મજબૂરી Ketul Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મજબૂરી

 "શું થયું બોસ ફરી બગડ્યો કે શું તારા પર...?" મારા કલીગ અને ખાસ મિત્ર એવો વસીમ મને બોસની કેબીનમાંથી હતાશ અને ઉતરેલા મોઢે નીકળતો જોઇને પૂછ્યું 

"એના સિવાય એની જોડે બીજું કામ શું છે, સાલો પગારના નામે પરચુરણ આપે છે અને કામમાં ગધ્ધાવેન્તારું કરાવીને ઠૂસ કાઢી નાખે છે" હું એના સામે જોઇને બોલ્યો

આ તો અમારી માટે કાયમી હતું બોસની સામે તો કઈ બોલી શકવાના હતા નઈ એટલે પાછળ બોલીને દિલ હલકું કરી લેતા, સ્વભાવથી એકદમ ખડૂસ અને એના મોઢા પર ખુશીની રેખા તો ક્યારેય જોઈ જ નથી

"કઈ નઈ આ તો રોજનું છે ભાઈ આજે તારો વારો તો કાલે મારો વારો" વસીમ હસતા બોલ્યો અને આ સંભાળીને તો હું પણ હસી પડ્યો 

"શું ખબર એનું બૈરું ચા ના બદલે દીવેલ પીવડાવીને ઓફીસ મોકલે છે કે શું..??" કેહતા હું વસીમની બાજુની ખુરશીમાં ગોઠવાયો 

"ઘણીવાર તો લાગે છે સાલું આ એન્જીનીયર બનીને જ ભૂલ થઇ ગઈ , પગાર કઈ મળે નઈ ને આખો દિવસ આ સાઈટ પરથી પેલી સાઈટ પર તડકામાં ટીફીનના ડબલા લઈને રખડવાનું, એક રવિવાર સિવાય ગરમ ખાવાનું મળતું નથી" વસીમ રોજના જેમ જ એન્જીનીયર હોવાનું દુખ ગાવા લાગ્યો

"એવું નથી ભાઈ જેને મળે છે અમને તો સારો એવો પગાર છે આપડે પણ ત્યાં પહોચીશું હિંમત રાખ યાર" હું એનામાં નવી હિંમતનો સંચાર કરતા બોલ્યો 

"કેટલી હિંમત હવે તો એ પણ નથી, જ્યારથી એન્જિનિયર બન્યો એ જ વરસથી હજી સુધી સાલા ચાર વરસ થયા હજી પણ પગાર તો પરચુરણ અને કામનો તો પાર નઈ" વસીમ આજે હૈયાવરાળ ઠાલવી દેવાના મૂડમાં હતો 

એની વાત એમ તો ખોટી પણ નહોતી, ચાર વરસ પેહલા જ્યારે અહિયાં નોકરી પર આવ્યા ત્યારે જોયેલા સપના અને આજની હકીકતનો દુર દુર સુધી ક્યાય મેળ નહોતો ખાતો, પોતાની ગાડીનું અને ઘરવાળાને લોઅર મિડલ ક્લાસમાંથી અપર મિડલ ક્લાસનું સપનું હતું પણ હાલ તો એક ખખડેલ બાઈક જ હતી જે મારો સાથ નિભાવી રહી હતી અને પરીવારની દશા હજી પણ એવી જ હતી 

"કઈ નઈ ભાઈ આપડું નસીબ પણ પલટાશે એક દિવસ, ચલ ખાઈ લઈએ પછી અહિયાં વાતો કરતા જોશે તો પાછો બોલાવશે અંદર" હું ટીફીન ખોલતા બોલ્યો 

"હા ખાવું તો પડશે ને બીજું તો શું થાય" વસીમ અને ટીફીન લેતા બોલ્યો 

હું વિચારી રહ્યો હતો કે હું અહિયાં નોકરી કેમ કરું છુ, આ કંપનીને મેં મારા ચાર વરસ આપ્યા પણ એને મને શું આપ્યું, માત્ર એક રોજ ધમકાવતો બોસ, એવું નહોતું કે બીજી કોઈ કંપનીમાં નોકરી નહોતી પણ એતો આના કરતા પણ ઓછો પગાર આપતી હતી, હાલ મારી અને મારા પરિવારની જરૂરિયાત પૈસા હતી

 એ દિવસ તો એમ પણ "ખડૂસ" ના લીધે બગડેલો,  આ તો રોજ નું હતું પણ ખબર નઈ  આજે હું કઈક વધારે જ એના વિશે વિચારી રહ્યો હતો, કામ પતાવીને રોજના સમયે હું મારું ખખડધજ બાઈક લઇને મારા રૂમ પર પહોચ્યો 

