્ટરના કેબીનનો દરવાજો ખોલતા બોલ્યો
"હા આવો આવો" ડોક્ટર બોલ્યા અને અમે અંદર ગયા
ડોક્ટરે જુના રીપોર્ટને આવું બધું અને મમ્મીને ચેક કરીને મારી અને પપ્પા સામે આવીને બેઠા
"રીપોર્ટસ અને તમારી પત્નીની હાલત જોઈને લાગે છે કે એમને પહેલા સ્ટેજનું કેન્સર છે, પણ હજી ચિંતા કરવાની કોઈ જરૂર નથી, હજી એમને આપડે બચાવી શકીએ છીએ પણ એના માટે લગભગ ચાર-પાંચ લાખનો ખર્ચો આવશે હજી તમારી પાસે વિચારવા અને નિર્ણય લેવા માટે એક મહિના જેટલો સમય છે કેમકે હજી તો કેન્સરની શરૂઆત છે, જો એનાથી વધુ સમય જશે તો કેન્સર ફેલાતું જશે અને અમારા માટે અમને બચવા મુશ્કેલ થતા જશે અને તમારો ખર્ચો પણ વધતો જશે" ડોક્ટર પહેલા મારા પપ્પા અને પછી મારી સામે જોઇને બોલ્યા
"કઈ ઓછા નઈ થઈ શકે આમાં કેમ કે આટલા બધા રૂપિયા ભેગા કરવા અમારી ઔકાત બાર ની વસ્તુ છે સાહેબ" પપ્પા હાથ જોડતા બોલ્યા અને એ જોઈને મારું માથું શરમથી નીચે ઝુકી ગયું
"આમાં મારું કઈ નથી બધો હોસ્પિટલનો જ ખર્ચો છે, આટલામાં થઈ જશે પણ એનાથી ઓછા તો કદાચ નઈ જ થાય" ડોક્ટર બોલ્યા અને એમને એમની ફરજ પૂરી કરી, "અને અત્યારે આ દવા ચાલુ કરજો જેનાથી હાલ રાહત રેહશે" કેહતા ડોક્ટરે પ્રીસ્ક્રિપશન આપ્યું
"ધન્યવાદ સાહેબ" કહેતા હું એ પ્રીસ્ક્રિપશન લઈને પપ્પા સાથે કેબીનમાંથી બહાર નીકળી ગયો, બહાર મમ્મી આ પૈસાની અને એ બધી વાતોથી અજાણ હતી
આજનો જ આ હોસ્પિટલનો ખર્ચો મારા આખા મહિનાના બજેટને હલાવી નાખે એવો હતો કેમકે પંદર હજારના પગારમાંથી બાર હજાર ઘરે મોકલીને બાકીના ત્રણ હજારમાં મહિનો ચલાવતો અને મારા શોખ પુરા કરતો ને બાકીના કોઈ વખત ઓવર ટાઈમના મળે એ અલગ, ખેંચી ખેંચીને મારું અને મારા ગામડે રેહતા પરિવારનું ગાડું ગબડતું રેહતું, એક સાંધો તો તેર તૂટે એવી પરિસ્થિતિમાં અમે જીવતા અને હાલ તો બવ જ મોટી આફત માથે આવી પડી હતી, બીજા કોઈ સગાવ્હાલા જોડે માંગી શકાય એમ નહોતા કેમ કે બધાની હાલત અમારા જેવી જ હતી, ઈલાજ માટે દસ લાખ ક્યાંથી આવશે કદાચ એ જ ચિંતામાં હું અને પિતાજી હતા
"શું કીધું ડોક્ટર સાહેબે..?" મમ્મી એ મારી તરફ જોઈને પૂછતાં કીધું
"કઈ નઈ ખર્ચો થશે પણ તમે ઠીક થઇ જશો..!!" મેં મમ્મીને અધુરી જ વાત કીધી કેમકે હું એને વધારે ટેન્શન આપવા માંગતો નહોતો
"કેટલો ખર્ચો થશે આવું તો કઈ કીધું હશે ને" મમ્મીએ પૂછ્યું
"તમે એ બધાની ચિંતા ના કરો તમે આરામ કરો બધુ હું સંભાળી લઈશ" હું હસવાની કોશીશ કરતા બોલ્યો
"તો બેટા અમે હવે ગામડે ઘરે જવા માટે નીકળી જઈએ, તારા ભાઈ અને બહેન અમારી રાહ જોતા હશે" પાપા મારી આંખોમાં જોઈને બોલ્યા, એ આંખો હમણાં રડી પડશે એવી પરિસ્થિતિમાં હતી આજે પેહલીવાર મેં મારા બાપને આટલો મજબુર અને હતાશ જોયો હતો
પરિવારનો મોભી હોવા છતાં એના હાથ બંધાયેલા હતા એ પરિવાર પર આવેલી આ મુસીબતનો કોઈ રસ્તો શોધી શકતો નહોતો, એને આ મજબૂરી અને નાલેશીમાંથી બહાર કાઢવો હવે મારી ફરજ કરતા પણ વધુ એક દીકરાનું કર્તવ્ય હતું
મારા રોકવાથી પણ એ રોકાયા નઈ અને પછી એમની ઈચ્છાને માન આપીને હું અમને બસસ્ટેન્ડ જઈને બસમાં બેસાડી આવ્યો, એ વખતે મારી આંખો પણ રડવા માંગતી હતી પણ મારા આંસુ સુકાઈ ગયા હતા, ઘણીબધી વાતો મારે એ માના ખોળામાં માથું નાખીને કરવી હતી એ બાપને તમે ચિંતા ના કરશો કેહવું હતું પણ "આવજો અને ધ્યાન રાખજો" આટલું જ મારાથી બોલી શકાયું