હા, હું અમદાવાદમાં પરિવારથી દુર સાવ એકલો તો નઈ પણ બીજા બે મારા રૂમમેટ જોડે રેહતો. એમની પણ પૈસેટકે હાલત મારા જેવી જ હતી, એ બંને આઈ.ટી.આઈ. કરેલા અને જ્યાં મળે ત્યાં ઈલેક્ટ્રીશિયનનું કામ કરતા, એમનું અને મારું વતન અમદાવાદથી દુર ઘણું દુર હતું, પણ બધાનો  પરિવાર પોતપોતાના દીલથી એકદમ નજીક હતો

હું ઘરે આવીને શાંતિથી રૂમમાં આવેલી એક બાલ્કનીમાં બેઠો બેઠો સિગારેટના કશ ખેંચી રહ્યો હતો અને એના ધુમાડા વાતાવરણમાં મુક્ત કરી રહ્યો હતો, ત્યાં જ મારો મોબાઇલ રણકી ઉઠ્યો અને જોયું તો ઘરેથી પપ્પાનો ફોન હતો. મહિનામાં માંડ એકાદવાર હું સામેથી ફોન કરતો જયારે મા ની યાદ આવતી અને જયારે ઘરે પૈસા મોકલતો ત્યારે જ વાત થતી અને આજે અચાનક સામેથી પપ્પાનો ફોન..!

"હા બોલો પપ્પા, કેમ આજે અચાનક ફોન કર્યો ?" હું કઈક અણધાર્યું થયું હશે એવા સમાચાર માટે ખુદને તૈયાર કરી રહ્યો હતો અને સિગારેટને બાલ્કનીની પાળી પર ઓલવીને હું પપ્પાની વાત સાંભળતો હતો 

"બસ કઈ નઈ રતન, ખાલી તારી જોડે વાત કરવાની ઈચ્છા થઇ તો કીધું લાવ ફોન કરી લવ" પપ્પા ખુદને સંભાળીને બોલી રહ્યા હતા, પણ મને કઈક અજુગતું હોવાનો આભાસ થઇ ગયો હતો

"પપ્પા બોલો શું થયું..? તમે કઈ છૂપાવી રહ્યા છો મારાથી..!!" મેં સામેથી જ પૂછ્યું 

"ચારપાંચ દિવસથી તારી મમ્મીને તબિયત ખરાબ હતી દાકતર જોડે લઇ ગયા હતા પેહલા તો થોડાક રીપોર્ટ ને આવું કરાવ્યું અને આજે રીઝલ્ટ આવ્યું રીપોર્ટનું તો પેહલા સ્ટેજનું કેન્સર છે એવું એ દાકતર નું કેહવું છે" એ મારો બાપ નઈ પણ જાણે કે મારી માને બચાવા માંગતો એનો પતિ બોલી રહ્યો હતો

એક બાપ આજે છોકરાથી છુપાવી રહ્યો હતો, કદાચ એ મદદ માંગતા અચકાઈ રહ્યો હતો એ પોતે પોતાની જવાબદારીથી ભાગી રહ્યો હતો અને બધો જ ભાર એ પોતાના પચ્ચીસ વરસના છોકરાના ખભા પર મુકવા માંગતો નહોતો એ ક્ષોભથી ભોંઠો પડી રહ્યો હતો આવું એને કદાચ લાગી રહ્યું હતું

"ક્યારે થયું તમેં મને પેહલા જાણ કેમ ના કરી, હું આવી જાત ત્યાં કે તમે માને લઈને અહી અમદાવાદ આવી જાઓ આપડે સારામાં સારા ડોક્ટરને મળીશું, મમ્મીને બચાવી લઈશું તમે ચિંતાના કરો અને કાલે જ અહી આવી જાઓ" હું રડમસ અવાજે બોલ્યો

"હા, રતનબેટા કાલે સવારે જ આવી જઈશું" પપ્પા બોલ્યા

"તમે ચિંતા ના કરશો, બધુ ઠીક થઇ જશે" મેં એમને સાંત્વના આપવા કહ્યું પણ હું જ શાંત નહોતો આંસુ અટકવાનું નામ નહોતા લેતા   

ફરીથી મેં બોક્ષમાંથી બીજી સિગારેટ કાઢીને સળગાવી અને મારું મગજ વિચારોના ચકરાવે ચડી ગયું હતું કેમ કે અમદાવાદ જેવા મોટે શહેરમાં પૈસા વગર કઈ પણ કરી શકવું અશકય જ હતું સિવિલના ધક્કાથી અને એની કામગીરીથી હું સારી રીતે વાકેફ હતો,  ક્યાંથી આવશે પૈસા, ઘડીક એમ થતું કે ઉપાડ લઈ લઈશ પણ મારો બોસ એક દમડી નઈ છૂટે આનાથી એ ઉપાડ આપશે, ગામડાનું ઘર વેચી દઇશ, પણ પછી પાછળ પરણવા યોગ્ય તૈયાર ઉભેલી બહેન અને ભણી રહેલા નાના ભાઈનું શું વિચારો ઘણા હતા પણ મગજ કોઈ નિર્ણય પર નહોતું પહોચી રહ્યું પણ એકવાર મોટી હોસ્પિટલમાં ગયા વગર છુટકારો જ નહોતો